Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 66-67

નિર્દેશક માટે. સ્તુતિગીત.

હે સર્વ પૃથ્વીવાસી લોકો,
    તમે દેવ સંમુખ હર્ષના ગીત ગાઓ.
તેમનાં નામનાં ગૌરવની સ્તુતિ ગાઓ.
    સ્તુતિગાનથી તેમને મહિમાવાન કરો.
દેવને કહો, તમારા કામ કેવાં અદ્ભૂત છે!
    શત્રુઓ તમારા સાર્મથ્યથી તમારી આગળ નમે છે.
આખી પૃથ્વીની બધી પ્રજાઓ તમારી આગળ નમી જશે,
    અને તમારી ઉપાસના કરશે, તેઓ તમારા નામનાં ગૌરવની સ્તુતિ ગાશે.

આવો, અને દેવના મહાન કૃત્યો નિહાળો;
    કેવાં આશ્ચર્યકારક કાર્યો તેમણે લોકો માટે કર્યા છે!
સૂકવી નાખ્યો તેણે સમુદ્રને,
    તેનાં લોકોએ પગે ચાલીને નદી પાર કરી.
    ત્યાં અમે તેનામાં આનંદિત થયા.
તે પોતાના પરાક્રમથી સદાકાળ રાજ કરે છે;
    પ્રજાઓની સર્વ હિલચાલ તેની આંખો જુએ છે,
    બંડખોર પ્રજાજનો દેવ વિરુદ્ધ માથું ઊંચુ નહિ કરે.

હે પ્રજાજનો, આપણા દેવને,
    ધન્યવાદ આપો અને તેનાં સ્તવનનો ધ્વનિ સંભળાવો.
તે આપણા આત્માને જીવનમાં સુરક્ષિત રાખે છે,
    અને આપણા પગને લપસી જવા દેતાં નથી.
10 હે યહોવા, તમે અમારી કસોટી કરી છે;
    અમને ચાંદીની જેમ અગ્નિથી શુદ્ધ કર્યા છે.
11 તમે અમને તમારી જાળમાં પકડ્યાં છે;
    અને અમારી પીઠ પર ભારે બોજો મૂક્યો છે.
12 તમે અમારા શત્રુઓને અમારા ઉપર ચાલવા દીધાં,
    અમને અગ્નિ અને પાણીમાંથી ચાલવું પડ્યું;
    પણ તમે અમને અંતે સંપત્તિ અને સમૃદ્ધિનાં સ્થળે લઇ આવ્યા.
13 દહનાર્પણો લઇને હું તમારા મંદિરમાં આવીશ,
    હું તમારી સંમુખ માનતાઓ પૂર્ણ કરીશ.
14 હું સંકટમાં હતો ત્યારે
    મેં તમારી સમક્ષ પ્રતિજ્ઞાઓ લીધી હતી.
15 તેથી હું તમારી પાસે આ પુષ્ટ બકરાં,
    ઘેટાં અને વાછરડાં લાવ્યો છું;
તમારી સમક્ષ દહનાર્પણોની ધૂપ પહોંચશે.

16 હે દેવનાં ભકતો, તમે સર્વ સાંભળો;
    તેમણે મારા હકમાં જે કાંઇ કર્યુ છે તે હું તમને કહીશ.
17 મેં મારા મુખે તમને અરજ કરી,
    અને મારી જીભે તેમનું સ્તવન કર્યુ.
18 જો હું મારા હૃદયમાઁ દુષ્ટતા કરવાનો ઇરાદો
    રાખું તો યહોવા મારું નહિ સાંભળે.
19 પણ દેવે ચોક્કસ મારું સાંભળ્યું છે,
    અને મારી પ્રાર્થના પર કાન ધર્યા છે.
20 સ્તુતિ હો દેવની,
    તેમણે મારી પ્રાર્થના નકારી કાઢી નથી,
    કે મારા પરની કૃપા તેમણે અટકાવી નથી.

નિર્દેશક માટે. વાજીંત્રો સાથે સ્તુતિનું ગીત.

હે દેવ, અમારા પર કૃપા કરો, અને આશીર્વાદ આપો;
    ને અમારા પર તમારા મુખનો પ્રકાશ આવવા દો.

