Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 105

યહોવાનો આભાર માનો, તેના નામની સ્તુતિ કરો.
    તેમનાં કૃત્યો લોકોમાં પ્રસિદ્ધ કરો.
યહોવા સમક્ષ ગાઓ, તેનાં સ્તોત્ર ગાઓ;
    તેમનાં સર્વ ચમત્કારોનું મનન કરો અને સૌને તે જણાવો.
તમે યહોવાનાં પવિત્ર નામનું અભિમાન કરો;
    યહોવાની આરાધના કરનારાઓ આનંદ કરો.
યહોવાને તથા તેના સાર્મથ્યને શોધો;
    સદા-સર્વદા તમે તેના મુખને શોધો.
તેણે જે આશ્ચર્યકારક કર્મો કર્યા છે તે તથા તેનાં ચમત્કરો
    અને તેનાં ન્યાયચુકાદા યાદ રાખો.
તમે લોકો દેવના સેવક ઇબ્રાહિમના વંશજો છો, તમે યાકૂબના વંશજો છો.
    અને તમે યહોવાની પસંદગીના લોકો છો.
તેઓ આપણા દેવ યહોવા છે;
    તેમના સાચાં નિર્ણયો સમગ્ર પૃથ્વીમાં પ્રસિદ્ધ છે.
તે પોતાનો કરાર સર્વદા યાદ રાખે છે;
    અને હજાર પેઢીઓને આપેલું વચન પાળે છે.
એટલે કરાર તેમણે ઇબ્રાહિમ સાથે કરેલો;
    અને તેમણે ઇસહાક પ્રત્યેની પ્રતિજ્ઞા લીધેલી,
10 તેમણે યાકૂબ માટેના નિયમ તરીકે, તેનું સ્થાપન કર્યું,
    અને તેમણે ઇસ્રાએલ માટે સર્વકાળનો કરાર બનાવ્યો.
11 તેમણે કહ્યું, “આ કનાન દેશ હું તમને આપીશ;
    અને તે સર્વદા તમારું પોતાનું વતન થશે.”
12 જ્યારે યહોવાએ આ કહ્યું તેઓ અલ્પ સંખ્યામાં હતાં
    તેઓ કનાન દેશમાં ફકત પ્રવાસીઓ તરીકે જ હતાં.
13 તેઓ એક દેશથી બીજે દેશ
    અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ફરતાં.
14 તેમણે તેઓ પર કોઇને દુર્વ્યવહાર કરવા દીધો નહિ;
    દેવે રાજાઓને તેમને ઇજા નહિ કરવાની ચેતવણી આપી.
15 દેવ કહે છે, “તેમણે ચેતવણી આપી;
    મારા અભિષિકતોને રંજાડશો નહિ;
    અને મારા પ્રબોધકોને તકલીફ આપશો નહિ.”
16 તેમણે કનાનની ભૂમિમાં દુકાળ આવવા દીધો;
    અને અન્નનો આધાર તેમણે તોડી નાખ્યો.
17 પછી તેમણે તેઓની પહેલાં યૂસફને મિસર મોકલ્યો,
    અને તેને ગુલામ તરીકે વેચ્યો.
18 બંદીખાનામાં તેઓએ તેના પગોએ સાંકળો બાંધી,
    અને તેઓએ લોખંડનો પટ્ટો તેના ગળે બાંધ્યો.
19 યહોવાના શબ્દે પૂરવાર કર્યુ કે તે યૂસફ સાચો હતો
    ત્યાં સુધી યૂસફ જેલમાં રહો.
20 પછી રાજાએ માણસો મોકલીને તેને છોડાવ્યો;
    અને લોકોના અધિપતિઓએ તેનો છુટકારો કર્યો.
21 પછી રાજાએ યૂસફને તેના મહેલનો તેમજ
    તેની સર્વ મિલકતનો વહીવટ સોંપ્યો.
22 અને યૂસફે રાજાના અમલદારોને સૂચનાઓ
    આપી વૃદ્ધ નેતાઓને સમજાવ્યું.
23 પછી યાકૂબ મિસરમાં આવ્યો;
    અને ત્યાં હામનાં દેશમાં પોતાના પુત્રોની સાથે રહ્યો.
24 દેવે તેમની વૃદ્ધિ કરી,
    અને તેમના દુશ્મનો કરતાં વધારે બળવાન કર્યા.
25 દેવે મિસરવાસીઓને ઇસ્રાએલીઓ વિરુદ્ધ કર્યા;
    અને મિસરવાસીઓએ તેનો ધિક્કાર કર્યો અને તેઓને ગુલામ બનાવ્યાં.
26 પણ યહોવાએ પોતાના સેવક મૂસાને તેના પ્રતિનિધિ તરીકે મોકલ્યો
    અને તેની સાથે તેમણે યાજક તરીકે પસંદ કરેલા હારુનને મોકલ્યો.
27 દેવે તેમને હામની ભૂમિ પર મોકલ્યા;
    ભયાવહ ચમત્કાર કરવા.
28 દેવે પૃથ્વી પર ખૂબ ગાઢ અંધકાર મોકલ્યો,
    છતાંય મિસરવાસીઓએ તેમને ધ્યાનથી સાંભળ્યાં નહોતા.
29 અને તેમણે તેમના દેશનાં સમગ્ર પાણીને લોહીમાં ફેરવી દીધું;
    અને સર્વ માછલાં મારી નાંખ્યા.
30 પછી દેશ પર અસંખ્ય દેડકા ચઢી આવ્યાં;
    તે રાજાનાં ખાનગી ઓરડામાં ઘૂસી ગયાં.
31 યહોવાએ આદેશ આપ્યો,
    અને જૂઓ મિસરમાં
    એક છેડાથી બીજા છેડા સુધી ફેલાઇ ગઇ.
32 તેણે વરસાદને બદલે કરા મોકલ્યા;
    અને વીજળીની સાથે ઘસી ગયા અગ્નિ.
33 તેમણે તેઓના દ્રાક્ષવેલાઓ તથા અંજીરીના ઝાડોનો નાશ કર્યો.
    અને તેમની આખી સરહદો પરનાં બધાં વૃક્ષો તોડી પાડ્યાં.
34 તેઓ બોલ્યા; અને ત્યાં અગણિત તીતીઘોડા
    તથા તીડો આવ્યા.
35 તેઓ તેઓના દેશની સર્વ વનસ્પતિ ખાઇ ગયાં;
    અને જમીનનાં બધાં ફળ ભક્ષ કરી ગયાં.
36 તેઓનાં દેશમાંના સર્વ પ્રથમજનિતને મારી નાખ્યા,
    દેવે તેમના બધા સૌથી મોટા પુત્રોને મારી નાખ્યા.
37 તેઓ તેમના લોકોને, તેમના સોના ચાંદી સાથે,
    સુરક્ષિત રીતે પાછા લઇ આવ્યાં
    અને તેઓમાંથી કોઇ નિર્બળ ન હતું.
38 તેઓ ગયાં ત્યારે મિસરવાસી આનંદ પામ્યાં;
    કારણકે તેઓ તેમનાથી ત્રાસ પામ્યા હતાં.
39 યહોવાએ મેઘસ્તંભથી તેઓ પર છાયા કરી;
    અને રાત્રે પ્રકાશ માટે અગ્નિસ્તંભ આપ્યો.
40 જ્યારે તેઓએ માંગ્યુ ત્યારે લાવરીઓે લાવ્યાં;
    અને આકાશમાંની માન્ના રૂપે રોટલીઓથી તૃપ્ત કર્યા.
41 તેમણે ખડક તોડ્યો એટલે ત્યાં પાણી નીકળ્યું;
    જે નદી થઇને સૂકી ભૂમિમાં વહેવા લાગ્યું.

