Book of Common Prayer
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 જે દરિદ્રીની ચિંતા કરે છે, તે યહોવાથી આશીર્વાદિત છે;
સંકટ સમયે ખરેખર યહોવા તેને વિપત્તિમાંથી છોડાવે છે.
2 તેનું યહોવા રક્ષણ કરે છે તથા તેને જીવંત રાખે છે;
તે તેના શત્રુઓના બળને નષ્ટ કરે છે
અને જાહેરમાં તેને માન આપે છે જેથી તે સંસારમાં સુખ પામે.
3 યહોવા તેને બીમારીના બિછાના પર ટકાવી રાખશે,
અને મંદવાડમાં તેનાં દુ:ખ અને ચિંતા લઇ લેશે.
4 મેં પ્રાર્થના કરી, “હે યહોવા, મારા પર દયા રાખો અને મને મારી માંદગીમાંથી સાજો કરો,
કારણકે મેં કબૂલાત કરી હતી કે મેં તમારી વિરુદ્ધ પાપ કર્યા છે.”
5 મારા શત્રુઓ આ બધી ખરાબ બાબતો મારી વિરુદ્ધ કહે છે, “તે ટૂંક સમયમાં મૃત્યુ પામશે.
તેનું નામ સમગ્ર સંસારમાંથી વિસરાઇ જશે.”
6 મારી માંદગીમાં મુલાકાતે આવી, ઢોંગ કરી મિત્રતાનો દાવો કરે છે,
અને હૃદયમાં અન્યાયનો સંગ્રહ કરે છે;
જ્યારે તે બહાર જાય છે તો નામોશી કરી અને તે જાહેર કરે છે
અને નિર્બળતાની હાંસી ઉડાવે છે.
7 મારો દ્વેષ કરનારા અંદરો અંદર કાનમાં વાતો કરે છે,
અને મારા વિષે તે અત્યંત ખરાબ કલ્પના કરે છે.
8 તેઓ કહે છે; “તેની માંદગી એવી પ્રાણધાતક છે
કે તે પથારીમાં પડ્યો છે
ઓટલે પાછો ઊઠવાનો નથી.”
9 મારો જે શ્રેષ્ઠ મિત્ર હતો, જેની સાથે મેં ઘણીવાર ભોજન લીધું હતુ
અને મને જેના પર ભરોસો હતો, તે મારી વિરુદ્ધ થઇ ગયો છે.
10 હે યહોવા, મારા પર કૃપા કરો, અને મને ફરી સાજો કરો;
મને પથારીમાંથી ઊઠાડો, જેથી હુ તેમનો ઇલાજ કરું.
11 તમે મારા પર પ્રસન્ન છો એની મને ખબર છે;
તમે મારા પર શત્રુઓને વિજય આપ્યો નથી.
12 હું નિર્દોષ હતો અને તમે મને ટેકો આપ્યો હતો.
તમારી સમક્ષ હંમેશા ઉભો રહેવા તમે મારી મદદ કરી.
13 ઇસ્રાએલનાં દેવ યહોવા પુરાતન કાળથી
તે અનંતકાળ સુધી સ્તુત્ય રહે.
આમીન તથા આમીન.
નિર્દેશક માટે. દાઉદનું માસ્કીલ, જ્યારે દોએગ અદોમીએ આવીને શાઉલને ખબર આપી કે, “દાઉદ અહીમેલેખને ત્યાં આવ્યો છે,” તે વખતે લખાયેલું છે.
1 અરે ઓ જુલમગાર, તું તારા દુષ્ટ કાર્યો વિષે શા માટે અભિમાન કરે છે?
તું લગાતાર દેવને અપકીર્તિ કરનાર છે?
2 તું દુષ્ટ યોજનાઓ બનાવે છે.
તારી જીભ અણીદાર અસ્રા જેવી છે.
તારી જીભ દુષ્ટતા કરવા જૂઠું બોલ્યા કરે છે.
3 તું ભલાઇ કરતાં વધારે દુષ્ટતા ચાહે છે,
તું સત્ય કરતાં વધારે અસત્ય આચરે છે.
4 તું અને તારી જૂઠી જીભ લોકોને ઇજા કરવા માંગે છે.
5 પણ દેવ તને નીચો પાડશે, અને તને ઘરમાંથી ખેંચી કાઢશે;
અને ઇહલોકમાંથી તને ઉખેડી નાખશે.
6 નિષ્પક્ષો આ જોશે અને ભય રાખશે,
અને દેવને માન આપશે
તેઓ હસશે અને કહેશે કે,
7 “જે પુરુષે ઇશ્વરને પોતાનો આશ્રય ન કર્યો,
અને દુષ્કર્મોને વળગી રહ્યો તે પોતાના આ ધન પર ભરોસો રાખીને રહ્યો.”
