Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 55

નિર્દેશક માટે. સંગીતનાં વાજીંત્રો સાથે ગાવા માટેનું દાઉદનું માસ્કીલ.

હે દેવ, મારી પ્રાર્થનાને સાંભળો;
    મારી દયા માટેની પ્રાર્થનાની અવગણના કરશો નહિ.
હે યહોવા, મને ધ્યાનથી સાંભળો; ને મને ઉત્તર આપો;
    હું શોકને કારણે અશાંત છું; અને વિલાપ કરું છું.
દુશ્મનો મારી સામે બૂમો પાડી રહ્યાં છે.
    તેઓએ મને ધમકી આપી ગુસ્સામાં અને ધિક્કારથી મારા પર હુમલો કર્યો.
    તેઓ મારા ઉપર તકલીફો લાવ્યા.
મારા હૃદયમાં ઘણી વેદના થાય છે,
    અને મૃત્યુની ધાકે મારા પર કબજો જમાવ્યો છે.
મારું શરીર ભયથી ધ્રુજે છે,
    હું ભયથી ઘેરાઇ ગયો છું.
મને કબૂતરની જેમ પાંખ હોત, તો કેવું સારું!
    કે હું દૂર ઊડી શકત અને વિશ્રામ કરત.
    હું રણમાં દૂર સુધી ઊડી જાત અને ત્યાં મુકામ કરત.

વિનાશકારી પવનનાં તોફાનથી
    હું ઉતાવળે નાસીને આશ્રયસ્થાને પહોંચત.
હે યહોવા, આ દુષ્ટજનોમાં અંદરો અંદર ગેરસમજ ઊભી કરો,
    મેં એકબીજાની વિરુદ્ધ નગરમાં હિંસક ઝગડા જોયાં છે.
10 આખા શહેરમાં રાત-દિવસ હિંસા અને ઉપાધિ છે,
    શહેરમાં ક્રૂરતા અને દુષ્ટતા પ્રવર્તી રહી છે.
11 નગરમાં કેવાં વિનાશકારી પરિબળો સક્રિય છે!
    જ્યાં જુઓ ત્યાં રસ્તામાં છેતરપિંડી તથા જુલમ છે.

12 મને મહેણાં મારનાર કે નિંદા કરનાર, મારા શત્રુ ન હતા;
    એ તો મારાથી સહન કરી શકાત;
મારી વિરુદ્ધ ઊઠનાર મારો વેરી ન હતો,
    નહિ તો હું સંતાઇને નાસી છૂટયો હોત.
13 પણ તે તો તમો છે મારા જેવા માણસ,
    મારા મિત્ર ને મારા સાથીદાર છો.
14 આપણે એકબીજાની સાથે સુખે વાતો કરતાં હતાં.
    અને જનસમુદાય સાથે દેવના મંદિરમાં જતા હતા.

15 એકાએક તેમના પર મોત આવો,
    તેઓ જીવતા જ શેઓલમાં ઉતરી પડો, કારણ, તેઓનાં ઘરોમાં પાપ થાય છે,
    તેઓનાં અંતરનાં ઊંડાણોમાં દુષ્ટતા છે.

16 હું તો દેવને પોકાર કરીશ,
    તેથી યહોવા મારું તારણ કરશે.
17 પણ હું, મારા દુ:ખમાં; સવારે બપોરે ને રાત્રે દેવને સાદ કરીશ;
    અને તે મારી પ્રાર્થના સાંભળશે.
18 હું ઘણા યુદ્ધોમાં લડ્યોં છું;
    પરંતુ દેવે હંમેશા મને બચાવ્યો છે અને મને સુરક્ષિત રીતે પાછો લાવ્યો છે.
19 દેવ અનાદિકાળથી ન્યાયાસન પર બિરાજમાન છે,
    તે તેઓને તેઓના શબ્દો સાંભળીને નમાવશે,
તેઓ યહોવાનો ભય રાખતાં નથી ને પોતાના માર્ગ
    પણ બદલતાં નથી.
20 તેઓએ તેમનાં મિત્રો પર હુમલો કર્યો છે,
    તેઓએ તેમની સાથે કરેલા કરારનો ભંગ કર્યો છે.
21 તેના શબ્દો છે માખણ જેવાં સુંવાળા,
    પણ તેનું હૃદય યુદ્ધનાં વિચારોથી ભરેલુ છે.
શબ્દો તેલ કરતાય વધુ નરમ છે,
    પણ તે શબ્દો છરીની જેમ કાપે છે.

