Book of Common Prayer
આલેફ
1 જેઓ પવિત્ર જીવન જીવે છે,
તથા યહોવાના નિયમોને અનુસરે છે તેઓ આશીર્વાદિત છે.
2 જેઓ પૂર્ણ હૃદયથી યહોવાની શોધ કરે છે અને હંમેશા યહોવાના કરારનું પાલન કરે છે,
તેઓ સર્વ આશીર્વાદિત છે.
3 તેઓ કદી ખરાબ કામ કરતા નથી,
અને તેઓ યહોવાના ન્યાયી માર્ગની કેડીએ ચાલે છે.
4 તમે અમને નિયમો આપ્યાં છે,
તમે અમને તે હુકમોનું કાળજીપૂર્વક પાલન કરવા કહ્યું છે.
5 મારા કાર્યો તમારા વિધિઓ સાથે સુમેળમાં રહે
તેમ હું ઇચ્છુ છું.
6 પછી જ્યારે હું તમારી બધી આજ્ઞાઓ અભ્યાસ કરીશ
હું ક્યારેય શરમિંદો નહિં થાઉં.
7 તમારા ખરા ન્યાયથી હું માહિતગાર થઇશ;
ત્યારે શુદ્ધ હૃદયથી હું તમારો આભાર માનીશ.
8 હું તમારા વિધિઓને અનુસરીશ,
તેથી કૃપા કરી મને છોડશો નહિ!
બેથ
9 જુવાન માણસ કેવી રીતે પોતાનું જીવન શુદ્ધ રાખી શકે?
તમારા વચનોને અનુસરીને તે કરી શકે છે.
10 મેઁ મારા ખરા હૃદયથી તને શોધ્યો છે;
તારી આજ્ઞાઓથી ચૂકીને મને ભટકવા ન દે.
11 મેં તમારા વચન કાળજી પૂર્વક મારા હૃદયમા રાખી મૂક્યા છે;
જેથી, તમારી વિરુદ્ધ હું ફરી પાપ ન કરું.
12 યહોવાની સ્તુતિ થાય! કૃપા કરીને
મને તમારા વિધિઓ શીખવો.
13 મારા હોઠોથી હું તમારા બધાં નિયમો વિષે વાત કરીશ.
14 સંપત્તિ કરતાં તમારા નિયમોમાં
મને વધુ આનંદ મળે છે.
15 હું તમારા શાસનોની ચર્ચા કરું છું,
હું તમારા જીવન જીવવાના માર્ગને અનુસરું છું.
16 હું તમારા વિધિઓને માનું છું;
હું તેમને ભૂલી જઇશ નહિ.
ગિમેલ
17 મને તમારા સેવકને બદલો આપો;
જેથી હુ જીવિત રહું અને તમારા વચનનું પાલન કરું.
18 તમારા નિયમશાસ્ત્રમાંની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવા માટે;
મારી આંખો ઉઘાડો.
19 પૃથ્વી પર હું તો એક યાત્રી છું;
તારી આજ્ઞાઓ મારાથી સંતાડ નહિ.
20 મારું હૃદય તમારા ન્યાયવચનો
માટે હંમેશા તીવ્ર ઝંખના કરે છે.
21 તમે ઉદ્ધત લોકોને જેઓ તમારી આજ્ઞાઓને માનતા નથી.
તેમને ઠપકો આપો છો.
22 મહેણાં તથા અપમાનને મારાથી દૂર કરો;
કારણકે મેં તારાં નિયમો માન્યાં છે.
23 સરદારો પણ આસનો પર બેઠાબેઠા
મારી વિરુદ્ધ બોલતા હતા;
પણ તારા સેવકે તમારા વિધિઓનું મનન તો કર્યુ છે.
24 હું તમારા નિયમોને માનું છું. અને હા,
તેઓ મારા સલાહકારો પણ છે.
નિર્દેશક માટે, શેમીનીથ મુજબ ગાવા માટે. દાઉદનું ગીત.
1 હે યહોવા, રક્ષા કરો;
દેવથી ડરનારાઓનો નાશ થઇ રહ્યો છે
તો પછી વિશ્વમાં વિશ્વાસુ માણસો કયાં મળશે?
2 લોકો તેમના પોતાના પડોશીઓ સાથે જૂઠ્ઠુ બોલે છે.
