Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 119:145-176

કોફ

145 મેં ખરા હૃદયથી અરજ કરી છે, હે યહોવા,
    મને ઉત્તર આપ, હું તમારા નિયમોનું પાલન કરીશ.
146 “મારું રક્ષણ કરો” મેં તમને પ્રાર્થના કરી છે;
    એટલે હું તમારા નિયમોનું પાલન કરીશ.
147 પ્રભાત થતાં પહેલા મેં પ્રાર્થના કરી;
    અને મે તમારી વાતની આશા રાખી.
148 તારા વચનનું મનન કરવા માટે;
    મારી આંખો રાતના છેલ્લા પહોર અગાઉ ઊઘડી ગઇ હતી.
149 તમારી કૃપા પ્રમાણે મારી વાણી સાંભળો;
    હે યહોવા, તમારા ન્યાયવચનો પ્રમાણે મને જિવાડો.
150 તમારા નિયમનો ભંગ કરનારા અને દુષ્ટ પ્રપંચ ઘડનારા
    મારા પર હુમલો કરવા આવી રહ્યાં છે.
151 હે યહોવા, તમે મારી નજદીક છો;
    અને તમારી સર્વ આજ્ઞાઓ સત્ય છે.
152 લાંબા સમય પૂવેર્ તમારા સાક્ષ્યોમાંથી મેં જાણ્યું
    કે તમે તેઓને સદાને માટે સ્થાપ્યાં છે.

રેશ

153 મારા સંકટ સામે જુઓ અને મારી રક્ષા કરો;
    કારણ, હું તમારો નિયમ ભૂલતો નથી.
154 મારી લડતને લડો અને મને બચાવો!
    મને તમારા વચન પ્રમાણે જીવવા દો.
155 દુષ્ટ અન્યાયીઓથી તારણ દૂર રહે છે;
    કારણકે તે તમારા નિયમો શોધતા નથી.
156 હે યહોવા, તારી કરુણા ધણી મહાન છે;
    તારાં ન્યાયવચનો પ્રમાણે મને જિવાડ.
157 મને સતાવનારા, મારા શત્રુઓ ઘણા છે;
    છતાં હું તારા નિયમોથી પાછો હઠી ગયો નથી.
158 જ્યારે મેં વિશ્વાસઘાતીઓને જોયા; ત્યારે મેં તેમનો અસ્વીકાર કર્યો;
    કારણકે, તેઓ તમારા વચનનું પાલન કરતાં નથી.
159 હું તમારા શાસનો પર કેટલો બધો પ્રેમ રાખુ છું,
    તે ધ્યાનમાં લે જો હે યહોવા, તમારી કૃપા અનુસાર તમે મને જિવાડો.
160 તમારા બધાં વચનો અથથી તે ઇતિ સુધી સત્ય છે;
    અને તમારા સર્વ ન્યાયી વચનો અનંતકાળ સુધી ટકવાના છે.

શીન

161 મને સરદારોએ વિના કારણ સતાવ્યો છે;
    પણ મારું હૃદય તમારાં વચનોનો ભય રાખે છે.
162 જેમ કોઇકને મોટો ખજાનો મળે
    તેમ તમારા વચન મને રાજી કરે છે.
163 હું અસત્યને ધિક્કારું છું, હું તેમનો તિરસ્કાર કરું છું
    પરંતુ હું તમારા નિયમને ચાહું છું.
164 તમારા યથાર્થ અને ન્યાયી વચનોને કારણે,
    હું દિવસમા સાત વખત તમારી સ્તુતિ કરું છું.
165 તમારા નિયમ પર પ્રેમ રાખનારાઓને અત્યંત શાંતિ મળે છે;
    તેઓને કોઇ પણ ઠોકર ખવડાવી શકે તેમ નથી.
166 હે યહોવા, તમારા તારણની મેં આશા રાખી છે;
    કારણ, મે તમારી આજ્ઞાઓ પાળી છે.
167 હું તમારા સાક્ષ્યોને અનુસર્યો
    અને તેથી હું તેમના પર ઘણો પ્રેમ રાખું છું.
168 હું તમારા બધાં શાસનો અને સાક્ષ્યોને અનુસર્યો છું,
    હે યહોવા, હું જે કરું તે બધુ તમે જાણો છો.

