Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 87

કોરાહના પરિવારનાં સ્તુતિગીતોમાંથી એક.

તેમણે તેનો પાયો પવિત્ર પર્વત પર સ્થાપન કર્યો છે.
    યાકૂબના સર્વ નગરો કરતાઁ, સિયોનના દરવાજાઓને યહોવા વધુ ચાહે છે.
હે દેવના નગર, તમારા વિષે અદભૂત વાતો કહેવાય છે.

જેઓ મને જાણે છે તેમની વચ્ચે હું મિસર અને બાબિલનો એક યાદીમાં ઉમેરો કરીશ;
    મારા કેટલાક લોકો પલિસ્તી, તૂર અને કૂશમાં જન્મ્યા છે.
વળી સિયોન વિષે કહેવાશે કે:
    “આ માણસ સિયોનમાં જન્મેલો હતો, અને તે માણસ પણ ત્યાં જન્મ્યો હતો.”
    દેવે તે શહેર બાંધ્યુ અને તેની સ્થાપના કરી.
યહોવા પોતાના બધા લોકોની એક યાદી રાખે છે,
    જેમાં દરેક જન્મ્યો હતો તે જગાનો સમાવેશ થાય છે.

વળી તેઓ ઉત્સવમાં ગીત ગાશે,
    “મારું સર્વસ્વ તારામાં છે.”

ગીતશાસ્ત્ર 90

ભાગ ચોથો

(ગીત 90–106)

દેવના ભકત મૂસાની પ્રાર્થના.

હે દેવ, સર્વ પેઢીઓમાં તમે અમારું નિવાસસ્થાન થયા છો.
    તમે પૃથ્વી અને જગતને રચ્યાં હતાં અને પર્વતો ઉત્પન્ન થયા હતાં;
    તે પહેલાંથી તમે જ દેવ છો;
    તમારી શરૂઆત નથી કે અંત નથી.

તમે મનુષ્યોને ધૂળમાં પાછા લઇ જાઓ છો,
    અને કહો છો; મનુષ્યપુત્રો પાછા ફરો.
કારણ, તમારી દ્રષ્ટિમાં હજાર વર્ષો વીતી ગયેલી કાલના જેવાં છે!
    અને રાતના એક પહોર જેવાં છે!
તમે અમને, પાણીના પ્રવાહની જેમ ઘસડી જાઓ છો;
અમારું જીવન એક સ્વપ્ન જેવું છે,
    અને સવારમાં અમે જોઇ ચૂક્યા હોઇએ છીએ કે અમે ઘાસ જેવાં છીએ.
તે સવારે ખીલે છે અને વધે છે;
    સાંજે સૂકાઇ જાય છે ને પછી ચીમળાય છે.
કારણ, તમારા કોપથી અમારો નાશ થાય છે,
    અને તમારા રોષથી અમને ત્રાસ થાય છે.
તમે અમારાં બધાં પાપો,
    અને અમારા ગુપ્ત પાપો પણ જાણો છો
    અને તે બધાં તમે જોઇ શકો છો.
તમારા રોષમાં અમારા સર્વ દિવસો વીતી જાય છે;
    નિસાસાની જેમ અમે વર્ષો પૂરાં કરીએ છીએ.
10 અમારી વયના દિવસો સિત્તેર વર્ષ જેટલા છે;
    કેટલાંક તેમનાં બળને કારણે એંસી વર્ષ પણ જીવે.
તો પણ શ્રેષ્ઠ વર્ષો મિથ્યા, શ્રમ, તથા દુ:ખ માત્ર છે;
    કારણ તે ઝડપથી પસાર થઇ જાય છે અને અમારો અંત આવી જાય છે.
11 તમારા ક્રોધના બળને અને કોપને કોણ જાણી શકે?
    અને તમને ઘટે છે તેવો તમારો ભય કોણ રાખી શકે?
12 અમારા જીવન કેટલાં ટૂંકા છે તે તમે અમને શીખવો,
    જેથી અમે ખરેખર જ્ઞાની બની શકીએ.
13 હે યહોવા, અમારી પાસે પાછા આવો;
    પાછા આવો અને તમારા સેવકોને દિલાસો આપો.
14 પ્રત્યેક સવારે અમને તમારી કૃપાથી ભરી દો.
    જેથી અમે અમારા સર્વ દિવસો સુખ અને આનંદમાં વિતાવીએ.
15 અમારા અગાઉનાં દુ:ખોનાં પ્રમાણમાં અમને વધુ આનંદ આપો;
    અમારી પીડાના વરસોના બદલામાં અમને સારા વર્ષો આપો.
16 તમારા સેવકોને ફરીથી, તમારા ચમત્કારો દેખાડો;
    અને તમારો મહિમા તેઓના પુત્રો પર દેખાડો.
17 અમારા યહોવા દેવની કૃપા અમારા પર થાઓ;
    અને અમને સફળતા આપો;
    અમારાં સર્વ કૃત્યોને તમે કાયમ માટે સ્થાપન કરો.

