Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 78

આસાફનું માસ્કીલ.

મારા લોકો, મારો નિયમ સાંભળો;
    મારા મુખના શબ્દોને તમે ધ્યાનથી સાંભળો.
હું ષ્ટાંતો દ્વારા તમારી સાથે વાત કરીશ,
    અને હું ભૂતકાળનાં રહસ્યોની વાત સમજાવીશ.
જે વાત આપણે સાંભળી છે તથા જાણી છે;
    જે આપણા પૂર્વજોએ આપણને કહી છે.
યહોવાના મહિમાવંત સ્તુતિપાત્ર કૃત્યો,
    તેમનું પરાક્રમ અને આશ્ચર્યકર્મો
આપણા સંતાનોથી આપણે સંતાડીશું નહિ;
    આપણે આપણી ભાવિ પેઢીને જણાવીશું.
કારણકે તેમણે યાકૂબ સાથે તેમનો કરાર કર્યો
    અને તેણે ઇસ્રાએલને નિયમ આપ્યો,
તેમણે આપણા પૂર્વજોને આદેશ આપ્યો
    કે તેમણે તેમના બાળકોને આ બાબતમાં કહેવું.
જેથી આવતી પેઢીનાં જે બાળકો જન્મે તેઓ તે જાણે,
    અને તેઓ મોટાઁ થઇને પોતાનાં સંતાનોને તે જણાવે.
જેથી તેઓ સહુ દેવનો આશા રાખે,
    અને દેવનાં અદભૂત કાર્યોને વિસરી જાય નહિ,
    અને તેમની આજ્ઞાઓને પાળે.
વળી તેઓ પોતાના
    પિતૃઓ જેવા હઠીલા, બંડખોર,
અવિશ્વાસુ અને દેવને પોતાનું અંત:કરણ
    સોંપવાનો નકાર કરનાર ન થાય.

