Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 24

દાઉદનું ગીત.

આ પૃથ્વી યહોવાની છે અને જગતનું સર્વ કાંઇ પણ તેનુંજ છે,
    આ જગત અને જગતમાં રહેનારા સર્વ તેનાંજ છે.
તેમણે સમુદ્રો પર તેમનો પાયો નાખ્યો છે,
    અને તેમણે નદીઓ પર તેને સ્થાપન કર્યુ છે.

યહોવાના પર્વત પર કોણ ચઢી શકશે?
    તેનાં પવિત્રસ્થાનમાં કોણ ઊભો રહી શકશે?
ફકત તેઓ જેમના હાથ શુદ્ધ છે અને હૃદય નિર્મળ છે,
    તેઓએ મારા નામના જૂઠા સમ લીધા નથી,
તેઓ જેમણે ખોટાં વચનો આપ્યાં નથી,
    અને જૂઠ્ઠુ બોલ્યાં નથી. તેઓજ યહોવાના પર્વત પર ચઢી શકશે.

તેઓ યહોવાનો આશીર્વાદ પ્રાપ્ત કરશે,
    અને પોતાના તારણ કરનાર દેવથી તેઓ ન્યાયીપણું પામશે.
તેઓ પેઢીના લોકો છે
    તેઓ યાકૂબના દેવને શોધતાં આવ્યાં છે.

હે પ્રવેશદ્વારો, તમારાં માથા ઊંચા કરો!
    હે પ્રાચીન પ્રવેશદ્વારો,
    ઊઘડી જાઓ ગૌરવવાન રાજા અંદર આવશે!
તે ગૌરવવાન રાજા કોણ છે?
    એ સાર્મથ્યવાન બળવાન યહોવા છે,
    તે યહોવા જે યુદ્ધમાં પરાક્રમી છે.

હે પ્રવેશ દ્વારો, તમારા માથાં ઊંચા કરો.
    અને ગૌરવવાન રાજાને અંદર આવવા દો.
હે પ્રાચીન પ્રવેશદ્વારો, ઉઘડી જાઓ;
    અને ગૌરવવાન રાજા અંદર આવશે!
10 આ ગૌરવવાન રાજા કોણ છે?
    યહોવા આકાશોના સર્વ સૈન્યોનો માલિક અને ગૌરવવાન રાજા છે.

ગીતશાસ્ત્ર 29

દાઉદનું ગીત.

હે પરાક્રમી યહોવાના દૂતો, તમે સૌ તેમની સ્તુતિ કરો;
    તેમના ગૌરવ અને સાર્મથ્ય માટે સૌ યહોવાની સ્તુતિ કરો.
યહોવાના ગૌરવ માટે સ્તુતિ કરો.
    યહોવાના ભવ્ય નામ માટે તમે ગાઓ તમારા પવિત્ર વસ્રો
પહેરીને આવો અને તેમની ઉપાસના કરો,
    આવો અને તેમનું ભજન કરો.
યહોવાનો સાદ સમુદ્રો પર ગાજે છે;
    ગૌરવવાન દેવ મહાસાગર પર ગર્જના કરે છે.
યહોવાનો સાદ તેમની શકિત નિરૂપે છે,
    યહોવાનો સાદ તેમનો મહિમા નિરૂપે છે.
યહોવાના સાદથી ગંધતરુઓ ભાંગી ગયા છે.
    લબાનોનનાં વિશાળ ગંધતરુઓ યહોવા તોડે છે.
યહોવા હેમોર્ન પર્વતને અને લબાનોનનાં પર્વતોને, ધ્રુજાવે છે.
    તે તેમને વાંછરડાની જેમ કૂદાવે છે.
યહોવાનો સાદ વીજળીઓને ભેદી અને ગર્જના કરે છે.
યહોવાના સાદના પડઘા રણને,
    અને કાદેશના રણને ધ્રુજાવે છે.
યહોવાનો સાદ દેવદારના વૃક્ષોને ધ્રુજાવે છે
    અને બધા ઉપાસના કરનારાઓ તેના મંદિરમાં સ્તુતિ કરે છે.
“યહોવાનો મહિમા થાય.”