42 તેમણે પોતાના સેવક ઇબ્રાહિમને આપેલા
    પોતાના વચનનું સ્મરણ કર્યુ.
43 તેઓ પોતાના લોકોને, પોતાના પસંદ કરેલાઓને,
    ખુશીથી પાછા લઇ આવ્યાં.
44 તેમણે તેઓને પરદેશીઓની ભૂમિ આપી;
    અને તે અન્ય લોકોએ બનાવેલી વસ્તુઓ તેમને વારસારૂપે મળી.
45 તેઓ ભરોસો કરે અને તેનાં વિધિઓનું પાલન કરે
    અને તેના માર્ગોને અનુસરે તેથી યહોવાએ આ કર્યુ;

હાલેલૂયા!

2 રાજાઓનું 18:28-37

28 પછી આશ્શૂરના આ સંદેશવાહકે પેલા કોટ પર ઊભેલા લોકો સાંભળે તે રીતે મોટા સાદે હિબ્રૂ ભાષામાં કહ્યું, “આશ્શૂરના રાજાધિરાજનો સંદેશ સાંભળો: 29 રાજા કહે છે, ‘હિઝિક્યાથી ભોળવાશો નહિ, એ તમને મારા હાથમાંથી કદાપિ બચાવી શકશે નહિ.’ 30 હિઝિક્યાને અનુમતિ ન આપશો કે, તે તમને યહોવા પર આધાર એમ કહીને રખાવે, ‘યહોવા ચોક્કસપણે આપણને બચાવશે અને આ નગરનું આશ્શૂરના રાજાના હાથે પતન નહિ થાય.’ 31 તમે હિઝિક્યા રાજાનું ચોક્કસ સાંભળશો નહિ, કારણકે આશ્શૂરનો રાજા કહે છે કે,

