Book of Common Prayer
1 આવો, યહોવા સમક્ષ આપણે ગાઇએ;
આપણા તારણના ખડક સમક્ષ હર્ષનાદ કરીએ.
2 તેની હજૂરમાં આભારસ્તુતિ સાથે આવીએ;
અને આપણે તેની સમક્ષ સ્તુતિગાન કરીએ.
3 કારણ, યહોવા મહાન દેવ છે;
તે સર્વ દેવો પર મહાન રાજા છે.
4 તેમનાં હાથમાં પૃથ્વીનાં ઊંડાણો છે;
અને ઊંચા પર્વતોના માલિક પણ તે છે.
5 જેણે સમુદ્ર બનાવ્યો અને કોરી ભૂમિ
પણ બનાવી તેમના તે માલિક છે.
6 આવો આપણે તેને ભજીએ અને નમીએ;
ને આપણા કર્તા યહોવાને ઘૂંટણિયે પડીએ.
7 કારણ તે આપણા દેવ છે,
આપણે તેના ચારાના લોક
અને તેના હાથના ઘેટાં છીએ.
આજે જો તમે તેની વાણી સાંભળો તો કેવું સારું!
8 દેવ કહે છે, “ઇસ્રાએલી લોકોએ અરણ્યમાં મરીબાહમાં તથા માસ્સાહમાં,
પોતાના હૃદય કઠણ કર્યા, તેવું તમે કરશો નહિ.
9 તમારા પિતૃઓએ મારી કસોટી કરી,
પરંતુ પછીથી તેઓએ જોયું કે હું શું કરી શકું છું!”
10 યહોવા દેવ કહે છે, “ચાળીસ વર્ષ સુધી મેં તે પેઢીને સહન કરી છે પણ જ્યારે હું તેમનાથી કંટાળ્યો ત્યારે મેં કહ્યું,
તે લોકો અવિનયી છે.
તેઓએ મારા માર્ગો કદી શીખ્યાં નથી.
11 મેં મારા અતીશય ક્રોધમાં પ્રતિજ્ઞા લીધી
કે મેં તેઓ માટે નક્કી કરેલા વિશ્રામમાં વચનનાં દેશમાં,
તેઓ કદાપિ પ્રવેશ કરશે જ નહિ.”
નિર્દેશક માટે. ઢાળ: “પરોઢનું હરણ.” દાઉદનું ગીત.
1 હે મારા દેવ, તમે મને કેમ તજી દીધો છે?
મારા દેવ, તમે શા માટે સહાય કરવાની ના પાડો છો?
શા માટે મારો વિલાપ સાંભળતાં નથી?
2 હે મારા દેવ, દિવસ દરમ્યાન હું રૂદન કરૂં છું અને તમને પ્રાર્થના કરું છું,
પરંતુ તમે મારી પ્રાર્થનાનો જવાબ દેતા નથી.
હું તમને આખી રાત દરમ્યાન સતત બોલાવું છું.
3 દેવ, તમે પવિત્ર છો.
તમે ઇસ્રાએલના સ્તોત્ર પર બિરાજો છો.
4 અમારા પૂર્વજોએ તમારા પર ભરોસો રાખ્યો હતો.
અને તેઓએ ભરોસો રાખ્યો હોવાથી તમે તેઓને છોડાવ્યા.
5 જ્યારે તેઓએ તમને પ્રાર્થના કરી, તમે તેમને મદદ કરી અને તેમને બચાવ્યાં.
તેઓએ તમારામાં વિશ્વાસ રાખ્યો અને તેઓ નિરાશ થયા નહોતા.
6 હું માણસ નથી પણ માત્ર કીડો છુ.
સમગ્ર માનવ જાત મારો તિરસ્કાર કરે છે.
અને મને તુચ્છ ગણે છે.
7 જેઓ મને જુએ છે તેઓ બધા મારી હાંસી કરે છે.
અને તેઓ મો મરડી-ડોકું ધુણાવી ને કડવી વાણી બોલે છે.
8 તેઓ મારી મશ્કરી કરતાં કહે છે,
“તે જરૂર તને ઉગારશે કારણ
તે તને ખૂબ પસંદ કરે છે.”
9 હે યહોવા, અગાઉ તમે મને કેવી મદદ કરી હતી.
તમે મને માતાના ઉદરમાંથી સુરક્ષિત બહાર લાવ્યાં હતા.
