Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 25

દાઉદનું ગીત.

હે યહોવા, મારી જાતને તને સોપું છું.
    હું હમેશા તમારો વિશ્વાસ કરું છું.
    તો મારી સાથે કોઇ એવી વસ્તુ
ન બને કે જેથી મારે શરમાવું પડે.
    મારા શત્રુઓને મારી ઉપર હસવા દેતા નહિ.
જેઓ યહોવામાં વિશ્વાસ રાખે છે તેઓએ કદી કશાથી પણ શરમાવાનું નહિ.
    પણ વિશ્વાસઘાતીઓની માનહાનિ થશે.
    તેઓને તેમના વિશ્વાસઘાતથી કોઇ ફાયદો નહિ થાય.

હે યહોવા, મને તમારાં માર્ગ બતાવો;
    તમારા રસ્તા વિષે મને શીખવો.
મને માર્ગદર્શન અને જ્ઞાન આપો; કારણ,
    તમે જ માત્ર મને તારણ આપનાર દેવ છો.
    હું આખો દિવસ તમારી રાહ જોઉ છુઁ.
હે યહોવા, તમારી કૃપા અને તમારી પ્રેમાળ દયાળુતાને યાદ રાખો કારણ તે સનાતન છે.
    મારી જુવાનીનાં પાપ અને મારા અપરાધનું સ્મરણ ન કરો.
હે યહોવા, તમારા શુભ નામને માટે,
    તમારી કૃપા અને અનુકંપા સાથે મને યાદ કરો.

યહોવા સારા અને પ્રામાણિક છે, તેથી તેઓ પાપીઓને સાચા માર્ગે દોરે છે,
    અને તેઓ તેમને શું ન્યાયી અને નિષ્પક્ષ છે તે શીખવે છે.
તેઓ નમ્ર લોકોને ન્યાયી બનવા માટે દોરે છે
    અને તેઓ તેમને તેમના માર્ગે જીવવાનું શીખવે છે.
10 જે લોકો તેનો પવિત્ર કરાર અને કાયદાઓનું પાલન કરે છે
    તેમનાં તરફ યહોવા દયાળુ અને વિશ્વાસુ છે.

11 હે યહોવા, મારા પાપ તો ઘણાં છે,
    તમારા નામના મહિમા માટે મને ક્ષમા કરો.

12 યહોવાથી ડરે એવા માણસો કયાં છે?
    શ્રેષ્ઠ જીવન જીવવાનો શ્રેષ્ઠ રસ્તો પસંદ કરવાનું તેમને યહોવા શીખવશે.
13 તે માણસ પર યહોવાના આશીર્વાદ રહેશે;
    તેનાં સંતાન પૃથ્વીનો વારસો પામશે.
14 જેઓ યહોવાનો ભય અને તેમના માટે માન રાખે તેઓની સાથે તેઓ પોતાના રહસ્યો વહેંચે છે.
    તેઓ તેઓને તેમનો કરાર શીખવે છે.
15 મારી ષ્ટિ સહાય માટે સદાય યહોવા તરફ છે,
    કારણ, તે એકલાં જ મારા પગ ફાંદામાંથી કાઢશે.

16 હે યહોવા, હવે તમે આવો, ને મારા પર દયા કરો.
    હું નિરાશ્રિત, દુ:ખી, નિ:સહાય અને એકલો છું.
17 મારી મુસીબતો અને સમસ્યાઓ દિનપ્રતિદિન વધુ ખરાબ થતા જાય છે.
    હે યહોવા, તે બધામાંથી મને મુકત કરો.
18 મારાઁ દુ:ખ તથા વેદના પર જરા નજર કરો,
    અને કૃપા કરી મારાં સર્વ પાપની ક્ષમા કરો.
19 મારા શત્રુઓ ઘણાં છે તે જરા જુઓ;
    તેઓ કેટલી ક્રૂરતાથી મારી ધૃણા કરે છે તે જુઓ.
20 મારું રક્ષણ કરો અને મારો જીવ બચાવો.
    મારી લાજ જવા દેતા નહિ, કારણ હું તમારો વિશ્વાસ કરું છું.
21 મારા પ્રામાણિપણું તથા ન્યાયીપણાના, તમે રક્ષક બનો.
    કારણ, રક્ષણ માટે હું તમારી આશા રાખું છું.
22 હે યહોવા, હવે તમે ઇસ્રાએલને
    સર્વ સંકટોમાંથી છોડાવો.

