Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 5-6

સંગીત નિર્દેશક માટે, બંસરી વાદ્ય માટે. દાઉદનું ગીત.

હે યહોવા, મારી પ્રાર્થના પર કાન ઘરીને
    જરા મારા ચિંતન પર લક્ષ રાખો.
હે દેવ, મારા રાજા, મારી અરજ જરા સાંભળો; કારણ,
    હું માત્ર તમારી જ પ્રાર્થના કરીશ, અન્યની નહિ.
હે યહોવા, નિત્ય સવારે તમે મારો અવાજ સાંભળો છો,
    જ્યારે હું તમારી સમક્ષ પ્રાર્થના કરું છું.
અને હું તમારા જવાબની આશા રાખીને રાહ જોઉં છુ.

હે યહોવા, મને ખબર છે, તમે દુષ્ટતાથી પ્રસન્ન થાવ તેવા દેવ નથી;
    તમે કોઇની ભૂંડાઇ કે પાપ સાંખી લેતા નથી.
તમે ઉદ્ધત લોકોનો અસ્વીકાર કરો છો,
    અને અનિષ્ટ કરનારાને ધિક્કારો છો.
હે યહોવા, તમે જૂઠું બોલનારાઓનો નાશ કરો છો, તમે ખૂનીઓ
    અને ગુપ્ત રીતે બીજાને ઇજા પહોચાડવા યોજના કરતાં લોકોનો તિરસ્કાર કરો છો.

પણ હું તો તારી મહા કૃપાથી તારા મંદિરમાં આવીશ.
    હે યહોવા, ડરથી અને આદરથી હું તમારા પવિત્ર મંદિરની સામે ઘૂંટણિયે પડીશ.
હે યહોવા, તમારા ન્યાયી અને સાચા માર્ગે મને ચલાવો.
    કારણ કે મારા દુશ્મનો મારા દરેક
પગલાં પર નજર રાખે છે;
    મને સમજાવો, મારે શું કરવું અને ક્યાં જવું.
કારણ, તેમની વાણીમાં કોઇ સચ્ચાઇ નથી,
    તેઓનું હૃદય નીચતાથી ભરેલું છે.
તેઓ મધુરભાષી છે!
    તેઓનું ગળું એક ઉધાડી કબર જેવુ છે.
    તે પોતાની જીભે પ્રશંસા કરે છે.
10 હે દેવ, એ સૌને તમે દોષી ગણો,
    અને તેમને તેમના પોતાના જ છટકામાં સપડાવા દો,
તેમને તેમના પાપના બોજ તળે કચડાઇ જવા
    દો કારણ કે તેઓ તમારી વિરુદ્ધ થઇ ગયાં છે.
11 પરંતુ જેમને તમારામાં વિશ્વાસ છે તેને ખૂબ સુખી કરો-તેમને હંમેશ માટે આનંદિત કરો,
    તેઓનું રક્ષણ કરો, જેઓ તમારા નામને ચાહે છે તેઓ આનંદિત થશે.
12 હે યહોવા, જ્યારે તમે સજ્જન લોકોને આશીર્વાદ આપો છો
    ત્યારે તમે તેની આજુબાજુ રક્ષણ કરતી ઢાલ જેવા છો.

નિર્દેશક માટે; તારવાળાં વાજીંત્રો સાથે અને શમીનીથ સાથે ગાવા માટે. દાઉદનું ગીત.

હે યહોવા, તમારા ક્રોધમાં, મને ધમકાવશો નહિ,
    અને તમારા રોષમાં, મને શિક્ષા કરશો નહિ.
હે યહોવા, મારા પર દયા કરો, કારણ,
    હું માંદો અને દુર્બળ છું.
હે યહોવા, મને સાજો કરો,
    કારણ, મારા હાડકાં બહુ દુ:ખે છે.
    હું ઘણો ભયભીત છું;
મારું મન ભય અને અતિ વ્યથાથી ભરાઇ ગયું છે.
હે યહોવા, મને મદદ કરવામાં
    ક્યાં સુધી વિલંબ કરશો?
હે યહોવા, પાછા આવો, મારો જીવ બચાવો.
    કરી દયા દાખવી મને મરણથી બચાવો.
લોકો પોતાની કબરોમાં તમને યાદ કરતાં નથી,
    મૃત્યુની જગાએ કોઇપણ તમારી સ્તુતિ કરતું નથી.