હું જ્યારે મારી માતાને ધાવતો હતો
ત્યારે પણ તમે મારી સંભાળ લઇને વિશ્વાસ જગાવ્યો હતો.
10 હું જન્મથી જ તમારા હાથમાં સોંપાયેલો છું.
મારા બાળપણથી જ તમે મારા દેવ છો.
11 તમે મારાથી જરાય આઘા ખસશો નહિ કારણ મારા માથે સંકટ આવ્યુ છે.
અને મને સહાય કરે તેવું મારી સાથે કોઇ નથી.
12 ઘણા ભયંકર શત્રુઓએ મને ઘેરી લીધો છે.
બાશાનના આખલા, મારી ચારેબાજુએ ફરી વળ્યા છે.
13 જેમ ફાડી ખાનાર તથા ગર્જના કરતો સિંહ પોતાના શિકાર પર આક્રમણ કરે છે,
તેમ તેઓ પોતાના મોં ખુલ્લા રાખીને મારી તરફ ધસી આવે છે.
14 જેમ પાણી વહી જાય તેમ,
મારી શકિત પણ ચાલી ગઇ છે.
જેમ સાંધામાંથી હાડકાં ઢીલાઁ થઇ છૂટા પડી જાય છે,
તેમ મારું હૃદય પણ મીણનાં જેવું પોચું થઇ મારાં આંતરડામાં ઓગળી ગયું છે.
15 મારું બળ માટીનાં વાસણના એક તુટેલા ટુકડાં જેવુ સુકું થઇ ગયું છે;
મારી જીભ મારા મુખના તાળવે ચોંટી જાય છે;
અને મને ધૂળભરી મૃત્યુશૈયા ઉપર નાખી દેવામા આવ્યો છે.
16 કારણ, મારી આસપાસ કૂતરાં ફરી વળ્યા છે;
અને મને દુષ્ટોની ટોળીએ ઘેરી લીધો છે
અને તેઓએ મારા હાથપગ વીંધી નાખ્યા છે.
17 હું મારા શરીરનાં સર્વ હાડકાં ગણી શકું છું.
આ માણસો કેટલા દુષ્ટ અને ક્રૂર છે!
તેઓ ધારી ધારી ને કેવા જુએ છે!
18 તેઓ મારા વસ્રો અંદરો અંદર વહેંચી લે છે
અને મારા ઝભ્ભા માટે અંદરો અંદર ચિઠ્ઠી નાખે છે.
19 હે યહોવા, મારાથી દૂર ન જશો.
હે દેવ! હે મારા આશ્રય; મારા સાર્મથ્ય, મારી મદદે આવો.
20 મને આ તરવારથી બચાવો,
મારી રક્ષા કરી મારું મૂલ્યવાન જીવન પેલાં કૂતરાઓથી બચાવો.
21 મને સિંહોના જડબામાંથી બચાવો.
તે બળદોના શિંગડાઓથી મારું રક્ષણ કરો.[a]
22 હું તમારા વિષે મારા બધા ભાઇઓને વાત કરીશ.
હું ભરી સભામાં તમે કરેલી અદભૂત વસ્તુઓ વિષે વાત કરીશ.
23 હે યહોવાનો ભય રાખનારાઓ, તેમના ગુણગાન ગાઓ.
તમે બધા યાકૂબના વંશજો, તેને માન આપો.
હે ઇસ્રાએલી પરિવારો, તેમનો ભય રાખો.
24 તે ગરીબને જ્યારે મુસીબતો હોય
ત્યારે કદી એમની અવગણના નથી કરતા.
તેઓ કદી તેમનું મુખ એમનાથી છુપાવતા નથી.
તેઓ મદદ માટે તેમને પોકાર કરે છે ત્યારે તેઓ તેમને સાંભળે છે.
25 હું તમારી કૃપાથી મોટી મંડળીમાં તમારી સ્તુતિ કરું છું;
સર્વ ભય રાખનારાઓની સામે, હા, હું મારી માનતા પૂરી કરીશ.
26 દરિદ્રીજનો ખાઇને તૃપ્ત થશે, જેઓ યહોવાને શોધે છે,
તેઓ તેમની કૃપા પ્રાપ્ત કરશે, અને તેઓ હર્ષનાદ
અને અવિનાશી આનંદથી તેમની સ્તુતિ કરશે.
