Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 50

આસાફનું ગીત.

યહોવા, દેવોના દેવ બોલ્યા છે,
    તે સમગ્ર માનવ જાતને પૂર્વથી પશ્ચિમ સુધી બોલાવે છે.
સિયોનમાંથી દેવ સવોર્ચ્ચ સુંદરતા સાથે પ્રકાશે છે.
આપણા દેવ આવે છે, તેઓ મૌન રહેશે નહિ,
    ભસ્મ કરનાર અગ્નિ આગળ આવે છે,
    તેમની આસપાસ મહાતોફાન જાગશે.
તેઓ અહીં પોતાના લોકોનો ન્યાય કરવા આવ્યાં છે.
    જ્યારે તેઓ પોતાના લોકોનો ન્યાય કરશે ત્યારે તેઓ પૃથ્વી અને આકાશને સાક્ષી તરીકે બોલાવશે.
જેઓએ યજ્ઞથી મારી સાથે કરાર કર્યા છે,
    એવાં ભકતોને મારી પાસે ભેગા કરો.
દેવ પોતે જ ન્યાયાધીશ છે.
    તેમનું ન્યાયીપણું આકાશો પ્રગટ કરશે.

“હે મારા લોકો, હું કહું તે સાંભળો,
    હે ઇસ્રાએલ, હું તારી વિરુદ્ધ સાક્ષી પૂરીશ;
    કારણકે હું દેવ છું, હા, હું તારો દેવ છું.
મારી વેદી પર તમે જે યજ્ઞો કરો છો, મારી સામે જે નિરંતર દહનાર્પણો થાય છે.
    તે માટે, હું તને ઠપકો દઇશ નહિ.
હું તમારા ઢોરવાડામાંથી બળદો નહિ લઉં કે
    તમારા નેસડામાંથી બકરાં નહિ લઉં.
10 કારણકે અરણ્યનાં પ્રત્યેક પશુ
    અને હજારો ડુંગરો પરનાં પ્રાણી મારાં છે.
11 હું પર્વતો પરના સર્વ પક્ષીઓને ઓળખું છું,
    અને જઁગલનાં સર્વ હિંસક પ્રાણીઓ પણ મારા જ છે.
12 જો હું ભૂખ્યો હોઇશ, તોય તમને કહીશ નહિ,
    કારણ સમગ્ર સૃષ્ટિનું સર્વ મારું જ છે.
13 શું હું બળદોનું માંસ ખાંઉ, અથવા બકરાઓનું રકતપાન કરું?”

14 તેથી દેવ માટેના આભાર સ્તુતિનાં અર્પણો લઇ આવો
    અને પરાત્પર તમે આપેલા વચનો પરિપૂર્ણ કરો.
15 “મારામાં વિશ્વાસ રાખીને સંકટ સમયે મને પ્રાર્થના કરો,
    હું તમારી રક્ષા કરીશ અને પછી તમે મારો મહિમા કરી શકશો.”

16 પણ દુષ્ટ લોકોને દેવ કહે છ કે,
    “શા માટે તમે મારા વિધિઓ વિષે બોલો છો?
    શા માટે તમારે મારા કરાર વિષે વાત કરવી જોઇએ?
17 મારા શિખામણનો તેઁ તિરસ્કાર કર્યો છે
    અને મારી શિસ્તની તેં અવગણના કરી છે.
18 જો તમે એક ચોરને જુઓ છો, તો તમે તેની સાથે જોડાવા દોડો છો,
    અને તમે વ્યભિચારીઓ સાથે વ્યભિચારમાં જોડાઓ છો.
19 તારું મુખ શાપ આપે છે, અને તારી વાણી અસત્ય વદે છે.
    અને તારી જીભનો ઉપયોગ તું કપટની ચાલમાં કરે છે.
20 તું તારા પોતાનાં ભાઇની નિંદા કરે છે,
    તું તારી માતાના પુત્રની બદનામી કરે છે.
21 તમે આ ખરાબ કામો કર્યા છે છતાં મેં કાઇં કહ્યું નહિ.
    તેથી તમે વિચાર્યુ કે હું હતો તમારા જેવો,
પણ હવે આવ્યો છે સમય,
    મારા માટે તમારી સામે આ આરોપો મૂકવાનો અને તમારા મોઢાં પર ઠપકો આપવાનો!
22 તમે કે જે દેવને ભૂલી ગયા છો,
    તમારા ટુકડા કરૂં તે પહેલા
તમારે આ સમજવાનુ છે કે
    તમને બચાવવાવાળું કોઇ નહિ હોય.
23 જે વ્યકિત આભારસ્તુતિનાં અર્પણો અર્પણ કરે છે તે મને માન આપે છે.
    જે ન્યાયને માર્ગે ચાલે છે તે વ્યકિતનું રક્ષણ કરવાં હું મારું તારણ બતાવીશ.”

