Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 24

દાઉદનું ગીત.

આ પૃથ્વી યહોવાની છે અને જગતનું સર્વ કાંઇ પણ તેનુંજ છે,
    આ જગત અને જગતમાં રહેનારા સર્વ તેનાંજ છે.
તેમણે સમુદ્રો પર તેમનો પાયો નાખ્યો છે,
    અને તેમણે નદીઓ પર તેને સ્થાપન કર્યુ છે.

યહોવાના પર્વત પર કોણ ચઢી શકશે?
    તેનાં પવિત્રસ્થાનમાં કોણ ઊભો રહી શકશે?
ફકત તેઓ જેમના હાથ શુદ્ધ છે અને હૃદય નિર્મળ છે,
    તેઓએ મારા નામના જૂઠા સમ લીધા નથી,
તેઓ જેમણે ખોટાં વચનો આપ્યાં નથી,
    અને જૂઠ્ઠુ બોલ્યાં નથી. તેઓજ યહોવાના પર્વત પર ચઢી શકશે.

તેઓ યહોવાનો આશીર્વાદ પ્રાપ્ત કરશે,
    અને પોતાના તારણ કરનાર દેવથી તેઓ ન્યાયીપણું પામશે.
તેઓ પેઢીના લોકો છે
    તેઓ યાકૂબના દેવને શોધતાં આવ્યાં છે.

હે પ્રવેશદ્વારો, તમારાં માથા ઊંચા કરો!
    હે પ્રાચીન પ્રવેશદ્વારો,
    ઊઘડી જાઓ ગૌરવવાન રાજા અંદર આવશે!
તે ગૌરવવાન રાજા કોણ છે?
    એ સાર્મથ્યવાન બળવાન યહોવા છે,
    તે યહોવા જે યુદ્ધમાં પરાક્રમી છે.

હે પ્રવેશ દ્વારો, તમારા માથાં ઊંચા કરો.
    અને ગૌરવવાન રાજાને અંદર આવવા દો.
હે પ્રાચીન પ્રવેશદ્વારો, ઉઘડી જાઓ;
    અને ગૌરવવાન રાજા અંદર આવશે!
10 આ ગૌરવવાન રાજા કોણ છે?
    યહોવા આકાશોના સર્વ સૈન્યોનો માલિક અને ગૌરવવાન રાજા છે.

ગીતશાસ્ત્ર 29

દાઉદનું ગીત.

હે પરાક્રમી યહોવાના દૂતો, તમે સૌ તેમની સ્તુતિ કરો;
    તેમના ગૌરવ અને સાર્મથ્ય માટે સૌ યહોવાની સ્તુતિ કરો.
યહોવાના ગૌરવ માટે સ્તુતિ કરો.
    યહોવાના ભવ્ય નામ માટે તમે ગાઓ તમારા પવિત્ર વસ્રો
પહેરીને આવો અને તેમની ઉપાસના કરો,
    આવો અને તેમનું ભજન કરો.
યહોવાનો સાદ સમુદ્રો પર ગાજે છે;
    ગૌરવવાન દેવ મહાસાગર પર ગર્જના કરે છે.
યહોવાનો સાદ તેમની શકિત નિરૂપે છે,
    યહોવાનો સાદ તેમનો મહિમા નિરૂપે છે.
યહોવાના સાદથી ગંધતરુઓ ભાંગી ગયા છે.
    લબાનોનનાં વિશાળ ગંધતરુઓ યહોવા તોડે છે.
યહોવા હેમોર્ન પર્વતને અને લબાનોનનાં પર્વતોને, ધ્રુજાવે છે.
    તે તેમને વાંછરડાની જેમ કૂદાવે છે.
યહોવાનો સાદ વીજળીઓને ભેદી અને ગર્જના કરે છે.
યહોવાના સાદના પડઘા રણને,
    અને કાદેશના રણને ધ્રુજાવે છે.
યહોવાનો સાદ દેવદારના વૃક્ષોને ધ્રુજાવે છે
    અને બધા ઉપાસના કરનારાઓ તેના મંદિરમાં સ્તુતિ કરે છે.
“યહોવાનો મહિમા થાય.”

10 યહોવા જળપ્રલય સમયે સત્તાસ્થાને ત્યાં બિરાજમાન થયા હતા;
    અને યહોવા સર્વકાળ રાજા તરીકે બિરાજમાન થનાર છે.
11 યહોવા પોતાના લોકોને સાર્મથ્ય આપશે,
    અને તેઓને શાંતિનો આશીર્વાદ આપશે.

ગીતશાસ્ત્ર 8

નિર્દેશક માટે, ગિત્તીથ સાથે ગાવાનું દાઉદનું ગીત.

હે યહોવા, અમારા દેવ, સમગ્ર પૃથ્વી પર તમારું નામ ઉત્તમ છે.
    અને તમારો મહિમા આકાશમાં ભરપૂર છે.