27 ભલે દૂર દેશના લોકો યહોવાનું સ્મરણ કરે અને તેમની પાસે પાછા ફરે.
ભલે રાષ્ટ્રોના બધા કુટુંબો નીચે નમીને યહોવાની ઉપાસના કરે.
28 કારણ, યહોવા રાજા છે,
અને તે સર્વ પ્રજા ઉપર રાજ કરે છે.
29 બધા લોકો, જેઓ મજબૂત અને તંદુરસ્ત છે તેઓએ ખાધું છે
અને યહોવા સમક્ષ નીચે નમ્યા છે.
હા, એ બધાં જેઓ મૃત્યુ પામવાની તૈયારીમાં છે અને તે
પણ લોકો જેઓ અત્યાર સુધીમાં મરણ પામ્યા છે તે બધાં યહોવાની સામે નીચા નમશે.
30 યહોવાનાં અદ્ભુત કર્મો વિષે આવતી પેઢી પણ સાંભળશે,
અને આપણાં સર્વ સંતાનો પણ તેમની સેવા કરશે.
31 આવનાર પેઢીઓ જે જન્મી નથી તેઓને પણ તેમનાં સર્વ ચમત્કાર વિષે પ્રગટ કરીને કહેશે.
અને તેમનું ન્યાયીપણું પ્રગટ થશે.
દાઉદનું ગીત.
1 હે યહોવા, જલ્દીથી મને ઉત્તર આપો;
કારણકે, મેં પ્રાર્થના કરી છે.
મદદ માટેનો પોકાર સાંભળો.
2 મારી પ્રાર્થના તારી સંમુખ ધૂપ જેવી થાઓ,
મારા ઊંચા થયેલા હાથો તે વેદી પરના સંધ્યાકાળના દહનાર્પણોની જેમ તમને સ્વીકાર્ય હો!
3 હે યહોવા, મારા મુખને બંધ રાખવા
અને મારા હોઠોને બીડેલા રાખવા મને સહાય કરો.
4 મારા હૃદયમાં કંઇ દુષ્ટ વસ્તુ પ્રવેશે નહિ,
જેથી દુષ્કર્મો કરનારની સાથે તેમના દુષ્ટકાર્યોમાં હું જોડાઉં નહિ
અને તેઓ જે કરવા ચાહે છે તેમાં હું તેમને સાથ ન આપું.
5 જો કોઇ ન્યાયી માણસ મને સુધારે તો
હું તેમને સારી વસ્તુ કરવા તરીકે સમજીશ.
તેમનો ઠપકો માથા પર તેલ નાખવા જેવો રહેશે.
હું કદાપિ આવા સ્વાસ્થ્ય વર્ધકનો નકાર ન કરું!
પણ ખરાબ લોકોનાં દુષ્ટ કૃત્યો વિરુદ્ધ હું પ્રાર્થના કરીશ.
6 તેઓના ન્યાયધીશો પર્વતની ટોચ ઉપરથી પાડી નાખવામાં આવે.
તેઓ સાંભળશે અને અનુભવશે કે મારાં શબ્દો સાચા અને મીઠાં છે.
7 જેમ કોઇ જમીન ખેડે અને આજુબાજુ ગંદકી ફેલાવે,
તેમ અમારાં હાડકાં કબરના પ્રવેશ આગળ વિખરાયેલાં હતા.
8 પણ હે યહોવા પ્રભુ, હું મદદ માટે તમારી તરફ જોઉં છું.
હું તમારો વિશ્વાસ કરું છું.
મારા આત્માનો નાશ ન થવા દો.
9 તેઓએ મારા માટે ગોઠવેલા ફાંદાથી
અને ભૂંડુ કરનારાઓએ ગોઠવેલી જાળમાથી મને બચાવો.
10 દુષ્ટો પોતાની જાળમાં ફસાઇ જાય,
અને તમે મારી રક્ષા કરો.
દાઉદનું ગીત.
1 હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો,
મારી આજીજીનો જવાબ આપો
અને મને બતાવો કે તમે ભલા અને ન્યાયી છો.
2 હે યહોવા, મારી, તમારા સેવકની, ચકાસણી ન કરો,
કારણ કે તમારી આગળ કોઇ નિર્દોષ મળશે નહિ.
3 મારા શત્રુઓ મારી પાછળ પડ્યા છે;
તેઓએ મને જમીન પર પછાડ્યો છે,
અને અંધકારમાં પૂરી દીધો છે,
જાણે હું મરી ગયો હોઉં તેમ.