ગીતશાસ્ત્ર 59-60

નિર્દેશક માટે. રાગ: “વિનાશ કરતો નહિ” દાઉદનું મિખ્તામ-શાઉલે તેને મારવા માટે ઘરની ચોકી કરવા માણસો મોકલ્યા તે વખતે લખાયેલું ગીત.

હે મારા દેવ, મારા શત્રુઓથી મારી રક્ષા કરો;
    અને મારી વિરુદ્ધ જેઓ ઊઠે છે, તેઓથી તમે મને ઉગારો.
દુષ્ટતા કરનારાઓથી તમે મને બચાવો;
    અને ખૂની માણસોથી તમે મને બચાવો.
ઘાતકી માણસો છુપાઇ રહીને મારો જીવ લેવા કેવા રાહ જોઇ રહ્યાં છે!
    હે યહોવા, મેં કોઇ પાપ કર્યુ છે કે કોઇ અપરાધ કર્યો છે,
    કે જેથી વિપત્તિ મારા ઉપર આવી છે, એવું નથી.
જો કે મારો દોષ ન હોવા છતાં તેઓ અહીં ધસી આવ્યા છે
અને મારા ઉપર હુમલો કરવાની તૈયારી કરે છે.
    હે યહોવા, જાગૃત થાઓ, આ બધું જુઓ, અને મને સહાય કરો.
હે યહોવા, સૈન્યોના દેવ; ઇસ્રાએલના દેવ, જાગૃત થાઓ;
    આ વિદેશી પ્રજાઓને શિક્ષા કરો;
    તમે કપટ કરનાર દુષ્ટ અપરાધીઓ પર જરાય દયા રાખશો નહિ.

તેઓ સંધ્યાકાળે પાછા આવે છે,
    અને તેઓ કૂતરાની જેમ ઘૂરકે છે;
    નગરની આસપાસ ફેરા ખાય છે.
તેઓ અપમાનો અને ધમકીઓ ઉચ્ચારે છે.
    તેઓના હોઠોમાંથી તરવારની જેમ શબ્દો નીકળે છે.
    તેઓને કોણ સાંભળે છે તેની ચિંતા નથી.

હે યહોવા, તમે તેઓને હસી કાઢો;
    અને વિદેશી પ્રજાની હાંસી ઉડાવો.
હે દેવ, મારા સાર્મથ્ય! હું તમારી વાટ જોઇશ;
    તમે મારી સુરક્ષાનો ઊંચો મજબૂત ગઢ છો.
10 યહોવા મારો કૃપાળુ દેવ મને મદદ કરવા આગળ આવશે.
    તે મને શત્રુઓનો પરાજય જોવા દેશે.
11 દેવ, હમણાં તેઓનો સંહાર ન કરશો,
    કે મારા માણસો ભૂલી જાય. હે યહોવા, અમારી ઢાલ, વિખેરી નાખો અને તેમને તમારા સાર્મથ્યથી હરાવો.
12 તેઓ બધા પોતાના મુખનાં શબ્દોથી શાપ આપી પાપ કરે છે,
    તેઓના જ હોઠે અસત્ય બોલે છે,
    પોતાના જ અભિમાનમાં તેઓને ફસાઇ જવા દો.
13 તમે તમારા ક્રોધમાંજ તેઓનો સંહાર કરો;
    જેથી સંપૂર્ણ વિનાશ થાય;
પછી સર્વ લોકો જાણશે કે ઇસ્રાએલમાં દેવ રાજ કરે છે,
    અને તેમનો જ અધિકાર સમગ્ર પૃથ્વી પર છે.