આખી રાત પ્રાર્થના કરીને અને નિસાસા નાખીને હું નિર્બળ થયો છું,
    રોજ રાત્રે મારા આંસુઓથી મારું બિછાનું ભીંજવું છું.
મારા શત્રુઓએ મને આપેલ કષ્ટોને લીધે શોકને
    કારણે રૂદનથી મારી આંખો દુર્બળ બની ગઇ છે.

ઓ ભૂંડુ કરનારાઓ, મારાથી બધા દૂર થઇ જાઓ. કારણ,
    યહોવાએ મારા વિલાપનો સાદ સાંભળ્યો છે.
યહોવાએ મારા કાલાવાલા સાંભળ્યા છે,
    યહોવા મારી સર્વ પ્રાર્થનાઓ માન્ય કરશે.
10 મારા બધા શત્રુઓ ભયભીત અને નિરાશ થશે.
    ઓચિંતા કઇ થશે અને તેઓ બધા લજ્જિત બની ચાલ્યા જશે.

ગીતશાસ્ત્ર 10-11

હે યહોવા, તમે શા માટે આધા ઊભા રહો છો?
    સંકટ સમયે અમને તમારી ખૂબ જરૂર છે,
    તમે પાછા કયાં સંતાઇ ગયા છો?
દુષ્ટ ઉધ્ઘત પ્રપંચીઓ ગરીબોને સતાવે છે
    અને ગરીબ લોકો દુષ્ટ લોકોની યોજનાઓમાં ફસાઇ જાય છે.
ખરેખર દુષ્ટ લોકો તેમની દુષ્ટ ઇચ્છાઓનું અભિમાન કરે છે;
    લોભીઓને યહોવામાં વિશ્વાસ હોતો નથી, અને તેઓ તેમની નિંદા કરે છે.
દુષ્ટ, અતિ અભિમાની, ઉદ્ધત માણસો માને છે કે દેવ છે જ નહિ;
    દેવ તરફ ફરવાનો વિચાર સુદ્ધાં જરાય તેઓ કરતાં નથી.
તેમ છતાં જે કરે છે તે સર્વમાં તે સફળતા મેળવે છે;
    અને તેઓ પોતાના શત્રુઓને હરાવે છે.
    દેવનો ન્યાય તેમનાથી ઘણો ઊચો છે.
“હું ડગનાર નથી, મને અથવા મારા વંશજોને પેઢીઓ
    સુધી કોઇ વિપત્તિ નહિ આવે.” એવી બડાઇ તેઓ હાંકે છે.
તેમનું મોઢું જુઠ્ઠાણાંઓથી અને શ્રાપોથી ભરેલું છે.
    તેમની જીભ દુષ્ટ યોજનાઓને જન્મ આપે છે.
નિર્દોષ લોકોને ઓચિંતો હુમલો કરીને મારી નાખવા માટે ગુપ્ત જગ્યાઓમાં બેસે છે.
    કોઇ કમનસીબ વ્યકિતને પસાર થતો જોવા
    માટે તેઓ છુપાઇ જાય છે.
જેમ સિંહ ગુફામાં છુપાઇને
    ગુપ્ત જગામાં ભરાઇ રહે છે;
અને જેમ શિકારી શિકારને ફસાવે છે
    તેમ તે ગરીબોને પોતાની જાળમાં ફસાવે છે.
10 તેઓના બળ આગળ ગરીબો દબાઇને નીચા નમી જાય છે,
    અને લાચાર બની તેઓના પંજામાં સપડાઇ જાય છે.
11 તે પોતાના હૃદયમાં વિચાર કરે છે “આ શું થઇ રહ્યું છે?
    દેવ ભૂલી ગયા છે?
તેમણે પોતાનું મુખ જોયુ નથી,
    સંતાડી રાખ્યુ છે. અને શું તે કદી જોશે નહિં?”

