Book of Common Prayer
કોરાહના કુટુંબનું એક સ્તુતિગીત. નિર્દેશકને – દર્દનાક બિમારી વિષે, હેમાન એઝાહીનું માસ્કીલ.
1 હે યહોવા, મારા તારણના દેવ,
મેં રાતદિવસ તમારી વિનંતી કરી છે.
2 હવે તમે મારી પ્રાર્થના સાંભળો,
મારા પોકાર તમારે કાને ધરો.
3 કારણ, મારું જીવન મુશ્કેલીઓથી ભરેલું છે,
અને હું જલદીથી મૃત્યુ પામીશ.
4 હું કબરમાં ઊતરનાર ભેગો ગણાયેલો છું,
અને લાચાર સ્થિતિમાં આવી પડ્યો છું.
5 હું મૃત્યુ પામેલાઓની વચ્ચે પેડેલા મૃતદેહ જેવો છું.
જેઓ યુદ્ધમાં મરાયા હતાં અને કબરમાં દટાયા હતાં.
અને હવે તમે તેઓને યાદ કરતાં નથી.
તેઓ તમારી કાળજીથી દૂર રખાયાં છે, હું તેમના જેવો છું.
6 તમે મને છેક નીચલા ખાડામા ધકેલી દીધોં,
તેવા ઊંડાણોમાં અતિશય અંધકાર હોય છે.
7 મારા પર તમારો કોપ અતિ ભારે છે,
તમારા સર્વ મોજાંથી હું દુ:ખમાં ડૂબી ગયો છું;
8 તમે મારા મિત્રો પાસે મારો તિરસ્કાર કરાવ્યો છે,
મારાથી તેઓ દૂર નાસે છે;
હું ફાંદામા ફસાઇ ગયો છું, અને તેમાંથી બહાર નીકળી શકતો નથી.
9 દુ:ખને લીધે મારી આંખો ક્ષીણ થાય છે;
હે યહોવા, મેં તને સદા અરજ કરી છે
અને તારી સંમુખ મેં મારા હાથ જોડ્યા છે.
10 શું તમે મૂએલા સમક્ષ ચમત્કારો દેખાડશો?
શું તેઓ ઊઠીને તારી આભારસ્તુતિ કરશે?
11 શું તારી કૃપા કબરમાં કે વિનાશમાં
તારું વિશ્વાસપણું જાહેરમાં કરવામાં આવશે?
12 શું અંધકારમાં તારાં કૃત્યો જે આશ્ચર્યકારક છો, તે વિષે,
અને વિસ્મરણના દેશમાં તમારાં ન્યાયીપણાંનાં કૃત્યો વિષે જણાવવામાં આવે છે?
13 પણ, હે યહોવા, સહાય માટે હું વિનંતી કરું છું,
દરરોજ સવારે મારી પ્રાર્થના તમારી સમક્ષ આવશે.
14 હે યહોવા, તમે મને તજો છો શા માટે?
શા માટે તમે તમારું મુખ મારાથી ફેરવો છો?
15 મારી યુવાવસ્થાથી જ મારા પર દુ:ખ આવી પડ્યાં છે.
હું તમારા ગુસ્સાથી દુ:ખી થયો છું. હું અસહાય છું.
16 તમારો ઉગ્ર કોપ મારા પર આવી પડ્યો છે,
તમારા તરફથી મને ત્રાસ થાય છે;
અને તેથી હું ભાંગી પડ્યો છું.
17 મને જળપ્રલયની જેમ દરરોજ ઘેરી લે છે,
અને તેઓએ મને ડૂબાડી દીધો છે.
18 તમે મારા મિત્રોને અને સબંધીઓને મારાથી દૂર કર્યા છે.
ફકત અંધકાર જ મિત્ર તરીકે મારી પાસે છે.
1 પરાત્પર દેવના આશ્રયસ્થાનમાં જે વસે છે,
તે સર્વસમર્થની છાયામાં રહેશે.