ગીતશાસ્ત્ર 9

નિર્દેશક માટે. રાગ: “મુથ-લાબ્બેન” દાઉદનું ગીત.

હું યહોવાની, મારા સંપૂર્ણ હૃદયથી આભારસ્તુતિ કરીશ;
    અને તેમના અદભૂત કૃત્યો હું પ્રત્યેક વ્યકિત સમક્ષ પ્રગટ કરીશ.
હે દેવ, હું તમારામાં આનંદ પામીશ અને ખુશ થઇશ.
    સૌથી ઉયા દેવ હું તમારી પ્રશંશા કરતાં સ્તોત્રો ગાઇશ.
જ્યારે મારા સર્વ શત્રુઓ પાછા ફરીને તમારાથી ભાગશે
    અને તેઓ ઠોકર ખાઇને નાશ પામશે.

સૌથી ઉયા અને ન્યાયાસન પર બેસીને તમે સાચો ન્યાય કર્યો છે.
    તમે મને ન્યાય કરીને મારી સજા નિશ્ચિત કરી છે.
હે યહોવા, તમે વિદેશી રાષ્ટ્રોને,
    અન્ય પ્રજાઓને અને દુષ્ટ લોકોનો નાશ કર્યો છે.
    અને તમે સદાને માટે તેઓના નામ ભૂંસી નાખ્યાં છે.
હે યહોવા, સર્વ શત્રુઓનો અંત આવ્યો છે.
    અને સદાકાળ માટે નાશ પામ્યા છે.
    જે નગરો તમે પાયમાલ કર્યા છે, તેના નામોનિશાન નથી રહ્યાં.

પરંતુ યહોવા સદાકાળ રાજા તરીકે બિરાજે છે;
    અને તેમની રાજગાદી સદા ન્યાય કરવાં સ્થાયી છે.
તે જગતનો ન્યાય નિશ્પક્ષતાથી કરે છે
    અને તે રાષ્ટ્રોનો ન્યાય પ્રામાણિકતાથી કરે છે.
યહોવા, ત્રાસીને હેરાન થયેલા લોકોને કિલ્લારૂપ થશે,
    તે સર્વ સંકટોમાં સહુ લોકોના ગઢ થશે.

10 જેઓ તમારૂં નામ જાણે છે તેઓ તમારો વિશ્વાસ કરશે,
    કારણકે તમારી પાસે મદદ માટે આવેલાંઓને તમે કયારેય તરછોડયા નથી.

11 યરૂશાલેમમાં વસનાર યહોવાના સ્તુતિગાન ગાઓ;
    ભૂલી ન શકાય તેવાં તેમના કૃત્યો જગતને જણાવો.
12 કારણ જે ન્યાય શોધતા હોય છે
    તેઓને તે યાદ રાખે છે.[a]
તેઓ રૂદન કરતા ગરીબ
    લોકોને મદદ કરવાનું ભુલતાં નથી.

13 “હે યહોવા, તમે મારા પર દયા કરો,
    મને મોતના મુખમાંથી બચાવો,
મને કેવું દુ:ખ છે!
    તે તમે જુઓ.
14 જેથી પછી હું યરૂશાલેમના દરવાજે બધાં લોકોની સમક્ષ તમારી સ્તુતિ ગાઇશ
    અને તમારા રક્ષણમાં ખુશ રહીશ.”

