Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 137

અમે બાબિલની નદીઓને કાંઠે બેઠા;
    સિયોનનું સ્મરણ થયું ત્યારે અમે રડ્યા.
એટલે અમે વીણાઓ વગાડવી બંધ કરી;
    અને નેતરના વૃક્ષની ડાળીઓ પર ટાંગી દીધી.
અમારા બંધકોએ અમને આનંદી ગીતો ગાવા કહ્યું,
    જેઓએ અમને યાતના આપી હતી તેઓએ અમને જણાવ્યું કે,
    ફકત તેમને ખુશ કરવા સિયોનનાં ગીતોમાંનું કોઇ એક ગીત ગાઓ.
આ વિદેશી ભૂમિ પર આપણે યહોવાના ગીતો
    કેવી રીતે ગાઇ શકીએ?
હે યરૂશાલેમ, જો હું તને ભૂલી જાઉં તો એવું થાઓ,
    “મારો જમણો હાથ તંતુવાદ્યની કળા ભૂલી જાય.”
જો હું યરૂશાલેમનું સ્મરણ ન કરું,
    અને મારા ઉત્તમ આનંદ કરતાં પણ તેને શ્રેષ્ઠ ન માનું તો
મારી જીભ મારા તાળવાને ચોટી જાય
    અને હું ફરી કદી ય ગાઇ શકું નહિ.

હે યહોવા, બાબિલના સૈન્યે યરૂશાલેમને કબજે કર્યુ
    તે દિવસે અદોમીઓએ જે કહ્યું
તે તમે ભૂલી ન જતાં;
    તેઓએ કહ્યું હતું, “તેને જમીનદોસ્ત કરી નાખો.”
હે બાબિલ તેઁ અમારો નાશ કર્યો છે એ જ રીતે તારો નાશ કરવામાં આવશે જે
    માણસ તને યોગ્ય સજા આપે તેને આશીર્વાદ આપ.
હા, જે માણસ તારાં બાળકોને ખડક પર અફાળીને મારી નાખશે;
    તે ધન્ય કહેવાશે.

ગીતશાસ્ત્ર 144

દાઉદનું સ્તુતિગાન.

યહોવા મારો ખડક છે,
    તેની સ્તુતિ કરો;
તે મારા હાથને અને મારી આંગળીઓને યુદ્ધમાં લડતાં શીખવે;
    તે મને યુદ્ધ માટે પ્રશિક્ષણ આપે છે.
તે મારો ગઢ છે; મારો કિલ્લો છે;
    મારું સાર્મથ્ય અને મારી સુરક્ષા છે;
તે મારા રક્ષક છે;
    તે મારા લોકોને
મારે તાબે કરે છે.
    યહોવા મારો સાચો પ્રેમ છે.

હે યહોવા, શા માટે તમે લોકોને મહત્વના ગણો છો?
    તમે માણસોની નોંધ પણ શા માટે લો છો?
લોકોના જીવન તો પવનના સૂસવાટા જેવા હોય છે.
    લોકોના જીવન તો પસાર થઇ રહેલા પડછાયા જેવા હોય છે.

હે યહોવા, તમારાં આકાશોને નીચે નમાવીને ઊતરી આવો;
    પર્વતોને સ્પર્શ કરો; એટલે તેઓ ધુમાડામાં ફેરવાઇ જશે.
વીજળી ચમકે અને મારા શત્રુઓ વિખેરાઇ જાય.
    તમારા “બાણ” ચલાવીને તેઓને વીધી મૂકો.
સ્વર્ગમાંથી નીચે ઊતરી આવો અને મને શત્રુઓના સમુદ્રમાંથી ઉગારો,
    મને બહાર ખેચી કાઢો,
    અને વિદેશીઓથી મને બચાવો.
તેઓ જૂઠું બોલે છે,
    તેઓ છેતરપિંડી કરે છે.