8 પણ હું તો દેવના મંદિરમાં આબાદી પામતાં જૈતવૃક્ષ જેવો છું.
હું હંમેશા ઇશ્વરની કૃપા પર ભરોસો રાખીશ.
9 હે યહોવા, તમે જે કાંઇ કર્યું છે, તે માટે હું સદાકાળ આભાર સ્તુતિ કરીશ.
તમારા સંતોની સામે તમારું નામ ઉત્તમ છે એવું હું પ્રગટ કરીશ.
નિર્દેશક માટે. કોરાહનાં કુટુંબનું ગીત. માસ્કીલ.
1 હે દેવ, તમે પુરાતન કાળમાં, પિતૃઓના સમયે,
જે મહાન કૃત્યો કર્યા હતા, તેના વિષે તેઓએ અમને કહ્યું,
તે અમે અમારા કાનોએ સાંભળ્યું છે.
2 વિદેશીઓની પ્રજાને,
તમે તમારા હાથે હાંકી કાઢી,
ઇસ્રાએલીઓને એક છેડાથી બીજા છેડા સુધી
તેઓને ત્યાં વસાવ્યા હતા.
3 જેણે તેમને વિજય અપાવ્યો, તે તેમની તરવારો ન હતી.
અને તેમને તે ભૂમિનો કબજો લેવા દીધો હતો.
તેઓ પોતાના હાથની શકિતથી પોતાનું રક્ષણ કરી શક્યાં ન હતા,
પરંતુ તમારા જમણા હાથે,
તમારા ભુજે તમારા દૈવી પ્રકાશે તેઓને બચાવ્યાં હતા.
કારણ, તમે તેમનાથી પ્રસન્ન હતાં.
4 હે દેવ, તમે મારા રાજા છો.
આજ્ઞા આપો અને યાકૂબના લોકોને તારણ સુધી દોરી જાવ.
5 અમે અમારા શત્રુઓને માત્ર તમારી સહાયથી હરાવીશું;
અને તમારા નામે અમે અમારા વેરીઓને કચરી નાખીશું.
6 હું મારા ધનુષ પર ભરોસો રાખતો નથી, “તરવાર”
પણ મારો બચાવ કરી શકશે નહિ.
7 તમે અમારા શત્રુના લશ્કરથી અમારી રક્ષા કરી છે,
જેઓ અમારો દ્વેષ કરે છે, તેઓને તમે લજ્જિત કરો છો
8 આખો દિવસ પર્યંત અમો દેવની સ્તુતિ કરીશું!
અમે સદાકાળ તમારા નામની આભારસ્તુતિ ચાલુ રાખીશું!
9 પણ હે યહોવા, તમે અમને તજી દીધા છે અને શરમિંદા કર્યા છે.
તમે અમારી સાથે યુદ્ધ માટે આવ્યાં ન હતાં.
10 તમે શત્રુઓ આગળ અમારી પીછેહઠ કરાવી છે,
અને તેઓએ અમને તેમની ઇચ્છા મુજબ લૂંટયા છે.
11 તમે અમને તજી દીધાં છે, અમારી હાલત કાપવા માટેનાં ઘેટાઁઓ જેવી થઇ છે,
અને તમે અમને વિદેશી પ્રજાઓમાં વિખેરી નાખ્યા છે.
12 તમે અમને નજીવી કિંમતમાં વેચી દીધાં છે,
શું તમારી નજરમાં અમારી કોઇ કિંમત નથી?
13 અમારા પડોશીઓ આગળ તમે અમને નિંદા રૂપ બનાવ્યાં છે;
અને અમારી આસપાસનાં લોકો સમક્ષ અમને હાંસીરૂપ બનાવ્યા છે.
14 તમે અમને રાષ્ટ્રો વચ્ચે તિરસ્કાર અને હાંસીને પાત્ર બનાવ્યા છે.
તેઓ અમારી સામે જુએ છે, તેઓના માથા હલાવે છે અને અમારા પર હસે છે.
15 આખો દિવસ હું મારું કલંક જોઉં છું
અને મારું માથું શરમથી ઝૂકી ગયું છે.
16 કારણ, મારી નિંદા થાય છે અને મારા વિષે ખરાબ બોલાય છે.
જુઓ, મારા શત્રુ તથા વેર વાળનારા આવું કરે છે.
17 ભલે, આ બધું અમારા પર આવી પડ્યું,
તોય અમે તમને ભૂલી નથી ગયા;
ને તમારા કરાર પ્રતિ વિશ્વાસઘાતી નથી થયા.
18 અમારું હૃદય તમારાથી પાછું હઠી ગયું નથી,
અને તમારા માર્ગથી, અમે એક ડગલું પણ ચલિત થયા નથી.