15 જે રાષ્ટ્રોએ બીજાઓ માટે ખાડા ખોધ્યા હતા,
    તેઓ પોતેજ ખાડામાં પડયા છે.
    તેઓ પોતે ગોઠવેલા છટકામાં પોતેજ સપડાયા છે.
16 યહોવાએ ન્યાયી ચુકાદાઓ આપીને,
    પોતાની ઓળખાણ આપી છે અને દુષ્ટો પોતાનીજ પ્રપંચી જાળમાં ફસાઇ ગયા છે.

17 દેવને ભૂલનારા દુષ્ટોને નરકમાં ધકેલી દેવાશે.
    યહોવાને ભૂલનારા સઘળાં લોકો શેઓલમાં જશે.
18 ભિખારીઓ કદીય ભૂલાઇ જશે નહિ.
    ગરીબોની આશા હંમેશ માટે નિરાશામાં નહિ ફેરવાય.

19 હે યહોવા, ઊઠો; માણસને વધુ બળવાન થવા ન દેશો!
    ભલે રાષ્ટ્રોનો ન્યાય તમારી સંમુખ થાય.
20 હે યહોવા, તેઓને ભયભીત કરો,
    જેથી તેઓ એમ જાણે કે તેઓ માત્ર સામાન્ય મનુષ્યો છે.

ગીતશાસ્ત્ર 15

દાઉદનું ગીત.

હે યહોવા, તમારા પવિત્ર મંડપમાં કોણ નિવાસ કરશે?
    તમારા પવિત્ર પર્વત પર આવીને કોણ રહેશે?
જે સાધુશીલતા પાળે છે,
    જે ન્યાયથી વર્તતા હૃદયથી સત્ય બોલે છે.
તે કદી બીજા લોકો માટે ખરાબ બોલતો નથી,
    તે તેના પરિવાર માટે શરમજનક વાત કયારેય કરતો નથી.
તે કયારેય પોતાના મિત્રનું ભૂંડુ કરતો નથી;
    અને કયારેય પોતાના પડોશીને હાની પહોંચાડતો નથી.
તેની દ્રૃષ્ટિમાં પાપી માણસ વખોડવાને પાત્ર છે.
    જેઓ યહોવાનો ભય અને આદર રાખે છે તેને તે માન આપે છે.
તેને નુકશાન સહન કરવું પડે તો
    પણ પોતાના વચન કયારેય તોડતો નથી.
તે તેણે ધીરેલાં નાણાં ઉપર વ્યાજ લઇને
    તે કોઇનું શોષણ કરતો નથી.
તે નિર્દોષ માણસો સામે જૂઠી સાક્ષી દઇને કદી લાંચ લેતો નથી.
    જેઓ આ રીતે જીવે છે તે હંમેશા સુરક્ષિત રહેશે.

પુનર્નિયમ 4:9-14

પણ ધ્યાન રાખીને સાવધ રહેજો, તમે તમાંરી સગી અાંખે જે જોયું છે તે ભૂલી જશો નહિ, અને મૃત્યુ પામો ત્યાં સુધી તેને તમાંરા મનમાંથી દૂર કરશો નહિ, પરંતુ તમાંરા સંતાનોને અને તેમનાં સંતાનોને એ શીખવજો. 10 એ દિવસને તમે કદાપિ ભૂલશો નહિ, જે દિવસે તમે હોરેબમાં તમાંરા દેવ યહોવા સંમુખ ઊભા હતા, અને યહોવાએ મને કહ્યું હતું કે, ‘લોકોને માંરી સમક્ષતામાં ભેગા કર. હું તે બધાને માંરાં વચનો સંભળાવીશ અને તેઓ પૃથ્વી પર જીવશે ત્યાં સુધી માંરાથી ડરીને ચાલતાં શીખશે અને પોતાનાં સંતાનોને પણ તેમ કરતાં શીખવશે.’ 11 તેથી તમે નજીક આવીને પર્વતની તળેટી આગળ ઊભા રહ્યા હતા. પર્વત અગ્નિથી ભડભડતો હતો અને જવાળાઓ આકાશ સુધી પહોંચતી હતી. સર્વત્ર અંધકાર, વાદળ અને ગાઢ ઘુમ્મસ છવાયેલાં હતાં, 12 ત્યારે યહોવા તમાંરા દેવ અગ્નિમાંથી તમાંરી સાથે બોલ્યો. તેણે જે કહ્યું તમે સાંભળ્યું, પણ તમે તેમની આકૃતિ જોઈ નહિ તમે ફકત અવાજ સાંભળ્યો. 13 તેમણે તમને પોતાના કરારના દશ નિયમોનું પાલન કરવાનું કહ્યું. અને તે તેમણે પથ્થરની બે તકતીઓ પર લખ્યા. 14 તે જ સમયે યહોવાએ તમે જે ભૂમિમાં પ્રવેશ કરીને કબજો લેવાના છો તે ભૂમિમાં તમાંરે એ જ કાયદાઓ અને નિયમો પાળવાના છે, તે તમને શિખવવાની મને આજ્ઞા કરી.

