Book of Common Prayer
ઝાઇન
49 હું તમારો સેવક છું, કૃપા કરીને મને આપેલા તમારા વચનને યાદ કરો,
તે વચન મને આશા આપે છે.
50 મને મારા દુ:ખમાઁ આશ્વાસન મળ્યું છેં;
અને તમારા વચને મને જિવાડ્યો છે.
51 અભિમાની લોકો મારી મજાક કરે છે,
પણ હું તમારા નિયમમાંથી પાછો હઠયો નથી.
52 હે યહોવા, પુરાતન કાળથી પ્રચલિત તમારા ન્યાયવચનો મેં મારા બાળપણથીજ યાદ રાખ્યા છે.
અને મને હંમેશા સાંત્વન મળ્યું છે.
53 જે ભૂંડાઓ તમારા નિયમ અવગણના કરે છે;
તેઓ પર મને ક્રોધ ઉપજે છે.
54 તમારા વિધિઓ આ મારી જીવનયાત્રામાં
મારા માટે આનંદદાયક સ્તોત્ર બન્યા છે.
55 હે યહોવા, મને રાત્રે તમારા નામનું સ્મરણ થાય છે,
અને હું તમારા નિયમો પાળુ છું.
56 આ મારું આચરણ છે; હું તમારા શાસનો પાલન કરું છું.
ખેથ
57 હે યહોવા, મારો વારસો છો તમે; હું વચનો પાળીશ તમારા, એમ મે કહ્યું છે.
58 મેં મારા હૃદયની ઉત્કંઠાથી તમારી કૃપાની માંગણી કરી છે;
તમારા વચન પ્રમાણે તમે મારા ઉપર દયા કરો.
59 મેં મારા જીવનના રસ્તાઓ વિષે વિચાર કર્યો છે,
અને પછી વળ્યો છું તમારા કરાર તરફ.
60 તમારી આજ્ઞાઓ પાળવા માટે મેં ઉતાવળ કરી છે;
જરાય મોડું કર્યુ નથી.
61 મને દુષ્ટોનાં બંધનોએ ઘેરી લીધો છે;
પણ તમારા નિયમોને હું ભુલ્યો નથી.
62 હું મધરાતે ઊઠીને તમારા ન્યાયવચનો બદલ
તમારો આભાર માનીશ.
63 જે કોઇ તમારો ભય રાખે છે, તમારામાં વિશ્વાસ કે છે,
અને તમારા શાસનોનું પાલન કરે છે તે મારા મિત્રો છે.
64 હે યહોવા, પૃથ્વી તમારી કૃપાથી ભરેલી છે,
મને તમારા વિધિઓ શીખવો.
ટેથ
65 હે યહોવા, તમે તમારા સેવકને વચન આપ્યા પ્રમાણે,
મારા માટે સારું જ કર્યુ છે.
66 મને યોગ્ય ચપળતા શીખવો અને મને જ્ઞાન આપો,
હું તમારા આજ્ઞાઓ પર વિશ્વાસ કરું છું.
67 મેં દુ:ખ સહ્યું તે પહેલા મેં ઘણી ખોટી બાબતો કરી,
પણ હાલમાં હું તમારા વચન પાળું છું.
68 તમે ઉત્તમ છો અને ઉત્તમ કરો છો;
મને તમારા વિધિઓ શીખવો.
69 ધમંડી લોકો મારા વિશે જૂઠું બોલે છે,
પણ હું તમારાં નિયમો ખરા હૃદયથી પાળીશ.
70 તેઓનું અંત:કરણ સ્થૂળ છે;
પણ હું તો તારા નિયમમાં પરમાનંદ પામું છું.
71 મેં જે સહન કર્યુ તે મારા સારા માટે પૂરવાર થયું,
એ રીતે હું તમારા વિધિઓ શીખ્યો.
72 હજારો સોના ચાંદી કરતાં તમારા મુખનો નિયમ
મારે માટે વધુ મૂલ્યવાન છે.
