Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 70-71

નિર્દેશક માટે. દાઉદનું એક ગીત. લોકોને યાદ રાખવા માટે.

હે દેવ, મારું રક્ષણ કરો; હે યહોવા,
    મને સહાય કરવાં દોડી આવો.
જેઓ મારો પ્રાણ લેવા ઇચ્છે છે,
    તેઓ નિરાશ થાઓ અને મુંજાઇ જાઓ.
    જેઓ મારું અનિષ્ટ ઇચ્છે છે
તેઓ પાછા પડો
    અને શરમ અનુભવો.
જેઓ મારી મશ્કરી કરે છે,
    તેઓ પોતાના પરાજયથી લજ્જિત થાઓ.
જેઓ તમારું મુખ શોધે છે,
    તેઓ તમારામાં આનંદ કરો અને હર્ષ પામો;
જેઓ તમારા તારણ પર પ્રેમ કરે છે
    તેઓ પોકારીને કહો કે દેવને મહાન માનો.

પણ હું તો દરિદ્રી અને લાચાર છું,
    હે યહોવા, ઝટ તમે મારી મદદે આવો;
તમે જ એકલાં મારા સહાયક તથા ઉદ્ધાર કરનાર છો;
    હે યહોવા, હવે જરાપણ વિલંબ ન કરો.

હે યહોવા, મેં તમારું શરણું લીધું છે.
    મને શરમિંદો કરશો નહિ.
મારા તરફ ન્યાયી થાઓ, અને મને મુકત કરો;
    મારી રક્ષા કરો, મારા તરફ વળો અને મારી તરફ કાન ધરી મારો ઉદ્ધાર કરો.
જ્યાં હું સદાને માટે રહી શકું તેવો ગઢ તમે થાઓ,
    તમે મને તારવાની આજ્ઞા કરી છે
કારણકે તમે મારા ખડક અને મારો ગઢ છો.
હે મારા દેવ, તમે મને દુષ્ટોના
    ઘાતકી અન્યાયી હાથોમાંથી બચાવો.
હે પ્રભુ, ફકત તમે જ મારી આશા છો!
    મેં બાળપણથી તમારો વિશ્વાસ કર્યો છે.
હું ગર્ભસ્થાનમાં હતો, ત્યારથી તમે મારા આધાર રહ્યાં છો.
    મારી માતાનાં ઉદરમાંથી મને કાઢનારા તમે જ છો.
    હે દેવ, હું હંમેશા તમારી સ્તુતિ ગાઇશ.
હું બીજા લોકો માટે એક ષ્ટાંત બન્યો છું.
    પણ તમે તો મારો શકિતશાળી આશ્રય છો.
તમારી સ્તુતિથી મારું મુખ ભરપૂર થશે,
    આખો દિવસ તમારા ગૌરવની ભરપૂર વાતો થશે.
વૃદ્ધાવસ્થા કાળે, મારી શકિત ખૂટે
    ત્યારે મને તરછોડી મારો ત્યાગ ન કરો.
10 મારા શત્રુઓ જેઓ મારી વિરુદ્ધ વાતો કરે છે,
    મારો પ્રાણ લેવાં તાકી રહ્યાં છે;
    તેઓ અંદરો અંદર મસલત કરે છે.
11 તેઓ કહે છે કે, “દેવે તેને તજી દીધો છે,
