Book of Common Prayer
નિર્દેશક માટે. રાગ: “ના કરશો વિનાશ.” આસાફના સ્તુતિગીતોમાંનુ એક.
1 હે યહોવા, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારું નામ સન્નિધ છે;
માટે તમારો આભાર માનીએ છીએ.
લોકો તમારા આશ્ચર્યકારક કામો પ્રગટ કરે છે.
2 યહોવાએ પ્રત્યુતર આપ્યો, “હા, હું ચોક્કસપણે ચુકાદા માટે સમય પસંદ કરીશ
અને નિષ્પક્ષતાથી ન્યાય કરીશ.
3 પૃથ્વી અને તેનાં બધાં નિવાસીઓ કદાચ ધ્રુજતાં હશે,
અને પડવાની તૈયારીમાં હશે પણ હું તેને સ્થિર કરીશ.
4 “મેં ધમંડીઓને અભિમાન નહિ કરવાં ચેતવણી આપી છે
અને દુષ્ટોને મેં કહ્યું છે કે, ‘ઘમંડ કરીને ડંફાસ ન મારો.’
5 શિંગ ઉંચું કરીને અભિમાન સાથે ન બોલો
ઘમંડ કરીને ડંફાસ ન મારો.”
6 તેથી જે લોકોને મહત્વના બનાવે તે નથી પૂર્વમાંથી કે નથી પશ્ચિમમાંથી આવતો.
તે રણ પર્વતોમાંથી પણ નથી આવતો.
7 પણ દેવ છે, તે જ ન્યાયાધીશ છે;
તે એકને નીચે પાડી નાખે છે,
અને બીજાને ઊંચો કરે છે.
8 યહોવાના હાથમાં કડક ક્રોધના દ્રાક્ષારસનો પ્યાલો છે;
ને ન્યાય ચુકાદો છે જે પૃથ્વી પરના
દુષ્ટો પર રેડી દેવાય છે.
અને દુષ્ટોએ તેને છેલ્લાં ટીપાં સુધી પીવો પડશે.
9 પરંતુ હું તો સદાકાળ બીજાઓને આ બાબતો માટે કહીશ.
અને હું યાકૂબના દેવની સ્તુતિઓ ગાઇશ.
10 યહોવા કહે છે કે, “હું દુષ્ટ લોકોનાં સાર્મથ્યને નષ્ટ કરીશ,
પરંતુ હું ન્યાયીઓનાં શિંગ ઊંચા કરીશ.”
નિર્દેશક માટે. વાજીંત્રો સાથે. આસાફનું સ્તુતિ ગીત.
1 યહૂદિયામાં દેવ પ્રગટ થયેલો છે,
ઇસ્રાએલમાં તેમના નામનો ઊંચો આદર છે.
2 તેમનો મંડપ યરૂશાલેમમાં છે,
અને તેમનું નિવાસસ્થાન સિયોનમાં છે.
3 ત્યાં તેણે ચળકતાં બાણોને ભાંગી નાખ્યાં,
ઢાલ-તરવારને શસ્ર ભાંગી નાઁખ્યાં.
4 દેવ, તમે તમારા શત્રુઓને જ્યાં હરાવ્યાં તે ટેકરીઓ પાછળથી
તમે આવો છો ત્યારે તમે મહિમાવંત લાગો છો.
5 જેઓ શૂરવીર છે, તેઓ લૂંટાયા છે,
ને ચિર નિંદ્રાવશ થયા છે;
અને કોઇ પરાક્રમીઓના હાથથી કઁઇ પણ થઇ શક્યું નથી.
6 હે યાકૂબના દેવ, તમારી ધમકીથી રથ
અને ઘોડા બંને ચિરનિદ્રામાં પડ્યાં છે.
7 દેવ તમે ભયાવહ છો, તમે કોપાયમાન હો
ત્યારે તમારી સામે કોણ ઊભું રહી શકે?
8 તમે આકાશમાંથી ન્યાય ચુકાદો ફરમાવ્યો,
અને ધરતી ભયભીત બની શાંત થઇ ગઇ.
