Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 93

યહોવા રાજ કરે છે,
    ભવ્યતા અને સાર્મથ્યને તેણે વસ્રોની જેમ ધારણ કર્યા છે
તેણે જગતને તેવી રીતે પ્રસ્થાપિત કર્યુ છે
    કે તે અચળ રહેશે.
હે દેવ, પુરાતન કાળથી તમારું રાજ્યાસન સ્થપાયેલું છે;
    તમે સદાકાળ અસ્તિત્વ ધરાવો છો!
હે યહોવા, નદીઓએ ગર્જનાકરી છે.
    વહેતી નદીઓએ તેમનો અવાજ વધાર્યો છે
    અને પોતાના મોજાં ઊંચા ઉછાળ્યાં છે.
તમે વધુ ગર્જના કરતાં સમુદ્રોથી વધારે શકિતશાળી છો,
    અને સમુદ્રોનાઁ મોજાઁઓથી વધારે બળવાન.
    ઉપરવાળો દેવયહોવા,પરમ ઊંચામાં પરાક્રમી છે.
તમારા કરારો સંપૂર્ણ રીતે વિશ્વાસપાત્ર છે,
    હે યહોવા, સર્વકાળ પવિત્રતા તમારા મંદિરને શોભે છે.

ગીતશાસ્ત્ર 96

યહોવા સમક્ષ નવું ગીત ગાઓ!
    સમગ્ર પૃથ્વી પર સર્વત્ર એ ગીત ગાઓ, યહોવા સમક્ષ ગાઓ.
તેમના નામને ધન્યવાદ આપો;
    દિનપ્રતિદિન તેનું તારણ પ્રગટ કરો.
પ્રજાઓને તેના મહિમા વિષે જણાવો
    અને બધા લોકોને તેમના ચમત્કારો વિષે કહો.
કારણ, યહોવાની મહાનતા અવર્ણનીય છે;
    અને તે બહુ સ્તુત્ય છે; તેજ માત્ર ભયાવહ દેવ;
    સર્વ “દેવોની” ઉપર છે.
લોકોના સર્વ “દેવો,” મૂર્તિઓ માત્ર છે;
    પણ યહોવાએ આકાશોને ઉત્પન્ન કર્યા છે.
ભવ્યતા અને મહિમા તેમની સામે ચમકે છે.
    સાર્મથ્ય અને સૌન્દર્ય તેમના પવિત્રસ્થાનમાં છે.
હે વિશ્વની સર્વ પ્રજાઓ, યહોવા એકલા જ છે મહિમાવાન અને પરાક્રમી;
    તે તમે કબૂલ કરો ને તેમને માન આપો.
યહોવાને ઘટે છે ગૌરવ જે તે તેમને આપો,
    તેમની આરાધના કરવાને તમારા અર્પણો લઇને તેનાં આંગણામાં જાઓ.
    પવિત્રતાની સુંદરતા ધારણ કરી, યહોવાની ઉપાસના કરો;
અને ધ્રૂજો સમગ્ર પૃથ્વી તેમની સમક્ષ.
10     પ્રજાઓની વચ્ચે જાહેર કરો, યહોવા એ છે જે જગત પર શાસન કરે છે અને ટકાવી રાખે છે,
તેથી તેનો વિનાશ થશે નહિ.
    બધાં લોકોનો નિષ્પક્ષતાથી ન્યાય કરશે.
11 આકાશો આનંદ પામો! હે પૃથ્વી,
    સુખી થાવ! હે ગર્જના કરતા સમુદ્રની વિશાળતા હર્ષથી પોકારો.
12 ખેતરો અને તેમાં જે કઇં ઊગે છે તે સર્વ સુખી થાઓ.
    હે વનનાં સર્વ વૃક્ષો યહોવાની આગળ હર્ષ સાથે ગાઓ.
13 પૃથ્વીનો ન્યાય કરવાને,
    યહોવા આવે છે;
તે સર્વ પ્રજાઓનો ન્યાય સત્યતાએ કરશે;
અને જગતનો યથાર્થપણે.

ગીતશાસ્ત્ર 34

દાઉદનું ગીત. એ ત્યારે લખાયું હતું જ્યારે તેણે ગાંડપણનો ઢોંગ કર્યો જેથી અબીમેલેખ તેને કાઢી મૂકે. દાઉદ આ રીતેતેનાથી નાસી છુટયો.

