Book of Common Prayer
સંગીત નિર્દેશક માટે, બંસરી વાદ્ય માટે. દાઉદનું ગીત.
1 હે યહોવા, મારી પ્રાર્થના પર કાન ઘરીને
જરા મારા ચિંતન પર લક્ષ રાખો.
2 હે દેવ, મારા રાજા, મારી અરજ જરા સાંભળો; કારણ,
હું માત્ર તમારી જ પ્રાર્થના કરીશ, અન્યની નહિ.
3 હે યહોવા, નિત્ય સવારે તમે મારો અવાજ સાંભળો છો,
જ્યારે હું તમારી સમક્ષ પ્રાર્થના કરું છું.
અને હું તમારા જવાબની આશા રાખીને રાહ જોઉં છુ.
4 હે યહોવા, મને ખબર છે, તમે દુષ્ટતાથી પ્રસન્ન થાવ તેવા દેવ નથી;
તમે કોઇની ભૂંડાઇ કે પાપ સાંખી લેતા નથી.
5 તમે ઉદ્ધત લોકોનો અસ્વીકાર કરો છો,
અને અનિષ્ટ કરનારાને ધિક્કારો છો.
6 હે યહોવા, તમે જૂઠું બોલનારાઓનો નાશ કરો છો, તમે ખૂનીઓ
અને ગુપ્ત રીતે બીજાને ઇજા પહોચાડવા યોજના કરતાં લોકોનો તિરસ્કાર કરો છો.
7 પણ હું તો તારી મહા કૃપાથી તારા મંદિરમાં આવીશ.
હે યહોવા, ડરથી અને આદરથી હું તમારા પવિત્ર મંદિરની સામે ઘૂંટણિયે પડીશ.
8 હે યહોવા, તમારા ન્યાયી અને સાચા માર્ગે મને ચલાવો.
કારણ કે મારા દુશ્મનો મારા દરેક
પગલાં પર નજર રાખે છે;
મને સમજાવો, મારે શું કરવું અને ક્યાં જવું.
9 કારણ, તેમની વાણીમાં કોઇ સચ્ચાઇ નથી,
તેઓનું હૃદય નીચતાથી ભરેલું છે.
તેઓ મધુરભાષી છે!
તેઓનું ગળું એક ઉધાડી કબર જેવુ છે.
તે પોતાની જીભે પ્રશંસા કરે છે.
10 હે દેવ, એ સૌને તમે દોષી ગણો,
અને તેમને તેમના પોતાના જ છટકામાં સપડાવા દો,
તેમને તેમના પાપના બોજ તળે કચડાઇ જવા
દો કારણ કે તેઓ તમારી વિરુદ્ધ થઇ ગયાં છે.
11 પરંતુ જેમને તમારામાં વિશ્વાસ છે તેને ખૂબ સુખી કરો-તેમને હંમેશ માટે આનંદિત કરો,
તેઓનું રક્ષણ કરો, જેઓ તમારા નામને ચાહે છે તેઓ આનંદિત થશે.
12 હે યહોવા, જ્યારે તમે સજ્જન લોકોને આશીર્વાદ આપો છો
ત્યારે તમે તેની આજુબાજુ રક્ષણ કરતી ઢાલ જેવા છો.
નિર્દેશક માટે; તારવાળાં વાજીંત્રો સાથે અને શમીનીથ સાથે ગાવા માટે. દાઉદનું ગીત.
1 હે યહોવા, તમારા ક્રોધમાં, મને ધમકાવશો નહિ,
અને તમારા રોષમાં, મને શિક્ષા કરશો નહિ.
2 હે યહોવા, મારા પર દયા કરો, કારણ,
હું માંદો અને દુર્બળ છું.
હે યહોવા, મને સાજો કરો,
કારણ, મારા હાડકાં બહુ દુ:ખે છે.
3 હું ઘણો ભયભીત છું;
મારું મન ભય અને અતિ વ્યથાથી ભરાઇ ગયું છે.
હે યહોવા, મને મદદ કરવામાં
ક્યાં સુધી વિલંબ કરશો?
4 હે યહોવા, પાછા આવો, મારો જીવ બચાવો.
કરી દયા દાખવી મને મરણથી બચાવો.
5 લોકો પોતાની કબરોમાં તમને યાદ કરતાં નથી,
મૃત્યુની જગાએ કોઇપણ તમારી સ્તુતિ કરતું નથી.
6 આખી રાત પ્રાર્થના કરીને અને નિસાસા નાખીને હું નિર્બળ થયો છું,
રોજ રાત્રે મારા આંસુઓથી મારું બિછાનું ભીંજવું છું.