એફ્રાઇમના લોકો શસ્રસજ્જ હતાં
    છતાં તેઓએ યુદ્ધ દિને પીછેહઠ કરી.
10 કારણ, તેમણે દેવનો કરાર પાળ્યો નહિ;
    અને તેમના નિયમ પ્રમાણે વર્તવાની ના પાડી.
11 તેમણે કરેલા અદૃભૂત ચમત્કારો તેઓએ નિહાળ્યા હતાઁ,
    છતાં તેમનાં કૃત્યો વિસરી ગયા.
12 તેઓના પિતૃઓએ મિસર દેશમાં, સોઆનનાં મેદાનમાં;
    દેવે કરેલા ચમત્કારો જોયા હતાં.
13 તેમણે તેઓની સમક્ષ સમુદ્રનાં બે ભાગ કર્યા હતાં,
    તેઓને તેમાં થઇને સામે પાર મોકલ્યા હતાં.
    તેઓની બંને બાજુએ પાણી દિવાલની જેમ સ્થિર થઇ ગયું હતું,
14 વળી તે તેઓને દિવસે મેઘથી અને આખી રાત,
    અગ્નિનાં પ્રકાશથી દોરતો.
15 તેમણે રણમાં ખડકને તોડીને,
    ઊંડાણમાંથી વહેતું હોય તેમ પુષ્કળ પાણી તેઓને આપ્યું.
16 પછી તેમણે ખડકમાંથી પાણી કાઢયું,
    અને વહેતી નદીની જેમ પ્રવાહ વહેવડાવ્યો.
17 તેમ છતાં તેઓએ દેવ વિરુદ્ધ પાપ કરવાનું ચાલું જ રાખ્યું,
    અને અરણ્યમાં પરાત્પર દેવ વિરુદ્ધ બંડ કરતાં રહ્યા.
18 તેઓએ હઠીલાઇ કરીને દેવની કસોટી કરી,
    દેવ તેઓને આપતાહતા તે કરતાં જુદા જ ખોરાકની માગણી કરી.
19 તેઓ દેવની વિરુદ્ધ બોલ્યા અને કહ્યું,
    “શું રણમાં તે ભોજન મોકલી શકે?
20 તેમણે ખડકને લાકડી મારી ને,
    પાણીના ઝરણાં વહેવડાવ્યાં તે સાચું છે;
શું તે આપણને રોટલી આપી શકે છે?
    અને તેમનાં લોકોને માંસ આપી શકે?”
21 તેઓએ જે કહ્યું તે સાંભળ્યા પછી, યહોવા કોપાયમાન થયા,
    તેઓ ઇસ્રાએલ પર ભારે કોપાયમાન થયા
    અને યાકૂબ પર બહુ જ ગુસ્સે થયા.
22 કારણ, તેઓએ દેવમાં તેમનો વિશ્વાસ મૂક્યો નહિ,
    અને તેમના તારણ પર વિશ્વાસ કર્યો નહિ.
23 છતાં તેમણે વાદળાંને આજ્ઞા આપી,
    અને આકાશનાં દ્વાર ખોલી નાખ્યાં.
24 તેઓના ખોરાક માટે માન્નાની વૃષ્ટિ કરી;
    અને તેમણે સ્વર્ગમાંથી ભોજન આપ્યું.
25 તેઓએ દેવદૂતોનો ખોરાક ખાધો!
    અને તેઓ તૃપ્ત થયા ત્યાં સુધી યહોવાએ ભોજન આપ્યું.
26 દેવે તેમનાં મહાન સાર્મથ્યથી દક્ષિણ
    અને પૂર્વનો પવન ફૂંકાવ્યો.
27 તેમણે ધૂળની જેમ માંસ અને સમુદ્રની
    રેતીની જેમ પક્ષીઓ તેમનાં પર વરસાવ્યાઁ.
28 તેમણે તેઓની છાવણી મધ્યે
    અને તેઓનાં તંબુઓની ચોપાસ પક્ષીઓ પાડ્યાં.
29 લોકો ધરાઇ રહ્યાં ત્યાં સુધી ખાધું,
    યહોવાએ તેઓને, માગણી પ્રમાણે આપ્યું.
30 પણ તેઓ તેમની ભૂખનું નિયંત્રણ કરી શક્યાં નહિ,
    અને માંસ હજી પણ તેમના મોંઢાં માઁ હતું.
31 પછી તેમની સામે યહોવાનો કોપ પ્રગટયો,
    અને તેમણે ઇસ્રાએલમાં જેઓ સૌથી વધુ શકિતશાળી હતા તેમને મારી નાખ્યાં,