હું હમેશા યહોવાની પ્રશંશા કરીશ,
    અને હું હંમેશા તેમના મહિમા વિષે વાત કરીશ.
મારો આત્મા યહોવાની મોટાઇ કરશે.
    આથી નમ્ર માણસો મારી સ્તુતિ સાંભળશે અને આનંદિત થશે.
આપણે સૌ સાથે મળી યહોવાની સ્તુતિ કરીએ.
    અને તેના નામનો મહિમા વધારીએ.
યહોવાને મેં પ્રાર્થના કરી અને તેમણે મારી પ્રાર્થનાનો ઉત્તર આપ્યો.
    તેમણે મને જે બધી બાબતોનો ભય હતો તેમાથી છોડાવ્યો.
જેઓ યહોવાની કૃપા પામ્યા છે, તેઓના મુખ પ્રકાશિત છે;
    તેઓના મુખ પર કોઇ નિરાશા નથી.
આ લાચાર માણસે યહોવાને પોકાર કર્યો,
    અને તે સાંભળીને તેમણે તેને સર્વ સંકટમાંથી ઉગાર્યો.
યહોવાનો દૂત, યહોવાના ભકતોની આસપાસ પડાવ નાખે છે
    અને તેમને મુશ્કેલીમાંથી ઉગારે છે, તેમનું રક્ષણ કરે છે.
યહોવા કેટલાં ઉમદા છે તેનો અનુભવ કરો અને જુઓ.
    જેઓ તેમના ઉપર આધાર રાખે છે તેઓ ને ધન્ય છે.
યહોવાનાં પવિત્ર અનુયાયીઓ તેનું ભય રાખે છે અને તેમનો આદર કરે છે;
    કેમકે, તેને કોઇ વસ્તુની ખોટ પડની નથી.
10 અને કદાચ તંગી પડે સિંહના બચ્ચાંને અને ભૂખ વેઠવી પડે છે,
    પણ દેવની સહાય શોધનારને ઉત્તમ વસ્તુઓની અછત પડતી નથી.
11 મારા બાળકો આવો, મારું સાંભળો;
    “હું તમને યહોવાનો આદર કરતાં શીખવીશ.”
12 સુખી-લાંબા જીવનની ઈચ્છા કોને છે?
    અને તમારામાંથી જીવન વહાલું કોને છે?
13 તો હંમેશા તમારી જીભ પર કાબૂ રાખો;
    ને તમારા હોઠોને જૂઠું બોલવાથી દૂર રાખો.
14 દરેક દુષ્ટાથી દૂર રહો અને ભલું કરો.
    શાંતિ શોધી તેની પાછળ લાગો.
15 યહોવાની આંખો હંમેશા સત્યનિષ્ઠ લોકો પર નજર રાખે છે.
    તેમની મદદ માટેની પ્રાર્થના સાંભળવા માટે તેમનો કાન સદા ખુલ્લો હોય છે.
16 દુષ્ટ માણસોની યાદને પૃથ્વી પરથી
    ભૂંસી નાંખવાનો યહોવાએ સંકલ્પ કર્યો છે.

17 યહોવા ન્યાયીઓના પોકાર સાંભળે છે,
    અને તેઓને સર્વ સંકટમાંથી છોડાવે છે.
18 યહોવા હંમેશા તેઓની સાથે હોય છે જેમના હૃદય ભાંગી ગયા છે.
    જેમનો આત્મા કચડાઇ ગયો છે અને જેઓ નમ્ર છે તેમને યહોવા મુકિત આપે છે.
19 ન્યાયી માણસનાં જીવનમાં ઘણા દુ:ખો આવે છે,
    પણ કૃપાળુ યહોવા તેમને તે સર્વમાંથી ઉગારે છે.
20 યહોવા તેનાં સર્વ હાડકાંનું રક્ષણ કરે છે,
    તેઓમાંનું એકપણ ભાંગવામાં આવતું નથી.
21 દુષ્ટો પોતાની જ દુષ્ટતાથી નાશ પામશે,
    અને ન્યાયીઓના દ્વેષીઓ દોષિત ઠરશે.
22 યહોવા પોતાના સેવકોના પ્રાણોનો ઉદ્ધાર કરે છે;
    યહોવામાં ભરોસો રાખનારાઓમાંથી કોઇ દોષિત ઠરશે નહિ.