14 સંધ્યાકાળે દુષ્ટો પાછા આવી કૂતરાની જેમ ધૂરકે છે,
    અને તેઓ ચોરી છૂપીથી નગરમાં ફરે છે.
15 તેઓ ખાવા સારું ખોરાક માટે રખડે છે,
    તેઓને સંતોષ ન થાય ત્યારે ઘૂરકે છે.
16 પણ હું તો તમારા સાર્મથ્યનું ગીત ગાઇશ,
    સવારમાં હું તમારી કૃપા વિષે ગાઇશ,
કારણ તમે મારા મજબૂત ગઢ છો;
    અને સંકટના સમયે સુરક્ષિત સ્થળ છો.
17 હે મારા સાર્મથ્ય, હું તમારા સ્તોત્રો ગાઉં છું;
    કારણ તમે મારા મજબૂત ગઢ છો,
    દેવ, તમે મને પ્રેમ કરનારા છો.

નિર્દેશક માટે. રાગ: “કરાર નું કમળ” શિખામણ માટે દાઉદનું મિખ્તામ, તે અરામ-નાહરાઇમ તથા અરામ-સોબાહ સાથે લડ્યો, ને યોઆબે પાછા ફરીને ખારના નીચાણમાં અદોમમાંના 12,000 સૈનિકો માર્યા તે સમયે લખાયેલું ગીત.

હે દેવ, તમે અમને તજી દીધા છે.અમારું કવચ તૂટી ગયું છે.
    હે યહોવા, તમે અમારા પર કોપાયમાન થયા છો.
    મહેરબાની કરીને અમને ફરીથી સંપૂર્ણ બનાવી દો.
તમે ધરતીકંપ કરીને પૃથ્વીને ચીરી નાખી છે.
    હે યહોવા, તેને ફરીથી યથાર્થ બનાવી દો.
    જુઓ તેના પાયા હલી ગયા છે.
તમે તમારા લોકોને અતિ વિકટ સમયમાં લઇ ગયાં છો,
    તમે મારેલી લપડાકોએ અમને લથડિયાં ખવડાવ્યાં છે.
તમે તમારી બીક રાખનારાઓને ધ્વજા આપી છે,
    અને ચેતવણી આપી છે, જેથી તેઓ વિનાશમાં રક્ષા પામે.

આવો અને તમારા જમણા હાથથી અમને બચાવો.
    મારી પ્રાર્થનાનો જવાબ આપો અને જેને તમે પ્રેમ કરો છો તેમને તમે બચાવો.

જ્યારે દેવે તેમની પવિત્રતાએ કહ્યું,
    “વિજય પામીને હું શખેમનાં ભાગ પાડીશ;
અને સુક્કોથની ખીણ
    મારા લોકમાં વહેંચીશ,
    ત્યારે હું ખૂબ ખુશ થઇશ.
ગિલયાદ મારું છે, મનાશ્શા મારું છે;
    અને એફ્રાઈમ મારું શિરસ્રણ છે.
    યહૂદિયા મારો રાજદંડ બનશે.
મોઆબ મારા પગ ધોવા માટેનો વાટકો છે,
    અને જે મારા પગરખાં લઇ જાય છે તે અદોમ મારૂં ગુલામ છે.
    હું પલિસ્તીઓ હરાવીશ અને વિજયના પોકાર કરીશ.”

મોરચાબંધ અદોમ નગરમાં મને કોણ લાવશે?
    અને તેના પર વિજય મેળવીને કોણ પ્રવેશ કરાવશે?
10 હે દેવ, શું તમે અમને તજી દીધા છે?
    તમે અમારા સૈન્ય સાથે આગેકૂચ કરતા નથી.
11 હા યહોવા, અમારા શત્રુઓ વિરુદ્ધ તમે અમારી સહાય કરો;
    કારણ, માણસોની સહાય વ્યર્થ છે.
12 દેવના સાથથી અમે પરાક્રમો કરીશું;
    કારણ, તેજ અમારા શત્રુઓને કચડી નાખશે.