હે યહોવા, દશ તારવાળાં વાજીંત્ર સાથે હું તમારી સમક્ષ નવું ગીત ગાઇશ,
    તમારી સ્તુતિનું ગીત ગાઇશ.
10 તે રાજાઓને તારણ આપે છે;
    તે પોતાના સેવક દાઉદને ઘાતકી તરવારથી બચાવનાર છે.
11 આ શત્રુઓથી; આ જૂઠાઓથી; મારી રક્ષા કરો;
    આ વિદેશીઓ જે છેતરપિંડી કરે છે
    તે લોકોથી તમે મને ઉગારો.

12 અમારા પુત્રો પોતાની યુવાવસ્થામાં વધેલા રોપા જેવા થાઓ;
    અમારી પુત્રીઓ રાજમહેલના શણગારેલી ખૂણાની થાંભલીઓ જેવી થાઓ.
13 અમારી વખારો વિવિધ જાતના બધાં અનાજથી ભરપૂર થાઓ;
    અને તે અમને હંમેશા મળતું રહે.
અમારાં ઘેટાં અમારા વાડાઓમાં હજારોને
    દશ હજારો બચ્ચાં જણનાર થાઓ.
14     અમારા બળદો ખેતરોની પેદાશથી લાદેલા થાઓ;
અમારા નગર પર શત્રુઓનું આક્રમણ ન થાઓ;
    સર્વત્ર શાંતિ વિસ્તરો;
    શેરીઓમાં કોઇ અપરાધ ન કરો.

15 જે પ્રજાનું આ સત્ય વર્ણન છે; તે પ્રજાને ધન્ય હો.
    જે પ્રજાના દેવ યહોવા છે તેઓને ધન્ય છે.

ગીતશાસ્ત્ર 104

હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કર!
    હે યહોવા મારા દેવ, તમે ઘણા મહાન છો;
તમે માન અને ગૌરવના ધારણ કર્યા છે.
    તમે પ્રકાશથી વિંટળાયેલા છો,
અને તમે આકાશને મંડપની જેમ ફેલાવો છો.
    તમારા આકાશી ઘરનો પાયો;
તમે અંતરિક્ષના પાણી પર નાખ્યો છે;
    વાદળાં તમારા રથ છે, અને તમે પવનની પાંખો પર સવારી કરો છો;
તમે પવનોને (વાયુઓને) તમારા દૂત બનાવો છો,
    અને તમારા સેવકો અગ્નિના ભડકા છે!
તમે પૃથ્વીને તેનાં પાયા પર સ્થિર કરી છે,
    જેથી તે કદી ચલિત થાય નહિ.
તમે પૃથ્વીને વસ્રની જેમ ઊંડાણથી ઢાંકી છે;
    અને પાણીએ તેનાં પર્વતોને ઢાંકી દીધાં છે.
તમે આદેશ આપ્યો અને પાણી દૂર ઘસી ગયાં,
    તમે તમારી ગર્જનાના અવાજથી પોકાર કર્યો અને પાણી દૂર ધસી ગયાં.
તમે જણાવેલી સપાટી સુધી પર્વતો ઊંચા થયાં;
    અને ખીણો ઊંડી થઇ ગઇ.
તમે મહાસાગરોને હદ બાંધી આપી;
    જેથી તે ઓળંગે નહિ અને પૃથ્વીને ઢાંકી ન દે.

10 તમે ખીણોમાં વહેતાં ઝરણાં બનાવ્યાં;
    અને પર્વતોમાં વહેતી નદીઓ બનાવી.
11 તેઓ સર્વ પ્રાણીઓને પાણી પૂરું પાડે છે;
    અને ગધેડાઓ ત્યાં તરસ છીપાવે છે.
12 પક્ષીઓ ઝરણાંઓને કિનારે માળા બાંધે છે;
    અને વૃક્ષોની ડાળીઓ મધ્યે ગાયન કરે છે.
13 તમે પર્વતો પર વરસાદ વરસાવો છો;
    અને પૃથ્વી તમારાં કામનાં ફળથી તૃપ્ત થાય છે.
14 તે ઢોરને માટે ઘાસ ઉપજાવે છે,
    તે આપણને ખેડવા છોડ આપે છે,
    અને તે છોડો આપણને જમીનમાંથી ખોરાક આપે છે.
15 દેવે આપણને ખુશ કરવા માટે દ્રાક્ષ આપી,
    આપણી ત્વચાને નરમ કરવા તેલ
    અને શરીરને ટકાવી રાખવા રોટલી આપે છે.

