Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 119:49-72

ઝાઇન

49 હું તમારો સેવક છું, કૃપા કરીને મને આપેલા તમારા વચનને યાદ કરો,
    તે વચન મને આશા આપે છે.
50 મને મારા દુ:ખમાઁ આશ્વાસન મળ્યું છેં;
    અને તમારા વચને મને જિવાડ્યો છે.
51 અભિમાની લોકો મારી મજાક કરે છે,
    પણ હું તમારા નિયમમાંથી પાછો હઠયો નથી.
52 હે યહોવા, પુરાતન કાળથી પ્રચલિત તમારા ન્યાયવચનો મેં મારા બાળપણથીજ યાદ રાખ્યા છે.
    અને મને હંમેશા સાંત્વન મળ્યું છે.
53 જે ભૂંડાઓ તમારા નિયમ અવગણના કરે છે;
    તેઓ પર મને ક્રોધ ઉપજે છે.
54 તમારા વિધિઓ આ મારી જીવનયાત્રામાં
    મારા માટે આનંદદાયક સ્તોત્ર બન્યા છે.
55 હે યહોવા, મને રાત્રે તમારા નામનું સ્મરણ થાય છે,
    અને હું તમારા નિયમો પાળુ છું.
56 આ મારું આચરણ છે; હું તમારા શાસનો પાલન કરું છું.

ખેથ

57 હે યહોવા, મારો વારસો છો તમે; હું વચનો પાળીશ તમારા, એમ મે કહ્યું છે.
58 મેં મારા હૃદયની ઉત્કંઠાથી તમારી કૃપાની માંગણી કરી છે;
    તમારા વચન પ્રમાણે તમે મારા ઉપર દયા કરો.
59 મેં મારા જીવનના રસ્તાઓ વિષે વિચાર કર્યો છે,
    અને પછી વળ્યો છું તમારા કરાર તરફ.
60 તમારી આજ્ઞાઓ પાળવા માટે મેં ઉતાવળ કરી છે;
    જરાય મોડું કર્યુ નથી.
61 મને દુષ્ટોનાં બંધનોએ ઘેરી લીધો છે;
    પણ તમારા નિયમોને હું ભુલ્યો નથી.
62 હું મધરાતે ઊઠીને તમારા ન્યાયવચનો બદલ
    તમારો આભાર માનીશ.
63 જે કોઇ તમારો ભય રાખે છે, તમારામાં વિશ્વાસ કે છે,
    અને તમારા શાસનોનું પાલન કરે છે તે મારા મિત્રો છે.
64 હે યહોવા, પૃથ્વી તમારી કૃપાથી ભરેલી છે,
    મને તમારા વિધિઓ શીખવો.

ટેથ

65 હે યહોવા, તમે તમારા સેવકને વચન આપ્યા પ્રમાણે,
    મારા માટે સારું જ કર્યુ છે.
66 મને યોગ્ય ચપળતા શીખવો અને મને જ્ઞાન આપો,
    હું તમારા આજ્ઞાઓ પર વિશ્વાસ કરું છું.
67 મેં દુ:ખ સહ્યું તે પહેલા મેં ઘણી ખોટી બાબતો કરી,
    પણ હાલમાં હું તમારા વચન પાળું છું.
68 તમે ઉત્તમ છો અને ઉત્તમ કરો છો;
    મને તમારા વિધિઓ શીખવો.
69 ધમંડી લોકો મારા વિશે જૂઠું બોલે છે,
    પણ હું તમારાં નિયમો ખરા હૃદયથી પાળીશ.
70 તેઓનું અંત:કરણ સ્થૂળ છે;
    પણ હું તો તારા નિયમમાં પરમાનંદ પામું છું.
71 મેં જે સહન કર્યુ તે મારા સારા માટે પૂરવાર થયું,
    એ રીતે હું તમારા વિધિઓ શીખ્યો.
72 હજારો સોના ચાંદી કરતાં તમારા મુખનો નિયમ
    મારે માટે વધુ મૂલ્યવાન છે.