9 હે દેવ, તમે ન્યાય કરવા માટે
તથા દેશના નમ્ર લોકોને બચાવવા માટે ઊભા થયા છો.
10 તમારા માણસો વિરુદ્ધ કોપ તમારી ખચીત પ્રશંસા કરાવશે;
અને તમારો જે કોપ બાકી રહ્યો તે તમે તમારી કમરે બાંધશો.
11 જે પ્રતિજ્ઞાઓ તમે યહોવા તમારા દેવની સમક્ષ લીધેલી છે
તે તમે પૂર્ણ કરો.
ભયાવહ દેવ સમક્ષ તમે સૌ,
તમારા દાન લાવો.
12 પૃથ્વીના રાજાઓ તેમનો ભય રાખે છે,
કારણ સરદારોનો ગર્વ તે તોડી નાખે છે.
દાઉદનું ગીત.
1 યહોવા મારા પાલનકર્તા છે.
તેથી મને કશી ખોટ પડશે નહિ.
2 તે મને લીલાં બીડમાં સુવાડે છે
અને મને શાંત જળની તરફ દોરી જાય છે.
3 તે મને નવું સાર્મથ્ય ને તાજગી આપે છે.
તેમનાં નામનો મહિમા વધે તે માટે
તે મને ન્યાયીપણાને માર્ગે ચલાવે છે.
4 મૃત્યુની કાળી ખીણમાં પણ મારે ચાલવાનું હશે તો હું ડરીશ નહિ;
કારણ હે યહોવા, તમે મારી સાથે છો,
તમારી લાકડી તથા તમારી છડી મને દિલાસો દે છે.
5 તમે મારા દુશ્મનોની સામે મારું મેજ ગોઠવો છો.
અને મારા માથા પર તેલ રેડો છો.
મારો પ્યાલો તમે વરસાવેલા આશીર્વાદથી છલકાઇ જાય છે.
6 તમારી ભલાઇ અને દયા મારા જીવનનાં સર્વ દિવસોમાં મારી સાથે રહેશે;
અને હું યહોવાની સાથે તેના ઘરમાં લાંબા સમય સુધી રહીશ.
દાઉદનું ગીત.
1 યહોવા મારું તારણ અને પ્રકાશ છે;
શા માટે મારે કોઇથીય ડરવું?
યહોવા, મારા જીવનનું સાર્મથ્ય છે,
શા માટે મારે કોઇનાથી ડરવું?
2 જ્યારે દુષ્ટ શત્રુઓ મારો સંહાર કરવા આવશે,
ત્યારે તેઓ ઠોકર ખાઇને નીચે પડશે.
3 ભલે સૈન્ય મારી વિરુદ્ધ છાવણી નાખે,
તો પણ હું જરાય ડરવાનો નથી;
ભલે એ મારી વિરુદ્ધ યુદ્ધ કરે;
પણ મને યહોવા પર ભરોસો છે કે, તેઓ મારું રક્ષણ કરશે.
4 હું એકજ વસ્તુ માંગુ છું યહોવાથી,
“મારા જીવનના સર્વ દિવસો પર્યંત
મને યહોવાનાં મંદિરમાં બેસવા દો
જેથી સદા યહોવાના દિવ્ય સૌંદર્યનું અવલોકન કરી શકું
અને તેમના પવિત્રસ્થાનની મુલાકાત કરું.”
5 સંકટના સમયે તેઓ ખરેખર
મને પોતાના પવિત્ર મંડપમાં સંતાડી દેશે.
અને મને તેમની સુરક્ષિત જગાએ લઇ જશે.
6 મારા શત્રુઓ મને ઘેરી વળ્યા છે, પણ તેમને હરાવવા યહોવા મારી મદદ કરશે.
હું તેના મંડપમાં હર્ષનાદ સાથે અર્પણો ચઢાવીશ.
હું સ્તુતિગીતો ગાઇશ, અને તેઓ જે મારો આભાર યહોવાને વ્યકત કરે.
7 હે યહોવા, મારી વિનંતી સાંભળો.