તાવ

169 હે યહોવા, મારી પ્રાર્થનાઓ સાંભળો;
    અને તમે વચન આપ્યું છે તે પ્રમાણે મને સમજણ આપો.
170 મારી પ્રાર્થનાને તમારી સમક્ષ આવવા દો;
    અને તમારા વચન પ્રમાણે મને ઉગારો.
171 મારા હોઠો તમારી સ્તુતિ ઉચ્ચારશે,
    કારણકે, તમે મને તમારા વિધિઓ શીખવો છો.
172 મને તમારા વચનોનો જવાબ આપવા દો, અને મને મારું ગીત ગાવા દો.
    કારણ કે, તમારી આજ્ઞાઓ પૂર્ણ ન્યાયી છે.
173 મને મદદ કરવા તમારો હાથ તૈયાર થાઓ કારણ કે,
    મેં તમારાં શાસનોને અનુસરવાનું પસંદ કર્યુ છે.
174 હે યહોવા, હું તારા તારણ માટે અભિલાષી છું;
    તમારો નિયમ એ જ મારો આનંદ છે.
175 મારા આત્માને જિવાડો જેથી હું તમારી સ્તુતિ કરી શકું;
    તમારા ન્યાયવચનો મને મદદરૂપ થાઓ.
176 હું ભૂલા પડેલા ઘેટાઁની જેમ ભટકી ગયો છું;
    તમે આવો
અને મને તમારા સેવકને શોધી કાઢો.
    કારણકે હું તમારી આજ્ઞાઓને ભૂલ્યો નથી.

ગીતશાસ્ત્ર 128-130

મંદિરે ચઢવાનું ગીત.

જેઓ યહોવાનો ભય રાખે છે અને તેના માર્ગમાં ચાલે છે;
    તે સર્વને ધન્ય છે.

તેઓ જાત પરિશ્રમથી કમાયેલી વસ્તુઓનો આનંદ માણશે.
    તેઓ સુખી થશે અને તેઓ આશીર્વાદિત હશે.
તારી પત્ની તારા ઘરના અંત:પુરમાં ફળવત દ્રાક્ષાવેલાના જેવી થશે;
    તારા સંતાનો તારી મેજની આસપાસ જૈતુન વૃક્ષના રોપા જેવા થશે.
જે યહોવાથી ડરે છે તેને એવો આશીર્વાદ મળશે.
યહોવા તને સિયોનમાંથી આશીર્વાદ આપશે;
    તમે જીવનના સર્વ દિવસો પર્યંત યરૂશાલેમની સારી વસ્તુઓનો આનંદ માનશો.
તું પોતાના સંતાનોનાં સંતાનો જોશે.

ઇસ્રાએલને શાંતિ થાઓ.

મંદિર ચઢવા માટેનું ગીત.

ઇસ્રાએલને કહેવા દો,
    “મારી યુવાવસ્થાથી મારી પાસે ઘણાં દુશ્મનો હતાં.”
મારી યુવાવસ્થાથી મારી પાસે ઘણા દુશ્મનો હતા
    પણ તેઓ મને હરાવી ન શક્યા!
પીઠ પર લાંબા અને ઊંડા કાપા પડ્યા તેટલો માર્યો,
    હળથી ખેતરમાં ચાસ પાડ્યા હોય તેમ.
પરંતુ યહોવા તો ન્યાયી છે,
    દુષ્ટ લોકોએ મને બાંધેલા દોરડાં ને (બંધનોને) તેણે કાપ્યાં છે.
સિયોનને ધિક્કારનારા બધાં અપમાનિત થાઓ
    અને હારીને ભાગી જાય.
તેઓ છાપરા ઉપર અંકુરિત થતા ઘાસ જેવા થાઓ;
    જે વૃદ્ધિ પામ્યાં પહેલા સુકાઇ જાય છે.
જેથી કાપનાર પોતાનો હાથ
    અને પૂળા બાંધનાર પોતાની બાથ ભરી શકતો નથી.
તેઓની પાસેથી જનારા એવું કહેતા નથી કે,
    “યહોવાનો આશીર્વાદ તમારા પર હો!
    યહોવાના નામે અમે તમને આશિષ આપીએ છીએ.”

