Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 50

આસાફનું ગીત.

યહોવા, દેવોના દેવ બોલ્યા છે,
    તે સમગ્ર માનવ જાતને પૂર્વથી પશ્ચિમ સુધી બોલાવે છે.
સિયોનમાંથી દેવ સવોર્ચ્ચ સુંદરતા સાથે પ્રકાશે છે.
આપણા દેવ આવે છે, તેઓ મૌન રહેશે નહિ,
    ભસ્મ કરનાર અગ્નિ આગળ આવે છે,
    તેમની આસપાસ મહાતોફાન જાગશે.
તેઓ અહીં પોતાના લોકોનો ન્યાય કરવા આવ્યાં છે.
    જ્યારે તેઓ પોતાના લોકોનો ન્યાય કરશે ત્યારે તેઓ પૃથ્વી અને આકાશને સાક્ષી તરીકે બોલાવશે.
જેઓએ યજ્ઞથી મારી સાથે કરાર કર્યા છે,
    એવાં ભકતોને મારી પાસે ભેગા કરો.
દેવ પોતે જ ન્યાયાધીશ છે.
    તેમનું ન્યાયીપણું આકાશો પ્રગટ કરશે.

“હે મારા લોકો, હું કહું તે સાંભળો,
    હે ઇસ્રાએલ, હું તારી વિરુદ્ધ સાક્ષી પૂરીશ;
    કારણકે હું દેવ છું, હા, હું તારો દેવ છું.
મારી વેદી પર તમે જે યજ્ઞો કરો છો, મારી સામે જે નિરંતર દહનાર્પણો થાય છે.
    તે માટે, હું તને ઠપકો દઇશ નહિ.
હું તમારા ઢોરવાડામાંથી બળદો નહિ લઉં કે
    તમારા નેસડામાંથી બકરાં નહિ લઉં.
10 કારણકે અરણ્યનાં પ્રત્યેક પશુ
    અને હજારો ડુંગરો પરનાં પ્રાણી મારાં છે.
11 હું પર્વતો પરના સર્વ પક્ષીઓને ઓળખું છું,
    અને જઁગલનાં સર્વ હિંસક પ્રાણીઓ પણ મારા જ છે.
12 જો હું ભૂખ્યો હોઇશ, તોય તમને કહીશ નહિ,
    કારણ સમગ્ર સૃષ્ટિનું સર્વ મારું જ છે.
13 શું હું બળદોનું માંસ ખાંઉ, અથવા બકરાઓનું રકતપાન કરું?”

14 તેથી દેવ માટેના આભાર સ્તુતિનાં અર્પણો લઇ આવો
    અને પરાત્પર તમે આપેલા વચનો પરિપૂર્ણ કરો.
15 “મારામાં વિશ્વાસ રાખીને સંકટ સમયે મને પ્રાર્થના કરો,
    હું તમારી રક્ષા કરીશ અને પછી તમે મારો મહિમા કરી શકશો.”

16 પણ દુષ્ટ લોકોને દેવ કહે છ કે,
    “શા માટે તમે મારા વિધિઓ વિષે બોલો છો?
    શા માટે તમારે મારા કરાર વિષે વાત કરવી જોઇએ?
17 મારા શિખામણનો તેઁ તિરસ્કાર કર્યો છે
    અને મારી શિસ્તની તેં અવગણના કરી છે.
18 જો તમે એક ચોરને જુઓ છો, તો તમે તેની સાથે જોડાવા દોડો છો,
    અને તમે વ્યભિચારીઓ સાથે વ્યભિચારમાં જોડાઓ છો.
19 તારું મુખ શાપ આપે છે, અને તારી વાણી અસત્ય વદે છે.
    અને તારી જીભનો ઉપયોગ તું કપટની ચાલમાં કરે છે.
20 તું તારા પોતાનાં ભાઇની નિંદા કરે છે,
    તું તારી માતાના પુત્રની બદનામી કરે છે.
21 તમે આ ખરાબ કામો કર્યા છે છતાં મેં કાઇં કહ્યું નહિ.
    તેથી તમે વિચાર્યુ કે હું હતો તમારા જેવો,
પણ હવે આવ્યો છે સમય,
    મારા માટે તમારી સામે આ આરોપો મૂકવાનો અને તમારા મોઢાં પર ઠપકો આપવાનો!
22 તમે કે જે દેવને ભૂલી ગયા છો,
    તમારા ટુકડા કરૂં તે પહેલા
તમારે આ સમજવાનુ છે કે
    તમને બચાવવાવાળું કોઇ નહિ હોય.
23 જે વ્યકિત આભારસ્તુતિનાં અર્પણો અર્પણ કરે છે તે મને માન આપે છે.
    જે ન્યાયને માર્ગે ચાલે છે તે વ્યકિતનું રક્ષણ કરવાં હું મારું તારણ બતાવીશ.”

