Book of Common Prayer
દાઉદનું ગીત.
1 હે યહોવા, મારો ન્યાય કરો, હું સદા પ્રામાણિકપણે વત્ર્યો છું.
મારો યહોવા પરનો વિશ્વાસ કદાપિ ડગ્યો નથી.
મારી વિરુદ્ધના લોકોની સામે મને સર્વ આક્ષેપોમાંથી નિર્દોષ જાહેર કરો.
2 હે યહોવા, પૂરી તપાસ કરીને મારી પરીક્ષા કરો;
મારા અંત:કરણની ઇચ્છાઓને પણ કસોટીની એરણે ચઢાવી પરીક્ષા કરો.
3 કારણ, હું તમારી કૃપા મારી સગી આંખે નિહાળું છું.
અને હું હંમેશા સત્યો દ્વારા જીવી રહ્યો છું.
4 મેં ક્યારેય દુરાચારીઓની સંગત કરી નથી.
હું ક્યારેય નકામા લોકો સાથે જોડાયો નથી.
5 હું દુષ્ટોની સંગતને ધિક્કારું છું ને
દુષ્ટોની મંડળીમાં કદાપિ બેસીશ નહિ.
6 હું મારી નિર્દોષતા સાબિત કરવા મારા હાથ ધોઇશ;
હે યહોવા, એ પ્રમાણે જ હું વેદીની પ્રદક્ષિણા કરીશ.
7 હું આભારસ્તુતિનાં ગીત ત્યાં ગાઉં છું
અને તમારા સર્વ ચમત્કારી કર્મ પ્રગટ કરું છું.
8 હે યહોવા, મને પ્રિય છે તમારુ મંદિર,
અને તે જગા જ્યાં તમારુ ગૌરવ છે.
9 પાપીઓની સાથે મારો સર્વનાશ કરશો નહિ.
માણસોની સાથે મને મારી નાખશો નહિ.
10 તેઓ હમેશા ધૃણાજનક કૃત્યો કરે છે,
અને તેમના જમણા હાથ લાંચરુસ્વતથી ભરેલાં છે.
11 હે યહોવા, હું તેઓના જેવો નથી,
હું પ્રામાણિકપણાના માર્ગે ચાલું છું, મારા પર દયા કરી મારો બચાવ કરો.
12 યહોવાએ મને પડી જવા દીધો નથી,
માટે હું યહોવાની સ્તુતિ જનસમૂહમાં ગાઇશ.
દાઉદનું ગીત.
1 હે યહોવા, તમને મદદ માટે પ્રાર્થના કરૂં છું.
હે મારા ખડક, તમારા કાન બંધ રાખતો નહિ,
કારણકે તમે મારા મદદના
પોકાર નો જવાબ નહિ આપો તો
મારી ગણના કબરમાંના મૃત લોકો જેવી જ થશે.
2 હે યહોવા, મદદ માટેની મારી બૂમો સાંભળો.
તમારી પરમપવિત્રસ્થાન તરફ હું હાથ ઊંચા કરું છું;
અને તમારી સહાય માટે ખરા મનથી પ્રાર્થના કરું છું.
3 મને દુષ્ટતા કરનારા અને પાપીઓ વચ્ચે ધકેલી ન દેતા.
તે કુકમીર્ઓ તેમના પડોશીઓને “સલામ”[a] કરે છે
પરંતુ તેઓ તેમની વિરુદ્ધ
દુષ્ટતા કરવાની યોજના કરી રહ્યાં છે.
4 તમે તેમને તેમની દુષ્ટતા પ્રમાણે ફળ આપજો,
તેમને તેમની સર્વ દુષ્ટતાનો તમે બદલો વાળી આપજો;
જે ભારી શિક્ષાને તેઓ યોગ્ય છે, તમે તેમને તે શિક્ષા કરો.
5 તેઓ યહોવાની, તેમના મહાન કર્મોની
અને તેમના હાથનાં કામોની સંપૂર્ણ અવગણના કરે છે;
જૂનાં પુરાણાં મકાનની જેમ યહોવા તેઓને તોડી પાડશે
અને ફરી કદી સ્થાપિત કરશે નહિ.
6 યહોવાની સ્તુતિ થાઓ,
કારણ તેમણે મારા કાલાવાલા સાંભળ્યા છે.
7 યહોવા મારું સાર્મથ્ય અને ભયસ્થાનોમો મારી ઢાલ છે.