લોકો જૂઠાણાંથી એકબીજાની ખોટી પ્રશંસા કરે છે.
3 પણ યહોવા પ્રશંસા કરનારા હોઠોનો
અને બડાઇ કરનારી જીભોનો નાશ કરશે.
4 તેઓએ એમ કહ્યું, “અમારી જીભથી અમે જીતીશું;
હોઠ અમારા પોતાના છે,
અમારો કોણ માલિક છે જે અમને અટકાવે?”
5 યહોવા કહે છે, “હવે હું ઊભો થઇશ
અને તમારું રક્ષણ કરવા આવીશ,
કારણ કે ગરીબો લૂટાયા
તેને લીધે તેઓ નિસાસા લઇ રહ્યાં છે.
તેઓને જે સુરક્ષાની જરૂર છે તે હું તેમને આપીશ.”
6 યહોવાના શબ્દો સાત વખત
ભઠ્ઠીમાં તપાવેલી
ચાંદી જેવા સાચા અને પવિત્ર છે.
7 હે યહોવા, તેઓને સંભાળજો;
આ દુષ્ટ પેઢીથી તેમને સદાય બચાવજો.
8 દુષ્ટ લોકો શિકારની શોધમાં ચારેબાજુ ફરતાં હોય છે.
અને લોકોમાં આવા નકામાં લોકોને માન મળે છે.
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 હે યહોવા, ક્યાં સુધી તમે મને ભૂલી જશો?
શું સદાને માટે?
હું નિ:સહાય છું, તમે ક્યાં સુધી મારાથી મુખ ફેરવશો?
2 આખો દિવસ મારું હૃદય દુ:ખથી ભરાઇ ગયું છે અને હું મારી જાતને પૂછયા કરું છું:
જો તમે મને ભૂલી ગયા હો તો કયાં સુધી મારે વિચારવું કે તમે મને ભૂલી ગયા છો?
કયાં સુધી મારા હૃદયમાં આ દુ:ખનો અનુભવ કરવો?
કયાં સુધી મારા દુશ્મનો મને જીતતા રહેશે?
3 હે યહોવા, મારા દેવ, ધ્યાન દઇ અને મારા સવાલોના જવાબ આપો.
જ્યાં સુધી હું મૃત્યુનિંદ્રામાં ન પડું ત્યાં સુધી મારી આંખોમાં જયોતિ પ્રગટાવો.
4 શત્રુઓને કહેવા દેશો નહિ કે, અમે તેની ઉપર વિજય મેળવ્યો છે.
મારી હાર જોવામાં તેઓને રાજી ન કરતાં.
5 મેં હંમેશા તમારી કૃપા પર ભરોસો રાખ્યો છે.
તમારી પાસેથી મુકિત મેળવવામાં મારા હૃદયને આનંદ મળશે.
6 યહોવા સમક્ષ હું ગાયન ગાઇશ,
કારણ યહોવાએ મારા પર કૃપા કરી છે.
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 મૂર્ખ, દુષ્ટ માણસ માને છે: “દેવ છે જ નહિ.”
તે માણસ ષ્ટ અને અનૈતિક છે.
તેવા માણસો દુષ્ટ, તિરસ્કારપાત્ર કૃત્યો કરે છે.
તેઓમાં કોઇ સત્કર્મ કરનાર નથી.
2 યહોવા સ્વર્ગમાંથી બધાંને જુએ છે એ જાણવા માટે,
કે કોઇ ડાહ્યાં લોકો છે
કે જેમને દેવની મદદની જરૂર છે.
3 પણ ના! ત્યાં કોઇ નથી.
બધાએ સાચો રસ્તો છોડી દીધો છે
અને યહોવાથી
દૂર થઇ ગયા છે.
4 તેઓ રોટલીની જેમ મારા લોકોને ખાય છે,
અને તે દુષ્કર્મો કરનારાઓ દેવને નથી જાણતા.
તેઓ નથી યહોવાને પ્રાર્થના કરતા કે નથી તેની ઉપાસના કરતાં.
5 જુઓ! તેઓ ભયભીત થઇ ગયા છે,
કારણ યહોવા, ન્યાયીઓની સાથે છે.
6 દુષ્ટ લોકો ગરીબ લોકોની શિખામણની મજાક ઉડાવે છે.