    આપણે પાછળ દોડીને તેને પકડી પાડીએ; કારણકે તેને છોડાવનારું કોઇ નથી.”
12 હે દેવ, મારાથી દૂર ન જશો;
    તમે મારી પાસે આવવાં ઉતાવળ કરો;
    અને મને સહાય કરો.
13 મારા આત્માનાં દુશ્મનો
    ફજેત થઇને નાશ પામો;
મને ઉપદ્રવ કરવાને મથનારાઓ નિંદા
    તથા અપમાનથી ઢંકાઇ જાઓ.
14 પણ હું તમારી નિત્ય આશા રાખીશ;
    અને દિવસે દિવસે અધિક સ્તુતિ કરીશ.
15 તમારાં ન્યાયીપણાનાં અને ઉદ્ધારનાં કૃત્યો મારું મુખ આખો દિવસ પ્રગટ કરશે.
    તેઓની સંખ્યા કેટલી મોટી છે
    તે હું જાણતો નથી.
16 હે પ્રભુ યહોવા, સર્વસમર્થ! હું આવીશ, અને તમારાં અદભૂત કાર્યોને પ્રગટ કરીશ!
    તમારા ન્યાયીપણા વિષે લોકોને જણાવીશ.
17 હે દેવ, મારા બાળપણમાં તમે મને શીખવ્યું છે,
    ત્યારથી હું તમારા ચમત્કારો વિષે જણાવતો રહ્યો છું.
18 હે દેવ, હું હવે ઘરડો થયો છું ને વાળ પણ સફેદ થયાં છે, ત્યારે મારો ત્યાગ ન કરશો.
    તમારા સર્વ ચમત્કારો વિષે હું નવી પેઢી અને તેનાં સંતાનોને જણાવું તે માટે મને સમય આપો.
19 હે દેવ, તમારું ન્યાયીપણું અતિશય ઉચ્ચ છે;
    હે દેવ, તમે મોટાં કામો કર્યાં છે;
    તમારા જેવો બીજો કોણ છે?
20 ઘણાં ખેદજનક સંકટો તમે અમને દેખાડ્યાં છે;
    તમે પૃથ્વીનાં ઊંડાણોમાંથી અમને પાછા કાઢી લાવશો;
    તમે અમને પુર્નજીવિત કરશો.
21 તમે મને અગાઉ કરતાંય વધારે માન આપશો,
    અને પાછા ફરીને મને દિલાસો પણ આપશો.
22 હું તમારું સિતાર સાથે સ્તવન કરીશ,
    હે મારા દેવ, હું તમારી સત્યતાનું સ્તવન કરીશ;
હે ઇસ્રાએલનાં પવિત્ર દેવ;
    હું વીણા સાથે તમારા સ્તોત્રો ગાઇશ.
23 હું તમારી સ્તુતિ કરીશ, ત્યારે મારા હોઠો હર્ષનો પોકાર કરશે,
    અને ઉદ્ધાર પામેલો મારો આત્મા અતિશય આનંદ પામશે.
24 મારી જીભ આખો દિવસ તમારી દયા અને તમારા ન્યાયીપણાની વાતો કરશે;
    જેઓ મને હાની પહોંચાડવા ઇચ્છે છે
    તેઓને લજ્જિત અને અપમાનિત કરાયાં છે.