મારા હૃદયે તેમનો ભરોસો રાખ્યો છે, અને મને તેમની સહાય મળી છે.
મારા હૃદયમાં અત્યંત આનંદ થાય છે,
તેમની સ્તુતિ ગાઇને હું તેમનો આભાર માનું છુ.
8 યહોવા તેમનાં લોકોને મજબૂત બનાવે છે.
યહોવા તારણહાર છે, અને તેમના પસંદ કરેલાઓનું સાર્મથ્ય છે.
9 હે યહોવા, તમારા લોકોનો તમે ઉદ્ધાર કરો,
અને તમારા વારસાને આશીર્વાદ આપો.
વળી તેઓનું હંમેશા પાલનપોષણ કરી તમારા લોકોને ઊંચકી રાખો.
નિર્દેશક માટે. યહોવાના સેવક દાઉદનું ગીત.
1 દુષ્ટના ગહન હૃદયમાં પાપ તેને લલચાવે છે.
અને દુષ્ટ કાર્યો કરવા પ્રેરે છે;
તેના હૃદયમાં દેવનો ભય કે જે તેને પાપ કરતાં અટકાવે.
2 તે પોતાના મનમાં અભિમાન કરે છે કે,
મારો અન્યાય પ્રગટ થશે નહિ.
અને મારો તિરસ્કાર થશે નહિ.
3 તેના શબ્દો મૂલ્યહીન જૂઠાણા અને છેતરપિંડીવાળા છે.
તેણે ડાહ્યું અને ભલું રહેવાનું છોડી દીધું છે.
4 તે રાત્રે પલંગમાં જાગતો રહે છે અને કપટ કરવાની યોજના ઘડે છે;
તે અન્યાયના માર્ગમાં ઊભો રહે છે.
અને તે દુષ્ટતાથી કંટાળતો નથી.
5 હે યહોવા, તમારો સનાતન પ્રેમ આકાશ જેટલો વિશાળ છે,
અને તમારું વિશ્વાસપણું વાદળો સુધી પહોંચે છે.
6 તમારી નિષ્પક્ષતા ઊંચામાં ઊંચા પર્વતથી[a] પણ ઉંચી છે.
અને તમારો ન્યાય અતિ ગહન અને અગાથ છે.
તમે માનવજાત અને પ્રાણીઓનું રક્ષણ કરો છો.
7 હે યહોવા, તમારી અવિરત કૃપા કેવી અમૂલ્ય છે!
તમારી પાંખોની છાયામાં સર્વ માનવીઓ આશ્રય લે છે.
8 તમારા આશીર્વાદોથી તેઓને ખૂબજ તૃપ્તિ થશે,
તમારી સુખ-સમૃદ્ધિની નદીમાંથી તેઓ પાણી પીશે.
9 કારણ, તમારી પાસે જીવનનો ઝરો છે,
અને અમે તમારા અજવાળામાં પ્રકાશ જોઇશું.
10 હે યહોવા, જેઓ તમને સાચી રીતે ઓળખે છે, તેમના પર તમારી દયા બતાવવાનું ચાલુ રાખજો
અને જેમના હૃદય ચોખ્ખા છેં તેમની સાથે ન્યાયીપણું ચાલુ રાખજો.
11 મને ઘમંડીઓના પગ નીચે કચડાવા દેશો નહિ,
દુષ્ટ લોકોના હાથ મને હાંકી કાઢે નહિ તે તમે જોજો.
12 “જુઓ! અન્યાય કરનારાઓનું કેવું પતન થયું છે!
તેઓ એવા ફેંકી દેવાયા છે
કે પાછા ઊઠી શકશે નહિ.”
નિર્દેશક માટે. યદૂથૂન માટે. દાઉદનું ગીત.
1 મેં કહ્યું, “મારા આચાર વિચારની હું સંભાળ રાખીશ;
મારી જીભે હું પાપ કરીશ નહિ.
જ્યાં સુધી, દુષ્ટો મારી આસપાસ હશે
હું મારા મોઢા પર લગામ રાખીશ.”
2 સત્ય બોલવાનું હતું પણ હું બોલ્યો નહિ,
છાનોમાનો મૂંગો ઊભો રહ્યો;
ત્યારે મારી આંતરિક વ્યથા વધી અને મારો શોક વધી ગયો.