પણ ગરીબોને તો યહોવાનું રક્ષણ અને આશ્રય છે.
7 ભલે ઇસ્રાએલનું તારણ
સિયોન પર્વત પર આવે.
જ્યારે યહોવા ઇસ્રાએલીઓને તેમની સ્વતંત્રતા પાછી લાવી આપશે
ત્યારે યાકૂબ પ્રસન્ન થશે
અને ઇસ્રાએલ સુખી થશે.
3 તેમ છતાં સિદકિયાએ શેલેમ્યાના પુત્ર યહૂકાલને તથા માઅસેયાના પુત્ર યાજક સફાન્યાને યર્મિયા પાસે મોકલીને કહેવડાવ્યું કે, “તું અમારે માટે યહોવા આપણા દેવ પાસે પ્રાર્થના કર.”
4 એ વખતે યર્મિયાને લોકોમાં જવા આવવાની છૂટ હતી, હજી તેને કેદમાં નાખવામાં આવ્યો નહોતો; 5 દરમ્યાન ફારુનના લશ્કરે મિસરમાંથી કૂચ કરી, અને યરૂશાલેમને ઘેરો ઘાલીને પડેલા બાબિલવાસીઓએ, એની જાણ થતા જ ઘેરો ઉઠાવી લીધો.
6 પછી યહોવાનું વચન યર્મિયા પ્રબોધકની પાસે આ પ્રમાણે આવ્યું: 7 “ઇસ્રાએલના દેવ યહોવા આ પ્રમાણે કહે છે કે, ‘યહૂદિયાના જે રાજાએ તમને મારી પાસે પૂછવા મોકલ્યા, તેને કહો કે, જુઓ, તમને સહાય કરવાને ફારુનનું જે સૈન્ય મોકલ્યું છે, તે પોતાના મિસર દેશમાં પાછું જશે. 8 અને બાબિલવાસીઓ ફરી હુમલો કરશે. ઓ આ યરૂશાલેમ શહેર ને કબજે કરી એને બાળી મૂકશે.’ 9 આ હું યહોવા બોલું છું. ‘તમે પોતાની જાતને છેતરશો નહિ, એમ ન માનશો કે બાબિલવાસીઓ તમારા દેશમાંથી કાયમ માટે પાછા જશે. 10 જો તમે બાબિલના સમગ્ર સૈન્યનો નાશ કરો અને તેઓમાંના મુઠ્ઠીભર માણસો બચી જાય અને ઘાયલ થઇને પોતાના તંબુઓમાં રહે તોપણ તેઓ ઊઠશે અને તમને પરાજીત કરશે, અને આ નગરને બાળી નાખશે.’”
11 અને ત્યારે, ફારુનનું સૈન્ય ત્યાં પહોચવાના કારણે બાબિલના સૈન્યે યરૂશાલેમને છોડી દીધુ. 12 યર્મિયા યરૂશાલેમ છોડીને પોતાના કુટુંબીઓની મિલકતમાંથી પોતાના ભાગ લેવા બિન્યામીનના પ્રદેશમાં જવા ઊપડ્યો. 13 પરંતુ બિન્યામીનના દરવાજામાંથી યર્મિયા પસાર થતો હતો, ત્યારે હનાન્યાના પુત્ર શેલેમ્યાના પુત્ર ઇરિયા સંત્રીએ તેની ધરપકડ કરી અને કહ્યું કે, “તે બાબિલના પક્ષમાં જતો રહે છે અને તે રાજદ્રોહી છે.”
14 યર્મિયાએ કહ્યું, “ખોટી વાત છે, બાબિલવાસીઓ સાથે ભળી જવા માટે હું નથી જતો. આમ કરવાનો મારો કોઇ ઇરાદો નથી.” પરંતુ ઇરિયાએ તેનું કહ્યું માન્યું નહિ અને તેને પકડીને અમલદાર આગળ રજૂ કર્યો, અમલદારો યર્મિયા પર ક્રોધે ભરાયા. 15 તેમણે તેને ચાબુક મરાવી તેને મંત્રી યહોનાથાનના ઘરમાં કેદ પૂરી દીધો. 16 તેમણે તેના ઘરને કેદખાનામાં ફેરવી નાખ્યું હતું. તેમણે યર્મિયાને એક ધાતુના ટાંકામાં પૂરી દીધો અને લાંબા સમય સુધી તે ત્યાં જ રહ્યો.