4 માટે મારો આત્મા ઘણો મૂંઝાઇ ગયો છે;
અને મારું અંત:કરણ સ્તબ્ધ થઇ ગયું છે.
5 હું ભૂતકાળનાં વર્ષો સ્મરું છું;
તે વખતે તમે મહિમાવંત ચમત્કારો કર્યા હતાં;
તેનું મનન કરું છું.
6 હું મારા હાથ તમારા ભણી પ્રસારું છું;
સૂકી ધરતીની જેમ મારો જીવ તમારા માટે તરસે છે.
7 હે યહોવા, મને જલ્દી જવાબ દો કારણકે હવે
હું નબળો થતો જાઉં છું;
તમે મારાથી મોઢું ફેરવશો તો
હું મૃત્યુ પામીશ.
8 મને પ્રભાતમાં તમારી કૃપા અનુભવવા દો;
કારણકે, હું તમારા પર ભરોસો રાખું છું.
જે માર્ગે મારે ચાલવું જોઇએ તે મને બતાવો, કારણકે,
હું મારું જીવન તમારા હાથોમાં મૂકું છું.
9 મારા શત્રુઓથી તમે મારી રક્ષા કરો;
સંતાવા માટે હું તમારે શરણે આવ્યો છું.
10 મને તમારી ઇચ્છા પ્રમાણે વર્તવાનું શીખવો;
કારણકે તમે મારા દેવ છો;
તમારો ઉત્તમ આત્મા મને સત્યને માર્ગે દોરી જાઓ.
11 હે યહોવા, તમારા નામને માટે મને જીવાડો;
તમારા ન્યાયીપણાથી મને મુશ્કેલીમાંથી બચાવો.
12 મારા પ્રત્યેની કૃપાથી તમે મારા શત્રુઓનો નાશ કરો;
અને મારા આત્માને સતાવનારાઓનો સંહાર કરો;
કારણકે હું તમારો સેવક છું.
કરાની વર્ષા
13 પછી યહોવાએ મૂસાને કહ્યું, “સવારમાં વહેલા ઊઠીને ફારુન પાસે ઊભો રહીને તેને કહેજે કે, હિબ્રૂઓના દેવ યહોવા એમ કહે છે કે, ‘માંરા લોકોને માંરી ઉપાસના કરવા જવા દે. 14 જો તું આમ નહિ કરે તો હું માંરી બધી શક્તિ તારા ઉપર, તારા અમલદારો ઉપર અને તારા લોકો ઉપર વાપરીશ. ત્યારે તને ખબર પડશે કે જગતમાં માંરા જેવો બીજો કોઈ દેવ નથી. 15 કારણ કે અત્યાર સુધીમાં મેં કયારની, તારા ઉપર અને તારી પ્રજા ઉપર રોગચાળો મોકલી, તને સજા કરી હોત તો તું ભૂમિ ઉપરથી નષ્ટ થઈ ગયો હોત. 16 પણ મેં તેને એટલા માંટે જીવતો રાખ્યો છે કે હું તને માંરી તાકાત બતાવી શકું. અને સમગ્ર પૃથ્વી પર માંરું નામ પ્રગટ થાય. 17 શું તું હજુ પણ માંરા લોકોની વિરુદ્ધ છે? તું માંરા લોકો સાથે ઘમંડી વર્તાવ રાખી તેમને જવા દેતો નથી? 18 યાદ રાખજે, આવતી કાલે આ જ સમયે હું એવો તો ભારે કરાનો વરસાદ વરસાવીશ કે મિસરમાં કદી પડ્યો નથી, મિસર દેશ બન્યો ત્યારથી તો નહિ જ. 19 એટલે અત્યારે જ માંણસ મોકલીને તારા ઢોરોને તથા ખેતરમાં જે કાંઈ હોય તે બધાંને સુરક્ષિત જગ્યાએ મંગાવી લેજે. કારણ જે કોઈ માંણસ કે ઢોર ખેતરમાં હશે, એને ઘરમાં રાખવામાં નહિ આવ્યું હોય તો તેના પર કરા વરસશે અને તેઓ મરણ પામશે.’”