મારા પર દયા કરીને મને જરૂરી સહાયતા આપો.
8 મારું હૃદય તમારા વિષે કહે છે કે તમે ઇચ્છો છો કે અમે તમને શોધીએ, તેથી હે યહોવા,
હું તમારી પાસે તમારૂં મુખડું શોધવા આવું છું.
9 હે યહોવા, હું તમારી પાસે આવું છું.
તમે તમારું મુખ મારાથી ફેરવશો નહિ.
તમારા આ સેવક પર ગુસ્સો ન કરો, હે મારા તારણહાર,
મારા દેવ, હવે મને છોડી ન દેતા
અને મને તજી ન દો.
10 મારા માતાપિતાએ મને તજી દીધો છે,
પરંતુ યહોવા મને સંભળશે અને સ્વીકારશે.
11 હે યહોવા, મને કહો, હવે મારે શું કરવું?
હું શત્રુઓથી ધેરાએલો છું અને તમારી મદદની રાહ જોઉ છું માટે હવે
મને તમે સત્કર્મના સરળ માર્ગે દોરી જાઓ.
12 હે યહોવા, મને મારા શત્રુઓના હાથમાં સુપ્રત ન કરો.
કારણકે તેઓએ મારા ઉપર ખોટા આરોપો મૂક્યાં છે
તથા તેઓ હંમેશા મને નિષ્ઠુરતાથી ઇજા પહોંચાડવાની યોજનાઓ કરે છે.
13 હું આશા રાખું છું કે યહોવા ખરેખર મને ફરીથી છોડાવશે,
અને હું આ જીવનમાં તેમની દયાનો અનુભવ કરીશ.
14 તું યહોવાની રાહ જોજે, ધૈર્ય ગુમાવીશ નહિ;
તેઓ જરૂર આવશે અને તને બચાવશે;
બળવાન થા અને હિંમત રાખ;
હા, તું યહોવાની રાહ જોજે,
તેઓ તને સહાય કરશે.
22 પલિસ્તીઓએ ફરીવાર હુમલો કરીને રફાઈમની ખીણ કબજે કરી ત્યાં છાવણી નાખી.
23 દાઉદે ફરીથી યહોવાને પૂછયું એટલે તેમણે જવાબ આપ્યો, “તેમના ઉપર સામેથી હુમલો કરીશ નહિ, તું ચકરાવો માંર્યા પછી તેમના ઉપર પાછળથી શેતુરની ઝાડી નજીક હુમલો કરજે. 24 જયારે તું ઝાડની ટોચ ઉપરથી યુદ્ધમાં કૂચ કરવા જતો હોય તેવો પલિસ્તીઓનો અવાજ સાંભળે ત્યારે આગળ વધજે, કારણ કે, યહોવા તારી આગળ હશે અને પલિસ્તીઓની સેના તેનાથી હારી જશે.”
25 દાઉદે યહોવાની સૂચના પ્રમાંણે કર્યુ; અને પલિસ્તીઓને ગેબાથી છેક ગેઝર સુધી માંર્યા.
દેવનો પવિત્ર કોશ યરૂશાલેમમાં ખસેડાયો
6 દાઉદે ફરીથી ઇસ્રાએલમાં આશરે 30,000 માંણસોનું લશ્કર બનાવવા માંટે સર્વમાં સારામાં સારા સૈનિકોને એકઠાં કર્યા. 2 પછી દાઉદ અને તેના માંણસો દેવનો કરારકોશ ત્યાંથી લઈ આવી યરૂશાલેમ ફેરવવાં માંટે યહૂદામાં આવેલા “બાલા” મુકામે ગયો, દેવનો પવિત્ર કોશ દેવના સિંહાસન જેવો છે. તેની ઉપર કરૂબ દેવદૂતોની પ્રતિમાં છે અને યહોવા આ દેવદૂતો પર રાજાની જેમ બેસે છે. 3 દાઉદના માંણસોએ ટેકરી પર આવેલા અબીનાદાબના ઘરમાંથી દેવનો પવિત્રકોશ લઈને નવા ગાડામાં મૂક્યો. અબીનાદાબના પુત્રો ઉઝઝાહ અને આહયો ગાડાઁને હાંકતા હતા.