7 મારા શત્રુઓએ મને આપેલ કષ્ટોને લીધે શોકને
કારણે રૂદનથી મારી આંખો દુર્બળ બની ગઇ છે.
8 ઓ ભૂંડુ કરનારાઓ, મારાથી બધા દૂર થઇ જાઓ. કારણ,
યહોવાએ મારા વિલાપનો સાદ સાંભળ્યો છે.
9 યહોવાએ મારા કાલાવાલા સાંભળ્યા છે,
યહોવા મારી સર્વ પ્રાર્થનાઓ માન્ય કરશે.
10 મારા બધા શત્રુઓ ભયભીત અને નિરાશ થશે.
ઓચિંતા કઇ થશે અને તેઓ બધા લજ્જિત બની ચાલ્યા જશે.
1 હે યહોવા, તમે શા માટે આધા ઊભા રહો છો?
સંકટ સમયે અમને તમારી ખૂબ જરૂર છે,
તમે પાછા કયાં સંતાઇ ગયા છો?
2 દુષ્ટ ઉધ્ઘત પ્રપંચીઓ ગરીબોને સતાવે છે
અને ગરીબ લોકો દુષ્ટ લોકોની યોજનાઓમાં ફસાઇ જાય છે.
3 ખરેખર દુષ્ટ લોકો તેમની દુષ્ટ ઇચ્છાઓનું અભિમાન કરે છે;
લોભીઓને યહોવામાં વિશ્વાસ હોતો નથી, અને તેઓ તેમની નિંદા કરે છે.
4 દુષ્ટ, અતિ અભિમાની, ઉદ્ધત માણસો માને છે કે દેવ છે જ નહિ;
દેવ તરફ ફરવાનો વિચાર સુદ્ધાં જરાય તેઓ કરતાં નથી.
5 તેમ છતાં જે કરે છે તે સર્વમાં તે સફળતા મેળવે છે;
અને તેઓ પોતાના શત્રુઓને હરાવે છે.
દેવનો ન્યાય તેમનાથી ઘણો ઊચો છે.
6 “હું ડગનાર નથી, મને અથવા મારા વંશજોને પેઢીઓ
સુધી કોઇ વિપત્તિ નહિ આવે.” એવી બડાઇ તેઓ હાંકે છે.
7 તેમનું મોઢું જુઠ્ઠાણાંઓથી અને શ્રાપોથી ભરેલું છે.
તેમની જીભ દુષ્ટ યોજનાઓને જન્મ આપે છે.
8 નિર્દોષ લોકોને ઓચિંતો હુમલો કરીને મારી નાખવા માટે ગુપ્ત જગ્યાઓમાં બેસે છે.
કોઇ કમનસીબ વ્યકિતને પસાર થતો જોવા
માટે તેઓ છુપાઇ જાય છે.
9 જેમ સિંહ ગુફામાં છુપાઇને
ગુપ્ત જગામાં ભરાઇ રહે છે;
અને જેમ શિકારી શિકારને ફસાવે છે
તેમ તે ગરીબોને પોતાની જાળમાં ફસાવે છે.
10 તેઓના બળ આગળ ગરીબો દબાઇને નીચા નમી જાય છે,
અને લાચાર બની તેઓના પંજામાં સપડાઇ જાય છે.
11 તે પોતાના હૃદયમાં વિચાર કરે છે “આ શું થઇ રહ્યું છે?
દેવ ભૂલી ગયા છે?
તેમણે પોતાનું મુખ જોયુ નથી,
સંતાડી રાખ્યુ છે. અને શું તે કદી જોશે નહિં?”
12 હે યહોવા, ઊઠો! હે દેવ,
તમારો હાથ ઉંચો કરીને દુષ્ટ લોકોને શિક્ષા કરો
અને ગરીબને ભૂલશો નહિ.
13 હે દેવ, દુષ્ટો શા માટે તમારો દુરુપયોગ કરે છે?
શા માટે તેઓ તેમનાં હૃદયમાં વિચારે છે કે દેવ તેમની પાસે કયારેય જવાબ નહિ માગે?
14 હે યહોવા, તેઓ જે કાંઇ કરી રહ્યાં છે તે તમે જુઓ છો.
તેમના દુષ્ટ આચરણની નોંધ તમે લીધી છે,
તેઓની નજરમાં હંમેશા ઉપદ્રવ અને ઇર્ષા હોય છે.