17 સમય જતાં સિદકિયા રાજાએ ગુપ્ત રીતે મહેલમાં તેડી મંગાવ્યો. રાજાએ તેને પૂછયું કે, “આજના દિવસોમાં શું યહોવા તરફથી તને કોઇ સંદેશો મળ્યો છે?”
યર્મિયાએ કહ્યું, “હા, સંદેશો મળ્યો છે. બાબિલના રાજાથી તું હાર પામશે.” 18 ત્યારબાદ યર્મિયાએ રાજા સિદકિયાને પૂછયું, “મેં તમારું કે તમારા અમલદારોનું કે આ લોકોનું શું બગાડ્યું છે કે તમે મને કેદ કર્યો છે. 19 જે પ્રબોધકોએ તમને કહ્યું હતું કે, ‘બાબિલનો રાજા તમારા પર કે તમારા દેશ પર હુમલો નહિ કરે, તેઓ ક્યાં ગયા?’ 20 તેથી, મારા ધણી મારા રાજા, મહેરબાની કરીને મને સાંભળો, મારી નમ્ર વિનંતિ ધ્યાનમાં લો. મને પાછો મંત્રી યહોનાથાનને ઘેર ન મોકલશો, નહિ તો હું ત્યાં મરી જઇશ.”
21 જ્યારે રાજા સિદકિયાએ આજ્ઞા કરી કે, યર્મિયાને કેદમાં ન મોકલવામાં આવે, પરંતુ તેને રાજમહેલની જેલમાં રાખવામાં આવે અને નગરમાં રોટલી ખલાસ થઇ જાય ત્યાં સુધી તેને રોજ તાજી બનાવેલી રોટલી આપવામાં આવે. આમ થવાથી યર્મિયા રાજમહેલની જેલમાં રહ્યો.
13 તેથી જે વ્યક્તિની પાસે અન્ય ભાષા બોલવાની ક્ષમતા છે, તે પોતે જે બોલે છે તેનું તે સાચું અર્થઘટન કરી શકે તેવી તેણે પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ. 14 હું જો અન્ય ભાષામાં પ્રાર્થના કરું તો મારો આત્મા પ્રાર્થના કરે છે, પરંતુ મારું મન તો નિષ્ક્રિય છે. 15 તો મારે શું કરવું જોઈએ? હું મારા આત્મા સાથે પ્રાર્થના કરીશ. પણ હું મારા મન સાથે પણ પ્રાર્થના કરીશ. હું મારા આત્મા સાથે ગાઈશ. પણ હું મારા મન સાથે પણ ગાઈશ. 16 તમારા આત્મા થકી તમે દેવનો મહિમા ભલે ગાતા હો, પરંતુ એક વ્યક્તિ સમજ્યા વગર તમારી આભારસ્તુતિની પ્રાર્થનાને “આમીન”[a] નહિ કહી શકે. શા માટે? કારણ કે તે સમજતો નથી કે તમે શું કહી રહ્યા છો. 17 તમે સુંદર રીતે દેવની આભારસ્તુતિ કરતા હશો, પરંતુ ન સમજનાર વ્યક્તિ માટે તે મદદરૂપ નથી બનતું.
18 તમારા બધા કરતા વિવિધ પ્રકારની ભાષા બોલવાની મારી શક્તિ વિશેષ છે, તે માટે હું દેવનો આભારી છું. 19 પરંતુ મંડળીની સભામાં તો વિવિધ ભાષાના હજારો શબ્દો બોલવાને બદલે હું જેને સમજી શકું છું તેવા માત્ર પાંચ શબ્દો જ બોલીશ. હું મારી સમજ પ્રમાણે બોલવાનું પસંદ કરું છું કે જેથી હું બીજા લોકોને ઉપદેશ આપી શકું.
20 ભાઈઓ અને બહેનો, બાળકો જેવું ન વિચારશો. દુષ્ટતામાં બાળકો થાઓ. પરંતુ તમારી વિચારસરણીમાં તો પુખ્ત ઉંમરના માણસ જેવા જ બનો. 21 પવિત્રલેખમાં લખ્યું છે કે:
“જે લોકો જુદા પ્રકારની ભાષા બોલે છે
તેમની અને વિદેશીઓની વાણીનો ઉપયોગ કરીને
હું લોકોને ઉદબોધન કરીશ
પરંતુ તેમ છતાં આ લોકો મને કબૂલ કરશે નહિ.” (A)
પ્રભુ આમ કહે છે.