મંદિરે ચઢવા માટેનું ગીત.

હે યહોવા, સંકટોનાં ઉંડાણમાંથી મેં
    તમને મદદ માટે પોકાર કર્યો.
હે યહોવા, મારી હાકલ સાંભળ;
    અને મદદ માટેની મારી હાકલ પર તમારા કાન ધ્યાન આપે.
હે યહોવા, અમારા પ્રભુ; જો તમે ખરેખર અમને અમારા પાપો માટે શિક્ષા કરી હોત,
    તો કોઇનું અસ્તિત્વ રહેત નહિ.
પરંતુ તમે લોકોને માફી આપો છો,
    તેથી તમે આદર પામશો.

તેથી હું મોટી આશા સાથે યહોવાની વાટ જોઉ છું,
    મારો આત્મા તેમની રાહ જુએ છે,
    હું તેમના વચન પર આધાર રાખું છું.
પહેરો ભરનાર સંત્રી પ્રભાતની રાહ જુએ તે કરતાં વિશેષ
    હું યહોવાની રાહ જોઉં છું.
હે ઇસ્રાએલ, યહોવામાં તમારો વિશ્વાસ મૂકો,
    કારણ, તે દયાળુ ને કૃપાળુ છે
અને તે આપણને બચાવવા આપણી પાસે આવે છે.
    તેઓના બધાં પાપોને માટે તે પોતે ઇસ્રાએલને માફ કરશે.

મિખાહ 2

લોકોની દુષ્ટ યોજનાઓ

જેઓ પોતાની પથારીમાં જાગૃત રહીને પાપી યોજનાઓ
    અને દુષ્ટતા આચરવાની યોજનાઓ કરે છે
તેઓને ધિક્કાર છે!
    પછી પ્રભાતના પ્રકાશમાં તેઓ તેનો અમલ કરે છે.
તેઓ ખેતરો મેળવવાની ઇચ્છા રાખે છે
    તેથી તેને ઘેરી વળે છે,
તેઓ ઘર મેળવવાની ઇચ્છા રાખે છે
    તેથી તેને પડાવી લે છે.
તેઓ વ્યકિતને તેની સંપતિ માટે છેતરે છે,
    તેઓ વારસદારને તેના વારસા માટે ઠગે છે.

લોકોને સજા કરવાની યહોવાની યોજના

તેથી યહોવા કહે છે કે,
“જુઓ, હું આ કુળ ઉપર આફત નાખવાનો વિચાર કરું છું,
    એમાંથી તમે તમારી જાતને નહિ બચાવી શકો,
ને તમે હવે હોશીયારીથી ચાલી શકશો નહિ,
    કારણકે તે ભયાનક સમય હશે.
તે દિવસે તેઓ તમને મહેણાં ટોણાં મારશે
    અને તમારે માટે દુ:ખના ગીતો ગાઇને કહેશે કે,
‘આપણે તો સંપૂર્ણ રીતે પાયમાલ થઇ ગયા છીએ,
    તે અમારી જમીન બદલી નાખે છે અને જે મારી છે
તે લઇ લે છે અને તે અમારા ખેતરો
    અમને દગો આપનારા વચ્ચે વહેંચી આપે છે.
જ્યારે યહોવા લોકોની જમીનના ભાગ પાડશે,
    ત્યારે તમને તે નહિ મળે.’”

મીખાહને ઉપદેશ માટે ના પાડવી

લોકો મને કહે છે, “તમારે પ્રબોધ કરવો નહિ,
    તમે આવી વસ્તુઓ પ્રબોધવા માટે નથી,
આપણી ઉપર અવકૃપા નહિ આવે.”