ગીતશાસ્ત્ર 59-60

નિર્દેશક માટે. રાગ: “વિનાશ કરતો નહિ” દાઉદનું મિખ્તામ-શાઉલે તેને મારવા માટે ઘરની ચોકી કરવા માણસો મોકલ્યા તે વખતે લખાયેલું ગીત.

હે મારા દેવ, મારા શત્રુઓથી મારી રક્ષા કરો;
    અને મારી વિરુદ્ધ જેઓ ઊઠે છે, તેઓથી તમે મને ઉગારો.
દુષ્ટતા કરનારાઓથી તમે મને બચાવો;
    અને ખૂની માણસોથી તમે મને બચાવો.
ઘાતકી માણસો છુપાઇ રહીને મારો જીવ લેવા કેવા રાહ જોઇ રહ્યાં છે!
    હે યહોવા, મેં કોઇ પાપ કર્યુ છે કે કોઇ અપરાધ કર્યો છે,
    કે જેથી વિપત્તિ મારા ઉપર આવી છે, એવું નથી.
જો કે મારો દોષ ન હોવા છતાં તેઓ અહીં ધસી આવ્યા છે
અને મારા ઉપર હુમલો કરવાની તૈયારી કરે છે.
    હે યહોવા, જાગૃત થાઓ, આ બધું જુઓ, અને મને સહાય કરો.
હે યહોવા, સૈન્યોના દેવ; ઇસ્રાએલના દેવ, જાગૃત થાઓ;
    આ વિદેશી પ્રજાઓને શિક્ષા કરો;
    તમે કપટ કરનાર દુષ્ટ અપરાધીઓ પર જરાય દયા રાખશો નહિ.

તેઓ સંધ્યાકાળે પાછા આવે છે,
    અને તેઓ કૂતરાની જેમ ઘૂરકે છે;
    નગરની આસપાસ ફેરા ખાય છે.
તેઓ અપમાનો અને ધમકીઓ ઉચ્ચારે છે.
    તેઓના હોઠોમાંથી તરવારની જેમ શબ્દો નીકળે છે.
    તેઓને કોણ સાંભળે છે તેની ચિંતા નથી.

હે યહોવા, તમે તેઓને હસી કાઢો;
    અને વિદેશી પ્રજાની હાંસી ઉડાવો.
હે દેવ, મારા સાર્મથ્ય! હું તમારી વાટ જોઇશ;
    તમે મારી સુરક્ષાનો ઊંચો મજબૂત ગઢ છો.
10 યહોવા મારો કૃપાળુ દેવ મને મદદ કરવા આગળ આવશે.
    તે મને શત્રુઓનો પરાજય જોવા દેશે.
11 દેવ, હમણાં તેઓનો સંહાર ન કરશો,
    કે મારા માણસો ભૂલી જાય. હે યહોવા, અમારી ઢાલ, વિખેરી નાખો અને તેમને તમારા સાર્મથ્યથી હરાવો.
12 તેઓ બધા પોતાના મુખનાં શબ્દોથી શાપ આપી પાપ કરે છે,
    તેઓના જ હોઠે અસત્ય બોલે છે,
    પોતાના જ અભિમાનમાં તેઓને ફસાઇ જવા દો.
13 તમે તમારા ક્રોધમાંજ તેઓનો સંહાર કરો;
    જેથી સંપૂર્ણ વિનાશ થાય;
પછી સર્વ લોકો જાણશે કે ઇસ્રાએલમાં દેવ રાજ કરે છે,
    અને તેમનો જ અધિકાર સમગ્ર પૃથ્વી પર છે.