    તેમણે શ્રેષ્ઠ યુવાનોને મારી નાખ્યાં.
32 આમ છતાં લોકો પાપ કરતાં રહ્યાં,
    અને તેમના ચમત્કારો પર ભરોસો કર્યો નહિ.
33 દેવે તેઓના વ્યર્થ જીવનનો
    અંત આપત્તિઓ સાથે કર્યો.
34 જ્યારે જ્યારે તેમણે તેમાંના કેટલાંકને મારી નાખ્યા,
    ત્યારે બીજાઓ તેમના તરફ વળ્યા, અને તેમની મદદ માંગી.
35 ત્યારે તેઓએ યાદ કર્યુ કે, દેવ તેઓના ખડક છે,
    અને પરાત્પર દેવ તેઓના તારક છે.
36 પરંતુ તેઓએ પોતાના મુખે તેની પ્રસંશા કરી,
    અને પોતાની જીભે તેની સમક્ષ જૂઠું બોલ્યા.
37 તેઓનાં હૃદય યહોવા પ્રત્યે વિશ્વાસુ નહોતા;
    તેઓ કરારને વફાદાર નહોતા.
38 તેમ છતા તેમણેં દયા દર્શાવી,
    તેઓનાં પાપોની ક્ષમા આપી, નાશ ન કર્યો;
તેમણે ઘણીવાર ક્રોધ સમાવી દીધો;
    અને પોતાનો પૂરો કોપ પ્રગટ કર્યો નહિ.
39 યહોવાએ સંભાર્યુ કે તેઓ કેવળ ક્ષુદ્ર છે;
    અને એક ક્ષણમાં પસાર થતાં વાયુ જેવા છે.
40 તેઓએ વર્ષો દરમ્યાન કેટલીવાર રણમાં યહોવા વિરુદ્ધ બંડ કર્યું;
    અને રાનમાં દુ:ખી તેમને કર્યા.
41 વારંવાર તેઓએ દેવની કસોટી કરી
    અને તેઓએ ઇસ્રાએલના પવિત્ર યહોવાને દુ:ખી કર્યા.
42 તેઓ દેવનાં મહાન સાર્મથ્યને ભૂલી ગયા,
    તથા તેમણે શત્રુઓથી તેઓને બચાવ્યાં હતાં, તે ભૂલી ગયાં.
43 યહોવાએ મિસરમાં ચમત્કારિક ચિન્હો
    અને સોઆનના મેદાનમાં આશ્ચર્યકર્મો કર્યા હતાં તે પણ ભૂલી ગયા.
44 તેણે તેઓની નદીઓને તથા તેઓના વહેળાઓને
    લોહી વહેતાં બનાવી દીધાં જેથી તેઓ પી ન શકે.
45 તેમણે મધમાખીઓનું મોટું ઝૂંડ મોકલ્યું, અને જે તેઓને કરડ્યા,
    અને દેડકાઓએ બધી વસ્તુઓનો નાશ કર્યો.
46 તેઓની ફસલ તેમણે કાતરાઓને આપી હતી,
    ને તેઓનો બધો જ પાક તીડો ખાઇ ગયા હતા.
47 તેમણે તેઓની દ્રાક્ષવાડીઓ,
    કરાથી તથા હિમથી તેઓના ગુલ્લરઝાડોનો નાશ કર્યો હતો.
48 તેઓના ઢોરઢાંખર પર આકાશમાંથી મોટાં કરાનો માર પડ્યો,
    અને ઘેટાનાં ટોળાઁ પર વીજળીઓ પડી.
49 દેવે પોતાનો કોપ તેઓ પર પ્રગટ કર્યો, તેમનો રોષ, ગુસ્સો અને તિરસ્કાર;
    તેઓની વિરુદ્ધ નાશ કરનારા દૂતોની માફક મોકલ્યા.
50 તેમણે પોતાના કોપ માટે રસ્તો ખૂલ્લો કર્યો;
    અને મિસરવાસીઓના જીવન બચાવ્યાં નહિ,
    પણ તેઓને વિપત્તિ તથા માંદગીને સોંપી દીધા.
51 પછી તેણે સર્વ પ્રથમ, મિસરમાં સર્વ પ્રથમ જનિતને મારી નાખ્યાઁ;
    હામના પ્રથમ જનિત નર બાળકોને તંબુઓમાં માર્યા.
52 પરંતુ તે પોતાના લોકોને ઘેટાઁનાં ટોળાઁની જેમ બહાર લાવ્યાં;
    અને રણમાં થઇને તેઓને સુરક્ષિત ચલાવ્યા.