4 આમ તેઓએ ટેકરી પરના અબીનાદાબના ઘરમાંથી દેવનો પવિત્રકોશ બહાર કાઢી લીધો, ઉઝઝાહ ગાડામાં પવિત્રકોશ સાથે હતો અને આહયો ગાડાઁની આગળ ચાલતો હતો. 5 દાઉદ અને સર્વ ઇસ્રાએલીઓ યહોવા સમક્ષ વીણા, સારંગી, સિતાર, ડફ, કરતાલ, ઝાંઝ તથા સર્વ પ્રકારના સંગીતનાં સાધનો વગાડતા વગાડતા નાચતા ગાતા હતા. 6 જયારે તેઓ નાખોનના ખળા આગળ આવ્યા ત્યારે બળદો ગબડી પડ્યાં અને દેવનો પવિત્રકોશ ગાડામાંથી પડવાનો જ હતો ત્યાં ઉઝઝાહએ પોતાનો હાથ લાંબો કરી કરારકોશ પકડી લીધો. 7 આથી યહોવા ઉઝઝાહ પર ગુસ્સે થયા કેમકે તેણે પવિત્રકોશને અડીને દેવનું અપમાંન કર્યુ હતું તેથી ઉઝઝાહને યહોવાએ માંરી નાખ્યો; અને તે કરારકોશની બાજુમાં મરી ગયો. 8 યહોવાએ જે કર્યું તેને કારણે દાઉદ નારાજ થયો. તેણે તે સ્થળનું નામ “પેરેસ-ઉઝઝાહ” (ઉઝઝાહ પર આવેલો કોપ) પાડયું. આજે પણ તે સ્થળ એ જ નામથી ઓળખાય છે.
9 તે દિવસે દાઉદને યહોવાનો ભય લાગ્યો અને તે બોલ્યો, “પવિત્રકોશને હું અહીંયા કેવી રીતે લાવી શકીશ?” 10 આથી તેણે પવિત્ર કોશને દાઉદનગરમાં નહિ લઈ જવાનો નિર્ણય કર્યો, અને તે તેને ગાથનગરમાં ઓબેદ-અદોમ નામની વ્યકિતને ઘેર રાખ્યો. 11 ત્રણ માંસ સુધી પવિત્રકોશ ઓબેદ-અદોમને ઘેર રહ્યો અને યહોવાએ ઓબેદ-અદોમના કુટુંબને આશીર્વાદ આપ્યા.
આથેન્સમાં પાઉલ
16 પાઉલ આથેન્સમાં સિલાસ અને તિમોથીની રાહ જોતો હતો. પાઉલનો આત્મા ઉકળી ઊઠ્યો કારણ કે તેણે જોયું કે શહેર મૂર્તિઓથી ભરેલું છે. 17 પાઉલે સભાસ્થાનમાં જેઓ સાચા દેવની ભક્તિ કરે છે તેવા યહૂદિઓ અને ગ્રીકો સાથે વાતો કરી. પાઉલે શહેરના વેપારી વિસ્તારમાંથી પસાર થતા લોકો સાથે વાતો કરી. પાઉલે આમ રોજ કર્યુ. 18 કેટલાએક એપિકૂરી તથા સ્ટોઇક (મત માનનારા) દાર્શનિકોએ તેમની સાથે દલીલો કરી.
તેઓમાંના કેટલાએકે કહ્યું, “આ માણસ ખરેખર જાણતો નથી કે તે શાના વિષે કહે છે. તે શું કહેવાનો પ્રયત્ન કરે છે?” પાઉલ તેઓને ઈસુના મૃત્યુમાંથી ઊભા થવાની વાત પ્રગટ કરતો હતો. તેથી તેઓએ કહ્યું, “તે આપણને બીજા કેટલાએક દેવો વિષે કહેતો હોય એમ દેખાય છે.”
