Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 93

યહોવા રાજ કરે છે,
    ભવ્યતા અને સાર્મથ્યને તેણે વસ્રોની જેમ ધારણ કર્યા છે
તેણે જગતને તેવી રીતે પ્રસ્થાપિત કર્યુ છે
    કે તે અચળ રહેશે.
હે દેવ, પુરાતન કાળથી તમારું રાજ્યાસન સ્થપાયેલું છે;
    તમે સદાકાળ અસ્તિત્વ ધરાવો છો!
હે યહોવા, નદીઓએ ગર્જનાકરી છે.
    વહેતી નદીઓએ તેમનો અવાજ વધાર્યો છે
    અને પોતાના મોજાં ઊંચા ઉછાળ્યાં છે.
તમે વધુ ગર્જના કરતાં સમુદ્રોથી વધારે શકિતશાળી છો,
    અને સમુદ્રોનાઁ મોજાઁઓથી વધારે બળવાન.
    ઉપરવાળો દેવયહોવા,પરમ ઊંચામાં પરાક્રમી છે.
તમારા કરારો સંપૂર્ણ રીતે વિશ્વાસપાત્ર છે,
    હે યહોવા, સર્વકાળ પવિત્રતા તમારા મંદિરને શોભે છે.

ગીતશાસ્ત્ર 96

યહોવા સમક્ષ નવું ગીત ગાઓ!
    સમગ્ર પૃથ્વી પર સર્વત્ર એ ગીત ગાઓ, યહોવા સમક્ષ ગાઓ.
તેમના નામને ધન્યવાદ આપો;
    દિનપ્રતિદિન તેનું તારણ પ્રગટ કરો.
પ્રજાઓને તેના મહિમા વિષે જણાવો
    અને બધા લોકોને તેમના ચમત્કારો વિષે કહો.
કારણ, યહોવાની મહાનતા અવર્ણનીય છે;
    અને તે બહુ સ્તુત્ય છે; તેજ માત્ર ભયાવહ દેવ;
    સર્વ “દેવોની” ઉપર છે.
લોકોના સર્વ “દેવો,” મૂર્તિઓ માત્ર છે;
    પણ યહોવાએ આકાશોને ઉત્પન્ન કર્યા છે.
ભવ્યતા અને મહિમા તેમની સામે ચમકે છે.
    સાર્મથ્ય અને સૌન્દર્ય તેમના પવિત્રસ્થાનમાં છે.
હે વિશ્વની સર્વ પ્રજાઓ, યહોવા એકલા જ છે મહિમાવાન અને પરાક્રમી;
    તે તમે કબૂલ કરો ને તેમને માન આપો.
યહોવાને ઘટે છે ગૌરવ જે તે તેમને આપો,
    તેમની આરાધના કરવાને તમારા અર્પણો લઇને તેનાં આંગણામાં જાઓ.
    પવિત્રતાની સુંદરતા ધારણ કરી, યહોવાની ઉપાસના કરો;
અને ધ્રૂજો સમગ્ર પૃથ્વી તેમની સમક્ષ.
10     પ્રજાઓની વચ્ચે જાહેર કરો, યહોવા એ છે જે જગત પર શાસન કરે છે અને ટકાવી રાખે છે,
તેથી તેનો વિનાશ થશે નહિ.
    બધાં લોકોનો નિષ્પક્ષતાથી ન્યાય કરશે.
11 આકાશો આનંદ પામો! હે પૃથ્વી,
    સુખી થાવ! હે ગર્જના કરતા સમુદ્રની વિશાળતા હર્ષથી પોકારો.
12 ખેતરો અને તેમાં જે કઇં ઊગે છે તે સર્વ સુખી થાઓ.
    હે વનનાં સર્વ વૃક્ષો યહોવાની આગળ હર્ષ સાથે ગાઓ.
13 પૃથ્વીનો ન્યાય કરવાને,
    યહોવા આવે છે;
તે સર્વ પ્રજાઓનો ન્યાય સત્યતાએ કરશે;
અને જગતનો યથાર્થપણે.