53 તેઓને તેમણે એવા સુરક્ષિત ચલાવ્યા
    કે તેઓ બીધા નહિ,
    પરંતુ સમુદ્રના પાણી શત્રુઓ પર ફરી વળ્યાં.
54 તેણે તેઓને તેની પવિત્ર ભૂમિમાં,
    ડુંગરોવાળા દેશ તરફ જે તેઓએ તેમની શકિતથી લીધો હતો તેમા ચાલતાં કર્યા.
55 અને તેમણે અન્ય રાષ્ટ્રોને તે જમીનમાંથી આગળ કાઢી મૂક્યા.
    ઇસ્રાએલનાં પ્રત્યેક કુટુંબસમુહને કાયમ વસવાટ કરવા માટે જમીનનો હિસ્સો આપ્યો.
56 છતાં ત્યારે પણ, તેઓએ પરાત્પર દેવની કસોટી કરવાનું
    અને તેમની વિરુદ્ધ બંડ કરવાનું ચાલુ રાખ્યું અને તેમની આજ્ઞાઓનું અનુસરણ કરવાનો ઇન્કાર કર્યો.
57 તેઓ દેવ પાસેથી દૂર થયા.
    તેઓ તેમનાં પૂર્વજોની જેમ દેવને અવિનયી થયાં.
ફેંકનાર[a] તરફ પાછા ફરતાં,
    વાંકા શસ્રની જેમ તેઓ પૂર્વજોની જેમ દિશા બદલતા હતા.
58 તેઓએ ઉચ્ચાસ્થાનો બનાવીને
    અને જૂઠાં દેવોની મૂર્તિથી દેવને ગુસ્સે કર્યા.
59 જ્યારે તેઓનાં કૃત્યો દેવે જોયાં દેવનો ક્રોધ પ્રબળ થયો,
    અને પોતાના લોકોનો ત્યાગ કર્યો.
60 પછી માણસો મધ્યે તે નિવાસ કરતા;
    એ શીલોહના મંડપનો તેમણે ત્યાગ કર્યો.
61 દેવે બીજા લોકોને પોતાના લોકોને પકડવાં દીધા.
    દુશ્મનોએ દેવનું “ગૌરવ રત્ન” લઇ લીધું.
62 તેમણે પોતાના લોકોનો સંહાર થવા દીધો, કારણકે,
    તેમનો ક્રોધ અતિ વધારે હતો.
63 તેઓના યુવાનો અગ્નિથી નાશ પામ્યાં;
    અને તેઓની કન્યાઓ તેઓનાં લગ્નગીતો ગવાય તે પહેલાં જ મૃત્યુ પામી.
64 યાજકોનો વધ થયો અને તેઓની વિધવાઓ
    તેઓ માટે રૂદન કરે તે પહેલાં તેઓ પણ મૃત્યુ પામી.
65 ત્યારે ઊંઘમાંથી કોઇ જાગે, તેમ,
    તથા દ્રાક્ષારસમાંથી શૂરવીર પુરૂષને શૂરાતન આવે તેમ યહોવા ઊઠયા.
66 તે તેમના શત્રુઓ તરફ ઢળ્યા, તેમણે તેઓને પાછા વાળ્યા
    અને તેઓને કાયમ માટે હિણપદ કર્યા.
67 દેવે યૂસફના પરિવારનો અસ્વીકાર કર્યો,
    અને એફાઇમના પરિવારનો પણ સ્વીકાર કર્યો નહિ.
68 પણ યહૂદા કુળને તથા જેના ઉપર તે પ્રેમ કરતા હતા
    તે સિયોન પર્વતને તેમણે પસંદ કર્યા.
69 ત્યાં તેમણે પર્વત જેવું ઉન્નત અને સદા માટે સ્થાપન કરેલી
    પૃથ્વી જેવું અચળ પોતાનું પવિત્રસ્થાન બાંધ્યું.
70 તેમણે ઘેટાંની સંભાળ રાખનાર દાઉદને
    પોતાના સેવક તરીકે પસંદ કર્યો.
71 જ્યાં એ ઘેટા ચારતો હતો ત્યાંથી દેવ તેને લઇ આવ્યા અને પોતાના લોકો,
    યાકૂબનાં સંતાન અને ઇસ્રાએલનાં લોકોના પાલક તરીકે અને દેવની સંપત્તિના પાલક તરીકે નિયુકત કર્યો.
72 દાઉદે તેમને શુદ્ધ હૃદયથી
    અને કૌશલ્ય સભર શાણપણથી દોર્યા.