22 તમારી ચિંતાઓ યહોવાને સોંપી દો,
    અને તે તમને નિભાવી રાખશે,
    તેઓ ક્યારેય સદાચારી લોકોને પરાજીત થવા દેતા નથી.

23 હે દેવ, તમે મારા શત્રુઓને વિનાશની ખાઇમાં ધકેલી દો છો.
    ખૂની-કપટી પોતાનું અડધું આયુષ્ય પણ નથી ભોગવી શકતાં.
પરંતુ મારા રક્ષણ માટે તો હું તમારા પર ભરોસો રાખીશ.

ગીતશાસ્ત્ર 138:1-139:23

દાઉદને સમર્પિત એક ગીત.

હે યહોવા, હું મારા ખરા હૃદયથી તમારી આભારસ્તુતિ ગાઇશ;
    હું તમારા સ્તુતિગાન દેવોની સમક્ષ ગાઇશ.
તમારી વફાદારી અને સાચા પ્રેમ માટે,
    હું તમારા પવિત્ર મંદિર તરફ ફરીને ભજન કરીશ,
હું તમારો આભાર માનીશ
    અને સ્તુતિ ગાઇશ કારણ કે તમારા શબ્દોએ તમારા નામને બધી વસ્તુઓ કરતાં ઉચ્ચપદે મૂક્યું છે.
મેં પ્રાર્થના કરી તે જ દિવસે તમે મને ઉત્તર આપ્યો;
    અને આત્મબળ આપી મને બળવાન કર્યો.

હે યહોવા, પૃથ્વીનાં સર્વ રાજાઓએ તમારા મુખનાં વચન સાંભળ્યાં છે;
    તેથી તેઓ તમારી સ્તુતિ કરશે.
તેઓ યહોવાના માર્ગોર્ વિષે ગીત ગાશે,
    કારણકે યહોવાનો મહિમા મહાન છે!
જો કે યહોવા સવોર્ચ્ચ સ્થાને બિરાજે છે.
    તે નિર્ધન અને રાંક લોકોની કાળજી લે છે.
પણ ગવિર્ષ્ઠ માણસોને તો
    તે દૂરથી જ ઓળખે છે.
ભલે સંકટો મારા પર આવી પડે, તો પણ તમે મને સુરક્ષિત પાર ઉતારજો;
    મારા શત્રુઓના ક્રોધની સામે તું તારો હાથ લાંબો કરજે, તમારા પરાક્રમથી તમે મને બચાવજો.
યહોવા મારા જીવનને માટે તેમની યોજનાઓ સાકાર કરશે.
    હે યહોવા, તમારી કૃપા, સદાકાળ વહેતી રહે છે;
    મને તરછોડશો નહિ; કારણ તમે જ મારા ઉત્પન્નકર્તા છો.

નિર્દેશક માટે. દાઉદનું ગીત.

હે યહોવા, તમે મારા હૃદયની પરીક્ષા કરી છે;
    અને તમે મારા વિષે બધું જાણો છો.
મારું બેસવું તથા ઊઠવું તમે જાણો છો;
    મારા વિચારો પણ તમે વેગળેથી સમજો છો.
તમે જાણો છો હું ક્યાં જઇ રહ્યો છું અને હું ક્યારે સુઇ જાઉ છું.
    હું જે બધું કરું છું તે તમે જાણો છો.
હું બોલું તે અગાઉ તમે જાણો છો,
    કે હું શું કહેવા ઇચ્છુ છું.
તમે મને આગળને પાછળ ઘેરી લીધો છે;
    અને તમે તમારા હાથે મને ઝાલી રાખ્યો છે.
આવું જ્ઞાન મને તો અતિ ભવ્ય અને અદૃભૂત છે;
    તે અતિ ઉચ્ચ છે, હું તેને કળી શકતો નથી.
તમારા આત્મા પાસેથી હું ક્યાં જાઉં?
    તમારી હાજરી માંથી હું ક્યાઁ નાસી જાઉ?
જો હું આકાશમાં જાઉં તો તમે ત્યાં છો;
    જો હું શેઓલમાં જાઉં તો પણ તમે ત્યાં જ છો.
જો હું પરોઢિયાની પાંખો પર
    સમુદ્રોને પેલે પાર ઘણે દૂર જાઉં
10 તો ત્યાં પણ મને તમારો હાથ દોરશે;
    તમારું સાર્મથ્ય મને સહાય કરશે.