12 હે યહોવા, ઊઠો! હે દેવ,
    તમારો હાથ ઉંચો કરીને દુષ્ટ લોકોને શિક્ષા કરો
    અને ગરીબને ભૂલશો નહિ.
13 હે દેવ, દુષ્ટો શા માટે તમારો દુરુપયોગ કરે છે?
    શા માટે તેઓ તેમનાં હૃદયમાં વિચારે છે કે દેવ તેમની પાસે કયારેય જવાબ નહિ માગે?
14 હે યહોવા, તેઓ જે કાંઇ કરી રહ્યાં છે તે તમે જુઓ છો.
    તેમના દુષ્ટ આચરણની નોંધ તમે લીધી છે,
તેઓની નજરમાં હંમેશા ઉપદ્રવ અને ઇર્ષા હોય છે.
    તમે તો અનાથનાં બેલી છો, હવે તેઓને શિક્ષા કરો,
હે યહોવા, ગરીબ માણસની દ્રૃષ્ટિ મદદ માટે તમારા પર જ છે
    તમે લોકોમાં, નિરાધારની સહાય માટે જાણીતા છો.

15 દુષ્ટ લોકોના હાથ તમે તોડી નાખો.
    તેમાંથી એકને પણ છોડશો નહિ અનિષ્ટ કરનારાઓનો
    દુષ્ટતાથી નાશ કરો જ્યાં સુધી તેમાંનો એક પણ બાકી ન રહે.
16 યહોવા સદાકાળનો રાજા છે.
    વિદેશી રાષ્ટ્રોને તેના દેશમાંથી ભૂંસી નાખ્યા છે.
17 હે યહોવા, તમે નમ્રની અભિલાષા જાણો છો;
    તમે તેઓના પોકારો સાંભળશો અને સહાય કરશો.
    અને તેઓના વ્યથિત હૃદયોને દિલાસો આપશો.
18 અનાથ તથા ત્રસ્ત, લોકોનો ન્યાય કરો જેથી પૃથ્વીનો કોઇ
    પણ માણસ તેમના દમનનો ભોગ બનનારા લોકોને હવે પછી ડરાવે કે ત્રાસ આપે નહિ.

નિર્દેશક માટે. દાઉદનું ગીત.

યહોવા પર હું ભરોસો રાખું છું, તો પછી “શા માટે તમે મને સુરક્ષા
    માટે પક્ષીની જેમ ઊડીને મારા પર્વતો પર નાસી જવાનું કહો છો?”

કારણ કે દુષ્ટ લોકો તેમના ધનુષ્યની પણછ ખેંચે છે જુઓ,
    તેમણે પણછ પર તેમના તીર ચઢાવ્યાં છે.
તેઓ અચાનક આક્રમણ કરવા માટે જાડીમાં છુપાઇ ગયા છે,
    અને તેઓ પ્રામાણિક માણસોના હૃદયમાં તીર વીંધવાનું ધ્યેય રાખે છે.
જ્યારે સમાજના પાયાઓનો જ નાશ થઇ ગયો છે,
    તો પછી સારા લોકો શું કરી શકે?

