Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 37

દાઉદનું ગીત.

દુષ્ટ લોકો પ્રતિ ગુસ્સે થઇશ નહિ.
    અને અન્યાય કરનારની ઇર્ષા કરતો નહિ.
કારણ તેઓ તો ઘાસ અને લીલા છોડવા જેવાં છે
    જે ચીમળાઇને મરી જશે.
યહોવાનો વિશ્વાસ કર અને સત્કર્મ કર, તો તું તારા દેશમાં રહીશ
    અને તે (યહોવા) વિશ્વસનીયતાથી જે આપે તેનો આનંદ માણ.
યહોવા સાથેના તારા સબંધોનો આનંદ માણ;
    ખાતરી રાખ કે તારા હૃદયની ઇચ્છાઓ તેના (યહોવા) દ્વારા પૂર્ણ થશે.
તું જે કંઇ કર્મ કરે તે સર્વ યહોવાને આધીન કર,
    તું એના પર ભરોસો રાખ, અને તે તારા સર્વ કામ ફળીભૂત કરશે.
તે તારું ન્યાયીપણું પ્રભાતની જેમ પ્રકાશિત કરશે,
    અને તારા પ્રામાણિકપણાને બપોરના સૂર્ય ની જેમ તેજસ્વી કરશે.
    અને તારી નિર્દોષતાની સર્વ માણસોને જાણ થશે.
યહોવાની સમક્ષતામા શાંત થાં, અને ધીરજથી તેમની વાટ જો,
    જે કુયુકિતઓથી ફાવી જાય છે એમના પર તું ખીજવાતો નહિં.
ખીજાવાનું બંધ કર. અને તારો ગુસ્સો ત્યાગી દે,
    આટલો બેચેન ન બન કે તું પણ કઇંક અનિષ્ટ કામ કરી બેસે.
કારણ, દુષ્કમીર્ઓનો વિનાશ થશે.
    અને જેઓ યહોવાની મદદની રાહ જુએ છે તેમને ભૂમિ મળશે.
10 થોડા સમયમાં દુષ્ટ લોકોનો જડમૂળથી નાશ થઇ જશે.
    તું તેમને શોધવાની સખત મહેનત કરીશ તોપણ તને તેમના નામોનિશાન નહિ મળે.
11 નમ્ર લોકોને દેશનું વતન પ્રાપ્ત થશે;
    તેઓને સર્વ વસ્તુઓનો આશીર્વાદ મળશે.
    તેઓને મનની અદ્ભૂત શાંતિ મળશે અને સુખી થશે.