ગીતશાસ્ત્ર 118

યહોવાનો આભાર માનો; કારણકે તે ભલા છે
    તેમનો સાચો પ્રેમ સદાય રહે છે.
ઇસ્રાએલના પ્રજાજનો, તેમની સ્તુતિ કરો આ શબ્દોથી,
    “તેમની કૃપા સદાય રહે છે.”
હારુન પુત્રો, આ પ્રાર્થના ગીત ગાઓ,
    “તેમનો સાચો પ્રેમ સદાય રહે છે.”
યહોવાના અન્ય ભકતો, તમે પણ કહો કે;
    “તેમનો સાચો પ્રેમ સદાય રહે છે.”

મારા સંકટમાં મેં યહોવાને વિનંતી કરી;
    તેમણે મને ઉત્તર આપી ને મને બચાવ્યો.
યહોવા મારા પક્ષમાં છે, મને ડર શાનો?
    પૃથ્વી પરનો માણસ મને શું કરી શકે?
યહોવા મને મદદ કરશે, તે મારા પક્ષમાં છે;
    તેથી મારી સગી આંખે હું મારા શત્રુઓને પરાજીત થતાં જોઇશ.
માણસો પર ભરોસો રાખીએ તે કરતાં;
    યહોવા પર ભરોસો રાખીએ તે વધુ સારુ છે.
સમર્થ રાજાઓના આશ્રયે જવું તે કરતાં;
    યહોવામાં આશ્રય મેળવવો તે વધું સારો છે.

10 બધી પ્રજાઓએ મને ઘેરી લીધો છે,
    પણ હું યહોવાનું નામ લઇને તેમને પરાજીત કરીશ.
11 હા, મને શત્રુઓએ ઘેર્યો હતો ખરેખર તેમણે મને ઘેર્યો હતો;
    પણ યહોવાના નામેં હું તેમને હરાવીશ.
12 તેઓએ મને મધમાખીઓની જેમ ઘેર્યો હતો;
    પણ તેઓ સળગતાં કાંટાની જેમ તુરંત જ ઓલવાઇ ગયા છે.
    હું તેમને યહોવાનું નામ લઇને હરાવીશ.

13 ઓ મારા શત્રુઓ, તમે મારો વિનાશ કરવા ઘણી મહેનત કરી.
    પણ મને યહોવાએ સહાય કરી.
14 પણ યહોવા મારું સાર્મથ્ય છે અને વિજયગીત છે;
    તે જ મારું તારણ થયા છે.
15 સદાચારીઓના મંડપમાં, વિજયોત્સવના હર્ષનાદ સંભળાય છે,
    યહોવાનો જમણો હાથ બહાદુરીના કાર્યો કરે છે.
16 યહોવાનો જમણો હાથ ઊંચો થયેલો છે;
    અને યહોવાનો જમણો હાથ પરાક્રમ કરે છે.

17 હું મરીશ નહિ પણ હું જીવતો રહીશ;
    અને યહોવાએ કરેલા સર્વ કાર્યોને ઉચ્ચારીશ.
18 યહોવાએ મને ભારે શિક્ષા કરી,
    પણ તેણે મને મૃત્યુને સ્વાધીન કર્યો નથી.
19 ન્યાયીપણાનું પ્રવેશદ્વાર ઉઘાડો, હું તેમા થઇને જઇશ;
    અને યહોવાનો આભાર માનીશ.
20 એ દ્વાર યહોવાની સમક્ષ જવાનું છે;
    યહોવાનો ભય રાખનાર ન્યાયીઓ તેમાં જશે.
21 હે યહોવા, તમે મારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે;
    અને મારો ઉદ્ધાર કર્યો છે, હું તમારો આભાર માનું છું.

22 જે પથ્થરને ઘર બાંધનારાઓએ નકાર્યો હતો;
    તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.
23 આ કાર્ય તો યહોવાથી થયું છે;
    આપણી દ્રૃષ્ટિમાં તે આશ્ચર્યકારક છે.
24 યહોવાએ આપણને આ દિવસ આપ્યો છે;
    આપણે તેમાં આનંદોત્સવ કરીએ.

