Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 24

દાઉદનું ગીત.

આ પૃથ્વી યહોવાની છે અને જગતનું સર્વ કાંઇ પણ તેનુંજ છે,
    આ જગત અને જગતમાં રહેનારા સર્વ તેનાંજ છે.
તેમણે સમુદ્રો પર તેમનો પાયો નાખ્યો છે,
    અને તેમણે નદીઓ પર તેને સ્થાપન કર્યુ છે.

યહોવાના પર્વત પર કોણ ચઢી શકશે?
    તેનાં પવિત્રસ્થાનમાં કોણ ઊભો રહી શકશે?
ફકત તેઓ જેમના હાથ શુદ્ધ છે અને હૃદય નિર્મળ છે,
    તેઓએ મારા નામના જૂઠા સમ લીધા નથી,
તેઓ જેમણે ખોટાં વચનો આપ્યાં નથી,
    અને જૂઠ્ઠુ બોલ્યાં નથી. તેઓજ યહોવાના પર્વત પર ચઢી શકશે.

તેઓ યહોવાનો આશીર્વાદ પ્રાપ્ત કરશે,
    અને પોતાના તારણ કરનાર દેવથી તેઓ ન્યાયીપણું પામશે.
તેઓ પેઢીના લોકો છે
    તેઓ યાકૂબના દેવને શોધતાં આવ્યાં છે.

હે પ્રવેશદ્વારો, તમારાં માથા ઊંચા કરો!
    હે પ્રાચીન પ્રવેશદ્વારો,
    ઊઘડી જાઓ ગૌરવવાન રાજા અંદર આવશે!
તે ગૌરવવાન રાજા કોણ છે?
    એ સાર્મથ્યવાન બળવાન યહોવા છે,
    તે યહોવા જે યુદ્ધમાં પરાક્રમી છે.

હે પ્રવેશ દ્વારો, તમારા માથાં ઊંચા કરો.
    અને ગૌરવવાન રાજાને અંદર આવવા દો.
હે પ્રાચીન પ્રવેશદ્વારો, ઉઘડી જાઓ;
    અને ગૌરવવાન રાજા અંદર આવશે!
10 આ ગૌરવવાન રાજા કોણ છે?
    યહોવા આકાશોના સર્વ સૈન્યોનો માલિક અને ગૌરવવાન રાજા છે.

ગીતશાસ્ત્ર 29

દાઉદનું ગીત.

હે પરાક્રમી યહોવાના દૂતો, તમે સૌ તેમની સ્તુતિ કરો;
    તેમના ગૌરવ અને સાર્મથ્ય માટે સૌ યહોવાની સ્તુતિ કરો.
યહોવાના ગૌરવ માટે સ્તુતિ કરો.
    યહોવાના ભવ્ય નામ માટે તમે ગાઓ તમારા પવિત્ર વસ્રો
પહેરીને આવો અને તેમની ઉપાસના કરો,
    આવો અને તેમનું ભજન કરો.
યહોવાનો સાદ સમુદ્રો પર ગાજે છે;
    ગૌરવવાન દેવ મહાસાગર પર ગર્જના કરે છે.
યહોવાનો સાદ તેમની શકિત નિરૂપે છે,
    યહોવાનો સાદ તેમનો મહિમા નિરૂપે છે.
યહોવાના સાદથી ગંધતરુઓ ભાંગી ગયા છે.
    લબાનોનનાં વિશાળ ગંધતરુઓ યહોવા તોડે છે.
યહોવા હેમોર્ન પર્વતને અને લબાનોનનાં પર્વતોને, ધ્રુજાવે છે.
    તે તેમને વાંછરડાની જેમ કૂદાવે છે.
યહોવાનો સાદ વીજળીઓને ભેદી અને ગર્જના કરે છે.
યહોવાના સાદના પડઘા રણને,
    અને કાદેશના રણને ધ્રુજાવે છે.
યહોવાનો સાદ દેવદારના વૃક્ષોને ધ્રુજાવે છે
    અને બધા ઉપાસના કરનારાઓ તેના મંદિરમાં સ્તુતિ કરે છે.
“યહોવાનો મહિમા થાય.”