જેથી પૃથ્વી પરનો પ્રત્યેક વ્યકિત તમારા માર્ગો વિષે ભલે શીખે.
    ભલે બધીજ પ્રજાઓ તમારા તારણની શકિત વિષે જાણે.
હે દેવ, લોકો તમારી આભારસ્તુતિ કરે;
    સર્વ લોકો તમારી આભારસ્તુતિ કરે.
પ્રજાઓ આનંદ કરશે અને હર્ષથી ગાશે;
    કારણ, પૃથ્વી પરની પ્રજાઓ ઉપર તમે રાજ કરશો;
    અને લોકોનો અદલ ઇન્સાફ કરશો.
હે દેવ, લોકો તમારી આભારસ્તુતિ કરે;
    હે પ્રજાઓ, તમે તેમનો આભાર માનો.
પૃથ્વીએ આપણને તેનો વિપુલ પાક આપ્યો છે.
    હા, યહોવા આપણા દેવ આપણને આશીર્વાદ આપશે.
દેવ આપણને આશીર્વાદ આપશે,
    પૃથ્વીનાં સર્વ લોકો દેવનો ભય રાખો.

ગીતશાસ્ત્ર 19

નિર્દેશક માટે. દાઉદનું ગીત.

આકાશો દેવનાં મહિમા વિષે કહે છે.
    અંતરિક્ષ તેના હાથે સર્જન થયેલી અદ્ભુત વસ્તુઓ વિષે કહે છે.
પ્રત્યેક નવો દિવસ તેના સર્જનની સાચી વધારે વાતો કહે છે.
    દરેક રાત દેવના સાર્મથ્ય વિષે વધારે કહે છે.
ત્યાં વાણી નથી અને ત્યાં શબ્દો નથી.
    કોઇ અવાજ સંભળાતો નથી,
પણ તેમનો “અવાજ” આખી પૃથ્વી પર જાય છે,
    સમગ્ર જગત તેના છેડાઓ સુધી તેમના “શબ્દો” સાંભળે છે.

તેમણે સૂર્ય માટે એક મંડપ નાખ્યો છે.
    તે સૂર્ય પોતાના ઓરડામાંથી પરણવા નીકળતા વરરાજા જેવો છે,
તે દોડની સ્પર્ધાના આનંદિત,
    તેજસ્વી અને બળવાન ખેલાડી જેવો છે.
તે આકાશને એક છેડેથી નીકળી
    અને તેના બીજા છેડા સુધી પરિક્રમણ કરે છે.
    તેની ઉષ્ણતા પામ્યા વિના કોઇ બાકી રહી જતું નથી.

યહોવાના પવિત્ર વચનો સંપૂર્ણ છે.
    તે આત્માને તાજગી આપે છે.
યહોવાની સાક્ષી, ખરેખર વિશ્વાસપાત્ર છે.
    તે મૂર્ખને ડાહ્યાં થવા માટે મદદ કરે છે.
યહોવાના વિધિઓ યથાર્થ છે.
    તેઓ હૃદયને ભરપૂર આનંદ આપે છે.
યહોવાની આજ્ઞાઓ નિર્મળ છે.
    જે આંખોને પ્રકાશ આપે છે.

યહોવા માટેનો ભય શુદ્ધ
    અને અનાદિ છે.
યહોવાના ઠરાવો નિષ્પક્ષ અને સાચા છે.
    તેઓ સંપૂર્ણપણે ન્યાયી છે.
10 તે શુદ્ધ સોના કરતાં પણ વધુ પસંદ કરવા યોગ્ય છે.
    વળી મધપૂડાનાં ટીંપાં કરતાંય તે ખરેખર વધારે મીઠાં છે.
11 કારણ, તમારો ઉપદેશ તેના સેવકોને ચેતવણી આપે છે
    અને જેઓ તેનું સદા પાલન કરે છે તેઓને સફળતા આપે છે.
12 મારા હૃદયમાં છુપાયેલા પાપોને હું જાણી શકતો નથી,
    છાની રીતે કરેલા પાપોમાંથી મને શુદ્ધ કરો અને મુકત કરો.
13 મને કોઇનું ખરાબ કરવાના વિચારો અને પાપથી દૂર રાખો અને તેમ કરતા અટકાવો.
    મને ખરાબ કાર્ય ન કરવા માટે તમે સહાય કરો.
ત્યારે જ હું દોષમુકત અને પૂર્ણ થઇશ
    અને મહાપાપ કરવામાંથી બચી જઇશ.
14 હે મારા રક્ષક અને ઉદ્ધારક યહોવા;
    મારા મુખના શબ્દો, તથા હૃદયનાં વિચારો તમારી સમક્ષ માન્ય રાખો.