16 યહોવાનાં વૃક્ષ, એટલે લબાનોનનાં દેવદારો;
    જે તેણે રોપ્યાં હતાં તેઓ ધરાયેલાં છે.
17 ત્યાં પક્ષીઓ પોતાના માળા બાંધે છે;
    વળી દેવદાર વૃક્ષ બગલાઓનું રહેઠાણ છે.
18 ઊંચા પર્વતો પર જંગલી બકરાને
    અને ખડકોમાં સસલાને રક્ષણ અને આશ્રય મળે છે.

19 ઋતુઓને માટે તેમણે ચંદ્રનું સર્જન કર્યું,
    ક્યારે આથમવું એ સૂર્ય હંમેશા જાણે છે.
20 રાત્રિ અને અંધકાર તમે મોકલો છો;
    જંગલનાં પ્રાણીઓ ત્યારે બહાર આવે છે.
21 પછી સિંહનાં બચ્ચાં શિકાર માટે ગર્જના કરે છે;
    તેઓ દેવ પાસે પોતાનું ભોજન માંગે છે.
22 પરોઢિયે તેઓ ગૂપચૂપ જંગલોમાં પાછા જાય છે;
    અને પોતાની ગુફાઓમાં સૂઇ જાય છેં.
23 માણસ પોતાનો ઉદ્યમ કરવાં બહાર નીકળે છે;
    અને સાંજ સુધી પોતપોતાના કામ કરે છે.

24 હે યહોવા, કેટલા છે તારા સર્જનો!
    તમે બહુ બુદ્ધિપૂર્વક તેમને બનાવ્યા છે.
    તમારી બનાવેલી વસ્તુઓથી પૃથ્વી ભરપૂર છે.
25 જુઓ આ વિશાળ મહાસાગરમાં નાના
    અને મોટા કેટલા અસંખ્ય જીવજંતુઓ
    તથા જાનવરો તેની અંદર છે!
26 અને જુઓ, વહાણો તેમાં આવજા કરે છે;
    વળી સમુદ્રમાં રમવાને મગરમચ્છ પેદા કર્યા છે.

27 તમે તેઓને યોગ્ય ટાણે ખાવાનું આપો છો;
    તેથી આ સઘળાં જીવો તમારી વાટ જુએ છે.
28 તમે જે કાંઇ આપો છો તે તેઓ વીણે છે;
    તમે તમારો હાથ ખોલો છો ત્યારે તેઓ બધાં ઉપકારથી તૃપ્ત થાય છે
29 તમે જ્યારે તેમની પાસેથી પાછા ફરો છો ત્યારે તેઓ ડરી જશે,
    તેઓનો પ્રાણ તેઓને છોડે છે
અને તેઓ નબળા થઇને મૃત્યુ પામે છે
    તેમનાં શરીર પાછાં માટી બની જાય છે.
30 પછી, જ્યારે તમે તમારો આત્મા મોકલો છો તેઓ ઉત્પન્ન થાય છે;
    અને પૃથ્વીની સપાટી તેઓથી ભરપૂર થાય છે.

31 યહોવાનો મહિમા સદાકાળ ટકી રહો;
    અને પોતાના સર્જનથી યહોવા આનંદ પામો.
32 જ્યારે યહોવા પૃથ્વી પર દ્રૃષ્ટિ કરે છે, ત્યારે તે ડરથી કંપે છે;
    અને જ્યારે તે પર્વતોને સ્પશેર્ છે ત્યારે તેમનામાંથી ધૂમાડો નીકળે છે.