નિર્દેશક માટે. કોરાહનાં કુટુંબનું ગીત.
1 હે સર્વ પ્રજાજનો, તમે આ સાંભળો;
હે વિશ્વવાસી લોકો તમે સાંભળો.
2 નિમ્ન કક્ષના કે ઉચ્ચકક્ષાનાં, શ્રીમંત કે દરિદ્રી, તમે સૌ માણસો મારા શબ્દો પર ધ્યાન આપો.
3 હું બુદ્ધિ વિષે મારા મુખેથી બોલીશ;
મારા હૃદયમાંથી નિકળતા ઉદૃગારો જ્ઞાન વિષે હશે.
4 હું દ્રષ્ટાંત પર કાન લગાડીશ,
અને વીણા પર મારો મર્મ ખોલીશ.
5 જ્યારે સંકટો આવે છે ત્યારે,
ચારેબાજુથી મને શત્રુઓ ઘેરી લે એવા દુષ્ટોના સકંજામાં મારે ડરવાની જરૂર નથી.
6 જેઓ પોતાની સંપત્તિ પર ભરોસો રાખે છે,
તેઓ કેટલાં ધનવાન છે તેનું અભિમાન કરે છે.
7 તેઓમાંનો કોઇ પોતાના ભાઇને કોઇ રીતે છોડાવી શકતાં નથી;
દેવને તે તેનાં બદલામાં ખંડણી આપી શકતાં નથી.
8 માનવ-જીવનની એટલી મોટી કિંમત છે
કે દુન્યવી સંપત્તિથી તેનો મૃત્યુદંડ ચૂકવી શકાતો નથી.
9 જેથી તે સદાકાળનું જીવન પામે,
અને નરકનાં ખાડાની શિક્ષાથી બચી જાય.
10 બધા લોકો સાક્ષી છે કે વિદ્ધાન મૃત્યુ પામે છે,
અને મૂર્ખ તેમજ હેવાન માણસો પણ મૃત્યુ પામે છે.
અને તેઓ તેમની પાછળ તેમની સંપત્તિ બીજાઓ માટે મૂકી જાય છે.
11 તેઓ જમીનજાગીરને પોતાના નામથી ઓળખાવે છે,
જાણેકે સદાકાળને માટે તે તેઓની જ રહેવાની હોય;
અને જાણે તેઓ સદાકાળ અધિકાર ભોગવવાના હોય.
12 માણસો ભલે ધનવાન હોય, પણ તેઓ અહીં કાયમ માટે રહેવાના નથી.
જેવી રીતે બીજા પ્રાણીઓ મરી જાય છે તેમ તેઓ પણ મૃત્યુ પામશે.
13 એવા મૂર્ખ લોકો જેમણે તેમની સંપત્તિનો વિશ્વાસ રાખ્યો હતો,
અંતે તો તેમનો અંત એવોજ આવશે.
14 પેલા લોકો બરાબર ઘેટાઁ જેવાજ છે.
શેઓલ તેમનો વાડો બનશે અને મૃત્યુ તેમનો ઘેટાંપાળક બનશે.
જ્યારે પેલાં અભિમાની લોકોના શરીરો
તેમના વૈભવી ઘરોથી ખૂબ દૂર શેઓલમાં ધીમેથી સડી જશે
તે દિવસે નિષ્ઠાવાન લોકો વિજયી બનશે.
15 દેવ મને શેઓલની પકડમાંથી છોડાવશે કારણ કે
તેઓ મને તેમની સાથે રહેવા લઇ જશે.
16 કારણ, તે લોકો ધનવાન છે, અને વૈભવી મકાનો ધરાવે છે
એટલા માટે તે લોકોથી ડરશો નહિ.
17 તેઓ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તેઓ સાથે કશુંય લઇ જઇ શકશે નહિ
અને તેમનો વૈભવ તેમની પાછળ જવાનો નથી.