14 સંધ્યાકાળે દુષ્ટો પાછા આવી કૂતરાની જેમ ધૂરકે છે,
    અને તેઓ ચોરી છૂપીથી નગરમાં ફરે છે.
15 તેઓ ખાવા સારું ખોરાક માટે રખડે છે,
    તેઓને સંતોષ ન થાય ત્યારે ઘૂરકે છે.
16 પણ હું તો તમારા સાર્મથ્યનું ગીત ગાઇશ,
    સવારમાં હું તમારી કૃપા વિષે ગાઇશ,
કારણ તમે મારા મજબૂત ગઢ છો;
    અને સંકટના સમયે સુરક્ષિત સ્થળ છો.
17 હે મારા સાર્મથ્ય, હું તમારા સ્તોત્રો ગાઉં છું;
    કારણ તમે મારા મજબૂત ગઢ છો,
    દેવ, તમે મને પ્રેમ કરનારા છો.

નિર્દેશક માટે. રાગ: “કરાર નું કમળ” શિખામણ માટે દાઉદનું મિખ્તામ, તે અરામ-નાહરાઇમ તથા અરામ-સોબાહ સાથે લડ્યો, ને યોઆબે પાછા ફરીને ખારના નીચાણમાં અદોમમાંના 12,000 સૈનિકો માર્યા તે સમયે લખાયેલું ગીત.

હે દેવ, તમે અમને તજી દીધા છે.અમારું કવચ તૂટી ગયું છે.
    હે યહોવા, તમે અમારા પર કોપાયમાન થયા છો.
    મહેરબાની કરીને અમને ફરીથી સંપૂર્ણ બનાવી દો.
તમે ધરતીકંપ કરીને પૃથ્વીને ચીરી નાખી છે.
    હે યહોવા, તેને ફરીથી યથાર્થ બનાવી દો.
    જુઓ તેના પાયા હલી ગયા છે.
તમે તમારા લોકોને અતિ વિકટ સમયમાં લઇ ગયાં છો,
    તમે મારેલી લપડાકોએ અમને લથડિયાં ખવડાવ્યાં છે.
તમે તમારી બીક રાખનારાઓને ધ્વજા આપી છે,
    અને ચેતવણી આપી છે, જેથી તેઓ વિનાશમાં રક્ષા પામે.

આવો અને તમારા જમણા હાથથી અમને બચાવો.
    મારી પ્રાર્થનાનો જવાબ આપો અને જેને તમે પ્રેમ કરો છો તેમને તમે બચાવો.

જ્યારે દેવે તેમની પવિત્રતાએ કહ્યું,
    “વિજય પામીને હું શખેમનાં ભાગ પાડીશ;
અને સુક્કોથની ખીણ
    મારા લોકમાં વહેંચીશ,
    ત્યારે હું ખૂબ ખુશ થઇશ.
ગિલયાદ મારું છે, મનાશ્શા મારું છે;
    અને એફ્રાઈમ મારું શિરસ્રણ છે.
    યહૂદિયા મારો રાજદંડ બનશે.
મોઆબ મારા પગ ધોવા માટેનો વાટકો છે,
    અને જે મારા પગરખાં લઇ જાય છે તે અદોમ મારૂં ગુલામ છે.
    હું પલિસ્તીઓ હરાવીશ અને વિજયના પોકાર કરીશ.”

મોરચાબંધ અદોમ નગરમાં મને કોણ લાવશે?
    અને તેના પર વિજય મેળવીને કોણ પ્રવેશ કરાવશે?
10 હે દેવ, શું તમે અમને તજી દીધા છે?
    તમે અમારા સૈન્ય સાથે આગેકૂચ કરતા નથી.
11 હા યહોવા, અમારા શત્રુઓ વિરુદ્ધ તમે અમારી સહાય કરો;
    કારણ, માણસોની સહાય વ્યર્થ છે.
12 દેવના સાથથી અમે પરાક્રમો કરીશું;
    કારણ, તેજ અમારા શત્રુઓને કચડી નાખશે.