ગીતશાસ્ત્ર 49

નિર્દેશક માટે. કોરાહનાં કુટુંબનું ગીત.

હે સર્વ પ્રજાજનો, તમે આ સાંભળો;
    હે વિશ્વવાસી લોકો તમે સાંભળો.
    નિમ્ન કક્ષના કે ઉચ્ચકક્ષાનાં, શ્રીમંત કે દરિદ્રી, તમે સૌ માણસો મારા શબ્દો પર ધ્યાન આપો.
હું બુદ્ધિ વિષે મારા મુખેથી બોલીશ;
    મારા હૃદયમાંથી નિકળતા ઉદૃગારો જ્ઞાન વિષે હશે.
હું દ્રષ્ટાંત પર કાન લગાડીશ,
    અને વીણા પર મારો મર્મ ખોલીશ.
જ્યારે સંકટો આવે છે ત્યારે,
    ચારેબાજુથી મને શત્રુઓ ઘેરી લે એવા દુષ્ટોના સકંજામાં મારે ડરવાની જરૂર નથી.
જેઓ પોતાની સંપત્તિ પર ભરોસો રાખે છે,
    તેઓ કેટલાં ધનવાન છે તેનું અભિમાન કરે છે.
તેઓમાંનો કોઇ પોતાના ભાઇને કોઇ રીતે છોડાવી શકતાં નથી;
    દેવને તે તેનાં બદલામાં ખંડણી આપી શકતાં નથી.
માનવ-જીવનની એટલી મોટી કિંમત છે
    કે દુન્યવી સંપત્તિથી તેનો મૃત્યુદંડ ચૂકવી શકાતો નથી.
જેથી તે સદાકાળનું જીવન પામે,
    અને નરકનાં ખાડાની શિક્ષાથી બચી જાય.
10 બધા લોકો સાક્ષી છે કે વિદ્ધાન મૃત્યુ પામે છે,
    અને મૂર્ખ તેમજ હેવાન માણસો પણ મૃત્યુ પામે છે.
    અને તેઓ તેમની પાછળ તેમની સંપત્તિ બીજાઓ માટે મૂકી જાય છે.
11 તેઓ જમીનજાગીરને પોતાના નામથી ઓળખાવે છે,
    જાણેકે સદાકાળને માટે તે તેઓની જ રહેવાની હોય;
    અને જાણે તેઓ સદાકાળ અધિકાર ભોગવવાના હોય.
12 માણસો ભલે ધનવાન હોય, પણ તેઓ અહીં કાયમ માટે રહેવાના નથી.
    જેવી રીતે બીજા પ્રાણીઓ મરી જાય છે તેમ તેઓ પણ મૃત્યુ પામશે.
13 એવા મૂર્ખ લોકો જેમણે તેમની સંપત્તિનો વિશ્વાસ રાખ્યો હતો,
    અંતે તો તેમનો અંત એવોજ આવશે.
14 પેલા લોકો બરાબર ઘેટાઁ જેવાજ છે.
    શેઓલ તેમનો વાડો બનશે અને મૃત્યુ તેમનો ઘેટાંપાળક બનશે.
જ્યારે પેલાં અભિમાની લોકોના શરીરો
    તેમના વૈભવી ઘરોથી ખૂબ દૂર શેઓલમાં ધીમેથી સડી જશે
    તે દિવસે નિષ્ઠાવાન લોકો વિજયી બનશે.

15 દેવ મને શેઓલની પકડમાંથી છોડાવશે કારણ કે
    તેઓ મને તેમની સાથે રહેવા લઇ જશે.

