Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 93

યહોવા રાજ કરે છે,
    ભવ્યતા અને સાર્મથ્યને તેણે વસ્રોની જેમ ધારણ કર્યા છે
તેણે જગતને તેવી રીતે પ્રસ્થાપિત કર્યુ છે
    કે તે અચળ રહેશે.
હે દેવ, પુરાતન કાળથી તમારું રાજ્યાસન સ્થપાયેલું છે;
    તમે સદાકાળ અસ્તિત્વ ધરાવો છો!
હે યહોવા, નદીઓએ ગર્જનાકરી છે.
    વહેતી નદીઓએ તેમનો અવાજ વધાર્યો છે
    અને પોતાના મોજાં ઊંચા ઉછાળ્યાં છે.
તમે વધુ ગર્જના કરતાં સમુદ્રોથી વધારે શકિતશાળી છો,
    અને સમુદ્રોનાઁ મોજાઁઓથી વધારે બળવાન.
    ઉપરવાળો દેવયહોવા,પરમ ઊંચામાં પરાક્રમી છે.
તમારા કરારો સંપૂર્ણ રીતે વિશ્વાસપાત્ર છે,
    હે યહોવા, સર્વકાળ પવિત્રતા તમારા મંદિરને શોભે છે.

ગીતશાસ્ત્ર 96

યહોવા સમક્ષ નવું ગીત ગાઓ!
    સમગ્ર પૃથ્વી પર સર્વત્ર એ ગીત ગાઓ, યહોવા સમક્ષ ગાઓ.
તેમના નામને ધન્યવાદ આપો;
    દિનપ્રતિદિન તેનું તારણ પ્રગટ કરો.
પ્રજાઓને તેના મહિમા વિષે જણાવો
    અને બધા લોકોને તેમના ચમત્કારો વિષે કહો.
કારણ, યહોવાની મહાનતા અવર્ણનીય છે;
    અને તે બહુ સ્તુત્ય છે; તેજ માત્ર ભયાવહ દેવ;
    સર્વ “દેવોની” ઉપર છે.
લોકોના સર્વ “દેવો,” મૂર્તિઓ માત્ર છે;
    પણ યહોવાએ આકાશોને ઉત્પન્ન કર્યા છે.
ભવ્યતા અને મહિમા તેમની સામે ચમકે છે.
    સાર્મથ્ય અને સૌન્દર્ય તેમના પવિત્રસ્થાનમાં છે.
હે વિશ્વની સર્વ પ્રજાઓ, યહોવા એકલા જ છે મહિમાવાન અને પરાક્રમી;
    તે તમે કબૂલ કરો ને તેમને માન આપો.
યહોવાને ઘટે છે ગૌરવ જે તે તેમને આપો,
    તેમની આરાધના કરવાને તમારા અર્પણો લઇને તેનાં આંગણામાં જાઓ.
    પવિત્રતાની સુંદરતા ધારણ કરી, યહોવાની ઉપાસના કરો;
અને ધ્રૂજો સમગ્ર પૃથ્વી તેમની સમક્ષ.
10     પ્રજાઓની વચ્ચે જાહેર કરો, યહોવા એ છે જે જગત પર શાસન કરે છે અને ટકાવી રાખે છે,
તેથી તેનો વિનાશ થશે નહિ.
    બધાં લોકોનો નિષ્પક્ષતાથી ન્યાય કરશે.
11 આકાશો આનંદ પામો! હે પૃથ્વી,
    સુખી થાવ! હે ગર્જના કરતા સમુદ્રની વિશાળતા હર્ષથી પોકારો.
12 ખેતરો અને તેમાં જે કઇં ઊગે છે તે સર્વ સુખી થાઓ.
    હે વનનાં સર્વ વૃક્ષો યહોવાની આગળ હર્ષ સાથે ગાઓ.
13 પૃથ્વીનો ન્યાય કરવાને,
    યહોવા આવે છે;
તે સર્વ પ્રજાઓનો ન્યાય સત્યતાએ કરશે;
અને જગતનો યથાર્થપણે.

ગીતશાસ્ત્ર 34

દાઉદનું ગીત. એ ત્યારે લખાયું હતું જ્યારે તેણે ગાંડપણનો ઢોંગ કર્યો જેથી અબીમેલેખ તેને કાઢી મૂકે. દાઉદ આ રીતેતેનાથી નાસી છુટયો.

