Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 83

આસાફના સ્તુતિગીતોમાંનુ.

હે દેવ, તમે છાના ન રહો;
    હે દેવ, તમે ચૂપ ન રહો;
    અને શાંત ન રહો.
જુઓ, તમારા શત્રુઓ હુલ્લડ મચાવે છે.
    અને જેઓ તમને ધિક્કાર છે તેમણે તમારી સામે માથું ઊંચું કર્યું છે.
તેઓ તમારા લોકો વિરુદ્ધ કપટભરી યોજનાઓ કરે છે,
    અને તમારા લોક જેઓ તમને મૂલ્યવાન છે, તેઓની વિરુદ્ધ પ્રપંચ રચે છે.
તેઓ કહે છે, “ચાલો, પ્રજા તરીકેના તેમના અસ્તિત્વનો આપણે સંપૂર્ણ નાશ કરીએ;
    જેથી ઇસ્રાએલના નામનું સ્મરણ કદી ન રહે.”
તેઓ નિર્ણય સર્વાનુમતે કરે છે, અને યોજનાઓ કરે છે;
    તેઓ તમારી વિરુદ્ધ કરાર કરે છે.
તંબુમાં રહેનાર અદોમીઓ, ઇશ્માએલીઓ, મોઆબીઓ તથા હાગ્રીઓ,
    ગબાલ, તથા આમ્મોન ને અમાલેક;
    અને તૂર દેશના લોકો પલિસ્તીઓ કરાર કરે છે.
તેઓની સાથે આશ્શૂર પણ સામેલ થાય છે;
    અને લોતના વંશજોને સહાય કરી છે.

તમે જે મિદ્યાન સાથે વ્યવહાર કર્યો હતો, કીશોન નદી પર સીસરા તથા યાબીન સાથે;
    તેવોજ વ્યવહાર તમે તેઓની સાથે કરો.
10 એન-દોરમાં તેઓ નાશ પામ્યા,
    અને ભૂમિ મૃતદેહોના કહોવાણથી ફળદ્રુપ થઇ.
11 જેમ ઓરેબ તથા ઝએબ મૃત્યુ પામ્યા, તેમ તેઓના સર્વ શૂરવીરો મૃત્યુ પામો;
    સર્વ અધિકારીઓના હાલ ઝેબાહ તથા સાલ્મુન્ના જેવા થાઓ.
12 તેઓએ કહ્યું, ચાલો આપણે પોતાને માટે
    દેવના નિવાસસ્થાનને કબજે કરીએ.
13 હે મારા દેવ, તેઓને વંટોળિયાની ધૂળ જેવા;
    અને પવનથી ઊડતાં ફોતરાં જેવા કરો.
14 જેમ અગ્નિ જંગલોને ભસ્મ કરે છે,
    અને આગ પર્વતોને સળગાવે તેમ વિનાશ કરો.
15 તમારા વંટોળિયાઓ અને તોફાનોથી
    તેમનો પીછો કરો અને તેમને ડરાવો.
16 તેઓ લજ્જિત થઇ પોતાનાં મુખ સંતાડે તેમ કરો.
    હે યહોવા, તેઓ તમારું નામ શોધે.
17 તેઓ હંમેશા લજ્જિત થાઓ, અને ગૂંચવાઇ જાઓ;
    તેઓ અપમાનિત થાઓ અને નાશ પામો.
18 જેથી તેઓ જાણે કે તમારું નામ છે,
    “યહોવા” છે અને તમે એકલાં જ સમગ્ર પૃથ્વી પર પરાત્પર દેવ છો.