2 હું યહોવાને કહું છું કે, “તમે મારો આશ્રય અને ગઢ છો એજ મારા દેવ છે,
હું તમારો વિશ્વાસ કરું છું.”
3 કારણકે તે તને સર્વ ફાંદાઓથી
અને જીવલેણ રોગ મરકીથી બચાવશે.
4 તેની પાંખો પ્રસરાવીને તે તારું રક્ષણ કરશે,
તમને તેની પાંખો નીચે આશ્રય મળશે,
તેની સત્યતા તમારું રક્ષણ કરતી ઢાલ અને દીવાલ જેવાં હશે.
5 હવે તું રાત્રે બીશ નહિ
કે દિવસે ઊડતા તીરોથી તું બીશ નહિ.
6 અંધકારમાં ફેલાતા ભયંકર ચેપી રોગથી
કે મધ્યાહને આવતી પ્રાણઘાતક બિમારીથી તું ગભરાઇશ નહિ.
7 તારી બાજુએથી હજાર
અને તારે જમણે હાથ પડશે દશ હજાર,
છતાં તને સ્પશીર્ શકશે નહિ.
8 તે તમે તમારી પોતાની આંખોથી જોશો
કે દુષ્ટ લોકોને કેવી સજા થાય છે!
9 શા માટે? કારણ તમે યહોવાનો વિશ્વાસ કરો છો.
તમે પરાત્પર દેવને તમારી સુરક્ષિત જગા બનાવ્યાં છે.
10 તેથી તમારા પર કોઇ અણધારી આફત આવશે નહિ,
તમારી પાસે, તમારા રહેઠાણની જગાની નજીક કોઇ બિમારી આવશે નહિ.
11 કારણ, તું જ્યાં જાય છે ત્યાં દેવ તારું રક્ષણ કરવા માટે તેના દેવદૂતોને આજ્ઞા કરશે.
12 તેઓ તને પોતાના હાથોમાં ધરી રાખશે,
જેથી તારો પગ માર્ગમાં ખડકો સાથે અફળાય નહિ.
13 માર્ગમાં સિંહ મળે કે પગ પડે ઝેરી સાપ પર,
તો પણ તું સુરક્ષિત રહેશે; હા,
તું તેઓને પગ નીચે છૂંદી નાંખશે.
14 યહોવા કહે છે, “તે મને ચાહે છે તેથી હું તેને મુકત કરીશ,
હું તેને મહાન બનાવીશ, કારણકે તે મારું નામ જાણે છે.
15 તે પોકાર કરશે એટલે હું ઉત્તર દઇશ;
સંકટમાં હું તેની સાથે રહીશ
અને તેને છોડાવીને સન્માનીશ.
16 હું તેને દીર્ઘ આયુષ્યથી તૃપ્ત કરીશ,
અને હું મારું તારણ તેને આપીશ.”
વિશ્રામવાર માટેનું સ્તુતિગીત.
1 યહોવાની સ્તુતિ કરવી અને આભાર વ્યકત કરવો અને તમારા નામના,
પરાત્પર દેવના સ્તોત્ર ગાન કરવા તે સારું છે.
2 દસ તારવાળા વાજીંત્ર તથા સિતાર
કે વીણાના મધુર સ્વર સાથે ગાવું તે ખરેખર સારું છે.
3 પ્રત્યેક સવારે તેમના માટે તમારો પ્રેમ વ્યકત કરો,
અને પ્રત્યેક રાત્રે તેમનામાં તમારો વિશ્વાસ વ્યકત કરો.
4 હે યહોવા, તમે તમારા કૃત્યોથી મને આનંદ પમાડ્યો છે;
હું તમારા હાથે થયેલાં કામને લીધે હર્ષનાદ કરીશ.
5 હે યહોવા, તમારા કૃત્યો કેવાં મહાન છે!
તમારા વિચારો બહુ ગહન છે.
