Book of Common Prayer
દાઉદનું ગીત.
1 હે મારા દેવ, મારા રાજા, હું તમારા નામનું ગૌરવ વધારીશ!
હું તમારા નામની સ્તુતિ સદાય અને હંમેશા કરીશ!
2 હું પ્રતિદિન તમારી પ્રશંશા કરીશ,
અને સદા હું તમારા નામની સ્તુતિ ગાઇશ.
3 યહોવા મહાન છે તે બહુ જ સ્તુતિપાત્ર છે;
તેમની મહાનતાનો તાગ પામી શકાય તેમ નથી.
4 પેઢી દરપેઢી તમારાં કામની પ્રશંસા થશે;
અને તમારા પરાક્રમનાં કાર્યો પ્રગટ કરાવાશે.
5 હું તમારી મહાનતા અને તમારા મહિમા વિષે બોલીશ;
હું તમારા અદ્ભૂત ચમત્કારો વિષે ચર્ચા કરીશ.
6 લોકો તમારાં પરાક્રમી કૃત્યોનું સાર્મથ્ય પ્રગટ કરશે;
હું તમારી મહાનતા વર્ણવીશ.
7 તેઓ તમારા અનહદ પરોપકારનું સ્મરણ કરીને તમારી કીર્તિ ગજાવશે;
અને તમારા ન્યાયીપણા વિષે ગીતો ગાશે.
8 યહોવા દયાળુ અને કૃપાળુ છે;
તે ક્રોધ કરવામાં ધીમા અને પ્રેમથી ભરપૂર છે.
9 તેઓ પ્રત્યેક સાથે ભલા છે;
અને તે જે કરે છે, તેમાં તેમની દયાની પ્રતીતિ થાય છે.
10 હે યહોવા, જે બધાં તમારું સર્જન છે તે બધાં તમારો આભાર માનો,
અને તમારા ભકતો તમારી સ્તુતિ કરે.
11 તેઓ ભેગા મળીને તમારા રાજ્યના મહિમા વિષે વાત કરશે; અને
તમારું પરાક્રમ પ્રગટ કરશે.
12 જેથી સર્વ લોકો તમારા ચમત્કાર વિષે,
તથા તમારા રાજ્યના મહિમા વિષે અને પ્રતાપ વિષે જાણે.
13 કારણકે તમારા રાજ્યનો અંત કદી આવતો નથી;
અને તમારું શાસન પેઢી દરપેઢી ચાલું રહે છે.
14 ભંગિત થયેલ સૌનો આધાર યહોવા પોતે છે;
બોજા તળે કચડાયેલાઓને તે બળવાન કરે છે.
15 સર્વ કોઇ તમને આતુરતાથી જોઇ રહ્યાં છે.
અને તેઓની જરૂરિયાત પ્રમાણે તમે અન્ન પૂરું પાડો છો.
16 પ્રત્યેક સજીવોની ભૂખ
અને તરસ તમે સતત સંતોષો છો.
17 યહોવા જે કઇ કરે છે તે સર્વમાં પ્રામાણિક
અને દયાથી ભરપૂર છે.
18 જેઓ પ્રામાણિકપણે તેમને મદદ માટે પોકારે છે;
તેઓની સાથે યહોવાની આત્મીયતા રહે છે.
19 યહોવાનો ભય રાખનારા, અને તેમના પર ભરોસો રાખનારાઓની મનોકામનાઓ પૂર્ણ કરે છે;
સદાય માટેની તેમની વિનંતીઓ સાંભળીને તેઓને છોડાવે છે.
20 તેમના પર પ્રેમ રાખનારા સર્વ કોઇનું તે રક્ષણ કરે છે;
પણ દુષ્ટોનો નાશ કરે છે.
21 હું મારા મુખે યહોવાની સ્તુતિ કરીશ;
તેમના પવિત્ર નામની સ્તુતિ દરેક જણ સદાકાળ કરતો રહેશે!
1 હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કર!
હે યહોવા મારા દેવ, તમે ઘણા મહાન છો;
તમે માન અને ગૌરવના ધારણ કર્યા છે.
2 તમે પ્રકાશથી વિંટળાયેલા છો,
અને તમે આકાશને મંડપની જેમ ફેલાવો છો.