22 તેથી અન્ય ભાષા વિશ્વાસીઓને નહિપણ અવિશ્વાસીઓને ચિહનરુંપ છે; પણ પ્રબોધ વિશ્વાસીઓને નહિ પણ અવિશ્વાસીઓને ચિહનરુંપે છે. 23 ધારો કે આખી મંડળી ભેગી મળે અને સભામાં તમે બધા જુદી-જુદી ભાષાઓ બોલો, ત્યારે નહિ સમજનારા કે વિશ્વાસ વગરના કેટલાએક લોકો ત્યાં આવે તો તેઓ તમને કહેશે કે તમે ઘેલા છો. 24 પરંતુ ધારો કે તમે બધા પ્રબોધ કરી રહ્યા છો ત્યારે વિશ્વાસ વગરની બહારની કોઈ વ્યક્તિ ત્યાં આવે તો જ્યારે તમે પ્રબોધ કરી રહ્યા છો ત્યારે તે વ્યક્તિના પાપ તમે દર્શાવશો અને તમે બધા જે કહો છો તેનાથી તે વ્યક્તિનો ન્યાય થશે. 25 તે વ્યક્તિના હૃદયની રહસ્યમય વાત પ્રકાશમાં આવશે અને પરિણામે તે વ્યક્તિ નમન કરીને દેવનું ભજન કરશે અને કહેશે કે, “ખરેખર, દેવ તમારી સાથે છે.”
24 “ચેલો તેના ગુરુંથી મોટો નથી કે દાસ એના શેઠ કરતાં ચડિયાતો નથી. 25 ચેલાઓ પોતાના ગુરૂ જેવા બનવામાં અને દાસે તેના શેઠ જેવા બનવામાં સંતોષ માનવો જોઈએ. જો ઘરના ધણીને જ બાલઝબૂલ (શેતાન) કહેવામાં આવે તો પછી ઘરના બીજા સભ્યોને કેવા નામથી સંબોધશે!
પ્રભુથી ડરો, લોકોથી નહિ
(લૂ. 12:2-7)
26 “આથી લોકોથી ન ડરો કારણ કે જે કંઈક છુપાવેલું છે તે જાહેર કરવામાં આવશે. જે કંઈ ગુપ્ત છે તે પ્રગટ થશે. 27 હું તમને અંધકારમાં જે કહું છું તે તમે અજવાળામાં જાહેર કરો, અને મેં જે તમને કાનમાં કહ્યું, તે બધું તમે બધાજ લોકોને જાહેરમાં કહો.
28 “જેઓ તમારા દેહનો નાશ કરી શકે છે પરંતુ તમારા આત્માને મારી શક્તા નથી, તેવા લોકોથી બિલકુલ ન ડરો. ફક્ત પ્રભુથી જ ડરો. કારણ કે તે તમારા આત્માને અને શરીરને નરકમાં ધકેલી શકે છે. 29 એક પૈસામાં બે નાનાં પક્ષીઓ વેચાય છે પરંતુ તમારા બાપની ઈચ્છા વગર કોઈ એક પણ પક્ષી ધરતી પર નહિ પડી શકે. 30 દેવને તો ખબર છે કે તમારા માથા ઉપર વાળ કેટલા છે. 31 તેથી ડરો નહિ. તમારું મૂલ્ય તો એવાં નાનાં પક્ષીઓ કરતાં અધિક છે.
લોકોને તમારા વિશ્વાસ વિષે કહો
(લૂ. 12:8-9)
32 “જે કોઈ બીજા લોકોની સામે મારામાં વિશ્વાસની કબૂલાત કરશે તો, હું પણ આકાશમાંના બાપની આગળ એ મારો છે તેમ જાહેર કરીશ. 33 પરંતુ જ્યારે કોઈ માણસ બીજા લોકોની સામે મારામાં તેના વિશ્વાસને કબૂલ ન કરે, તો તેનો હું નકાર કરીશ. અને હું આકાશમાંના બાપની સમક્ષ તે મારો છે એવું જાહેર કરીશ નહિ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International