ગીતશાસ્ત્ર 74

આસાફનું માસ્કીલ.

હે દેવ તમે અમને સદાને માટે શા માટે તજી દીધા છે?
    તમે તમારાં ઘેટાનાં ટોળા સામે હજી આજેય ગુસ્સામાં છો?
હે યહોવા, સ્મરણ કરો; પુરાતન સમયમાં તમે લોકોને પસંદ કરીને ખરીદ્યા.
    તમે લોકોને બચાવ્યાં અને તેમને તમારા પોતાના બનાવ્યા.
સ્મરણ કરો સિયોન પર્વત, જે જગાએ તમે રહો છો.
દેવ આવો અને આ પ્રાચીન ખંડેરમાંથી ચાલ્યા આવો.
    તમારા પવિત્રસ્થાનને શત્રુઓએ કેટલું મોટું નુકશાન કર્યુ છે!

તમે જ્યાં અમારી મુલાકાત લો છો,
    તે સ્થળમાં શત્રુ ગર્જના કરે છે; પોતાનો વિજય દર્શાવવા તેઓએ પોતાની ધ્વજાઓ ઊભી કરી છે.
તેઓ જંગલનાં વૃક્ષો પર
    કુહાડા ઉગામનારાઓના જેવા છે.
તેઓ તેનું તમામ નકશીદાર કામ
    કુહાડી-હથોડાથી તોડી નાખે છે.
તેઓએ તમારા પવિત્રસ્થાનને આગ લગાડી છે.
    તેઓએ તમારાં રહેઠાણનો નાશ કર્યો છે.
તેઓએ તેમને પોતાને કહ્યું હતું: “તેમને પૂરેપૂરા કચડી નાંખીએ.”
    તેઓએ દેશમાંના દેવના બધાં સભા સ્થાનોને બાળી મૂક્યાં.
અમે તમારા લોકો છીએને દર્શાવતી એક પણ નિશાની બચી નથી,
    નાશ પામ્યાં છે સર્વ પ્રબોધકો, આ સર્વનો અંત ક્યારે?
    કોણ કરી શકે?
10 હે દેવ, ક્યાં સુધી અમારા શત્રુઓ તમારા નામનું અપમાન કરશે?
    શું તમે તેઓને સદા આમ કરવા દેશો?
11 શા માટે તમે વિલંબ કરો છો?
    શા માટે તમારા સાર્મથ્યને અટકાવી રાખો છો?
    હાથ ઉગામીને તેઓ પર તમારો અંતિમ ઘા કરો.
12 પુરાતન કાળથી, દેવ મારા રાજા છે.
    તે પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી લોકોનું તારણ કરે છે.
13 તમે તમારા મહાન પરાક્રમ વડે રાતા સમુદ્રનાં બે ભાગ પાડ્યાં,
    વળી તમે પાણીમાં મહા મત્સ્યોનાં માથાં ફોડી નાખ્યાઁ.
14 પેલા પ્રચંડ પ્રાણીઓના માથાઓને ટૂકડે ટૂકડા કરીને ભાંગી નાખ્યા
    અને તેમના શરીરને રણનાં પ્રાણીઓને ખાવા માટે આપી દીધાં.
15 તમારા લોકોને પાણી પૂરુ પાડવાં, ઝરણાં અને નદીઓ સઘળે વહેવડાવી;
    નિરંતર વહેતી નદીઓને સૂકવીને તમે સૂકી ભૂમિનો રસ્તો તૈયાર કર્યો.
16 દિવસ અને રાત બંને તમારા છે,
    અને તમે જ સૂર્ય અને ચંદ્રનું સર્જન કર્યુ છે.
17 પૃથ્વીની સીમાઓ, સ્થાપન તમે જ કરી છે;
    ઉનાળો-શિયાળો ઋતુઓ પણ તમે બનાવી છે.
18 હે યહોવા, શત્રુઓ તમારી મશ્કરી કરે છે,
    મૂર્ખ લોકો તમારા નામનો તિરસ્કાર કરે છે,
    આ વસ્તુઓ યાદ રાખો.
19 હે યહોવા, તમારા હોલાનો જીવ હિંસક પ્રાણીઓનાં હાથમાં જવા દેશો નહિ;
    તમારા લોકોને ભૂલશો નહિ અને હિંસક પ્રાણીઓથી બચાવો.
20 હે યહોવા, તમે કરેલો કરારનું સ્મરણ કરો,
    આ દેશના અંધકારમય ભાગમાં હિંસા વ્યાપક બની છે.
21 હે દેવ, તમારા આ દુ:ખી લોકોનું સતત અપમાન થવા ના દેશો.
    દરિદ્રીઓ અને લાચારોને
    તમારું સ્તવન કરવાને કારણ આપો.
22 હે દેવ તમે ઉઠો, અને તમારી લડાઇમાં લડો!
    મૂર્ખો આખો દિવસ તમારું અપમાન કરે છે, તેનું સ્મરણ કરો.
23 જેઓ તમારી વિરુદ્ધ થયા છે અને નિત્ય ઊંચાને ઊંચા ચઢે છે તે તમારા શત્રુઓની ધાંધલ
    અને બરાડાઓને તમે ના વિસરશો.

1 રાજાઓનું 22:29-45

29 પછી ઇસ્રાએલનો રાજા અને યહૂદાનો રાજા યહોશાફાટ રામોથ-ગિલયાદ પર ચડાઈ કરવા ગયો. 30 ઇસ્રાએલના રાજાએ યહોશાફાટને કહ્યું, “હું વેશપલટો કરીને યુદ્ધમાં જઈશ; પણ તમે તમાંરા બાદશાહી પોશાક પહેરી રાખજો,” આમ ઇસ્રાએલનો રાજા વેશપલટો કરીને યુદ્ધમાં ગયો.