19 તેઓએ પાઉલને પકડીને અને તેને અરિયોપગસની કારોબારીની સભામાં લઈ આવ્યા. તેઓએ કહ્યું, “કૃપા કરીને તું અમને જે નવો વિચાર શીખવે છે તે સમજાવ. 20 તું જે વાતો કહે છે તે અમારે માટે નવી છે. આ વાતો અમે પહેલા કદાપિ સાંભળી નથી. અમે જાણવા ઇચ્છીએ છીએ કે આ શિક્ષણનો અર્થ શો છે?” 21 (આથેન્સના બધા લોકો અને બીજા પ્રદેશોના લોકો જેઓ ત્યાં રહેતા, તેઓ તેમનો સમય બીજા કશામાં નહિ પરંતુ કંઈક નવું સાંભળવામાં અને કહેવામાં વિતાવતા.)
22 પછી પાઉલ અરિયોપગસની કારોબારી સભા સમક્ષ ઊભો રહ્યો. પાઉલે કહ્યું, “આથેન્સના માણસો, હું જોઈ શકું છું કે તમે બધી વાતોમાં ઘણા ધર્મચુસ્ત છો. 23 હું તમારા શહેરમાંથી પસાર થતો હતો અને તમે જે પદાર્થોનું ભજન કરતા હતા તે જોયું. મેં એક વેદી જોઈ, જેના પર આ શબ્દો લખેલા હતા. ‘એ દેવને જે અજ્ઞાત છે.’ તમે એક દેવને ભજો છો જેને તમે જાણતા નથી. હું તમને જેના વિષે કહું છું તે આ દેવ છે!
24 “તે એ દેવ છે જેણે આખી દુનિયા અને તેમાંની દરેક વસ્તુઓ બનાવી. તે આકાશ તથા પૃથ્વીનો પ્રભુ છે તે માણસોએ બાંધેલાં મંદિરોમાં રહેતા નથી. 25 આ એ દેવ છે જે જીવન, શ્વાસોચ્છવાસ છે અને લોકોને સર્વ વસ્તુઓ આપે છે. તેને લોકો પાસેથી કોઇ પણ મદદની જરુંર પડતી નથી. દેવ પાસે તેને જરુંરી બધીજ વસ્તુઓ છે. 26 દેવે એક માણસ (આદમ) બનાવીને શરુંઆત કરી. તેનાથી દેવે બધા વિવિધ લોકો બનાવ્યા. દેવે તેને વિશ્વમાં દરેક સ્થળે રહેતો કર્યો. દેવે ચોકસાઈપૂર્વક નિર્ણય કર્યો. તેઓએ ક્યાં અને ક્યારે રહેવું જોઈએ.
27 “દેવ ઈચ્છે છે કે લોકો તેને શોધે, તેઓ તેને માટે ચારે બાજુ અંધારામાં ફંફોસીને તેને પામે, પરંતુ તે આપણામાંના કોઇથી વેગળો નથી: 28 આપણે તેની સાથે રહીએ છીએ, આપણે તેની સાથે ચાલીએ છીએ, આપણે તેની સાથે છીએ. તમારા પોતાના કેટલાએક કવિઓએ કહ્યું છે: ‘આપણે પણ તેનાં સંતાનો છીએ.’
29 “આપણે દેવના બાળકો છીએ. તેથી તમારે એમ વિચારવું ના જોઈએ કે દેવ માણસોની કારીગરી કે કાલ્પનિક કોઇક વસ્તુ જેવા છે. તે કાંઈ સુવર્ણ, ચાંદી કે પથ્થર જેવો નથી. 30 ભૂતકાળમાં લોકો દેવને સમજતા નહોતા. પણ દેવે આ બાબતમાં અજ્ઞાનતા બતાવી હતી પણ હવે, દેવ વિશ્વમાં પ્રત્યેક વ્યક્તિને તેનું હ્રદય અને જીવન બદલવાનું (પસ્તાવો) કહે છે. 31 દેવે એક દિવસ નક્કી કર્યો છે જ્યારે તે દુનિયાના બધા જ લોકોનો ન્યાય કરશે. તે ઉદાર થશે. તે એક માણસનો આ કામ માટે ઉપયોગ કરશે. લાંબા સમય પહેલા દેવે આ માણસને પસંદ કર્યા છે. અને દેવે દરેક વ્યક્તિને આ બાબતની સાબિતી આપી છે. દેવે તે માણસને મૃત્યુમાંથી ઉઠાડી તે સાબિત કર્યુ છે!”