ગીતશાસ્ત્ર 118

યહોવાનો આભાર માનો; કારણકે તે ભલા છે
    તેમનો સાચો પ્રેમ સદાય રહે છે.
ઇસ્રાએલના પ્રજાજનો, તેમની સ્તુતિ કરો આ શબ્દોથી,
    “તેમની કૃપા સદાય રહે છે.”
હારુન પુત્રો, આ પ્રાર્થના ગીત ગાઓ,
    “તેમનો સાચો પ્રેમ સદાય રહે છે.”
યહોવાના અન્ય ભકતો, તમે પણ કહો કે;
    “તેમનો સાચો પ્રેમ સદાય રહે છે.”

મારા સંકટમાં મેં યહોવાને વિનંતી કરી;
    તેમણે મને ઉત્તર આપી ને મને બચાવ્યો.
યહોવા મારા પક્ષમાં છે, મને ડર શાનો?
    પૃથ્વી પરનો માણસ મને શું કરી શકે?
યહોવા મને મદદ કરશે, તે મારા પક્ષમાં છે;
    તેથી મારી સગી આંખે હું મારા શત્રુઓને પરાજીત થતાં જોઇશ.
માણસો પર ભરોસો રાખીએ તે કરતાં;
    યહોવા પર ભરોસો રાખીએ તે વધુ સારુ છે.
સમર્થ રાજાઓના આશ્રયે જવું તે કરતાં;
    યહોવામાં આશ્રય મેળવવો તે વધું સારો છે.

10 બધી પ્રજાઓએ મને ઘેરી લીધો છે,
    પણ હું યહોવાનું નામ લઇને તેમને પરાજીત કરીશ.
11 હા, મને શત્રુઓએ ઘેર્યો હતો ખરેખર તેમણે મને ઘેર્યો હતો;
    પણ યહોવાના નામેં હું તેમને હરાવીશ.
12 તેઓએ મને મધમાખીઓની જેમ ઘેર્યો હતો;
    પણ તેઓ સળગતાં કાંટાની જેમ તુરંત જ ઓલવાઇ ગયા છે.
    હું તેમને યહોવાનું નામ લઇને હરાવીશ.

13 ઓ મારા શત્રુઓ, તમે મારો વિનાશ કરવા ઘણી મહેનત કરી.
    પણ મને યહોવાએ સહાય કરી.
14 પણ યહોવા મારું સાર્મથ્ય છે અને વિજયગીત છે;
    તે જ મારું તારણ થયા છે.
15 સદાચારીઓના મંડપમાં, વિજયોત્સવના હર્ષનાદ સંભળાય છે,
    યહોવાનો જમણો હાથ બહાદુરીના કાર્યો કરે છે.
16 યહોવાનો જમણો હાથ ઊંચો થયેલો છે;
    અને યહોવાનો જમણો હાથ પરાક્રમ કરે છે.

17 હું મરીશ નહિ પણ હું જીવતો રહીશ;
    અને યહોવાએ કરેલા સર્વ કાર્યોને ઉચ્ચારીશ.
18 યહોવાએ મને ભારે શિક્ષા કરી,
    પણ તેણે મને મૃત્યુને સ્વાધીન કર્યો નથી.
19 ન્યાયીપણાનું પ્રવેશદ્વાર ઉઘાડો, હું તેમા થઇને જઇશ;
    અને યહોવાનો આભાર માનીશ.
20 એ દ્વાર યહોવાની સમક્ષ જવાનું છે;
    યહોવાનો ભય રાખનાર ન્યાયીઓ તેમાં જશે.
21 હે યહોવા, તમે મારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે;
    અને મારો ઉદ્ધાર કર્યો છે, હું તમારો આભાર માનું છું.

22 જે પથ્થરને ઘર બાંધનારાઓએ નકાર્યો હતો;
    તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.
23 આ કાર્ય તો યહોવાથી થયું છે;
    આપણી દ્રૃષ્ટિમાં તે આશ્ચર્યકારક છે.
24 યહોવાએ આપણને આ દિવસ આપ્યો છે;
    આપણે તેમાં આનંદોત્સવ કરીએ.