‘મારી સાથે સુલેહ કરો અને મારી પાસે આવો. પછી તમે દરેક તમારા પોતાના દ્રાક્ષના વાડાના અને અંજીરના ઝાડોના ફળનો આનંદ માણશો. અને તમારા પોતાના કૂંવાનું પાણી પીશો. 32 ત્યાં સુધી અહીં તમારા દેશમાં તમે શાંતિથી રહી શકો છો. ત્યાર પછી હું તમને તમારા દેશ જેવા જ એક દેશમાં લઇ જઇશ, અનાજ અને દ્રાક્ષારસનો દેશ, રોટલી અને દ્રાક્ષનીવાડીઓનો દેશ, જૈતુન અને મધનો દેશ-તમે આમ કરો જેથી તમે મરશો નહિ પણ જીવી જશો પણ જ્યાંરે હિઝિક્યા રાજા તમને કહે કે, “યહોવા તમને ઉગારશે તો તેને સાંભળશો નહિ.” 33 કોઈ પણ પ્રજાના દેવે મારા હાથમાંથી એના દેશને બચાવ્યો છે ખરો? 34 હમાથ અને આર્પાદના દેવો કયાં છે? કયાં છે સફાર્વાઈમ, હેના અને ઇવ્વાહના દેવો? એ દેવો સમરૂનને મારા હાથમાંથી છોડાવવા સમર્થ હતા ખરા? 35 આ બધા દેશોના દેવોમાંથી કયા દેશના દેવો પોતાના દેશને મારા હાથમાંથી છોડાવી શક્યા? તો કેવી રીતે યહોવા યરૂશાલેમને મારા હાથમાંથી છોડાવશે?’”

36 બધા લોકો મૂંગા રહ્યા, કોઈ એક શબ્દ પણ બોલ્યું નહિ. કારણ, રાજાએ હુકમ કર્યો હતો કે, “કોઈ એને જવાબ ન આપશો.”

37 મહેલોના મુખ્ય કારભારી હિલ્કિયાનો પુત્ર એલ્યાકીમ, મંત્રી શેબ્ના અને આસાફનો પુત્ર નોંધણીકાર યોઆહ, હિઝિક્યા રાજાની પાસે ગયા. તેઓએ નિરાશ થઇને પોતાનાં વસ્ત્રો ફાડયાં અને આશ્શૂરના રાજાના મુખ્ય સેનાપતિએ જે કહ્યું હતું તે તેને કહી સંભળાવ્યું.

1 કરિંથીઓ 9:1-15

હું સ્વતંત્ર માનવ છું! હું પ્રેરિત છું! મેં આપણા પ્રભુ ઈસુનાં દર્શન કર્યા છે. પ્રભુ પરત્વેના મારા કાર્યમાં તમે લોકો એક ઉદાહરણ છો. બીજા લોકો મને પ્રેરિત તરીકે કદાચ ન સ્વીકારે, પરંતુ તમે તો નિશ્ચિતરૂપે મને પ્રેરિત તરીકે સ્વીકારો છો. પ્રભુમાં હું પ્રેરિત છું તેનું તમે લોકો પ્રમાણ છો.

કેટલાએક લોકો મારી મૂલવણી કરવા માગે છે. તેથી તેઓને હું આ ઉત્તર પાઠવું છું: આપણને ખાવા-પીવાનો અધિકાર છે. શું નથી? યાત્રા દરમ્યાન વિશ્વાસી પત્નીને આપણી સાથે લાવવાનો આપણને અધિકાર છે. શું નથી? બીજા પ્રેરિતો, અને પ્રભુના ભાઈઓ અને કેફા બધા જ આમ કરે છે. બાર્નાબાસ અને હું જ ફક્ત એવા છીએ કે જેમણે આજીવિકા કમાવા માટે કશુંક કામ કરવું પડે. કોઈ પણ સૈનિક લશ્કરમાં તેની સેવા માટે તેનો પોતાનો પગાર તે પોતે ચૂકવતો નથી. કોઈ પણ વ્યક્તિ કદી દ્રાક્ષના બગીચા લગાવી તેમાંથી થોડી ઘણી દ્રાક્ષ પોતે ને ખાય તેમ બનતું નથી. કોઈ પણ વ્યક્તિ ટોળાંની સંભાળ રાખે ને થોડું દૂધ ન પીએ તેમ બનતું નથી.