2 શમુએલનું 6:12-23

12 જયારે દાઉદને આ સમાંચાર મળ્યા કે “દેવે ઓબેદ-અદોમને તેના કુટુંબને અને તેની માંલિકીની દરેક વસ્તુને આશીર્વાદ આપ્યાં ત્યારે તે આનંદ પામ્યો અને ખુશીથી કોશને ઓબેદ-અદોમના ઘરમાંથી દાઉદનગર લઈ આવ્યો.” 13 જ્યારે યહોવાના પવિત્રકોશને ઉપાડનારા માંણસો છ ડગલાં આગળ ચાલ્યા એટલે દાઉદે એક બળદ અને એક પુષ્ટ વાછરડાને ભોગ તરીકે અર્પણ કર્યો. 14 દાઉદ શણના કપડાઁનું એફોદ પહેરીને ખૂબ આનંદથી યહોવા સમક્ષ નાચતો હતો.

15 દાઉદ અને બધા ઇસ્રાએલીઓ સાથે હર્ષથી નાચતા હતા અને રણશિંગા વગાડતા, ગાતા અને નાચતા પવિત્રકોશને નગરમાં લઈ આવ્યાં. 16 પરંતુ જ્યારે યહોવાનો પવિત્રકોશ દાઉદનગરમાં દાખલ થતો હતો ત્યારે શાઉલની દીકરી મીખાલે એક બારીમાંથી જોયું તો રાજા દાઉદ પવિત્રકોશ સમક્ષ નાચતો હતો; તે તેને ગમ્યું નહિ અને તેના હૃદયમાં દાઉદ પ્રત્યે ઘૃણા પેદા થઈ.

17 પવિત્રકોશને દાઉદે તૈયાર કરેલા ખાસ મંડપમાં મૂકવામાં આવ્યો, અને દાઉદે યહોવાને દહનાર્પણો અને શાંત્યર્પણો અર્પણ કર્યા.

18 પછી તેણે સર્વસમર્થ યહોવાના નામમાં સર્વ લોકોને આશીર્વાદ આપ્યો. 19 અને ત્યારબાદ તેણે બધા લોકોને પ્રસાદ આપ્યો; તેણે પ્રત્યેક ઇસ્રાએલી સ્ત્રી-પુરુષને એક-એક રોટલી, થોડું ખજૂર અને થોડું શેકેલું માંસ તથા સૂકી દ્રાક્ષાની બાટી વહેંચી આપ્યાં. આ બધું પૂરું થયા પછી બધા પોતપોતાને ઘેર ગયા.

મીખાલે દાઉદને ઠપકો આપ્યો

20 જયારે દાઉદ પોતાનાં કુટુંબીજનોને આશીર્વાદ આપવા પોતાને ઘેર પાછો આવ્યો ત્યારે શાઉલની દીકરી મીખાલ તેને મળવા સામે આવી, અને બોલી, “ઇસ્રાએલનો રાજા આજે તમે જેમ કોઇ મૂર્ખ પોતાના વસ્ત્રો કાઢી નાખે તેમ તમે તમાંરી દાસીઓની સામે આજે નવસ્ત્રો થઇને કેટલા ઉમદા દેખાતાં હતાં.”

21 દાઉદે મીખાલને કહ્યું, “હું યહોવાની સમક્ષ નાચતો હતો. તેમણે મને પસંદ કર્યો, તારા પિતા અને તારા કુટંબના માંણસોને નહિ. અને યહોવાએ સમગ્ર ઇસ્રાએલીઓની સામે મને તેઓનો આગેવાન બનાવ્યો. તેથી તેમની આગળ હું માંરો આનંદ દર્શાવતો હતો અને તેમની સામે નાચતો હતો. 22 અને એટલું જ નહિ, હું હજી પણ નમ્ર બની માંરી જાતને હજી વધારે નમાંવીશ, તું કદાચ મને માંન નહિ આપે. પરંતુ તું જે દાસીઓ વિષે વાત કરે છે તેઓ સર્વથા મને માંન આપશે.”

23 શાઉલની પુત્રી મીખાલ મરતાં સુધી નિ:સંતાન જ રહી.

રોમનો 14:7-12

હા, આપણે સૌ પ્રભુને ખાતર જીવીએ છીએ. આપણે કાંઈ આપણી પોતાની જાત માટે જીવતા કે મરતા નથી. જો આપણે જીવીએ છીએ તો તે પ્રભુને ખાતર જ જીવીએ છીએ. અને જો આપણે મરીએ છીએ તો તે પણ પ્રભુને ખાતર જ. આમ, જીવતાં કે મરતાં આપણે પ્રભુનાજ છીએ.