3 તમારા આકાશી ઘરનો પાયો;
તમે અંતરિક્ષના પાણી પર નાખ્યો છે;
વાદળાં તમારા રથ છે, અને તમે પવનની પાંખો પર સવારી કરો છો;
4 તમે પવનોને (વાયુઓને) તમારા દૂત બનાવો છો,
અને તમારા સેવકો અગ્નિના ભડકા છે!
5 તમે પૃથ્વીને તેનાં પાયા પર સ્થિર કરી છે,
જેથી તે કદી ચલિત થાય નહિ.
6 તમે પૃથ્વીને વસ્રની જેમ ઊંડાણથી ઢાંકી છે;
અને પાણીએ તેનાં પર્વતોને ઢાંકી દીધાં છે.
7 તમે આદેશ આપ્યો અને પાણી દૂર ઘસી ગયાં,
તમે તમારી ગર્જનાના અવાજથી પોકાર કર્યો અને પાણી દૂર ધસી ગયાં.
8 તમે જણાવેલી સપાટી સુધી પર્વતો ઊંચા થયાં;
અને ખીણો ઊંડી થઇ ગઇ.
9 તમે મહાસાગરોને હદ બાંધી આપી;
જેથી તે ઓળંગે નહિ અને પૃથ્વીને ઢાંકી ન દે.
10 તમે ખીણોમાં વહેતાં ઝરણાં બનાવ્યાં;
અને પર્વતોમાં વહેતી નદીઓ બનાવી.
11 તેઓ સર્વ પ્રાણીઓને પાણી પૂરું પાડે છે;
અને ગધેડાઓ ત્યાં તરસ છીપાવે છે.
12 પક્ષીઓ ઝરણાંઓને કિનારે માળા બાંધે છે;
અને વૃક્ષોની ડાળીઓ મધ્યે ગાયન કરે છે.
13 તમે પર્વતો પર વરસાદ વરસાવો છો;
અને પૃથ્વી તમારાં કામનાં ફળથી તૃપ્ત થાય છે.
14 તે ઢોરને માટે ઘાસ ઉપજાવે છે,
તે આપણને ખેડવા છોડ આપે છે,
અને તે છોડો આપણને જમીનમાંથી ખોરાક આપે છે.
15 દેવે આપણને ખુશ કરવા માટે દ્રાક્ષ આપી,
આપણી ત્વચાને નરમ કરવા તેલ
અને શરીરને ટકાવી રાખવા રોટલી આપે છે.
16 યહોવાનાં વૃક્ષ, એટલે લબાનોનનાં દેવદારો;
જે તેણે રોપ્યાં હતાં તેઓ ધરાયેલાં છે.
17 ત્યાં પક્ષીઓ પોતાના માળા બાંધે છે;
વળી દેવદાર વૃક્ષ બગલાઓનું રહેઠાણ છે.
18 ઊંચા પર્વતો પર જંગલી બકરાને
અને ખડકોમાં સસલાને રક્ષણ અને આશ્રય મળે છે.
19 ઋતુઓને માટે તેમણે ચંદ્રનું સર્જન કર્યું,
ક્યારે આથમવું એ સૂર્ય હંમેશા જાણે છે.
20 રાત્રિ અને અંધકાર તમે મોકલો છો;
જંગલનાં પ્રાણીઓ ત્યારે બહાર આવે છે.
21 પછી સિંહનાં બચ્ચાં શિકાર માટે ગર્જના કરે છે;
તેઓ દેવ પાસે પોતાનું ભોજન માંગે છે.
22 પરોઢિયે તેઓ ગૂપચૂપ જંગલોમાં પાછા જાય છે;
અને પોતાની ગુફાઓમાં સૂઇ જાય છેં.
23 માણસ પોતાનો ઉદ્યમ કરવાં બહાર નીકળે છે;
અને સાંજ સુધી પોતપોતાના કામ કરે છે.
24 હે યહોવા, કેટલા છે તારા સર્જનો!
તમે બહુ બુદ્ધિપૂર્વક તેમને બનાવ્યા છે.
તમારી બનાવેલી વસ્તુઓથી પૃથ્વી ભરપૂર છે.
25 જુઓ આ વિશાળ મહાસાગરમાં નાના
અને મોટા કેટલા અસંખ્ય જીવજંતુઓ
તથા જાનવરો તેની અંદર છે!