ગીતશાસ્ત્ર 136

યહોવાની સ્તુતિ કરો, કારણકે તે ઉત્તમ છે.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
સર્વ દેવોના દેવની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
પ્રભુઓના પ્રભુ સ્તુતિ કરો!
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
દેવની સ્તુતિ કરો જે એકલા જ મહાન ચમત્કારો સજેર્ છે!
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
જેણે પોતાના ડહાપણ વડે આકાશો ઉત્પન્ન કર્યા છે; તેની સ્તુતિ કરો.
    કારણ કે તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
જેણે પાણી પર ભૂમિને વિસ્તારી છે, તેની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
આકાશોમાં જેમણે મહાન જ્યોતિઓ બનાવી છે તેમની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
દિવસ પર અમલ ચલાવવા જેમણે સૂર્ય બનાવ્યો છે તેની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
રાત પર અમલ ચલાવવાં જેમણે ચંદ્ર અને તારા બનાવ્યાં છે તેમની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
10 મિસરના પ્રથમજનિતોનો જેમણે સંહાર કર્યો; તેમની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
11 વળી તેઓની પાસેથી ઇસ્રાએલને છોડાવનારની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
12 પોતાના બળવાન ભુજ અને લાંબા કરેલા હાથ વડે જે તેઓને છોડવી લાવ્યા; તેમની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
13 તેઓની આગળ માર્ગ કરવા જેમણે લાલ સમુદ્રના બે ભાગ કર્યા તે યહોવાની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
14 સમુદ્રમાં થઇને જે તેઓને સુરક્ષિત સામે પાર લઇ ગયા;
    તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
15 ફારુન તથા તેની ફોજને લાલ સમુદ્રમાં ઉથલાવી નાખનારની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
16 રણમાં થઇને પોતાના લોકોને જેમણે દોર્યા;
    તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
17 જેણે મોટા રાજાઓને હરાવ્યા છે તેમની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
18 જેણે મહાન રાજાઓનો સંહાર કર્યો છે તેની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
19 અમોરીઓના રાજા સીહોનનો જેમણે સંહાર કર્યો;
    તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
20 બાશાનના રાજા ઓગનો જેમણે સંહાર કર્યો; તેમની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ રકે છે.
21 જેમણે આ રાજાઓની ભૂમિ ઇસ્રાએલને ભેટ તરીકે સદાકાળ માટે આપી, તેમની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
22 જેમણે તે પોતાના સેવક ઇસ્રાએલને વારસામાં આપ્યો તેની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
23 જેમણે અમારી નબળાઇઓમાં અમને સંભાર્યા; તેની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
24 અમારા શત્રુઓથી જેમણે અમારો બચાવ કર્યો, તેની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
25 દરેક સજીવને ખોરાક પૂરો પાડે છે; તેમની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
26 આકાશોના દેવની આભારસ્તુતિ કરો.
    કારણકે તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.

યર્મિયા 13:1-11

બંદીવાન થવાનો લોકોનો ડર

13 યહોવાએ મને આ પ્રમાણે કહ્યું, “જા, શણનો કમરબંધ ખરીદી લાવ અને તે પહેર. પણ તેને પાણીમાં બોળીશ નહિ.”

આથી યહોવાના કહ્યા પ્રમાણે મેં કમરબંધ વેચાતો લીધો અને મારી કમરે બાંધ્યો. યહોવાનો સંદેશો ફરીથી મારી પાસે આવ્યો. આ વખતે તેમણે કહ્યું, “તેં જે કમરબંધ ખરીદી લાવીને પહેર્યો છે તે લઇને એકદમ ફ્રાત નદીએ જા અને ત્યાં ખડકોની ફાટમાં સંતાડી દે.”

તેથી મેં તેમ કર્યું; યહોવાએ કહ્યું હતું તે પ્રમાણે મેં તેને ફ્રાત નદીએ જઇને સંતાડી દીધો. ઘણા દિવસો વીત્યા પછી યહોવાએ મને કહ્યું, “એકદમ ફ્રાત નદીએ જા અને મેં તને કમરબંધ સંતાડવા કહ્યો હતો તે પાછો લઇ આવ.”

આથી હું ફ્રાત નદીએ ગયો અને જે જગ્યાએ કમરબંધ સંતાડ્યો હતો તે શોધી કાઢી અને ઉપાડ્યો તો ખબર પડી કે, તેને ફૂગ લાગી ગઇ હતી અને તૂટી જતો હતો. હવે તે સંપૂર્ણપણે નકામો થઇ ગયો હતો.