10 યહોવા જળપ્રલય સમયે સત્તાસ્થાને ત્યાં બિરાજમાન થયા હતા;
    અને યહોવા સર્વકાળ રાજા તરીકે બિરાજમાન થનાર છે.
11 યહોવા પોતાના લોકોને સાર્મથ્ય આપશે,
    અને તેઓને શાંતિનો આશીર્વાદ આપશે.

ગીતશાસ્ત્ર 8

નિર્દેશક માટે, ગિત્તીથ સાથે ગાવાનું દાઉદનું ગીત.

હે યહોવા, અમારા દેવ, સમગ્ર પૃથ્વી પર તમારું નામ ઉત્તમ છે.
    અને તમારો મહિમા આકાશમાં ભરપૂર છે.

નવજાતો અને બાળકોના મુખમાંથી તમારી સ્તુતિની ગાથાઓ પ્રગટી છે.
    તમારા શત્રુઓને ચૂપ કરી દેવા માટે તમે તેમને આ શકિતશાળી ગીતો આપ્યા છે.
હે યહોવા, જ્યારે રાત્રે હું આકાશદર્શન કરું છું.
    અને ચંદ્ર તથા તારાઓથી ભર્યું નભ નિહાળું છું,
    ત્યારે તમારા હાથનાં અદ્ભૂત કૃત્યો વિષે હું વિચારું છું.
પછી મને આશ્ચર્ય થાય છે,
    કે માનવજાત શું છે,
જેનું તમે સ્મરણ કરો છો?
    માણસો તે કોણ છે કે તેઓની તમે મુલાકાત લો છો?

કારણ, તમે એને દેવ કરતાં થોડોજ ઊતરતો સૃજ્યો છે,
    અને તેના માથા પર મહિમા ને માનનો મુગટ મૂકયો છે.
તમે જ તેને, તમે ઉત્પન્ન કરેલી સૃષ્ટિનો અધિકાર આપ્યો છે
    અને તે સઘળી સૃષ્ટિનો તમે તેને કારભારી બનાવ્યો છે.
એટલે સર્વ ઘેટાં તથા બળદો, અને જંગલી પ્રાણીઓનો પણ.
વળી આકાશનાં પક્ષીઓ,
    સમુદ્રમાં રહેતા માછલાં તથા જીવોનો પણ.
હે યહોવા, અમારા પ્રભુ, સમગ્ર વિશ્વમાં તમારું નામ સૌથી મહાન છે.

ગીતશાસ્ત્ર 84

નિર્દેશક માટે. ગિત્તિથ સાથે ગાવા માટે કોરાહના કુટુંબનું સ્તુતિગીત.

હે સૈન્યોનાં યહોવા, તમારું નિવાસસ્થાન કેવું સોહામણું છે!
તમારા આંગણામાં આવવા માટે
    મારો આત્મા ખૂબ ઉત્સુક છે;
જીવતા જાગતા યહોવા દેવ માટે મારું હૃદય તથા મારો દેહ હર્ષનાદ કરશે.
હે સૈન્યોના યહોવા, મારા રાજા તથા મારા દેવ,
    ચકલીઓને પોતાનું રહેવાનું સ્થાન
તથા અબાબીલને પોતાનાં બચ્ચાં રાખવા માળો બાંધવા
    તમારી વેદીની પાસે જ છે તે સ્થાન મળ્યું છે.
તમારા ઘરમાં વસનારાઓને ધન્ય છે;
    તેઓ સદા તમારા સ્તુતિગીત ગાશે.

જેઓ યહોવામાં બળવાન, અને જેઓનાં હૃદય
    તમારા માર્ગો માટે ઉત્સુક છે, તેઓને ધન્ય છે.
તેઓ બાકાની ખીણમાંથી યાત્રા કરે છે.
    જેને દેવે પાણીના ઝરા જેવી બનાવી છે.
    પાનખર ઋતુંની વર્ષા પાણીનો ઝરો બનાવે છે.[a]
તેઓ વધારે ને વધારે સાર્મથ્યવાન, થતાઁ આગળ વધે છે;
    તેઓમાંનો દરેક જણ સિયોનમાં, દેવ સમક્ષ હાજર થાય છે.

હે સૈન્યોના દેવ યહોવા; મારી પ્રાર્થના સાંભળો;
    હે યાકૂબના દેવ, મને ધ્યાનથી સાંભળો.