યહોવા હજુ પોતાના પવિત્ર મંદિરમાં છે.
    યહોવાનું રાજ્યાસન આકાશમાં છે.
તે સ્વર્ગમાંથી શાસન કરે છે અને તેમની આંખો લોકો જે કરે છે
    તે બધું જુએ છે અને તેઓ સારા છે કે ખરાબ તેને પારખે છે.
યહોવા ઉમદા માણસોની પરીક્ષા કરે છે
    પણ દુષ્ટ અને અન્યાયી લોકોને ધિક્કારે છે.
દુષ્ટ લોકો પર વરસાદની જેમ વરસાવવા માટે તે અગ્નિ અને ગંધકનુ નિર્માણ કરશે
    અને તેઓ ગરમ લૂ સિવાય કંઇ નહિ મેળવે.
કારણ, યહોવા ન્યાયી છે અને ન્યાયીપણાને ચાહે છે,
    જે પવિત્ર ને ન્યાયી છે, તેજ તેનું મુખ જોઇ શકશે.

યૂના 1

યૂનાનો દેવની આજ્ઞાનો અનાદર

અમિત્તાયના પુત્ર યૂનાને યહોવાનો એવો સંદેશો મળ્યો કે, “ઉભો થા, નિનવેહના મોટા નગરમાં જા અને તેમને ચેતવ: તમારી દુષ્ટ બાબતો મારી પાસે આવી છે.”

પરંતુ યૂના યહોવાની હજૂરમાંથી તાશીર્શ ભાગી જવાને ઊઠયો અને યાફા ચાલ્યો ગયો, ત્યાં તેને તાશીર્શ જતું વહાણ મળી ગયું. આથી તે ભાડું ચૂકવીને યહોવાથી દૂર તેઓની સાથે તાશીર્શ જવા માટે વહાણમાં ચઢી ગયો.

ભયંકર તોફાન

પરંતુ યહોવાએ સમુદ્રમાં ભારે પવન મોકલ્યો અને શકિતશાળી વાવાઝોડું થયું અને વહાણ તૂટવાના આરે હતું. ત્યારે ખલાસીઓ બહું ગભરાઇ ગયા અને પોતપોતાના દેવને પ્રાર્થના કરવા લાગ્યા. તેઓએ વહાણને હલકું કરવા તેમાંનો માલસામાન દરિયામાં ફેકી દીધો.

પણ યૂના વહાણમાં ચાલ્યો ગયો હતો અને નીચે સૂતો પડ્યો હતો. વહાણના કપ્તાને કહ્યું, “શા માટે તું સુતો છે? ઉભો થા! તારા દેવને પ્રાર્થના કર! કદાચ તે આપણા પર દયા દર્શાવે અને આપણે મરીએ નહિ.”

આ તોફાન કેમ આવ્યું?

તેથી ખલાસીઓએ એકબીજાને કહ્યું, “ચાલો, આપણે ચિઠ્ઠીઓ નાખીને જોઇએ કે કોને લીધે આપણા પર આ વિધ્ન આવ્યું છે.”

આથી તેમણે ચિઠ્ઠીઓ નાખી અને યૂનાની પસંદગી થઇ. એટલે તેઓએે “યૂના”ને પૂછયું, “શાના લીધે અમારા પર આ મુસીબત ઉતરી છે? તારો વ્યવસાય શું છે? તું ક્યાંથી આવે છે? તારો દેશ કયો છે? અને તું કઇ જ્ઞાતિનો માણસ છે?”

તેથી યૂનાએ કહ્યું, “હું મિસરી છું, અને હું સૈન્યોનો દેવ યહોવાનો ભકત છું, જેણે ધરતી અને સમુદ્ર બંનેનું સર્જન કર્યું છે.”

10 આથી તે માણસો વધારે ડરી ગયા, તેઓએ તેને કહ્યું, “તેઁ આ શું કર્યું? કારણકે તેના કહેવાથી તેમણે જાણ્યું કે તે યહોવાની હજૂરમાંથી ભાગી જાય છે.”

11 સમુદ્ર વધારે ને વધારે વિષમ થયો, એટલે તેઓએ તેને કહ્યું, “અમે તને શું કરીએ તો સમુદ્ર શાંત થાય?”

12 યૂનાએ તેઓને કહ્યું, “મને ઊંચડીને દરિયામાં તેને શાંત કરવા માટે નાખી દો. કારણ મને ખબર છે કે મારે કારણે તમે આ શકિતશાળી વાવાઝોડામાં સપડાયા છો.”