ગીતશાસ્ત્ર 34

દાઉદનું ગીત. એ ત્યારે લખાયું હતું જ્યારે તેણે ગાંડપણનો ઢોંગ કર્યો જેથી અબીમેલેખ તેને કાઢી મૂકે. દાઉદ આ રીતેતેનાથી નાસી છુટયો.

હું હમેશા યહોવાની પ્રશંશા કરીશ,
    અને હું હંમેશા તેમના મહિમા વિષે વાત કરીશ.
મારો આત્મા યહોવાની મોટાઇ કરશે.
    આથી નમ્ર માણસો મારી સ્તુતિ સાંભળશે અને આનંદિત થશે.
આપણે સૌ સાથે મળી યહોવાની સ્તુતિ કરીએ.
    અને તેના નામનો મહિમા વધારીએ.
યહોવાને મેં પ્રાર્થના કરી અને તેમણે મારી પ્રાર્થનાનો ઉત્તર આપ્યો.
    તેમણે મને જે બધી બાબતોનો ભય હતો તેમાથી છોડાવ્યો.
જેઓ યહોવાની કૃપા પામ્યા છે, તેઓના મુખ પ્રકાશિત છે;
    તેઓના મુખ પર કોઇ નિરાશા નથી.
આ લાચાર માણસે યહોવાને પોકાર કર્યો,
    અને તે સાંભળીને તેમણે તેને સર્વ સંકટમાંથી ઉગાર્યો.
યહોવાનો દૂત, યહોવાના ભકતોની આસપાસ પડાવ નાખે છે
    અને તેમને મુશ્કેલીમાંથી ઉગારે છે, તેમનું રક્ષણ કરે છે.
યહોવા કેટલાં ઉમદા છે તેનો અનુભવ કરો અને જુઓ.
    જેઓ તેમના ઉપર આધાર રાખે છે તેઓ ને ધન્ય છે.
યહોવાનાં પવિત્ર અનુયાયીઓ તેનું ભય રાખે છે અને તેમનો આદર કરે છે;
    કેમકે, તેને કોઇ વસ્તુની ખોટ પડની નથી.
10 અને કદાચ તંગી પડે સિંહના બચ્ચાંને અને ભૂખ વેઠવી પડે છે,
    પણ દેવની સહાય શોધનારને ઉત્તમ વસ્તુઓની અછત પડતી નથી.
11 મારા બાળકો આવો, મારું સાંભળો;
    “હું તમને યહોવાનો આદર કરતાં શીખવીશ.”
12 સુખી-લાંબા જીવનની ઈચ્છા કોને છે?
    અને તમારામાંથી જીવન વહાલું કોને છે?
13 તો હંમેશા તમારી જીભ પર કાબૂ રાખો;
    ને તમારા હોઠોને જૂઠું બોલવાથી દૂર રાખો.
14 દરેક દુષ્ટાથી દૂર રહો અને ભલું કરો.
    શાંતિ શોધી તેની પાછળ લાગો.
15 યહોવાની આંખો હંમેશા સત્યનિષ્ઠ લોકો પર નજર રાખે છે.
    તેમની મદદ માટેની પ્રાર્થના સાંભળવા માટે તેમનો કાન સદા ખુલ્લો હોય છે.
16 દુષ્ટ માણસોની યાદને પૃથ્વી પરથી
    ભૂંસી નાંખવાનો યહોવાએ સંકલ્પ કર્યો છે.