3 મારા હૃદયમાં આગ ભભૂકતી હતી,
અગ્નિ સળગી ઊઠયો મારા વિચારનો;
અને અંતે હું મારી જીભે બોલ્યો કે,
4 હે યહોવા, મને જણાવો કે પૃથ્વી પર મારું આયુષ્ય કેટલુ છે?
મારું જીવન કેવું ક્ષણભંગુર છે તે મને સમજાવો.
5 તમે મને જીવવા માટે ખૂબ ટૂંકો સમય આપ્યો છે!
મારું ટૂંકુ જીવન તમારી તુલનામાં કંઇ નથી.
પ્રત્યેક વ્યકિતનું જીવન ઝડપથી અદ્રશ્ય થઇ જતાં વાદળ જેવું છે.
6 મનુષ્યનું અસ્તિત્વ તો ફકત આરસીમાંનું પ્રતિબિંબ છે,
તે જે કરે છે તે મૂલ્યહીન છે.
તે સંપત્તિનો સંચય કરે છે પણ જાણતો નથી કે તેના મૃત્યુ પછી તે કોને મળશે?
7 હે પ્રભુ, મારે શું આશા હોય?
તમે જ મારી આશા છો.
8 હે યહોવા, મને મારા પાપોમાંથી ઉગારો,
દુષ્ટ માણસની જેમ મને તિરસ્કૃત ન થવા દો.
9 હે યહોવા, હું મૂગો રહ્યો છું,
હું તમારી સમક્ષ મારા મોઢેથી ફરિયાદ કરીશ નહિ;
કારણ, તમે જે કર્યુ છે એ હું જાણું છું.
10 હે યહોવા, હવે મને વધુ શિક્ષા ન કરશો,
તમારા પ્રબળ હાથના પ્રહારે હું ખરેખર નષ્ટ જેવોજ થઇ ગયો છું.
11 યહોવા, જીવન જીવવાનો સાચો રસ્તો શીખવવા માટે તમે જે લોકો ખોટાં કાર્યો કરે છે
તેને શિક્ષા કરો છો એ લોકો જે વસ્તુ ઇચ્છે છે અને જેની ઇચ્છા રાખે છે તેનો તમે નાશ કરો છો.
જેમ ઉધઇ કપડાનો નાશ કરે છે.
હા, અમારાં જીવન એક નાના વાદળ જેવાં છે.
જે જલ્દી અદ્રશ્ય થઇ જાય છે.
12 હે યહોવા, મારી પ્રાર્થના ધ્યાનથી સાંભળો.
મારા આંસુઓની અવગણના ન કરશો,
આ જીવનમાં હું તમારી સાથે એક યાત્રી જેવો છું,
મારા પિતૃઓની જેમ
હું અહી એક કામચલાઉ વતની છું.
13 મૃત્યુ પછી હું પૃથ્વી પરથીજાઉ તે પહેલાં તમારી વેધક દ્રૃષ્ટી મારા પરથી દૂર કરો;
જેથી ખરેખર બળ પામું ને ફરીથી આનંદ પામું.
65 આમ, સુલેમાંને અને તેની સાથે બધાં ઇસ્રાએલીઓએ ઉત્તરમાં હમાંથની ઘાટીથી તે દક્ષિણમાં મિસરની હદ સુધીનાં આખા સમુદાયે સાત દિવસ સુધી મંદિરનું સમર્પણ ઉજવ્યું. 66 આઠમે દિવસે રાજાએ લોકોને વિદાય કર્યા, અને તેઓ રાજાને આશીર્વાદ આપીને, યહોવાએ પોતાના સેવક દાઉદનું અને પોતાના ઇસ્રાએલી લોકોનું જે કલ્યાણ કર્યુ હતું તેથી આનંદ અને હર્ષથી છલકાતાં હૈયે તેઓ પોતપોતાને ઘેર ગયા.