નવજાતો અને બાળકોના મુખમાંથી તમારી સ્તુતિની ગાથાઓ પ્રગટી છે.
    તમારા શત્રુઓને ચૂપ કરી દેવા માટે તમે તેમને આ શકિતશાળી ગીતો આપ્યા છે.
હે યહોવા, જ્યારે રાત્રે હું આકાશદર્શન કરું છું.
    અને ચંદ્ર તથા તારાઓથી ભર્યું નભ નિહાળું છું,
    ત્યારે તમારા હાથનાં અદ્ભૂત કૃત્યો વિષે હું વિચારું છું.
પછી મને આશ્ચર્ય થાય છે,
    કે માનવજાત શું છે,
જેનું તમે સ્મરણ કરો છો?
    માણસો તે કોણ છે કે તેઓની તમે મુલાકાત લો છો?

કારણ, તમે એને દેવ કરતાં થોડોજ ઊતરતો સૃજ્યો છે,
    અને તેના માથા પર મહિમા ને માનનો મુગટ મૂકયો છે.
તમે જ તેને, તમે ઉત્પન્ન કરેલી સૃષ્ટિનો અધિકાર આપ્યો છે
    અને તે સઘળી સૃષ્ટિનો તમે તેને કારભારી બનાવ્યો છે.
એટલે સર્વ ઘેટાં તથા બળદો, અને જંગલી પ્રાણીઓનો પણ.
વળી આકાશનાં પક્ષીઓ,
    સમુદ્રમાં રહેતા માછલાં તથા જીવોનો પણ.
હે યહોવા, અમારા પ્રભુ, સમગ્ર વિશ્વમાં તમારું નામ સૌથી મહાન છે.

ગીતશાસ્ત્ર 84

નિર્દેશક માટે. ગિત્તિથ સાથે ગાવા માટે કોરાહના કુટુંબનું સ્તુતિગીત.

હે સૈન્યોનાં યહોવા, તમારું નિવાસસ્થાન કેવું સોહામણું છે!
તમારા આંગણામાં આવવા માટે
    મારો આત્મા ખૂબ ઉત્સુક છે;
જીવતા જાગતા યહોવા દેવ માટે મારું હૃદય તથા મારો દેહ હર્ષનાદ કરશે.
હે સૈન્યોના યહોવા, મારા રાજા તથા મારા દેવ,
    ચકલીઓને પોતાનું રહેવાનું સ્થાન
તથા અબાબીલને પોતાનાં બચ્ચાં રાખવા માળો બાંધવા
    તમારી વેદીની પાસે જ છે તે સ્થાન મળ્યું છે.
તમારા ઘરમાં વસનારાઓને ધન્ય છે;
    તેઓ સદા તમારા સ્તુતિગીત ગાશે.

જેઓ યહોવામાં બળવાન, અને જેઓનાં હૃદય
    તમારા માર્ગો માટે ઉત્સુક છે, તેઓને ધન્ય છે.
તેઓ બાકાની ખીણમાંથી યાત્રા કરે છે.
    જેને દેવે પાણીના ઝરા જેવી બનાવી છે.
    પાનખર ઋતુંની વર્ષા પાણીનો ઝરો બનાવે છે.[a]
તેઓ વધારે ને વધારે સાર્મથ્યવાન, થતાઁ આગળ વધે છે;
    તેઓમાંનો દરેક જણ સિયોનમાં, દેવ સમક્ષ હાજર થાય છે.

હે સૈન્યોના દેવ યહોવા; મારી પ્રાર્થના સાંભળો;
    હે યાકૂબના દેવ, મને ધ્યાનથી સાંભળો.

હે દેવ, અમારી ઢાલને જુઓ;
    તમે જેને રાજા તરીકે અભિષિકત કર્યા છે, તેમના પર કૃપાષ્ટિ કરો.
10 કારણ, અન્યસ્થળનાં હજાર દિવસ કરતાં
    તારા આંગણામાંનો એક દિવસ શ્રેષ્ઠ છે,
દુષ્ટોના તંબુમાં રહેવુ તે કરતાં મારા દેવના મંદિરમાં દરવાન થવું,
    તે મને વધારે પસંદ છે.
11 કારણ કે યહોવા દેવ સૂર્ય તથા ઢાલ છે,
    યહોવા કૃપા તથા ગૌરવ આપશે;
ન્યાયથી વર્તનારને માટે તે કંઇ
    પણ શ્રેષ્ઠ બાબત બાકી રાખશે નહિ.
12 હે સૈન્યોના યહોવા, તેને ધન્ય છે;
    જે રાખે છે ભરોસો તમારા ઉપર.