હું હમેશા યહોવાની પ્રશંશા કરીશ,
    અને હું હંમેશા તેમના મહિમા વિષે વાત કરીશ.
મારો આત્મા યહોવાની મોટાઇ કરશે.
    આથી નમ્ર માણસો મારી સ્તુતિ સાંભળશે અને આનંદિત થશે.
આપણે સૌ સાથે મળી યહોવાની સ્તુતિ કરીએ.
    અને તેના નામનો મહિમા વધારીએ.
યહોવાને મેં પ્રાર્થના કરી અને તેમણે મારી પ્રાર્થનાનો ઉત્તર આપ્યો.
    તેમણે મને જે બધી બાબતોનો ભય હતો તેમાથી છોડાવ્યો.
જેઓ યહોવાની કૃપા પામ્યા છે, તેઓના મુખ પ્રકાશિત છે;
    તેઓના મુખ પર કોઇ નિરાશા નથી.
આ લાચાર માણસે યહોવાને પોકાર કર્યો,
    અને તે સાંભળીને તેમણે તેને સર્વ સંકટમાંથી ઉગાર્યો.
યહોવાનો દૂત, યહોવાના ભકતોની આસપાસ પડાવ નાખે છે
    અને તેમને મુશ્કેલીમાંથી ઉગારે છે, તેમનું રક્ષણ કરે છે.
યહોવા કેટલાં ઉમદા છે તેનો અનુભવ કરો અને જુઓ.
    જેઓ તેમના ઉપર આધાર રાખે છે તેઓ ને ધન્ય છે.
યહોવાનાં પવિત્ર અનુયાયીઓ તેનું ભય રાખે છે અને તેમનો આદર કરે છે;
    કેમકે, તેને કોઇ વસ્તુની ખોટ પડની નથી.
10 અને કદાચ તંગી પડે સિંહના બચ્ચાંને અને ભૂખ વેઠવી પડે છે,
    પણ દેવની સહાય શોધનારને ઉત્તમ વસ્તુઓની અછત પડતી નથી.
11 મારા બાળકો આવો, મારું સાંભળો;
    “હું તમને યહોવાનો આદર કરતાં શીખવીશ.”
12 સુખી-લાંબા જીવનની ઈચ્છા કોને છે?
    અને તમારામાંથી જીવન વહાલું કોને છે?
13 તો હંમેશા તમારી જીભ પર કાબૂ રાખો;
    ને તમારા હોઠોને જૂઠું બોલવાથી દૂર રાખો.
14 દરેક દુષ્ટાથી દૂર રહો અને ભલું કરો.
    શાંતિ શોધી તેની પાછળ લાગો.
15 યહોવાની આંખો હંમેશા સત્યનિષ્ઠ લોકો પર નજર રાખે છે.
    તેમની મદદ માટેની પ્રાર્થના સાંભળવા માટે તેમનો કાન સદા ખુલ્લો હોય છે.
16 દુષ્ટ માણસોની યાદને પૃથ્વી પરથી
    ભૂંસી નાંખવાનો યહોવાએ સંકલ્પ કર્યો છે.

17 યહોવા ન્યાયીઓના પોકાર સાંભળે છે,
    અને તેઓને સર્વ સંકટમાંથી છોડાવે છે.
18 યહોવા હંમેશા તેઓની સાથે હોય છે જેમના હૃદય ભાંગી ગયા છે.
    જેમનો આત્મા કચડાઇ ગયો છે અને જેઓ નમ્ર છે તેમને યહોવા મુકિત આપે છે.
19 ન્યાયી માણસનાં જીવનમાં ઘણા દુ:ખો આવે છે,
    પણ કૃપાળુ યહોવા તેમને તે સર્વમાંથી ઉગારે છે.
20 યહોવા તેનાં સર્વ હાડકાંનું રક્ષણ કરે છે,
    તેઓમાંનું એકપણ ભાંગવામાં આવતું નથી.
21 દુષ્ટો પોતાની જ દુષ્ટતાથી નાશ પામશે,
    અને ન્યાયીઓના દ્વેષીઓ દોષિત ઠરશે.
22 યહોવા પોતાના સેવકોના પ્રાણોનો ઉદ્ધાર કરે છે;
    યહોવામાં ભરોસો રાખનારાઓમાંથી કોઇ દોષિત ઠરશે નહિ.