યોએલ 1:15-2:11

15 અરર! કેવો ભયંકર દિવસ. યહોવાનો વિશેષ દિવસ નજીક છે! સૈન્યોનો દેવ યહોવા તરફથી વિનાશ રૂપે આવશે. 16 આપણી નજર સામે જ આપણું અન્ન અદ્રશ્ય થઇ ગયું. આપણા દેવના મંદિરમાંથી સર્વ આનંદ અને ઉત્સાહ ઊડી ગયા છે. 17 સૂકી જમીન નીચે ધાન્ય સડી જાય છે. વખારો નષ્ટ થઇ છે. કોઠારો ઓછા થયા છે. ખેતરોમાં અનાજ સુકાઈ ગયું છે.

18 ઢોર ભાંભરી રહ્યાં છે! અને બળદો મુંજાયા છે; કારણકે તેઓ માટે ઘાસચારો રહ્યો નથી. ઘેટાંનાં ટોળાંઓ પણ કષ્ટ સહન કરી રહ્યાં છે. 19 હે યહોવા, હું તમને બોલાવું છું, કારણકે અગ્નિએ મરૂભૂમિના ઘાસચારાને ભસ્મ કર્યો છે અને પ્રજવલિત જવાળાઓએ ખેતરના બધા વૃક્ષો બાળી નાખ્યાં છે. 20 હા, વનચર પશુઓ પણ પાણી માટે તમને પોકારે છે; કારણકે પાણીની ઘારાઓ સુકાઇ ગઇ છે, ને અગ્નિએ વનનો ઘાસચારો ભસ્મ કર્યો છે.

દેવ પોતાનો આત્મા રેડશે

સિયોનમાં રણશિંગડું વગાડો,
    મારા પવિત્ર પર્વત પર ભય સૂચવતો ચેતવણીનો સૂર સંભળાવો.
દેશના સર્વ લોકો, થરથરી ઊઠો,
    કારણકે યહોવાનો ન્યાયનો દિવસ આવી રહ્યો છે.
    તે છેક નજીક છે.
અંધકાર અને વિષાદનો તે દિવસ છે.
    વાદળો અને અંધકારનો દિવસ.
પર્વતો પર પથરાતા ઘાટા પડછાયા જેવું બળવાન
    અને વિશાળ સૈન્ય જેવું દેખાય છે.
એવું પહેલાં કદી બન્યું નથી કે, ભવિષ્યમાં કદી જોવા નહિ મળે,
    મોટી તથા બળવાન પ્રજા આવશે.
અગ્નિ તેમની સમક્ષ ભભૂકે છે.
    તેમની પાછળ જવાળાઓ લપકારા મારે છે.
તેમની સમક્ષની ભૂમિ આદમના બગીચા જેવી છે.
    પરંતુ તેઓની પાછળ તે ઉજ્જડ અરણ્ય જેવી છે. હા, કશું જ રહેતું નથી.
તેમનો દેખાવ ઘોડાઓના જેવો છે;
    અને જાણે ઘોડેસવાર હોય તેમ તેઓ દોડે છે.
તેઓ શિખરો પર ગડગડાટ કરતાં,
રથોની જેમ આગળ ઘસી રહ્યાં છે,
    ઘાસ બળતી જવાળાઓના લપકારાની જેમ
અને યુદ્ધભૂમિમાં શકિતશાળી
    સૈનાની જેમ આગળ વધે છે.
તેમને જોતાં પ્રજાઓ ધ્રુજી ઊઠે છે.
    ભયને કારણે સૌના ચહેરા ઉપરથી લોહી ઊડી જાય છે.