25 હે યહોવા, અમારી ઉપર દયા રાખ અને અમને તારણ આપો;
    હે યહોવા, અમારી પર દયા કર અને મહેરબાની કરીને અમને સફળ બનાવો.
26 યહોવાને નામે જે આવે છે તેને ધન્ય છે;
    યહોવા મંદિરમાંથી અમે તમને આશીર્વાદ દીધો છે.
27 યહોવા તે જ દેવ છે અને તે અમારો પ્રકાશ છે.
    બલિદાન માટે બાંધેલા ઘેટાને વેદીના શિંગ તરફ લઇ જતાં ઉત્સવના સરઘસમાં તમે બધાં જોડાઇ જાઓ.

28 તમે મારા યહોવા, હું તમારો આભાર માનીશ;
    તમે મારા દેવ છો, હું તમને મોટા માનીશ.
29 યહોવાનો આભાર માનો, તે ઉત્તમ છે;
    અને તેમની કૃપા સર્વકાળ ટકે છે.

ઉત્પત્તિ 16:15-17:14

15 પછી હાગારે ઇબ્રામથી એક પુત્રને જન્મ આપ્યો, અને ઇબ્રામે હાગારથી જન્મેલા પુત્રનું નામ ઇશ્માંએલ રાખ્યું. 16 જયારે ઇબ્રામથી હાગારે ઇશ્માંએલને જન્મ આપ્યો ત્યારે, ઇબ્રામની ઉંમર 86 વર્ષની હતી.

સુન્નત કરારની નિશાનીરૂપ

17 જયારે ઇબ્રામ 99 વર્ષનો થયો, ત્યારે યહોવાએ તેને દર્શન આપીને કહ્યું, “હું સર્વસમર્થ દેવ છું. માંરા માંટે આ કામ કર. માંરી આજ્ઞા માંથે ચઢાવી કોઈ પણ દોષમાં પડયા વિના ચાલ. જો તું આમ કરીશ, તો હું તારી અને માંરી વચ્ચે કરાર કરીશ. હું તમાંરા લોકોનું એક મોટું રાષ્ટ બનાવવાનું વચન આપીશ.”

ઇબ્રામે પોતાનું મસ્તક જમીન તરફ નમાંવ્યું, સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. ત્યારે દેવે તેની સાથે વાતચીત કરી અને કહ્યું, “જો, હું તારી સાથે આ કરાર કરું છું; તું અનેક પ્રજાઓનો પિતા થઈશ. હવેથી તારું નામ ઇબ્રામ નહિ રહે. તારું નામ ઇબ્રાહિમ રહેશે, કારણ મેં તને અનેક દેશનો પૂર્વજ બનાવ્યો છે. હું તારા વંશજો ખૂબ ખૂબ વધારીશ, તારા વંશજોમાંથી હું પ્રજાઓનું નિર્માંણ કરીશ. અને તારા વંશમાં રાજાઓ થશે. હું માંરી અને તારી વચ્ચે તથા પેઢી-દરપેઢી તારા વંશજો વચ્ચે કાયમનો કરારા કરીશ કે, તારો અને તારા પછી તારા બધા વંશજોનો હું દેવ થઈશ. અને હું તને અને તારા વંશજોને જે ભૂમિમાં તું પ્રવાસ કરી રહ્યો છે[a] તે કનાનની ભૂમિ કાયમને માંટે આપીશ અને હું તમાંરો દેવ રહીશ.”

દેવે ઇબ્રાહિમને કહ્યું, “તું અને તારા પછી તારા વંશજો પેઢી દરપેઢી માંરો આ કરાર પાળશો. 10 માંરી અને તારી વચ્ચેનો તથા તારા પછી તારા વંશજો સાથેનો તમાંરે પાળવાનો કરાર આ છે: 11 તમાંરામાંના એકે એેક વ્યકિતની સુન્નત કરવી. તમાંરે તમાંરી ચામડીની સુન્નત કરવી. 12 જયારે બાળક 8 દિવસનું થાય ત્યારે તેની સુન્નત કરાવવી, પછી તે તમાંરા ઘરમાં જન્મેલો હોય કે, કોઈ પરદેશી પાસેથી પૈસા આપીને ખરીદેલો ગુલામ હોય. તેની સુન્નત અવશ્ય કરવાની રહેશે. 13 તમાંરા ઘરમાં જન્મેલો ગુલામ હોય, તેની તેમજ પૈસાથી જેને ખરીદવામાં આવ્યો હોય, તેની બંન્નેની સુન્નત કરાવવી જ જોઈએ. આ રીતે તમાંરા રાષ્ટમાં પ્રત્યેક બાળકની સુન્નત થશે. 14 આ માંરો નિયમ છે. અને તે માંરા અને તમાંરા વચ્ચે છે. જે કોઈની સુન્નત થયેલી ના હોય તેનો સમાંજમાંથી બહિષ્કાર કરવો, કારણ, તેણે માંરા કરારનો ભંગ કર્યો છે.”