તમે તો અનાથનાં બેલી છો, હવે તેઓને શિક્ષા કરો,
હે યહોવા, ગરીબ માણસની દ્રૃષ્ટિ મદદ માટે તમારા પર જ છે
તમે લોકોમાં, નિરાધારની સહાય માટે જાણીતા છો.
15 દુષ્ટ લોકોના હાથ તમે તોડી નાખો.
તેમાંથી એકને પણ છોડશો નહિ અનિષ્ટ કરનારાઓનો
દુષ્ટતાથી નાશ કરો જ્યાં સુધી તેમાંનો એક પણ બાકી ન રહે.
16 યહોવા સદાકાળનો રાજા છે.
વિદેશી રાષ્ટ્રોને તેના દેશમાંથી ભૂંસી નાખ્યા છે.
17 હે યહોવા, તમે નમ્રની અભિલાષા જાણો છો;
તમે તેઓના પોકારો સાંભળશો અને સહાય કરશો.
અને તેઓના વ્યથિત હૃદયોને દિલાસો આપશો.
18 અનાથ તથા ત્રસ્ત, લોકોનો ન્યાય કરો જેથી પૃથ્વીનો કોઇ
પણ માણસ તેમના દમનનો ભોગ બનનારા લોકોને હવે પછી ડરાવે કે ત્રાસ આપે નહિ.
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 યહોવા પર હું ભરોસો રાખું છું, તો પછી “શા માટે તમે મને સુરક્ષા
માટે પક્ષીની જેમ ઊડીને મારા પર્વતો પર નાસી જવાનું કહો છો?”
2 કારણ કે દુષ્ટ લોકો તેમના ધનુષ્યની પણછ ખેંચે છે જુઓ,
તેમણે પણછ પર તેમના તીર ચઢાવ્યાં છે.
તેઓ અચાનક આક્રમણ કરવા માટે જાડીમાં છુપાઇ ગયા છે,
અને તેઓ પ્રામાણિક માણસોના હૃદયમાં તીર વીંધવાનું ધ્યેય રાખે છે.
3 જ્યારે સમાજના પાયાઓનો જ નાશ થઇ ગયો છે,
તો પછી સારા લોકો શું કરી શકે?
4 યહોવા હજુ પોતાના પવિત્ર મંદિરમાં છે.
યહોવાનું રાજ્યાસન આકાશમાં છે.
તે સ્વર્ગમાંથી શાસન કરે છે અને તેમની આંખો લોકો જે કરે છે
તે બધું જુએ છે અને તેઓ સારા છે કે ખરાબ તેને પારખે છે.
5 યહોવા ઉમદા માણસોની પરીક્ષા કરે છે
પણ દુષ્ટ અને અન્યાયી લોકોને ધિક્કારે છે.
6 દુષ્ટ લોકો પર વરસાદની જેમ વરસાવવા માટે તે અગ્નિ અને ગંધકનુ નિર્માણ કરશે
અને તેઓ ગરમ લૂ સિવાય કંઇ નહિ મેળવે.
7 કારણ, યહોવા ન્યાયી છે અને ન્યાયીપણાને ચાહે છે,
જે પવિત્ર ને ન્યાયી છે, તેજ તેનું મુખ જોઇ શકશે.
નબૂખાદનેસ્સાર રાજાનું સ્વપ્ન
2 રાજા નબૂખાદનેસ્સારને પોતાના રાજ્યકાળના બીજા વર્ષ દરમ્યાન એક ભયાનક સ્વપ્ન આવ્યું; તે ભયથી ધ્રુજી ગયો, તેની ઊંઘ હરામ થઇ ગઇ. 2 તેથી રાજાએ પોતાના સ્વપ્નનો અર્થ સમજાવવા માટે તાત્કાલિક પોતાના બધા જાદુગરો, મંત્રવિદ્યા જાણનારાઓ, અને ભવિષ્યવેત્તાઓને બોલાવવા હુકમ કર્યો. તેઓ રાજા આગળ આવીને ઊભા રહ્યા.
3 એટલે રાજાએ તેમને કહ્યું, “મને એક સ્વપ્ન આવ્યું છે અને મારો જીવ એનો અર્થ જાણવા આતુર છે.”
4 એ લોકોએ અરામી ભાષામાં કહ્યું, “રાજા સદા માટે રહો. રાજા ઘણું જીવો, આપ આ સેવકોને આપનું સ્વપ્ન જણાવો એટલે અમે તેનો અર્થ તમને જણાવી શકીએ.”
