Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 72

સુલેમાનનું ગીત.

હે દેવ, તમે રાજાને ન્યાય કરવા માટે તમારા જ્ઞાન અને અધિકાર આપો,
    અને રાજાનાં પુત્રોને તમારું ન્યાયીપણું આપો.
તેઓ તમારા લોકોનો નિષ્પક્ષતાથી ન્યાય કરશે.
    તમારાં ગરીબ લોકોને તેઓ ન્યાય કરશે.
પર્વતો અને ડુંગરો ન્યાયીપણે લોકો માટે શાંતિ,
    આબાદી ને સમૃદ્ધિ લાવશે.
તે લોકોમાં ન્યાય કરશે દીનદુ:ખીઓનો, દરિદ્રીઓનાં દીકરાઓનો ઉદ્ધાર કરશે;
    અને જુલમગાર પાપીઓને કચડી નાખશે.
તે લોકો, તેઓની પેઢી દર પેઢી આકાશમાં સૂર્ય
    અને ચંદ્ર રહે ત્યાં સુધી બીહો અને રાજાને માન આપો.
જેમ ખેતરો પર વરસાદ પડે છે,
    વરસાદનાં ઝાપટાં જમીન પર પડે છે તેમ રાજા રહે.
તેના શાસનકાળમા ન્યાયીઓની આબાદી થશે,
    અને જ્યાં સુધી ચંદ્ર રહેશે શાંતિ ટકી રહેશે.
વળી તે સમુદ્રથી સમુદ્ર સુધી
    અને યુફ્રેતિસ નદીથી પૃથ્વીના છેડા સુધી તે રાજ કરશે.
તેની સમક્ષ રણવાસીઓ નમશે,
    અને તેનાં સર્વ શત્રુઓ ધૂળ ચાટશે.
10 તાશીર્શના રાજાઓ, અને ભૂમધ્ય સમુદ્રના કિનારાના રાજાઓ,
    તેમના માટે ભેટો લાવશે અને શેબાના રાજાઓ તેમની ખંડણી તેઓ પાસે લાવશે.
11 સર્વ રાજાઓ તેને નમન કરશે,
    અને સર્વ રાષ્ટ્રો તેની સેવા કરશે.
12 કારણકે તે ગરીબ અને જરુરીયાતવાળા લોકોને બચાવે છે જે તેમને મદદ માટે પોકારે છે,
    પણ જેમનો કોઇ મદદગાર નથી, તેમને તે બચાવે છે.
13 તે લાચાર તથા દરિદ્રીઓ ઉપર દયા બતાવશે,
    અને દરિદ્રીઓના આત્માનું તારણ કરશે.
14 તે તેઓનાં આત્માઓને જુલમ અને હિંસાથી છોડાવશે;
    તેઓની નજરોમાં તેઓનું રકત મૂલ્યવાન છે.
15 શેબાનું સોનું તેમને આપવામાં આવશે,
    રાજા ઘણું લાંબુ જીવો!
તેમના માટે નિત્ય પ્રાર્થનાઓ થશે;
    ધન્યવાદ આપશે સર્વ લોકો સદા તેને.
16 દેશમાં પર્વતોનાં શીખરો પર
    પુષ્કળ ધાન્યનાં ઢગલાં થશે,
તેનાં ફળ લબાનોનનાં ફળ જેવાં થાઓ,
    ઘાસની જેમ વધશે નગરનાં રહેવાસીઓ.
17 તેમનાં નામનો સર્વકાળ આદર કરવામાં આવશે;
    અને તેમનું નામ સૂર્ય તપે ત્યાં સુધી ટકશે;
તેમનાથી સર્વ લોકો આશીર્વાદ પામશે;
    તેમને દેશનાં સર્વ લોકો ધન્યવાદ આપશે.