18 ધનવાન વ્યકિત તેના જીવનકાળ દરમ્યાન પોતાની જાતને મહાન ગણતી હશે,
અને પોતાની જાતને ધન્યવાદ આપ્યા હશે કે તે મહાન હતા,
તેની દુન્યવી સફળતાઓ માટે લોકોએ પ્રશંસા કરી હતી.
19 પરંતુ આખરે તો તે પણ તેના પૂર્વજોની જેમ મૃત્યુ પામશે
અને પછી તે જીવનનું અજવાળું ક્યારેય પણ નહિ જુએ.
20 જે વ્યકિત પાસે દુન્યવી વૈભવ છે, પણ આત્મિક સમજ નથી;
તે વ્યકિત બુદ્ધિહીન નાશ પામનાર પશુ સમાન છે.
નિર્દેશક માટે. માહલાથ સાથે ગાવાનું. દાઉદનું માસ્કીલ.
1 માત્ર મૂર્ખ પોતાના મનમાં કહે છે કે, “દેવ છે જ નહિ” તેનું હૃદય દુષ્ટતાથી ભરેલું છે.
તેવા માણસો ઘૃણાને પાત્ર અને દુષ્ટ કૃત્યો કરે છે.
તેઓમાં કોઇ સારા કૃત્યો કરનાર નથી.
2 દેવ આકાશમાંથી નીચે મનુષ્યો ઉપર દૃષ્ટિ કરીને તપાસ કરે છે
કે એવી કોઇ વ્યકિત છે જેને સાચી સમજ હોય;
ને મનથી દેવની શોધ કરતી હોય.
3 તેઓમાંનાં દરેક માર્ગષ્ટ થયા છે,
અને તેઓ સઘળા અશુદ્ધ થયા છે;
કોઇ વ્યકિત ન્યાયી જીવન જીવતી નથી.
ભલું કરનાર હવે કોઇ રહ્યુ નથી.
4 દેવ કહે છે કે, “દુષ્ટ કરનારાઓ શું આ નથી સમજતા?
મારા લોકોને તે જાણે રોટલી ખાતાં હોય તેમ ખાઇ જાય છે.
તેઓ દેવ પાસે જતા નથી, અને કદી પ્રાર્થના કરતાં નથી.”
5 જોકે કશું ડરવા જેવું નહિ હોય
ત્યાં તેઓ અચાનક ભયભીત થઇ જશે.
દેવે તે બધા દુષ્ટ લોકોને નકાર્યા છે.
તેથી દેવના લોકો તેમને હરાવશે,
અને દેવ તે દુષ્ટ લોકોના હાડકાઁને વિખેરી નાખશે.
6 સિયોનમાંથી ઇસ્રાએલનું તારણ વહેલું આવે!
યહોવા પોતે પોતાના લોકોને બંધનમાંથી છોડાવશે
અને તેમને પાછા તેમના વતનમાં લાવશે,
અને પછી યાકૂબ ખુશ થશે,
તથા ઇસ્રાએેલ આનંદિત થશે.
“હું તમાંરી સાથે નહિ આવું”
33 યહોવાએ મૂસાને કહ્યું, “તું અહીંથી નીકળીને જે લોકોને તું મિસર દેશમાંથી બહાર લઈ આવ્યો છે, તેઓને ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબને જે દેશનું વચન આપ્યું છે ત્યાં દોરી જા, કેમ કે મેં વચન આપેલું છે કે, આ દેશ હું તમાંરા વંશજોને આપીશ. 2 હું તારી આગળ માંરા એક દેવદૂતને મોકલીશ અને કનાનીઓ, અમોરીઓ, હિત્તીઓ, પરીઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓને હાંકી કાઢીશ. 3 હું દૂધ અને મધની જયાં રેલછેલ છે એવા દેશમાં તમને લઈ જઈશ, પણ હું તમાંરી સાથે નહિ આવું, કારણ કે તમે લોકો હઠીલા છો અને કદાચ હું તમાંરો રસ્તામાં જ સંહાર કરી નાખું.”