26 અને જુઓ, વહાણો તેમાં આવજા કરે છે;
વળી સમુદ્રમાં રમવાને મગરમચ્છ પેદા કર્યા છે.
27 તમે તેઓને યોગ્ય ટાણે ખાવાનું આપો છો;
તેથી આ સઘળાં જીવો તમારી વાટ જુએ છે.
28 તમે જે કાંઇ આપો છો તે તેઓ વીણે છે;
તમે તમારો હાથ ખોલો છો ત્યારે તેઓ બધાં ઉપકારથી તૃપ્ત થાય છે
29 તમે જ્યારે તેમની પાસેથી પાછા ફરો છો ત્યારે તેઓ ડરી જશે,
તેઓનો પ્રાણ તેઓને છોડે છે
અને તેઓ નબળા થઇને મૃત્યુ પામે છે
તેમનાં શરીર પાછાં માટી બની જાય છે.
30 પછી, જ્યારે તમે તમારો આત્મા મોકલો છો તેઓ ઉત્પન્ન થાય છે;
અને પૃથ્વીની સપાટી તેઓથી ભરપૂર થાય છે.
31 યહોવાનો મહિમા સદાકાળ ટકી રહો;
અને પોતાના સર્જનથી યહોવા આનંદ પામો.
32 જ્યારે યહોવા પૃથ્વી પર દ્રૃષ્ટિ કરે છે, ત્યારે તે ડરથી કંપે છે;
અને જ્યારે તે પર્વતોને સ્પશેર્ છે ત્યારે તેમનામાંથી ધૂમાડો નીકળે છે.
33 હું જીવનપર્યંત યહોવાની પ્રશંસાનાં ગીતો ગાઇશ;
હું મારા છેલ્લા શ્વાસ સુધી યહોવાની સ્તુતિ કરીશ.
34 તેમના માટેનાં મારા શબ્દો વડે તે પ્રસન્ન થાઓ
કારણ કે યહોવા મારા સર્વ આનંદનું ઉદૃભવ સ્થાન છે.
35 પૃથ્વીમાંથી સર્વ પાપીઓ નાશ પામો
અને દુષ્ટોનું અસ્તિત્વ મીટાવી દેવામાં આવે.
હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કર!
તમે યહોવાની સ્તુતિ કરો!
યહોવાના સ્તુતિગાન કરો
25 હે યહોવા, તમે મારા દેવ છો,
હું તમારા ગુણગાન ગાઇશ
અને તમારા નામની સ્તુતિ કરીશ,
તમે અદભૂત કાર્યો કર્યા છે;
તમે લાંબા સમય પહેલાં ઘડેલી
યોજનાઓ પૂરેપૂરી પાર ઊતારી છે.
2 તમે સમૃદ્ધ નગરોને ઉજ્જડ કરો છો.
તમે કિલ્લેબંધ નગરોને ખંડેરોનો ઢગ બનાવી દીધાં છે.
તમે વિદેશીઓના ગઢનો વિનાશ કરી નાખ્યો છે.
તેઓ તે ફરીથી બાંધશે નહિ.
3 તેના કારણે સાર્મથ્યવાન લોકો તમારી સમક્ષ ભયથી થથરશે;
ક્રૂર લોકો તમને આધિન થશે અને તમારા નામનો મહિમા કરશે.
4 પણ હે યહોવા, તડકામાં તમે નિર્ધનોનો પડછાયો છો,
મુશ્કેલીઓમાં તમે દુ:ખી લોકોનો આશ્રય છો,
વાવાઝોડા સામે રક્ષણ છો,
તમે નિર્દય લોકો સામે તેમને આશ્રય આપો છો
જેઓ શિયાળાના ધોધમાર વરસાદ જેવા છે.
5 તે ક્રૂર લોકો સૂકા પ્રદેશમાં
વાતી લૂ જેવા હતા,
પરંતુ તમે ક્રૂર વિદેશીઓનો વિજય ઉન્માદ દબાવી દીધો છે
જેવી રીતે વાદળની છાયા ગરમીને ઓછી કરી નાખે છે તેમ.
પોતાના સેવકો માટે દેવનો સમારોહ
6 સૈન્યોનો દેવ યહોવા સિયોન પર્વત પર બધા લોકો માટે મિષ્ટાનની અને ઉત્તમ પીણાની ઉજાણી તૈયાર કરશે.