1 શમુએલનું 1:1-2

શીલોહમાં એલ્કાનાહ અને તેના કુળની પ્રાર્થના

એફાઈમના પર્વતીય પ્રદેશમાં એલ્કાનાહ નામનો માંણસ રહેતો હતો. તે સૂફ કુળમાંથી હતો. તેના પિતાનું નામ યરોહામ હતું. યરોહામના પિતાનું નામ અલીહૂ હતું. અલીહૂના પિતાનું નામ તોહૂ હતું અને તોહૂના પિતાનું નામ સૂફ હતું જે એફાઇમ કુળસમૂહમાંથી હતો.

તેને હાન્ના અને પનિન્ના નામની બે પત્નીઓ હતી. પનિન્નાને સંતાનો હતા; જયારે હાન્ના નિ:સંતાન હતી.

1 શમુએલનું 1:7-28

પ્રતિવર્ષ આમ બનતું; જયારે તેઓ યહોવાના મંદિરે શીલોહ જતા ત્યારે પનિન્ના તેને મહેણાં માંરતી અને તેની મશ્કરી કરતી, તેથી હાન્ના રડી પડતી અને ખાતી પણ નહિ. તેનો પતિ હઁમેશા તેણીને પૂછતો, “હાન્ના, તું શા માંટે રડે છે? અને તું ખાતી કેમ નથી? તું શા માંટે આટલી ઉદાસ છે? હું દસ પુત્રો કરતાં સારો છું તેમ તારે વિચારવું.”

હાન્નાની પ્રાર્થના

એક વખત મંદિરમાં તેમણે પ્રસાદ ગ્રહણ કર્યા પછી હાન્ના પવિત્રમંડપમાં ગઈ યહોવાની સામે ઊભી રહી. તે વખતે યાજક એલી યહોવાના મંદિરના પ્રવેશદ્વાર પાસે પોતાના આસન ઉપર બેઠો હતો. 10 હાન્ના બહુ દુ:ખી હતી. તેણીએ યહોવાને પ્રાર્થના કરી ત્યારે તેણી બહુ રડી. 11 તેણે એવી માંનતા રાખી કે, “ઓ સર્વસમર્થ યહોવા, તું જો તારી આ દાસી પર કૃપાદૃષ્ટિ કરે, માંરી પ્રાર્થના સાંભળે, ભૂલી ન જાય અને મને એક પુત્ર આપે, તો હું તે પુત્ર દેવને સમર્પણ કરીશ, જે જીવનપર્યંત દેવનો થઈને રહેશે અને તેના વાળ કદી કપાવીશ નહિ.”

12 આમ લાંબા સમય સુધી હાન્નાએ યહોવા સમક્ષ પ્રાર્થના કરી એલીએ જોયું કે માંત્ર તેના હોઠ હાલતા હતા. 13 તે મનમાં પ્રાર્થના કરતી હતી; તેના હોઠ હાલતા હતા પરંતુ તેનો અવાજ સંભળાતો નહોતો, 14 આથી એલીએ માંન્યું કે, “તે પીધેલી છે. તમે બહું જ પી લીધુ છે! તેણે તેણીને કહ્યું દ્રાક્ષારસ છોડ અને ધીરજ ધર.”

15 હાન્નાએ કહ્યું, “ના માંરા ધણી, મેં દ્રાક્ષારસ કે કોઈ કેફી પીણું પીધું નથી. પણ હું ઊંડી ઉપાધિમાં છું, હું સર્વસમર્થ દેવને પ્રાર્થના કરી રહી છું અને તેમને માંરા દુ:ખો અને ઇચ્છાઓ વિષે કહી રહી છું. 16 મને એવી પતિત ના માંનશો. પણ આ બધો વખત હું માંરી વ્યથા અને દુ:ખોની બહાર થઇ દેવને પ્રાર્થના કરતી હતી.”

17 એટલે એલીએ તેને કહ્યું, “શાંતિથી જા, અને ઇસ્રાએલનો દેવ તારી ઇચ્છા પૂરી કરશે અને તારી પ્રાર્થનાનો બદલો આપે!”[a]

18 હાન્નાએ કહ્યું, “તમાંરો આભાર, માંરા ઉપર દયા રાખતા રહેજો.” અને પછી તે ચાલી ગઈ. તેણે થોડું ખાધું, હવે તે ઉદાસ રહેતી નહોતી.