2 કરિંથીઓ 1:1-11

ખ્રિસ્ત ઈસુના, પ્રેરિત પાઉલ તરફથી, કુશળતા હો હું એક પ્રેરિત છું કારણ કે દેવની એવી ઈચ્છા હતી. આપણો ભાઈ તિમોથી જે ખ્રિસ્તમાં છે તેના તરફથી પણ અભિવાદન.

દેવની મંડળી જે કરિંથમાં છે અને આખા અખાયામાંના દેશના દેવના બધાજ લોકોને:

આપણા દેવ પિતા તરફથી તથા ઈસુ ખ્રિસ્ત તમને કૃપા અને શાંતિ પ્રાપ્ત થાઓ.

પાઉલ દેવનો આભાર માને છે

આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના દેવ અને પિતાને ધન્ય હો. દેવ પિતા છે જે દયાથી પૂર્ણ છે. તે સર્વ દિલાસાનો બાપ છે. જ્યારે પણ આપણને મુશ્કેલી નડે ત્યારે તે આપણને દિલાસો આપે છે કે જેથી અન્ય લોકો જેઓને કોઈ પણ જાતની મુશ્કેલીઓ હોય, ત્યારે આપણે તેમને દિલાસો આપી શકીએ. જે રીતે દેવ આપણને જે દિલાસો આપે છે તે જ દિલાસો આપણે તેમને આપી શકીએ. આપણે ખ્રિસ્તની ધણી પીડાઓમાં ભાગીદાર થઈ શકીએ. એજ રીતે ધણો દિલાસો આપણને ખ્રિસ્ત તરફથી મળે છે. જો અમને મુશ્કેલીઓ નડે, તો તે મુશ્કેલીઓ તમારા દિલાસા અને તમારા ઉદ્ધાર માટે છે. જો અમને દિલાસો મળે તો તે તમારા દિલાસા માટે છે. અમારા જેવી જ પીડાને ધૈર્ય પૂર્વક સ્વીકારવા માટે આ તમને મદદરૂપ નીવડે છે. તમારા માટેની અમારી આશા મજબૂત છે. અમે જાણીએ છીએ કે અમારા દુ:ખમાં તમે સહભાગીદાર છો. તેથી અમે જાણીએ છીએ કે અમારા દિલાસામાં પણ તમે ભાગીદાર છો.

ભાઈઓ તથા બહેનો, અમે ઈચ્છીએ છીએ કે આસિયાના દેશમાં અમારે જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો તેનાથી તમે પરિચિત થાઓ. અમારી શક્તિ કરતાં પણ વધુ એવો એ બોજ હતો. અમે જીવવાની આશા પણ છોડી દીધી હતી. ખરેખર, અમને અમારા મનમાં તો એમ જ હતું કે અમે મરી જઈશું. પરંતુ આ બન્યું કે જેથી અમે અમારી જાત પર વિશ્વાસ ન કરીએ પણ જે લોકોને મરણમાંથી ઊઠાડે છે તે દેવ પર વિશ્વાસ કરીએ. 10 મૃત્યુના આ મોટા ભયમાંથી દેવે અમને બચાવ્યા અને દેવ અમને સતત બચાવશે. અમારી આશા તેનામાં છે, અને તે અમને બચાવવાનું ચાલુ રાખશે. 11 અને પછી ધણા લોકો આભાર માનશે. કારણ કે દેવે તેમની ધણી પ્રાર્થનાઓ દ્વારા આપણને આશીર્વાદ આપ્યા છે. અને તમે તમારી પ્રાર્થનાઓ દ્વારા અમને મદદરૂપ થશો.