7 આ સિયોન પર્વત પર, યહોવા સમગ્ર પ્રજાઓના શોકનાં વાદળોને દૂર કરશે અને તેમની પર ફેલાયેલા દુ:ખના કફનને દૂર કરશે; 8 તે સદાને માટે મૃત્યુને મિટાવી દેશે. યહોવા મારા માલિક બધાનાં આંસૂ લૂછી નાખશે, અને સમગ્ર પૃથ્વી પર પોતાના લોકો તરફથી મળતી અપકીર્તિ દૂર કરશે. આ યહોવાના શબ્દો છે.
9 તે દિવસે સૌ લોકો એમ કહેશે,
“એ આપણો ઉદ્ધાર કરશે એવી જેને વિષે આપણે આશા સેવતા હતા,
તે આપણો દેવ આ છે,
આપણે જેની પ્રતિક્ષા કરતા હતા તે આ યહોવા છે,
અને તેણે આપણો ઉદ્ધાર કર્યો છે;
માટે ચાલો, આપણે આનંદોત્સવ કરીએ.”
13 યહૂદિ આગેવાનો સમજતા હતા કે પિતર અને યોહાન પાસે કોઇ વિશિષ્ટ તાલીમ કે શિક્ષણ ન હતા. પણ આગેવાનોએ તે પણ જોયું કે પિતર અને યોહાન બોલતાં ડરતાં નહોતા. તેથી યહૂદિ આગેવાનો નવાઇ પામ્યા. પછી તેઓને ખ્યાલ આવ્યો કે પિતર અને યોહાન ઈસુની સાથે હતા. 14 તેઓએ એક અપંગ માણસને ત્યાં બે પ્રેરિતોની બાજુમાં ઊભેલો જોયો. તેઓએ જોયું કે તે માણસ સાજો થઈ ગયો હતો. તેથી તેઓ પ્રેરિતોની વિરૂદ્ધ કંઈકહી શક્યા નહિ.
15 યહૂદિ આગેવાનોએ તેઓને સભા છોડી જવા કહ્યું. પછી આગેવાનોએ તેઓને શું કરવું જોઈએ તે વિષે એકબીજા સાથે વાતો કરવા લાગ્યા. 16 તેઓએ કહ્યું, “આપણે પેલા માણસોનું શું કરીશું? યરૂશાલેમમાં દરેક માણસ જાણે છે કે તેઓએ અદભૂત ચમત્કાર કર્યા છે. આ સ્પષ્ટ છે. આપણે કહી શકીએ નહિ કે તે સાચું નથી. 17 આપણે તેઓને ધમકી આપવી જાઇએ અને આ માણસ (ઈસુ) વિષે કદી પણ ના બોલવા જણાવવું જોઈએ. જેથી આ વાત લોકોમાં આગળ પ્રસરશે નહિ.”
18 પછી યહૂદિ આગેવાનોએ પિતર અને યોહાનને ફરીથી અંદર બોલાવ્યા. તેઓએ પ્રેરિતોને ઈસુના નામે કંઈ પણ શીખવવાની કે કહેવાની મનાઇ કરી. 19 પણ પિતર અને યોહાને તેઓને જવાબ આપ્યો, “તમારી દ્દષ્ટિએ શું યોગ્ય છે? દેવ શું ઈચ્છે છે? અમારે દેવને કે તમને તાબે થવું? 20 અમે શાંત રહી શકીએ નહિ. અમે જે જોયું છે અને સાંભળ્યું છે તેના સંદર્ભમાં અમારે લોકોને કહેવું જોઈએ.”
21-22 યહૂદિ આગેવાનો પ્રેરિતોને શિક્ષા કરવાનો કોઇ રસ્તો શોધી શક્યા નહિ, કારણ કે જે કંઈ બન્યું હતું તેને લીધે બધા લોકો દેવની સ્તુતિ કરતા હતા. (આ ચમત્કાર દેવની સાબિતી માટે પૂરતો હતો જે માણસ સાજો થયો હતો તે 40 વરસથી મોટી ઉંમરનો માણસ હતો.) તેથી યહૂદિ આગેવાનોએ પ્રેરિતોને ફરીથી ચેતવણી આપીને છોડી દીધા.