20 પછી ફારુનના કેટલાક અમલદારોએ યહોવાના વચન સાંભળ્યાં. તેઓ ગભરાઈ ગયા. તેઓએ વહેલા વહેલા પોતાના ચાકરોને અને ઢોરોને ઘરમાં લાવી દીધાં. 21 પણ જેમણે યહોવાના વચનને ધ્યાનમાં લીધાં નહિ તેમણે પોતાના ગુલામોને અને ઢોરોને ખેતરમાં જ રહેવા દીઘાં.
22 પછી યહોવાએ મૂસાને કહ્યું, “તારા હાથ આકાશ તરફ લંબાવ, જેથી આખા મિસર દેશમાં માંણસો, ઢોરો અને ખેતરના બધા છોડ ઉપર કરા પડે.”
23 પછી મૂસાએ પોતાની લાકડી આકાશ ભણી ઊચી કરી એટલે યહોવાએ વીજળીના કડાકા સાથે જમીન પર કરા વરસાવ્યા અને કરા આખા મિસર દેશ પર પડયા. 24 કરા પડી રહ્યાં હતા અને કરાની સાથે વીજળી ઝબકારા માંરતી હતી. મિસર દેશ રાષ્ટ્ર બન્યો ત્યારથી આજસુધી કદી ન પડયો હોય એવો ભારે કરાનો વરસાદ આખા દેશમાં પડયો. 25 તોફાનને કારણે મિસરના ખેતરોમાં જે કાંઈ હતું તે બધાનો નાશ થઈ ગયો. કરાના કારણે આખા મિસર દેશમાં માંણસો, પશુઓ, તથા જે કાંઈ ખેતરમાં હતુ તે બધુ કરાના માંરથી નાશ પામ્યું. કરાએ ખેતરમાંના એકેએક છોડને તેમ જ એકેએક ઝાડને ભોંયભેગાં કરી દીઘાં. 26 ગોશેન પ્રાંતમાં જ્યાં ઇસ્રાએલીઓ રહેતા હતા ત્યાં જ ફક્ત કરા ન પડયા.
27 પછી ફારુને મૂસા અને હારુનને બોલાવડાવ્યા, અને કહ્યું, “આ વખતે મેં પાપ કર્યુ છે, યહોવા સાચા છે અને હું તથા માંરી પ્રજા ગુનેગાર છીએ. 28 તમે યહોવાને અરજ કરો, કારણ કે આ કરા અને કટકાથી અમે ઘરાઈ ગયા છીએ. હું તમને જવા દઈશ, હવે તમાંરે અહીં રોકાવું નહિ પડે.”
29 મૂસાએ ફારુનને કહ્યું, “જ્યારે હું નગર છોડીશ ત્યારે હું પ્રાર્થના માંટે યહોવાની આગળ માંરા હાથ લંબાવીશ. એટલે વીજળીના કડાકા બંધ થઈ જશે. અને કરા પણ નહિ પડે. આ પરથી તને ખબર પડશે કે આખા જગતનો માંલિક યહોવા છે. 30 પણ મને ખબર છે કે તમે અને તમાંરા અમલદારો હજુ પણ યહોવાથી ગભરાતા નથી અને તેમનું સન્માંન પણ કરતા નથી.”
31 શણ અને જવનો તો ઘાણ વળી ગયો હતો. કારણ કે જવને કંટી આવી હતી અને શણને ફૂલ બેઠાં હતાં. 32 પરંતુ ઘઉ અને કઠોળ મોડાં થાય છે એટલે તે ખૂંદાઈ ગયાં નહિ.
33 મૂસા ફારુનને છોડીને નગર બહાર આવ્યો. અને યહોવા સમક્ષ પોતાના હાથ લંબાવી પ્રાર્થના કરી. એટલે કડાકા અને કરા પડતા બંધ થઈ ગયા.
34 પછી જ્યારે ફારુને જોયું કે વર્ષા, કરા અને કડાકા બંધ થઈ ગયા એટલે ફરીથી તેણે ખોટું કર્યુ. તે અને તેના અમલદારો ફરીથી હઠે ચડયા. 35 ફારુને ઇસ્રાએલના લોકોને સ્વતંત્ર રીતે જવા દેવાની ના પાડી દીધી. યહોવાએ મૂસાને કહ્યું હતું બરાબર તે જ પ્રમાંણે થયું.