હે યાકૂબના કૂળસમુહો,
    શું આવું કહેવાશે?
કે યહોવાનો આત્મા સંકોચાયો છે?
    આ શું તેનાઁ કાર્યો છે?
જેઓ નીતિમત્તાથી ચાલે છે
    તેમના માટે મારા શબ્દો સારા નથી?
પણ છેવટે થોડી મુદતથી મારા લોકો શત્રુની જેમ વર્તી રહ્યાં છે.
    તમે પસાર થતાં શાંત લોકોના કપડાં ઉતારી નાખો છો,
જેઓ એમ વિચારે છે કે તેઓ યુદ્ધમાંથી
    પાછા ફરતાં લોકોની જેમ સુરક્ષિત છે.
મારા લોકોની સ્ત્રીઓને તમે તેઓનાં
    આરામદાયક મકાનોમાંથી કાઢી મૂકો છો;
અને તેમનાં બાળકો પાસેથી મારું ગૌરવ
    તમે સદાને માટે હળી લો છો.
10 ઊઠો, ચાલ્યા જાઓ,
    કારણકે આ તમારું વિશ્રામસ્થાન નથી.
અશુદ્ધિ ભયંકર વિનાશ
    સાથે સંહાર કરે છે.

11 જો કોઇ અપ્રામાણિકતા
    અને અસત્યની પ્રકૃતિવાળી વ્યકિત એમ કહેતી આવે કે,
“હું તમને પુષ્કળ દ્રાસારસ અને મધ વિષે ઉપદેશ આપીશ,
    તો તે આ લોકોનો જ પ્રબોધક હશે.”

યહોવા પોતાના લોકોને ભેગા કરશે

12 હું ચોક્કસપણે તમને બધાને, યાકૂબના લોકોને ભેગાં કરીશ.
    હું કાળજીપૂર્વક ઇસ્રાએલના બચેલાઓને ભેગાં કરીશ.
હું તેમને વાડાના ઘેટાંની જેમ
    તથા ગૌચરના ઘેટાંના ટોળાંની જેમ ભેગાં કરીશ.
ચારેબાજુથી બધા લોકોના આવાજથી
    ત્યાં ઘોંઘાટ મચી જશે.
13 પછી એક “ઘસી પડનાર” તેમની આગળ આવશે
    અને તેઓ દરવાજો તોડીને તેમાંથી પસાર થશે,
રાજા તેમની પહેલાં પસાર થઇ ગયો છે,
    યહોવા તેમનો આગેવાન છે!

પ્રેરિતોનાં કૃત્યો 23:23-35

પાઉલને કૈસરિયા મોકલાય છે

23 પછી સરદારે બે લશ્કરી અમલદારોને બોલાવ્યા. તેણે તેઓને કહ્યું, “મારે કૈસરિયા જવા માટે કેટલાક માણસોની જરુંર છે. 200 સૈનિકોને તૈયાર રાખો. 70 ઘોડેસવાર સૈનિકો પણ તૈયાર રાખો, અને 200 બરછીવાળાઓને પણ આજે રાત્રે નવ વાગે જવા માટે તૈયાર રાખો. 24 પાઉલની સવારી માટે કેટલાએક ઘોડા તૈયાર રાખો. હાકેમ ફેલિકસ પાસે તેને સહીસલામત લઈ જવામાં આવે.” 25 સરદારે એક પત્ર લખ્યો. પત્રમાં આ મુજબ લખાણ છે.

26 નેકનામદાર ફેલિકસ

હાકેમને કલોદિયસ લુસિયાની

સલામ.

