Book of Common Prayer
1 હે ન્યાયી લોકો, યહોવામાં હરખાઓ;
શુદ્ધ હૃદયવાળા લોકો યહોવાની સ્તુતિ કરે તે સારું છે.
2 વીણા વગાડી યહોવાની સ્તુતિ કરો, દશ તારનું વાજીંત્ર વગાડી ગાઓ;
સ્તુતિના મધુર ગીતો આનંદથી ગાઓ.
3 યહોવાના નૂતન ગીતો ગાઓ;
વાજીંત્રોને કુશળતાથી અને મોટેથી વગાડો.
4 યહોવાનો પ્રત્યેક શબ્દ ન્યાયી છે,
તેનાં સર્વ કાર્ય ભરોસાપાત્ર છે.
5 તે ન્યાય અને નિષ્પક્ષતાને ચાહે છે.
પૃથ્વી યહોવાની કૃપાથી ભરાઇ ગઇ છે.
6 એમણે શબ્દોચ્ચાર કર્યો અને અકાશનું નિર્માણ થયું,
અને તેમના મુખમાંના શ્વાસે આકાશના સમગ્ર તારાઓની રચના કરી.
7 તેમણે સમુદ્રો બનાવ્યાં અને મશકની માફક પાણી ભેગા કર્યાર્
અને તેના અતિશય ઊઁડાણોને વખારોમાં ભરી રાખે છે.
8 સમગ્ર પૃથ્વી યહોવાથી બીઓ,
અને પૃથ્વીવાસી તેનું ભય રાખો અને આદર કરો.
9 કારણ, તેઓ બોલ્યા અને સૃષ્ટિ ઉત્પન્ન થઇ;
અને તેમણે આજ્ઞા કરી અને તે સ્થિર થઇ.
10 યહોવા તેમનો વિરોધ કરતી પ્રજાઓની યોજનાઓને નિષ્ફળ બનાવે છે.
જુઓ, યહોવા બધા લોકોની યોજનાઓને નિરર્થક બનાવે છે.
11 યહોવાની યોજનાઓ સદાકાળ ટકે છે.
તેમણે કરેલી ઘારણા પેઢી દર પેઢી રહે છે.
12 જે પ્રજાના દેવ યહોવા છે, અને જેઓને તેમણે પોતાના લોકો તરીકે પસંદ કર્યા છે.
તેઓને ધન્ય છે.
13 યહોવાનું નિવાસસ્થાન આકાશમાં છે,
ત્યાંથી તે સર્વ માનવજાત પર નજર રાખે છે.
14 હા, તે આકાશમાંથી સૃષ્ટિમાં વસતા
સર્વ જીવોને ધ્યાનથી જુએ છે.
15 યહોવા સર્વના હૃદયના સરજનહાર છે,
અને તેઓ જે કાંઇ કરે છે તે એ સમજે છે.
16 રાજા ફકત તેના સુસજ્જ સૈન્યના બળથી જીતી ન શકે.
બળવાન યોદ્ધો ફકત પોતાની બહાદુરીથી બચી જતો નથી.
17 યુદ્ધમાં વિજય માટે ધોડાઓ પર આધાર રાખવો વ્યર્થ છે,
તેઓ પોતાના બાહુબળથી કોઇને ઉગારી શકતા નથી.
18 યહોવા તેઓની નજર અને સંભાળ રાખે છે જેઓ તેનો ભય રાખે છે;
અને તેમનો આદર કરે છે જેઓ તેમની કૃપાની રાહ જુએ છે.
19 તે તેઓના જીવને મૃત્યુથી બચાવે છે,
અને દુકાળ સમયે તેઓને જીવતાઁ રાખે છે.
20 અમે પૂર્ણ શ્રદ્ધાથી અમારી રક્ષા માટે યહોવાની પ્રતિક્ષા કરીએ છીએ, તે અમારા સાચા સહાયક છે,
અને તે અમારી ઢાલ છે.
21 અમે યહોવામાં આનંદિત છીએ.
અમે તેમનામાં ભરોસો રાખીએ છીએ.
અમને તેમનાં પવિત્ર નામમાં વિશ્વાસ છે.
22 હે યહોવા, અમે રાહ જોઇ અને તમારી આશા રાખી છે
કે તમારી કૃપા અમારા પર થાય.
