Book of Common Prayer
કોરાહના કુટુંબનું એક સ્તુતિગીત. નિર્દેશકને – દર્દનાક બિમારી વિષે, હેમાન એઝાહીનું માસ્કીલ.
1 હે યહોવા, મારા તારણના દેવ,
મેં રાતદિવસ તમારી વિનંતી કરી છે.
2 હવે તમે મારી પ્રાર્થના સાંભળો,
મારા પોકાર તમારે કાને ધરો.
3 કારણ, મારું જીવન મુશ્કેલીઓથી ભરેલું છે,
અને હું જલદીથી મૃત્યુ પામીશ.
4 હું કબરમાં ઊતરનાર ભેગો ગણાયેલો છું,
અને લાચાર સ્થિતિમાં આવી પડ્યો છું.
5 હું મૃત્યુ પામેલાઓની વચ્ચે પેડેલા મૃતદેહ જેવો છું.
જેઓ યુદ્ધમાં મરાયા હતાં અને કબરમાં દટાયા હતાં.
અને હવે તમે તેઓને યાદ કરતાં નથી.
તેઓ તમારી કાળજીથી દૂર રખાયાં છે, હું તેમના જેવો છું.
6 તમે મને છેક નીચલા ખાડામા ધકેલી દીધોં,
તેવા ઊંડાણોમાં અતિશય અંધકાર હોય છે.
7 મારા પર તમારો કોપ અતિ ભારે છે,
તમારા સર્વ મોજાંથી હું દુ:ખમાં ડૂબી ગયો છું;
8 તમે મારા મિત્રો પાસે મારો તિરસ્કાર કરાવ્યો છે,
મારાથી તેઓ દૂર નાસે છે;
હું ફાંદામા ફસાઇ ગયો છું, અને તેમાંથી બહાર નીકળી શકતો નથી.
9 દુ:ખને લીધે મારી આંખો ક્ષીણ થાય છે;
હે યહોવા, મેં તને સદા અરજ કરી છે
અને તારી સંમુખ મેં મારા હાથ જોડ્યા છે.
10 શું તમે મૂએલા સમક્ષ ચમત્કારો દેખાડશો?
શું તેઓ ઊઠીને તારી આભારસ્તુતિ કરશે?
11 શું તારી કૃપા કબરમાં કે વિનાશમાં
તારું વિશ્વાસપણું જાહેરમાં કરવામાં આવશે?
12 શું અંધકારમાં તારાં કૃત્યો જે આશ્ચર્યકારક છો, તે વિષે,
અને વિસ્મરણના દેશમાં તમારાં ન્યાયીપણાંનાં કૃત્યો વિષે જણાવવામાં આવે છે?
13 પણ, હે યહોવા, સહાય માટે હું વિનંતી કરું છું,
દરરોજ સવારે મારી પ્રાર્થના તમારી સમક્ષ આવશે.
14 હે યહોવા, તમે મને તજો છો શા માટે?
શા માટે તમે તમારું મુખ મારાથી ફેરવો છો?
15 મારી યુવાવસ્થાથી જ મારા પર દુ:ખ આવી પડ્યાં છે.
હું તમારા ગુસ્સાથી દુ:ખી થયો છું. હું અસહાય છું.
16 તમારો ઉગ્ર કોપ મારા પર આવી પડ્યો છે,
તમારા તરફથી મને ત્રાસ થાય છે;
અને તેથી હું ભાંગી પડ્યો છું.
17 મને જળપ્રલયની જેમ દરરોજ ઘેરી લે છે,
અને તેઓએ મને ડૂબાડી દીધો છે.
18 તમે મારા મિત્રોને અને સબંધીઓને મારાથી દૂર કર્યા છે.
ફકત અંધકાર જ મિત્ર તરીકે મારી પાસે છે.
1 પરાત્પર દેવના આશ્રયસ્થાનમાં જે વસે છે,
તે સર્વસમર્થની છાયામાં રહેશે.
2 હું યહોવાને કહું છું કે, “તમે મારો આશ્રય અને ગઢ છો એજ મારા દેવ છે,
હું તમારો વિશ્વાસ કરું છું.”
3 કારણકે તે તને સર્વ ફાંદાઓથી
અને જીવલેણ રોગ મરકીથી બચાવશે.
4 તેની પાંખો પ્રસરાવીને તે તારું રક્ષણ કરશે,
તમને તેની પાંખો નીચે આશ્રય મળશે,
તેની સત્યતા તમારું રક્ષણ કરતી ઢાલ અને દીવાલ જેવાં હશે.