પછી યહોવાનો સંદેશ મારી પાસે આવ્યો, “આજ છે જે યહોવાએ કહ્યું, જેવી રીતે કમરબંધ ખરાબ થઇ જાય છે અને કશા કામનું નથી રહેતું, હું યહૂદિયા અને યરૂશાલેમના લોકોને નષ્ટ કરી નાખીશ. 10 તે દુષ્ટ લોકોએ મારું કહ્યું સાંભળવાની ના પાડી છે; તેઓ પોતાના હઠીલાં મન કહે તેમ કરે છે, બીજા દેવોને માને છે, તેમની પૂજા કરે છે અને તેમને પગે લાગે છે, આથી તેઓની દશા પણ આ કમરબંધ જેવી થશે; તેઓ કશા કામના નહિ રહે.” 11 યહોવા કહે છે, “જેમ કમરબંધ માણસની કમરે વળગી રહે, તેમ ઇસ્રાએલના અને યહૂદિયાના બધા લોકોને મેં મારી આસપાસ વીંટાળ્યા હતા, જેથી તેઓ મારા લોકો બની શકે અને મારી કીર્તિ થાય, મારા નામનું ગૌરવ વધે; પણ તેમણે મારું સાંભળ્યું નહિ.”

રોમનો 6:12-23

12 તમારા ર્મત્ય શરીરમાં પાપને રાજ કરવા ન દો અને તમારી પાપની દુર્વાસનાને આધીન થશો નહિ. તમારું પાપયુક્ત શરીર જો તમને પાપકર્મ કરવા પ્રેરતું હોય તો તમારે એનાથી ગેરમાર્ગે દોરવાઈ જવું નહિ. 13 પાપકર્મમાં તમારા શરીરનાં અવયવોને સમર્પિત ન કરો. અનિષ્ટ કાર્યો કરવાના સાધન તરીકે તમે તમારાં શરીરોનો ઉપયોગ ન કરો. પરંતુ તમારે પોતે દેવને સમર્પિત થઈ જવું જોઈએ. જે લોકો મરણ પામીને પણ હવે ફરીથી સજીવન થયા છે એવા તમે થાવ. તમારાં શરીરનાં અવયવો દેવને સમર્પિત કરો જેથી શુભ કાર્યો માટે એનો ઉપયોગ થાય. 14 હવે “પાપ” તમારો “માલિક” થઈ શકશે નહિ. શા માટે? કેમ કે તમે નિયમશાસ્ત્રના બંધનમાં નથી. હવે તમે દેવની કૃપા હેઠળ જીવી રહ્યા છો.

ન્યાયીપણાના દાસ

15 તો આપણે શું કરવું જોઈએ? આપણે પાપ કરવાનું ચાલું રાખવું જોઈએ? કેમકે આપણને નિયમનું બંધન નથી, પણ આપણે કૃપાને આધીન છીએ? ના! 16 સાચે જ તમે જાણો છો કે જ્યારે તમે કોઈની આજ્ઞા પાળવા તૈયાર થઈ જાઓ છો, ત્યારે તમે તે વ્યક્તિના ખરેખર દાસ બની જાવ છો. જે વ્યક્તિની આજ્ઞા તમે માનો છો તેના તમે દાસ છો. ગમે તો પાપને અનુસરો અથવા દેવની આજ્ઞા માથે ચડાવો. પાપ તો આધ્યાત્મિક મૃત્યુને નોંતરે છે. પરંતુ જે દેવની આજ્ઞા પાળે છે તે દેવની સાથે ન્યાયી ઠરે છે. 17 ભૂતકાળમાં તમે પાપના દાસ હતા-તમારા પર પાપનું શાસન ચાલતું હતું, પરંતુ દેવનો આભાર કે તમને જે (નૈતિક-ધાર્મિક સંસ્કારો) શીખવવામાં આવ્યા તેને તમે પૂર્ણ અંત:કરણથી સ્વીકાર્યા. 18 પાપમાંથી તમને મુક્ત કરવામાં આવ્યા છે, અને હવે તમે ન્યાયપણાના દાસ છો. 19 જે દૃષ્ટાંત લોકો જાણે છે તે દૃષ્ટાંત આપીને હું તમને આ સમજાવવા પ્રયત્ન કરીશ કારણ કે એ બધું સમજવું તમારા માટે કઠિન છે. તેથી હું આ રીતે સમજાવું છું. ભૂતકાળમાં તમે અશુદ્ધતા અને અનિષ્ટની સેવામાં તમારા શરીરનાં અવયવો અર્પણ કર્યા હતા. તમે દુષ્ટતામાં જ જીવતા હતા. તમે હવે તમારાં અવયવોને પવિત્રતાને અર્થે ન્યાયીપણાના દાસ તરીકે સુપ્રત કરો અને પછી તમે ફક્ત દેવ માટે જ જીવવા શક્તિમાન થશો.