દેવનુ સુલેમાંન પાસે ફરી આગમન
9 સુલેમાંન જયારે યહોવાનું મંદિર અને રાજમહેલ તથા અન્ય જે જે બાંધવાની એમની ઉત્કંઠા હતી તે બધું પૂરું કર્યુ. 2 ત્યારે યહોવાએ તેને જેમ ગિબયોનમાં દર્શન દીધા હતા, તેમ બીજી વાર દર્શન આપ્યાં. 3 યહોવાએ તેને કહ્યું,
“મેં તારી પ્રાર્થના અને અરજ સાંભળી છે, તેં બંધાવેલું આ મંદિર હું પુનિત કરું છું. જેથી માંરું નામ હમેશાં ત્યાં હશે. માંરું હૃદય અને માંરી દૃષ્ટિ નિરંતર હું ત્યાં રાખીશ. 4 અને જો તું તારા પિતા દાઉદની જેમ તારૂં કામ નીતિમત્તાથી કરીશ અને પ્રામાંણિકતાથી વર્તીશ અને માંરા આદેશો, કાનૂનો અને નિયમોને અનુસરીશ તો. 5 મેં જે રીતે તારા પિતા દાઉદને કહ્યું છે તેમ ઇસ્રાએલ પર હંમેશ માંટે તારા દ્વારા શાસન કરાવડાવીશ. મેં તેને કહ્યું હતું કે, તારા વંશજોમાંનો એક હંમેશા ઇસ્રાએલની રાજગાદી પર બેસશે.
6 “પણ તમે કે તમાંરા વંશજો માંરાથી વિમુખ થઈ જશો અને તમાંરી સમક્ષ રજૂ કરેલા વિધિઓ અને આજ્ઞાઓનું પાલન નહિ કરો અને જો તમે અન્ય દેવોની સેવાપૂજા કરશો, 7 તો હું ઇસ્રાએલીઓને જે ભૂમિ આપી છે તેમાંથી તેમને હાંકી કાઢીશ; મંદિર કે જેને મેં માંરી ખ્યાતિ માંટે સમર્પિત કરેલું તેનો ત્યાગ કરીશ અને બધા ઇસ્રાએલીઓ બીજા બધા રાષ્ટ્રો માંટે એક મહેણાંટોણાં અને ધૃણાનું કારણ બનશે; 8 તથા આ મંદિર ખંડેર બની જશે, અને જતા આવતા સૌ કોઈ એને જોઈને આશ્ચર્યથી પૂછશે, ‘યહોવાએ આ ભૂમિના અને આ મંદિરના આવા હાલ શા માંટે કર્યા?’ 9 અને તેમને પ્રત્યુત્તર મળશે, ‘કારણ, આ લોકોએ જેના પિતૃઓને મિસરમાંથી તેમના દેવે બહાર કાઢયા હતાં તેને છોડી દીધો છે અને બીજા દેવોને સ્વીકાર કરીને તેમની આરાધના કરવાનું શરૂં કર્યુ છે. એ જ કારણથી યહોવાએ આ બધી વિપત્તિ તેમના પર મોકલી દીધી છે.’”
વિશ્વાસ અને સારા કાર્યો
14 મારા વહાલા ભાઈઓ અને બહેનો, કોઈ કહે કે તેને વિશ્વાસ છે, પણ તે પ્રમાણે વર્તનમાં ન મૂકે, તો શો ફાયદો? શું એવો વિશ્વાસ તેનો ઉદ્ધાર કરી શકે? ના! 15 ખ્રિસ્તમાં કેટલાએક ભાઈઓ અને બહેનોને દિવસ દરમ્યાન કપડા પહેરવા ન મળે અને રોજનો પૂરતો ખોરાક ન હોય. 16 અને તમારામાંનો કોઈ તેઓને કહે કે, “દેવ તમારી સાથે રહો, શાંતિથી જાઓ, તાપો અને તૃપ્ત થાઓ;” છતાં શરીરને જે જોઈએ તે ખોરાક કે કપડાં ન આપો તો તમારા શબ્દો નકામાં છે. 17 એવું જ વિશ્વાસ માટે છે, વિશ્વાસમાં જો કરણી ન હોય, તો તે તેની જાતે મૃતપ્રાય છે, વિશ્વાસ એકલો પૂરતો નથી, કારણ કે કરણીઓ વિનાનો વિશ્વાસ એ વિશ્વાસ નથી.
18 કોઈ વ્યક્તિ કહેશે કે, “તને વિશ્વાસ છે, પણ મારી પાસે કરણીઓ છે.” હું તેને જવાબ આપીશ કે, તારી પાસે જે વિશ્વાસ છે તે મારી કરણીઓ વિના મને બતાવ અને હું મારો વિશ્વાસ મારી કરણીઓથી તને બતાવીશ. 19 દેવ એકજ છે એવું તમારું માનવું તે સારું છે! ભૂતો પણ એવો જ વિશ્વાસ કરે છે! અને તેઓ બીકથી ધ્રુંજે છે.