4 લોકોએ જયારે આ કઠોર શબ્દો સાંભળ્યા ત્યારે તેઓએ શોક કર્યો અને કોઈએ પોતાના શરીર ઉપર દાગીના પહેચાં નહિ. 5 યહોવાએ મૂસાને કહ્યું, “ઇસ્રાએલના લોકોને કહે કે, ‘તમે લોકો હઠીલા છો, જો હું તમાંરી સાથે થોડી ઘડીવાર પણ આવું તો તમાંરો સંહાર કરી નાખું. એટલે તમે તમાંરાં દાગીના, ઘરેણાં ઉતારી નાખો, જ્યારે હું વિચારીશ કે માંરે તમાંરી સાથે શું કરવું?’” 6 તેથી ઇસ્રાએલીઓએ પોતાનાં ઘરેણાં ઉતારી નાખ્યાં અને હોરેબ પર્વત છોડયા પછી ફરી પહેચાં નહિ.
મૂલાકાત મંડપની સ્થાપના
7 મૂસા હંમેશા છાવણીની બહાર દૂર માંડવો ઊભો કરતો હતો અને જે કોઈને યહોવાની ઈચ્છા જાણવી હોય તે છાવણી બહાર “મુલાકાતમંડપમાં” જતો. જે મૂસાએ છાવણી બહાર ઊભો કર્યો હતો. 8 મૂસા જયારે જયારે મૂલાકાતમંડપમાં જતો ત્યારે ત્યારે બધા લોકો ઊઠીને પોતપોતાના તંબુના દરવાજા આગળ ઊભા રહીને, મૂસા મૂલાકાતમંડપમાં દાખલ થાય ત્યાંસુધી તેને જોઈ રહેતા. 9 મૂસા જયારે માંડવા પ્રવેશ કરતો એટલે વાદળનો થંભ નીચે ઊતરી માંડવાના દરવાજા આગળ ઊભો રહેતો અને યહોવા મૂસા સાથે વાત કરતા. 10 વાદળના થંભને દેવ દરવાજા આગળ જોતાં જ દરેક માંણસ પોતપોતાના માંડવાના દરવાજા આગળ ભજન કરતા.
11 યહોવા મૂસા સાથે એક માંણસ બીજા માંણસ સાથે વાત કરે એ રીતે મોઢામોઢ વાત કરતા. ત્યાર પછી મૂસા પાછો છાવણીમાં આવતો. તેનો નવયુવાન સેવક નૂનનો પુત્ર યહોશુઆ કદી તંબુમાંથી બહાર નીકળતો નહિ.
મૂસાને યહોવાનાં ગૌરવનું દર્શન
12 મૂસાએ યહોવાને કહ્યું, “તમે મને આ લોકોને લઈ જવાનું તો કહ્યું પણ તમે એ મને ન કહ્યું કે, તમે માંરી સાથે કોને મોકલવાના છો, તમે મને એમ પણ કહ્યું કે, ‘હું તને નામથી ઓળખું છું અને તારાથી પ્રસન્ન છું.’ 13 જો ખરેખર મેં તમને પ્રસન્ન કર્યા હોય, તો મને તમાંરા માંર્ગો શીખવાડો. માંરે તમને ઓળખવા છે. તો હું તમને પ્રસન્ન કરતો રહું. વળી, યાદ રાખજે કે આ લોકો તો તમાંરી જ પ્રજા છે.”
14 યહોવાએ જવાબ આપ્યો, “હું પોતે તારી સાથે જઈશ અને તને માંર્ગદર્શન આપીશ.”
15 કેમ કે મૂસાએ કહ્યું હતું, “તમે જો માંરી સાથે ન આવવાના હો તો અમને અહીંથી આગળ મોકલશો નહિ; 16 અને તમે અમાંરી સાથે આવો એ સિવાય બીજી કઈ રીતે જાણી શકાય કે તમે અમાંરા પર પ્રસન્ન છો? તમે અમાંરી સાથે આવો તો જ અમે, તમાંરા લોકો અને હું પૃથ્વી પરના બીજા બધા લોકો કરતાં જુદા તરી આવીશું.”