માટીની બરણીઓમાં આધ્યાત્મિક ખજાનો
4 દેવે આપણને તેની દયાથી અમને આ કામ સોંપ્યું છે. તેથી અમે તેને છોડી દેતા નથી. 2 પરંતુ અમે રહસ્યમય અને લજજાસ્પદ રીતોથી વિમુખ થયા છીએ. અમે કાવતરાંનો ઉપયોગ કરતા નથી, અને દેવના ઉપદેશમાં કશો ફેરફાર કરતા નથી. ના! અમે ફક્ત સત્યનો જ સ્પષ્ટતાથી ઉપદેશ કરીએ છીએ. અને આ રીતે અમે કોણ છીએ તે લોકોને દર્શાવીએ છીએ અને આ રીતે તેઓના હૃદયમાં તેઓ જાણે કે દેવ સમક્ષ અમે કેવા લોકો છીએ. 3 સુવાર્તા જે અમે પ્રગટ કરીએ છીએ તે કદાચ ગૂઢ હોઈ શકે. પરંતુ જે લોકો ભટકી ગયા છે તેમને માટે જ તે ગૂઢ છે. 4 આ જગત (શેતાન) ના શાસકે જેઓ વિશ્વાસુ નથી તેઓનાં માનસને અંધ કરી દીધાં છે. તેઓ સુવાર્તાના પ્રકાશ (સત્ય) ને જોઈ શકતા નથી; એ સુવાર્તા જે ખ્રિસ્તના મહિમા વિષે છે. ખ્રિસ્ત એ એક છે, જે આબેહૂબ દેવ સમાન છે. 5 અમે અમારા વિષે ઉપદેશ નથી આપતા. પરંતુ અમે ઉપદેશ આપીએ છીએ કે ઈસુ ખ્રિસ્ત તે પ્રભુ છે; અને અમે ઉપદેશ આપીએ છીએ કે ખ્રિસ્ત થકી અમે તમારા સેવકો છીએ. 6 દેવે એકવાર કહ્યું હતું, “અંધકારમાં જ્યોતિ પ્રગટશે!” અને આ એ જ દેવ છે જેનો પ્રકાશ આપણા હૃદયમાં ચમકે છે. ઈસુ ખ્રિસ્તના મોં પર દેવનો જે મહિમા છે તે વિષેના જ્ઞાનનું આપણને પ્રદાન કરીને દેવે આપણને આ જ્યોતિનું અનુદાન કર્યુ છે.
7 આ ખજાનો અમને દેવ તરફથી મળ્યો છે. પરંતુ અમે તો માત્ર માટીનાં પાત્રો જેવા છીએ જે આ ખજાનાને ગ્રહણ કરે છે. આ બતાવે છે કે આ પરાક્રમની અધિકતા દેવ અર્પિત છે, અમારી નથી. 8 અમે ચારેબાજુ મુશ્કેલીઓથી ઘેરાયેલા છીએ. પરંતુ અમે હાર્યા નથી. ધણીવાર શું કરવું તે અમે જાણતા નથી. પરંતુ અમે હતાશ થતા નથી. 9 ધણીવાર અમે પીડિત થયા છીએ, પરંતુ દેવે અમારો ત્યાગ નથી કર્યો. ધણીવાર અમે ધવાયા છીએ પરંતુ અમારો સર્વનાશ નથી થયો. 10 અમારા શરીરમાં ઈસુનું મરણ છે. અમે આ મરણ સદા ઊંચકીને ફરીએ છીએ કે જેથી ઈસુનું જીવન પણ અમારા શરીરમાં પ્રતિબિંબિત થાય. 11 અમે જીવિત છીએ, પરંતુ ઈસુ માટે હંમેશા અમે મરણનો સામને કરીએ છીએ. અમારી સાથે આમ થયું કે જેથી અમારા ક્ષણભંગુર શરીરમાં ઈસુનું જીવન પ્રતિબિંબિત થાય. 12 મરણ અમારામાં કાર્યશીલ છે. પરંતુ જીવન તમારામાં કાર્યશીલ છે.