હિબ્રૂઓ 10:1-10

ખ્રિસ્તનું બલિદાન આપણને સંપૂર્ણ બનાવે છે

10 નિયમશાસ્ત્ર ભવિષ્યમાં આવનારા શુભ કાર્યોની પ્રતિછાયારૂપ છે અને તે વસ્તુઓની ખરી પ્રતિમાઓ તેમાં નથી. દર વર્ષે એના એ જ બલિદાનો સતત અર્પણ કરવામાં આવતાં હતાં, છતાં નિયમશાસ્ત્ર પ્રમાણે કોઈ વ્યક્તિ પરિપૂર્ણ થઈ શકી નથી. જો જૂના નિયમે લોકોને પરિપૂર્ણ બનાવ્યો હોત તો પછી તેઓએ બલિદાન આપવાનું બંધ કર્યુ હોત. તેઓ સદાને માટે શુદ્ધ થઈ ગયા હોત અને તેઓએ તેમના પાપો માટે દોષિત થવું પડ્યું ના હોત. પરંતુ નિયમશાસ્ત્ર તે કરી શક્યું નહિ. પરંતુ એ વાર્ષિક બલિદાનો તો તેમના મનમાં દર વર્ષે પાપોની યાદ તાજી કરાવે છે. કારણ કે ગોધાઓનું તથા બકરાઓનું લોહી પાપ દૂર કરવા સમર્થ નથી.

આથી જ્યારે ખ્રિસ્ત આ દુનિયામાં આવ્યો, ત્યારે તેણે કહ્યું:

“હે દેવ પશુઓનુ રક્ત તને પ્રસન્ન કરી શકે તેમ નથી.
    પણ તેં મારા માટે શરીર બનાવ્યું છે.
પાપોની માફીને અર્થ અપાતું દહનાર્પણ તથા પાપાર્થાર્પણથી
    તું કઈ પ્રસન્ન થતો નહોતો.
તેથી તેમણે કહ્યું, ‘હે દેવ,
    હું અહીં શાસ્ત્રમાં મારા સંબધી લખ્યા પ્રમાણે
    તારી ઇચ્છા પૂર્ણ કરવા હું અહીં છું.’” (A)

પ્રથમ ખ્રિસ્તે કહ્યું છે, “શાસ્ત્રમાં અપાતાં પાપમુક્તિ માટેનાં અર્પણો તથા દહનાર્પણોથી અપાતાં બલિદાનો દ્ધારા તું પ્રસન્ન થઈ શકે તેમ નથી,” (આ બધા બલિદાનોની આજ્ઞા નિયમ કરે છે.) પછી તેણે કહ્યું, “હે દેવ! હું આ રહ્યો, તારી ઇચ્છા પૂર્ણ કરવા હું આવ્યો છું.” આ પ્રમાણે તેણે જૂની વ્યવસ્થા રદ કરી અને નવી વ્યવસ્થા સ્થાપી. 10 દેવીની ઈચ્છા મુજબ ઈસુ ખ્રિસ્તનાં કાર્યો પ્રમાણે એક જ વાર ખ્રિસ્તનું શરીર અર્પણ થયાથી આપણને પવિત્ર કરવામાં આવ્યા છે.

યોહાન 5:30-47

30 “હું એકલો કંઈ કરી શક્તો નથી. જે પ્રમાણે મને કહેવામાં આવ્યું છે તે જ રીતે હું ફક્ત ન્યાય કરું છું. તેથી મારો ન્યાય અદલ છે. શા માટે? કેમ કે હું મારી જાતને ખુશ કરવા પ્રયત્ન કરતો નથી. પરંતુ જેણે મને મોકલ્યો છે, તેને (દેવને) હું ખુશ કરવા પ્રયત્ન કરું છું.