13 પરંતુ કિનારે પહોંચી જવાને માટે બહુ જ હલેસા મારવા પ્રયત્ન કર્યા, પણ તેઓ સફળ થયા નહિ, કારણ દરિયો વધારે ને વધારે વિષમ થતો જતો હતો.

યૂનાને સજા

14 તેથી તેઓએ યહોવાને પ્રાર્થના કરી, “હે યહોવા, અમે તને કાલાવાલા કરીએ છીએ, આ માણસનો જીવ લેવા માટે અમે મરી જઇએ એવું ના કરતાં, અમારા માથે નિર્દોષની હત્યા નાખતો નહિ. કારણ, હે યહોવા, જેમ તમને ઠીક લાગ્યું તેમ તમે કર્યું છે.”

15 પછી તેઓએ યૂનાને પકડી લીધો અને સમુદ્રમાં ફેંકી દીધો અને સમુદ્ર શાંત થયો. 16 આથી ખલાસીઓ યહોવાથી ખૂબ ડરી ગયા, અને તેઓએ યહોવાને બલિ અપ્યો,ર્ અને તેને વિશિષ્ટ વચનો આપ્યાં.

17 યૂનાને ગળી જવા માટે યહોવાએ એક મોટી માછલી નિમિર્ત્ત કરી હતી; અને ત્રણ દિવસ અને ત્રણ રાત યૂના માછલીના પેટમાં રહ્યો.

પ્રેરિતોનાં કૃત્યો 26:24-27:8

પાઉલનો અગ્રીપાને સમજાવવાનો પ્રયત્ન

24 જ્યારે પાઉલ તેની જાતે બચાવમાં આ વાતો કહેતો હતો ત્યારે ફેસ્તુસે પોકાર કર્યો, “પાઉલ, તું ઘેલો છે! વધુ પડતી વિધાએ તને ઘેલો બનાવ્યો છે!”

25 પાઉલે કહ્યું, “નેકનામદાર ફેસ્તુસ, હું ઘેલો નથી. હું જે વાતો કહું છું તે સાચું છે. મારાં વચનો એ એક મૂર્ખ માણસનાં વચનો નથી. હું ગંભીર છું. 26 રાજા અગ્રીપા આ વસ્તુઓ વિષે જાણે છે કે હું તેની સાથે મુક્ત રીતે વાત કરી શકું છું. હું જાણું છું કે તેણે આ બધી વાતો વિષે સાંભળ્યું છે. શા માટે? કારણ કે આ વાતો જ્યાં બધા લોકો જોઈ શકે ત્યાં બને છે. 27 રાજા અગ્રીપા, પ્રબોધકોએ જ લખ્યું છે તે વાતોમાં તને વિશ્વાસ છે? હું જાણું છું કે તું વિશ્વાસ કરે છે!”

28 રાજા અગ્રીપાએ પાઉલને કહ્યું, “તું એમ વિચારે છે કે મને આટલી સહેલાઇથી ખ્રિસ્તી થવા માટે સમજાવી શકીશ?”

29 પાઉલે કહ્યું, “એ બહુ મહત્વનું નથી કે તે સહેલું છે કે કઠિન છે, હું દેવને પ્રાર્થના કરું છું કે માત્ર તું જ નહિ પરંતુ પ્રત્યેક વ્યકિત્ જે આજે મને ધ્યાનથી સાંભળે છે તેઓ બચાવાશે-મારે જે બેડીઓ છે તે સિવાય મારા જેવા થશે!”