ધીરજવાન બનો
7 ભાઈઓ અને બહેનો, ધીરજ રાખો, પ્રભુ ઈસુ આવશે; તેથી તે સમય સુધી ધીરજ રાખો. ખેડૂતો ધીરજવાન છે. ખેડૂત પોતાનો મૂલ્યવાન પાક જમીનમાંથી ઊંગે ત્યાં સુધી રાહ જુએ છે. ખેડૂત ધીરજથી પોતાના પાકને મળનાર પ્રથમ વરસાદ અને અંતિમ વરસાદની રાહ જુએ છે. 8 તમારે પણ ધીરજવાન થવું જોઈએે, આશા ન છોડશો. પ્રભુ ઈસુ ઘણો જલ્દી આવી રહ્યો છે. 9 ભાઈઓ અને બહેનો, એક બીજાની વિરૂદ્ધ ફરિયાદ ન કરો. જો તમે ફરિયાદ કરતા નહિ અટકાશો, તો તમે દોષિત થશો. ન્યાયાધીશને આવવાની તૈયારી છે!
10 ભાઈઓ અને બહેનો, જે પ્રબોધકો એ પ્રભુ વિશે વાત કરેલી તેના ઉદાહરણને અનુસરો. તેઓએ ઘણી ખરાબ વસ્તુઓ સહન કરી, પણ તેઓએ ધીરજ રાખી.
ભાગ પાંયમો
(ગીત 107–150)
1 યહોવાનો આભાર માનો, કારણ તે ઉત્તમ છે;
અને તેમની કૃપા સર્વકાળપર્યંત ટકે છે.
2 જે યહોવાના છોડાવાયેલા છે તેઓએ આ પ્રમાણે કહેવું જોઇએ,
કે દેવે તેઓને તેમના શત્રુઓથી બચાવ્યા.
3 પૃથ્વીના દૂર દૂરનાં ખૂણે ખૂણેથી
અને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર દક્ષિણ દિશામાંથી તેમણે પોતાના લોકોને સાથે ભેગા કર્યા.
4 કેટલાંક ઉજ્જડ માર્ગે રણમાં ભટકતાં હતાં
અને તેઓને વસવા નગર ન મળ્યું.
5 તેઓ ભૂખ્યા અને તરસ્યા હતાં,
અને નબળા પડી રહ્યાં હતાં.
6 પોતાના સંકટમાં તેઓએ યહોવાને પોકાર કર્યો,
અને યહોવાએ તેઓને દુ:ખમાંથી છોડાવ્યાં.
7 યહોવા તેઓને, જ્યાં તેઓ વસવાટ કરી શકે તેવા નગરમાં સીધે રસ્તે દોરી ગયાં.
8 દેવની કૃપા માટે તથા માનવ જાત માટે તેમણે કરેલાં અદભૂત કાર્યો
માટે માણસો યહોવાની સ્તુતિ કરે તો કેવું સારું!
9 કારણ કે તે તરસ્યા આત્માને સંતોષે છે,
અને ભૂખ્યા આત્માને ઉત્તમ વાનાઁથી તૃપ્ત કરે છે.
10 કારણ કે તેઓએ દેવના વચનોની સામે બંડ પોકાર્યુ હતું
તેમણે પરાત્પર દેવના બોધનો તિરસ્કાર કર્યો હતો.
11 કેટલાંક લોકોને અંધારી જેલમાં સળિયા પાછળ
તાળું મારીને કેદ કરવામાં આવ્યાં હતા.
12 તેઓ તેમની મુશ્કેલીઓથી
નરમ થઇ ગયાં છે.
તેઓ લથડીને નીચે પડ્યાં,
છતાં તેમને મદદ કરનાર કોઇ ન હતું.
13 તેઓએ પોતાના સંકટમાં યહોવાને પોકાર કર્યો;
એટલે તેણે તેઓને દુ:ખમાંથી તાર્યા.
14 તે તેઓને અંધકાર અને મરણછાયામાંથી કાઢી લાવ્યાં;
અને બંધન તોડી નાખ્યાઁ.
15 ભલે આભાર માને તેઓ યહોવાનો તેમની કૃપા માટે
અને વિસ્મયજનક કાર્યો જે તેઓ માનવજાત માટે કરે છે.
16 તેણે બંદીખાનાના પિત્તળના દરવાજા તોડી નાખ્યા
અને તેઓની લોખંડની ભૂંગળો પણ તોડી નાખી.
17 મૂર્ખ લોકો પોતાના પાપથી
તથા પોતાની ભૂંડાઇથી સંકટમાં આવી પડે છે.
18 સર્વ પ્રકારના ખોરાકથી, તેઓના જીવ કંટાળી જાય છે;
અને મૃત્યુ તરફ પહોંચી જાય છે.
19 પોતાના સંકટોમા તેઓ યહોવાને પોકારે છે;
અને યહોવા તેઓને દુ:ખમાંથી તારે છે.