5 હવે તું રાત્રે બીશ નહિ
કે દિવસે ઊડતા તીરોથી તું બીશ નહિ.
6 અંધકારમાં ફેલાતા ભયંકર ચેપી રોગથી
કે મધ્યાહને આવતી પ્રાણઘાતક બિમારીથી તું ગભરાઇશ નહિ.
7 તારી બાજુએથી હજાર
અને તારે જમણે હાથ પડશે દશ હજાર,
છતાં તને સ્પશીર્ શકશે નહિ.
8 તે તમે તમારી પોતાની આંખોથી જોશો
કે દુષ્ટ લોકોને કેવી સજા થાય છે!
9 શા માટે? કારણ તમે યહોવાનો વિશ્વાસ કરો છો.
તમે પરાત્પર દેવને તમારી સુરક્ષિત જગા બનાવ્યાં છે.
10 તેથી તમારા પર કોઇ અણધારી આફત આવશે નહિ,
તમારી પાસે, તમારા રહેઠાણની જગાની નજીક કોઇ બિમારી આવશે નહિ.
11 કારણ, તું જ્યાં જાય છે ત્યાં દેવ તારું રક્ષણ કરવા માટે તેના દેવદૂતોને આજ્ઞા કરશે.
12 તેઓ તને પોતાના હાથોમાં ધરી રાખશે,
જેથી તારો પગ માર્ગમાં ખડકો સાથે અફળાય નહિ.
13 માર્ગમાં સિંહ મળે કે પગ પડે ઝેરી સાપ પર,
તો પણ તું સુરક્ષિત રહેશે; હા,
તું તેઓને પગ નીચે છૂંદી નાંખશે.
14 યહોવા કહે છે, “તે મને ચાહે છે તેથી હું તેને મુકત કરીશ,
હું તેને મહાન બનાવીશ, કારણકે તે મારું નામ જાણે છે.
15 તે પોકાર કરશે એટલે હું ઉત્તર દઇશ;
સંકટમાં હું તેની સાથે રહીશ
અને તેને છોડાવીને સન્માનીશ.
16 હું તેને દીર્ઘ આયુષ્યથી તૃપ્ત કરીશ,
અને હું મારું તારણ તેને આપીશ.”
વિશ્રામવાર માટેનું સ્તુતિગીત.
1 યહોવાની સ્તુતિ કરવી અને આભાર વ્યકત કરવો અને તમારા નામના,
પરાત્પર દેવના સ્તોત્ર ગાન કરવા તે સારું છે.
2 દસ તારવાળા વાજીંત્ર તથા સિતાર
કે વીણાના મધુર સ્વર સાથે ગાવું તે ખરેખર સારું છે.
3 પ્રત્યેક સવારે તેમના માટે તમારો પ્રેમ વ્યકત કરો,
અને પ્રત્યેક રાત્રે તેમનામાં તમારો વિશ્વાસ વ્યકત કરો.
4 હે યહોવા, તમે તમારા કૃત્યોથી મને આનંદ પમાડ્યો છે;
હું તમારા હાથે થયેલાં કામને લીધે હર્ષનાદ કરીશ.
5 હે યહોવા, તમારા કૃત્યો કેવાં મહાન છે!
તમારા વિચારો બહુ ગહન છે.
6 ઊંડો વિચાર ન કરી શકે તેવા લોકો તે સમજી શકતાં નથી,
અને મૂર્ખ માણસ કદાપિ તેનો અર્થ પામી શકતો નથી.
7 દુષ્ટ માણસો ઘાસની જેમ પુષ્કળ ઉગે છે,
ભૂંડુ કરનાર દરેક જગાએ ફૂટી નીકળે છે.
પણ તેમનો સદાને માટે વિનાશ થશે.
8 પણ, હે યહોવા, તમે સર્વકાળનાં પરાત્પર દેવ છો.
9 હે યહોવા, તમારા શત્રુઓ અવશ્ય નાશ પામશે;
અને સર્વ ભૂંડુ કરનારાઓ વિખેરાઇ જશે.
10 પણ તમે મને, જંગલી ગોધાના જેવો, બળવાન કર્યો છે;
મને મૂલ્યવાન તેલ ચોળવામાં આવ્યું છે, જે ચેતનવંતો બનાવે.
11 મેં નજરે નિહાળ્યું છે ને મારા શત્રુઓની હાર થઇ છે;
અને મેં સાંભળ્યું છે, કે મારા દુષ્ટ દુશ્મનોને ભગાડી મૂકવામાં આવ્યા છે.