17 યહોવા ન્યાયીઓના પોકાર સાંભળે છે,
    અને તેઓને સર્વ સંકટમાંથી છોડાવે છે.
18 યહોવા હંમેશા તેઓની સાથે હોય છે જેમના હૃદય ભાંગી ગયા છે.
    જેમનો આત્મા કચડાઇ ગયો છે અને જેઓ નમ્ર છે તેમને યહોવા મુકિત આપે છે.
19 ન્યાયી માણસનાં જીવનમાં ઘણા દુ:ખો આવે છે,
    પણ કૃપાળુ યહોવા તેમને તે સર્વમાંથી ઉગારે છે.
20 યહોવા તેનાં સર્વ હાડકાંનું રક્ષણ કરે છે,
    તેઓમાંનું એકપણ ભાંગવામાં આવતું નથી.
21 દુષ્ટો પોતાની જ દુષ્ટતાથી નાશ પામશે,
    અને ન્યાયીઓના દ્વેષીઓ દોષિત ઠરશે.
22 યહોવા પોતાના સેવકોના પ્રાણોનો ઉદ્ધાર કરે છે;
    યહોવામાં ભરોસો રાખનારાઓમાંથી કોઇ દોષિત ઠરશે નહિ.

યર્મિયા 6:9-15

સૈન્યોના દેવ યહોવાએ મને કહ્યું,
“તમારા પર એક પછી એક આફત આવી પડશે
    અને ઇસ્રાએલમાં જે થોડાં બાકી રહેલા હશે તેઓને શોધીને લઇ જવામાં આવશે.
દ્રાક્ષા તોડનાર વેલા પર ચૂંટાયા વગર રહી ગયેલી દ્રાક્ષાઓને એકત્ર કરવા ફરીથી વેલાને તપાસી જુએ છે,
    તેમ બચાવી લીધેલા મારા થોડા લોકોને તું જરૂર જોતો હોઇશ.”
10 મેં જવાબ આપ્યો, “મારે કોને કહેવું?
    કોને ચેતવવા?
    કોણ સાંભળશે?
તેમના કાન તમારા વિષે કંઇ
    સાંભળવા માંગતા નથી.
હા, તેઓ યહોવાના વચનને નિંદાસ્પદ ગણે છે,
    તેઓને તે ગમતા નથી.
11 પણ, યહોવા, હું તારા રોષથી ભર્યોભર્યો છું,
    હું એને અંદર સમાવી શકતો નથી.”
ત્યારે યહોવાએ કહ્યું, “તો એને મહોલ્લામાં
    રમતાં નાનાં બાળકો પર અને ટોળે વળતા તરુંણો પર
ઠાલવ, પતિ, પત્ની, અને ઘરડાઓ સુદ્ધાં
    બધા જ એનો ભોગ બનશે.
12 તેઓના શત્રુઓ તેઓનાં ઘરોમાં વાસો કરશે
    અને તેઓનાં ખેતરો તથા પત્નીઓ લઇ લેશે.
કારણ કે હું આ દેશના લોકોને શિક્ષા કરીશ.”
    આ યહોવાના વચન છે.

13 “કારણ કે તેઓ બધા સામાન્ય માણસથી માંડીને છેક ઉચ્ચ અધિકારી
    સુધી સર્વ તેમના લોભ દ્વારા ખોટા લાભો મેળવે છે,
    અને તેમના પ્રબોધકો અને યાજકો પણ તેવી જ છેતરામણી રીતે વતેર્ છે!
14 તેઓ મારા લોકોના ઘાને સામાન્ય
    ઉઝરડા હોય એમ ઉપચાર કરે છે,
તેઓ કહે છે કે, ‘બરાબર છે, બધું બરાબર છે.’
    પણ લગારે બરાબર નથી.
15 પોતાનાં અધમ કૃત્યોની તેમને લાજ શરમ આવે છે ખરી? લાજશરમ?
    એમને વળી લાજશરમ કેવી?
તેઓ ભોંઠપણને ધોળીને પી ગયા છે.
    તેથી બીજાની જેમ તેમનું પણ પતન થશે,
હું જ્યારે તેમને સજા કરીશ ત્યારે તેઓ ઠોકર ખાઇને ભોંયભેગા થઇ જશે.”
    આ યહોવાના વચન છે.