ગીતશાસ્ત્ર 146-147

યહોવાની સ્તુતિ કરો.
    હે મારા આત્મા યહોવાની સ્તુતિ કર.
મારા જીવન પર્યંત હું યહોવાની સ્તુતિ કરીશ;
    મારા જીવનનાં છેલ્લા શ્વાસ સુધી હું તેમનાં સ્તુતિગીતો ગાઇશ.
તમે રાજાઓ કે માણસોનો ભરોસો ન રાખો,
    કારણકે તેમની પાસે તારણ નથી.
તેનો પ્રાણ તેમને છોડી જાય છે,
    અને તેમનું શરીર ધૂળમાં પાછું મળી જાય છે;
    અને તેમની બધી યોજનાઓ નકામી જાય છે.
જે માણસને સહાય કરનાર યાકૂબના દેવ છે;
    અને જેની આશા તેના દેવ યહોવામાં છે; તે આશીર્વાદિત છે.
યહોવાએ પૃથ્વી તથા આકાશો,
    સમુદ્રો તથા તેમાંના સર્વસ્વનું સર્જન કર્યુ છે,
તે પોતાના પ્રત્યેક વચનનુઁ પાલન કરે છે.
તે કચડાયેલાઓનો ન્યાય જાળવી રાખે છે,
    તે ભૂખ્યાઓને અનાજ પૂરું પાડે છે.
યહોવા કેદીઓને મુકત કરાવે છે.
    યહોવા આંધળાને દેખતાઁ કરે છે;
યહોવા ભારે બોજથી દબાયેલાઓનો બોજો હલકો કરે છે,
    કારણકે યહોવા ન્યાયી માણસને પ્રેમ કરે છે.
યહોવા નિરાશ્રિતોનું રક્ષણ કરે છે;
    અને અનાથો તથા વિધવાઓની કાળજી લે છે;
    પણ દુષ્ટોની યોજનાઓને ઊંધી વાળે છે.
10 યહોવા સદાકાળ રાજ કરશે, હે સિયોન,
    તમારા દેવ પેઢી દર પેઢી રાજ કરશે.

યહોવાની સ્તુતિ થાઓ!

તે ભલા છે માટે યહોવાની સ્તુતિ થાઓ.
    આપણા દેવનાં સ્તુતિગીતો ગાઓ.
    કારણકે તે સારું અને ગમતું છે.
યહોવા યરૂશાલેમને બાંધે છે;
    તે ઇસ્રાએલી લોકો જેઓ બંદીવાન બનાવાયા હતાં તેઓને ભેગા કરશે અને પાછા લાવશે.
હૃદયભંગ થયેલાઓને તે સાજાઁ કરે છે;
    અને તે તેઓના ઘા રૂઝવે છે અને પાટા બાંધે છે.
તે તારાઓની ગણતરી કરે છે;
    અને તેઓને નામ દઇને બોલાવે છે.
આપણા પ્રભુ કેવા મહાન છે!
    તેમના સાર્મથ્યનો પાર નથી!
    તેમના જ્ઞાનની કોઇ સીમા નથી.
યહોવા નમ્રજનોને આધાર આપે છે;
    પરંતુ દુષ્ટોને અપમાનિત કરે છે.
યહોવાએ કરેલા ઉપકારો માટે તેમનો આભાર માનો;
    આપણા યહોવાના સિતાર સાથે સ્તોત્રગીત ગાઓ.
તે આકાશને વાદળોથી ઢાંકે છે;
    પૃથ્વીને માટે તે વરસાદ તૈયાર કરી રાખે છે;
    તે પહાડો પર ઘાસ ઉગાડે છે.
પશુઓને તેમજ પોકાર કરતાં કાગડાનાં બચ્ચાંને
    પણ તે જ ખોરાક આપે છે.
10 દેવની ખુશી યુદ્ધના ઘોડાઓની શકિતમાં
    અને બળવાન સૈનિકોમાં નથી.
11 પણ જેઓ તેમનો ભય રાખે છે;
    ને યહોવાની કૃપા માટે વાટ જુએ છે;
    તેથી યહોવા ખુશ રહે છે.
12 હે યરૂશાલેમ, તમે યહોવાની સ્તુતિ કરો;
    હે સિયોન, તમારા દેવની સ્તુતિ કરો.
13 કારણ, તેમણે તારા સર્વ શત્રુઓ વિરુદ્ધ, તારા દરવાજાઓને સુરક્ષિત કર્યા છે.
    અને તારા કુળના સર્વ સંતાનોને આશીર્વાદિત કર્યા છે.
14 તે તમારા સમગ્ર દેશમાં શાંતિ સ્થાપે છે;
    અને તે તારા કોઠારોને અનાજથી ભરપૂર કરે છે.
15 તે પોતાની આજ્ઞા પૃથ્વી પર મોકલે છે;
    અને તેનું વચન અતિ વેગથી દોડે છે.
16 તે જમીનને ઢાંકવા સફેદ ઊન જેવો બરફ મોકલે છે
    અને ધૂળ જેવી હવામાંથી બરફનાં કરાંની વૃષ્ટિ કરે છે.
17 તે આકાશમાંથી પથ્થરની જેમ પડતાં કરા મોકલે છે
    અને તેણે મોકલેલી ટાઢ આગળ કોણ ઊભું રહી શકે?
18 તે પોતાનું વચન મોકલીને તેમને ઓગળાવે છે;
    તે પોતાના પવનને ફૂંકાવાની આજ્ઞા કરે છે;
    અને સર્વ નદીઓમા પાણી વહેતાં થાય છે.