19 તો પણ તમે અમને શિયાળવાની જગામાં કચડ્યા છે;
અને અમને તમે મોતની ગાઢ છાયાથી ઢાંકી દીધાં છે
20 જો અમે અમારા દેવનું નામ ભૂલી ગયા હોત
અથવા પારકા દેવોની તરફ અમારા હાથ ફેલાવ્યા હોત,
21 તો શું દેવે તે જાણ્યું ન હોત? હા,
યહોવા સર્વના હૃદયનું રહસ્ય જાણે છે.
22 પરંતુ તમારે કારણે જ અમે આખો દિવસ માર્યા જઇએ છીએ.
તમારે કારણે અમને કાપવા માટે દોરી જવાતાં ઘેટાં જેવા ગણવામાં આવે છે.
23 હે યહોવા, જાગૃત થાઓ!
હવે ઊંઘસો નહિ;
અને અમને સદાને માટે, દૂર કરશો નહિ.
24 તમે તમારું મુખ અમારાથી શા માટે અવળું ફેરવો છો?
તમે અમારા સંકટો અને અમારી સતા વણીની અવગણના શા માટે કરો છો?
25 અમો ધૂળમાં નીચે મ્હો રાખીને પડયાં છીએ
અને અમારા પેટ જમીનમાં દબાઇ રહ્યાં છે.
26 હે દેવ, અમને મદદ કરવા ઊઠો,
અને તમારી કૃપાથી અમને બચાવી લો.
1 ખ્રિસ્ત ઈસુના પ્રેરિત પાઉલ તરફથી કુશળતા હું પ્રેરિત છું. કારણ કે દેવ જ તેમ ઈચ્છતો હતો. ખ્રિસ્તમાં આપણા ભાઈ તિમોથી તરફથી પણ સલામ.
2 કલોસ્સામાં રહેતા ખ્રિસ્તમાં આપણા પવિત્ર અને વિશ્વાસુ ભાઈઓ અને બહેનોને આપણા દેવ બાપ તરફથી કૃપા તથા શાંતિ પ્રાપ્ત થાઓ.
3 હંમેશા અમે અમારી પ્રાર્થનામાં તમારે સારું દેવનો આભાર માનીએ છીએ. દેવ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો બાપ છે. 4 અમે દેવનો આભાર માનીએ છીએ કારણ કે તમે જે વિશ્વાસ ખ્રિસ્ત ઈસુમાં ધરાવો છો અને દેવના સર્વ સંતો માટે તમને જે પ્રેમ છે તેના વિષે અમે સાભંળ્યું છે. 5 તમને ખ્રિસ્તમાં વિશ્વાસ છે. તમારી આશાને કારણે તમે દેવના સંતોને પ્રેમ કરો છો. તમે જાણો છો કે જે વસ્તુની તમે આશા રાખો છો, તે આકાશમાં સલામત છે. તમે તેની આશા જાણવા આવ્યા છો. જ્યારે તમે સત્યના ઉપદેશને સાંભળ્યો, સત્ય સંદેશ એ જ સુર્વાતા છે. 6 જ્યારે તમને સુવાર્તા આપવામાં આવી ત્યારે સુવાર્તા આશીર્વાદ વરસાવી રહી છે. જ્યારે તમે તે સુવાર્તા પ્રથમ સાંભળી અને દેવની કૃપાની (દયા) સત્યતા તમે સમજયા તે સમયે પણ આમ જ બન્યું હતું. 7 એપાફ્રાસ પાસેથી તમે દેવની કૃપા વિષે જાણ્યું. એપાફ્રાસ અમારી સાથે જ કાર્ય કરે છે, અને અમે તેને ચાહીએ છીએ. તે અમારા માટે ખ્રિસ્તનો વિશ્વાસુ સેવક છે. 8 પવિત્ર આત્મા તરફથી તમને જે પ્રેમ પ્રાપ્ત થયો છે તે પણ એપાફ્રાસે અમને જણાવ્યું છે.
9 જે દિવસથી અમે આ બાબતો તમારા વિષે સાંભળી તે દિવસથી તમારે સારું પ્રાર્થના કરીએ છીએ. અમે આ બાબતો માટે પ્રાર્થના કરીએ છીએ:
કે તમે સર્વ આત્મિક સમજણ તથા બુદ્ધિમાં દેવની ઈચ્છાના જ્ઞાનથી ભરપૂર થાઓ; 10 તમે આ બાબતોનો જીવનમાં એ રીતે ઉપયોગ કરો કે જેથી પ્રભુ તેમના વડે સમ્માનિત થાય, અને સર્વ પ્રકારે તેનાથી તે પ્રસન્ન થાય; કે તમે દરેક પ્રકારના સત્કાર્યો કરો અને દેવ અંગેના જ્ઞાનમાં વિકસિત થાવ; 11 દેવ તેના મહિમાના સાર્મથ્ય પ્રમાણે તમને શક્તિશાળી બનાવે, જેથી જ્યારે આપત્તિઓ આવે ત્યારે તમે ડગી ન જાવ અને સહનશીલ બનો.