25 હે યહોવા, અમારી ઉપર દયા રાખ અને અમને તારણ આપો;
    હે યહોવા, અમારી પર દયા કર અને મહેરબાની કરીને અમને સફળ બનાવો.
26 યહોવાને નામે જે આવે છે તેને ધન્ય છે;
    યહોવા મંદિરમાંથી અમે તમને આશીર્વાદ દીધો છે.
27 યહોવા તે જ દેવ છે અને તે અમારો પ્રકાશ છે.
    બલિદાન માટે બાંધેલા ઘેટાને વેદીના શિંગ તરફ લઇ જતાં ઉત્સવના સરઘસમાં તમે બધાં જોડાઇ જાઓ.

28 તમે મારા યહોવા, હું તમારો આભાર માનીશ;
    તમે મારા દેવ છો, હું તમને મોટા માનીશ.
29 યહોવાનો આભાર માનો, તે ઉત્તમ છે;
    અને તેમની કૃપા સર્વકાળ ટકે છે.

યશાયા 49:13-23

13 હે આકાશો, હર્ષનાદ કરો; અને હે પૃથ્વી, તું આનંદ કર;
    હે પર્વતો, તમે જયઘોશ કરવા માંડો,
કારણ કે યહોવાએ પોતાના લોકોને દિલાસો આપ્યો છે,
    અને પોતાની દુ:ખી પ્રજા પર કરુણા દર્શાવી છે.

14 છતાં સિયોનના લોકો કહે છે, “યહોવાએ અમારો ત્યાગ કર્યો છે,
    અમારો નાથ અમને ભૂલી ગયો છે.”

15 પરંતુ યહોવા કહે છે,
“કોઇ માતા પોતાના બાળકને કઇં રીતે ભૂલી જઇ શકે?
    પોતાના પેટના સંતાનને હેત કરવાનું કઇ રીતે ભૂલી જઇ શકે?
કદાચ માતા ભૂલી જાય,
    પણ હું તને નહિ ભૂલું.
16 જો, મેં તને મારી હથેલી પર કોતરી છે,
    અને યરૂશાલેમ નગરના કોટકાંગરાને હું સતત સંભાર્યા કરું છું.
17 તને ફરી બાંધનારાઓ થોડા જ સમયમાં આવી પહોંચશે.
    અને તારો નાશ કરનારા સર્વને ભગાડી મૂકશે.”
18 જરા ઊંચી નજર કરીને ચારે બાજુ જો!
    તારા લોકો કેવા ભેગા મળીને તારી પાસે પાછા આવે છે!
હું યહોવા, મારા પ્રાણનાં સમ ખાઇને પ્રતિજ્ઞા કરું છું કે,
    “તું તેમને આભૂષણની જેમ ધારણ કરશે,
    અને નવવધૂની જેમ તેમના વડે તારી જાતને શણગારશે.

19 “તું ખેદાન-મેદાન થઇ ગઇ હતી,
    તું ખંડેરની ભૂમિ બની ગઇ હતી એ સાચું,
પણ હવે તારા વતનીઓ માટે તારી સરહદ અત્યંત સાંકડી પડશે.
    અને તને ખેદાન-મેદાન કરી નાખનારાઓ તો દૂર ચાલ્યા ગયા હશે.
20 દેશવટાના દિવસોમાં જન્મ ધારણ કરનારાં બાળકો પાછાં આવશે અને તેને કહેશે,
    ‘અમારે વધારે જગાની જરૂર છે!
    કેમ કે આ જગા તો ખીચોખીચ ભરાઇ ગઇ છે!’
21 પછી તું મનમાં વિચાર કરશે,
    હું તો સંતાન વિહોણી ત્યકતા હતી,
આ બધા બાળકો મને થયા શી રીતે?
    ‘હું તો એકલીઅટૂલી હતી,
ત્યારે એમને ઉછેર્યા કોણે?
    એ આવ્યાં ક્યાંથી?’”