33 હું જીવનપર્યંત યહોવાની પ્રશંસાનાં ગીતો ગાઇશ;
    હું મારા છેલ્લા શ્વાસ સુધી યહોવાની સ્તુતિ કરીશ.
34 તેમના માટેનાં મારા શબ્દો વડે તે પ્રસન્ન થાઓ
    કારણ કે યહોવા મારા સર્વ આનંદનું ઉદૃભવ સ્થાન છે.
35 પૃથ્વીમાંથી સર્વ પાપીઓ નાશ પામો
    અને દુષ્ટોનું અસ્તિત્વ મીટાવી દેવામાં આવે.

હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કર!
    તમે યહોવાની સ્તુતિ કરો!

ગણના 24:12-25

12 બલામે પ્રત્યુત્તર આપ્યો, “મેં તો તેં મોકલેલા માંણસોને કહ્યું હતું કે, 13 ‘બાલાક મને તેના ઘરનું બધું સોનું અને ચાંદી આપે, તોયે હું યહોવાની આજ્ઞાની વિરુદ્ધ જઈને માંરી મરજી મુજબ સારું કે ખરાબ કઈ જ ન કરી શકું. હું તો યહોવા જે કહેવાનું મને કહેશે તે જ કહીશ.’ 14 હવે હું માંરા લોકો પાસે જાઉ છું પણ તે પહેલા તને સાવધાન કરતો જાઉ છું કે આ ઇસ્રાએલીઓ ભવિષ્યમાં તમાંરા મોઆબીઓના શા હાલ કરશે.”

બલામની છેલ્લી ભવિષ્યવાણી

15 એમ કહીને તેણે નીચે પ્રમાંણે ભવિષ્યવાણી પ્રગટ કરી:

“બયોરના પુત્ર બલામની,
    દિવ્ય દ્રષ્ટિ ધરાવનારની આ વાણી છે.
16 દેવના શબ્દો સાંભળનારની,
    જેને પરાત્પર દેવ પાસે જ્ઞાન પ્રાપ્ત કર્યુ છે તેની આ વાણી છે.
સમાંધિમગ્ન છતાં ખુલ્લાં અંતઃચક્ષુથી સર્વસમર્થ દેવે બતાવેલા
    દિવ્યદર્શનો જોનારની આ વાણી છે.

17 “હું જે જોઉ છું તે દૃશ્ય આજનું નથી,
    પણ ભવિષ્યનું છે.
યાકૂબના વંશમાંથી એક તારો ઊગશે,
    ઇસ્રાએલના લોકોમાંથી એક નવો શાસક આવશે,
તે પોતાના રાજદંડથી મોઆબીઓનાં પ્રાણ હરશે.
    અને શેથના પુત્રોનો તે નાશ કરશે.
18 ઇસ્રાએલ મજબૂત બનશે!
    તેને અદોમની ભૂમિ પ્રાપ્ત થશે.
    તેને તેના દુશ્મન સેઈરની ભૂમિ પ્રાપ્ત થશે.

19 “યાકૂબના કુટુંબમાંથી એક નવો શાસક આવશે. તે શાસક શહેરમાં બાકી રહેલા લોકોનો વિનાશ કરશે.”

20 પછી બલામે અમાંલેકીઓને જોયા અને ભવિષ્યવાણી પ્રગટ કરી:

“અમાંલેકીઓ સર્વ પ્રજાઓમાં આગળ હતા; પણ તેનો અંત સંપૂર્ણ વિનાશમાં આવશે.”

21 પછી કેનીઓને જોયા પછી બલામે ભવિષ્યવાણી કરી:

“તમાંરું આશ્રયસ્થાન લાગે છે તો સુરક્ષિત,
    તે ખડકોમાં બાંધેલા માંળા સમાંન છે.
22 પણ એ બળી જવા નિમાંયો છે.
    કેનીઓનો વિનાશ થશે.
તમે કયાં સુધી આશ્શૂરના કેદી બની રહેશો?”