18 ઇસ્રાએલના દેવને, યહોવા દેવને ધન્ય હોજો;
    એકલા તેઓ જ આશ્ચર્યકારક કર્મો કરે છે.
19 તેમનાં મહિમાવંત નામની સર્વદા
    સ્તુતિ થાઓ! સમગ્ર પૃથ્વી તેમનાં મહિમાથી ભરપૂર થાઓ!
આમીન તથા આમીન!

20 યશાઇના પુત્ર દાઉદની પ્રાર્થનાઓ અહીં પૂર્ણ થાય છે.

ગીતશાસ્ત્ર 119:73-96

યોદ

73 તમે તમારા હાથેથી જ મને ઘડ્યો છે અને બનાવ્યો છે;
    તમારી આજ્ઞાઓ શીખવો;
    અને તેનું પાલન કરવાની સમજ આપો.
74 તમારો ભય રાખનારા, મને જોઇને આનંદ પામશે;
    કારણ મેં તમારી અને તમારા વચનોની આશા રાખી છે.
75 હે યહોવા, હું જાણું છું કે તમે આપો છો તે વચનો સાચા અને ન્યાયી હોય છે.
    અને મને પીડા આપવાનું તમારા માટે ન્યાયી હતું.
76 તમારા વચન પ્રમાણે તમારા સેવકને
    તમારી કૃપાથી આશ્વાસન ને પ્રેમ મળો.
77 હું જીવતો રહું તે માટે તમારી દયા મારી પાસે આવવા દો,
    તમારો નિયમ એ જ મારો આનંદ છે.
78 ભલે અભિમાનીઓ લજ્જા પામો, તેઓ મારા વિષે જૂઠું બોલ્યા છે
    અને ખોટી રીતે મારા પર આક્ષેપ કર્યા છે.
    છતાં હું તો તમારા શાસનોનું મનન કરું છું.
79 ભલે તમારા ભકતો, જેઓ તમારો આદર કરે છે
    અને જેમને તમારા સાક્ષ્યો વિષે જ્ઞાન છે;
    તેઓ મારી પાસે આવો.
80 તમારા નિયમોથી આધીનતામાં મારું હૃદય નિર્દોષ શુદ્ધ રહો;
    તમારી દરેક ઇચ્છાને ચાહવામાં મારી સહાય કરો;
    જેથી મારે પોતાના વિષે લજવાવું ન પડે.

કાફ

81 મારો જીવ તમારા તારણ માટે વ્યથિત છે.
    પણ હું તમારા વચનની આશા રાખું છું.
82 તમે જે બાબતો માટે વચન આપેલું તેના માટે રાહ જોવાનું મેં ચાલુ રાખ્યું છે.
    જેને કારણે મારી આંખો નબળી થઇ રહી છે.
    તમે મને ક્યારે આશ્વાસન આપશો?
83 હું કચરાના ઢગલા પર પડેલી સૂકાયેલા ચામડાની કોથળી જેવો થઇ ગયો છું,
    પણ હું તમારા નિયમોને ભૂલતો નથી.
84 કેટલા દિવસ છે તારા સેવકના?
    તમે મને સતાવનારાઓનો ન્યાય ક્યારે કરશો?
85 જે ગવિર્ષ્ઠો તમારા નિયમો પ્રમાણે નથી વર્તતા;
    તેઓએ ખાડા ખોદ્યા છે મારા માટે.
86 તેઓ વિનાકારણ મને ત્રાસ આપે છે.
    તમે મને મદદ કરો, તમારી સર્વ આજ્ઞાઓ ભરોસાપાત્ર છે.
87 તેઓએ લગભગ મને મારી નાખ્યો,
    છતાં મેં તમારા શાસનોનું પાલન કરવાનું છોડ્યું નહિ.
88 તમારી કૃપા પ્રમાણે તમે મને જીવાડો;
    એટલે હું તમારા મુખની શિખામણ પાળીશ.