17 જવાબમાં યહોવાએ મૂસાને કહ્યું હતું, “હા, તેં જે માંગ્યું છે તે હું ચોક્કસ આપીશ. કારણ કે હું તારા પર પ્રસન્ન છું અને તને બહુ સારી રીતે જાણું છું.”[a]
18 મૂસાએ વિનંતી કરી, “મને તમાંરા ગૌરવના દર્શન કરાવો.”
19 યહોવાએ કહ્યું, “હું માંરી સંપૂર્ણ ભલમનસાઈ તને દેખાડીશ, અને તારી સમક્ષ માંરું નામ ‘યહોવા દેવ’ તરીકે જાહેર કરીશ. હું જેને પસંદ કરીશ એ લોકો પર દયા અને કરુણા વરસાવીશ.” 20 વધુમાં તેમણે કહ્યું, “પણ માંરું મુખ તું જોઈ શકીશ નહિ, કારણ, કોઈ પણ માંણસ મને જોઈને જીવતો રહી શકે નહિ.
21 “તેમ છતાં માંરી બાજુમાં આ ખડક પર ઊભો રહેજે. 22 અને માંરું ગૌરવ તારી નજર આગળથી પસાર થાય ત્યારે હું તને આ ખડકની ફાટમાં મૂકી દઈશ. અને હું પોતે પસાર થઈ જાઉં ત્યાં સુધી માંરા હાથ વડે તને હું ઢાંકી દઈશ. 23 પછી હું માંરો હાથ લઈ લઈશ અને તું માંરી પીઠ જોવા પામીશ, પણ માંરું મુખ તને દેખાશે નહિ.”
થેસ્સાલોનિકામાં પાઉલનું કામ
2 ભાઈઓ અને બહેનો, તમે જાણો છો કે અમારી તમારી સાથેની મુલાકાત નિષ્ફળ નહોતી નીવડી. 2 અમે તમારી પાસે આવ્યા તે પહેલા, ફિલિપ્પીમાં અમારે ઘણું સહન કરવું પડયું હતું, ત્યાંના લોકો અમારા વિષે ઘણા કટુવચનો બોલ્યા. તમે આ બધા વિષે જાણો છો. અને અમે જ્યારે તમારી પાસે આવ્યા ત્યારે, ઘણા લોકો અમારી વિરૂદ્ધ હતા. પરંતુ આપણા દેવે અમને હિંમતવાન બનાવ્યા અને દેવ તેની સુવાર્તા તમને કહેવામાં અમને મદદરુંપ થયો. 3 અમે લોકોને બોધ આપીએ છીએ. કોઈએ પણ અમને મૂર્ખ બનાવ્યા નથી. અમે દુષ્ટ નથી. અમે લોકોને છેતરવાનો પ્રયત્ન કરતાં નથી. અમે જે કરીએ છીએ તે માટે અમારા કારણો નથી. 4 ના. અમે સુવાર્તા આપીએ છીએ કારણ કે સુવાર્તા આપવા માટે દેવે અમારી પરીક્ષા કરી છે અને અમારા પર વિશ્વાસ મૂક્યો છે. તેથી જ્યારે અમે બોલીએ છીએ ત્યારે દેવને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરીએ છીએ, નહિ કે માણસોને. દેવ એ એક છે જે અમારાં હૃદયોનો પારખનાર છે.
5 તમે જાણો છો કે તમારા વિષે સારું બોલીને તમારી પ્રશંસા કરવાનો અમે કદ્દી પ્રયત્ન કર્યો નથી. અમારે તમારા પૈસા નથી જોઈતા કે તમારા થકી અમારે અમારો કોઈ સ્વાર્થ છુપાવાનો નથી. દેવ જાણે છે કે આ સત્ય છે. 6 અમે લોકો તરફથી, તમારા તરફથી, કે બીજા કોઈ તરફથી પ્રસંશાની અપેક્ષા નથી રાખતા.