23 અંતમાં તેણે ભવિષ્યવાણી પ્રગટ કરતાં કહ્યું:

“દેવ આ પ્રમાંણે કરે ત્યારે કોણ જીવી શકે?
24 કિત્તીમમાંથી (સાયપ્રસ) કિનારા પરથી વહાણો આવશે.
તેઓ આશ્શૂરને અને એબેરને કચડી નાખશે,
    પછી છેવટે વિજેતા પણ વિનાશ પામશે.”

25 પછી બલામ ઊઠીને પોતાને ઘેર ફર્યો અને બાલાક પણ પોતાના રસ્તે પડયો.

રોમનો 8:18-25

ભવિષ્યમાં આપણને મહિમા મળશે

18 હમણાં આપણે દુ:ખો સહન કરી રહ્યા છીએ. પરંતુ ભવિષ્યમાં આપણને જે મહિમા પ્રાપ્ત થવાનો છે તેની તુલનામાં આપણાં અત્યારનાં દુ:ખો કઈ જ નથી. 19 દેવે સર્જેલી દરેક વસ્તુ એ સમયની ઉત્તેજનાપૂર્વક રાહ જોઈ રહી છે કે જ્યારે દેવ દુનિયાને બતાવી દેશે કે તેનાં (સાચાં) સંતાનો કોણ છે એ ઘટના ઘટે એની આખા જગતને આતુરતા છે. 20 દેવે જે દરેક વસ્તુ સર્જી તે દરેક વસ્તુ જાણે નિરર્થકતાને આધીન હોય તેમ તેને બદલી નાખવામાં આવી. તેને બદલવાની ઈચ્છા ન હતી. પરંતુ દેવે તેમાં પરિવર્તન કરવાનો નિર્ણય કર્યો. પરંતુ તેમાં પણ આ આશા તો હતી 21 કે દેવ-સર્જિત પ્રત્યેક વસ્તુ નષ્ટ થવાથી મુક્ત હશે. એવી પણ આશા હતી કે દેવનાં સંતાનોને જે મુક્તિ અને મહિમા પ્રાપ્ત થયા છે, તે દેવે બનાવેલી દરેક વસ્તુને મળશે.

22 આપણે જાણીએ છીએ કે, બાળકને જન્મ આપવા માટે તૈયાર કોઈ સ્ત્રી દુ:ખ સહન કરતી રાહ જોતી હોય, એ રીતે અત્યારે તો સમગ્ર સૃષ્ટિ દેવ-સર્જિત દરેક વસ્તુ માટે પ્રસૂતાની વેદના જેવી વેદના સહન કરી રહી છે. 23 પરંતુ તે એકલી જ નહિ, પણ આપણે પોતે જેઓને આત્માનું પ્રથમફળ મળ્યું છે. તે જોઈને પણ દત્તકપુત્રપણાની, એટલે આપણા શરીરના ઉદ્ધારની વાટ જોતાં આપણે પોતાના મનમાં નિસાસા નાખીએ છીએ, કહેવાનો અર્થ એ છે કે આપણાં શરીરોથી આપણને મુક્તિ મળી જાય એની આપણે પ્રતિક્ષા કરી રહ્યા છીએ. 24 કારણ કે એ જ આશાથી આપણો ઉદ્ધાર થયો છે. પણ જે આશા દૃશ્ય હોય તે આશા નથી કેમ કે કોઈ માણસ પોતે જે જુએ છે, તેની આશા કેવી રીતે રાખે. 25 પરંતુ આપણે એવી વસ્તુ મેળવવાની આશા રાખીએ છીએ કે જે હજી સુધી આપણને મળી નથી. તેના માટે આપણે ધીરજપૂર્વક પ્રતિક્ષા કરી રહ્યા છીએ.