5 રાજાએ ખાલદીઓને કહ્યું, “સ્વપ્ન મારા સ્મરણમાંથી જતું રહ્યું છે, મને તે યાદ રહ્યું નથી, તમે મને એ સ્વપ્ન તથા તેનો અર્થ નહિ કહો તો તમારા શરીરના ટુકડે ટુકડા કરવામાં આવશે. અને તમારાં ઘર તોડીને ઇંટો અને કાટમાળનાં ઢગલાઓમાં ફેરવી નાખવામાં આવશે. 6 પરંતુ જો તમે મને સ્વપ્ન અને તેનો અર્થ જણાવશો, તો હું તમને ભેટો ઇનામો અને માનપાનથી આમંત્રીશ. માટે તમે મને સ્વપ્ન અને તેનો અર્થ જણાવો.”
7 ત્યારે તેમણે બીજી વાર કહ્યું, “આપ અમને સ્વપ્ન જણાવો અને અમે આપને તેનો અર્થ જણાવીશું.”
8 રાજાએ કહ્યું, “હું સ્પષ્ટ જોઇ શકું છું કે, તમે વખત મેળવવા ઇચ્છો છો, કારણ, તમે જાણો છો કે, મારો નિર્ણય પાકો છે. 9 પણ જો તમે મને સ્વપ્ન નહિ જણાવશો તો તમને બધાને એક જ સજા થશે. તમે અંદરોઅંદર નક્કી કર્યું છે કે, મારી આગળ તરકટ કરવું, એવી આશાએ કે, જતે દહાડે પરિસ્થિતિ પલટાઇ જાય. આથી તમે મને સ્વપ્ન કહો એટલે હું સમજીશ કે, તમે એનો પણ અર્થ કહી શકશો.”
10 ભવિષ્યવેત્તાઓએ રાજાને જવાબ આપ્યો, “આ પૃથ્વી ઉપર એવો કોઇ નથી, જે આપ જાણવા માંગો છો તે કહી શકે. કોઇ રાજાએ, મહારાજાએ, આજ સુધી કોઇ જાદુગર, કે, મંત્રવિદને આવો સવાલ પૂછયો નથી. 11 આપ અમારી પાસે જે જાણવા માંગો છો તે એવું મુશ્કેલ છે કે, દેવો સિવાય કોઇપણ કહી ન શકે. અને દેવો માણસોની વચ્ચે રહેતા નથી.”
12 આ સાંભળીને રાજા ઘણો ગુસ્સે થઇ ગયો. તેનો રોષ ભભૂકી ઉઠયો અને તેણે બાબિલના બધા સલાહકારોનો વધ કરવાની આજ્ઞા કરી. 13 આથી એવો હુકમ બહાર પાડવામાં આવ્યો કે, બધાં રાજકીય સલાહકારોની હત્યા કરવાની છે. અને તે મુજબ દાનિયેલને અને તેના સાથીઓને હત્યા કરવા માટે લઇ આવવા માણસો મોકલવામાં આવ્યા.
14 રાજાના અંગરક્ષકોનો વડો આર્યોખ બાબિલના વિદ્વાનોની હત્યા કરવા જતો હતો, ત્યારે દાનિયેલે ડહાપણ અને વિવેક વાપરીને તેની પાસે જઇને કહ્યું, 15 “સાહેબ, રાજાસાહેબે આવી કઠોર આજ્ઞા શા માટે કરી છે?”
ત્યારે આર્યોખે તેને બધી વાત જણાવી. 16 તેથી દાનિયેલે રાજાની હાજરીમાં જઇને અરજ કરી કે, આપ મને થોડો સમય આપો, તો હું તમને સ્વપ્ન અને તેનો અર્થ જણાવીશ.
ઈસુ આપણો મદદગાર છે
2 મારાં વહાલાં બાળકો, હું આ પત્ર તમને લખું છું જેથી તમે પાપ કરશો નહિ. પણ જો કાઈ વ્યક્તિ પાપ કરે છે, તો આપણી પાસે આપણી મદદમાં ઈસુ ખ્રિસ્ત જે ન્યાયી છે તે ઈસુ દેવ બાપ આગળ આપણો બચાવ કરે છે. 2 ઈસુના દ્વારા આપણા પાપો દૂર કરવામાં આવે છે. અને કેવળ આપણાં જ નહિ, સમગ્ર જગતનાં પાપો દૂર કરનાર તે જ છે.