7 અમે ખ્રિસ્તના પ્રેરિતો છીએ. અને તેથી અમે જ્યારે તમારી પાસે હતા ત્યારે, તમારી પાસે અમુક કામ કરાવવા માટે અમે અમારી સત્તાનો ઉપયોગ કરી શક્યા હોત. પરંતુ જે રીતે એક મા પોતાના બાળકનું જતન કરે છે, તે રીતે અમે તમારા પ્રત્યે વિનમ્ર વર્તાવ કરેલો. 8 અમે તમને બહુ પ્રેમ કર્યો. તેથી અમે દેવની સુવાર્તામાં તમારી સાથે સહભાગી થતા હતા તે એક આનંદ હતો એટલું જ નહિ; અમે અમારા જીવનની સાથે તમારા જીવનમાં સહભાગી તથા પ્રસન્ન થયા હતા. 9 ભાઈઓ અને બહેનો, તમને યાદ છે કે રાત અને દિવસ અમે કેટલો કઠોર પરિશ્રમ કર્યો હતો. જ્યારે અમે દેવની સુવાર્તા તમને આપતા હતા ત્યારે તમારી પાસેથી વળતર લઈને તમને અમે બોજારૂપ બનવા નહોતા ઈચ્છતા.
10 જ્યારે તમો વિશ્વાસીઓની સાથે અમે હતા ત્યારે, અમે પવિત્ર અને સત્યનિષ્ઠ જીવન નિષ્કલંક રીતે જીવ્યા હતા, તમે જાણો છો કે આ સત્ય છે અને દેવ જાણે છે કે આ સત્ય છે. 11 તમે જાણે છો કે જેમ બાપ પોતાનાં બાળકો સાથે જેવું વર્તન કરે, તેવું વર્તન અમે તમારી સાથે કર્યુ હતું. 12 અમે તમને પ્રોત્સાહિત કર્યા, અમે તમને રાહત પહોંચાડી, અને અમે તમને દેવ માટે સારું જીવન જીવવા માટે કહ્યું. દેવ તેના રાજ્ય અને મહિમા માટે તમને તેડે છે.
ઈસુ અને જૂનું નિયમશાસ્ત્ર
17 “એવું ના માનશો કે હું મૂસાના નિમયશાસ્ત્રનો કે પ્રબોધકોના ઉપદેશોનો નાશ કરવા આવ્યો છું. હું તેના ઉપદેશોનો નાશ કરવા માટે નહિ પરંતુ તેનો પૂરો અર્થ સમજાવવા આવ્યો છું. 18 હું તમને સત્ય કહું છું કે જ્યાં સુધી આકાશ તથા પૃથ્વી જતાં રહે ત્યાં સુધી કશું જ અદ્રશ્ય થઈ શકશે નહિ, આવું બનશે નહિ (વિનાશ સજાર્શે નહિ) ત્યાં સુધી નિમયશાસ્ત્રમાંથી એક કાનો અથવા એક માત્રા જતો રહેશે નહિ.
19 “મનુષ્યે નિયમની દરેક આજ્ઞાઓનું પાલન કરવું જોઈએ પછી ભલે તે આજ્ઞાની કોઈ અગત્યતા ન જણાય. મનુષ્ય જો આજ્ઞાઓનું પાલન કરવાની ના પાડશે અને બીજાઓને તેમ કરવા શીખવશે તો આકાશના રાજ્યમાં તે મનુષ્ય બીન મહત્વનો ગણાશે. જેઓ નિયમ અને નિયમશાસ્ત્રનું પાલન કરશે તેમજ બીજા લોકોને તેનું પાલન કરવા જણાવશે, તેઓ આકાશના રાજ્યમાં મહાન હશે. 20 હું તમને જણાવું છું કે તમારે શાસ્ત્રીઓ અને ફરોશીઓ કરતાં દેવને જેની જરૂર છે તે માટે કઈક વધુ સારું કરનારા થવું જોઈએ નહિ તો તમે આકાશના રાજ્યમાં દાખલ પણ થઈ શકશો નહિ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International