19 દેવે યાકૂબને તેમના વચન આપ્યા,
    તેમણે તેમના વિધિઓ અને નિયમો પણ ઇસ્રાએલને આપ્યા.
20 અન્ય કોઇ પ્રજા સાથે તેમણે આ પ્રમાણે કર્યુ નથી;
    અન્ય પ્રજાઓએ તેમની આજ્ઞાઓ જાણી નથી.

યહોવાની સ્તુતિ થાઓ.

ગીતશાસ્ત્ર 85-86

નિર્દેશક માટે. કોરાહના દીકરાઓનું એક સ્તુતિગીત

હે યહોવા, તમારા દેશ પર તમે તમારી કૃપા દર્શાવી છે.
    અને તમે યાકૂબના બંદીઓને આ દેશમાં પાછા મોકલી આપ્યા છે.
તમારા લોકોના પાપો તમે માફ કર્યા છે;
    અને તમે તેઓનાઁ બધા પાપોનું પ્રાયશ્ચિત કર્યુ છે.

તેથી હવે તમારા કોપનો ભસ્મ
    કરનારા ક્રોધનો અંત આવ્યો છે.
હે મારા દેવ, અમારા તારનાર, તમારા પર પ્રેમ કરવામાં તમે અમને સંસ્થાપિત કરો.
    જેથી ફરી કદી તમારે અમારા ઉપર ક્રોધીત ન થવું પડે.
શું તમે સદા અમારા પર કોપાયમાન રહેશો?
    શું તમારો કોપ પેઢી દર પેઢી લંબાવાશે?
હે યહોવા, અમને પુન:પ્રસ્થાપિત કરો જેથી અમે,
    તમારા લોકો ફરી તમારામાં આનંદ પામીએ.
તમારો પ્રેમ અને દયા, અમારા ઉપર રેડી દો.
    અને અમને તમારું તારણ પમાડો.

યહોવા દેવ જે કહે છે તે હું કાળજી પૂર્વક સાંભળુ છું.
    યહોવા તેના લોકોને અને તેના વફાદાર અનુયાયીઓને શાંતિનું વચન આપે છે;
    પરંતુ તેઓ તેમની મૂર્ખાઇ તરફ ચોક્કસ પાછા ન વળે.
જેઓ તેમનો ભય રાખે છે તેમને દેવનું તારણ છે.
    બહુ જલદી અમારી ભૂમિ પર અમે માન પૂર્વક રહીશું.
10 કૃપા અને સત્યતા એકબીજાની સાથે મળેલી છે;
    ન્યાયીપણાએ તથા શાંતિએ એકબીજાને ચુંબન કર્યુ છે.
11 પૃથ્વીમાંથી સત્ય ઉપર ઉંચે જાય છે.
    અને ન્યાયીપણું આકાશમાંથી વરસશે.
12 હા, યહોવા “કલ્યાણ” આપશે;
    અને આપણો દેશ મબલખ પાક ઉપજાવશે.
13 તેમનું ન્યાયીપણું આગળ ચાલશે,
    અને તેમનાં પગલા માટે માર્ગ તૈયાર કરે છે.