22 યહોવા મારા દેવ કહે છે,
“જુઓ, હું વિદેશીઓ તરફ મારો હાથ ઊંચો કરીશ,
    અને લોકો તરફ મારો ધ્વજ રાખીશ.
અને તેઓ તારા પુત્રોને પોતાના ખોળામાં ઊંચકીને
    અને તારી પુત્રીઓને ખભા પર
    બેસાડીને તારી પાસે પાછા લાવશે.
23 રાજાઓ તેમના પાલકપિતા થશે
    અને તેમની રાણીઓ તેમની ધાવ થશે.
તેઓ તને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરશે
    અને તમારા ચરણની રજ ચાટશે;
ત્યારે તું જાણશે કે, હું યહોવા છું, જેઓ મારી વાટ જુએ છે
    તેઓ કદી જ નિરાશ થશે નહિં.”

ગલાતીઓ 3:1-14

દેવનો આશીર્વાદ વિશ્વાસથી ઉદ્દભવે છે

તમને ગલાતીઓના લોકોને ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ પરના મૃત્યુ વિષે સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે. પરંતુ તમે ઘણા મૂર્ખ હતા. તમે કોઈકનાથી છેતરાયા. મને આ એક વાત કહો: તમે પવિત્ર આત્મા કેવી રીતે પ્રાપ્ત કર્યો? શું નિયમનું પાલન કરીને તમે આત્મા પામ્યા? ના! તમે આત્માને પામ્યા કારણ કે તમે સુવાર્તાને સાંભળી અને તેમા વિશ્વાસ કર્યો. તમે આત્મા સાથેના તમારા ખ્રિસ્તમય જીવનની શરુંઆત કરી. હવે તમે તમારી શક્તિથી તેનું સાતત્ય જાળવવાનો પ્રયત્ન કરો છો? તે નરી મૂર્ખતા છે. તમને ઘણી બાબતોનો અનુભવ થયો છે. શું તે બધો અનુભવ નિરર્થક થયો? હું આશા રાખું છું કે તે નિરર્થક નથી ગયો! દેવે તમને આત્માનું દાન એટલે કર્યુ કે તમે નિયમને અનુસર્યા હતા? ના! શું દેવે તમારી વચ્ચે ચમત્કારો એટલા માટે કર્યા કે તમે નિયમને અનુસર્યા હતા? ના! દેવે તમને તેનો આત્મા આપ્યો છે અને તમારી વચ્ચે ચમત્કારો કર્યા છે કારણ કે તમે સુવાર્તા સાભળી છે અને તેમાં તમે વિશ્વાસ કર્યો.

પવિત્રશાસ્ત્ર ઈબ્રાહિમ વિષે આ જ કહે છે. “ઈબ્રાહિમે દેવમાં વિશ્વાસ રાખ્યો. અને દેવે ઈબ્રાહિમના વિશ્વાસનો સ્વીકાર કર્યો. આને કારણે ઈબ્રાહિમ દેવને યોગ્ય બન્યો.”(A) તેથી તમારે જાણવું જોઈએ કે ઈબ્રાહિમના સાચા સંતાનો એ છે જેઓને વિશ્વાસ છે. પવિત્રશાસ્ત્રએ જણાવ્યું છે કે ભવિષ્યમાં શું થશે. આ લખાણે જણાવ્યું કે દેવ બિનયહૂદી લોકોને તેઓના વિશ્વાસ થકી યોગ્યતા પ્રદાન કરશે. આ સુવાર્તા ઈબ્રાહિમને પહેલા જણાવેલ હતી, પવિત્રશાસ્ત્ર આમ કહે છે કે: “ઈબ્રાહિમ, પૃથ્વીના બધા લોકોને ધન્ય કરવા માટે દેવ તારો ઉપયોગ કરશે.”(B) ઈબ્રાહિમે આ માન્યું. ઈબ્રાહિમ વિશ્વાસ કરતો હતો તેથી તે આશીર્વાદ પામ્યો. અને એ જ રીતે આજે પણ જે ઈબ્રાહિમની માફક વિશ્વાસીઓ છે તેઓ પણ આશીર્વાદ પામે છે. બધા જ લોકો ઈબ્રાહિમની માફક જેમને વિશ્વાસ છે તેમને ઈબ્રાહિમની જેમ આશીર્વાદ મળે છે.