ગીતશાસ્ત્ર 46

નિર્દેશક માટે. કોરાહના કુટુંબનું ગીત. અલામોથ સાથે ગાવાનું.

દેવ આપણો આશ્રય તથા આપણું સાર્મથ્ય છે;
    આપણે અનુભવ કર્યો છે કે,
સંકટ સમયનાં તેઓ સાથી,
    ત્વરિત મદદ કરનાર હાજરાહજૂર છે.
માટે જ્યારે પૃથ્વી પર ભારે ધરતીકંપ થાય,
    અને પર્વતો તૂટી ને સમુદ્રમાં પડે, તો પણ આપણે સૌએ ડરવાની જરૂર નથી.
ભલે સમુદ્રનાં પાણી વિશાળકાય મોજાથી ગર્જના કરે,
    ને પર્વતો ધ્રુજી ઉઠે.

ત્યાં એક નદી છે અને ઝરણાંઓ છે જે દેવનાં નગર પરાત્પર
    દેવના પવિત્રસ્થળમાં સુખને વહેતું રાખે છે.
દેવ સ્વયં તે નગરમાં વસે છે.
    દેવ પરોઢિયે તેની સહાય કરશે,
    તેથી નગરનું પતન ક્યારેય નહિ થાય.
ભયથી ધ્રુજશે વિદેશીઓ, અને ડગમગી જશે રાજ્યો;
    જ્યાં યહોવા ગર્જના કરશે એટલે પૃથ્વી ગઇ પીગળી.

આપણી સાથે આકાશી સૈન્યોના અધિકારી યહોવા છે;
    આપણો આશ્રય યાકૂબનાં દેવ આપણી રક્ષા કરે છે.

આવો અને યહોવાના પરાક્રમો જુઓ.
    તેમણે કરેલાં પ્રભાવશાળી કાર્યો જુઓ.
તે પૃથ્વીના છેડાઓ સુધી યુદ્ધોને બંધ કરી દે છે,
    ધનુષ્યને ભાંગી નાખે છે, ભાલાને કાપી નાખે છે;
    અને રથોને અગ્નિથી સળગાવી દે છે.
10 દેવ કહે છે, “લડાઇ બંધ કરો, નિશ્ચૈ જાણો,
    કે હું દેવ છું, સવેર્ રાષ્ટ્રો મારો આદર કરશે.
    અને હું પૃથ્વી પર સૌથી મહાન માનવામાં આવીશ.”

11 સૈન્યોના યહોવા આપણી સાથે છે,
    યાકૂબનાં દેવ સદા આપણો બચાવ કરે છે.

2 શમુએલનું 13:1-22

આમ્નોન અને તામાંર

13 દાઉદના પુત્ર આબ્શાલોમને તામાંર નામે એક સુંદર રૂપાળી બહેન હતી. દાઉદનો પુત્ર આમ્નોન તેના પ્રેમમાં પડયો. આમ્નોનને તે ખૂબ સુંદર લાગી અને તામાંરની એવી મોહિની લાગી હતી કે તે માંદો પડયો, તામાંર કુમાંરિકા હતી અને આમ્નોનને તેને કંઈ અનિષ્ટ કરવાનું વિચાર્યુ નહિ પણ તેને તે જોઇતી જ હતી.

પરંતુ યોનાદાબ જે દાઉદના ભાઈ શિમઆહનો પુત્ર હતો, તે તેનો મિત્ર હતો, તે ઘણો પાક્કો હતો. એક દિવસે તેણે આમ્નોનને કહ્યું, “ઓ રાજકુમાંર, તું દિવસે દિવસે આમ સુકાતો કેમ જાય છે? તું રાજાનો પુત્ર છે મને મહેરબાની કરીને કહે તો ખરો?”

ત્યારે આમ્નોને કહ્યું, “હું માંરા ભાઈ આબ્શાલોમની બહેન તામાંરના પ્રેમમાં છું.”

યોનાદાબે કહ્યું, “હવે, શું કરવું તે હું તને કહીશ, તારા પલંગ પર સૂઈ જા, અને બિમાંર હોવાનો ઢોંગ કર. તારા પિતા તારી ખબર જોવા આવશે, અને જ્યારે તને જોવા આવે ત્યારે તેમને કહેજે કે, ‘માંરી બહેન તામાંરને માંરા માંટે રોટલી પકવવાનું કહો, જ્યારે હું જોઉં અને તે મને પોતે જ પીરશે.’”