31 અરામના રાજાએ પોતાના રથદળના બત્રીસ સરદારોને આજ્ઞા આપી હતી કે, તેઓએ બીજા કોઈની સાથે નહિ પણ માંત્ર રાજા આહાબની સામે જ યુદ્ધ કરવું. 32 સારથિઓએ યહોશાફાટ રાજાને તેના રાજવી પોષાકમાં જોયો ત્યારે તેઓએ માંની લીધું કે, જેને આપણે માંરી નાખવાનો છે તે ઇસ્રાએલનો રાજા એ જ છે. તેથી તેઓ તેના પર હુમલો કરવા વળ્યા. પણ યહોશાફાટે જોરથી બૂમો પાડી, 33 પછી સારથિઓ સમજી ગયા કે આ ઇસ્રાએલનો રાજા નથી. અને તેમણે તેનો પીછો કરવો છોડી દીધો.

34 પરંતુ એક સૈનિકે અનાયાસે તીર છોડયું. એ તીર ઇસ્રાએલના રાજાને તેના બખ્તરના સાંધાની વચ્ચે વાગ્યું. તેથી આહાબે પોતાના સારથિને કહ્યું, “રથ ફેરવીને મને યુદ્ધભૂમિની બહાર લઈ જા. હું ઘવાયો છું,”

35 દિવસ ચડતો ગયો તેમ તેમ યુદ્ધ વધુને વધુ ભીષણ બનતું ગયું અને રાજા તેના રથમાં અરામીઓ તરફ મોં કરીને ઢળેલો પડ્યો હતો, તેના ઘામાંથી લોહી વહીને રથમાં ભેગું થતું હતું, સાંજ થતાં તેણે દેહ છોડયો. 36 દિવસને અંતે સૂર્યાસ્ત થતાંજ રાજાની લશ્કરી છાવણીમાં એક મોટો પોકાર થયો, “દરેક જણ પોતપોતાના દેશમાં પોતપોતાને ઘેર જાવ.”

37 રાજાના મૃતદેહને સમરૂનમાં લાવવામાં આવ્યો, ત્યાં તેને દફનાવવામાં આવ્યો. 38 સમરૂનના તળાવને તીરે બાજુમાં રથ ઘોવામાં આવ્યો. કૂતરાં તેનું લોહી ચાટી ગયાં અને હવે ત્યાં તો વારાંગનાઓ સ્નાન કરતી હતી આમ, યહોવાની વાણી સાચી પડી.

39 આહાબના શાસનના બીજા બનાવોની અને તેનાં કાર્યોની, તેણે બંધાવેલાં હાથીદાંતનાં મહેલની અને તેણે કિલ્લેબંધી કરાવેલા નગરો, તે સર્વ ઇસ્રાએલના રાજાઓના ઇતિહાસ નામક ગ્રથમાં લખાયેલું છે. 40 આમ, આહાબ, પિતૃલોકને પામ્યો અને તેના પછી તેનો પુત્ર અહાઝયા રાજા બન્યો.

યહૂદાનો રાજા યહોશાફાટ

41 ઇસ્રાએલના રાજા આહાબના રાજયના ચોથા વર્ષમાં આસાનો પુત્ર યહોશાફાટ યહૂદીયાઓનો રાજા થયો. 42 જયારે તે રાજા બન્યો, ત્યારે તેની ઉંમર 35 વર્ષની હતી અને તેણે યરૂશાલેમમાં 25 વર્ષ રાજય કર્યું. તેની માંનું નામ અઝૂબાહ હતું અને તે શિલ્હીની પુત્રી હતી. 43 તે તેના પિતા આસાને પગલે ચાલ્યો અને તેના માંગેર્થી ચલિત થયો નહિ. તેણે યહોવાને જે સારું લાગ્યું તે કર્યું.