10 યહોવા જળપ્રલય સમયે સત્તાસ્થાને ત્યાં બિરાજમાન થયા હતા;
    અને યહોવા સર્વકાળ રાજા તરીકે બિરાજમાન થનાર છે.
11 યહોવા પોતાના લોકોને સાર્મથ્ય આપશે,
    અને તેઓને શાંતિનો આશીર્વાદ આપશે.

ગીતશાસ્ત્ર 8

નિર્દેશક માટે, ગિત્તીથ સાથે ગાવાનું દાઉદનું ગીત.

હે યહોવા, અમારા દેવ, સમગ્ર પૃથ્વી પર તમારું નામ ઉત્તમ છે.
    અને તમારો મહિમા આકાશમાં ભરપૂર છે.

નવજાતો અને બાળકોના મુખમાંથી તમારી સ્તુતિની ગાથાઓ પ્રગટી છે.
    તમારા શત્રુઓને ચૂપ કરી દેવા માટે તમે તેમને આ શકિતશાળી ગીતો આપ્યા છે.
હે યહોવા, જ્યારે રાત્રે હું આકાશદર્શન કરું છું.
    અને ચંદ્ર તથા તારાઓથી ભર્યું નભ નિહાળું છું,
    ત્યારે તમારા હાથનાં અદ્ભૂત કૃત્યો વિષે હું વિચારું છું.
પછી મને આશ્ચર્ય થાય છે,
    કે માનવજાત શું છે,
જેનું તમે સ્મરણ કરો છો?
    માણસો તે કોણ છે કે તેઓની તમે મુલાકાત લો છો?

કારણ, તમે એને દેવ કરતાં થોડોજ ઊતરતો સૃજ્યો છે,
    અને તેના માથા પર મહિમા ને માનનો મુગટ મૂકયો છે.
તમે જ તેને, તમે ઉત્પન્ન કરેલી સૃષ્ટિનો અધિકાર આપ્યો છે
    અને તે સઘળી સૃષ્ટિનો તમે તેને કારભારી બનાવ્યો છે.
એટલે સર્વ ઘેટાં તથા બળદો, અને જંગલી પ્રાણીઓનો પણ.
વળી આકાશનાં પક્ષીઓ,
    સમુદ્રમાં રહેતા માછલાં તથા જીવોનો પણ.
હે યહોવા, અમારા પ્રભુ, સમગ્ર વિશ્વમાં તમારું નામ સૌથી મહાન છે.

ગીતશાસ્ત્ર 84

નિર્દેશક માટે. ગિત્તિથ સાથે ગાવા માટે કોરાહના કુટુંબનું સ્તુતિગીત.

હે સૈન્યોનાં યહોવા, તમારું નિવાસસ્થાન કેવું સોહામણું છે!
તમારા આંગણામાં આવવા માટે
    મારો આત્મા ખૂબ ઉત્સુક છે;
જીવતા જાગતા યહોવા દેવ માટે મારું હૃદય તથા મારો દેહ હર્ષનાદ કરશે.
હે સૈન્યોના યહોવા, મારા રાજા તથા મારા દેવ,
    ચકલીઓને પોતાનું રહેવાનું સ્થાન
તથા અબાબીલને પોતાનાં બચ્ચાં રાખવા માળો બાંધવા
    તમારી વેદીની પાસે જ છે તે સ્થાન મળ્યું છે.
તમારા ઘરમાં વસનારાઓને ધન્ય છે;
    તેઓ સદા તમારા સ્તુતિગીત ગાશે.

જેઓ યહોવામાં બળવાન, અને જેઓનાં હૃદય
    તમારા માર્ગો માટે ઉત્સુક છે, તેઓને ધન્ય છે.
તેઓ બાકાની ખીણમાંથી યાત્રા કરે છે.
    જેને દેવે પાણીના ઝરા જેવી બનાવી છે.
    પાનખર ઋતુંની વર્ષા પાણીનો ઝરો બનાવે છે.[a]
તેઓ વધારે ને વધારે સાર્મથ્યવાન, થતાઁ આગળ વધે છે;
    તેઓમાંનો દરેક જણ સિયોનમાં, દેવ સમક્ષ હાજર થાય છે.