27 તે યહૂદિઓએ આ માણસને (પાઉલ) પકડ્યો હતો અને તેઓએ તેને મારી નાખવાની યોજના કરી હતી. પરંતુ મેં સાંભળ્યું છે કે તે એક રોમન નાગરિક છે, તેથી હું મારા સૈનિકો સાથે ગયો અને તેને છોડાવ્યો. 28 હું કારણ જાણવા ઇચ્છું છું કે તેઓ શા માટે તેની સામે આક્ષેપો કરે છે. તેથી હું તેને ન્યાયસભામાં લઈ ગયો. 29 મેં જે જાણયું તે આ છે; યહૂદિઓએ કહ્યું, પાઉલે એવું કંઈક કર્યુ છે જે ખોટું હતું. પણ આ આક્ષેપો તેના પોતાના યહૂદિ નિયમો વિષે છે. તેમાનો એક પણ લાયક નથી. અને આ વસ્તુઓમાંની કેટલીક તો જેલ અને મૃત્યુદંડને યોગ્ય છે. 30 મારું ધ્યાન દોરવામાં આવ્યું હતું કે કેટલાએક યહૂદિઓએ પાઉલને મારી નાખવાની યોજના ઘડી રહ્યા હતા. તેથી હું તેને તમારી પાસે મોકલું છું. મેં તે ફરિયાદીઓને પણ તેમને તેની સામે જે વિરોધ હોય તે કહેવા કહ્યું છે.

31 તે સૈનિકોને જે કહેવામાં આવ્યું હતું તે તેઓએ કર્યું. તે સૈનિકો પાઉલને લઈ ગયા અને તે જ રાત્રે અંતિપાત્રિસના શહેરમાં તેઓ તેને લઈ ગયા. 32 બીજે દિવસે ઘોડેસવારો પાઉલ સાથે કૈસરિયા પહોંચ્યા. પણ બીજા સૈનિકો અને બરછીવાળા માણસો યરૂશાલેમમાં લશ્કરના મકાનની પાછળ પાછા ગયા. 33 ઘોડેસવાર સૈનિકો કૈસરિયામાં પ્રવેશ્યા અને હાકેમને પત્ર આપ્યો. પછીથી તેઓએ તેને પાઉલને સોંપ્યો.

34 તે હાકેમે પત્ર વાંચ્યો. પછી તેણે પાઉલને પૂછયું, “તું કયા દેશનો છે?” હાકેમે જાણ્યું કે પાઉલ કિલીકિયાનો હતો. 35 ત્યારે તેણે કહ્યું, “ફરિયાદીઓ આવ્યા પછી હું તારા મુકદ્દમાની તપાસ કરીશ.” પછી તેણે તેને હેરોદના દરબારમાં પહેરા હેઠળ રાજમહેલમાં રાખવાનો હુકમ કર્યો.

લૂક 7:18-35

યોહાનનો પ્રશ્ર

(માથ. 11:2-19)

18 યોહાનના શિષ્યોએ આ બધી વાતો યોહાનને કહી. યોહાને પોતાના શિષ્યોમાંથી બે શિષ્યોને પોતાની પાસે બોલાવ્યા. 19 યોહાને તેઓને પ્રભુ (ઈસુ) ની પાસે મોકલીને પૂછાવ્યું કે, “જે આવનાર છે તે શું તું જ છે કે અમે બીજી વ્યક્તિની રાહ જોઈએ?”

20 તેથી તે માણસો ઈસુ પાસે આવ્યા. તેઓએ કહ્યું, “બાપ્તિસ્મા કરનાર યોહાને તારી પાસે અમને પૂછવા મોકલ્યા છે કે જે આવનાર છે તે શું તું જ છે કે પછી અમે બીજી આવનાર વ્યક્તિની રાહ જોઈએ?”

21 તે સમય દરમ્યાન, ઈસુએ ઘણા લોકોને માંદગીમાંથી, રોગોમાંથી અને ભૂંડા આત્માઓથી પીડાતાઓને સાજા કર્યા. ઈસુએ ઘણા આંધળાઓને સાજા કર્યા જેથી તેઓ ફરીથી દેખતા થઈ શકે. 22 પછી ઈસુએ યોહાનના શિષ્યોને કહ્યું, “જાઓ અને તમે અહીં જે જોયું છે અને સાંભળ્યું છે તે યોહાનને કહી સંભળાવો. આંધળા લોકો સાજા થયા છે અને જોઈ શકે છે. લૂલાં સાજા થયા છે અને ચાલી શકે છે. રક્તપિત્તિઓને સાજા કરવામાં આવે છે, બહેરાઓને સાજા કર્યા છે અને તેઓ સાંભળી શકે છે. મૃત લોકોને સજીવન કરવામાં આવ્યા છે. અને ગરીબ લોકોને દેવના રાજ્યની સુવાર્તા પ્રાપ્ત થાય છે. 23 અને જે કોઈ મારા સંબંધી ઠોકર નહિ ખાશે તેને ધન્ય છે!”