આથી આમ્નોન માંદો હોવાનો ઢોંગ કરીને સૂઈ ગયો. રાજા દાઉદ તેને મળવા ગયો એટલે આમ્નોને તેને કહ્યું, “માંરી બહેન તામાંરને અહીં આવીને માંરા દેખતાં એક ભાખરી બનાવી, પોતાને હાથે મને ખવડાવવા દો.”

દાઉદ સહમત થયો અને તામાંરને સંદેશો મોકલ્યો કે, “તારા ભાઈ આમ્નોનને ઘેર જઈ તેના માંટે રસોઈ તૈયાર કર.”

તામાંર પોતાના ભાઈ આમ્નોનને ઘેર તેના શયનખંડમાં ગઈ, જેથી ભાખરી માંટે લોટ બાંધતા તે તેને જોઈ શકે. તેણે થોડો લોટ લીધો, ગૂંદ્યો અને તેના દેખતાં ભાખરી બનાવીને શેકી. પછી તેણે આમ્નોન આગળ થાળીમાં ભાખરી પીરસી, પણ તેણે ખાવાનો ઇન્કાર કર્યો, અને કહ્યું, “બધાને બહાર મોકલી દો.” એટલે બધા બહાર ચાલ્યા ગયા.

આમ્નોને તામાંર પર બળાત્કાર કર્યો

10 પછી તેણે તામાંરને કહ્યું, “હવે અહીં માંરા શયનખંડમાં ખાવાનું લઈ આવ, જેથી હું તારે હાથે ખાઈ શકું.”

આથી તામાંરે પોતે બનાવેલી ભાખરી અંદરના ઓરડામાં તેના ભાઈ આમ્નોન પાસે લઈ ગઈ. 11 તામાંર તેને ખાવાનું આપવા ગઈ ત્યારે આમ્નોને તેને પકડી લીધી અને કહ્યું, “આવ, મને પ્રેમ કર, માંરી સાથે સૂઈ જા.”

12 પણ તેણે કહ્યું, “ના, ભાઈ, મને નીચું જોવડાવશો નહિ આવું શરમજનક કરશો નહિ. ઇસ્રાએલમાં આ જાતની ભયંકર બાબત કદી થઇ નથી. 13 શરમની માંરી હું માંરું મોઢું કયાંય બતાવી શકીશ નહિ. અને તમે પણ ઇસ્રાએલમાં એક સામાંન્ય ગુનેગારમાં ખપશો. તમે રાજાને કહોને; મને તમાંરી સાથે પરણવા દે.”

14 પણ તેણે તેની વાત સાંભળી નહિ, તેણે તેના ઉપર બળાત્કાર કરી તેની લાજ લીધી. 15 પછી અચાનક આમ્નોનને તામાંર ઉપર તિરસ્કાર છૂટયો. પહેલાં એને માંટે જેટલો તેને પ્રેમ હતો હવે તેના કરતાં પણ વધારે તેના પ્રત્યે તિરસ્કાર થયો. તે બોલ્યો, “બેઠી થઈ જા અને અહીંથી તુરંત ચાલી જા.”

16 “ના, ભાઈ તે બોલી, આ રીતે મને કાઢી મૂકવી એ તમે અત્યારે કર્યુ એના કરતાં પણ વધુ ખરાબ છે.”

પણ તેણે એની વાત સાંભળી નહિ, 17 તેણે પોતાના અંગત નોકરને બોલાવીને હુકમ કર્યો, “આ સ્ત્રીને માંરા મોઢા આગળથી દૂર કર, એને બહાર કાઢ અને બારણું બંધ કરી દે.”

18 નોકરે તેને બહાર કાઢીને બારણું બંધ કરી દીધું.

તે દિવસોના રિવાજ મુજબ રાજાની કુંવરીઓ વિવિધ રંગના[a] લાંબા ઝભ્ભા પહેરતી હતી, તામાંરે પણ પહેર્યો હતો. 19 તામાંરે પોતાનાં વસ્ત્રો ફાડયાં, પોતાના માંથામાં રાખ નાખી અને બંને હાથ પોતાના માંથા ઉપર મૂકી જોરથી પોક મૂકી રડતી રડતી તે ચાલી ગઈ.

20 તેના ભાઈ આબ્શાલોમે તેને પૂછયું, “તારા ભાઈ આમ્નોને તને ઇજા પહોંચાડી છે? કોઈને કહેતી નહિ, માંરી બહેન. ગમે તેમ તો તે તારો ભાઈ છે. તે માંટે રડીશ નહિ.” આથી તામાંર કાંઇ કહી ન શકી અને પોતાના ભાઈ આબ્શાલોમના ઘરમાં રહી.