6 ઊંડો વિચાર ન કરી શકે તેવા લોકો તે સમજી શકતાં નથી,
અને મૂર્ખ માણસ કદાપિ તેનો અર્થ પામી શકતો નથી.
7 દુષ્ટ માણસો ઘાસની જેમ પુષ્કળ ઉગે છે,
ભૂંડુ કરનાર દરેક જગાએ ફૂટી નીકળે છે.
પણ તેમનો સદાને માટે વિનાશ થશે.
8 પણ, હે યહોવા, તમે સર્વકાળનાં પરાત્પર દેવ છો.
9 હે યહોવા, તમારા શત્રુઓ અવશ્ય નાશ પામશે;
અને સર્વ ભૂંડુ કરનારાઓ વિખેરાઇ જશે.
10 પણ તમે મને, જંગલી ગોધાના જેવો, બળવાન કર્યો છે;
મને મૂલ્યવાન તેલ ચોળવામાં આવ્યું છે, જે ચેતનવંતો બનાવે.
11 મેં નજરે નિહાળ્યું છે ને મારા શત્રુઓની હાર થઇ છે;
અને મેં સાંભળ્યું છે, કે મારા દુષ્ટ દુશ્મનોને ભગાડી મૂકવામાં આવ્યા છે.
12 સદાચારી લોકો તાડના વૃક્ષની જેમ ખીલશે
અને લબાનોનના દેવદાર વૃક્ષોની જેમ વધશે.
13 યહોવાના મંદિરમાં જેઓને રોપવામાં આવેલા છે;
તેઓ આપણા દેવનાં આંગણામાં ખીલી ઊઠશે.
14 તેઓ ઘડપણમાં પણ ફળધારક થશે,
અને તેઓ તાજાં લીલાં વૃક્ષો જેવાં હશે.
15 તેથી તેઓ કહેશે કે, યહોવા સારા અને પ્રામાણિક છે.
તેઓ મારા ખડક છે, અને તેમના વિશે કઁઇ અન્યાયી નથીં.
નાથાને દાઉદ સાથે વાત કરી
12 પછી યહોવાએ પ્રબોધક નાથાનને દાઉદ પાસે મોકલ્યો, અને તેની પાસે પહોંચ્યા પછી નાથાન બોલ્યો, “એક નગરમાં બે માંણસો રહેતા હતા. એક ધનવાન હતો અને બીજો ગરીબ હતો. 2 શ્રીમંત પાસે ઘણાં ઘેટાં તથા ઢોર હતાં. 3 પણ પેલા ગરીબ માંણસ પાસે એક નાની ઘેટી સિવાય કંઈ જ નહોતું. તેણે ઘણી મુશ્કેલીઓ વેઠીને ખરીધું હતું. તે ઘેટું તેનાં બાળકોને ખૂબ પસંદ હતું. તે તેના ઘરમાં તેના છોકરાઓ ભેગી જ મોટી થતી હતી. તે તેની થાળીમાંથી જમતી, તેના પ્યાલામાંથી પાણી પીતી અને તેના ખોળામાં સૂતી હતી. તે તેને દીકરીની જેમ ઊછેરતો હતો.
4 “એક દિવસ કોઈ યાત્રી પેલા પૈસાદાર માંણસને ત્યાં આવ્યો પણ પોતાનાં ઘેટાંબકરાંમાંથી અથવા ઢોરોને તે માંણસ માંટે રાંધવા માંર્યા નહિ; એટલે તેણે પેલા ગરીબ માંણસના ઘેટાંના બચ્ચાને લઇને પોતાને ત્યાં આવેલા મહેમાંન માંટે રાંધી.”