12 સદાચારી લોકો તાડના વૃક્ષની જેમ ખીલશે
અને લબાનોનના દેવદાર વૃક્ષોની જેમ વધશે.
13 યહોવાના મંદિરમાં જેઓને રોપવામાં આવેલા છે;
તેઓ આપણા દેવનાં આંગણામાં ખીલી ઊઠશે.
14 તેઓ ઘડપણમાં પણ ફળધારક થશે,
અને તેઓ તાજાં લીલાં વૃક્ષો જેવાં હશે.
15 તેથી તેઓ કહેશે કે, યહોવા સારા અને પ્રામાણિક છે.
તેઓ મારા ખડક છે, અને તેમના વિશે કઁઇ અન્યાયી નથીં.
શમુએલને દેવની હાકલ
3 બાળક શમુએલ એલીની હજૂરમાં રહીને યહોવાની સેવા કરતો હતો. એ દિવસો દરમ્યાન યહોવાના શબ્દો જવલ્લેજ સાંભળવા મળતા. ત્યારે બહુ ઓછા સંદર્શન દેખાતા.
2 એક રાત્રે એલી પોતાની કાયમની જગ્યા એ સૂતો હતો. ઘડપણને કારણે તેની આંખો બહુ જ નબળી બની ગઇ હતી, તે લગભગ આંધળો બની ગયો હતો. 3 અને દેવના દીવાની જ્યોત હજી હોલવાય નહોતી. યહોવાના મંદિરમાં દેવના પવિત્ર કોશની પાસે શમુએલ સૂતેલો હતો. 4 તે સમયે યહોવાએ તેને હાંક માંરી, “શમુએલ!” શમુએલે કહ્યું “હું અહિંયાં છું!” 5 અને શમુએલ એલી પાસે દોડી ગયો અને બોલ્યો, “તમે મને બોલાવ્યો? હું આ રહ્યો.”
એલીએ કહ્યું, “ના, મેં તને બોલાવ્યો નથી. જા પાછો સૂઈ જા.”
આથી તે જઈને સૂઈ ગયો. 6 યહોવાએ ફરી વાર શમુએલને હાંક માંરી અને તે ઊઠીને એલી પાસે જઈને બોલ્યો, “તમે મને બોલાવ્યો? હું આ રહ્યો.”
એલીએ કહ્યું, “મેં તને બોલાવ્યો નથી. પાછો સૂઈ જા.”
7 શમુએલ હજી સુધી યહોવાને જાણતો ન હતો, કારણકે યહોવાએ ત્યાં સુધી તેની સાથે સીધી વાત કરી ન હતી.
8 જયારે યહોવાએ તેને ત્રીજી વાર હાંક માંરી ત્યારે તે ફરીથી એલીની પાસે જઈને બોલ્યો, “તમે મને બોલાવ્યો? હું આ રહ્યો.”
ત્યારે એલી સમજી ગયો કે યહોવા છોકરાને બોલાવે છે. 9 એટલે એલીએ શમુએલને કહ્યું, “હવે તું સૂઈ જા, જો તને ફરી હાંક માંરે, તો કહેજે કે, ‘હા, માંરા દેવ, કૃપા કરીને બોલો. હું તમાંરો સેવક છું અને હું સાંભળી રહ્યો છું.’”
આથી શમુએલ જઈને પોતાની જગ્યાએ સૂઈ ગયો. 10 પછી યહોવાએ ત્યાં આવીને ઊભા રહીને પહેલાંની જેમ બૂમ માંરી, “શમુએલ! શમુએલ!”
શમુએલે ઉત્તર આપ્યો, “હા આપનો સેવક સાંભળું છું.”
11 યહોવાએ શમુએલને કહ્યું, “થોડા જ સમયમાં હું ઇસ્રાએલીઓ માંટે કંઈક કરવાનો છું. જેઓ તે સાંભળશે તેને આઘાત લાગશે. 12 તે દિવસ આવશે ત્યારે એલી અને તેના કુટુંબ વિરુદ્ધ મેં જે કંઈ કહ્યું છે તેને પહેલેથી જ તે છેલ્લે સુધી અક્ષરે અક્ષર હું સાચું પાડીશ. 13 કારણ કે મેં તેને કહ્યું હતું કે તેના કુળને હું કાયમ માંટે સજા કરીશ. કારણ કે તેના પુત્રો માંરી નિંદા કરે છે અને એલી તે જાણતો હોવા છતાં તેણે તેઓને વાર્યા નહોતા. 14 એટલે મેં એલીના કુટુંબની વિરુદ્ધ સમ ખાધા છે. હું સમ ખાઉ છું કે અર્પણો અને ખાધાર્પણો એલીના કુટુંબના પાપો દુર નહિ કરે.”