16 કારણ, તે લોકો ધનવાન છે, અને વૈભવી મકાનો ધરાવે છે
    એટલા માટે તે લોકોથી ડરશો નહિ.
17 તેઓ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તેઓ સાથે કશુંય લઇ જઇ શકશે નહિ
    અને તેમનો વૈભવ તેમની પાછળ જવાનો નથી.
18 ધનવાન વ્યકિત તેના જીવનકાળ દરમ્યાન પોતાની જાતને મહાન ગણતી હશે,
    અને પોતાની જાતને ધન્યવાદ આપ્યા હશે કે તે મહાન હતા,
    તેની દુન્યવી સફળતાઓ માટે લોકોએ પ્રશંસા કરી હતી.
19 પરંતુ આખરે તો તે પણ તેના પૂર્વજોની જેમ મૃત્યુ પામશે
    અને પછી તે જીવનનું અજવાળું ક્યારેય પણ નહિ જુએ.
20 જે વ્યકિત પાસે દુન્યવી વૈભવ છે, પણ આત્મિક સમજ નથી;
    તે વ્યકિત બુદ્ધિહીન નાશ પામનાર પશુ સમાન છે.

ગીતશાસ્ત્ર 53

નિર્દેશક માટે. માહલાથ સાથે ગાવાનું. દાઉદનું માસ્કીલ.

માત્ર મૂર્ખ પોતાના મનમાં કહે છે કે, “દેવ છે જ નહિ” તેનું હૃદય દુષ્ટતાથી ભરેલું છે.
    તેવા માણસો ઘૃણાને પાત્ર અને દુષ્ટ કૃત્યો કરે છે.
    તેઓમાં કોઇ સારા કૃત્યો કરનાર નથી.
દેવ આકાશમાંથી નીચે મનુષ્યો ઉપર દૃષ્ટિ કરીને તપાસ કરે છે
    કે એવી કોઇ વ્યકિત છે જેને સાચી સમજ હોય;
    ને મનથી દેવની શોધ કરતી હોય.
તેઓમાંનાં દરેક માર્ગષ્ટ થયા છે,
    અને તેઓ સઘળા અશુદ્ધ થયા છે;
કોઇ વ્યકિત ન્યાયી જીવન જીવતી નથી.
    ભલું કરનાર હવે કોઇ રહ્યુ નથી.

દેવ કહે છે કે, “દુષ્ટ કરનારાઓ શું આ નથી સમજતા?
    મારા લોકોને તે જાણે રોટલી ખાતાં હોય તેમ ખાઇ જાય છે.
    તેઓ દેવ પાસે જતા નથી, અને કદી પ્રાર્થના કરતાં નથી.”

જોકે કશું ડરવા જેવું નહિ હોય
    ત્યાં તેઓ અચાનક ભયભીત થઇ જશે.
દેવે તે બધા દુષ્ટ લોકોને નકાર્યા છે.
    તેથી દેવના લોકો તેમને હરાવશે,
અને દેવ તે દુષ્ટ લોકોના હાડકાઁને વિખેરી નાખશે.

સિયોનમાંથી ઇસ્રાએલનું તારણ વહેલું આવે!
    યહોવા પોતે પોતાના લોકોને બંધનમાંથી છોડાવશે
અને તેમને પાછા તેમના વતનમાં લાવશે,
    અને પછી યાકૂબ ખુશ થશે,
    તથા ઇસ્રાએેલ આનંદિત થશે.

Error: Book name not found: Wis for the version: Gujarati: પવિત્ર બાઈબલ
કલોસ્સીઓ 1:24-2:7