19 બીજે દિવસે સવારમાં તેઓ વહેલાં ઊઠયાં અને મંદિરે ગયાં. ત્યાં તેઓએ સર્વસમર્થ યહોવાનું ભજન કર્યુ. પછી તેઓ તેમના ઘરે પાછા રામાં ગયા.

શમુએલનો જન્મ

એલ્કાનાહ તેની પત્ની હાન્ના સાથે સૂતો, અને દેવે તેને યાદ કરી અને તેની ઇચ્છા પૂરી થઇ. 20 આજ સમયે તેના પછીના વર્ષે હાન્ના ગર્ભવતી બની અને તેણે એક પુત્રને જન્મ આપ્યો, તેણે તેનું નામ શમુએલ પાડયું. કારણ, તે કહેતી, “મેં યહોવા પાસે તેને માંગ્યો હતો.”

21 એક વર્ષ બાદ એલ્કાનાહ અને તેનું સમગ્ર કુટુંબ પ્રતિ વર્ષની જેમ યહોવા દેવને પ્રાર્થના અને યજ્ઞ કરવા અને તેણે દેવને આપેલું વચન પૂરુ કરવા શીલોહ ગયાં. 22 પણ હાન્ના ગઈ નહિ, તેણે તેના પતિને કહ્યું, “પુત્ર ખાતો થાય પછી હું એને યહોવા સમક્ષ લઈ જઈશ, અને યહોવાને અર્પણ કરીશ પછી કાયમ માંટે તે ત્યાં જ રહેશે.”

23 એટલે તેના પતિ એલ્કાનાહે કહ્યું, “તને જેમ ઠીક લાગે તેમ કર અને ત્યાં સુધી તું બાળકને રાખ. યહોવાના શબ્દો સાચા પડે,” તે બાળક સાથે ઘરમાં રહી અને તે નક્કર આહાર લેવા જેટલો મોટો થયો ત્યાં સુધી એની સાચવણી કરી.

શમુએલ દેવને સમર્પણ

24 પછી ધાવણ છોડાવ્યા બાદ તે તેને શીલોહ યહોવાના મંદિરમાં લઈ ગઈ, તેણે ત્રણ વર્ષનો એક બળદ, એક એફાહ લોટ અને થોડો દ્રાક્ષારસ પણ સાથે લીધો.

25 તેમણે બળદને વધેર્યો, પછી બાળકને એલી આગળ રજૂ કર્યો. 26 હાન્નાએ કહ્યું, “માંરા મુરબ્બી, હું સમ ખઇને કહું છું કે હું સાચું બોલી રહી છું. હું એજ સ્રી છું જે તમાંરી પાસે ઊભી હતી અને યહોવાને પ્રાર્થના કરતી હતી. 27 મેં આ બાળક મેળવવા માંટે પ્રાર્થના કરી અને યહોવાએ માંરી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે. 28 હવે હું આ પુત્રને યહોવાને સમર્પિત કરું છું. તે જ્યાઁ સુધી જીવશે ત્યાં સુધી યહોવાની સેવામાં રહેશે.” પછી તેણે યહોવાની ઉપાસના કરી.

કલોસ્સીઓ 1:9-20

જે દિવસથી અમે આ બાબતો તમારા વિષે સાંભળી તે દિવસથી તમારે સારું પ્રાર્થના કરીએ છીએ. અમે આ બાબતો માટે પ્રાર્થના કરીએ છીએ:

કે તમે સર્વ આત્મિક સમજણ તથા બુદ્ધિમાં દેવની ઈચ્છાના જ્ઞાનથી ભરપૂર થાઓ; 10 તમે આ બાબતોનો જીવનમાં એ રીતે ઉપયોગ કરો કે જેથી પ્રભુ તેમના વડે સમ્માનિત થાય, અને સર્વ પ્રકારે તેનાથી તે પ્રસન્ન થાય; કે તમે દરેક પ્રકારના સત્કાર્યો કરો અને દેવ અંગેના જ્ઞાનમાં વિકસિત થાવ; 11 દેવ તેના મહિમાના સાર્મથ્ય પ્રમાણે તમને શક્તિશાળી બનાવે, જેથી જ્યારે આપત્તિઓ આવે ત્યારે તમે ડગી ન જાવ અને સહનશીલ બનો.