44 પણ ઉચ્ચસ્થાનો નાશ કરવામાં આવ્યા નહોતા, અને લોકોએ ત્યાં ધૂપ બાળવાનું અને અર્પણો ચડાવવાનું ચાલું રાખ્યું હતું. 45 ઇસ્રાએલના રાજા સાથે યહોશાફાટ મિત્રતાથી શાંતિપૂર્વક રહ્યો.

1 કરિંથીઓ 2:14-3:15

14 જે વ્યક્તિ આત્મિક નથી તે દેવના આત્મા તરફથી આવતી બાબતોનો સ્વીકાર કરતી નથી. તે વ્યક્તિ તે બધી બાબતો મૂર્ખામી ભરેલી ગણે છે. તે વ્યક્તિ આત્માની બાબતો સમજી શકતી નથી, કારણ કે તે બાબતો આધ્યાત્મિક રીતે જ મૂલવી શકાતી હોય છે. 15 પરંતુ આધ્યાત્મિક મનુષ્ય પ્રત્યેક બાબતોની મૂલવણી કરવા માટે સક્ષમ હોય છે. બીજા લોકો તેને મૂલવી શક્તા નથી. 16 શાસ્ત્રલેખ કહે છે કે:

“પ્રભુનું મન કોણ જાણી શકે?
    પ્રભુએ શું કરવું તે કોણ તેને કહી શકે?” (A)

પરંતુ આપણી પાસે ખ્રિસ્તનું મન છે.

માનવોને અનુસરવું ખોટું છે

ભાઈઓ અને બહેનો, ભૂતકાળમાં હું તમારી સાથે વાતચીત નહોતો કરી શક્યો જે રીતે હું આધ્યાત્મિક માણસો સાથે વાતચીત કરું છું. મારે તમારી સાથે દુન્યવી માણસોની રીતે વાતચીત કરવી પડેલી-ખ્રિસ્તમાં બાળકોની જેમ. જે શિક્ષણ મેં તમને આપેલું તે દૂધ જેવું હતું, અને નક્કર આહાર જેવું ન હતું. મેં આમ કર્યુ કારણ કે નક્કર આહાર માટે તમે તૈયાર ન હતા. અને અત્યારે પણ તમે નક્કર આહાર માટે તૈયાર નથી. હજુ સુધી તમે આધ્યાત્મિક માનવી નથી. તમારામાં ઈર્ષ્યા અને વિવાદ છે. આ દર્શાવે છે કે તમે આધ્યાત્મિક બન્યા નથી. તમે તો દુન્યવી માણસો જેવું જ વર્તન કરો છો. તમારામાંનો એક કહે છે કે, “હું પાઉલને અનુસરું છું.” અને કોઈ વ્યક્તિ કહે છે કે, “હું અપોલોસને અનુસરું છું.” જ્યારે તમે આવી બાબતો કહો છો, ત્યારે તમે દુન્યવી માણસો જેવું જ વર્તન કરો છો.

શું આપોલોસ મહત્વપૂર્ણ છે? ના! શું પાઉલ મહત્વપૂર્ણ છે? ના! અમે તો ફક્ત દેવના સેવકો છીએ જેણે તમને વિશ્વાસ કરવામાં મદદ કરી. અમારામાંના પ્રત્યેક જણે દેવે અમને જે કામ સોંપ્યું હતું તે કર્યુ. મેં બીજ વાવ્યાં અને અપોલોસે તેને પાણી સિંચ્ચુ. પરંતુ દેવે તે બીજ અંકુરિત કર્યુ. તેથી જે વ્યક્તિ વાવણી કરે છે તે મહત્વપૂર્ણ નથી. અને જે વ્યક્તિ જળસિંચન કરે છે તે પણ મહત્વપૂર્ણ નથી. ફક્ત દેવ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે જ બીજને અંકુરિત કરે છે. જે વ્યક્તિ વાવે છે અને જે વ્યક્તિ જળ સિંચે છે તેમનો હેતુ તો સરખો જ છે. અને પ્રત્યેક વ્યક્તિને તેના કામનો બદલો મળશે. આપણે દેવ માટેના સહકાર્યકરો છીએ અને તમે દેવની માલિકીનું ખેતર છો.