5 આ સાંભળીને દાઉદ તે માંણસ પર એકદમ ગુસ્સે થયો અને બોલ્યો, “યહોવાના સમ, આવું કાર્ય કરનાર માંણસને મૃત્યુદંડ આપવો જોઈએ. 6 તે આવી ક્રૂર રીતે વત્ર્યો, ગરીબનું ઘેટું ચોરી લીધું તેથી તેણે તે ગરીબને તે ઘેટાંના બચ્ચાની કિંમતની ચારગણી કિંમત આપવી જ પડશે.”
નાથાને દાઉદને તેના પાપ વિષે કહ્યું
7 ત્યારે નાથાને દાઉદને કહ્યું, “એ માંણસ તું જ છે. ઇસ્રાએલના દેવ યહોવાએ તને કહેવડાવ્યું છે કે, ‘મેં તારો ઇસ્રાએલના રાજા તરીકે અભિષેક કર્યો, તારા ધણી શાઉલના હાથમાંથી તને બચાવ્યો, 8 મેં તેનું રાજય તને આપ્યું, અને તેની સ્ત્રીઓ તને પત્ની તરીકે આપી; મેં તને ઇસ્રાએલ અને યહૂદાનું રાજય આપ્યું, અને આ બધું જો ઓછું પડયું હોત તો તને આવું બીજું ઘણું બધું આપ્યું હોત. 9 તો પછી તેં દેવની આજ્ઞાની ઉપેક્ષા શા માંટે કરી? તેની નજરમાં જે ખોટું છે તે શા માંટે કર્યુ? તેં હિત્તી ઊરિયાને તરવારના ઘાથી માંરી નાખ્યો છે, 10 તેં એ માંણસને આમ્મોનીઓના કબજામાં ફેંકીને માંરી નાખ્યો છે અને તેની પત્નીને તારા ઘરમાં રાખી છે. તરવાર તારા કુટુંબને છોડશે નહિ. તેઁ ઊરિયાની પત્નીને તારી બનાવી, આ રીતે તેં માંરું અપમાંન કર્યુ છે.’
11 “તેથી યહોવા કહે છે, ‘હું તારા પર મુશ્કેલીઓ લાવીશ. પોતાના જ કુટુંબીજનો તારા પર આફત લાવશે. હું તારી પત્નીઓને લઈને તારા દેખતાં બીજા માંણસોને આપી દઈશ. અને ધોળે દિવસે જાહેરમાં તેઓ તેની સાથે સૂશે જેથી દરેક જણ જોઇ શકે. 12 તેં જે કયુઁ તે તો ખાનગીમાં કર્યું હતું, પણ હું તો આ કાર્ય ધોળે દહાડે બધા ઇસ્રાએલીઓ જુએ એ રીતે કરીશ.’”
13 દાઉદે નાથાન સમક્ષ કબૂલ કર્યુ, “મેં યહોવાની વિરુદ્ધ પાપ કર્યુઁ છે.”
નાથાને જવાબ આપ્યો, “યહોવાએ તને આ પાપ માંટે પણ ક્ષમાં આપી છે. તું મરીશ નહિ, 14 પણ તેં આમ કરીને જે યહોવાના શત્રુઓનું તેને માંટેનું માંન ગુમાંવડાવ્યું છે, તેથી તારું નવજાત બાળક મરી જશે.”
પાઉલની પ્રવાસની યોજના
21 આ બિના બન્યા પછી, પાઉલે યરૂશાલેમ જવાની યોજના કરી. પાઉલે મકદોનિયા તથા અખાયાના પ્રદેશમાં થઈને પછી યરૂશાલેમ જવાની યોજના કરી. પાઉલે વિચાર્યુ, “મારી યરૂશાલેમની મુલાકાત પછી મારે રોમની મુલાકાત લેવી જોઈએ.” 22 તિમોથી અને એરાસ્તસ પાઉલના મદદગારોમાંના બે હતા. પાઉલે તેઓને મકદોનિયાના પ્રદેશોમાં સીધા મોકલ્યા. પાઉલ એશિયામાં થોડો સમય રહ્યો.