32 જ્યારે લોકોએ ઈસુના મૃત્યુમાંથી પુનરુંત્થાન વિષે સાંભળ્યું, તેમાંના કેટલાએક હસ્યા અને બીજા કેટલાએકે કહ્યું, “અમે પાછળથી આ વિષે વધારે તમારી પાસેથી સાંભળીશું.” 33 પછી પાઉલ તેઓની પાસેથી ચાલ્યો ગયો. 34 પરંતુ કેટલાક લોકોએ પાઉલમાં વિશ્વાસ મૂક્યો અને તેની સાથે જોડાયો. તે લોકોમાંનો એક વિશ્વાસી દિયોનુસ્થસ હતો. તે અરિયોપગસી કારોબારીનો સભ્ય હતો. બીજી વ્યક્તિ દામરિસ નામની સ્ત્રી વિશ્વાસ કરવા લાગી. બીજા કેટલાક લોકો પણ હતા જે વિશ્વાસ કરવા લાગ્યા.
ઈસુ 4,000 થી વધારે લોકોને જમાડે છે
(માથ. 15:32-39)
8 બીજી વખતે ઈસુ સાથે ત્યાં ઘણા લોકો હતા. લોકો પાસે ખાવાનું ન હતું. તેથી ઈસુએ તેના શિષ્યોને તેની પાસે બોલાવ્યા. ઈસુએ કહ્યું, 2 “મને આ લોકોની દયા આવે છે. તેઓ મારી સાથે ત્રણ દિવસથી હતા. અને હવે તેઓની પાસે કઈ ખાવાનું નથી. 3 મારે તેઓને ઘેર ભૂખ્યા મોકલવા જોઈએ નહિ. જો તેઓ જમ્યા વિના જશે તો ઘરે જતાં તેઓ રસ્તામાં બેહોશ થઈ જશે. આ લોકોમાંના કેટલાક તો ખૂબ દૂરથી અહીં આવ્યા છે.”
4 ઈસુના શિષ્યોએ જવાબ આપ્યો, “પરંતુ આપણે કોઈ પણ ગામથી ઘણા દૂર છીએ. આ બધા લોકોને ખવડાવવા માટે પૂરતી રોટલી આપણે ક્યાંથી મેળવી શકીએ?”
5 પછી ઈસુએ તેઓને પૂછયું, “તમારી પાસે કેટલી રોટલીઓ છે?”
શિષ્યોએ ઉત્તર આપ્યો, “અમારી પાસે સાત રોટલીઓ છે.”
6 ઈસુએ લોકોને જમીન પર બેસવા કહ્યું, પછી ઈસુએ સાત રોટલીઓ લીધી અને દેવની સ્તુતિ કરી. ઈસુએ રોટલીના ભાગ કર્યા અને તેના શિષ્યોને તે ટુકડાઓ આપ્યા. ઈસુએ તે શિષ્યોને લોકોને રોટલી આપવા કહ્યું. શિષ્યોએ તેનું માન્યુ. 7 તે શિષ્યો પાસે થોડી માછલીઓ હતી. ઈસુએ માછલી માટે સ્તુતિ કરી અને લોકોને માછલી આપવા શિષ્યોને કહ્યું.
8 બધા લોકોએ ખાધુ અને તૃપ્ત થયા. પછી શિષ્યોએ નહિ ખાધેલા ખોરાકના ટુકડાઓથી સાત ટોપલીઓ ભરી. 9 ત્યાં લગભગ 4,000 પુરુંષોએ ખાધુ. તેઓના ખાધા પછી ઈસુએ તેઓને ઘેર જવા માટે કહ્યું. 10 ઈસુ તેના શિષ્યો સાથે હોડીમાં દલ્મનૂથાની હદમાં ગયો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International