હે દેવ, અમારી ઢાલને જુઓ;
    તમે જેને રાજા તરીકે અભિષિકત કર્યા છે, તેમના પર કૃપાષ્ટિ કરો.
10 કારણ, અન્યસ્થળનાં હજાર દિવસ કરતાં
    તારા આંગણામાંનો એક દિવસ શ્રેષ્ઠ છે,
દુષ્ટોના તંબુમાં રહેવુ તે કરતાં મારા દેવના મંદિરમાં દરવાન થવું,
    તે મને વધારે પસંદ છે.
11 કારણ કે યહોવા દેવ સૂર્ય તથા ઢાલ છે,
    યહોવા કૃપા તથા ગૌરવ આપશે;
ન્યાયથી વર્તનારને માટે તે કંઇ
    પણ શ્રેષ્ઠ બાબત બાકી રાખશે નહિ.
12 હે સૈન્યોના યહોવા, તેને ધન્ય છે;
    જે રાખે છે ભરોસો તમારા ઉપર.

પુનર્નિયમ 29:16-29

16 તમે મિસરમાં કેવી રીતે રહેતા હતા અને તે છોડીને કેવી રીતે દુશ્મનોના દેશોના શહેરમાં થઈને સુરક્ષાપૂર્વક આપણે યાત્રા કરી, તે બધું તમને યાદ છે. 17 તમે તે લોકોના દેશની લાકડાની, પથ્થરની, ચાંદીની તેમ જ સોનાની ધૃણાજનક મૂર્તિઓ જોઈ છે. 18 તેથી ખાતરી કરો કે તમાંરામાંથી કોઈ પણ વ્યકિત-પુરુષ, સ્ત્રી, કુટુંબ કે ઇસ્રાએલનું કોઈ કુળ-તમાંરા યહોવા દેવ તરફથી ભટકી જઈને બીજી પ્રજાઓના આ દેવોની પૂજા કરવા ન ઇચ્છે. ખાતરી કરો કે તમાંરામાં કોઇ કડવું અને ઝેરી છોડ જેવું તો નથી ને.

19 “તમાંરામાં એવી કોઈ વ્યકિત ના હોવી જોઈએ, જે આજ્ઞાભંગની સજાનાં વચનો સાંભળ્યા છતાં તેને ગંભીરતાથી ન સ્વીકારે અને એવું વિચારે કે મન ફાવે તે રીતે ચાલીશ છતાં માંરું કશું અહિત નહિ થાય! કારણ, સૂકા ભેગું લીલું પણ બળી જશે. 20 તો યહોવા તેને માંફ નહિ કરે, તેની સામે યહોવાનો ઉગ્ર રોષ ભભૂકી ઊઠશે અને આ ગ્રંથમાં લખેલી એકેએક સજા તેના પર ઊતરશે, અને યહોવા પૃથ્વી પરથી તેનું નામનિશાન ભૂસી દેશે. 21 યહોવા ઇસ્રાએલના તમાંમ કુળસમૂહોમાંથી તેને જુદો પાડીને નિયમના ગ્રંથમાં લખેલા કરારમાંના બધા શ્રાપો અનુસાર તેના ઉપર વિનાશ ઉતારશે.

22 “ભવિષ્યમાં તમાંરા વંશજો, તેમજ દૂર દેશથી આવનાર વિદેશીઓ પણ યહોવાએ તમાંરા અને તમાંરા દેશને આપેલા રોગો અને આફતો જોશે. 23 સમગ્ર પ્રદેશમાં સર્વત્ર ગંધક અને મીઠાથી બધી ધરતી બળી ગઈ હશે, કશુંય વાવી શકાય કે ઊગાડી શકાય એવું રહ્યું નહિ હોય, યહોવાએ જયારે રોષે ભરાઈને સદોમ અને ગમોરાહને, આદમાંહને અને સબોઈમને ખેદાન-મેદાન કરી નાખ્યાં હતાં તેના જેવા હાલ તમાંરા થશે.