30 રાજા અગ્રીપા, હાકેમ ફેસ્તુસ, બરનિકા, અને તેઓની સાથે બેઠેલા બધા લોકો ઊભા થઈ ગયા. 31 અને ખંડ છોડી ગયા. તેઓ એક બીજા સાથે વાતો કરતા હતા. તેઓએ કહ્યું, “આ માણસને દેહાંતદંડ કે કારાવાસમાં નાખવો જોઈએ નહિ, ખરેખર તેણે કંઈ ખોટું કર્યું નથી!” 32 અને અગ્રીપાએ ફેસ્તુસને કહ્યું, “જો તેણે કૈસર પાસે દાદ માંગી ના હોત તો આપણે આ માણસને જવા માટે મુક્ત કરી શક્યા હોત.”

પાઉલની રોમની યાત્રા

27 તે નિર્ણય કરવામાં આવ્યો કે આપણે ઇટાલી તરફ વહાણ હંકારવું. જુલિયસ નામનો લશ્કરી સૂબેદાર પાઉલ અને બીજા કેટલાએક બંદીવાનોની ચોકી કરતો હતો. જુલિયસ પાદશાહના સૈન્યમાં સેવા કરતો હતો. અમે વહાણમાં બેઠા અને વિદાય થયા. વહાણ અદ્રમુત્તિયાના શહેરમાંથી આવ્યું હતું. અરિસ્તાર્ખસ અમારી સાથે હતો. તે મકદોનિયાના થેસ્સલોનિકા શહેરનો માણસ હતો.

બીજે દિવસે અમે સદોન શહેરમાં આવ્યા. જુલિયસ પાઉલ તરફ ઘણો સારો હતો. તેણે પાઉલને તેના મિત્રોની મુલાકાત લેવા જવાની છૂટ આપી. આ મિત્રો પાઉલની જરૂરિયાતોના કાળજી રાખતા. અમે સિદોન છોડ્યું અને સૈપ્રસ ટાપુ નજીક વહાણ હંકારી ગયા કારણ કે પવન અમારી વિરૂદ્ધ ફૂંકાતો હતો. અમે કિલીકિયા અને પમ્ફુલિયા પાસેનો સમુદ્ધ ઓળંગ્યો. પછી અમે લૂકિયાના મૂરા શહેરમાં આવ્યા. મૂરામાં લશ્કરના અમલદારને આલેકસાંદ્ધિયાના શહેરનું વહાણ મળ્યું. આ વહાણ ઈટાલી જતું હતું. તેથી તેણે અમને તેમાં બેસાડ્યા.

અમે ઘણા દિવસો સુધી ધીમે ધીમે હંકાર્યુ. અમારા માટે કનિદસ પહોંચવું ઘણું કઠિન હતું. કારણ કે પવન અમારી વિરૂદ્ધ ફૂંકાતો હતો અમે તે રસ્તે જરાય આગળ જઈ શક્યા નહિ. તેથી અમે સાલ્મોનીની નજીક ક્રીતની ટાપુની દક્ષિણ બાજુએ હંકારી ગયા. અમે કિનારે કિનારે હંકારી ગયા. પણ હંકારવું ઘણું કઠણ હતું. પછી અમે (સલામત બંદર) (સેફ હાબેર્સ) નામે ઓળખાતી જગ્યાએ આવ્યા. ત્યાં નજીકમાં લસૈયા શહેર છે.

લૂક 8:40-56

ઈસુ મૃત છોકરીને જીવનદાન આપે છે અને માંદી સ્ત્રીને સાજી કરે છે

(માથ. 9:18-26; માર્ક 5:21-43)

40 ઈસુ જ્યારે ગાલીલ પાછો ફર્યો ત્યારે લોકોએ તેનું સ્વાગત કર્યુ. દરેક વ્યક્તિ તેની રાહ જોતી હતી. 41 ઈસુ પાસે યાઈર નામનો એક માણસ આવ્યો. યાઇર સભાસ્થાનનો અધિકારી હતો. તે ઈસુના ચરણે પડ્યો અને ઈસુને વિનંતી કરી કે મારે ઘેર પધારો. 42 યાઇરને માત્ર એક દીકરી હતી. તે બાર વર્ષની હતી, જે મરણ પથારીએ હતી.