હે સૈન્યોના દેવ યહોવા; મારી પ્રાર્થના સાંભળો;
    હે યાકૂબના દેવ, મને ધ્યાનથી સાંભળો.

હે દેવ, અમારી ઢાલને જુઓ;
    તમે જેને રાજા તરીકે અભિષિકત કર્યા છે, તેમના પર કૃપાષ્ટિ કરો.
10 કારણ, અન્યસ્થળનાં હજાર દિવસ કરતાં
    તારા આંગણામાંનો એક દિવસ શ્રેષ્ઠ છે,
દુષ્ટોના તંબુમાં રહેવુ તે કરતાં મારા દેવના મંદિરમાં દરવાન થવું,
    તે મને વધારે પસંદ છે.
11 કારણ કે યહોવા દેવ સૂર્ય તથા ઢાલ છે,
    યહોવા કૃપા તથા ગૌરવ આપશે;
ન્યાયથી વર્તનારને માટે તે કંઇ
    પણ શ્રેષ્ઠ બાબત બાકી રાખશે નહિ.
12 હે સૈન્યોના યહોવા, તેને ધન્ય છે;
    જે રાખે છે ભરોસો તમારા ઉપર.

અયૂબ 38:1

યહોવાએ આપેલો જવાબ

38 પછી યહોવાએ વંટોળિયામાંથી અયૂબને જવાબ આપતાં કહ્યું કે,

અયૂબ 38:18-41

18 તું જાણે છે કે પૃથ્વી કેટલી વિશાળ છે.
    આવું જ્ઞાન તારી પાસે હોય તો તે મને કહે!

19 “પ્રકાશનું ઉદગમસ્થાન ક્યાં છે?
    અંધકારની જગા ક્યાં છે?
    મને જણાવ.
20 તમે પ્રકાશ અને અંધકારને તે જે સ્થાનેથી આવ્યા હતા,
    ત્યાં પાછા લઇ જઇ શકો છો?
    તમે તેના ઉદ્ભવસ્થાને જઇ શકો છો?
21 આ બધું તો તું જાણે છે, કારણકે ત્યારે તારો જન્મ થઇ ચૂક્યો હતો ને!
    અને તું તો ઘણો અનુભવી વૃદ્ધ ખરું ને?
22 બરફના તથા કરાઁ ભંડારોમાં બેઠો છે?
    તથા સંગ્રહસ્થાન છે, શું તેઁ જોયાં છે?
23 મેં બરફ અને કરાઁની જગાઓને આફતના સમય
    અને લડાઇ અને યુદ્ધના સમય માટે બચાવી રાખી છે.
24 તમે કદી જ્યાં સૂર્ય ઊગે છે, જ્યાં તે પૂર્વ તરફના પવનને
    આખી પૃથ્વી પર ફૂંકાવે છે તે સ્થળે ગયા છો?
25 વરસાદના પ્રચંડ પ્રવાહ માટે નાળાં અને ખીણો કોણે ખોદ્યા છે?
    ગર્જના કરતો વીજળીનો માર્ગ કોણે બનાવ્યો છે?
26 જ્યાં માનવીએ પગ પણ નથી મૂક્યો એવી સૂકી
    અને ઉજ્જડ ધરતી પર તે ભરપૂર વરસે છે.
27 જેથી ઉજ્જડ તથા વેરાન જમીન તૃપ્ત થાય અને લીલોછમ ઘાસચારો ફૂટી નીકળે,
    તે માટે ત્યાં વરસાદ કોણ મોકલે છે?
28 શું વરસાદનો કોઇ જનક છે?
    ઝાકળનાં બિંદુઓ ક્યાંથી આવે છે?
29 કોના ગર્ભમાંથી હિમ ને
    કોણ જન્મ આપે છે?
30 પાણી તો પથ્થરના ચોસલા જેવું થઇ જાય છે,
    અને મહાસગાર પણ થીજી જાય છે.

