Book of Common Prayer
1 યહોવા મારી પ્રાર્થનાઓ સાંભળે છે
અને તેના ઉત્તર આપે છે તેથી તે મને ગમે છે.
2 તેણે પોતાના કાન મારા તરફ ધર્યા છે;
માટે હું તેમની પ્રાર્થના જીવનપર્યંત કરીશ.
3 મરણની જાળમાં હું સપડાઇ ગયો હતો;
મને લાગતું હતું જાણે હું શેઓલમાં હોઉં;
અને મને સંકટ ને શોક મળ્યાં હતાં.
4 ત્યારે મેં યહોવાના નામનો પોકાર કર્યો,
“હે યહોવા મને બચાવો.”
5 યહોવા ન્યાયી અને કૃપાળુ છે;
આપણા દેવ ખરેખર માયાળુ છે.
6 યહોવા અસહાયનું રક્ષણ કરે છે;
હું છેક લાચાર બની ગયો હતો, ત્યારે તેણે મને બચાવ્યો.
7 હે મારા આત્મા, વિશ્રામ કરો!
કારણકે યહોવા તમારી સંભાળ રાખે છે.
8 તમે મારા પ્રાણને મૃત્યુથી
અને મારી આંખોને આંસુથી
અને મારા પગોને લથડવાથી બચાવ્યાં છે.
9 હું જીવલોકમાં જીવતો રહીશ;
અને યહોવાની સેવા કરવાનું ચાલુ રાખીશ.
10 “હું ઘણો દુ:ખી છું,” મે જ્યારે એમ કહ્યું
ત્યારે પણ મેં તે માનવાનું ચાલું રાખ્યું છે.
11 મારા ગભરાટમાં મેં કહી દીધું હતું કે,
“સર્વ માણસો જૂઠાઁ છે.”
12 યહોવાના મારા પર થયેલા સર્વ ઉપકારોનો
હું તેને શો બદલો આપું?
13 મારું રક્ષણ કરવા માટે તેમની માટે
હું દ્રાક્ષારસનું અર્પણ લઇ જઇશ;
અને હું દેવના નામે પોકારીશ.
14 યહોવા સમક્ષ મેં જે માનતા લીધી છે,
તે હું તેના સર્વ લોક સમક્ષ પૂર્ણ કરીશ.
15 યહોવાની ષ્ટિમાં તેના ભકતનું
મૃત્યુ કિંમતી છે.
16 હે યહોવા, તમે મને મારા બંધનોથી મુકિત આપી છે,
હે યહોવા, ખરેખર હું તમારો દાસ;
તમારો ગુલામ છું, દીકરો છું તમારી દાસીનો.
17 હું તમારા માટે સ્તુત્યર્પણો ચડાવીશ,
અને હું યહોવાના નામે પોકારીશ.
18 મેં યહોવાની સમક્ષ લીધેલી પ્રતિજ્ઞાઓ;
તેમનાં સર્વ લોકો સમક્ષ હું પૂર્ણ કરીશ.
19 હે યરૂશાલેમ! તારી અંદર યહોવાના
મંદિરનાં આંગણામાં પ્રતિજ્ઞા લઇશ.
યહોવાની સ્તુતિ થાઓ.
આનંદના સમાચાર
14 ઓ સિયોનની પુત્રી હર્ષનાદ કર!
ઓ ઇસ્રાએલ આનંદના પોકાર કર!
યરૂશાલેમના લોકો, ઉલ્લાસમાં આવીને આનંદોત્સવ કરો!
15 યહોવાએ ન્યાય અનુસાર તમને કરેલી શિક્ષાનો અંત કર્યો છે.
તેમણે તમારા શત્રુને હાંકી કાઢયા છે;
ઇસ્રાએલના રાજા, એટલે યહોવા, તમારામાં છે;
હવે પછી તમને કોઇ પણ પ્રકારની આપત્તિનો ડર લાગશે નહિ.
16 હવે એવો સમય આવી રહ્યો છે જ્યારે યરૂશાલેમના લોકોને આ સંદેશો મળશે,
“ઓ સિયોન, ડરીશ નહિ, તારા હાથ ઢીલા થવા દઇશ નહિ.
17 યહોવા તમારા દેવ શૂરવીર માણસની જેમ
તમારું રક્ષણ કરવા તમારી વચ્ચે છે.
તે તમારા પર કૃપાળું થઇ ખુશ થાય છે.
તે તારા પર ફરી પોતાનો પ્રેમ પ્રગટ કરે છે,
અને એક ઉત્સવના દિવસની જેમ
તે ખૂબ આનંદથી પોકાર કરે છે.
18 મેં નિશ્ચિત કરેલા ધામિર્ક ઉત્સવ પર
શોક કરનારાઓને એકત્ર કર્યા છે.
અને તમને આપેલાં અપમાન પાછા લઇ લઇશ.