પછી તમને આનંદ પ્રાપ્ત થશે. 12 અને (દેવ) બાપની આભારસ્તુતિ કરો. જે વસ્તુઓ તેણે તમારા માટે તૈયાર કરી છે, તેને પામવા માટે તેણે જ તમને યોગ્ય બનાવ્યા છે. તેણે આ વસ્તુઓ તેના બધા જ લોકો માટે બનાવી છે, કે જે લોકો પ્રકાશમાં (સારું) જીવે છે. 13 દેવે આપણને અંધકારની (શૈતાન) સત્તામાંથી મુક્ત કર્યા છે. અને તે જ આપણને તેના પ્રિય પુત્ર (ઈસુ) ના રાજ્યમાં લઈ આવ્યો. 14 પુત્રએ આપણને છોડાવવા માટે કિમત ચુક્વી છે. તેનામાં જ આપણને આપણા પાપોની માફી પ્રાપ્ત થઈ છે.

જ્યારે આપણે ખ્રિસ્ત તરફ દૃષ્ટિ કરીએ છીએ, ત્યારે આપણે દેવને નિહાળીએ છીએ

15 કોઈ પણ વ્યક્તિ દેવને જોઈ શક્તી નથી.
    પરંતુ ઈસુ દેવની પ્રતિમાં જ છે. ઈસુ જ,
    જે બધી વસ્તુઓનું સર્જન કરવામાં આવ્યું છે તેનો શાસક છે.
16 તેના સાર્મથ્ય વડે દરેક વસ્તુનું સર્જન કરવામાં
    આવ્યું-આકાશની વસ્તુઓ, પૃથ્વીની વસ્તુઓ, દૃશ્યમાન અને અદૃશ્ય વસ્તુઓ,
    સમગ્ર આત્મીય સત્તા, અધિકારીઓ,
દરેક વસ્તુનું સર્જન ખ્રિસ્ત દ્વારા અને ખ્રિસ્ત માટે જ કરવામાં આવ્યું.

17 કોઈ પણ વસ્તુના સર્જન પહેલા ખ્રિસ્ત હતો.
    અને તેના જ કારણે દરેક વસ્તુમાં સાતત્ય છે.
18 ખ્રિસ્ત તો શરીરનું એટલે મંડળીનું શિર છે.
    તે આરંભ, એટલે મૂએલાંઓમાંથી પ્રથમ ઊઠેલો છે;
કે જેથી સઘળામાં તે શ્રેષ્ઠ થાય.

19 કેમ કે તેનામાં સર્વ પ્રકારની સંપૂર્ણતા રહે એમ બાપને પસંદ પડયું; તેનુ પોતાનું જીવન પરિપૂર્ણ ખ્રિસ્તમાં હતું તેથી દેવ પ્રસન્ન હતો.
20     દેવ પ્રત્યેક વસ્તુને પોતાના માટે ખ્રિસ્ત દ્વારા પુનઃપ્રાપ્ત કરીને પ્રસન્ન થયો
    પૃથ્વી પરની અને આકાશની વસ્તુઓ.
દેવે વધસ્તંભના ખ્રિસ્તના રક્ત (મરણ) દ્વારા શાંતિ કરાવી.

લૂક 2:22-40

મંદિરમાં ઈસુનું અર્પણ

22 મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે શુદ્ધિકરણનો સમય આવતા યૂસફ અને મરિયમ બાળકને પ્રભુ સમક્ષ રજૂ કરવા માટે યરૂશાલેમ લઈ ગયા. 23 પ્રભુના નિયમશાસ્ત્રમાં જે લખ્યું છે તે પ્રમાણે, “પરિવારમાં જ્યારે પ્રથમ દીકરો જન્મ લે છે તેને પ્રભુને સારું પવિત્ર ગણવો જોઈએ.”[a] 24 વળી પ્રભુના નિયમશાસ્ત્ર પ્રમાણે લોકોએ બલિદાન પણ આપવાનું હોય છે. તે મુજબ હોલાંની એક જોડ અથવા કબૂતરનાં બે બચ્ચાનું બલિદાન આપવાનું હોય છે. તેથી યૂસફ અને મરિયમ આ વિધિ કરવા યરૂશાલેમ ગયા.