દાઉદની પ્રાર્થના.

હે યહોવા, મને ધ્યાનથી સાંભળો અને મને ઉત્તર આપો;
    કારણ કે હું નિર્ધન તથા અસહાય છું.
મારા જીવનની રક્ષા કરો,
    કારણ હું તમારો વફાદાર અનુયાયી છું, હે મારા દેવ,
    તમારા પર આસ્થા રાખનાર સેવકને બચાવો.
હે યહોવા, મારા પર દયા કરો,
    કારણ; આખો દિવસ હું તમારી સમક્ષ પોકાર કરું છું.
હે યહોવા, તમારા સેવકને આનંદ આપો;
    હે પ્રભુ, હું મારું જીવન તારા હાથમાં સોંપુ છું.
હે પ્રભુ, તમે ઉત્તમ; અને ક્ષમા કરનાર છો.
    સહાયને માટે તમને પ્રાર્થના કરનારા પર તમે બંધનમુકત પ્રેમ દર્શાવો.
હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો;
    મારી કૃપા માટેની પ્રાર્થના સાંભળો.
મારા સંકટના ટાણે હું તમને પોકાર કરીશ,
    ને મને ખાતરી છે કે તમે મને ઉત્તર આપશો.
હે યહોવા, અન્ય દેવોમાં તમારા જેવો દેવ કોઇ નથી;
    અને તમારા જેવા પરાક્રમો પણ કોઇનાઁ નથી.
હે યહોવા, તમે જે રાષ્ટ્રોનું સર્જન કર્યુ છે તે બધાં આવીને તમને પ્રણામ કરશે;
    અને તેઓ તમારા નામનો મહિમા ગાશે.
10 કારણ તમે મહાન દેવ છો, અને અદૃભૂત ચમત્કારના કરનાર છો;
    તમે જ એકલાં દેવ છો.
11 હે યહોવા, તમે તમારા માર્ગ શીખવો;
    અને હું તે માર્ગ પર ચાલીશ અને સત્યનું પાલન કરીશ,
તમારા નામનો આદર કરવાને
    મારા હૃદયને એકાગ્ર કરો.
12 હે પ્રભુ, મારા દેવ, મારા પૂર્ણ અંત:કરણથી હું તમારી સ્તુતિ કરીશ;
    અને હું તમારા નામને સર્વદા મહિમા આપીશ.
13 કારણ, મારા પર તમારી અનહદ કૃપા છે;
    તમે શેઓલનાં ઊંડાણથી મારી રક્ષા કરી છે.
14 હે દેવ ઘમંડી અને ઉદ્ધત માણસો મારી સામા થયા છે;
    અને ક્રૂર અને દુષ્ટ માણસો મારો સંહાર કરવા માટે
    મારી પાછળ પડ્યાં છે તેઓ તમારું સન્માન કરતાં નથી.
15 પણ, હે પ્રભુ, તમે તો દયાને કરુણાથી ભરપૂર છો;
    તમે ક્રોધ કરવામાં ધીમા પણ નિરંતર કૃપા અને સત્યતાથી ભરપૂર છો.
16 મારી તરફ ફરો, ને મારા પર દયા કરો;
    તમારા આ દાસને તમારું સાર્મથ્ય આપો.
    મારી રક્ષા કરો, હું તમારો વફાદાર પુત્ર છું.
17 તમારી ભલાઇ ચિન્હ મને આપો; મારા શત્રુઓ તે જોશે અને નિરાશ થશે,
    કારણ હે યહોવા એ તમે છો જેણે મને મદદ કરી છે,
    અને દિલાસો આપ્યો છે.