10 પરંતુ યોગ્યતા પ્રાપ્ત કરવા જે લોકો નિયમોનો આધાર લે છે તેઓ શાપિત છે. શા માટે? કારણ કે પવિત્ર શાસ્ત્રો કહે છે કે, “જે દરેક વસ્તુ નિયમશાસ્ત્રમાં લખેલ છે, તે બધી જ વસ્તુઓ વ્યક્તિએ કરવી જોઈએ. જો તે કાયમ આજ્ઞાનું પાલન નહિ કરે તો તે શાપિત થશે.”(C) 11 તેથી એ સ્પષ્ટ છે કે નિયમ દ્વારા કોઈ પણ વ્યક્તિ દેવને યોગ્ય બની શકે નહિ. પવિત્ર શાસ્ત્ર કહે છે કે, “જે વ્યક્તિ વિશ્વાસથી દેવને યોગ્ય છે તે વિશ્વાસથી જીવશે.”(D)

12 નિયમ વિશ્વાસનો ઉપયોગ નથી કરતો; તે જુદો માર્ગ અપનાવે છે. નિયમ કહે છે, “જે વ્યક્તિ આ વસ્તુઓ (નિયમ) ને અનુસરીને જીવવાની ઈચ્છા રાખે છે, જે નિયમ કહે છે તે તેણે કરવું જ જોઈએ.”[a] 13 નિયમે આપણને અભિશાપિત કર્યા છે. પરંતુ ખ્રિસ્તે આપણને તે શાપમાંથી મુક્ત કર્યા. તેણે આપણા સ્થાન બદલી નાખ્યા. ખ્રિસ્ત પોતે શાપિત થયો. પવિત્રશાસ્ત્રમાં લખ્યું છે કે, “જ્યારે વ્યક્તિનું શરીર વૃક્ષ ઉપર મૂકવામાં આવે (લટકે), ત્યારે તે શાપિત છે.”[b] 14 ખ્રિસ્તે આ કર્યુ જેથી દેવનો આશીર્વાદ બધા જ લોકોને પ્રદાન થાય, દેવે આ આશીર્વાદનું ઈબ્રાહિમને વચન આપ્યું હતું. ઈસુ ખ્રિસ્ત તરફથી આશીર્વાદ આવે છે. ઈસુ મૃત્યુ પામ્યો જેથી આપણને પવિત્ર આત્મા જેનું દેવે વચન આપ્યું હતું તે આપણને પ્રાપ્ત થાય. વિશ્વાસથી આપણને આ વચન પ્રાપ્ત થયું છે.

માર્ક 6:30-46

ઈસુનું 5,000 થી વધારે માણસને જમાડવું

(માથ. 14:13-21; લૂ. 9:10-17; યોહ. 6:1-14)

30 જે પ્રેરિતોને ઈસુએ ઉપદેશ માટે મોકલ્યા હતા, તે ઈસુ પાસે પાછા આવ્યા. તેઓ ઈસુની આજુબાજુ ભેગા થયા અને તેઓએ જે બધી વસ્તુ કરી અને શીખવ્યું તે વિષે તેને કહ્યું. 31 ઈસુ અને તેના શિષ્યો ઘણી ભીડવાળી જગ્યાએ હતાં. અને ત્યાં ઘણા બધા લોકો હતા. ઈસુ અને તેના શિષ્યોને ખાવાનો સમય પણ ન હતો. ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “મારી સાથે આવો આપણે એકાંત માટે શાંત જગ્યોએ જઈશું. ત્યાં આપણે થોડો આરામ કરીશું.”