20 ભૂતકાળમાં તમે પાપના દાસ હતા, અને તમે ન્યાયીપણાના અંકુશથી સ્વતંત્ર હતા. 21 તમે જે અનિષ્ટ કાર્યો કર્યા હતાં, એ માટે હવે તમે શરમ અનુભવો છો. શું એ અનિષ્ટ કાર્યો તમને કોઈ લાભદાયી હતાં ખરાં? ના. એવાં કાર્યો તો માત્ર આધ્યાત્મિક મૃત્યુ જ લાવી શકે છે. 22 પરંતુ હવે તમે પાપની ગુલામીમાંથી મુક્ત થઈને દેવના દાસ થયા છો. અને આ (પરિવર્તન) તમને એવું જીવન આપશે કે જે માત્ર દેવને જ સમર્પિત હોય. અને એના દ્વારા તમને અનંતજીવન પ્રાપ્ત થશે. 23 જ્યારે લોકો પાપ કરે છે, ત્યારે પાપનું વેતન-મરણ કમાય છે. પરંતુ દેવ તો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા લોકોને અનંતજીવનની બક્ષિસ આપે છે.

યોહાન 8:47-59

47 જે વ્યક્તિ દેવનો છે તે દેવ જે કહે છે તે સ્વીકારે છે. પણ તમે દેવ જે કહે છે તે સ્વીકારતા નથી. કારણ કે તમે દેવના નથી.”

ઈસુ પોતાના વિષે અને ઈબ્રાહિમ વિષે વાત કરે છે

48 યહૂદિઓએ ઉત્તર આપ્યો, “અમે કહીએ છીએ કે તું સમરૂની છે, અમે કહીએ છીએ કે તારામાં શેતાન પ્રવેશ્યો છે. અને તને ગાંડો બનાવ્યો છે! અમે આ બાબત કહીએ છીએ ત્યારે શું અમે સાચા નથી?”

49 ઈસુએ ઉત્તર આપ્યો, “મારામાં કોઈ શેતાન પ્રવેશ્યો નથી. હું મારા પિતાને આદર આપું છું. પણ તમે કોઈ મારો આદર કરતા નથી. 50 હું મારી જાત માટે આદર મેળવવા પ્રયત્ન કરતો નથી. મને આદર અપાવવાની ઈચ્છા કરનાર ત્યાં એક જ છે. તે ન્યાય કરનાર છે. 51 હું તમને સત્ય કહું છું. જો કોઈ મારું વચન પાળે છે, તો પછી તે કદી મૃત્યુ પામશે નહિ.”

52 યહૂદિઓએ ઈસુને કહ્યું, “હવે અમે જાણીએ છીએ કે તારામાં શેતાન પ્રવેશ્યો છે! ઈબ્રાહિમ અને પ્રબોધકો પણ મૃત્યુ પામ્યા. પણ તું કહે છે કે, ‘જે વ્યક્તિ મારાં વચનોને પાળશે તે કદી મૃત્યુ પામશે નહિ.’ 53 શું તું ધારે છે કે તું અમારા પિતા ઈબ્રાહિમ કરતાં વધારે મહાન છે? ઈબ્રાહિમ મૃત્યુ પામ્યો અને પ્રબોધકો પણ મૃત્યુ પામ્યા. તું કોણ હોવાનો દાવો કરે છે?”

54 ઈસુએ ઉત્તર આપ્યો, “જો હું મારી જાતને માન આપું તો પછી તે આદરની કોઈ કિંમત નથી. જે એક મારો આદર કરે છે તે મારો પિતા છે. અને તમે દાવો કરો છો કે તે તમારો દેવ છે. 55 પણ ખરેખર તમે તેને ઓળખતા નથી. હું તેને ઓળખું છું. જો હું કહું કે હું તેને જાણતો નથી, તો પછી હું તમારા જેવો જૂઠો ઠરું. પણ હું તેને ઓળખું છું અને તે જે કહે છે તેનું હું પાલન કરું છું. 56 તમારો પિતા ઈબ્રાહિમ ઘણો ખુશ હતો, કારણ કે જ્યારે હું આવ્યો તે દિવસ તેણે જોયો અને તે સુખી થયો.”

57 યહૂદિઓએ ઈસુને કહ્યું, “શું તેં ઈબ્રાહિમને જોયો છે? હજુ તો તું 50 વરસનો પણ થયો નથી.”

58 ઈસુએ ઉત્તર આપ્યો, “હું તમને સત્ય કહું છું, ઈબ્રાહિમનો જન્મ થયા પહેલાનો હું છું.” 59 જ્યારે ઈસુએ આ કહ્યું, ત્યારે લોકોએ તેના તરફ ફેંકવા માટે પથ્થર ઉપાડ્યા. પરંતુ ઈસુ છુપાઈને મંદિરમાંથી બહાર નીકળી ગયો.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International