12 દુષ્ટો ન્યાયીઓની વિરુદ્ધ ખરાબ યુકિતઓ ઘડે છે
    અને તેમની જ સામે પોતાના દાંત પીસે છે.
13 પ્રભુ જુએ છે કે તેમનો કાળ નજીક આવ્યો છે;
    તેથી તે દુષ્ટ માણસોની હાંસી ઉડાવે છે.
14 દુષ્ટોએ દરિદ્રી અને કંગાળનો, તથા સત્ય આચરણ કરનારનો સંહાર કરવા ખુલ્લી તરવાર લીધી છે,
    અને ધનુષ્યથી નિશાન તાક્યું છે.
15 તેઓની પોતાની જ તરવાર તેઓના પોતાના જ હૃદયને વિંધશે;
    અને તેઓનાઁ ધનુષ્યને ભાંગી નાંખવામાં આવશે.
16 નીતિમાન લોકો પાસે જે અલ્પ છે,
    તે દુષ્ટ લોકોની વિપુલ સંપત્તિ કરતાં વધારે સારું છે.
17 કારણ, દુષ્ટ લોકોના હાથોની શકિતનો નાશ કરવામાં આવશે
    પણ યહોવા નીતિમાન લોકોની કાળજી લેશે અને તેમને ટેકો આપશે.
18 યહોવાને યથાથીર્ઓના સર્વ પ્રસંગોની ખબર છે,
    તેની દ્રૃષ્ટિમાં તેઓ નિર્દોષ છે, તેઓનો વારસો સદાય ટકી રહેશે
19 યહોવા તેઓની વિકટ સંજોગોમાં
    પણ કાળજી રાખે છે,
દુકાળનાં સમયે
    પણ તે સવેર્ તૃપ્ત થશે.
20 પણ દુષ્ટો અને યહોવાના શત્રુઓ,
    ઘાસની જેમ ચીમળાઇ જશે,
અને ધુમાડા ની
    જેમ અદ્રશ્ય થઇ જશે.
21 દુષ્ટો ઉછીનું લે છે ખરા પણ પાછું કદી આપતા નથી,
    ન્યાયી જે આપવામાં ઉદાર છે તે કરુણાથી વતેર્ છે.
22 જેઓ યહોવાથી આશીર્વાદિત છે, તેઓ પૃથ્વીનું વતન પામશે,
    પણ જેઓ દેવથી અભિશાપિત છે તેઓનો અવશ્ય સંપૂર્ણ વિનાશ થશે.
23 યહોવા ન્યાયીને માર્ગ બતાવે છે, અને તેના પગલાં સ્થિર કરે છે.
    યહોવા પ્રસન્ન થાય છે તેથી તેનું જીવન સ્થિર કરે છે.
24 તેઓ ઠોકર ખાશે છતાં પડશે નહિ,
    કારણ કે તેમને ટેકો આપવા માટે અને સ્થિર રાખવાં માટે યહોવા ત્યાં છે.
25 હું જુવાન હતો અને હવે વૃદ્ધ થયો છું.
    છતાં ન્યાયીને તરછોડ્યા હોય કે
    તેનાં સંતાન ભીખ માંગતા હોય એવું કદાપિ મેં જોયું નથી.
26 તે ન્યાયીઓ છે ઉદાર, તેઓ હંમેશા પોતાની પાસે જે છે તે છૂટથી બીજાને આપે છે.
    તેઓના સવેર્ સંતાનોને યહોવાના આશીર્વાદ મળશે.
27 ભૂંડાથી દૂર થા, અને ભલું કર;
    અને દેશમાં સદાકાળ રહે.
28 કારણ, યહોવા ન્યાય અને પ્રામાણિકતાને ઇચ્છે છે
    તે તેમના વિશ્વાસુ ભકતોને કદી છોડી દેતાં નથી;
તે તેમનું સદા રક્ષણ કરશે
    અને દુષ્ટોનાં સંતાનોનો વિનાશ કરશે.
29 ન્યાયીઓ વતનનો વારસો પામશે,
    અને સદાકાળ ત્યાં નિવાસ કરશે.
30 ન્યાયીની વાણી ડહાપણ ભરેલી છે,
    તેની જીભ સદા ન્યાયની વાત કરે છે.
31 તેમનાં પોતાના હૃદયમાં યહોવાનું નિયંત્રણ છે,
    અને તેમાંથી તે કદાપિ ચલિત થતાં નથી.

32 દુષ્ટો સદા ન્યાયી માણસોની જાસૂસી કરે છે, અને તેઓને મારી નાખવાના લાગ શોધતાં ફરે છે.
33 પણ યહોવા દુષ્ટ માણસોના હાથમાં ન્યાયીઓને પડવા દેશે નહિ.
    ભલે તેઓને ન્યાયાલયોમાં લઇ જાય તોય તેઓ દોષિત ઠરાવાશે નહિ.
34 ધીરજથી યહોવાની રાહ જુઓ અને તેના માર્ગને અનુસરો, અને યહોવા તમને વિજયી કરશે
    અને તમને જે દેશનું વચન અપાયેલું હતું તે તમને વારસામાં મળશે,
    અને તમે દુષ્ટ લોકોનો નાશ થતો જોશો.