લામેદ

89 હે યહોવા, તમારું વચન આકાશમાં સદાકાળ સ્થિર છે.
90 તમારું વિશ્વાસપણું પેઢી દરપેઢી કાયમ રહે છે;
    તમે જ ધરતી સ્થાપી છે અને તે નભી રહી છે.
91 તમારા ન્યાયી વચનને કારણે દરેક વસ્તુ આજની સુધી અસ્તિત્વ ધરાવે છે; કારણ,
    તે સર્વ તમારા સેવકો છે.
92 જો મેં આનંદ માણ્યો ન હોત તમારા નિયમમાં;
    તો હું મારા દુ:ખમાંજ નાશ પામ્યો હોત.
93 હું કદી ભૂલીશ નહિ તમારા શાસનોને,
    કારણકે તમે મને તેઓથીજ જિવાડ્યો છે.
94 હું તમારો છું; મારું રક્ષણ કરો; કારણ,
    મેં સદા તમારા શાસનોને શોધ્યા છે.
95 દુષ્ટો મારો નાશ કરવાનો લાગ જોઇ રહ્યા છે;
    છતાં હું શાંત રહીને તમારાં વચનોમાં ધ્યાન રાખીશ.
96 મેં જોયું છે કે પ્રત્યેક વસ્તુઓને તેની પોતાની સીમાઓ હોય છે,
    પરંતુ તમારી આજ્ઞાની તો સીમા જ નથી.

યશાયા 54

ઇસ્રાએલ પ્રત્યે યહોવાનો પ્રેમ

54 “હે સંતાનવિહોણી, વાંઝણી સ્ત્રી સમી યરૂશાલેમ નગરી,
    તું મુકત કંઠે ગીત ગા,
    આનંદના પોકાર કર;

“કારણ, યહોવાના આશીર્વચન છે કે,
    સોહાગણ સ્ત્રી કરતાં ત્યકતાને વધારે સંતાન અવતરશે.”

“તારો તંબુ વિશાળ બનાવ,
    તારા તંબુના પડદા પહોળા કર,
    તેની દોરી ઠેઠ સુધી લંબાવ
અને ખીલા બરાબર ઠોકી દે;
    કારણ કે તું તારી સરહદો ચારે બાજુએ વિસ્તારીશ.
તારા વંશજો બીજી પ્રજાઓના તાબા હેઠળના પ્રદેશો કબજો કરશે
    અને વેરાન નગરોને વસતાં કરશે.
ગભરાઇશ નહિ;
    તારે ફરી શરમાવું નહિ પડે,
તારે શરમાવાનું હવે કોઇ કારણ નહિ રહે.
    તારી યુવાવસ્થાની શરમ
અને તારા વૈધવ્યનાં દુ:ખને હવેથી
    સંભારવામાં આવશે નહિ.
કારણ કે તારા સર્જનહાર જ તારા ‘પતિ’ થશે.
    ‘સૈન્યોના દેવ યહોવા’ તેમનું નામ છે;
ઇસ્રાએલના પવિત્ર દેવ
    અને સમગ્ર પૃથ્વીના યહોવા, તારા ઉદ્ધારક છે.

“તું દુ:ખમાં ડૂબેલી ત્યકતા જેવી છે.
    તારા દેવ, યહોવા,
    તને પાછી બોલાવીને કહે છે કે,
જુવાનીમાં જેનો હાથ પકડ્યો હતો
    તેને શી રીતે તજી શકાય?”
યહોવા કહે છે, “મેં ક્ષણવાર માટે તારો ત્યાગ કર્યો હતો.
    પણ હવે પુષ્કળ સહાનુભૂતિથી હું તને પાછી લાવીશ.
ક્રોધના આવેશમાં ક્ષણભર મેં તારાથી મોં ફેરવ્યું હતું.
    પણ હવે ચિરંતન કરુણાથી પ્રેરાઇને હું તારા પર દયા કરીશ.”
    એમ તારો ઉદ્ધાર કરનાર યહોવા કહે છે.