11 જો હું અંધકારમાં સમાઇ જવાનો પ્રયત્ન કરું
    તો રાત મારી આસપાસ પ્રકાશરૂપ થશે.
12 અંધકાર પણ મને સંતાડી શકતો નથી યહોવાથી;
    તમારી આગળ રાત પણ દિવસની જેમ પ્રકાશે છે;
    અંધકાર અને પ્રકાશ બંને છે તમારી દ્રષ્ટિમાં સમાન.
13 મારું અંત:કરણ તમે ઘડ્યુઁ છે,
    અને મારી માતાના ઉદરમાં મારી રચના તમે કરી છે.
14 ભય તથા નવાઇ પમાડે તે રીતે મારી રચના થઇ;
    માટે હું તમારી આભાર સ્તુતિ ગાઇશ;
    હું સારી રીતે જાણું છું કે તમારાં કાર્યો ખરેખર અદૃભૂત છે!

15 જ્યારે મારી માતાનાં ગર્ભાશયમાં સંતાઇને[a] મારી રચના થતી હતી
    ત્યારે પણ તમે મારાં હાડકાને બનતા નિહાળ્યાં હતા
    અને જ્યારે મારું શરીર આકાર લેતું હતું.
16 તમારી આંખોએ મારું બીજાંકુર તે સમયે જોયુ હતુ
    જ્યારે મારા શરીરના એકેય અવયવે આકાર લીધો ન હતો.
પછી તમે મારા શરીરના અંગોને વધતા જોયા,
    તમે તેને તમારા પુસ્તકમાં દરરોજ એ જેમ જેમ આકાર લેતા ગયા તેમ નોંધ્યા.
    અને તેમાનાં એકેય ગુમ થયેલ નથી!
17 હે દેવ, તારા વિચારો મારા માટે કેટલાં કિંમતી છે!
    દેવ તમે ઘણું બધું જાણો છો!
18 જો હું તમારા વિચારોને ગણવાનો પ્રયત્ન કરું તો તેઓ રેતીના કણ કરતાંય વધારે થાય,
    અને જ્યારે હું તેમને ગણવાનું પૂરું કરીશ તો હજી પણ હું તારી સાથે હોઇશ!

19 હે યહોવા, તમે દુષ્ટોનો ખચીત સંહાર કરો;
    અને લોહી તરસ્યા ખૂનીઓ મારાથી દૂર થાઓ.
20 તેઓ તમારા નામની નિંદા બહુ કરે છે;
    અને તમારી વિરુદ્ધ મગરુરીથી ઊભા રહે છે;
    તેઓ કેટલા મૂર્ખ છે!
21 હે યહોવા, તમારો દ્વેષ કરનારાઓનો શું હું દ્વેષ ન કરું?
    જેઓ તમારી સામે ઊઠે છે; શું હું તેઓનો ધિક્કાર ન કરું?
22 હું તેઓને સંપૂર્ણ રીતે ધિક્કારું છું;
    હું તમારા શત્રુઓને મારા શત્રુઓ ગણું છું.
23 હે યહોવા, મારી પરીક્ષા કર; અને મારું અંત:કરણ ઓળખ;
    મારી કસોટી કર અને મારા વિચારોને પકડ.

ઉત્પત્તિ 41:1-13

ફારુનનાં સ્વપ્ન

41 બે વર્ષ પૂરા થયા પછી ફારુનને સ્વપ્ન આવ્યું, જોયું તો પોતે નાઈલ નદીની પાસે ઊભો છે. પછી ફારુને સાત સુંદર તંદુરસ્ત પુષ્ટ ગાયોને નદીમાંથી બહાર નીકળીને બરુમાં ચરતી જોઇ. ત્યારબાદ બીજી સાત કદરૂપી અને સુકાઈ ગયેલી ગાયો તેઓની પછવાડે નદીમાંથી બહાર આવી અને કિનારે પેલી બીજી ગાયો સાથે ઊભી રહી. પછી તે સાત કદરૂપી સૂકાઈ ગયેલી ગાયો સુંદર તથા પુષ્ટ ગાયોને ખાઈ ગઈ. એટલામાં ફારુનની આંખો ઉઘડી ગઈ. તે જાગી ઊઠયો.