35 અનુકુળ ભૂમિમાં રોપેલા લીલા વૃક્ષની જેમ,
    મેં દુષ્ટને મોટા સાર્મથ્યમાં ફેલાતો જોયો.
36 હું ફરી ત્યાં થઇને ગયો ત્યારે તે ત્યાં નહોતો;
    મેં તેને શોધ્યો, પરંતુ તેનો પત્તો મળ્યો નહિ.
37 હવે જે નિર્દોષ છે તેનો વિચાર કરો. જે પ્રામાણિક છે તેનો વિચાર કરો.
    કેમ કે શાંતિપ્રિય લોકો તેમના વંશજો માટે ઉજ્જવળ ભવિષ્ય પામશે.
38 પણ દુષ્ટો સમૂળગા વિનાશ પામશે,
    અંતે તેઓના વંશજોનો અંત આવશે.
39 યહોવા ન્યાયીઓનો ઉદ્ધાર કરે છે.
    સંકટ સમયે માત્ર યહોવા જ તેમનું તારણ-આશ્રયસ્થાન છે.
40 જે યહોવા પર ભરોસો રાખે છે, તેઓને તે દુષ્ટોથી છોડાવીને તારે છે;
    તેઓની આવીને સહાય કરે છે; કારણ, તેમણે તેનો આશરો લીધો છે.

પુનર્નિયમ 4:32-40

દેવે કરેલાં મહાન કાર્યો વિષે વિચારો

32 “દેવે પૃથ્વી પર માંનવીનું સર્જન કર્યું ત્યારથી માંડીને આજ સુધીના ઇતિહાસના પૃષ્ઠો તપાસી જાઓ, આકાશના એક છેડાથી બીજા છેડા સુધી ફરી વળો અને પૂછો કે, પહેલાં કદી આ પ્રમાંણેની અદૃભૂત ઘટના બનેલી જોઈ છે કે સાંભળી છે? 33 તમે લોકોએ જેમ દેવને અગ્નિમાંથી બોલતા સાંભળ્યા છે તેમ અન્ય કોઈ પ્રજાએ સાંભળ્યા છે ખરા? અને છતાં પણ તે જીવતી રહી છે? 34 અથવા તમાંરા દેવ યહોવાની જેમ કોઈએ એક પ્રજાને બીજી પ્રજા પાસેથી પોતાને માંટે લઈ લેવાની હિંમત કરી છે? તેમણે તો મિસરમાં તમાંરે માંટે તમાંરા દેખતાં, પોતાના પ્રચંડ બાહુબળના ચમત્કારો બતાવીને ભયંકર આફતોનો વરસાદ વરસાવ્યો હતો. યુદ્ધો, ચમત્કારો, પરાક્રમો અને ભયાનક કૃત્યો કર્યા હતાં. 35 આ તમાંમ તેમણે એટલા માંટે કર્યુ કે પોતે જ દેવ છે, બીજું કોઈ નથી, એની ખાતરી તમને કરાવી શકાય. 36 તમને ઉપદેશ મળે એ માંટે યહોવાએ આકાશમાંથી તેમની બોધ આપતી વાણી સંભળાવી. અને તમને પૃથ્વી પર પોતાના મહાઅગ્નિનાં દર્શન કરાવ્યાં. અને એ જ અગ્નિમાંથી તમે તેમનાં વચનો સાંભળ્યાં,

37 “યહોવા તમાંરા પૂર્વજો પર પ્રેમ રાખતા હતા. અને તેઓના વંશજોને આશીર્વાદ આપવા માંટે તેમણે પસંદ કર્યા હતા. એટલે એ જાતે જ તમને પ્રચંડ બાહુબળથી મિસરમાંથી બહાર લઈ આવ્યા. 38 તમાંરા કરતા મોટા અને શકિતશાળી રાષ્ટ્રોને તેમણે હાંકી કાઢી અને તેઓના દેશો તમને સોંપ્યા, જેમ આજે છે તેમ.

39 “એટલે તમે ચોક્કસ રીતે મનમાં રાખો કે યહોવા જ દેવ છે, અને બીજા કોઇ દેવ નથી. તે આકાશમાં અને પૃથ્વી ઉપર દેવ છે. 40 આજે હું તમને જે કાનૂનો અને નિયમો આપું છું તેનું તમે પાલન કરજો, જેથી તમાંરું અને તમાંરાં સંતાનોનું ભલું થાય અને તમાંરા યહોવા દેવ જે ભૂમિ તમને આપે છે તેમાં તમે દીર્ધકાળ વસો અને દીર્ધાયુ ભોગવો.”