જ્યારે ઈસુ યાઇરને ઘરે જતો હતો તે દરમ્યાન તેની આજુબાજુ લોકોનું ટોળું તેના પર ઘસારો કરતું હતું. 43 ત્યાં એક સ્ત્રીહતી જેને બાર વર્ષથી લોહીવા હતો. પોતાની પાસે જે કઈ હતું તે બધું જ ખર્ય્યુ. પણ કોઈ વૈદ તેને સાજી કરી શક્યો ન હતો. 44 તે ઈસુની પાછળથી આવી અને તેનાં લૂગડાંની કોરને અડકી. તે જ ક્ષણે તેનો લોહીવા બંધ થઈ ગયો. 45 પછી ઈસુએ કહ્યું, “મને કોણ અડક્યું?”

બધા લોકોએ કહ્યું, તેઓએ ઈસુને સ્પર્શ કર્યો નથી. પિતરે કહ્યું, “સ્વામી, તારી આજુબાજુ જે લોકો છે તેઓ તારા પર ધસી રહ્યાં હતાં.”

46 ઈસુએ કહ્યું, “મને કોઈએ સ્પર્શ કર્યો છે. કેમકે મને ખબર પડી છે કે પરાક્રમ મારામાંથી બહાર નીકળ્યું છે.” 47 જ્યારે સ્ત્રીએ જોયું કે તે છુપી રહી શકે તેમ નથી ત્યારે ધ્રુંજતી ધ્રુંજતી આગળ આવી અને બધાજ લોકોની સમક્ષ ઈસુના પગ આગળ પડીને બોલી કે શા માટે તે ઈસુને સ્પર્શી હતી. પછી તેણે કહ્યું કે જ્યારે તેણે ઈસુનો સ્પર્શ કર્યો ત્યારે તરત જ તે સાજી થઈ ગઇ હતી. 48 ઈસુએ તેને કહ્યું, “દીકરી, તને તારા વિશ્વાસે સાજી કરી છે. શાંતિથી જા.”

49 હજી ઈસુ બોલતો હતો ત્યાં તો સભાસ્થાનના અધિકારી (યાઇર) ને ઘરેથી એક માણસ આવ્યો. અને કહ્યું કે, “તારી પુત્રીનું અવસાન થયું છે. હવે ઉપદેશકને તકલીફ આપીશ નહિ.”

50 ઈસુએ આ સાંભળ્યું, તેણે યાઇરને કહ્યું, “જરાય ગભરાઇશ નહિ. માત્ર વિશ્વાસ રાખ એટલે તારી પુત્રી સાજી થઈ જશે.”

51 ઈસુ ઘરે આવ્યો. ઈસુએ ફક્ત પિતર, યાકૂબ, યોહાન તથા છોકરીના માબાપને જ તેની સાથે અંદર આવવા દીધા. ઈસુએ બીજા કોઈ પણ માણસને અંદર આવવા દીધા નહિ. 52 બધાજ લોકો રડતાં હતા અને વિલાપ કરતાં હતાં કારણ કે તે છોકરી મૃત્યુ પામી હતી. પણ ઈસુએ કહ્યું, “રડશો નહિ, તેનું મૃત્યુ થયું નથી, પણ તે ઊંઘે છે.”

53 લોકો ઈસુ તરફ હસ્યા, કારણ કે તેઓ જાણતા હતા કે છોકરી મરી ગઇ છે. 54 પણ ઈસુએ તેનો હાથ પકડીને તેને બોલાવી, “નાની છોકરી ઊભી થા!” 55 તેનો આત્મા તેનામાં પાછો આવ્યો ને તરત ઊભી થઈ. ઈસુએ કહ્યું, “તેને કઈક ખાવાનું આપો.” 56 તે છોકરીનાં માબાપ આશ્ચર્યચકિત થઈ ગયા. ઈસુએ તેઓને કહ્યું કે, જે કંઈ બન્યું છે તે વિષે કોઈને કહેતાં નહિ.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International