24 “આ જોઈને બધી પ્રજાઓ પૂછશે, ‘યહોવાએ પોતાના આ પ્રદેશના આવા હાલ શા માંટે કર્યા? એના ઉપર આવો ભારે રોષ શા માંટે ઉતાર્યો?’ 25 તેઓને પ્રત્યુત્તર મળશે, ‘તેઓના પિતૃઓના દેવ યહોવા તેઓને મિસરમાંથી બહાર લાવ્યા પછી તેમની સાથે કરેલા કરારને એ લોકોએ ફગાવી દીધો, 26 અને એ લોકોએ અગાઉ કદી પૂજ્યા ન્હોતા તથા યહોવાએ જેની પૂજા કરવાની મનાઈ કરી હતી એવા બીજા જ દેવોની તેમણે સેવાપૂજા કરવા માંડી. 27 તેથી યહોવાએ ભૂમિનાં લોકો પર રોષે ભરાયા અને આ ગ્રંથમાં લખેલા બધા શ્રાપો તેમના પર ઉતાર્યા, 28 અને તેમણે અતિ કોપાયમાંન થઈને તે લોકોને તેમની પોતાની ભૂમિમાંથી ઉખેડીને બીજા પ્રદેશમાં ફેકી દીધા, જયાં તેઓ આજે પણ વસે છે.’

29 “તમાંરા યહોવા દેવે તેમના તમાંમ રહસ્યો આપણી સમક્ષ પ્રગટ કર્યા નથી. પરંતુ તેણે આ નિયમ હંમેશાને માંટે આપણી અને આપણા વંશજોની સમક્ષ પ્રગટ કરી છે, જેથી આપણે નિયમના એકેએક વચનોનું પાલન કરીએ.

પ્રકટીકરણ 12:1-12

સ્ત્રી અને અજગર

12 અને પછી આકાશમાં એક મોટું આશ્ચર્ય દેખાયું ત્યાં એક સ્ત્રી હતી, જે સૂર્યથી વેષ્ટિત હતી. ચંદ્ર તેના પગ નીચે હતો. તેના માથા પર બાર તારાવાળો મુગટ હતો. તે સ્ત્રી ગર્ભવતી હતી. તેણે પીડા સાથે બૂમ પાડી. તે જન્મ આપવાની તૈયારીમાં હતી.

પછી આકાશમાં બીજુ એક ચિન્હ દેખાયું: ત્યા એક મોટો લાલ અજગર હતો. તે અજગરને સાત માથાં પર સાત મુગટ, દરેક માથાં પર એક મુગટ હતો. તે અજગરને દસ શિંગડા પણ હતાં. તે અજગરના પૂંછડાએ આકાશના તારાઓનો ત્રીજો ભાગ ખેંચીને પૃથ્વી પર નીચે ફેંકયો. તે અજગર તે સ્ત્રીની સામે આવ્યો અને ઊભો રહ્યો જે બાળકને જન્મ આપવાની તૈયારીમાં હતી. તે અજગરની ઈચ્છા જ્યારે તે સ્ત્રીનું બાળક જન્મે ત્યારે તેને ખાઇ જવાની હતી.

તે સ્ત્રીએ એક પુત્રને જન્મ આપ્યો, તે તમામ દેશો પર લોઢાનાં દંડથી રાજ કરશે. અને તેના બાળકને દેવ પાસે અને તે ના રાજ્યાસન પાસે લઈ જવામા આવ્યો હતો. તે સ્ત્રી અરણ્યમાં એક જગ્યા જે દેવે તેના માટે તૈયાર કરી હતી, ત્યાં નાસી ગઈ. ત્યાં અરણ્ય માં 1,260 દિવસો સુધી તેની સંભાળ રાખવામાં આવશે.

પછી ત્યાં આકાશમાં યુદ્ધ થયું. મિખાયેલ તથા તેના દૂતો અજગરની સાથે લડ્યા. તે અજગર અને તેના દૂતો તેમની સામે લડ્યા. પણ તે અજગર જોઈએ તેટલો બળવાન ન હતો. તે અજગર અને દૂતોએ આકાશમાં તેઓનું સ્થાન ગુમાવ્યું. તે મોટા અજગરને આકાશની બહાર ફેંકી દેવામાં આવ્યો. (તે અજગર જે જુનો સાપ છે જે દુષ્ટાત્મા તથા શેતાન કહેવાય છે. તે આખા જગતને ખોટા માર્ગે દોરે છે.) તે અજગરને તેના દૂતો સાથે પૃથ્વી પર ફેંકવામાં આવ્યો હતો.