એફેસસમાં મુશ્કેલીઓ
23 તે સમય દરમ્યાન એફેસસમાં કેટલીક ખરાબ મુશ્કેલીઓ ઊભી થઈ. આ મુશ્કેલી દેવના માર્ગ વિષે હતી. આ બધું તે રીતે બન્યું. 24 ત્યાં દેમેત્રિયસ નામનો એક માણસ હતો. તે ચાંદીનું હસ્તકલાનું કામ કરતો હતો. તેણે ચાંદીના નાના નમૂનાઓ બનાવ્યાં જે દેવી આર્તિમિસનાં મંદિર જેવા દેખાતા હતા. ગૃહઉધોગના કારીગરે આ વ્યવસાયમાં ઘણા પૈસા બનાવ્યા.
25 દેમેત્રિયસે કારીગરોની સાથે જેઓ આના સંબંધમાં બીજા વ્યવસાયમાં સંકળાયેલા હતા. તેમને બોલાવ્યા અને કહ્યું, “તમે જાણો છો કે આપણે આપણા ધંધામાંથી ઘણા પૈસા બનાવીએ છીએ. 26 પરંતુ આ માણસ પાઉલ શું કરે છે તે જુઓ! તે શું કહે છે તે સાંભળો. પાઉલે ઘણા લોકોને પ્રભાવિત કરીને તેઓનું પરિવર્તન કરાવ્યું છે. તેણે એફેસસમાં અને આખા એશિયામા આ કર્યુ છે. પાઉલ કહે છે માણસોએ બનાવેલા દેવો ખરા નથી. 27 આ વસ્તુઓ જે પાઉલ કહે છે તે આપણા કામની વિરૂદ્ધમાં લોકોને ઉશ્કેરીને બદલશે. પણ ત્યાં પણ બીજી એક સમસ્યા છે. લોકો વિચારવાનું શરૂ કરશે કે મહાન દેવી આર્તિમિસનું મંદિર મહત્વનું નથી! તેની મહાનતાનો નાશ થશે. આર્તિમિસ એક દેવી છે જેને આશિયામાં (એશિયા) પ્રત્યેક જણ તથા આખી દુનિયા તેની પૂજા કરે છે.”
28 જ્યારે આ માણસોએ આ બાબતો સાંભળી. તેઓ ઘણા ગુસ્સે થયા. તેઓએ પોકાર કર્યો. “આર્તિમિસ, એફેસીઓની દેવી, મહાન છે!” 29 શહેરના બધા લોકો બેચેન બન્યા, લોકોએ ગાયસ તથા અરિસ્તાર્ખસને જકડી લીધા. (તે બે માણસો મકદોનિયાના હતા અને પાઉલની સાથે મુસાફરી કરતા હતા) પછી બધાજ લોકો અખાડામાં દોડી ગયા. 30 પાઉલની ઈચ્છા અંદર જઈને લોકોની સાથે વાતો કરવાની હતી. પરંતુ ઈસુના શિષ્યોએ તેને જવા દીધો નહિ. 31 દેશના કેટલાક મુખ્ય આગેવાનો પણ પાઉલના મિત્રો હતા. આ આગેવાનોએ તેને એક સંદેશો મોકલ્યો. તેઓએ પાઉલને અખાડામાં ન જવા માટે વિનંતી કરી.
32 કેટલાક લોકો કંઈ બૂમ પાડતા હતા તો બીજા લોકો કંઈ બૂમ પાડતા હતા. તે સભામાં મુંઝવણ હતી. મોટા ભાગના લોકો તો જાણતા જ નહોતા કે તેઓ શા માટે ત્યાં આવ્યા છે. 33 તે યહૂદિઓએ આલેકસાંદર નામના માણસને લોકો સમક્ષ ઊભો કર્યો. લોકોએ તેને શું કરવું તે કહ્યું. આલેકસાંદરે હાથ હલાવ્યો. કારણ કે તે લોકોને પ્રત્યુત્તર આપવા ઇચ્છતો હતો. 34 પરંતુ જ્યારે લોકોએ જોયું કે આલેકસાંદર એક યહૂદિ હતો. તેઓ બધાએ બે કલાક સુધી આ જ બૂમો પાડવાનું ચાલું રાખ્યું. તે લોકોએ કહ્યું, “એફેસીઓના આર્તિમિસની જે! એફેસીઓના આર્તિમિસની જે! આર્તિમિસની જે…!”