શિમયોન ઈસુને જુએ છે

25 યરૂશાલેમમાં શિમયોન નામનો માણસ રહેતો હતો. તે ઘણો ઉત્તમ ધાર્મિક નિષ્ઠાવાળો માણસ હતો.

તે ઈસ્ત્રાએલના લોકોના સુખ માટે પ્રભુના આગમનની વાટ જોતો હતો. પવિત્ર આત્મા તેની સાથે હતો. 26 પવિત્ર આત્માએ શિમયોનને કહ્યું હતું કે જ્યાં સુધી તે પ્રભુ ખ્રિસ્તનાં દર્શન નહિ કરે ત્યાં સુધી તેનું મૃત્યુ થશે નહિ. 27 પવિત્ર આત્માના માર્ગદર્શનથી તે મંદિરમાં ગયો. યહૂદિઓના નિયમશાસ્ત્રની વિધિ કરવા માટે મરિયમે અને યૂસફ બાળ ઈસુને લઈને મંદિરમાં આવ્યા. 28 શિમયોને બાળકને હાથમાં લીધું અને દેવનો આભાર માન્યો.

29 “પ્રભુ, હવે તેં આપેલા વચન પ્રમાણે આ તારા સેવકને શાંતિથી મૃત્યુનું શરણ લેવા દે.
30 કારણ કે મેં મારી પોતાની આંખો વડે તારા તારણનાં દર્શન કર્યા છે.
31     તમે બધાજ લોકો માટે તેને તૈયાર કર્યો છે.
32 તે જગતના લોકો માટે જ્યોતિ છે જે બીન યહૂદિઓને તમારો માર્ગ બતાવશે.
    તે ઈસ્ત્રાએલના લોકોનો મહિમા વધારશે.”

33 શિમયોને ઈસુ વિષે જે કંઈ કહ્યું તે સાંભળીને તેના માતાપિતા નવાઇ પામ્યા. 34 પછી શિમયોને તેઓને આશીર્વાદ આપ્યો. અને ઈસુની મા મરિયમને કહ્યું, “ઈસ્ત્રાએલના ઘણા લોકોની ચડતી પડતી આ બાળકને કારણે થશે. તે દેવની તરફથી એંધાણીરુંપ બનશે. જેને કેટલાક લોકો સ્વીકારવા ના પાડશે. 35 લોકોના હ્રદયમાં રહેલા ગુપ્ત વિચારો જાહેર થશે. જે કંઈ ઘટનાઓ બનશે તેમાથી તારું હ્રદય દુ:ખી થશે.”

હાન્ના ઈસુને જુએ છે

36 મંદિરમાં હાન્ના નામની એક પ્રબોધિકા રહેતી હતી. જે આશેરના કુળની ફનુએલની પુત્રી હતી. હાન્ના ઘણી વૃદ્ધ હતી. લગ્નજીવનના સાત વર્ષ પછી તેના પતિનું અવસાન થતાં તે એકલી રહેતી હતી. 37 હવે તો તે 84 વર્ષની થઈ હતી અને તે વિધવા હતી. છતાં તેણે ક્યારેય મંદિર છોડ્યું ન હતું. તે મંદિરમા જ રહેતી અને રાતદિવસ ઉપવાસ અને પ્રાર્થના દ્ધારા પ્રભુની સ્તુતિ કરતી હતી.

38 તેણે ત્યાં જ તે ક્ષણે આવીને પ્રભુનો આભાર માન્યો અને જે લોકો યરૂશાલેમના ઉદ્ધારની વાટ જોતા હતા તે બધાએ આ બાળક વિષે કહ્યું.

યૂસફ અને મરિયમનું ઘર તરફ પ્રયાણ

39 પ્રભુની આજ્ઞાનુસાર બધી જ વિધિઓ પૂર્ણ કરીને યૂસફ અને મરિયમ ગાલીલના નાસરેથમાં પોતાને ગામ પાછા ફર્યા. 40 દેવની કૃપા તે નાના બાળક સાથે હતી. તેથી તે જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ વધારે પરાક્રમી અને બુદ્ધિશાળી થતો ગયો.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International