19 તે સમયે જેઓએ તમારા ઉપર જુલમ કર્યો છે,
તેઓ સાથે હું સખતાઇથી વર્તીશ.
હું નબળાં અને લાચાર લોકોનું રક્ષણ કરીશ.
હું જેઓને હાંકી કાઢવામાં આવ્યાં હતાં તેઓને પાછા લાવીશ.
જેઓની મશ્કરીઓ અને તિરસ્કાર થયો હતો તેઓને હું આખી દુનિયામાં યશ અને કીર્તિ મેળવી આપીશ.
20 એ સમયે હું તમને પાછા લાવીશ.
તમારી નજર સમક્ષ;
તમારું ભાગ્ય ફેરવીને તમને પૃથ્વી પરના સર્વ લોકો કરતાં અલગ એવું અતિ ઉત્તમ નામ આપીશ.
ત્યારે તેઓ તમારી પ્રસંશા કરશે.”
આ યહોવાના વચન છે.
47 મરિયમ મગ્દલાની અને યોસેની માએ ઈસુને જે જગ્યાએ મૂક્યો હતો તે જગ્યા જોઈ.
ઈસુના મૃત્યુમાંથી સજીવન થયાના સમાચાર
(માથ. 28:1-8; લૂ. 24:1-12; યોહ. 20:1-10)
16 વિશ્રામવારના વીતી ગયા પછીના બીજા દિવસે, મરિયમ મગ્દલાની, શલોમી, તથા યાકૂબની મા મરિયમે કટલાક સુગંધીદાર દ્રવ્યો તેને ચોળવા સારું વેચાતાં લીધા. 2 તે અઠવાડિયાના પ્રથમ દિવસે, વહેલી સવારમાં તે સ્ત્રીઓ કબર તરફ જતી હતી. સૂર્યોદય પહેલા તે ઘણા વહેલા હતા. 3 તે સ્ત્રીઓએ અકબીજાને કહ્યું, “ત્યાં એક મોટો પથ્થર હતો જે કબરના પ્રવેશદ્ધારને ઢાંકતો હતો. આપણા માટે તે પથ્થર કોણ ખસેડશે?”
4 પછી તે સ્ત્રીઓએ નજર કરી અને જોયું તો પથ્થર ખસેડેલો હતો. તે પથ્થર ઘણો મોટો હતો. પરંતુ તે પ્રવેશદ્ધાર પાસેથી દૂર ખસેડાઇ ગયો હતો. 5 સ્ત્રીઓ કબરમાં ગઈ. તેઓએ ત્યાં એક યુવાન માણસને સફેદ ઝભ્ભો પહેરેલો જોયો. તે માણસ કબરની જમણી બાજુએ બેઠેલો હતો. તે સ્ત્રીઓ ડરતી હતી.
6 પરંતુ તે માણસે કહ્યું, “ડરશો નહિ, તમે નાઝરેથના ઈસુને શોધો છો. જેને વધસ્તંભ પર મારી નાખવામાં આવ્યો હતો. તે મૂએલામાંથી ઊઠ્યો છે! તે અહીં નથી; જુઓ, અહીં તે જગ્યા છે, તેઓએ તેને મૂક્યો હતો જ્યારે તે મરણ પામ્યો હતો. 7 હવે જાઓ, અને તેના શિષ્યોને કહો અને પિતરને પણ કહો કે તે (ઈસુ) તમને ત્યાં મળશે. શિષ્યોને કહો, ‘ઈસુ ગાલીલમાં જાય છે. તે તમારા પહેલા ત્યાં હશે. અગાઉ તેણે કહ્યાં પ્રમાણે તમે તેને ત્યાં જોશો.’”
મંદિરની પ્રતિષ્ઠા માટેનાં ગીતોમાંનુ. દાઉદનું ગીત.
1 હે યહોવા, હું તમારી સ્તુતિ કરીશ,
કારણ તમે મને મુશ્કેલીઓમાંથી બહાર કાઢયો છે.
તમે મારા શત્રુઓને વિજયનો આનંદ લેવા દીધો નથી.
2 હે યહોવા, મારા દેવ, મેં તમને અરજ કરી,
અને તમે મને સાજો કર્યો છે.
3 હે યહોવા, તમે મને શેઓલમાંથી પાછો કાઢી જીવતો રાખ્યો છે,
તમે મને કબરમાં પડવા દીધો નથી.
4 હે દેવના વિશ્વાસુ અનુયાયીઓ, તમે સૌ તેમની સ્તુતિ ગાઓ.
અને તેમના પવિત્ર નામની આભાર સ્તુતિ ગાઓ.
5 તેમનો કોપ તો કેવળ ક્ષણિક છે,
પણ તેમની કૃપા “જીવન” ભર માટે છે.
રૂદન ભલે આખી રાત રહે,
પણ સવારમાં હર્ષાનંદ થાય છે.