15 શમુએલ સવાર થતાં સુધી સૂઈ રહ્યો, અને પછી તેણે યહોવાના મંદિરના બારણાં ખોલી નાખ્યાં. પરંતુ તેણે સાંભળેલી દૈવી દર્શનની વાત એલીને કહેતાં તે બીતો હતો.
16 એલીએ શમુએલને બોલાવ્યો, “શમુએલ, માંરા પુત્ર.”
શમુએલે જવાબ આપ્યો, “હુ આ રહ્યો.”
17 એલીએ પૂછયું, “યહોવાએ તને શું કહ્યું છે? તે માંરાથી છુપાવીશ નહિ; તેમણે તને જે જે કહ્યું તેમાંથી કંઈપણ જો તું માંરાથી છુપાવે તો દેવ તને એવું ને એ કરતાં પણ વધારે કરો.”
18 પછી શમુએલે એલીને કઇ જ છુપાવ્યા વગર બધું કહ્યું.
એલીએ બધું સાંભળ્યું અને કહ્યું: “તે તો યહોવા છે તેને જે ઠીક લાગે તે કરે.”
19 આમ, શમુએલ મોટો થતો ગયો અને યહોવા તેની સાથે હતા. યહોવાએ શમુએલની બધી ભવિષ્યવાણી સાચી સાબિત કરી. 20 દાનથી બેર-શેબા સુધી ઇસ્રાએલમાં સૌ કોઈ યહોવાના સાચા પ્રબોધક તરીકે શમુએલને માંન્યો. 21 યહોવાએ શીલોહમાં શમુએલને દર્શન આપવાનું ચાલુ રાખ્યું. જયાં તે શમુએલની સમક્ષ દેવના શબ્દ તરીકે પ્રગટ થયો હતો.
37 જ્યારે લોકોએ આ સાંભળ્યું ત્યારે, તેઓ ઘણા દુ:ખી થયા. તેઓએ પિતર અને બીજા શિષ્યોને પૂછયું, “ભાઈઓ, અમારે શું કરવું જોઈએ?”
38 પિતરે તેઓને કહ્યું, “પસ્તાવો કરો. તમારામાંનો દરેક ઈસુ ખ્રિસ્તના નામે બાપ્તિસ્મા પામો. પછી દેવ તમારાં પાપોને માફ કરશે. અને તમને પવિત્ર આત્માનું દાન પ્રાપ્ત થશે. 39 આ વચન તમારા માટે છે અને તે તમારાં બાળકો તથા જે લોકો દૂર દૂર છે તેઓને માટે પણ છે. આપણા પ્રભુ દેવ તેની પાસે જેટલાંને બોલાવશે તે દરેક માણસ માટે છે.”
40 પિતરે બીજા ઘણા શબ્દોથી તેઓને ચેતવણી આપી; તેણે તેઓને કહ્યું, “હાલમાં જે દુષ્ટ લોકો જીવી રહ્યા છે તેઓથી તમારી જાતનો બચાવ કરો!” 41 પછી જે લોકોએ પિતરે કહ્યું હતું તેમાં વિશ્વાસ કર્યો તેઓ બાપ્તિસ્મા પામ્યાં. તે દિવસે આશરે 3,000 લોકો વિશ્વાસીઓના સમૂહમાં ઉમેરાયા.
વિશ્વાસીઓનો ફાળો
42 વિશ્વાસીઓએ સંગતમાં ભેગા મળવાનું ચાલું રાખ્યું. તેઓ પ્રેરિતોના બોધ શીખવામાં તેઓના સમયનો ઉપયોગ કરતા. વિશ્વાસીઓ એકબીજાના સહભાગી બન્યા. તેઓ રોટલી ભાગવામાં તથા પ્રાર્થના કરવામાં લાગું રહ્યા. 43 પ્રેરિતો ઘણા અદભૂત કૃત્યો અને ચમત્કારો કરતા હતાં. પ્રત્યેક માણસના હ્રદયમાં દેવના માટે મહાન સન્માનની ભાવના જાગી. 44 બધા જ વિશ્વાસીઓ સાથે રહેતાં. તેઓ દરેક વસ્તુઓ વહેંચતા. 45 વિશ્વાસીઓએ તેઓની જમીનો તથા તેઓની માલિકીની વસ્તુઓ વેચી અને પછી તે પૈસા તેઓનામાં જ દરેકની જરૂરીયાત પ્રમાણે વહેંચી આપ્યા. 46 વિશ્વાસીઓ પ્રતિદિન મંદિરના આંગણામાં ભેગા મળતા. તેઓ બધાને હેતુ સર્વ સામાન્ય હતો. તેઓ તેઓના ઘરોમાં એક સાથે જમતા. તેઓ રોટલી ભાંગીને ઉમંગથી તથા નિખાલસથી ખાતા. 47 વિશ્વાસીઓ દેવની સ્તુતિ કરતા અને બધા જ લોકોને તેઓ ગમતા. પ્રતિદિન વધારે ને વધારે માણસોનો ઉદ્ધાર થતો; પ્રભુ વિશ્વાસીઓના સમૂહમાં તે લોકોનો ઉમેરો કરતો હતો.