10 પછી મેં આકાશમાં મોટા સાદે વાણીને કહેતા સાંભળી કે, “હવે તારણ અને પરાક્રમ અને અમારા દેવનું રાજ્ય અને તેના ખ્રિસ્તની સત્તા આવ્યાં છે; આ વસ્તુઓ આવી છે કારણ કે અમારા ભાઇઓ પર દોષ મૂકનાર, જે અમારા દેવની આગળ રાત દિવસ તેઓના પર દોષ મૂકે છે. તેને નીચે ફેંકી દેવામાં આવ્યો છે. 11 અમારા ભાઈઓએ તેને હલવાનના રક્તથી અને સાક્ષીઓના વચનથી હરાવ્યો છે. તેઓ પોતાના જીવનને વધારે વહાલું ગણતા નહિ. તેઓ મૃત્યુથી ડરતા નહોતા. 12 તેથી તે બધા જે ત્યાં રહે છે તે સુખી થાઓ. પરંતુ પૃથ્વી અને સમુદ્ર માટે તે ખરાબ થશે કારણ કે શેતાન તમારી પાસે નીચે ઉતરી આવ્યો છે. તે શેતાન ક્રોધથી ભરેલો છે. તે જાણે છે તેની પાસે હવે વધારે સમય રહ્યો નથી.”

માથ્થી 15:29-39

ઈસુએ ઘણા લોકોને સાજા કર્યા

29 પછી ઈસુએ તે સ્થળ છોડી દીઘું. અને ગાલીલના સરોવરના કિનારે ગયો. પછી તે એક ટેકરી પર ચઢયો અને ત્યાં બેઠો.

30 લોકોનાં ટોળેટોળાં ત્યાં આવ્યાં લંગડા, આંધળા, ટુડાંઓને, મૂંગા અને બીજા ઘણા માંદા લોકોને ઈસુના પગ આગળ લાવીને તેમને મૂક્યાં અને તેણે તે બધાને સાજા કર્યા. 31 લોકો આશ્ર્ચર્ય પામ્યા. કારણ કે તેઓએ મૂંગાઓને બોલતાં જોયાં, અપંગ સાજા થયાં, લંગડા ચાલતા થયાં અને આંધળા દેખતાં થયા છે! આથી લોકોએ ઈસ્રાએલના દેવની સ્તુતિ કરી.

ઈસુએ 4,000 કરતાં વધુ લોકોને જમાડયા

(માર્ક 8:1-10)

32 પછી ઈસુએ તેના શિષ્યોને પાસે બોલાવ્યા અને કહ્યું, “આ લોકો પર મને દયા આવે છે કારણ કે તેઓ ત્રણ દિવસથી સતત મારી સાથે છે. હવે એમની પાસે કંઈજ ખાવાનું નથી. હું તેમને ભૂખ્યા જવા દેવા માંગતો નથી, કદાચ રસ્તામાં તેઓ જતાં જતાં ભૂખથી બેભાન થઈ જાય.”

33 પછી શિષ્યોએ કહ્યું, “આટલા બધા લોકોને જમાડવા આપણે પૂરતી રોટલી ક્યાંથી મેળવીશું અને આપણે કોઈપણ ગામથી ઘણા દૂર છીએ.”

34 ઈસુએ પૂછયું, “તમારી પાસે કેટલી રોટલી છે?”

શિષ્યોએ કહ્યું, “અમારી પાસે સાત રોટલીઓ અને થોડીક નાની માછલીઓ છે.”

35 ઈસુએ લોકોને જમીન પર બેસી જવા કહ્યુ. 36 ઈસુએ રોટલી અને માછલી લઈન દેવનો આભાર માન્યો અને તેણે રોટલીના ટૂકડા કરી શિષ્યોને આપ્યા અને શિષ્યોએ તે ટૂકડા લોકોને આપ્યા. 37 દરેકે ઘરાઈને ખાધું. પછી વધેલા ટૂકડા ભેગા કર્યા અને તેની સાત ટોપલી ભરાઈ. 38 ત્યાં જેઓએ ખાધું તેમાં સ્ત્રીઓ અને બાળકો ઉપરાંત 4,000 પુરુંષો હતા. 39 પછી ઈસુએ લોકોને વિદાય કર્યા અને તેઓ હોડીમાં બેસી મગદાન પ્રદેશમાં ગયા.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International