31 “આકાશના તારાઓને શું તું પકડમાં રાખી શકે છે?
    શું તું કૃતિકા અથવા મૃગશીર્ષના બંધ નક્ષત્રોને છોડી શકે છે?
32 શું તું રાશિઓને નક્કી કરેલા સમયો અનુસાર પ્રગટ કરી શકે છે?
    શું તું સપ્તષિર્ને તેના મંડળ સહિત ઘેરી શકે છે?
33 શું તું આકાશને અંકુશમાં લેવાના સિદ્ધાંતો જાણે છે?
    શું તું તેઓને પૃથ્વી પર શાસન કરાવી શકે છે?

34 “શું તમે તમારો અવાજ વાદળાં સુધી પહોંચાડી શકો છો?
    જેથી તમે પુષ્કળ વરસાદ લાવી શકો?
35 શું તમે વીજળીને આજ્ઞા કરી શકો છો?
    એ તમારી પાસે આવીને કહેશે કે, ‘અમે અહીંયા છીએ, તમને શું જોઇએ છે?’
    તમારે તેને જ્યાંજયાં લઇ જવી હશે શું તે જશે?

36 “અયૂબ, વાદળાંમાં જ્ઞાન કોણે મૂક્યું છે?
    અથવા ધૂમકેતુને કોણે સમજણ આપી છે?
37 બધાં વાદળોની ગણતરી કરી શકે અથવા પાણી ભરેલી
    આકાશની મશકો રેડી શકે એવો પર્યાપ્ત વિદ્વાન કોઇ છે?
38 જેથી ધરતી પર સર્વત્ર ધૂળ
    અને ઢેફાં પાણીથી પલળીને એકબીજા સાથે ચોંટી જાય છે.

39 “શું તમે સિંહણને માટે શિકાર પકડી શકો?
    શું તમે સિંહણના બચ્ચાંની ભૂખને સંતોષી શકો છો?
40 એટલે જ્યારે તેઓ તેમની બોડમાં લપાઇને બેઠા હોય ત્યારે
    અથવા ઝાડીમાં સંતાઇને તેઓના શિકાર પર તરાપ મારવા તૈયાર બેઠા હોય ત્યારે?
41 જ્યારે કાગડીનાં બચ્ચાં તેઓના માળામાં ભૂખે ટળવળતાં હોય
    અને દેવને પોકારતાં હોય ત્યારે તેઓને ખોરાક કોણ પૂરો પાડે છે?

પ્રકટીકરણ 18:1-8

બાબિલોનનો વિનાશ

18 પછી મેં બીજા એક દૂતને આકાશમાંથી નીચે આવતા જોયો. આ દૂત પાસે વધારે સત્તા હતી. તે દૂતના મહિમાથી પૃથ્વી પ્રકાશિત થઈ. તે દૂતે મોટા શક્તિશાળી અવાજ સાથે બૂમ પાડી કે:

“તેનો વિનાશ થયો છે!
    તે મોટા શહેર બાબિલોનનો નાશ થયો છે!
તે ભૂતોનું ઘર બન્યું.
    તે શહેર દરેક અશુદ્ધ આત્માઓને રહેવા માટેનું સ્થળ બન્યું છે.
    તે બધી જાતના અશુદ્ધ પક્ષીઓથી ભરેલું શહેર બન્યું છે.
    તે બધા અશુદ્ધ તિરસ્કૃત પ્રાણીઓનું શહેર બન્યું છે.
પૃથ્વી પરના બધા લોકોએ તેના વ્યભિચારના પાપનો તથા દેવના કોપનો દ્રાક્ષારસ પીધો છે.
પૃથ્વી પરના રાજાઓએ તેની સાથે વ્યભિચારનાં પાપ કર્યા છે
    અને પૃથ્વી પરના વેપારીઓ તેની સમૃદ્ધ સંપત્તિ અને મોજશોખમાંથી શ્રીમંત થયા છે.”