ઈસુ યહૂદિઓ સાથે વાતો કરવાનું ચાલુ રાખે છે

31 “જો હું મારા વિષે લોકોને કહું, તો પછી લોકો મારા વિષે હું જે કઈ કહું છું તે સ્વીકારશે નહિ. 32 પરંતુ ત્યાં બીજી એક વ્યક્તિ છે જે લોકોને મારા વિષે કહે છે અને હું જાણું છું કે તે મારા વિષે જે કઈ કહે છે તે સાચું છે.

33 “તમે યોહાન પાસે માણસો મોકલ્યા છે અને તેણે તમને સત્ય વિષે કહ્યું છે. 34 મારા વિષે લોકોને કહેવા માટે મારે માણસની જરૂર નથી. પણ હું તમને આ બાબતો કહું છું તેથી તમારો ઉદ્ધાર થઈ શકે છે. 35 યોહાન એક દીવા જેવો હતો જે સળગતો અને પ્રકાશ આપતો અને તમે ઘડીભર તેના અજવાળામાં આનંદ પામતા હતા.

36 “પણ મારી પાસે મોટી સાબિતી છે જે યોહાનના કરતાં મોટી છે. જે કામો હું કરું છું તે મારી સાબિતી છે. આ તે કામો છે જે મારા પિતાએ મને કરવા માટે આપ્યાં હતાં. આ કામો બતાવે છે કે મને પિતાએ મોકલ્યો હતો. 37 અને જે પિતાએ મને મોકલ્યો તેણે તેની જાતે મારા વિષે સાબિતી આપેલ છે. પરંતુ તમે કદી તેની વાણી સાંભળી નથી. તે કોના જેવો દેખાય છે તે તમે કદી જોયું નથી. 38 પિતાની વાત તમારામાં રહેલી નથી. શા માટે? કારણ કે પિતાએ જેને મોકલ્યો છે તેમાં તમને વિશ્વાસ નથી. 39 શાસ્ત્રોને તમે કાળજીપૂર્વક તપાસી જુઓ. તમે ઘારો છો કે તે શાસ્ત્રો તમને અનંતજીવન આપે છે. પેલા એ જ શાસ્ત્રો મારા વિષે પણ કહે છે! 40 પરંતુ તમે તે જીવન પામવા માટે મારી પાસે આવવાનું ઈચ્છતા નથી.”

41 “મારે માણસો પાસેથી પ્રસંશા જોઈતી નથી. 42 પણ હું તમને જાણું છું-હું જાણું છું કે દેવ પરની પ્રીતિ તમારામાં નથી. 43 હું મારા પિતા પાસેથી આવ્યો છું. હું તેના માટે બોલું છું. પણ જો બીજી કોઈ એક વ્યક્તિ ફક્ત પોતાના માટે જ બોલતો આવે છે ત્યારે તમે તેને સ્વીકારશો. 44 એકબીજાની પ્રસંશા થાય તે ગમે છે. પણ દેવ પાસેથી પ્રસંશા મેળવવા તમે કદી પ્રયત્ન કરતા નથી. તેથી તમે કેવી રીતે વિશ્વાસ કરશો? 45 એમ ના માનશો કે હું પિતા આગળ ઊભો રહીને કહીશ કે તમે ખોટા છો. મૂસા એ વ્યક્તિ છે જે કહે છે કે તમે ખોટા છો. અને મૂસા એ તે જ છે જે તમને બચાવશે એવી તમે આશા રાખી હતી. 46 જો તમે ખરેખર મૂસામાં વિશ્વાસ કર્યો હતો તો, તમે મારા પર વિશ્વાસ કર્યો હોત. શા માટે? કારણકે મૂસાએ મારા વિષે લખ્યું છે. 47 પરંતુ તમે મૂસાએ જે લખ્યું છે તેનો વિશ્વાસ કરતા નથી. તેથી હું જે વાતો કહું છું તેના પર તમે વિશ્વાસ કરી શકશો નહિ.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International