6 હું જ્યારે નિર્ભય અને સુરક્ષિત હતો, ત્યારે મેં કહ્યું હતું, “હું ડગીશ નહિ.”
હું સમજતો હતો કે આ સ્થિતિ સદાય રહેશે.
7 હે યહોવા, તમે મારા પર કૃપા કરી
મને પર્વતની જેમ સ્થિર બનાવ્યો છે,
પણ પછી મારાથી મુખ આડુ ફેરવીને
તમે મને ભયભીત કર્યો છે.
8 હે યહોવા, મેં તમને પોકાર કર્યો
અને મેં તમને વિનંતી કરી.
9 “હે યહોવા, હું મરી જઇશ તો
તમારું શું સારું થશે?
મારી કબરની ધૂળ
તમારી સ્તુતિ કરી શકશે?
શું તે તમારી વિશ્વસનીયતા વિષે કહી શકશે?
10 હે યહોવા, મારા પર દયા કરો,
મારી અરજીને સંભળો મને સહાય કરો.”
11 પછી તમે મારા દુ:ખનું સુખ કર્યુ, અને રૂદનને બદલે નૃત્યુ આપ્યું;
મારા શોકના વસ્ત્રો ઉતારી લીધા
અને મને ઉત્સાહથી ઢાંકી દીધો.
12 કબરમાં શાંત પડી રહેવાને બદલે, હું આનંદપૂર્વક યહોવાની સ્તુતિ કરીશ;
હે યહોવા, મારા દેવ, હું સદાય તમારી આભારસ્તુતિ કરીશ.
1 યહોવાની સ્તુતિ કરો!
તેમની સમક્ષ નવું ગીત ગાઓ;
સંતોની સભામાં તેની સ્તુતિ કરો.
2 ઇસ્રાએલ, તમારા સર્જનહારનાં અસ્તિત્વનો તમે આનંદ કરો;
સિયોનના લોકો, તમારા રાજાની નિકટતાનો આનંદ મનાવો.
3 તેઓ તેના નામની સ્તુતિ નૃત્યસહિત કરો;
ડફ તથા વીણાથી તેનાં સ્તોત્ર ગીત ગાઓ.
4 કારણકે યહોવા પોતાના લોકોમાં આનંદ માને છે;
અને નમ્રજનોનો ઉદ્ધાર કરે છે.
5 તેમનાં સંતો તેમના ગૌરવથી હરખાય છે;
પથારીમાં સૂતા હોય ત્યારે પણ તમે આનંદના ગીતો ગાઓ.
6 તેઓના કંઠમાંથી યહોવાની ઉત્તમ સ્તુતિ ગવાઓ;
અને તેઓના હાથમાં બેધારી તરવાર રહો.
7 તેઓ બીજા રાષ્ટ્રોને સજા કરે
અને તેમને પાઠ ભણાવે.
8 તેઓના રાજાઓને અને આગેવાનોને;
લોખંડની સાંકળોથી બાંધે.
9 અને તેઓને દેવના ચુકાદા મુજબ તેઓ સજા કરે!
યહોવા તેમના બધાં સંતોનો આદર છે.
યહોવાની સ્તુતિ કરો.
પાઉલ દેવનો આભાર માને છે
3 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના દેવ અને પિતાને ધન્ય હો. દેવ પિતા છે જે દયાથી પૂર્ણ છે. તે સર્વ દિલાસાનો બાપ છે. 4 જ્યારે પણ આપણને મુશ્કેલી નડે ત્યારે તે આપણને દિલાસો આપે છે કે જેથી અન્ય લોકો જેઓને કોઈ પણ જાતની મુશ્કેલીઓ હોય, ત્યારે આપણે તેમને દિલાસો આપી શકીએ. જે રીતે દેવ આપણને જે દિલાસો આપે છે તે જ દિલાસો આપણે તેમને આપી શકીએ. 5 આપણે ખ્રિસ્તની ધણી પીડાઓમાં ભાગીદાર થઈ શકીએ. એજ રીતે ધણો દિલાસો આપણને ખ્રિસ્ત તરફથી મળે છે. 6 જો અમને મુશ્કેલીઓ નડે, તો તે મુશ્કેલીઓ તમારા દિલાસા અને તમારા ઉદ્ધાર માટે છે. જો અમને દિલાસો મળે તો તે તમારા દિલાસા માટે છે. અમારા જેવી જ પીડાને ધૈર્ય પૂર્વક સ્વીકારવા માટે આ તમને મદદરૂપ નીવડે છે. 7 તમારા માટેની અમારી આશા મજબૂત છે. અમે જાણીએ છીએ કે અમારા દુ:ખમાં તમે સહભાગીદાર છો. તેથી અમે જાણીએ છીએ કે અમારા દિલાસામાં પણ તમે ભાગીદાર છો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International