પછી મેં બીજો એક અવાજ આકાશમાંથી કહેતા સાંભળ્યો કે:

“મારા લોકો, તે શહેરમાથી બહાર આવો,
    જેથી તમે તેના પાપોના ભાગીદાર ન થાઓ.
પછી તમે તેના પર આવનારી વિપત્તિઓને તમારે સહન કરવી પડશે નહિ.
તે શહેરનાં પાપો દૂર આકાશ સુધી પહોંચ્યા છે.
    તેણે જે ખરાબ કૃત્યો કર્યા છે તે દેવ ભૂલ્યો નથી.
તે શહેરને એટલું ભરી આપો, જેટલું તેણે બીજાઓને ભરી આપ્યું છે.
    તેણે જેટલું કર્યુ છે તેનાથી બમણું આપો;
તેને માટે દ્રાક્ષારસ જેટલો તેણે બીજાઓ માટે તૈયાર કર્યો હતો તેનાથી બમણો તેજ તૈયાર કરો.
બાબિલોને પોતાને મોટી કીર્તિ અને મોજશોખ જીવનમાં પ્રાપ્ત કર્યા,
    તેટલાં દુ:ખો અને વેદનાઓ પણ તેને આપો;
તે તેની જાતને કહે છે, ‘હું મારા રાજ્યાસન પર બેઠેલી એક રાણી છું.
    હું વિધવા નથી,
    હું કદી ઉદાસ થનાર નથી.’
તેથી એક દિવસમાં આ બધી
    ખરાબ બાબતો મૃત્યુ, શોક અને દુકાળ તેની પાસે આવશે.
તેનો અગ્નિથી નાશ થશે,
    કારણ કે પ્રભુ દેવ જે તેનો ન્યાય કરે છે તે શક્તિશાળી છે.”

માથ્થી 5:21-26

ઈસુ ક્રોધ વિષે શિક્ષણ આપે છે

21 “તમે સાંભળ્યુ હશે કે ઘણાં વર્ષો પહેલાં આપણા લોકોને એવું કહેવામાં આવ્યું છે કે ‘કોઈપણ મનુષ્યની હત્યા ન કરે,(A) જે મનુષ્યની હત્યા કરે છે તેનો ન્યાય થશે અને તે અપરાધી ઠરવાના જોખમમાં પડશે.’ 22 પણ હું તમને કહું છું કે, બીજા ઉપર ક્રોધીત ના થાવ, દરેક તમારો ભાઈ છે. જો તમે બીજા કોઈ ઉપર ક્રોધ કરશો તો તમારો ન્યાય ન્યાયસભામાં થશે. બીજી કોઈ વ્યક્તિ સાથે બીજા માટે ખરાબ બોલશે તો તમારો યહૂદીના દરબારમાં ન્યાય થશે. જો તમે બીજાને મૂર્ખ કહેશો તો તમારે નરકની આગના ભયમાં મૂકાવું પડશે.

23 “તમે અર્પણવેદી ઉપર દેવને અર્પણ આપો ત્યારે બીજા લોકોનો વિચાર કરો, અને જો તને યાદ આવે કે તારા ભાઈને તારી વિરૂદ્ધ કોઈ ફરિયાદ છે. 24 તો તારું અર્પણ વેદી આગળ રહેવા દે, અને પહેલા જઈને તેની સાથે સમાધાન કરી લે. અને પછી આવીને તારું અર્પણ ચઢાવ.

25 “તારો દુશ્મન તને ન્યાયસભામાં લઈ જાય તો ત્વરીત તેની સાથે મિત્રતા કર, આ તારે ન્યાયસભામાં જતાં પહેલા કરવું અને જો તું તેનો મિત્ર નહિ થઈ શકે તો તે તને ન્યાયસભામાં ઘસડી જશે. અને ન્યાયાધીશ કદાચ તને અધિકારીને સુપ્રત કરશે અને તને જેલમાં નાખવામાં આવશે. 26 હું તને સત્ય કહું છું. જ્યાં સુધી તમે તમારું દેવું પૂરે પૂરું ચૂકવશો નહિ ત્યાં સુધી તમે જેલમાંથી છૂટી શકશો નહિ.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International