32 તેથી ઈસુ અને તેના શિષ્યો એકલા દૂર ચાલ્યા ગયા. તેઓ હોડીમાં જ્યાં કોઈ લોકો ન હતા એવા નિર્જન સ્થળે ગયા. 33 પરંતુ ઘણા લોકોએ તેને જતા દીઠો. લોકોએ તેને ઓળખ્યો કે તે ઈસુ હતો તેથી જ્યાં ઈસુ જતો હતો તે સ્થળે બધાં ગામોમાંથી લોકો પગપાળા દોડી ગયા. ઈસુના આવતા પહેલાં લોકો ત્યાં હતા. 34 જ્યારે ઈસુ ત્યાં આવ્યો, તેણે ઘણા માણસોને વાટ જોતાં જોયા. ઈસુને તેમના માટે દુ:ખ થયું, કારણ કે તેઓ સંભાળ રાખનાર ભરવાડ વિનાના ઘેંટા જેવા હતા. ઈસુએ લોકોને ઘણી વસ્તુઓ શીખવી.

35 હવે દિવસનો નમતો પહોર હતો. તેથી ઈસુના શિષ્યો તેની પાસે આવ્યા. તેઓએ કહ્યું, “આ જગ્યાએ કોઈ લોકો રહેતા નથી અને અત્યારે ઘણું મોડુ થયું છે, 36 તેથી લોકોને દૂર મોકલો. તેઓ અહીંના આસપાસના ગામોમાં અને ખેતરોમાં જઇને ખાવાનું ખરીદે.”

37 પણ ઈસુએ જવાબ આપ્યો, “તમે તેઓને થોડું ખાવાનું આપો.”

તે શિષ્યોએ ઈસુને કહ્યું, “આપણે આ બધા લોકોને ખવડાવવા માટે પૂરતી રોટલીઓ ખરીદી શકીએ તેમ નથી! આપણે બધાને તેટલી રોટલીઓ ખરીદવા માટે એક મહીના સુધી કામ કરીને પૂરતું કમાવું પડે.”

38 ઈસુએ શિષ્યોને કહ્યું, “તમારી પાસે કેટલી રોટલીઓ છે? જાઓ અને જુઓ.”

શિષ્યોએ તેઓની રોટલીઓ ગણી. તેઓએ ઈસુ પાસે આવીને કહ્યું, “આપણી પાસે પાંચ રોટલી અને બે માછલીઓ છે.”

39 પછી ઈસુએ શિષ્યોને કહ્યું, “બધા લોકોને લીલા ઘાસ પર જૂદા જૂદા જૂથોમાં બેસવા કહો.” 40 તેથી બધા લોકો સમૂહમાં બેઠા, કેટલાક જૂથોમાં એકસો માણસો હતા તો કેટલાક જૂથોમાં પચાસ માણસો હતા.

41 ઈસુએ પાંચ રોટલી અને બે માછલીઓ લીધી. તેણે ઊંચે આકાશમાં જોયું અને રોટલી માટે દેવનો આભાર માન્યો. પછી ઈસુએ તે રોટલીના ટુકડા કર્યા અને તે તેના શિષ્યોને આપ્યા. ઈસુએ તેના શિષ્યોને તે રોટલી લોકોને આપવા કહ્યું. પછી ઈસુએ બે માછલીના ભાગ કર્યા અને લોકોને માછલી આપી.

42 આમ લોકોએ ખાધું અને તૃપ્ત થયા. 43 લોકોએ ખાવાનું પૂરું કર્યા બાદ શિષ્યોએ છાંડેલા રોટલીના ટુકડાઓથી અને માછલીઓથી બાર ટોપલીઓ ભરી. 44 ત્યાં લગભગ 5,000 પુરુંષોએ ભોજન કર્યુ.

ઈસુ પાણી પર ચાલે છે

(માથ. 14:22-23; યોહ. 6:16-21)

45 પછી ઈસુએ શિષ્યોને હોડીમાં બેસવા માટે કહ્યું. ઈસુએ તેમને બેથસૈદાની પેલે પાર સરોવરની બીજી બાજુએ જવા માટે કહ્યું. ઈસુએ કહ્યું કે તે પાછળથી આવશે, ઈસુએ લોકોને તેમના ઘર તરફ જવાનું કહ્યું. 46 લોકોને શુભ વિદાય કહ્યાં પછી ઈસુ ટેકરી પર પ્રાર્થના કરવા ગયો.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International