એસ્તેર 7

હામાનને ફાંસીની સજા

રાજા તથા હામાન રાણી એસ્તેરની દ્રાક્ષારસની ઉજાણીમાં જમવા ગયા. બીજે દિવસે પણ દ્રાક્ષારસ પીતાંપીતાં રાજાએ એસ્તેરને પૂછયું; “એસ્તેર રાણી, તારી અરજ શી છે? તે તને આપવામાં આવશે; તારી વિનંતી શી છે? તારે શું જોઇએ છે? તું જે માગશે તે હું તને આપીશ, અડધું રાજ પણ હું તને આપવા તૈયાર છું.”

રાણી એસ્તેરે કહ્યું, “જો આપ મારા પર પ્રસન્ન થયા હોય, અને જો આપને આ યોગ્ય લાગતું હોય, તો મારી એટલી વિનંતી છે કે, મને અને મારા લોકોને જીવવા દો. મને અને મારા લોકોને, મારી નાખવા માટે અમારું અસ્તિત્વ મિટાવી દેવા માટે, વેચી દેવામાં આવ્યાં છે, જો અમને ફકત ગુલામ તરીકે વેચી દેવામાં આવ્યાં હોત તો મેં કંઇ પણ માંગ્યું ન હોત, કારણ, તેથી અમારી દશા એટલી ખરાબ ન થઇ હોત કે જેને માટે મારે આપ નામદારને તસ્દી આપવી પડે.”

“તું શી વાત કરે છે?” અહાશ્વેરોશે ભારપૂર્વક પૂછયું; “કોણ છે એ માણસ જેણે આવું કરવાની ધૃષ્ટતા કરી છે? તે ક્યાં છે?”

એસ્તેરે જવાબ આપ્યો, “આ દુષ્ટ હામાન અમારો શત્રુ છે,”

આ સાંભળીને હામાન રાજા અને રાણીની સામે ડરવા લાગ્યો. રાજા તો ગુસ્સામાં ઉજાણી છોડીને રાજમહેલમાં બગીચામાં ચાલ્યો ગયો. હામાન સમજી ગયો કે રાજાએ તેને મારવાનું નક્કી કરી લીધું હતું. તેથી તે રાણી એસ્તેર પાસે જીવનની માફી માંગવા ગયો. જ્યારે રાજા મહેલના બગીચામાંથી ઉજાણી રૂમમાં પાછો આવ્યો, ત્યારે એસ્તરની દયા યાચવા હામાન એસ્તરના પલંગ પર પડી રહ્યો હતો. આ જોઇને રાજા બોલ્યો; “શું મારા મહેલમાં મારા દેખતાં જ રાણી પર બળાત્કાર કરવા માઁગે છે?”

રાજાના મોઢામાંથી આ શબ્દો નીકળતાંજ રાજાના સેવકોએ હામાનનું મોઢું ઢાંકી દીધું. જે ખોજાઓ રાજાની સન્મુખ તે વખતે હાજર હતા તેઓમાંના એક, જેનું નામ હાબોર્નાહ હતું તેણે કહ્યું કે, મોર્દૃખાય, જેણે કાવત્રાની માહિતી આપીને રાજાની મદદ કરી હતી, તેને લટકાવવા માટે હામાને પોતાના ઘરની પાસે પંચોતેર ફુટનો ફાંસીનો માંચડો કરાવ્યો છે.

રાજાએ કહ્યું, “હામાનને તેના પર ફાંસી આપો.”

10 એટલે હામાને મોર્દખાયને માટે તૈયાર કરેલી ફાંસી પર તેને પોતાને ચઢાવી દેવામાં આવ્યો. તે પછી રાજાનો ગુસ્સો શમી ગયો.

પ્રેરિતોનાં કૃત્યો 19:11-20

સ્કેવાના પુત્રો

11 દેવે પાઉલના હાથે કેટલાક ખાસ ચમત્કારો કરાવ્યા. 12 કેટલાએક લોકો પાઉલે વાપરેલા હાથરૂમાલો તથા લૂગડા લઈ જતા. લોકો માંદા લોકો પર આ વસ્તુઓ મૂકતા. જ્યારે તેઓએ આ કર્યું, ત્યારે માંદા લોકો સાજા થઈ ગયા અને શેતાનનો અશુદ્ધ આત્મા તેઓને છોડી દેતો.