આ “યોદ્ધાઓ” પાયદળની જેમ દોડે છે,
    અને પ્રશિક્ષણ પામેલા સૈનિકોની જેમ ભીંતો ઉપર ચઢી જાય છે.
તેઓ બધા એક હરોળમાં ખસે છે
    અને તેમની હરોળથી હટતાં નથી.
તેઓ એકબીજાને ધક્કો નથી મારતાં
    અને હરોળમાં રહે છે.
જ્યારે તેઓ શસ્ત્રો સમક્ષ પડે ત્યારે,
    તેઓ ક્રમ તોડતાં નથી.
તેઓ શહેરમાં ઉમટયા છે.
    તેઓ દીવાલોની એક તરફથી બીજી તરફ દોડે છે.
તેઓ મકાનોની અંદર ચઢી જાય છે.
    અને બારીઓમાંથી ચોરની જેમ પ્રવેશે છે.
10 ધરતી તેમની આગળ ધ્રુજે છે અને આકાશ થરથરે છે,
    સૂર્ય અને ચંદ્ર કાળા પડી જાય છે અને તારાઓ તેજસ્વીતા ગુમાવે છે.
11 યહોવા તેના સૈન્યદળોને આજ્ઞાઓ આપે છે.
    તેમનું સૈન્ય મોટું છે,
અને તેમની આજ્ઞા પાળનારાઓ શકિતશાળી છે.
    યહોવાનો ન્યાયનો દિવસ ભયંકર
અને બિહામણો છે.
    એની સામે કોણ ટકી શકે?

પ્રકટીકરણ 19:1-10

આકાશમાં લોકો દેવની સ્તુતિ કરે છે

19 આ પછી મેં આકાશમાં ઘણા લોકોના સમૂહના જેવો મોટો અવાજ સાંભળ્યો. તે લોકો કહેતા હતા કે:

“હાલેલુયા![a]
આપણા દેવને તારણ, મહિમા અને પરાક્રમ છે.
તેના ન્યાય ચૂકાદા સત્ય તથા બરાબર છે.
આપણા દેવે વેશ્યાને શિક્ષા કરી છે.
    તેણે દુનિયાને તેનાં વ્યભિચારનાં પાપથી ભ્રષ્ટ કરી.
આપણા દેવે વેશ્યાને શિક્ષા કરી છે અને તેના સેવકોના લોહીનો બદલો તેની પાસેથી લીધો છે.”

આકાશમાં તે લોકોએ પણ કહ્યું કે:

“હાલેલુયા!
તે સળગે છે અને તેનો ધુમાડો સદા-સર્વકાળ ઊચે ચડે છે.”

પછી 24 વડીલો અને તે ચાર જીવતા પ્રાણીઓ નીચા નમ્યા. તેઓએ દેવની આરાધના કરી. જે રાજ્યાસન પર બેસે છે. તેઓએ કહ્યું કે:

“આમીન, હાલેલુયા!”

પછી રાજ્યાસનમાંથી એક વાણી આવી, તે વાણી એ કહ્યું કે:

“બધા લોકો જે તેની સેવા કરે છે, આપણા દેવની સ્તુતિ કરો.
તમે બધા લોકો નાના અને મોટા જે તેને માન આપો છો, દેવની સ્તુતિ કરો.”

પછી મેં જનસમૂહના અવાજના જેવું કંઈક સાંભળ્યું. તે પાણીના પૂરના જેવી અને ભારે ગર્જનાઓ જેવી વાણી હતી. લોકો કહેતા હતા કે:

“હાલેલુયા!
    આપણો પ્રભુ દેવ સર્વશક્તિમાન
    રાજ કરે છે.
આપણે આનંદ કરીએ અને ખુશ થઈએ અને દેવનો મહિમા ગાઇએ!
દેવને મહિમા આપીએ, કારણ કે હલવાન (ઈસુ) ના લગ્નનો દિવસ આવ્યો છે,
    હલવાનની કન્યા (મંડળી) તેની જાતે તૈયાર થઈ છે.
સુંદર શણનું વસ્ત્ર વધૂને તેણે પહેરવા માટે આપ્યું છે.
    તે શણનું વસ્ત્ર તેજસ્વી અને સ્વચ્છ છે.”

(તે સુંદર શણનું વસ્ત્ર સંતોના સત્કર્મો રૂપ છે. જે સારી વસ્તુઓ કરી છે તે.)

પછી તે દૂતે મને કહ્યું કે, “આ લખ: પેલા લોકો કે જેઓને હલવાનના લગ્નમાં ભોજન માટે નિમંત્રણ અપાયાં છે, તે લોકોને ધન્ય છે!” પછી તે દૂતે કહ્યું કે, “આ દેવના ખરાં વચનો છે.”