35 પછી શહેરના નગરશેઠે લોકોને શાંત કર્યા અને કહ્યું, “એફેસસના માણસો, બધા લોકો જાણે છે કે એફેસસ એવું શહેર છે જ્યાં મહાન દેવી આર્તિમિસનું મંદિર છે. બધા લોકો જાણે છે કે અમે પણ તેણીનો પવિત્ર પથ્થર રાખીએ છીએ. 36 કોઇ વ્યક્તિ કહી શકશે નહિ કે આ સાચું નથી. તેથી તમારે શાંત થવું જોઈએ. તમારે બંધ કરવું જોઈએ અને તમે કંઈ કરો તે પહેલા વિચારવું જોઈએ.
37 “તમે આ માણસોને લાવ્યા છો, પણ તેઓએ આપણી દેવીની વિરૂદ્ધ કશુંજ ખરાબ કર્યુ નથી. તેઓએ દેવીના મંદિરમાંથી કશુંય ચોર્યુ પણ નથી. 38 આપણી પાસે ન્યાયના ન્યાયાલયો છે અને ત્યાં ન્યાયાધીશો હોય છે. માટે જો દેમેત્રિયસને તથા તેની સાથેના હસ્તકલાના કારીગરોને કોઇને ઉપર કંઈ ફરીયાદ કરવી હોય તો અદાલત ખુલ્લી છે. તે એ છે જ્યાં તેઓ એકબીજા સામે આક્ષેપો મૂકી શકે છે.
39 “શું એવું બીજું કશું છે જેના વિષે તારી વાત કરવાની ઈચ્છા હોય? તો પછી લોકોની નિયમિત ભરાતી શહેરની સભામાં આવો. ત્યાં તેનો નિર્ણય થશે. 40 હું આ કહું છું કારણ કે કેટલીએક વ્યક્તિઓ આજે આ બનાવ જોઈ શકે છે અને કહેશે અમે હુલ્લડ કરીએ છીએ. અમે ધાંધલ ધમાલને સમજાવી શકતા નથી. કારણ કે આ સભા ભરવા માટે કોઇ સાચું કારણ નથી.” 41 શહેરના નગરશેઠે આ વાતો કહ્યા પછી, તેણે લોકોને ઘરે જવા કહ્યું અને બધા લોકોએ વિદાય લીધી.
ઈસુનું બિમાર છોકરાને સાજા કરવું
(માથ. 17:14-20; લૂ. 9:37-43)
14 પછી ઈસુ, પિતર, યાકૂબ અને યોહાન બીજા શિષ્યો પાસે ગયા. તેઓએ ઘણા લોકોને તેઓની આજુબાજુ જોયા. શાસ્ત્રીઓ શિષ્યો સાથે દલીલો કરતા હતા. 15 જ્યારે લોકોએ ઈસુને જોયો, તેઓ વધારે અચરજ પામ્યા. તેઓ તેને આવકારવા તેની પાસે દોડી ગયા.
16 ઈસુએ પૂછયું, “તમે શાસ્ત્રીઓ સાથે શાના વિષે દલીલો કરો છો?”