મંડળી માટે પાઉલનું કાર્ય

24 તમારા માટે મેં જે દુઃખો સહન કર્યા છે તેનાથી હું હમણાં આનંદ અનુભવું છું. ખ્રિસ્તે હજુ પણ તેના શરીર, મંડળી, દ્વારા ઘણી યાતનાઓ ભોગવવી પડશે. જે પીડા ભોગવવાની છે તેને હું મારા શરીરમાં સ્વીકારું છું. હું તેના શરીર, મંડળી માટે યાતના સહું છું. 25 દેવે મને વિશિષ્ટ કાર્ય સોંપેલું તેથી હું મંડળીનો સેવક બન્યો. આ કાર્ય તમને મદદરૂપ થવાનું છે. મારું કાર્ય સંપૂર્ણપણે દેવની વાત જણાવવાનું છે. 26 પ્રારંભકાળથી જ જેને ગુપ્ત રાખવામાં આવ્યું છે તેવો ઉપદેશ ગૂઢ સત્ય છે. આ સત્યને સર્વ સંતોથી ગુપ્ત રાખવામાં આવેલું. પરંતુ હવે તે ગુઢ સત્યને દેવના સંતો સમક્ષ જાહેર કરવામાં આવ્યું છે. 27 તેના લોકો આ સમૃદ્ધિ અને મહિમાનું સત્ય જાનો તેવો નિર્ણય દેવે કર્યો. તે મહિમાની આશા તમામ લોકો માટે છે. તે સત્ય જે તમારામાં છે, તે ઈસુ ખ્રિસ્ત પોતે જ છે જે મહિમાની આશા છે. 28 દરેક માણસને ખ્રિસ્તમાં સંપૂર્ણ થયેલો રજૂ કરીએ એ માટે અમે તેની વાત પ્રગટ કરીએ છીએ. અને દરેક માણસને બોધ કરીએ છીએ તથા સર્વ પ્રકારના જ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ. બધા જ લોકોને અમે દેવ સમક્ષ એવા પ્રસ્તુત કરવા માંગીએ છીએ કે જેઓ ખ્રિસ્તમાં આત્મિક રીતે સંપૂર્ણ થયેલા છે. 29 આમ કરવા માટે, ખ્રિસ્તે મને પ્રદાન કરી છે તે મહાન શક્તિનો હું કાર્ય અને સંઘર્ષ કરવામાં ઉપયોગ કરું છું. તે શક્તિ મારા જીવનમાં કાર્યાન્વિત બની છે.

તમને મદદ કરવા માટે હું ઘણી જહેમત ઉઠાવી રહ્યો છું તે તમે જાણો એમ હું ઈચ્છુ છું. અને લાવદિકિયાના લોકોને જેઓ મને કદાપિ મળ્યા નથી તેઓને પણ હું મદદ કરવા પ્રયાસ કરી રહ્યો છું. તેઓ વિશ્વાસમાં સમૃદ્ધ અને શક્તિશાળી બને જે સમજશક્તિ દ્વારા આવે છે અને પ્રેમ વડે એકબીજા સાથે જોડાય તેમ હું ઈચ્છુ છું. સમજશક્તિ દ્વારા જે દ્રઢ વિશ્વાસ ઉદભવે છે, તેમાં તેઓ સમૃદ્ધ બને તેમ હું ઈચ્છુ છું. દેવે જેને જાહેર કર્યુ છે તે મર્મથી તેઓ સંપૂર્ણપણે વાકેફ થાય તેમ હું ઈચ્છુ છું. તે સત્ય સ્વયં ખ્રિસ્ત જ છે. ખ્રિસ્તમાં બધા જ જ્ઞાન તથા બુદ્ધિનો ખજાનો સુરક્ષિત રખાયેલો છે.

હું તમને આ બાબતો એટલા માટે જણાવું છું કે કોઈ પણ વ્યક્તિ તમને એવા ખ્યાલોથી મૂર્ખ ન બનાવે કે જે સારા લાગે ખરાં, પણ હોય ખોટા. હું સદેહે તમારી સાથે નથી, પરંતુ મારું હૃદય તો તમારી સાથે જ છે. તમારું સારું જીવન અને ખ્રિસ્ત પ્રત્યેનો દ્રઢ વિશ્વાસ જોઈને મને આનંદ થાય છે.

ખ્રિસ્તમય જીવન જીવવાનું ચાલુ રાખો

તમે ખ્રિસ્ત ઈસુ પ્રભુને સ્વીકાર્યો છે. તેથી કોઈ પણ પરિવર્તન લાવ્યા વિના તેને અનુસરવાનું ચાલુ રાખો. તમારે ફક્ત ખ્રિસ્ત પર જ આધારિત રહેવું. જીવન અને સાર્મથ્ય તેના તરફથી આવે છે, તમને સત્ય શીખવવામાં આવ્યુ છે. તમારે તે સત્ય ઉપદેશ અંગે દ્રઢ રહેવાનું ચાલુ જ રાખવું જોઈએ. અને હંમેશા આભારસ્તુતિ કરવી જોઈએ.