પછી તમને આનંદ પ્રાપ્ત થશે. 12 અને (દેવ) બાપની આભારસ્તુતિ કરો. જે વસ્તુઓ તેણે તમારા માટે તૈયાર કરી છે, તેને પામવા માટે તેણે જ તમને યોગ્ય બનાવ્યા છે. તેણે આ વસ્તુઓ તેના બધા જ લોકો માટે બનાવી છે, કે જે લોકો પ્રકાશમાં (સારું) જીવે છે. 13 દેવે આપણને અંધકારની (શૈતાન) સત્તામાંથી મુક્ત કર્યા છે. અને તે જ આપણને તેના પ્રિય પુત્ર (ઈસુ) ના રાજ્યમાં લઈ આવ્યો. 14 પુત્રએ આપણને છોડાવવા માટે કિમત ચુક્વી છે. તેનામાં જ આપણને આપણા પાપોની માફી પ્રાપ્ત થઈ છે.
ઈસુ વિશ્રામવારનો પ્રભુ છે
(માથ. 12:1-8; માર્ક 2:23-28)
6 એક વખત વિશ્રામવારના દિવસે ઈસુ અનાજના ખેતરોમાંથી પસાર થતો હતો. ત્યારે તેના શિષ્યો અનાજના કણસલાં તોડીને હાથમાં મસળીને ખાતા હતાં. 2 કેટલાએક ફરોશીઓએ પૂછયું, “વિશ્રામવારના દિવસે મૂસાના નિયમાનુસાર જે કાર્ય કરવું મંજૂર કરેલ નથી તે શા માટે કરો છો?”
3 ઈસુએ પ્રત્યુત્તર આપ્યો, “દાઉદે શું કર્યું જ્યારે તે અને તેની સાથેનાં માણસો ભૂખ્યા હતા. તે શું તમે વાંચ્યું નથી? 4 દાઉદ દેવના મંદિરમાં ગયો અને દેવને અર્પિત થયેલી રોટલી મૂસાના નિયમ પ્રમાણે યાજકો સિવાય બીજો કોઈ ખાઇ શકે નહિ તે રોટલી તેણે ખાધી હતી અને તેમાંથી રોટલીનો થોડો થોડો ટૂકડો તેની સાથેના લોકોને આપ્યો હતો.” 5 પછી ઈસુએ ફરોશીઓને કહ્યું કે, “માણસનો દીકરો વિશ્રામવારનો પણ પ્રભુ છે.”
વિશ્રામવારના દિવસે ઈસુ માંદા માણસને સાજો કરે છે
(માથ. 12:9-14; માર્ક 3:1-6)
6 બીજા એક વિશ્રામવારે ઈસુ જ્યારે સભાસ્થાનમાં બોધ આપતો હતો ત્યારે જેનો જમણો હાથ સુકાઈ ગયો હતો તેવો માણસ ત્યાં હતો. 7 વિશ્રામવાર હોવાથી ઈસુ તેને સાજો કરે છે કે નહિ, તે જોવા માટે શાસ્ત્રીઓ અને ફરોશીઓ આતુર હતા. તેઓ ધ્યાનથી જોઈ રહ્યાં હતા જેથી તેઓને ઈસુને દોષિત ઠરાવવા માટે કારણ મળે. 8 પણ સુ તે લોકોના વિચારો જાણતો હતો. તેથી તેણે જેનો હાથ સુકાઈ ગયેલો હતો તે માણસને બોલાવીને કહ્યું, “ઊઠ અને વચમાં જઇને ઊભો રહે.” તેથી તે ઊઠ્યો અને વચમાં જઇને ઊભો રહ્યો. 9 ત્યારે ઈસુએ તેઓને કહ્યું, “હું તમને પૂછું છું કે વિશ્રામવારના દિવસે કોઈનું, ભલું કરવું યોગ્ય છે કે માઠું કરવું, કોઈની જીવન બચાવવું કે તેનો નાશ કરવો, એ બેમાંથી શું યોગ્ય છે?”
10 ઈસુએ ત્યારબાદ ચારેબાજુ લોકો પર નજર ફેરવીને તે માણસને કહ્યું કે, “તારો હાથ લંબાવ,” તેણે ઈસુની આજ્ઞાનું પાલન કર્યુ અને તેનો હાથ ફરીથી સાજો થઈ ગયો. 11 પરંતુ આ જોઈને શાસ્ત્રીઓ અને ફરોશીઓ ગુસ્સે થયા. તેઓ એકબીજાને કહેવા લાગ્યા કે, “હવે ઈસુનું આપણે શું કરીએ?”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International