3 જો આપણે દેવે જે આપણને કહ્યું છે તેનુ પાલન કરીશું, તો પછી આપણને ખાતરી છે કે આપણે ખરેખર દેવને ઓળખીએ છીએ. 4 એક વ્યક્તિ કહે છે કે, “હું દેવને જાણું છું!” પણ જો તે વ્યક્તિ દેવની આજ્ઞાઓનું પાલન કરતો નથી, તો પછી તે વ્યક્તિ જૂઠો છે. તેનામાં સત્ય નથી. 5 પણ જ્યારે એક વ્યક્તિ દેવના વચનનું પાલન કરે છે, તો તેનામાં દેવ પરનો પ્રેમ તેના લક્ષ્યાંક સુધી પહોંચ્યો છે. આ રીતે આપણે જાણીએ છીએ કે આપણે દેવને અનુસરીએ છીએ. 6 જો કોઈ વ્યક્તિ કહે કે તે દેવમાં જીવે છે, તો પછી તેણે ઈસુ જેવું જીવન જીવ્યો તેવું જીવન જીવવું જોઈએ.
દેવે બીજા લોકોને પ્રેમ કરવા આપણને આજ્ઞા કરી છે
7 મારા વહાલા મિત્રો, હું તમને નવી આજ્ઞા લખતો નથી. જે તમને શરુંઆતથી આપવામાં આવી છે તે એ જ આજ્ઞા છે. જે વચન તમે સાંભળ્યું છે તેની તે જ આ આજ્ઞા છે. 8 પણ હું આ નવી આજ્ઞા તરીકે તમને લખું છું. આ આજ્ઞા સત્ય છે. તમે તેનું સાચાપણું ઈસુમાં અને તમારી જાતમામ જોઈ શકશો. અંધકાર દુર જઈ રહ્યો છે અને ખરો પ્રકાશ આ સમયે હમણા પ્રકાશી રહ્યો છે.
9 કોઈ વ્યક્તિ કહે છે કે, “હું પ્રકાશમાં છું,” પણ જો તે વ્યક્તિ તેના ભાઈને ધિક્કારે છે, તો પછી તે હજુ અંધકારમાં જ છે. 10 જે વ્યક્તિ તેના ભાઈને પ્રેમ કરે છે તો તે પ્રકાશમાં જીવે છે, અને તે વ્યક્તિમાં એવું કશું નથી જેથી તે ખોટું કરી શકે. 11 પરંતુ જે વ્યક્તિ તેના ભાઈને ધિક્કારે છે તે અધંકારમાં છે. તે અધંકારમાં જીવે છે. તે વ્યક્તિ જાણતો નથી કે તે ક્યાં જાય છે. શા માટે? કારણ કે અંધકારે તેને આધળો બનાવી દીધો છે.
12 જ્યારે હું તેઓની સાથે હતો, મેં તેઓને સલામત રાખ્યાં. મેં તારા નામની સત્તાથી તેઓને સલામત રાખ્યાં-જે નામ તેં મને આપ્યું છે. મેં તેઓનું રક્ષણ કર્યુ છે. અને તેઓમાંનો માત્ર એક ખોવાયો હતો. જે માણસ પસંદ કરાયેલ ન હતો. તે ખોવાયો હતો. શાસ્ત્રલેખમાં જે કહ્યું છે તે બની શકે.
13 “હું હમણા તારી પાસે આવું છું. પણ હું આ વસ્તુઓ માટે પ્રાર્થના કરું છું ત્યારે પણ હું હજુ જગતમાં છું. હું આ વસ્તુઓ કહું છું તેથી આ માણસો મારો આનંદ પ્રાપ્ત કરી શકે. હું ઈચ્છું છું કે મારો બધો આનંદ તેઓની પાસે હોય. 14 તેઓને તારો ઉપદેશ આપ્યો છે અને જગતે તેઓને તિરસ્કાર કર્યો છે, કારણ કે તેઓ આ દુનિયાના નથી. જેમ હું આ દુનિયાનો નથી.
15 “હું તને તેઓને આ દુનિયામાંથી બહાર લઈ જવાનું કહેતો નથી. પણ હું તને દુષ્ટ પાપમાંથી (શેતાનથી) તેઓને સલામત રાખવાનું કહું છું. 16 તેઓ આ જગતના નથી, તે જ રીતે હું આ જગતનો નથી. 17 તારા સત્ય દ્વારા તારી સેવા માટે તૈયાર કર. તારું વચન સત્ય છે. 18 મેં તેઓને જગતમાં મોકલ્યા છે. જે રીતે તેં મને જગતમાં મોકલ્યો છે. 19 હું મારી જાતને સેવા માટે તૈયાર કરું છું. હું તેઓના માટે આ કરું છું. જેથી કરીને તેઓ ખરેખર તારી સેવા માટે તૈયાર થઈ શકે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International