લૂક 14:25-35

તારે પ્રથમ આયોજન કરવું જોઈએ

(માથ. 10:37-38)

25 ઈસુ સાથે ઘણા લોકો જતા હતા. ઈસુએ લોકોને કહ્યું, 26 “જો કોઈ માણસ મારી પાસે આવે છે, પણ તેના પિતાને, માતાને, પત્નીને, બાળકોને, ભાઈઓને અથવા બહેનોને મારા કરતા વધારે પ્રેમ કરે છે, તો તે માણસ મારો શિષ્ય થઈ શકતો નથી. માણસ તેની જાતને જેટલો પ્રેમ કરે છે તેનાથી વધારે મને પ્રેમ કરતો હોવા જોઈએ! 27 જ્યારે તે મારી પાછળ આવે છે ત્યારે તેને આપવામાં આવેલ વધસ્તંભ ઊંચકશે નહિ તો તે મારો શિષ્ય થઈ શકશે નહિ.

28 “જો તમે બુરજ બાંધવા ઈચ્છા રાખો તો, પહેલા બેસીને તેની કિંમત કેટલી થશે તે નક્કિ કરવી જોઈએ. મારી પાસે તે કામ પૂરું કરવા પૂરતા પૈસા છે કે કેમ તે જોવું જોઈએ. 29 જો તમે તેમ નહિ કરો તો, તમે કામ તો શરું કરી શકશો, પણ તમે તે પૂરું કરી શકશો નહિ. અને જો તમે તે પૂરું નહિ કરી શકો, તો બધા લોકો જે જોતા હતા તેઓ તમારી મશ્કરી કરશે. 30 તેઓ કહેશે; ‘આ માણસે બાંધવાનું તો શરૂ કર્યુ, પણ પૂરું કરી શક્યો નહિ!’

31 “જો કોઈ રાજા બીજા રાજાની સામે લડાઇ કરવા જવાનો હશે તો પહેલા બેસીને આયોજન કરશે. જો રાજા પાસે ફક્ત 10,000 માણસો હશે તો તે એમ જોવાની યોજના કરશે કે તે બીજા રાજા પાસે 20,000 માણસો છે તેને હરાવી શકે તેમ છે કે કેમ? 32 જો તે બીજા રાજાને હરાવી શકે નહિ, અને હજી તે રાજા ખૂબ દૂર હશે તો પછી તે કેટલાક માણસોને બીજા રાજાને કહેવા મોકલશે અને સમાધાન શાંતિ માટે પૂછશે.

33 “તે જ રીતે તમારે બધાએ પહેલા યોજના કરવી જોઈએ, તમારે સર્વ વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ અને પછી મારી પાછળ આવો. જો તમે તેમ ના કરી શકો તો તમે મારા શિષ્ય થઈ શકતા નથી.

તમારો પ્રભાવ ના છોડો

(માથ. 5:13; માર્ક 9:50)

34 “મીઠું એ સારું છે પણ જો મીઠું તેનો ખારો સ્વાદ ગુમાવે તો પછી તેની કશી કિમંત રહેતી નથી. તમે તેને ફરી ખારું બનાવી શકતા નથી. 35 તમે તેનો જમીનને માટે અથવા ખાતરને માટે પણ ઉપયોગ કરી શકતા નથી. લોકો તેને બહાર ફેંકી દે છે.

“જે લોકો મને સાંભળે છે તેમણે ધ્યાનથી સાંભળવું જોઈએ!”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International