મંદિરનો વિનાશ
(માથ. 24:1-14; માર્ક 13:1-13)
5 કેટલાએક લોકો મંદિર વિષે વાતો કરતા હતા. તેઓએ કહ્યું, “આ એક સુંદર મંદિર ઉત્તમ પથ્થરોથી બાંધેલું છે. દેવને દાનમાં અપાયેલ ઘણી સુંદર ભેટો તો જુઓ!”
6 પણ ઈસુએ કહ્યું, “સમય આવશે ત્યારે તમે જે બધું અહી જુઓ છો તેનો નાશ થશે. આ મકાનનો પ્રત્યેક પથ્થર જમીન પર પાડી નાખવામાં આવશે, એક પણ પથ્થર બીજા પથ્થર પર રહેવા દેવામાં આવશે નહિ!”
7 કેટલાએક શિષ્યોએ ઈસુને કહ્યું કે, “ઉપદેશક, આ વસ્તુઓ ક્યારે બનશે? આપણને કેવી રીતે ખબર પડશે કે તે થવાનો સમય આવ્યો છે?”
8 ઈસુએ કહ્યું, “સાવધાન રહો! કોઈ તમને મુર્ખ ન બનાવે. ઘણા લોકો મારા નામે આવશે, તેઓ કહેશે, ‘હું ખ્રિસ્ત છું’ અને ‘ખરો સમય આવ્યો છે!’ પણ તમે તેઓને અનુસરશો નહિ. 9 જ્યારે તમે યુદ્ધો તથા હુલ્લડોની અફવાઓ સાંભળો ત્યારે બીશો નહિ. આ બાબતો પ્રથમ બનશે પણ તેનો અંત પાછળથી આવશે.”
10 પછી ઈસુએ તેમને કહ્યું, “એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્ર સાથે લડશે. એક રાજ્ય બીજા રાજ્યની સામે લડશે. 11 ત્યાં મોટા ધરતીકંપ, મંદવાડ અને દુ:ખલાયક બાબતો ઘણી જગ્યાએ થશે. બીજી કેટલીક જગ્યાએ તો લોકોને ખાવા માટે ભોજન પણ નહિ હોય, ભયંકર બનાવો બનશે. આકાશમાંથી આશ્ચર્યજનક વસ્તુઓ લોકોને ચેતવણી આપવા આવશે.
12 “પરંતુ આ બધી વસ્તુઓ બનતા પહેલાં, લોકો તમને પકડશે અને તમારું અહિત કરશે. લોકો તેમની સભાસ્થાનોમાં તમારો ન્યાય કરશે. અને તમને કેદ કરશે, તમને જબરજસ્તી રાજાઓ અને શાસનકર્તાઓ સમક્ષ ઊભા રાખવામાં આવશે. તમે મને અનુસરો છો તેથી લોકો તમારી સામે આ બધું કરશે. 13 પણ આ તમને મારા વિષે કહેવાની તક આપશે. 14 બચાવ માટે તમારે શું કહેવું તેની પણ જરાય ચિંતા કરશો નહિ. 15 તમારો કોઈ પણ દુશ્મન ઉત્તર ન આપી શકે તેવુ કહેવા માટે બુદ્ધિ હું તમને આપીશ. 16 માતાપિતા, ભાઈઓ, સંબંધીઓ અને મિત્રો પણ તારી વિરૂદ્ધ થશે. તેઓ તમારામાંના કેટલાકને મારી નાખશે. 17 બધા માણસો તમને ધિક્કારશે કારણ કે તમે મને અનુસરો છો. 18 પણ આમાંની કોઈ પણ વસ્તુ તમને ખરેખર નુકશાન કરી શકશે નહિ. 19 જો તમે તમારા વિશ્વાસમાં મક્કમ રહેશો તો આ બધામાંથી તમારી જાતને બચાવી લેશો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International