લૂક 6:27-38

તમારા વૈરીઓ પર પ્રેમ કરો

(માથ. 5:38-48; 7:12)

27 “હું જે લોકો મને ધ્યાનથી સાંભળે છે તે સૌ સાંભળનારાઓને કહું છું, તમારા વૈરીઓને પ્રેમ કરો. જેઓ તમારો તિરસ્કાર કરે તેઓનું પણ ભલું કરો. 28 જેઓ તમારું ખરાબ ઈચ્છે તેઓનું પણ તમે સારું ઈચ્છો. જેઓ તમારું અપમાન કરે છે તેઓના ભલા માટે પ્રાર્થના કરો. 29 જો કોઈ તમારા એક ગાલ પર તમાચો મારે તો તમે તેની આગળ બીજો ગાલ ધરો. 30 દરેક વ્યક્તિને તે જે માગે તે આપો. જ્યારે તમારી પાસેથી કોઈ તમારો કોટ લઈ જાય તો તમારું ખમીસ પણ લઈ જવા દો. તેની પાસેથી તે પાછું માગશો નહિ. 31 જેમ તમે ઈચ્છા રાખો છો કે બીજાઓ તમારા માટે કરે તેમજ તમે પણ તેઓના માટે તેવું કરો.

32 “જો તમે, તમને જે ચાહે છે તે લોકોને જ ચાહો તો તેમાં તમારી મહેરબાની શાની? કારણ કે પાપીઓ પણ તેમના પર પ્રેમ કરનારાઓને ચાહે છે!

33 “જે લોકો તમારુંભલું કરે છે, ફક્ત તે લોકોનું જ તમે ભલુ કરો તો તેમ કરવા માટે તમને વધારે પ્રસંશા મળે ખરી? ના! પાપીઓ પણ એમ જ કરે છે! 34 હંમેશા જેઓની પાસેથી તમે પાછું લેવાની આશા રાખો, તેઓને જ તમે ઊછીનું આપો, તો તેમાં તમારી મહેરબાની શાની? ના! પાપીઓ પણ પાછું લેવા માટે પાપીઓને ઊછીનું આપે છે!

35 “તેથી તમારા વૈરીઓને પણ પ્રીતિ કરો. તેઓનું ભલું કરો. અને કંઈ પણ પાછું મેળવવાની આશા વિના તમે ઉછીનું આપો. જો તમે આમ કરશો તો તમને તેનો બદલો મળશે. અને તમે પરાત્પરના દીકરાઓ થશો. હા કારણ કે દેવ, અનુપકારીઓ તથા દુષ્ટ લોકો પર પણ માયાળું છે. 36 તેથી જેમ તમારો બાપ પ્રેમ અને દયા આપે છે તેમ તમે પણ પ્રેમ અને દયા દર્શાવો.

તમારી જાત તરફ જુઓ

(માથ. 7:1-5)

37 “બીજા લોકોનો ન્યાય તમે ના કરો. એટલે તમારો ન્યાય પણ થશે નહિ. બીજા લોકોનો તિરસ્કાર ના કરો. એટલે કોઈ તમારો તિરસ્કાર કરશે નહિ. બીજા લોકોને માફ કરો તેથી તમને માફી મળશે. 38 બીજા લોકોને આપો એટલે તમને મળશે. તમે તમારા હાથમાં પકડો તેના કરતાં પણ વધુ મેળવા શકશો. તમને એટલું બધું આપવામાં આવશે જેથી તમારો ખોળો પણ ઊભરાઇ જશે. કારણ કે તમે જે રીતે બીજા લોકોને આપો છો તે જ રીતે દેવ તમને આપશે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International