દેવ કહે છે, “આ તો નૂહના વખતના જેવું છે,
    જેમ તે વખતે મેં પ્રતિજ્ઞા કરી હતી કે,
હું ફરી કદી પૃથ્વી ઉપર જળપ્રલય નહિ લાવું.
    તેમ આજે હું તને વચન આપું છું કે,
ફરી કદી હું તારા પર ગુસ્સો કરીશ નહીં,
    કે તને ઠપકો દઇશ નહિ.”

10 યહોવા કહે છે, “ભલે પર્વતો ખસી જાય
    અને ડુંગરોનું અસ્તિત્વ નાશ પામે,
પણ મારી ભલાઇ હંમેશા તમારી સાથે રહેશે.
    તમારી સાથે કરેલો મારો શાંતિનો કરાર
    કદી ખંડિત થશે નહિ.”
એમ તમારા પર દયા કરનાર યહોવા કહે છે.

11 “હે દુ:ખી, ઝંઝાવાતની થપાટો ખાતી
    દિલાસા વિહોણી નગરી!
હું તને નીલમના પાયા ઉપર ફરીથી ચણી લઇશ
    અને મૂલ્યવાન પથ્થરોમાંથી
    તમારા ઘરની ભીંતો બનાવીશ.
12 તારા બુરજો માણેકના બંધાવીશ, તારા દરવાજા લાલ પથ્થરના
    અને તારો આખો કોટ રત્નોનો બનાવીશ.
13 તારાં બધાં સંતાનો મારા પોતાના શિષ્યો બનશે,
    અને તેઓ સુખશાંતિ અનુભવશે;
14 પ્રામાણિકતાથી તારી પ્રતિષ્ઠા થશે.
    ત્રાસ તારાથી દૂર રહેશે
અને તને કશાનો ડર રહેશે નહિ.
    તું ત્રાસથી સદંતર મુકત રહેશે.
15 જો કોઇ પ્રજા તારી વિરુદ્ધ યુદ્ધ કરવા આવે, તો તને શિક્ષા કરવાના હેતુથી હું તેઓને તારી પાસે મોકલીશ નહિ.
    જો તેઓ યુદ્ધ કરશે, તો પણ તેઓનો નાશ કરવામાં આવશે કેમ કે હું તારા પક્ષમાં છું.

16 “ભઠ્ઠીમાં અંગારાને વીંઝણા નાખનાર અને જુદાંજુદાં કામ માટે હથિયારો ઘડનારા લુહારનો સર્જનહાર હું છું, બધું નાશ કરનારા ‘સંહારકને’ પેદા કરનાર પણ હું જ છું.

17 “પરંતુ હવે તારી વિરુદ્ધ વાપરવા માટે બનાવેલ કોઇ પણ હથિયાર કામ આવશે નહિ, અને ન્યાયલયમાં તારી સામેના એકેએક આરોપને હું ખોટા પાડીશ, તને ન્યાય મળશે.

“મારા સેવકોનો આ વારસો છે, હું તેમને વિજય અપાવીશ,” આ યહોવાના વચન છે.

ગલાતીઓ 4:21-31

હાગાર અને સારાનું દૃષ્ટાંત

21 તમારામાંના ઘણા હજુ પણ મૂસાના નિયમ નીચે રહેવા માંગે છે. મને કહો, તમને ખબર છે કે નિયમ શું કહે છે? 22 પવિત્રશાસ્ત્ર કહે છે કે ઈબ્રાહિમને બે પુત્રો હતા. એક પુત્રની મા ગુલામ સ્ત્રી હતી. બીજા પુત્રની મા મુક્ત સ્ત્રી હતી. 23 ગુલામ સ્ત્રીથી ઈબ્રાહિમનો પુત્ર માનવ જન્મે તેવી કુદરતી રીતે જન્મેલો હતો. પરંતુ મુક્ત સ્ત્રીથી જન્મેલો પુત્ર દેવે ઈબ્રાહિમને વચન આપેલું તેના થકી જન્મેલો.