યર્મિયા 1:1-10

બિન્યામીન પ્રદેશના અનાથોથ ગામના યાજક કુળસમૂહના હિલ્કિયાના પુત્ર યર્મિયા પાસે દેવ તરફથી આવેલા આ યહોવાના વચન છે: યહૂદિયાના રાજા આમોનના પુત્ર યોશિયાના રાજ્યમાં તેરમે વર્ષે તેને યહોવાની વાણી સંભળાઇ; વળી યોશિયાના પુત્ર યહોયાકીમના રાજ્યશાસન દરમ્યાન તેમ જ તે પછી યોશિયાના પુત્ર સિદકિયાના રાજ્યના અગિયારમા વર્ષ સુધી એ સંભળાતી રહી. એ વર્ષના પાંચમા મહિનામાં યરૂશાલેમના લોકોને દેશનિકાલ કરવામાં આવ્યા.

યર્મિયાને દેવ તરફથી હાકલ

યહોવાએ મને કહ્યું:

“તને ગર્ભમાં ઘડ્યો તે પહેલાં
    મેં તને પસંદ કર્યો હતો;
તું જન્મ્યો તે પહેલાં
    મેં તને આ કામ માટે પવિત્ર કર્યો હતો,
    આ તો પ્રજાઓના પ્રબોધક થવા માટે મેં તને નીમ્યો હતો.”

મેં કહ્યું, “હે પ્રભુ યહોવા! હું તેમ કરી શકું તેમ નથી, મને બોલતા તો આવડતું નથી, હું તો હજી નાની વયનો બાળક છું!”

પરંતુ યહોવાએ કહ્યું,

“હું બાળક છું, ‘એવું કહીશ નહિ.’
    કારણ કે હું તને જે બધા લોકો પાસે મોકલું ત્યાં તારે જવાનું જ છે,
    અને હું જે કઇં તને કહું તે તારે તેમને જરૂર કહેવું પડશે.
તે લોકોથી બીશ નહિ, કારણ,
    હું તારી જોડે રહી તારું રક્ષણ કરીશ.”
આ યહોવાના વચન છે.

પછી યહોવાએ પોતાનો હાથ લંબાવીને મારા મોંને સ્પર્શ કર્યો અને મને કહ્યું,

“જો મેં મારાં વચનો તારા મુખમાં મૂક્યાં છે!
10 આજે હું તને પ્રજાઓ અને રાજ્યો પર સત્તા આપું છું,
    તારે તોડી પાડવાનું અને ઉખેડી નાખવાનું છે,
વિનાશ કરવાનું અને ઉથલાવી નાખવાનું છે,
    બાંધવાનું અને રોપવાનું છે.”

1 કરિંથીઓ 3:11-23

11 પાયાનું તો ક્યારનું ય ચણતર થઈ યૂક્યું છે. કોઈ પણ વ્યક્તિ બીજો પાયો બનાવી શકે નહિ. પાયો કે જે ક્યારનો ય ચણાઈ ચૂક્યો છે તે ઈસુ ખ્રિસ્ત છે. 12 તે પાયા પર વ્યક્તિ સોનું, ચાંદી, સમૂલ્ય પથ્થર, લાકડું ઘાસ કે પરાળ વગેરેનો ઉપયોગ કરીને બાંધકામ કરી શકે. 13 પરંતુ પ્રત્યેક વ્યક્તિ જે કામ કરશે તે સ્પષ્ટપણે દેખાશે કારણ કે તે દિવસ તેને પ્રગટ કરશે. તે દિવસ[a] અગ્રિની જવાળાઓ સહિત પ્રગટ થશે અને અગ્રિ પ્રત્યેક વ્યક્તિના કાર્યને પારખશે. 14 જો કોઈ પણ વ્યક્તિનું મકાન તેના પાયા પર ટકશે તો તે વ્યક્તિને તેનો બદલો મળશે. 15 પરંતુ જો તે વ્યક્તિનું મકાન આગમાં બળી જશે તો તેને નુકશાન ભોગવવું પડશે. તે વ્યક્તિ બચી તો જશે પરંતુ તે અજ્ઞિમાંથી તેની જાતને બચાવ્યા જેવું હશે.

16 તમારે જાણવું જોઈએ કે તમે પોતે જ દેવનું મંદિર છો. દેવનો આત્મા તમારામાં નિવાસ કરે છે. 17 જો કોઈ પણ વ્યક્તિ દેવના મંદિરનો વિનાશ કરશે તો દેવ તે વ્યક્તિનો વિનાશ કરશે. શા માટે? કારણ કે દેવનું મંદિર પવિત્ર છે. તમે પોતે જ દેવનું મંદિર છો.