ફક્ત મનુષ્યો જ આમ વિચારે છે તેમ નથી. દેવનું નિયમશાસ્ત્ર પણ આ જ બાબત કહે છે. હા, મૂસાના નિયમશાસ્ત્રમાં તે લખેલું છે કે: “જ્યારે પગરમાં અનાજને છૂટું પાડવા માટે બળદનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તેનું મોઢૂં બાંધી દઈને તેને અનાજ ખાતા ન અટકાવો.”(A) જ્યારે દેવે આમ કહ્યું, ત્યારે તે શું માત્ર બળદનો જ વિચાર કરતો હતો? ના. 10 તે ખરેખર આપણા વિષે વિચાર કરતો હતો. હા, તે શાસ્ત્ર આપણા માટે લખાયું છે. વ્યક્તિ કે જે ખેડે છે અને વ્યક્તિ કે જે અનાજને છૂટું પાડે છે તે તેમની મહેનત માટે તેમણે બદલાની આશા રાખવી જોઈએ. 11 અમે તમારામાં આધ્યાત્મિક બીજનું પ્રત્યારોપણ કર્યુ છે. અને તેથી આ જીવન માટે અમે થોડીક વસ્તુનો પાક લણી શકીએ. આ કઈ વધારે પડતી માગણી નથી. 12 બીજા લોકોને તમારી પાસેથી વસ્તુઓ મેળવવાનો હક્ક છે. તે અમને પણ જરુંરથી આ હક્ક છે. પરંતુ અમે આ અધિકારનો ઉપયોગ કરતા નથી. ના, અમે અમારી જાતે બધું સહન કરીએ છે કે જેથી કોઈને પણ ખ્રિસ્તની સુવાર્તાને અનુસરવામાં વિધ્નરુંપ ન બનીએ. 13 તમે ખરેખર જાણો છો કે જે લોકો મંદિરમાં કામ કરે છે તેઓ તેઓને આહાર મંદિરમાંથી મેળવે છે. અને જેઓ વેદી સમક્ષ સેવા કરે છે, તેઓ વેદીને ઘરાવેલા નૈવેદનો અંશ મેળવે છે. 14 જે લોકો સુવાર્તા પ્રગટ કરે છે, તેઓને માટે પણ આમ જ છે. પ્રભુનો આદેશ છે કે જે લોકો સુવાર્તા પ્રગટ કરે છે, તેઓને જીવન નિર્વાહ તેઓના આ કાર્ય થકી થવો જોઈએ.

15 પરંતુ આમાના કોઈ પણ અધિકારનો મેં ઉપયોગ કર્યો નથી અને આ વસ્તુ મેળવવાનો હું કોઈ પ્રયત્ન પણ કરતો નથી. તમને લખવાનો મારો આ હેતુ નથી. મને અભિમાન કરવાનું કારણ છીનવી લેવામાં આવે તેના કરતા તો હું મૃત્યુને પસંદ કરીશ.

માથ્થી 7:22-29

22 એ અંતિમ દિવસે ઘણા લોકો મને કહેશે, પ્રભુ અમે તારા માટે નથી બોલ્યા? તો શું અમે તારા નામે પ્રબોધ કર્યો નથી? અને તારા નામે ભૂતોને[a] કાઢયાં નથી? અને તારા નામે બીજા ઘણા પરાકમો કર્યા નથી? 23 પછી હું તેઓને કહીશ, ‘તમે અહીથી ચાલ્યા જાઓ, તમે ભૂંડા છો, મેં તમને કદી પણ ઓળખ્યા નથી.’

એક ડાહ્યો અને એક મૂર્ખ માણસ

(લૂ. 6:47-49)

24 “જે કોઈ વ્યક્તિ મારા વચનોને સાંભળે છે અને તે પ્રમાણે આચરણ કરે છે તે ખડક પર મકાન બાંધનાર ડાહ્યા માણસ જેવો છે. 25 ધોધમાર વરસાદ પડ્યો, પૂર આવ્યું અને તે ઘર પર વાવાઝોડું ફુંકાયું છતાં પણ તે ઘર તૂટી પડ્યું નહિ કારણ કે તેનો પાયો ખડક ઉપર બાંધેલો હતો.

26 “પરંતુ જે વ્યક્તિ મારા આ વચનોને ધ્યાનથી સાંભળે છે પરંતુ તે પ્રમાણે વર્તતો નથી તે રેતી પર ઘર બાંધનાર મૂર્ખ માણસ જેવો છે. 27 ધોધમાર વરસાદ આવ્યો, પૂર આવ્યું અને વાવાઝોડાના સપાટા લાગ્યા ત્યારે તે મકાન મોટા અવાજ સાથે જમીનદોસ્ત થઈ ગયું.”

28 ઈસુએ જ્યારે આ વચનો કહેવાનું પુરું કર્યુ, ત્યારે તેના ઉપદેશથી લોકો અચરત પામ્યા. 29 કારણ કે ઈસુ અધિકાર સાથે ઉપદેશ આપતો હતો, નહિ કે તેમના શાસ્ત્રીઓની જેમ.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International