1 કરિંથીઓ 6:12-20

તમારા શરીરનો દેવના મહિમા માટે ઉપયોગ કરો

12 “દરેક વસ્તુઓ માટે મને છૂટ છે.” પરંતુ દરેક વસ્તુ સારી હોતી નથી. “દરેક વસ્તુઓ માટે મને છૂટ છે.” પરંતુ કોઈ પણ વસ્તુને હું મારા પર પ્રભુત્વ સ્થાપવા દઈશ નહિ. 13 “ભોજન પેટ માટે છે, અને પેટ ભોજન માટે છે.” હા. પરંતુ દેવ બંનેનો વિનાશ કરશે. શરીર અનૈતિક શારીરિક પાપ માટે નથી. શરીર પ્રભુ માટે છે, અને પ્રભુ શરીર માટે છે. 14 દેવે તેના સાર્મથ્યથી પ્રભુ ઈસુને મૃત્યુમાંથી ઉઠાડ્યો. દેવ આપણને પણ ઉઠાડશે. 15 નિશ્ચિત રીતે તમે જાણો છો કે તમારા શરીર સ્વયં ખ્રિસ્તના અંશરૂપો છે. તેથી હું કદાપિ ખ્રિસ્તના અંશરૂપ શરીરને વેશ્યા સાથે ન જોડી શકુ! 16 શાસ્ત્રલેખમાં આ પ્રમાણે લખેલ છે કે: “બે વ્યક્તિઓ એક દેહ થશે.” (A) તેથી તમારે જાણવું જોઈએ કે જે વ્યક્તિ એક વેશ્યા સાથે શારીરિક સંબંધથી જોડાશે તે તેની સાથે શરીરમાં એક બનશે. 17 પરંતુ જે વ્યક્તિ પોતાની જાતને પ્રભુ સાથે જોડે છે તે તેની સાથે આત્મામાં એક થાય છે.

18 તેથી વ્યભિચારથી નાસો. અન્ય બીજા જે કઈ પાપ વ્યક્તિ કરે છે તે તેના શરીરની બહાર રહીને કરે છે. પરંતુ જે વ્યક્તિ વ્યભિચાર કરે છે તે તેના પોતાના શરીર વિરુંદ્ધ કરે છે. 19 તમારે જાણવું જોઈએ કે તમારું શરીર તો પવિત્ર આત્માનું મંદિર છે. તમારામાં પવિત્ર આત્માનો વાસ છે. તમને પવિત્ર આત્મા દેવમાંથી પ્રાપ્ત થયેલ છે. તમે પોતે તમારી જાતના ધણી નથી. 20 દેવ દ્વારા તમારું મૂલ્ય ચુકવવામાં આવ્યું છે. તેથી તમારા શરીર દ્વારા દેવને મહિમા આપો.

માર્ક 5:1-20

ઈસુ ભૂત વળગેલા માણસને મુક્ત કરે છે

(માથ. 8:28-34; લૂ. 8:26-39)

ઈસુ અને તેના શિષ્યો સરોવર પાર કરીને ગેરસાની લોકો રહેતા હતા તે પ્રદેશમાં ગયો. જ્યારે ઈસુ હોડીમાંથી નીચે ઉતર્યો ત્યારે જ્યાં મરેલા માણસોને દાટવામાં આવે છે તે ગુફાઓમાંથી એક માણસ તેમની પાસે આવ્યો. આ માણસને ભૂત વળગેલ હતું. તે માણસ કબરસ્તાનની ગુફાઓમાં રહેતો હતો. કોઈ માણસ તેને બાંધી શકતો ન હતો. સાંકળો પણ આ માણસને બાંધી શકતી ન હતી. ઘણી વાર લોકોએ તે માણસના હાથ પગ બાંધવા સાંકળનો ઉપયોગ કર્યો. પણ તે માણસ તેના હાથપગથી સાંકળો તોડી નાખતો. કોઈ માણસ તેને કાબુમાં રાખવા પૂરતો સમર્થન હતો. રાત દિવસ તે માણસ કબરસ્તાનની ગુફાઓની આસપાસ અને ટેકરીઓ પર ચાલતો હતો. તે માણસ ચીસો પાડતો અને પથ્થરોથી પોતાને ઘાયલ કરતો.