13-14 કેટલાએક યહૂદિઓ પણ આજુબાજુ મુસાફરી કરતા અને લોકોમાંથી અશુદ્ધ આત્માઓને બહાર કાઢતા. મુખ્ય યાજક સ્કેવાના સાત પુત્રો આ કરતા. આ યહૂદિઓ લોકોમાંથી અશુદ્ધ આત્માને બહાર કાઢવા માટે પ્રભુ ઈસુના નામનો ઉપયોગ કરતાં. તેઓ બધા કહેતાં, “પાઉલ જે ઈસુના વિષે વાત કરે છે તેના જ નામે હું તમને બહાર આવવા આજ્ઞા કરું છું!”

15 પણ એક વખતે એક શેતાનના અશુદ્ધ આત્માએ આ યહૂદિઓને કહ્યું, “હું ઈસુને જાણું છું અને હું પાઉલ વિષે જાણું છું પણ તમે કોણ છો?”

16 પછી એ માણસ જેનામાં શેતાનનો અશુદ્ધ આત્મા તેની અંદર હતો, તે આ યહૂદિઓ પર કૂદી પડયો. તે તેઓના બધા કરતા વધારે મજબૂત હતો. તેણે તેઓ બધાને માર્યા અને તેઓનાં કપડાં ફાડી નાખ્યા. આ યહૂદિઓ તે ઘરમાંથી નાસી ગયા.

17 એફેસસના બધા લોકો, યહૂદિઓ અને ગ્રીકોએ આ વિષે સાંભળ્યું. તેઓ બધાએ પ્રભુ ઈસુના નામને ખૂબ માન આપવાનું શરૂ કર્યુ. અને લોકોએ પ્રભુ ઈસુનું નામ મોટું મનાવ્યું. 18 ઘણા બધા વિશ્વાસીઓએ જે કંઈ ખરાબ વસ્તુઓ કરી હતી તે કહેવાની અને કબૂલ કરવાની શરુંઆત કરી. 19 કેટલાક વિશ્વાસીઓએ જાદુનો ઉપયોગ કર્યો. આ વિશ્વાસીઓ તેઓની જાદુઇ ચોપડીઓ લાવ્યા અને સર્વના દેખતાં તેઓને બાળી નાખ્યા; આ પુસ્તકોની કિંમત લગભગ 50,000 ચાંદીના સિક્કા હતી. 20 આમ પ્રભુની વાત પરાક્રમથી વધારે ને વધારે લોકોને અસર કરવા લાગી અને વધુ ને વધુ લોકો વિશ્વાસી બન્યા.

લૂક 4:14-30

ઈસુનો લોકોને ઉપદેશ

(માથ. 4:12-17; માર્ક 1:14-15)

14 પછી પવિત્ર આત્માના પરાક્રમે ઈસુ ગાલીલ પાછો ફર્યો. ગાલીલની આજુબાજુના પ્રદેશમાં ઈસુની વાતો પ્રસરતી ગઇ. 15 તેણે સભાસ્થાનોમાં ઉપદેશ આપવાનો આરંભ કર્યો. બધાજ લોકો ઈસુની પ્રશંસા કરવા લાગ્યા.

નાસરેથમાં ઈસુનો અસ્વીકાર

(માથ. 13:53-58; માર્ક 6:1-6)

16 ઈસુ ઉછરીને જ્યાં મોટો થયો હતો તે નાસરેથ શહેરમાં આવ્યો. પોતાની રીત પ્રમાણે તે વિશ્રામવારે સભાસ્થાનમાં ગયો અને વાંચવા ઊભો થયો. 17 તેને યશાયા પ્રબોધકનું પુસ્તક વાંચવા માટે આપવામાં આવ્યું. તેણે પુસ્તક ઉઘાડ્યું અને આ ભાગ તેને મળ્યો જ્યાં આ લખ્યું હતું:

18 “પ્રભુનો આત્મા મારામાં સમાયેલો છે.
પ્રભુએ જે લોકો પાસે કશું નથી એવા લોકોને સુવાર્તા આપવા,
કેદીઓને તેમની મુક્તિ જાહેર કરવા,
    આંધળાઓને દષ્ટિ આપવા જેથી તેઓ ફરીથી જોઈ શકે
તથા કચડાયેલા લોકોને મુક્ત કરવા મારો અભિષેક કર્યો છે.
19     તથા તેની દયા બતાવવાનો પ્રભુનો સમય જાહેર કરવા મને મોકલ્યો છે.” (A)

20 ત્યારબાદ પુસ્તક બંધ કરી, સેવકને પાછુ સોંપીને ઈસુ બેસી ગયો. સભાસ્થાનમાં બધાની નજર ઈસુ તરફ ઠરી રહી હતી. 21 ઈસુએ તેમની સમક્ષ બોલવાનો આરંભ કર્યો, તેણે કહ્યું, “તમારા સાંભળવામાં આવ્યું છે, તે પ્રમાણે આ ધર્મલેખ આજે સત્ય થયો છે!”

22 આ સાંભળીને બધાજ લોકો ઈસુની પ્રશંસા કરવા લાગ્યા, ઈસુની કૃપાથી ભરપૂર એવા શબ્દો સાંભળીને તેઓ અજાયબી પામ્યા. તે લોકોએ પૂછયું, “તે આવું કેવી રીતે બોલી શકે? એ તો માત્ર યૂસફનો દીકરો છે, કેમ ખરુંને?”

23 ઈસુએ તેઓને કહ્યું, “હું જાણું છું કે તમે મને આ જુની વાત જરુંરથી કહેશો: ‘વૈદ તું પોતે તારી સારવાર કર.’ તમે કહેશો કે ‘અમે સાંભળ્યું છે કે જે ચમત્કારો કફર-નહૂમમાં કર્યા છે તે તારા પોતાના વતનમાં શા માટે બતાવતો નથી!’” 24 પછી અસુએ કહ્યું, “હું તમને સત્ય કહું છું કોઈ પણ પ્રબોધક પોતાના જ શહેરમાં સ્વીકારતો નથી.

25-26 “હું જે કહું છું તે સાચું છે. એલિયાના સાડા ત્રણ વર્ષના સમયમાં ઈસ્ત્રાએલમાં બિલકુલ વરસાદ પડ્યો ન હતો. સમગ્ર દેશમાં દુકાળ હતો. ખાવાને અનાજ ક્યાંય મળતું ન હતું. ઈસ્ત્રાએલમાં તે સમયે ઘણી વિધવાઓને સહાયની આવશ્યકતા હતી. પરંતુ એલિયાને એ બધામાંથી કોઈની પણ પાસે મોકલવામાં આવ્યો નહોતો. પરંતુ સિદોનના સારફતની એક વિદેશી વિધવાને સહાય કરવા માટે તેને મોકલવામાં આવ્યો હતો.

27 “અને પ્રબોધક એલિયાના સમયમાં ઈસ્ત્રાએલમાં ઘણા કોઢના રોગીઓ હતા છતાં તેણે ફક્ત આરામી નામાનની સારવાર કરીને તેને સાજો કર્યો હતો.”

28 આ વાત સાંભળીને સભાસ્થાનમાંના શ્રોતાજનો ગુસ્સે થઈ ગયા. 29 તે બધા ઊભા થઈ ગયા અને ઈસુને ગામની બહાર હાંકી કાઢ્યો. તેઓનું શહેર પહાડ ઉપર બાંધ્યું હતું, તેની ટોચ પર તેને લઈ ગયા, જેથી તેને ઘક્કો મારીને નીચે ખીણમાં હડસેલીને ગબડાવી શકાય. 30 છતાં ઈસુ તો ટોળાની વચમાં થઈને નીકળ્યો અને ચાલ્યો ગયો.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International