21 જયારે દાઉદે આખી વાત જાણી ત્યારે તેને ઘણો ક્રોધ ચડયો. 22 આબ્શાલોમે આ વિષે આમ્નોનને કશું કહ્યું નહિ, પરંતુ આમ્નોને પોતાની બહેન તામાંરનો બળાત્કાર કર્યો હતો તેને લીધે તેને આમ્નોન ઉપર ભારે તિરસ્કાર હતો.

રોમનો 15:1-13

15 આપણે સબળ વિશ્વાસુ છીએ. તેથી જે લોકો વિશ્વાસમાં નિર્બળ હોય તેવાને આપણે મદદ કરવી જોઈએ. એ લોકોની નિર્બળતાઓ સંભાળી લઈને આપણે એમને મદદ કરવી જોઈએ. આપણે આપણી જાતને ખુશ કરવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. આપણામાંના દરેકે બીજાને પણ ખુશ કરવા જોઈએ. એમને મદદ કરવા આપણે આમ કરવું જોઈએ. એમનો વિશ્વાસ દ્રઢ થાય એ માટે એમને મદદ કરવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. ખ્રિસ્ત પણ પોતાને ખુશ કરવાના પ્રયત્નમાં જીવન જીવ્યો ન હતો. તેના વિષે શાસ્ત્રમાં કહ્યું છે તેમ: “જે લોકોએ તારું અપમાન કર્યું છે, તેમણે મારું પણ અપમાન કર્યું છે.”(A) ભૂતકાળમાં જે બધું લખવામાં આવ્યું હતું તે આપણને ઉપદેશ આપવા અને આપણામાં આશા ઉપજાવવા લખાયું હતું. આપણને ઉદ્ધારની આશા મળે એ માટે એ બધું લખાયું હતું, શાસ્ત્રો આપણને જે ધીરજ અને શક્તિ આપે છે તેમાંથી આશા જન્મે છે. ધીરજ અને શક્તિનો સ્રોત દેવ છે. દેવને મારી પ્રાર્થના છે કે ખ્રિસ્ત ઈસુ ઈચ્છે છે તેમ તમને સૌને હળીમળીને સાથે રહેવામાં દેવ તમારી મદદ કરે. એમ કરવાથી તમે સૌ એક સૂત્રમાં બંધાશો. અને આમ તમે સૌ સાથે રહીને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા દેવને મહિમાવંત કરશો. ખ્રિસ્તે તમને સ્વીકાર્યા, તેવી રીતે તમારે એકબીજાને સ્વીકારવા જોઈએ. એમ કરવાથી દેવને મહિમા મળશે. મારે તમને એ કહેવું છે કે દેવ જે વચન આપે છે તે સત્ય છે, એમ બતાવવા ખ્રિસ્ત યહૂદિઓનો સેવક થયો. દેવે યહૂદિઓના પૂર્વજોને જે જે વચનો આપ્યાં હતાં તે દેવ કરી બતાવશે, એ સાબિત કરવા માટે ખ્રિસ્તે આમ કર્યુ. અને બિનયહૂદિઓ પણ દેવની દયાને માટે સ્તુતિ કરે. શાસ્ત્રમાં લખ્યું છે,

“માટે હું બિનયહૂદિઓમાં તારી સ્તુતિ કરીશ;
    અને તારા નામનાં સ્ત્રોત્ર ગાઈશ.” (B)

10 શાસ્ત્ર તો આમ પણ કહે છે:

“દેવના માણસોની સાથે સાથે સૌ
    બિનયહૂદિઓએ પણ આનંદિત થવું જોઈએ.” (C)

11 વળી શાસ્ત્ર આમ પણ કહે છે:

“તમે સૌ બિનયહૂદિઓ પ્રભુની સ્તુતિ કરો;
    અને સઘળાં લોકો પ્રભુનાં ગુણગાન ગાઓ.” (D)

12 અને યશાયા પ્રબોધક કહે છે:

“યશાઈના વંશમાંથી[a] એક વ્યક્તિ આવશે.
    તે વ્યક્તિ બિનયહૂદિઓ પર રાજ કરવાને આવશે;
    અને એ વ્યક્તિને કારણે બિનયહૂદિઓને આશા પ્રાપ્ત થશે.” (E)

13 હવે દેવ કે જેના પર તમે આશા રાખો છો, તે તમને તમારા વિશ્વાસને પૂર્ણ આનંદ અને શાંતિથી ભરી દો. જેથી કરીને તમે તે પવિત્ર આત્માના સાર્મથ્ય દ્વારા ભરપૂર આશાથી છલકાઈ જાઓ.