20 તેઓ પોતાનું વચન મોકલીને તેમને સાજા કરે છે,
અને તેણે તેઓને દુર્દશામાંથી ઉગાર્યા છે.
21 ભલે આભાર માને તેઓ યહોવાનો તેમની કૃપા માટે
અને વિસ્મયજનક કાર્યો જે તેઓ માનવજાત માટે કરે છે.
22 તેમને દેવને આભારસ્તુતિનાં અર્પણો આપવા દો.
યહોવાના કાર્યોને ગીતો દ્વારા પ્રગટ થવા દો.
23 જે નાવિકો સમુદ્રમાં એક બાજુએથી બીજી બાજુ સુધી નૌકા વિહાર કરે છે
અને સમુદ્ર પર કૌશલ્યનું કામ કરે છે,
24 તેઓ પણ દેવની કાર્યશકિત નિહાળે છે;
અને અદ્ભૂત કૃત્યો ઊંડાણોમાં જુએ છે.
25 તે આજ્ઞા આપે છે તો તોફાની પવનો ચડી આવે છે;
તેથી મોજાઓ ઊંચા ઊછળે છે.
26 મોજા સાથે તેઓના વહાણો ઊંચા ઊંચકાય છે;
અને પાછા ઊંડાણમાં પટકાય છે;
લાચાર સ્થિતિમાં ખલાસીઓની હિંમત ઓગળી જાય છે.
27 તેઓ પીધેલાની જેમ આમતેમ ડોલતા લથડે છે;
અને તેમ તેઓની બુદ્ધિ બહેર મારી જાય છે.
28 તેઓ સંકટમાં હોય ત્યારે “યહોવાને” પોકારે છે;
તે તેઓને દુ:ખમાંથી કાઢે છે.
29 તેણે તોફાનને અટકાવ્યા
તથા મોજાઓને શાંત કર્યા છે.
30 પછી તેઓ મહાસાગરની સ્થિરતાનો આનંદ માણે છે
અને દેવ તેઓને તેમની પસંદગીના બંદરે દોરી જાય છે.
31 તેમની આ કૃપા તથા માનવજાતને માટેના, તેનાં અદભૂત કાર્યો માટે;
તેઓને યહોવાનો આભાર માનવા દો.
32 લોકોની સભામાં યહોવાને મોટા મનાવો;
અને વડીલોના મંડળમાં તેઓની સ્તુતિ કરો.
નવું યરૂશાલેમ
21 પછી મેં એક નવું આકાશ અને એક નવી પૃથ્વી જોયાં. તે પ્રથમ આકાશ અને પ્રથમ પૃથ્વી અદ્દશ્ય થયા હતા. હવે ત્યાં દરિયો ન હતો. 2 અને મેં દેવ પાસેથી આકાશમાંથી નીચ આવતા પવિત્ર શહેરને જોયું. આ પવિત્ર શહેર નવું યરૂશાલેમ હતું. તેને તેના પતિના માટે શણગારવામાં આવેલ કન્યા જેવું તૈયાર કરવામાં આવ્યું હતું.
3 મેં એક મોટી વાણી રાજ્યાસનમાંથી સાંભળી, તે વાણીએ કહ્યું કે: “હવે દેવનું ઘર લોકો સાથે છે. તે તેઓની સાથે રહેશે. તેઓ તેના લોકો થશે. દેવ પોતે તેઓની સાથે રહેશે, તે તેઓનો દેવ થશે. 4 દેવ તેઓની આંખોમાંથી પ્રત્યેક આંસુ લૂછશે. ત્યાં હવે ફરીથી મૃત્યુ, ઉદાસીનતા, રૂદન કે દુ:ખ હશે નહિ. બધી જુની વાતો જતી રહી છે.”
5 તે જે રાજ્યાસન પર બેઠો હતો, તેણે કહ્યું, “જુઓ! હું બધી જ વસ્તુઓ નવી બનાવું છું!” પછી તેણે કહ્યું, “આ લખ, કારણ કે આ વાતો સત્ય છે અને વિશ્વાસપાત્ર છે.”
6 રાજ્યાસન પરનાં તે એકે મને કહ્યું, “તે પૂરું થયું છે! હું આલ્ફા તથા ઓમેગા, આરંભ અને અંત છું. હું, જે વ્યક્તિ તરસી છે તેને જીવનના પાણીના ઝરણાંમાંથી મફત પાણી આપીશ. 7 તે વ્યક્તિ જે વિજય પ્રાપ્ત કરશે તે આ બધું પ્રાપ્ત કરશે અને હું તેનો દેવ થઈશ અને તે મારો પુત્ર થશે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International