24 આ સાચી વાર્તા આપણે માટે એક ચિત્ર ઊભું કરે છે. બે સ્ત્રી, દેવ અને માણસ વચ્ચેના બે કરાર જેવી છે. એક કરાર જે દેવે સિનાઈ પર્વત[a] પર સર્જયો. જે લોકો આ કરાર નીચે છે તેઓ ગુલામ જેવા છે. મા કે જેનું નામ હાગાર હતું તે આ કરાર જેવી છે. 25 તેથી હાગાર તે અરબસ્તાનમાંના સિનાઈ પર્વત જેવી છે. તે યહૂદિઓની દુન્યવી નગરી યરૂશાલેમનું ચિત્ર છે. આ નગરી ગુલામ છે અને તેના બધા લોકો નિયમના ગુલામ છે. 26 પરંતુ સ્વર્ગીય યરૂશાલેમ જે ઉપર છે તે મુક્ત સ્ત્રી જેવું છે. આ આપણી માતા છે. 27 પવિત્ર શાસ્ત્રમાં લખ્યું છે:

“સ્ત્રી કે જે બાળકોને જન્મ નથી આપી શક્તી, તે તું આનંદ કર.
    તેં કદી જન્મ આપ્યો નથી.
આનંદથી પોકાર અને હર્ષનાદ કર!
    પ્રસુતિની પીડાનો તેં કદી અનુભવ કર્યો નથી.
સ્ત્રી જે એકલી મુકાયેલી છે તેને વધુ બાળકો
    હશે જે સ્ત્રીને પતિ છે તેના કરતાં પણ વધારે.” (A)

28-29 ઈબ્રાહિમનો એક પુત્ર કુદરતી રીતે જન્મ્યો હતો. ઈબ્રાહિમનો બીજો પુત્ર (ઈસહાક) આત્માની શક્તિથી જન્મ્યો હતો. તે જન્મ્યો હતો દેવના વચનને કારણે. મારા ભાઈઓ અને બહેનો, તમે પણ તે વખતે જેમ ઈસહાક હતો તેમ વચન થકી જન્મેલા બાળકો છો. જે કુદરતી રીતે જન્મેલો તે પુત્રએ બીજા પુત્ર સાથે ર્દુવ્યવહાર કર્યો. આજે પણ તેવું જ છે. 30 પરતું પવિત્રશાસ્ત્ર શું કહે છે? “ગુલામ સ્ત્રી અને તેના પુત્રને કાઢી મૂક! મુક્ત સ્ત્રીનો પુત્ર તેના પિતા પાસે છે તે બધું જ મેળવશે. પરંતુ ગુલામ સ્ત્રીના પુત્રને કશું જ મળશે નહિ.”(B) 31 તો મારા ભાઈઓ અને બહેનો, આપણે ગુલામ સ્ત્રીના સંતાન નથી. આપણે મુક્ત સ્ત્રીના સંતાન છીએ.

માર્ક 8:11-26

ઈસુની કસોટી કરવાનો ફરોશીઓનો પ્રયત્ન

(માથ. 16:1-4; લૂ. 11:16, 29)

11 ફરોશીઓ ઈસુ પાસે આવ્યા અને તેને પ્રશ્રો પૂછયા. તેઓ ઈસુની પરીક્ષા કરવા ઈચ્છતા હતા. તેથી તેઓએ ઈસુને આકાશમાંથી નિશાની માગીને તે દેવ તરફથી આવ્યો હતો તે બતાવવા કહ્યું. 12 ઈસુએ નિસાસો નાખ્યો. તેણે કહ્યું, “તમે લોકો શા માટે સાબિતી નિશાની તરીકે માગો છો? હું તમને સત્ય કહું છું. તેના જેવી કોઈ નિશાની તમને આપવામાં આવશે નહિ.” 13 પછી ઈસુ ફરોશીઓને છોડીને હોડીમાં બેસીને પેલે પાર ગયો.