17 ટોળામાંથી એક માણસે જવાબ આપ્યો, “ઉપદેશક, હું મારા પુત્રને તારી પાસે લાવ્યો છું. મારા પુત્રમાં શેતાનનો આત્મા તેની અંદર છે. આ અશુદ્ધ આત્મા મારા પુત્રને વાતો કરતા અટકાવે છે. 18 અશુદ્ધ આત્મા મારા પુત્ર પર હુમલો કરે છે અને તેને જમીન પર ફેંકે છે. મારો પુત્ર તેના મુખમાંથી ફીણ કાઢે છે. તેના દાંત કચકચાવે છે. અને તે તવાતો જાય છે. મેં તારા શિષ્યોને અશુદ્ધ આત્માને બહાર કાઢવા માટે કહ્યું, પણ તેઓ કાઢી શક્યા નહિ.”
19 ઈસુએ કહ્યું, “તમે લોકો વિશ્વાસ કરતા નથી! ક્યાં સુધી હું તમારી સાથે રહીશ? ક્યાં સુધી હું તમારું સહન કરીશ? છોકરાને મારી પાસે લાવો!”
20 તેથી શિષ્યો તે છોકરાને ઈસુ પાસે લાવ્યા. જ્યારે દુષ્ટ આત્માએ ઈસુને જોયો, તે અશુદ્ધ આત્માએ છોકરા પર હુમલો કર્યો. તે છોકરો નીચે પડ્યો અને જમીન પર આળોટતો હતો. તેના મુખમાંથી ફીણ નીકળતું હતું.
21 ઈસુએ છોકરાના પિતાને કહ્યું, “કેટલા લાંબા સમયથી આ છોકરાને આવું થાય છે?”
પિતાએ જવાબ આપ્યો, “તે ઘણો નાનો હતો ત્યારથી. 22 તે અશુદ્ધ આત્માએ તેને ઘણી વખત મારી નાખવા માટે અગ્નિમાં તથા પાણીમાં નાખ્યો હતો. જો તું તેને માટે કશું કરી શકે તો કૃપા કરીને અમારા પર દયા કરી અને અમને મદદ કર.”
23 ઈસુએ પિતાને કહ્યું, “તેં કહ્યું કે, ‘શક્ય હોય તો મદદ કર.’ જે વ્યક્તિ વિશ્વાસ કરે છે તેના માટે બધી વસ્તુઓ શક્ય છે.”
24 પિતા ઘણો ઉત્તેજિત થયો. તેણે કહ્યું, “હું જરુંર વિશ્વાસ કરું છું. મને વધારે વિશ્વાસી બનાવામાં મદદ કર!”
25 ઈસુએ જોયું કે બધા જે લોકો ત્યા શું બની રહ્યું છે તે જોવા માટે દોડતા હતા તેથી ઈસુએ અશુદ્ધ આત્માને કહ્યું, “ઓ અશુદ્ધ આત્મા, તું આ છોકરાને બહેરો બનાવે છે અને તેને વાત કરતાં અટકાવે છે-હું તને આ છોકરામાંથી બહાર આવવાને અને કદાપિ તેનામાં નહિ પ્રવેશવા હુકમ કરું છું!”
26 તે અશુદ્ધ આત્માએ ચીસ પાડી. તે આત્માએ તે છોકરાને ફરીથી જમીન પર પાડ્યો. અને પછી તે અશુદ્ધ આત્મા બહાર નીકળી ગયો. તે છોકરો મરી ગયો હતો એવું દેખાયું. ઘણાં લોકોએ કહ્યું, “તે મૃત્યુ પામ્યો છે!” 27 પરંતુ ઈસુએ તે છોકરાનો હાથ પકડ્યો અને તેને ઊભો થવામાં મદદ કરી.
28 ઈસુ ઘરમાં ગયો. ત્યાં તેની સાથે તેના શિષ્યો એકલા હતા. તેઓએ તેને પૂછયું “અમે શા માટે અશુદ્ધ આત્માને બહાર કાઢી શક્યા નહિ?”
29 ઈસુએ ઉત્તર આપ્યો, “આ પ્રકારના આત્માને ફક્ત પ્રાર્થનાના ઉપયોગ દ્ધારા જ બહાર કાઢી શકાય છે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International