18 તમારી જાતને મૂર્ખ ન બનાવો. જો તમારામાંનો કોઈ એમ વિચારે કે દુનિયામાં તે જ્ઞાની છે, તો તેણે જ્ઞાની થવા મૂર્ખ બનવું. પછી જ તે વ્યક્તિ વાસ્તવમાં જ્ઞાની બની શકશે. 19 શા માટે? કારણ કે આ દુનિયાનું જ્ઞાન તો દેવ માટે મૂર્ખતા સમાન છે કારણ કે તે શાસ્ત્રલેખમાં લખેલ છે કે, “તે જ્ઞાની માણસોને જ્યારે તેઓ પ્રપંચો કરે છે, ત્યારે પકડે છે.”(A) 20 શાસ્ત્રલેખોમાં તો આવું પણ લખેલું છે કે, “પ્રભુ જ્ઞાની માણસોને વિચારોને જાણે છે. તે એમ પણ જાણે છે કે તેમના વિચારોનું કશું જ મૂલ્ય નથી.”(B) 21 તેથી તમારે માણસો વિષે બડાશ મારવી જાઈએ નહિ. દરેક વસ્તુઓ તમારી જ છે. 22 પાઉલ, અપોલોસ અને કેફા: વિશ્વ, જીવન, મૃત્યુ, વર્તમાન તેમજ ભવિષ્ય-આ બધી જ વસ્તુઓ તમારી છે. 23 અને તમે ખ્રિસ્તના છો અને ખ્રિસ્ત દેવનો છે.

માર્ક 3:31-4:9

ઈસુના શિષ્યો એજ તેનો સાચો પરિવાર

(માથ. 12:46-50; લૂ. 8:19-21)

31 પછી ઈસુની મા અને તેના ભાઈઓ આવ્યાં. તેઓએ બહાર ઉભાં રહીને ઈસુને બહાર આવવાનું કહેવા માટે એક માણસને મોકલ્યો. 32 ઈસુની આજુબાજુ ઘણા બધા લોકો બેઠા હતા. તેઓએ તેને કહ્યું, “તારી મા અને તારા ભાઈઓ બહાર તારા માટે રાહ જુએ છે.”

33 ઈસુએ પૂછયું “મારી મા કોણ છે? મારા ભાઈઓ કોણ છે?” 34 પછી ઈસુએ તેની આજુબાજુ બેઠેલા લોકો તરફ જોયું. તેણે કહ્યું, “આ લોકો મારી મા અને ભાઈઓ છે! 35 મારા સાચા ભાઈ અને બહેન અને મા એ લોકો છે જે દેવની ઈચ્છા પ્રમાણે કરે છે.”

બી વાવનાર એક ખેડૂત વિષેની વાર્તા

(માથ. 13:1-9; લૂ. 8:4-8)

બીજી એક વખત ઈસુએ સરોવરની બાજુમાં ઉપદેશ શરૂ કર્યો. ઘણા બધા લોકો ઈસુની આજુબાજુ ભેગા થયા. તેથી તે હોડીમાં ચઢ્યો અને ત્યાં બેઠો. બધા જ લોકો પાણીની બાાજુમાં સમુદ્રને કાંઠે રહ્યાં. ઈસુએ હોડીમાંથી જ લોકોને ઉપદેશ આપ્યો. ઈસુએ તેઓને શીખવવા માટે ઘણી વાર્તાઓનો ઉપયોગ કર્યો. તેણે કહ્યું:

“ધ્યાનથી સાંભળો! એક ખેડૂત તેના બી વાવવા માટે બહાર નીકળ્યો. જ્યારે ખેડૂત વાવતો હતો, કેટલાંક બી રસ્તાની બાજુએ પડ્યા. પક્ષીઓ આવ્યાં અને પેલાં બધા બી ખાઈ ગયાં. કેટલાંક બી ખડકાળ જમીન પર પડ્યાં. જ્યાં પૂરતી માટી ન હતી. ત્યાં બી ઘણા ઝડપથી ઊગ્યાં કારણ કે જમીન બહુ ઊંડી ન હતી. પણ સુર્ય ઊગ્યો ત્યારે તે છોડ કરમાઇ ગયો હતો. તે અંતે સુકાઇ ગયો. કારણ કે તેને ઊંડા મૂળિયાં ન હતા. બીજા કેટલાંક બી કાંટાળા જાળાંમા પડ્યાં. કાંટાના જાળાંએ સારા છોડને ઉગતાં અટકાવ્યા. તેથી તે છોડોએ ફળ ન આપ્યું. કેટલાંક બીજા બી સારી જમાન પર પડ્યાં. સારી જમીનમાં તે બી ઊગવા માંડ્યાં. તે ઊગ્યા અને ફળ આપ્યાં. કેટલાક છોડે ત્રીસગણાં, કેટલાક છોડોએ સાઠગણાં અને કેટલાક છોડોએ સોગણાં ફળ આપ્યાં.”

પછી ઈસુએ કહ્યું, “તમે લોકો જે મને સાંભળો છો, ધ્યાનથી સાંભળો!”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International