24 યોહાનના સંદેશાવાહકો ગયા પછી ઈસુએ યોહાન વિષે લોકોને કહેવાનું શરૂ કર્યુ: “રેતીના રણમાં તમે શું જોવા ગયા હતા? શું પવનથી હાલતા બરુંને? 25 તમે બહાર શું જોવા ગયા હતા? શું સુંદર વસ્ત્ર પરિધાન કરેલા માણસને? ના, તો શું જેઓ ભપકાદાર વસ્ત્રો પહરે છે અને ભોગવિલાસ કરે છે કે જેઓ મહેલોમાં રહે છે. 26 ખરેખર, તમે શું જોવા માટે બહાર ગયા હતા? શું પ્રબોધકને? હા, અને હું તમને કહું છું, યોહાન એ પ્રબોધક કરતાં વધારે છે. 27 યોહાન વિષે આમ લખેલું છે:

‘સાંભળ! હું મારા દૂતને તારી આગળ મોકલું છું.
    જે તારી આગળ તારો માર્ગ સિદ્ધ કરશે.’(A)

28 હું તમને કહું છું, આજ પર્યંત જે કોઈ જન્મ્યા છે તે સૌના કરતાં યોહાન વધારે મોટો છે. તો પણ દેવના રાજ્યમાં જે માત્ર નાનો છે, તે તેના કરતાં મોટો છે.”

29 (જ્યારે લોકોએ આ સાંભળ્યું ત્યારે તે બધાએ કબૂલ કર્યુ કે, દેવનો ઉપદેશ સારો હતો. જકાતદારો પણ સંમત થયા. આ બધા લોકો યોહાનથી બાપ્તિસ્મા પામ્યા હતા. 30 પરંતુ ફરોશીઓ તથા શાશ્ત્રીઓએ તેમના માટેની દેવની યાજનાનો સ્વીકાર કરવાની ના પાડી. અને તેઓએ યોહાન દ્ધારા બાપ્તિસ્મા પામવા ના પાડી.)

31 “આ સમયના લોકો માટે હું શું કહું? હું તેઓને શાની ઉપમા આપું? તેઓ કોના જેવા છે? 32 આ પેઢીના લોકો તો બજારમાં કોઈ જગ્યાએ બેઠેલા બાળકો જેવા છે. એક બાળકોનું ટોળું બીજા બાળકોને બોલાવે છે અને કહે છે:

‘અમે તમારે માટે સંગીત વગાડ્યું,
    પણ તમે નાચ્યા નહિ;
અમે કરૂણ ગીત ગાયું,
    પણ તમે દિલગીર થયા નહિ.’

33 યોહાન બાપ્તિસ્ત આવ્યો અને બીજા લોકોની જેમ રોટલી ખાધી નહિ કે દ્ધાક્ષારસ પીધો નહિ, અને તમે કહો છો કે, ‘તેનામાં ભૂત છે.’ 34 માણસનો દીકરો બીજા લોકોની જેમ ખાતો અને પીતો આવ્યો છે. અને તમે કહો છો કે ‘એના તરફ જુઓ! તે વધારે પડતું ખાય છે અને ખૂબ વધારે દ્ધાક્ષારસ પીએ છે! તે જકાતદારોનો તથા ખરાબ માણસોનો મિત્ર છે!’ 35 પરતું જ્ઞાની પોતાના સર્વ કાર્યોથી યથાર્થ મનાય છે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International