ફરી પાછો તે ઊંધી ગયો, ને એણે બીજું સ્વપ્ન જોયું. તેણે એક જ સાંઠા પર ભરેલાં અને સારાં દાણાવાળા સાત ડૂંડાં જોયા. અને પછી તેઓની પછવાડે સાત પાતળા અને લૂથી બળી ગયેલા ડૂંડા ફૂટી નીકળ્યા. પછી એ પાતળાં ડૂડાં પેલાં સાત ભરેલાં અને સારાં ડૂંડાને ગળી ગયાં. ત્યાં તો ફારુન જાગી ગયો. અને જાણ્યું કે, આ તો સ્વપ્ન હતું. સવારે તે આ સ્વપ્નો વિષે ચિંતીત હતો. તેણે મિસરના બધા જયોતિષીઓને તથા શાણા પુરુષોને નિમંત્રણ મોકલ્યા. જ્યારે તેઓ આવ્યા, ફારુને તેમને પોતાના સ્વપ્નો કહ્યાં; પરંતુ તેઓમાંથી કોઈ પણ તેનો અર્થ કહી શકયો નહિ.

પાત્રવાહકે ફારુનને યૂસફના વિષે કહ્યું

ત્યારે મુખ્ય પાત્રવાહકએ ફારુનને કહ્યું, “આજે મને માંરો ગુનો યાદ આવે છે. 10 જ્યારે ફારુને તેના સેવકો પર ક્રોધે ભરાઈ મને તથા મુખ્ય ભઠિયારાને તેણે કારાગૃહમાં નાખ્યા, કે, જે અંગરક્ષકોના ઉપરી ચલાવતા હતા. 11 ત્યારે એકજ રાત્રે અમને બંનેને જુંદું જુંદું સ્વપ્ન આવ્યું હતું. અને દરેકને આવેલ સ્વપ્નનો અર્થ જુદો હતો. 12 અંગરક્ષકોના ઉપરી અમલદારનો સેવક એક જુવાન હિબ્રૂ પણ ત્યાં અમાંરી સાથે હતો; અમે તેને અમાંરાં સ્વપ્નો કહ્યાં એટલે તેણે તે સ્વપ્નોનો અર્થ સમજાવ્યો અને અમને દરેકને પોતપોતાનાં સ્વપ્નનો અર્થ કહી બતાવ્યો. 13 તેણે અમને જે અર્થ કહ્યો હતો તે પ્રમાંણે જ બન્યું; મને માંરી પદવી પર પાછો મૂકયો અને ભઠિયારાને ફાંસીની સજા થઇ.”

1 કરિંથીઓ 4:1-7

ખ્રિસ્તના પ્રેરિતો

લોકોએ અમારા વિષે આમ માનવું જોઈએ: અમે તો ઈસુ ખ્રિસ્તના સેવકો છીએ. અમે એવા લોકો છીએ કે જેને મર્મોના કારભારીઓ ગણવા. જો કોઈ વ્યક્તિનો કશાક માટે વિશ્વાસ કરવામાં આવે તો તેણે દર્શાવવું જોઈએ કે તે વ્યક્તિ તે વસ્તુનો વિશ્વાસ કરવા લાયક છે. મારો તમે ન્યાય કરો તેની મને પરવા નથી. અને કોઈ માનવ અદાલત દ્વારા મારો ન્યાય થાય તેની પણ મને પરવા નથી. હું તો મારા પોતાનો પણ ન્યાય કરતો નથી. મેં કોઈ પણ ખરાબ કૃત્યો કર્યા હોય તેવી મને જાણકારી નથી. પરંતુ તેનાથી હું નિર્દોષ સાબિત થતો નથી. પ્રભુ જ એક એવો છે જે મારો ન્યાય કરી શકે છે. તેથી યોગ્ય સમય પહેલાં ન્યાય ન કરો, પ્રભુ આવે ત્યાં સુધી રાહ જુઓ. તે જે વસ્તુઓ અંધકારમાં છુપાઈ છે તેના પર પ્રકાશ પાડશે તે લોકોના હૃદયના ગુપ્ત ઈરાદાઓને જાહેર કરી દેશે. પછી દેવ દરેક વ્યક્તિને તેને મળવી જોઈએ તેટલી પ્રશંસા આપશે.