પિતર અને યોહાનનું વિશ્વાસીઓમાં પાછા જવું
23 પિતર અને યોહાને યહૂદિ આગેવાનોની સભાનો ત્યાગ કર્યો અને તેઓ પોતાના સમૂહમાં ગયા. તેઓએ મુખ્ય યાજકો અને વડીલ યહૂદિ આગેવાનોએ તેમને જે કંઈ કહ્યું હતું તે બધું સમૂહને કહ્યું. 24 જ્યારે વિશ્વાસીઓએ આ સાંભળ્યું ત્યારે તેઓ બધાએ પ્રાર્થના કરી અને એ જ વિનંતી કરી. “પ્રભુ, પૃથ્વી, આકાશ, સમુદ્ર અને જે બધી વસ્તુઓ જગતમાં છે તેને ઉત્પન્ન કરનાર તું જ છે. 25 અમારો પૂર્વજ દાઉદ તારો સેવક હતો. પવિત્ર આત્માની સહાયથી તેણે આ શબ્દો લખ્યા:
‘શા માટે રાષ્ટ્રો બૂમો પાડે છે?
શા માટે વિશ્વના લોકો દેવની વિરૂદ્ધ યોજના ઘડે છે? તે નિરર્થક છે!
26 ‘પૃથ્ની પરના રાજાઓ તેઓની જાતે લડવા સજજ થયા છે,
અને બધા અધિકારીઓ પ્રભુની (દેવ) વિરૂદ્ધ અને તેના ખ્રિસ્તની વિરૂદ્ધ ભેગા થયા છે.’(A)
27 જ્યારે અહીં યરૂશાલેમમાં ઈસુની વિરૂદ્ધ હેરોદ, પોંતિયુસ પિલાત, રાષ્ટ્રો અને બધા યહૂદિ લોકો આવીને ભેગા મળ્યા ત્યારે ખરેખર આ બાબતો બની. ઈસુ તારો પવિત્ર સેવક છે. તે એક છે જેને તેં ખ્રિસ્ત બનાવ્યો છે. 28 આ લોકો જે ઈસુની વિરૂદ્ધ આવીને ભેગા મળ્યા છે જેથી તારી યોજના પૂર્ણ થઈ. તારા સાર્મથ્ય અને તારી ઈચ્છાથી તે બન્યું. 29 અને હવે, પ્રભુ, તેઓ શું કહે છે તે સાંભળ, તેઓ અમને ધમકાવે છે! પ્રભુ, અમે તારા સેવકો છીએ. તું અમારી પાસે જે કહેવડાવવા ઇચ્છતો હોય તે અમે ભય વગર બોલીએ તેમાં અમને સહાય કર. 30 તારું સાર્મથ્ય બતાવીને અમને સાર્મથ્યવાન થવામાં મદદ કર. માંદા લોકોને સાજા કર, સાબિતીઓ આપ, અને ઈસુના નામના અદભૂત સાર્મથ્યથી તે અદભૂત ચમત્કારો થવા દે, જે તારો પવિત્ર સેવક છે.”
31 વિશ્વાસીઓની પ્રાર્થના પછી તેઓ જ્યાં ભેગા થયા હતા તે મકાન હાલ્યું. તેઓ બધા પવિત્ર આત્માથી ભરપૂર થયા. અને તેઓએ દેવનો સંદેશો નિર્ભય રીતે કહેવાનું ચાલુ કર્યું.
ઉદાસીનતા પ્રસન્નતામાં પરિવર્તન પામશે
16 “ટૂંક સમય પછી તમે મને જોઈ શકશો નહિ. પરંતુ ફરીથી ટૂંક સમય બાદ તમે મને જોઈ શકશો.”
17 કેટલાક શિષ્યોએ એકબીજાને કહ્યું, “જ્યારે તે કહે છે ત્યારે ઈસુ શું સમજે છે, ‘ટૂંક સમય પછી તમે મને જોઈ શકશો નહિ, અને પછી ટૂંક સમય પછી તમે મને ફરીથી જોશો?’ અને તે શું સમજે છે જ્યારે તે કહે છે, ‘કારણ કે હું પિતા પાસે જાઉ છું?’” 18 શિષ્યોએ પૂછયું, “થોડા સમયનો તે શું અર્થ સમજે છે? તે શું કહે છે તે અમે સમજી શકતા નથી.”