ઈસુની યહૂદિ આગેવાનો વિરૂદ્ધ ચેતવણી

(માથ. 16:5-12)

14 તે શિષ્યો પાસે હોડીમાં તેઓની પાસે ફક્ત રોટલીનો એક ટુકડો હતો. તેઓ વધારે રોટલી લાવવાનું ભૂલી ગયા. 15 ઈસુએ તેમને ચેતવણી આપી, “સાવધાન રહો! ફરોશીઓના ખમીર અને હેરોદના ખમીરથી સાવધ રહો.”

16 શિષ્યોએ આના અર્થની ચર્ચા કરી. તેઓએ કહ્યું, “તેણે આ કહ્યું કારણ કે આપણી પાસે રોટલી નથી.”

17 ઈસુએ જાણ્યું કે તે શિષ્યો આના વિષે વાતો કરતા હતા. તેથી ઈસુએ તેઓને પૂછયું, “શા માટે તમે રોટલી નહિ હોવા વિષે વાત કરો છો? તમે હજુ પણ જોઈ શકતા નથી કે સમજી શકતા નથી? શું તમે સમજવા શક્તિમાન નથી? 18 શું તમારી પાસે જે આંખો છે તે આ જોઈ શકતી નથી? શું તમારી પાસે જે કાન છે તે સાંભળી શક્તા નથી? યાદ કરો મેં અગાઉ શું કર્યું હતુ. જ્યારે આપણી પાસે પૂરતી રોટલી ન હતી. 19 મેં પાંચ રોટલીમાંથી 5,000 લોકોને જમાડ્યા હતા. યાદ કરો કે તમે નહિ ખવાયેલા ખોરાકના ટુકડાઓ વડે કેટલી ટોપલીઓ ભરી હતી?”

તે શિષ્યોએ ઉત્તર આપ્યો, “અમે બાર ટોપલીઓ ભરી હતી.”

20 “અને યાદ કરો કે મેં સાત રોટલીમાંથી 4,000 લોકોને જમાડ્યા હતા. યાદ કરો તમે નહિ ખવાયેલા ખોરાકના ટુકડાઓથી તમે કેટલી ટોપલીઓ ભરી હતી?”

તે શિષ્યોએ ઉત્તર આપ્યો, “અમે સાત ટોપલીઓ ભરી હતી.”

21 પછી ઈસુએ તેઓને કહ્યું, “મેં જે કર્યુ તે બધું તમે યાદ કરો છો, પણ હજુ તમે સમજી શકતા નથી?”

ઈસુનું બેથસૈદામાં આંધળા માણસને સાજા કરવું

22 ઈસુ અને તેના શિષ્યો બેથસૈદામાં આવ્યા. કેટલાએક લોકો એક આંધળા માણસને ઈસુ પાસે લાવ્યા. તેઓએ તે માણસને સ્પર્શ કરવા ઈસુને વિનંતી કરી. 23 તેથી ઈસુએ તે આંધળા માણસનો હાથ પકડ્યો અને તેને ગામની બહાર દોરી ગયા. પછી ઈસુ તે માણસની આંખો પર થૂંક્યો. ઈસુએ તેના હાથ આંધળા માણસ પર મૂક્યા અને તેને કહ્યું, “હવે તું જોઈ શકે છે?”

24 આંધળા માણસે ઊંચુ જોયું અને કહ્યું, “હા, હું લોકોને જોઈ શકું છું. તેઓ આજુબાજુ ચાલતા વૃક્ષો જેવા દેખાય છે.”

25 ફરીથી ઈસુએ તેનો હાથ આંધળા માણસની આંખો પર મૂક્યો. પછી તે માણસે તેની આંખો પહોળી કરીને ખોલી. તેની આંખો સાજી થઈ ગઈ, અને તે દરેક વસ્તુ સ્પષ્ટતાપૂર્વક જોઈ શકતો હતો. 26 ઈસુએ તેને ઘેર જવા કહ્યું. ઈસુએ કહ્યું, “ગામમાં જઈશ નહિ.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International