ભાઈઓ અને બહેનો, આ બાબતો અંગે મેં અપોલોસ અને મારો પોતાનો જ ઉદાહરણ તરીકે ઉપયોગ કર્યો છે. મેં આમ કર્યુ જેથી કરીને તમે અમારામાંથી શબ્દના અર્થ પામી શકો, “ફક્ત જે શાસ્ત્રલેખમાં લખ્યું છે તેનો જ અમલ કરો.” પછી તમે કોઈ એક વ્યક્તિ માટે ગૌરવ નહિ અનુભવો કે બીજી વ્યક્તિને તિરસ્કાકશો નહિ. કોણ કહે છે કે તમે બીજા લોકો કરતાં વધુ સારા છો? તમારી પાસે જે કાંઈ છે તે તમને આપવામાં આવ્યું હતું, તો પછી તમે તે વસ્તુઓ તમારી પોતાની તાકાતના જોરે મેળવી હોય તેવી બડાશ કેમ મારો છો?

માર્ક 2:23-3:6

કેટલાક યહૂદિઓ ઈસુની ટીકા કરે છે

(માથ. 12:1-8; લૂ. 6:1-5)

23 વિશ્રામવારના દિવસે, ઈસુ કેટલાક આનાજના ખેતરોમાંથી પસાર થતો હતો. ઈસુના શિષ્યો તેની સાથે ચાલતાં હતા. શિષ્યો કેટલાંક કણસલાં તોડી ખાવા લાગ્યા. 24 ફરોશીઓએ આ જોયું અને ઈસુને કહ્યું, “તારા શિષ્યો તેમ શા માટે કરે છે? વિશ્રામવારના દિવસે તેમ કરવું તે યહૂદીઓના નિયમની વિરૂદ્ધ છે.”

25 ઈસુએ જવાબ આપ્યો, “જ્યારે દાઉદ અને તેની સાથેના લોકો ભૂખ્યા હતા અને તેઓને ભોજનની જરુંર હતી ત્યારે તેઓએ શું કર્યુ હતું તે તમે વાંચ્યું છે? 26 તે સમય દરમ્યાન મુખ્ય યાજક અબ્યાથાર હતો. દાઉદ દેવના ઘરમાં ગયો અને દેવને અર્પણ કરેલી રોટલી ખાધી. અને મૂસાનો નિયમ કહ છે, ફક્ત યાજકો જ તે રોટલી ખાઇ શકે. દાઉદે તેની સાથેના પેલા લોકોને પણ રોટલીનો થોડો ભાગ આપ્યો.”

27 પછી ઈસુએ ફરોશીઓને કહ્યું, “વિશ્રામવાર લોકોને મદદ કરવા બનાવાયો છે. વિશ્રામવારના શાસન માટે લોકોને બનાવવામાં આવ્યા નથી. 28 તેથી માણસનો પુત્ર એ દરેક દિવસનો, વિશ્રામવારનો પણ પ્રભુ છે.”

ઈસુ માણસના સુકાયેલા હાથને સાજો કરે છે

(માથ. 12:9-14; લૂ. 6:6-11)

બીજા એક સમયે ઈસુ સભાસ્થાનમાં ગયો. ત્યાં સભાસ્થાનમાં એક સુકાયેલા હાથવાળો માણસ હતો. કેટલાક યહૂદિઓ ઈસુને કઈક ખોટું કરતાં જોવા ઈચ્છતા હતા, જેથી તેઓ તેના પર તહોમત મૂકી શકે. તેથી તે લોકો તેમની નજીકથી ચોકી કરતા હતા. ઈસુ વિશ્રામવારના દિવસે તે માણસને સાજો કરે છે કે નહિ તે તેઓ જોતા હતા. ઈસુએ તે સુકાયેલા હાથવાળા માણસને કહ્યું, “અહીં ઊભો થા જેથી બધા લોકો તને જોઈ શકે.”

પછી ઈસુએ લોકોને પૂછયું, “વિશ્રામવારના દિવસે કઈ વસ્તુ કરવી ઉચિત છે; સારું કરવું કે ખરાબ કરવું? જીવ બચાવવો કે નાશ કરવો, શું ઉચિત છે?” લોકોએ ઈસુને જવાબ આપવા કશું કહ્યું નહિ.

ઈસુએ લોકો તરફ જોયું. તે ગુસ્સામાં હતો પણ તેને ઘણું દુ:ખ થયું. કારણ કે તેઓ કઠણ હૃદયના હતા. ઈસુએ તે માણસને કહ્યું, “મને તારો હાથ જોવા દે.” તે માણસે તેનો હાથ ઈસુ આગળ લંબાવ્યો. અને તે સાજો થઈ ગયો. પછી ફરોશીઓ વિદાય થયા અને ઈસુને શી રીતે મારી નાખવો તે વિષે હેરોદીઓ સાથે યોજનાઓ કરી.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International