19 ઈસુએ જાણ્યું કે શિષ્યો તેને આ વિષે પૂછવા ઈચ્છતા હતા. તેથી ઈસુએ શિષ્યોને કહ્યું, “જ્યારે હું કહું છું તમે એકબીજાને પૂછો છો હું શું સમજું છું? થોડા સમય પછી તમે મને જોશો નહિ અને પછી બીજા થોડા સમય પછી તમે મને ફરીથી જોશો?” 20 હું તમને સત્ય કહું છું. તમે રડશો અને ઉદાસ થશો, પણ જગતને આનંદ થશે. તમે ઉદાસ થશો પરંતુ તમારી ઉદાસીનતા આનંદમાં ફેરવાઈ જશે.
21 “જ્યારે કોઈ સ્ત્રી બાળકને જન્મ આપે છે ત્યારે, તેને પીડા થાય છે કારણ કે તેનો સમય આવ્યો છે. પણ જ્યારે તેના બાળકનો જન્મ થાય છે, તે પીડા ભૂલી જાય છે. તે ભૂલી જાય છે કારણ કે બાળકનો જન્મ આ જગતમાં થયો હોવાથી તે ઘણી પ્રસન્ન હોય છે. 22 તમારી સાથે પણ એવું જ છે. તમે હમણા ઉદાસ છો. પણ હું તમને ફરીથી જોઈશ અને તમે પ્રસન્ન થશો અને કોઈ તમારો આનંદ છીનવી શકશે નહિ. 23 તે દિવસે તમે મને કઈ પૂછશો નહિ. હું તમને સત્ય કહું છું. મારા નામે તમે જે કઈ મારા પિતા પાસેથી માગશો તે તમને આપશે. 24 તમે કદી પણ મારા નામે કશું માગ્યું નથી. માગો અને તમને પ્રાપ્ત થશે. અને તમારો આનંદ સંપૂર્ણ થશે.
જગત પર વિજય
25 “મેં તમને આ વચનો અર્થને છુપાવતા શબ્દોનો ઉપયોગ કરીને કહી છે. પરંતુ એવો સમય આવશે હું તમને વચનો કહેવા માટે તેના જેવા શબ્દોનો ઉપયોગ કરીશ નહિ. હું તમારી સાથે પિતા વિષે સાદા શબ્દોમાં વાતો કરીશ. 26 તે દિવસે તમે મારા નામે પિતા પાસે જે કંઈ માગશો. હું કહું છું કે મારે તમારા માટે પિતાની પાસે કંઈ માગવાની જરૂર પડશે નહિ. 27 ના! પિતા પોતે તમને પ્રેમ કરે છે. તે તમને પ્રેમ કરે છે કારણ કે તમે મને પ્રેમ કર્યો છે. અને તે તમને પ્રેમ કરે છે કારણ કે તમે વિશ્વાસ કર્યો છે કે હું દેવ પાસેથી આવ્યો છું. 28 હું પિતા પાસેથી જગતમાં આવ્યો છું. હવે હું જગત છોડીને પિતા પાસે પાછો જાઉ છું.”
29 પછી ઈસુના શિષ્યોએ કહ્યું, “હવે તું અમને સ્પષ્ટ કહે છે. તું સમજવામાં કઠિન પડે એવા શબ્દપ્રયોગ કરતો નથી. 30 હવે અમે જોઈ શકીએ છીએ કે તું બધું જાણે છે. તું વ્યક્તિને તે પૂછે તે પહેલા તેનો ઉત્તર આપે છે. તેથી અમને વિશ્વાસ થાય છે કે તું દેવ પાસેથી આવ્યો છે.”
31 ઈસુએ કહ્યું, “તેથી શું હવે તમે વિશ્વાસ કરો છો? 32 ધ્યાનપૂર્વક મને સાંભળો. સમય આવે છે જ્યારે તમે વેરવિખેર થઈ જશો. તે સમય હવે અહીં છે. તમે મને છોડી જશો. હું એકલો પડીશ. પણ ખરેખર હું એકલો નહિ હોઉ, કારણ કે પિતા મારી સાથે છે.
33 “મેં તમને આ વચનો કહ્યાં છે જેથી કરીને તમને મારામાં શાંતિ મળે. આ દુનિયામાં તમને મુશ્કેલીઓ પડશે. પરંતુ હિંમતવાન બનો! મેં જગતને પરાજય આપ્યો છે!”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International