2 કરિંથીઓ 3

દેવના સેવકોનો નવો કરાર

શું ફરીથી આપણે આપણા વિષે બડાઈ મારવાનું શરું કરી રહ્યા છીએ? શું અમારે તમારા માટે કે તમારા તરફથી ઓળખપત્રની જરૂર છે? જે રીતે બીજા લોકોને હોય છે? તમે પોતે જ અમારો પત્ર છો. પત્ર અમારા હૃદયરૂપી પટો પર અંકિત થયો છે. તે બધાથી વિદીત છે અને દરેક વ્યક્તિ તે વાંચે છે. તમે બતાવ્યું છે કે તમે ખ્રિસ્ત તરફથી મોકલેલો પત્ર છો કે જે તેણે અમારી મારફતે મોકલ્યો છે. આ પત્ર શાહીથી નહિ પરંતુ જીવતા દેવના આત્માથી લખાયેલો છે; તે શિલાપટો[a] પર નથી લખાયો પરંતુ માનવ હૃદય પર લેખિત થયો છે.

અમે આમ કહી શકીએ છીએ, કારણ કે ખ્રિસ્ત થકી અમે દેવ સમક્ષ ખાતરી અનુભવીએ છીએ. હું એમ નથી સમજતો કે અમે અમારી જાતે જે કાંઈ સારું છે તે કરવા અમે શક્તિમાન છીએ. તે દેવ એક છે જે આપણે કરીએ છીએ તે કરવાને આપણને શક્તિમાન બનાવે છે. દેવે જ અમને દેવ તરફથી તેના લોકોને પ્રાપ્ત થયેલા નવા કરારના સેવક બનવાને શક્તિમાન બનાવ્યા છે. આ નવો કરાર તે લેખિત નિયમ નથી તે આત્માનો છે. લેખિત નિયમ મૃત્યુ લાવે છે, પરંતુ આત્મા જીવન બક્ષે છે.

નવો કરાર ઉત્કૃષ્ટ મહિમા લાવે છે

સેવા જે મૃત્યુ લાવે છે તેના શબ્દો પથ્થર પર લખાયેલા હતા. તે દેવના મહિમા સાથે આવ્યા હતા. મૂસાના મુખ પરંતુ તેજ મહિમાથી એટલું પ્રકાશવાન હતું કે ઈસ્રાએલ ના લોકો સતત તેની સામે જોઈ શક્યા નહોતા. અને તે મહિમા પછીથી અદશ્ય થઈ ગયો હતો. નિશ્ચિત રીતે, જે સેવા આત્માનું અનુગમન કરાવે છે તેનો મહિમા તો આનાથી પણ મહાન થશે. મારું કહેવું આમ છે: કે સેવા લોકોને તેમના પાપના અનુસંધાનમાં મૂલવતી હતી, પરંતુ તે મહિમાવંત હતી. તેટલી જ નિશ્ચિતતાથી જે સેવા લોકોને દેવને અનુરુંપ બનાવે છે, તેનો મહિમા વધુ ઉત્કૃષ્ટ છે. 10 તે જૂની સેવાનો મહિમા છે. પરંતુ નવી સેવાના વધારે અધિક મહિમાવાન સાથે સરખાવતા તેના મહિમાનો ખરેખર છેદ થયો. 11 મહિમા સાથે આવેલી જે સેવા અદશ્ય થવાની હતી, પછી તો આ સેવા જે અવિનાશી છે તેનો મહિમા વિશેષ છે.