માથ્થી 22:23-40

ઈસુને પકડવાની કેટલાંક સદૂકીઓની ચાલ

(માર્ક 12:18-27; લૂ. 20:27-40)

23 એ જ દિવસે થોડાક સદૂકીઓ ઈસુ પાસે આવ્યા (લોકો મરણમાંથી ઊભા થશે તે સદૂકીઓ માનતા નહોતા) અને સદૂકીઓએ ઈસુને પૂછયું. 24 “ઉપદેશક, મૂસાએ કહ્યું છે કે, જો કોઈ માણસ નિ:સંતાન મરણ પામે તો તેના ભાઈએ તેની પત્ની સાથે પરણવું જોઈએ. જેથી તેઓ બાળકો મેળવી પોતાના ભાઈ માટે વંશ ઉપજાવે. 25 એક કુટુંબમાં સાત ભાઈઓ હતા. તેમાંના મોટા ભાઈએ લગ્ન કર્યુ અને નિ:સંતાન મરણ પામ્યો, તેથી પોતાની સ્ત્રીને બીજા ભાઈ પાસે તેડી ગયો. 26 આ બીજો ભાઈ પણ નિ:સંતાન મરણ પામ્યો. પછી પેલી સ્ત્રી ત્રીજા ભાઈની સાથે પરણી એમ સાતે ભાઈઓના સંબંધમાં આવું બન્યું. 27 સૌથી છેલ્લે તે સ્ત્રી પણ મરણ પામી. 28 આ સાતે માણસો તે સ્ત્રીને પરણ્યા, તો પછી હવે મૂએલાઓનાં પુનરુંત્થાનમાં, પેલા સાતમાંથી તે કોની પત્ની થશે?”

29 ઈસુએ કહ્યું, “ધર્મલેખો અને દેવનાં પરાક્રમ વિષેના તમારા અજ્ઞાનને કારણે એ તમે સમજી શકતા નથી. 30 તેઓ જ્યારે મરણમાંથી પુનરુંત્થાન પામશે, ત્યારે તે બધા આકાશમાંના દૂતો જેવા હશે અને લગ્રની વાત જ નહિ હોય. 31 શું પુનરુંત્થાનના સંબંધમાં દેવે તમને જે કહ્યું છે તે તમે વાંચ્યું છે? 32 દેવે કહ્યું, ‘હું ઈબ્રાહિમનો તથા ઈસહાકનો તથા યાકૂબનો દેવ છું.’(A) પણ તે મૂએલાઓનો દેવ નથી. પરંતુ જીવતા લોકોનો દેવ છે.”

33 ઈસુનો ઉત્તર સાંભળીને તે લોકો તેના ઉપદેશથી અચરત પામ્યા હતા.

સહુથી મોટી આજ્ઞા કઈ છે?

(માર્ક 12:28-34; લૂ. 10:25-28)

34 ફરોશીઓએ જાણ્યું કે ઈસુએ પોતાના ઉત્તરથી સદૂકીઓને બોલતા બંધ કરી દીઘા તેથી તેઓ એકત્ર થયા. 35 એક ફરોશી જે શાસ્ત્રી હતો. તેણે ઈસુને ફસાવવા એક પ્રશ્ર્ન પૂછયો. 36 “ઓ ઉપદેશક, નિયમશાસ્ત્રમાં સહુથી મોટી આજ્ઞા કઈ છે?”

37 ઈસુએ ઉત્તર આપ્યો, “‘પ્રભુ તારા દેવ પર, તું તારા પૂરા હૃદયથી, ને તારા પૂરા જીવથી અને તારા પૂરા મનથી પ્રીતી કર.’(B) 38 આ પહેલી અને સૌથી મોટી આજ્ઞા છે. 39 બીજી મોટી આજ્ઞા પણ એવી જ છે. ‘તું જેવો પ્રેમ તારા પર કરે છે તેવો જ પ્રેમ તારા પડોશી પર કર.’(C) 40 આખા નિયમશાસ્ત્ર અને પ્રબોધકોના લખાણોનો પાયો આ બે આજ્ઞાઓમાં સમાયેલો છે. આ બે આજ્ઞાઓને પાળશો તો તમે બીજી સર્વ આજ્ઞાઓ પાળશો.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International