10 પછી હું દૂતના ચરણોમાં તેની આરાધના કરવા તેને પગે પડ્યો. પણ તે દૂતે મને કહ્યું કે, “મારી આરાધના ન કર. હું તો તારા જેવો અને તારા ભાઇઓ, જેઓની પાસે ઈસુનું સત્ય છે તેમના જેવો સેવક છું. કારણ કે ઈસુનું સત્ય પ્રબોધનો આત્મા છે, તેથી દેવની આરાધના કર.”

લૂક 14:25-35

તારે પ્રથમ આયોજન કરવું જોઈએ

(માથ. 10:37-38)

25 ઈસુ સાથે ઘણા લોકો જતા હતા. ઈસુએ લોકોને કહ્યું, 26 “જો કોઈ માણસ મારી પાસે આવે છે, પણ તેના પિતાને, માતાને, પત્નીને, બાળકોને, ભાઈઓને અથવા બહેનોને મારા કરતા વધારે પ્રેમ કરે છે, તો તે માણસ મારો શિષ્ય થઈ શકતો નથી. માણસ તેની જાતને જેટલો પ્રેમ કરે છે તેનાથી વધારે મને પ્રેમ કરતો હોવા જોઈએ! 27 જ્યારે તે મારી પાછળ આવે છે ત્યારે તેને આપવામાં આવેલ વધસ્તંભ ઊંચકશે નહિ તો તે મારો શિષ્ય થઈ શકશે નહિ.

28 “જો તમે બુરજ બાંધવા ઈચ્છા રાખો તો, પહેલા બેસીને તેની કિંમત કેટલી થશે તે નક્કિ કરવી જોઈએ. મારી પાસે તે કામ પૂરું કરવા પૂરતા પૈસા છે કે કેમ તે જોવું જોઈએ. 29 જો તમે તેમ નહિ કરો તો, તમે કામ તો શરું કરી શકશો, પણ તમે તે પૂરું કરી શકશો નહિ. અને જો તમે તે પૂરું નહિ કરી શકો, તો બધા લોકો જે જોતા હતા તેઓ તમારી મશ્કરી કરશે. 30 તેઓ કહેશે; ‘આ માણસે બાંધવાનું તો શરૂ કર્યુ, પણ પૂરું કરી શક્યો નહિ!’

31 “જો કોઈ રાજા બીજા રાજાની સામે લડાઇ કરવા જવાનો હશે તો પહેલા બેસીને આયોજન કરશે. જો રાજા પાસે ફક્ત 10,000 માણસો હશે તો તે એમ જોવાની યોજના કરશે કે તે બીજા રાજા પાસે 20,000 માણસો છે તેને હરાવી શકે તેમ છે કે કેમ? 32 જો તે બીજા રાજાને હરાવી શકે નહિ, અને હજી તે રાજા ખૂબ દૂર હશે તો પછી તે કેટલાક માણસોને બીજા રાજાને કહેવા મોકલશે અને સમાધાન શાંતિ માટે પૂછશે.

33 “તે જ રીતે તમારે બધાએ પહેલા યોજના કરવી જોઈએ, તમારે સર્વ વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ અને પછી મારી પાછળ આવો. જો તમે તેમ ના કરી શકો તો તમે મારા શિષ્ય થઈ શકતા નથી.

તમારો પ્રભાવ ના છોડો

(માથ. 5:13; માર્ક 9:50)

34 “મીઠું એ સારું છે પણ જો મીઠું તેનો ખારો સ્વાદ ગુમાવે તો પછી તેની કશી કિમંત રહેતી નથી. તમે તેને ફરી ખારું બનાવી શકતા નથી. 35 તમે તેનો જમીનને માટે અથવા ખાતરને માટે પણ ઉપયોગ કરી શકતા નથી. લોકો તેને બહાર ફેંકી દે છે.

“જે લોકો મને સાંભળે છે તેમણે ધ્યાનથી સાંભળવું જોઈએ!”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International