યોહાન 3:22-36

ઈસુ અને યોહાન બાપ્તિસ્મ

22 આ પછી, ઈસુ અને તેના શિષ્યો યહૂદાના પ્રદેશમાં આવ્યા. ત્યાં ઈસુ અને તેના શિષ્યો રહ્યા અને લોકોને બાપ્તિસ્મા આપતા હતા. 23 યોહાન પણ એનોનમાં લોકોને બાપ્તિસ્મા કરતો હતો. એનોન શાલીમની નજીક હતું. યોહાન ત્યાં બાપ્તિસ્મા કરતો હતો કારણ કે ત્યાં ખૂબ પાણી હતું. લોકો ત્યાં બાપ્તિસ્મા પામવા જતા હતા. 24 (યોહાનના બંદીખાનામાં કેદ થયા પહેલા આ બન્યું હતું.)

25 યોહાનના શિષ્યોમાંથી કેટલાએકનો બીજા એક યહૂદિ સાથે વાદવિવાદ થયો. તેઓ ધાર્મિક શુદ્ધિકરણ માટે દલીલો કરતા હતા. 26 તેથી તે શિષ્યો યોહાન પાસે આવ્યા. તેઓએ કહ્યુ, “રાબ્બી, જે માણસ યર્દન નદીની બીજી બાજુએ તારી સાથે હતો તેનું સ્મરણ કર. તેં લોકોને જે માણસ વિષે કહ્યું તે એ છે. તે માણસ લોકોનું બાપ્તિસ્મા કરે છે અને ઘણા લોકો તેની પાસે જાય છે.”

27 યોહાને ઉત્તર આપ્યો, “માણસ માત્ર એટલું જ મેળવી શકે છે જેટલું દેવ તેને આપે છે. 28 તમે તમારી જાતે મને કહેતા સાંભળ્યો છે, ‘હું ખ્રિસ્ત નથી. હું તો ફક્ત તે એક છું જેને તેનો માર્ગ તૈયાર કરવા માટે દેવે મોકલ્યો છે.’ 29 કન્યા ફક્ત વરરાજા માટે જ હોય છે. તે મિત્ર જે વરરાજાને મદદ કરે છે, રાહ જુએ છે અને વરરાજાના આગમન માટે ધ્યાનથી સાંભળે છે. આ મિત્ર વરરાજાની વાણી સાંભળે છે, ત્યારે ઘણો પ્રસન્ન થાય છે. એવી જ પ્રસન્નતા મારી પાસે છે અને મારી પ્રસન્નતાનો સમય હવે અહીં છે. 30 તે વધતો જાય પણ હું ઘટતો જાઉં એ અવશ્યનું છે.

તે એક જે આકાશમાંથી આવે છે

31 “તે એક જે ઉપરથી આવે છે તે બીજા બધા લોકો કરતા વધારે મહાન છે. જે વ્યક્તિ પૃથ્વીનો છે તે પૃથ્વીનો જ છે. તે વ્યક્તિ પૃથ્વી પર જે છે તેના વિષે વાત કરે છે. પણ તે એક (ઈસુ) જે આકાશમાંથી આવે છે તે બીજા બધા લોકો કરતા વધારે મહાન છે. 32 તે તેણે જે જોયું છે અને સાંભળ્યું છે તે જ કહે છે. પરંતુ લોકો તે જે કહે છે તે સ્વીકારતા નથી. 33 જે વ્યક્તિ તેની (ઈસુની) સાક્ષીનો સ્વીકાર કરે છે તેણે સાબિતી આપી છે કે દેવ સત્ય છે. 34 દેવે તેને (ઈસુ) મોકલ્યો છે. અને તે દેવ જે કહે છે તે જ કહે છે. દેવે તેને અમાપ આત્મા આપ્યો છે. 35 પિતા દીકરા પર પ્રીતિ કરે છે. પિતાઓ દીકરાને બધી વસ્તુઓ પર અધિકાર આપેલ છે. 36 જે વ્યક્તિને દીકરામાં વિશ્વાસ છે તેને અનંતજીવન છે. પણ જે વ્યક્તિ દીકરાની આજ્ઞા પાળતો નથી તેને કદાપિ તે જીવન મળશે નહિ. દેવનો કોપ તે વ્યક્તિ પર રહે છે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International