20 ઓ મૂર્ખ માણસ! શું તારે જાણવું છે? વિશ્વાસ વગરનું કામ વ્યર્થ છે તેની આજ્ઞા પ્રમાણે કામ ન કરવું તે પણ નકામું છે. 21 આપણા પૂર્વજ ઈબ્રાહિમે જ્યારે પોતાના પુત્ર ઈસહાકને યજ્ઞવેદી પર બલિદાન માટે આપ્યો. તેના એ કાર્યને લીધે તેને ન્યાયી ઠરાવવામાં આવ્યો. 22 તું જુએ છે કે, ઈબ્રાહિમ વિશ્વાસને લીઘે બધુજ કરવા તૈયાર હતો. તેનાં સારા કાર્યોથી તેનો વિશ્વાસ સંપૂર્ણ કરાયો. 23 આ શાસ્ત્રનો અર્થ સમજાવે છે કે: “ઈબ્રાહિમે દેવ પર વિશ્વાસ કર્યો. અને દેવે ઈબ્રાહિમના વિશ્વાસને સ્વીકાર્યો, તે વિશ્વાસે ઈબ્રાહિમને દેવની નજરમાં ન્યાયી ઠરાવ્યો.”(A) ઈબ્રાબિમને “દેવનો મિત્ર”(B) કહેવામા આવ્યો. 24 તેથી તમે જુઓ માણસ તેના વિશ્વાસ એકલાથી નહિ પરંતુ સારી કરણીઓથી માણસને ન્યાયી ઠરાવવામાં આવે છે.
25 તે જ પ્રમાણે રાહાબ વેશ્યાનું ઉદાહરણ છે. જાસૂસોનો સત્કાર કર્યો અને બીજે માર્ગેથી સુરક્ષિત બહાર મોકલી દીધા. આમ તેણે જે કાંઇ કર્યું છે તેથી તેને ન્યાયી ઠરાવવામાં આવી.
26 કારણ કે જે રીતે શરીર આત્મા વિના નિર્જીવ છે, તે જ રીતે વિશ્વાસ પણ કરણીઓ વગર નિર્જીવ છે!
તે ઈસુને જાણે છે તેવું કહેવામાં પિતરનો ડર
(માથ. 26:69-75; લૂ. 22:56-62; યોહ. 18:15-18, 25-27)
66 તે સમયે પિતર હજુ પણ ચોકમાં હતો. પ્રમુખ યાજકની એક દાસી પિતર પાસે આવી. 67 તે દાસીએ પિતરને અગ્નિથી તાપતા જોયો. તે પિતરને નજીકથી જોવા લાગી. પછીથી તે દાસીએ કહ્યું, “તું નાઝરેથના માણસ ઈસુ સાથે હતો.”
68 પરંતુ પિતરે કહ્યું કે તે કદી ઈસુ સાથે ન હતો. તેણે કહ્યું, “તું શાના વિષે વાતો કરે છે તે હું જાણતો કે સમજતો નથી.” પછી પિતર વિદાય થયો અને ચોકના પ્રવેશદ્ધાર તરફ ગયો.
69 દાસીએ પિતરને ત્યાં જોયો. ફરીથી તે દાસીએ લોકોને જેઓ ત્યાં ઊભા હતા તેઓને કહ્યું, “આ માણસ પેલા લોકોમાંનો એક છે જે ઈસુની પાછળ ગયો છે.” 70 ફરીથી પિતરે કહ્યું, તે સાચું નથી.
થોડાક સમય પછી કેટલાક લોકો પિતરની નજીક ઊભા હતા, તે લોકોએ કહ્યું, “તું તે લોકોમાંનો એક છે જે ઈસુને અનુસર્યો છે. તું ગાલીલથી ઈસુની જેમ જ આવ્યો છે.”
71 પછી પિતરે શાપ આપવાની શરૂઆત કરી. તેણે દ્રઢતાથી કહ્યું, “હું દેવના સોગન ખાઇને કહું છું કે આ માણસને હું ઓળખતો નથી.”
72 પિતરના આમ કહ્યાં પછી મરઘો બીજી વાર બોલ્યો, પછી ઈસુએ તેને જે કહ્યું હતું તે પિતરે યાદ કર્યું. “મરઘો બે વાર બોલ્યા અગાઉ તું ત્રણ વખત કહીશ કે તું મને ઓળખતો નથી.” પછી પિતર ઘણો દિલગીર થયો અને તે પર મન લગાડીને રડ્યો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International