અને તમે દેવની માલિકીનું મકાન છો. 10 એક કુશળ કારીગરની જેમ મેં મકાનનો પાયો નાખ્યો. આમ કરવા માટે મેં દેવે આપેલા કૃપાદાનનો ઉપયોગ કર્યો. બીજા લોકો તે પાયા પર બાંધકામ કરી રહ્યા છે. પણ દરેક વ્યક્તિએ તે કેવી રીતે બાંધે છે તેની કાળજી રાખવી જોઈએ. 11 પાયાનું તો ક્યારનું ય ચણતર થઈ યૂક્યું છે. કોઈ પણ વ્યક્તિ બીજો પાયો બનાવી શકે નહિ. પાયો કે જે ક્યારનો ય ચણાઈ ચૂક્યો છે તે ઈસુ ખ્રિસ્ત છે. 12 તે પાયા પર વ્યક્તિ સોનું, ચાંદી, સમૂલ્ય પથ્થર, લાકડું ઘાસ કે પરાળ વગેરેનો ઉપયોગ કરીને બાંધકામ કરી શકે. 13 પરંતુ પ્રત્યેક વ્યક્તિ જે કામ કરશે તે સ્પષ્ટપણે દેખાશે કારણ કે તે દિવસ તેને પ્રગટ કરશે. તે દિવસ[a] અગ્રિની જવાળાઓ સહિત પ્રગટ થશે અને અગ્રિ પ્રત્યેક વ્યક્તિના કાર્યને પારખશે. 14 જો કોઈ પણ વ્યક્તિનું મકાન તેના પાયા પર ટકશે તો તે વ્યક્તિને તેનો બદલો મળશે. 15 પરંતુ જો તે વ્યક્તિનું મકાન આગમાં બળી જશે તો તેને નુકશાન ભોગવવું પડશે. તે વ્યક્તિ બચી તો જશે પરંતુ તે અજ્ઞિમાંથી તેની જાતને બચાવ્યા જેવું હશે.

માથ્થી 5:1-10

ઈસુ લોકોને શિક્ષણ આપે છે

(લૂ. 6:20-23)

ઈસુએ ત્યાં ઘણા લોકોને જોયા. તેથી તે ટેકરીના ઊચા ભાગ ઉપર જઈ બેસી ગયો, ત્યાં તેની પાસે તેના શિષ્યો આવ્યાં. ઈસુએ લોકોને ઉપદેશ આપતા આ પ્રમાણે કહ્યું:

“જેઓ જાણે છે કે તેઓને આધ્યાત્મિક બાબતોની જરૂરિયાતો છે તેઓને ધન્ય છે.
    કારણ કે આકાશનું રાજ્ય તેમના માટે છે.
જેઓ શોક કરી રહ્યા છે તેઓને ધન્ય છે.
    કારણ કે તેઓને દેવ દિલાસો આપશે.
જેઓ નમ્ર છે તેઓને પણ ધન્ય છે.
    કેમ કે તેઓ પૃથ્વીનું વતન[a] પામશે.
બીજી કોઈપણ બાબત કરતાં જે યોગ્ય છે તે કરવાની જેઓની વધુ ઈચ્છા છે,
    તેઓને ધન્ય છે. કેમ કે તેઓની ઈચ્છા દેવ પૂર્ણ કરશે અને તેમને સંતોષ આપશે.
જેઓ દયાળુ છે તેઓને ધન્ય છે.
    કેમ કે તેઓના પ્રત્યે દયા દર્શાવવામાં આવશે.
જેઓના વિચારો શુદ્ધ છે તેઓને પણ ધન્ય છે.
    કારણ કે તેઓને દેવના દર્શન થશે.
જેઓ શાંતિ માટે કાર્ય કરે છે તેઓને પણ ધન્ય છે.
    કારણ કે તેઓ દેવના દીકરાં કહેવાશે.
10 સત્કર્મો કરવાને લીધે જેઓના ઉપર જુલ્મ ગુજારવામાં આવેલો છે તેઓને ધન્ય છે.
    કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International