જ્યારે ઈસુ ઘણે દૂર હતો ત્યારે તે માણસે તેને જોયો. તે માણસ ઈસુ પાસે દોડી ગયો અને તેની આગળ ઘૂંટણીએ પડ્યો. 7-8 ઈસુએ તે માણસને કહ્યું, “ઓ અશુદ્ધ આત્મા, તે માણસમાંથી બહાર નીકળ.” તેથી તે માણસે મોટા અવાજે ઘાંટો પાડ્યો, “ઈસુ, પરાત્પર દેવના દીકરા, તું મારી પાસે શું ઈચ્છે છે? હું તને દેવના સોગંદ દઉં છું કે, તું મને શિક્ષા નહિ કરે!”

પછી ઈસુએ તે માણસને પૂછયું, “તારું નામ શું છે?”

તે માણસે જવાબ આપ્યો, “મારું નામ સેના છે. કેમ કે મારામાં ઘણા આત્માઓ છે.” 10 તે માણસમાં રહેલા આત્માઓએ ઈસુને વારંવાર વિનંતિ કરી કે તેઓને તે પ્રદેશમાંથી બહાર ન કાઢે.

11 ત્યાં નજીકમાં એક ભૂંડોનું મોટું ટોળું ટેકરીઓની બાજુમાં ચરતું હતું. 12 અશુદ્ધ આત્માઓએ ઈસુને વિનંતી કરી, “અમને ભૂંડોમાં મોકલ, અમને તેઓમાં મોકલ.” 13 તેથી ઈસુએ તેઓને રજા આપી. અશુદ્ધ આત્માઓએ માણસને છોડયો અને તેઓ ભૂંડોમાં ગયા. પછી તે ભૂંડોનું ટોળું ટેકરીઓની કરાડો પરથી ધસી ગયું અને સરોવરમાં પડી ગયું. બધાંજ ભૂંડો ડૂબી ગયાં. તે ટોળામાં લગભગ 2,000 ભૂંડો હતાં.

14 જે માણસો ભૂંડોની સંભાળ રાખવાનું કામ કરતા હતા તે નાસી ગયા. તે માણસો ગામમાં ગયા અને ખેતરોમાં દોડી ગયા. તેઓએ બધાં લોકોને જે બન્યું હતું તે કહ્યું તેથી જે બન્યું હતું તે જોવા માટે તેઓ આવ્યા. 15 લોકો ઈસુ પાસે આવ્યા. તેઓએ ઘણા અશુદ્ધ આત્માઓની સેના વળગેલો માણસ જોયો. તે માણસ બેઠો હતો અને વસ્ત્રો પહેરેલો હતો. તેનું મગજ ફરીથી સ્વસ્થ હતું. લોકો ભયભીત થયા હતા. 16 કેટલાક લોકો ત્યાં હતા અને ઈસુએ જે કર્યું તે જોયું હતું. તે લોકોએ બીજા લોકોને પેલો માણસ જેનામાં દુષ્ટાત્મા હતો તેનું શું થયું તે કહ્યું અને તેઓએ ભૂંડો વિષે પણ કહ્યું. 17 પછી તે લોકો ઈસુને તેમનો પ્રદેશ છોડી જવા વિનંતી કરવા લાગ્યા.

18 ઈસુ હોડીમાં બેસવા જતો હતો. અશુદ્ધ આત્માઓથી મુક્ત થયેલા માણસે ઈસુ સાથે જવા વિનંતી કરી. 19 પણ ઈસુએ તે માણસને સાથે આવવાની ના પાડી. ઈસુએ કહ્યું, “તારે ઘેર તારા સગાંઓ પાસે જા, પ્રભુએ તારા માટે જે બધું કર્યું તે વિષે તેઓને કહે. તેમને જણાવ કે પ્રભુ તારા માટે દયાળુ હતો.”

20 તેથી તે માણસે વિદાય લીધી અને તેના માટે ઈસુએ જે મહાન કાર્યો કર્યા તે વિષે દશનગરમાં લોકોને કહ્યું. બધા લોકો નવાઈ પામ્યા.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International