12 આપણી આ અભિલાષાને લીધે તો આપણે વધારે હિંમતવાન બની શકીએ છીએ. 13 આપણે મૂસા જેવા નથી. તેણે તો તેના મુખ પર મુખપટ નાખ્યું હતું. મૂસાએ તેનું મુખ ઢાંકી દીધું હતું કે જેથી ઈસ્રાએલ લોકો તે જોઈ ના શકે. મહિમા નું વિલોપન થઈ રહ્યું હતું, અને મૂસા નહોતો ઈચ્છતો કે તે લોકો તેનો અંત જુએ. 14 પરંતુ તેઓના માનસપટ બંધ હતાં-તેઓ સમજી શક્યા નહિ. આજે પણ જ્યારે તેઓ જૂના કરારનું વાંચન કરે છે ત્યારે એ જ આવરણ અર્થને ઢાંકી દે છે. તે આવરણ હજુ પણ દૂર કરાયુ નથી. તે માત્ર ખ્રિસ્ત દ્વારા દૂર કરાય છે. 15 પરંતુ આજે પણ જ્યારે આ લોકો મૂસાના નિયમનું વાંચન કરે છે, ત્યારે તેઓનું માનસપટ આચ્છાદિત છે. 16 પરંતુ જ્યારે વ્યક્તિ પરિવર્તીત થાય છે અને પ્રભુને અનુસરે છે, ત્યારે તે આચ્છાદન દૂર થાય છે. 17 પ્રભુ તે આત્મા છે. અને જ્યાં દેવનો આત્મા છે ત્યાં સ્વતંત્રતા છે. 18 અને આપણા મુખ આચ્છાદિત નથી. આપણે સર્વ દેવનો મહિમા પ્રદર્શિત કરીએ છીએ. આપણે તેના જેવા થવા માટે પરિવર્તીત થયા છીએ. આ પરિવર્તન આપણામાં વધુ ને વધુ મહિમાનું પ્રદાન કરે છે. આ મહિમા પ્રભુ તરફથી આવે છે, જે આત્મા છે.

લૂક 16:1-9

સાચુ ધન

16 ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “એક ધનવાન માણસ હતો. આ ધનવાન માણસે તેના વ્યાપારની દેખરેખ રાખવા માટે એક કારભારી રાખ્યો હતો. પાછળથી તે ધનવાન માણસને ખાનગીમાં જણાવવામાં આવ્યું હતું કે તેનો કારભારી તેને છેતરે છે. તેથી તેણે તેને અંદર બોલાવ્યો. અને તેને કહ્યું, ‘મેં તારા વિષે ખરાબ વાતો સાંભળી છે. તેં મારા પૈસાનું શું કર્યુ છે તેનો હિસાબ મને આપ. હવે તું મારો કારભારી રહી શકીશ નહિ!’

“તે કારભારીએ તેની જાતે વિચાર્યુ, ‘હું શું કરું? મારો ધણી મારી પાસેથી કારભાર લઈ લે છે. હું ખોદકામ કરી શકું તેટલો શક્તિશાળી નથી. ભીખ માંગવામાં મને શરમ આવે છે. હું જાણું છું કે હું શું કરીશ! હું એવું કંઈ કરીશ કે જેથી હું જ્યારે મારી નોકરી ગુમાવું ત્યારે બીજા લોકો મને તેઓના ઘરે આવકારે.’

“તેથી કારભારીએ દરેક દેણદારને જેઓને માથે ધણીનું દેવું હતુ તેઓને બોલાવ્યા. તેણે પહેલા માણસને કહ્યું, ‘તારે મારા માલિકનું કેટલું દેવું છે?’ તે માણસે ઉત્તર આપ્યો; ‘મારે તેમનું 8,000 પૌંડ ઓલિવ તેલનું દેવું છે.’ કારભારીએ તેને કહ્યું, ‘આ રહ્યું તારું બીલ, જલ્દી બેસી જા, અને બીલની રકમ ઓછી કર, 4,000 પૌંડ લખ.’

“પછી કારભારીએ બીજા માણસને કહ્યું, ‘તારે મારા ધણીનું દેવું કેટલું છે?’ તે માણસ બોલ્યો; ‘મારે તેનું 60,000 પૌંડ ઘઉનું દેવું છે.’ પછી કારભારીએ તેને કહ્યું, ‘આ રહ્યું, તારું બીલ તું તેને ઓછું કરી શકે છે. 50,000 પૌંડ લખ.’

“પાછળથી ધણીએ તે અપ્રામાણિક કારભારીને કહ્યું કે તેણે ચતુરાઇથી કામ કર્યુ છે, હા, દુન્યવી માણસો તે સમયના અજવાળાના લોકો કરતાં તેઓના ધંધામાં વધારે ચતુર હોય છે.

“હું તમને કહું છું, આ દુનિયામાં અહીં તમારી પાસે જે કંઈ છે તેનો ઉપયોગ કરી દેવ સાથે મિત્રો કરી લો, પછી જ્યારે તે થઈ રહે ત્યારે તે ઘરમાં તેને કાયમ આવકાર મળશે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International