તેથી જ તો ખ્રિસ્ત મરણ પામ્યો અને પાછો મૃત્યુમાંથી સજીવન થયો. ખ્રિસ્તે આ પ્રમાણે કર્યુ જેથી કરીને જે લોકો મરણ પામ્યા છે અને જેઓ હજી જીવતા છે તે સૌને ને પ્રભુ થાય. 10 તો પછી ખ્રિસ્તમાં વિશ્વાસ રાખનાર તમારા ભાઈ વિષે તમે શા માટે સારો કે ખરાબ અભિપ્રાય બાંધો છો? અથવા તો તમારા ભાઈ કરતાં તમે વધારે સારા છો, એમ તમે શા માટે વિચારો છો? આપણે બધાએ દેવના ન્યાયાસન આગળ ઉપસ્થિત થવાનું છે અને તે આપણા સૌનો ન્યાય કરશે. 11 હા, શાસ્ત્રમાં લખેલું છે:

“‘પ્રભુ કહે છે કે,
    પ્રત્યેક વ્યક્તિ મારી આગળ ઘૂંટણીએ પડીને નમન કરશે
    અને પ્રત્યેક વ્યક્તિ કબૂલ કરશે કે, હું દેવ છું. હું જીવું છું એ જેટલું ચોક્કસ છે, એટલું ચોક્કસ એ રીતે આ બધું બનશે.’” (A)

12 આમ, પોતાના જીવન વિષે આપણામાંની દરેક વ્યક્તિએ દેવને જવાબ આપવો પડશે.

યોહાન 1:43-51

43 બીજે દિવસે ઈસુએ ગાલીલ જવાનું નક્કી કર્યુ. ઈસુ ફિલિપને મળ્યો અને તેને કહ્યું, “મને અનુસર.” 44 ફિલિપ બેથસૈદાનો એટલે આંન્દ્રિયા તથા પિતરના શહેરનો હતો. 45 ફિલિપ નથાનિયેલને મળ્યો અને કહ્યું, “યાદ કરો કે નિયમશાસ્ત્રમાં મૂસાએ શું કહ્યું છે. મૂસાએ જે માણસ આવવાનો હતો તેના વિષે લખ્યું. પ્રબોધકોએ પણ તેના વિષે લખ્યું અમે તેને મળ્યા છીએ. તેનું નામ ઈસુ છે, તે યૂસફનો દીકરો છે. તે નાસરેથમાંનો છે.”

46 પણ નથાનિયેલે ફિલિપને કહ્યું, “શું નાસરેથમાંથી કંઈક સારું નીકળી શકે?”

ફિલિપે ઉત્તર આપ્યો, “આવો અને જુઓ.”

47 ઈસુએ નથાનિયેલને તેના તરફ આવતા જોયો. ઈસુએ કહ્યું, “આ માણસ જે મારી પાસે આવે છે તે ખરેખર દેવના લોકોમાંનો એક છે તેનામાં કંઈ દુષ્ટતા નથી.”

48 નથાનિયેલે પૂછયું, “તું મને કેવી રીતે ઓળખે છે?”

ઈસુએ ઉત્તર આપ્યો, “જ્યારે તું અંજીરના વૃક્ષ નીચે હતો, ત્યારે મેં તને જોયો. ફિલિપે તને મારા વિષે કહ્યું તે પહેલાં તું ત્યાં હતો.”

49 પછી નથાનિયેલે ઈસુને કહ્યું, “રાબ્બી, તું દેવનો દીકરો છે. તું ઈસ્રાએલનો રાજા છે.”

50 ઈસુએ નથાનિયેલને કહ્યું, “મેં તને કહ્યું કે મેં તને અંજીરના વૃક્ષ નીચે જોયો. તેથી તે મારામાં વિશ્વાસ મૂક્યો. પણ તું તેના કરતાં પણ વધારે મહાન વાતો જોશે.” 51 ઈસુએ વધારામાં કહ્યું, “હું તને સત્ય કહું છું. તમે બધા આકાશને ઊઘડેલું જોશો, તમે દેવના દૂતોને માણસના દીકરા ઊપર ચઢતા ઉતરતા જોશો.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International