ઈસુ ફરીથી તેના મૃત્યુ વિષે કહે છે
(માથ. 20:17-19; લૂ. 18:31-34)
32 ઈસુ અને તેની સાથેના લોકો યરૂશાલેમ જતા હતા. ઈસુ લોકોને દોરતો હતો. ઈસુના શિષ્યો આશ્ચર્યચકિત થઈ ગયા. પણ પેલા લોકો જે તેની પાછળ આવતા હતા તેઓ બીતાં હતા. ઈસુએ ફરીથી બાર પ્રેરિતોને ભેગા કર્યા. અને તેઓની સાથે એકલા વાત કરી. ઈસુએ યરૂશાલેમમાં શું થશે તે તેઓને કહ્યું. 33 ઈસુએ કહ્યું, “આપણે યરૂશાલેમ તરફ જઈએ છીએ. માણસના દિકરાને મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓના હાથમાં સોંપવામાં આવશે. યાજકો અને શાસ્ત્રીઓ કહેશે કે માણસના દિકરાએ મરવું જોઈએ. તેઓ બિનયહૂદિ લોકોને માણસનો દિકરા સોંપશે. 34 તે લોકો તેની મશ્કરી કરશે અને તેના પર થૂંકશે, તેઓ તેને ચાબૂકથી મારશે અને તેને મારી નાખશે. પરંતુ તેના મૃત્યુ પછી ત્રીજા દિવસે તે પાછો ઊઠશે.”
યાકૂબ અને યોહાનની માગણી
(માથ. 20:20-28)
35 પછી ઝબદીનો દીકરો યાકૂબ તથા યોહાન ઈસુની પાસે આવે છે. તેઓએ કહ્યું, “ઉપદેશક, અમે તને અમારા માટે કશુંક કરવાનું કહેવાની ઈચ્છા રાખીએ છીએ.”
36 ઈસુએ પૂછયું, “તમે મારી પાસે શું કરાવવા ઈચ્છો છો?”
37 પુત્રોએ ઉત્તર આપ્યો, “તું તારા મહિમામાં અમારામાંના એકને તારી જમણી બાજુ બેસવા દે અને એકને તારી ડાબી બાજુ બેસવા દે.”
38 ઈસુએ કહ્યું, “તમે જે માગો છો તે તમે સમજી શકતા નથી. મારે જે પીડા સહન કરવાની છે તેવી તમે સ્વીકારી શકશો? અને જે બાપ્તિસ્મા હું લઉં છું તે બાપ્તિસ્મા તમે લઈ શકશો?”
39 પુત્રોએ ઉત્તર આપ્યો, “હા અમે કરી શકીશું.”
ઈસુએ પુત્રોને કહ્યું, “હું જે સહન કરીશ તે રીતે તમારે સહન કરવું પડશે. હું જે રીતે બાપ્તિસ્મા પામીશ તેવી જ રીતે તમારું બાપ્તિસ્મા થશે. 40 પણ મારી જમણી કે ડાબી બાજુમાં બેસવાનો અધિકાર આપનાર વ્યક્તિ હું નથી. ત્યાં કેટલાએક લોકો છે તેઓને પેલી જગ્યાઓ મળશે. પેલી જગ્યાઓ તેમના માટે તૈયાર કરવામાં આવી છે.”
41 બીજા દસ શિષ્યોએ આ સાંભળ્યું. તેઓ યાકૂબ અને યોહાન પર ગુસ્સે થયા. 42 ઈસુએ બધા શિષ્યોને સાથે બોલાવ્યા. ઈસુએ કહ્યું, “બિનયહૂદિ લોકો પાસે માણસો છે તેઓ શાસકો કહેવાય છે. તું જાણે છે કે પેલા શાસકો લોકો પર તેમનું ધણીપણું બતાવવા ઈચ્છે છે અને તેમના આગેવાનો લોકો પર તેઓની બધી સત્તાનો ઉપયોગ કરવા ઈચ્છે છે. 43 પણ તમારી સાથે તે રીતે ન થવું જોઈએ. તમારામાંથી કોઈ મહાન થવા ઈચ્છતું હોય તો પછી તેણે સેવકની જેમ તમારી સેવા કરવી જોઈએ. 44 જો તમારામાંથી કોઈ એક સૌથી વધારે મહત્વનો થવા ઈચ્છે તો પછી તેણે તમારા બધાની એક દાસની જેમ સેવા કરવી. 45 તે જ રીતે, માણસનો પુત્ર બીજા લોકો પાસે તેની સેવા કરાવવા આવ્યો નથી. પરંતુ માણસનો પુત્ર બીજા લોકોની સેવા કરવા માટે આવ્યો છે. માણસનો પુત્ર ઘણા લોકોને બચાવવા તેનું જીવન સમર્પિત કરવા આવ્યો છે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International