Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 119:49-72

ઝાઇન

49 હું તમારો સેવક છું, કૃપા કરીને મને આપેલા તમારા વચનને યાદ કરો,
    તે વચન મને આશા આપે છે.
50 મને મારા દુ:ખમાઁ આશ્વાસન મળ્યું છેં;
    અને તમારા વચને મને જિવાડ્યો છે.
51 અભિમાની લોકો મારી મજાક કરે છે,
    પણ હું તમારા નિયમમાંથી પાછો હઠયો નથી.
52 હે યહોવા, પુરાતન કાળથી પ્રચલિત તમારા ન્યાયવચનો મેં મારા બાળપણથીજ યાદ રાખ્યા છે.
    અને મને હંમેશા સાંત્વન મળ્યું છે.
53 જે ભૂંડાઓ તમારા નિયમ અવગણના કરે છે;
    તેઓ પર મને ક્રોધ ઉપજે છે.
54 તમારા વિધિઓ આ મારી જીવનયાત્રામાં
    મારા માટે આનંદદાયક સ્તોત્ર બન્યા છે.
55 હે યહોવા, મને રાત્રે તમારા નામનું સ્મરણ થાય છે,
    અને હું તમારા નિયમો પાળુ છું.
56 આ મારું આચરણ છે; હું તમારા શાસનો પાલન કરું છું.

ખેથ

57 હે યહોવા, મારો વારસો છો તમે; હું વચનો પાળીશ તમારા, એમ મે કહ્યું છે.
58 મેં મારા હૃદયની ઉત્કંઠાથી તમારી કૃપાની માંગણી કરી છે;
    તમારા વચન પ્રમાણે તમે મારા ઉપર દયા કરો.
59 મેં મારા જીવનના રસ્તાઓ વિષે વિચાર કર્યો છે,
    અને પછી વળ્યો છું તમારા કરાર તરફ.
60 તમારી આજ્ઞાઓ પાળવા માટે મેં ઉતાવળ કરી છે;
    જરાય મોડું કર્યુ નથી.
61 મને દુષ્ટોનાં બંધનોએ ઘેરી લીધો છે;
    પણ તમારા નિયમોને હું ભુલ્યો નથી.
62 હું મધરાતે ઊઠીને તમારા ન્યાયવચનો બદલ
    તમારો આભાર માનીશ.
63 જે કોઇ તમારો ભય રાખે છે, તમારામાં વિશ્વાસ કે છે,
    અને તમારા શાસનોનું પાલન કરે છે તે મારા મિત્રો છે.
64 હે યહોવા, પૃથ્વી તમારી કૃપાથી ભરેલી છે,
    મને તમારા વિધિઓ શીખવો.

ટેથ

65 હે યહોવા, તમે તમારા સેવકને વચન આપ્યા પ્રમાણે,
    મારા માટે સારું જ કર્યુ છે.
66 મને યોગ્ય ચપળતા શીખવો અને મને જ્ઞાન આપો,
    હું તમારા આજ્ઞાઓ પર વિશ્વાસ કરું છું.
67 મેં દુ:ખ સહ્યું તે પહેલા મેં ઘણી ખોટી બાબતો કરી,
    પણ હાલમાં હું તમારા વચન પાળું છું.
68 તમે ઉત્તમ છો અને ઉત્તમ કરો છો;
    મને તમારા વિધિઓ શીખવો.
69 ધમંડી લોકો મારા વિશે જૂઠું બોલે છે,
    પણ હું તમારાં નિયમો ખરા હૃદયથી પાળીશ.
70 તેઓનું અંત:કરણ સ્થૂળ છે;
    પણ હું તો તારા નિયમમાં પરમાનંદ પામું છું.
71 મેં જે સહન કર્યુ તે મારા સારા માટે પૂરવાર થયું,
    એ રીતે હું તમારા વિધિઓ શીખ્યો.
72 હજારો સોના ચાંદી કરતાં તમારા મુખનો નિયમ
    મારે માટે વધુ મૂલ્યવાન છે.

ગીતશાસ્ત્ર 49

નિર્દેશક માટે. કોરાહનાં કુટુંબનું ગીત.

હે સર્વ પ્રજાજનો, તમે આ સાંભળો;
    હે વિશ્વવાસી લોકો તમે સાંભળો.
    નિમ્ન કક્ષના કે ઉચ્ચકક્ષાનાં, શ્રીમંત કે દરિદ્રી, તમે સૌ માણસો મારા શબ્દો પર ધ્યાન આપો.
હું બુદ્ધિ વિષે મારા મુખેથી બોલીશ;
    મારા હૃદયમાંથી નિકળતા ઉદૃગારો જ્ઞાન વિષે હશે.
હું દ્રષ્ટાંત પર કાન લગાડીશ,
    અને વીણા પર મારો મર્મ ખોલીશ.
જ્યારે સંકટો આવે છે ત્યારે,
    ચારેબાજુથી મને શત્રુઓ ઘેરી લે એવા દુષ્ટોના સકંજામાં મારે ડરવાની જરૂર નથી.
જેઓ પોતાની સંપત્તિ પર ભરોસો રાખે છે,
    તેઓ કેટલાં ધનવાન છે તેનું અભિમાન કરે છે.
તેઓમાંનો કોઇ પોતાના ભાઇને કોઇ રીતે છોડાવી શકતાં નથી;
    દેવને તે તેનાં બદલામાં ખંડણી આપી શકતાં નથી.
માનવ-જીવનની એટલી મોટી કિંમત છે
    કે દુન્યવી સંપત્તિથી તેનો મૃત્યુદંડ ચૂકવી શકાતો નથી.
જેથી તે સદાકાળનું જીવન પામે,
    અને નરકનાં ખાડાની શિક્ષાથી બચી જાય.
10 બધા લોકો સાક્ષી છે કે વિદ્ધાન મૃત્યુ પામે છે,
    અને મૂર્ખ તેમજ હેવાન માણસો પણ મૃત્યુ પામે છે.
    અને તેઓ તેમની પાછળ તેમની સંપત્તિ બીજાઓ માટે મૂકી જાય છે.
11 તેઓ જમીનજાગીરને પોતાના નામથી ઓળખાવે છે,
    જાણેકે સદાકાળને માટે તે તેઓની જ રહેવાની હોય;
    અને જાણે તેઓ સદાકાળ અધિકાર ભોગવવાના હોય.
12 માણસો ભલે ધનવાન હોય, પણ તેઓ અહીં કાયમ માટે રહેવાના નથી.
    જેવી રીતે બીજા પ્રાણીઓ મરી જાય છે તેમ તેઓ પણ મૃત્યુ પામશે.
13 એવા મૂર્ખ લોકો જેમણે તેમની સંપત્તિનો વિશ્વાસ રાખ્યો હતો,
    અંતે તો તેમનો અંત એવોજ આવશે.
14 પેલા લોકો બરાબર ઘેટાઁ જેવાજ છે.
    શેઓલ તેમનો વાડો બનશે અને મૃત્યુ તેમનો ઘેટાંપાળક બનશે.
જ્યારે પેલાં અભિમાની લોકોના શરીરો
    તેમના વૈભવી ઘરોથી ખૂબ દૂર શેઓલમાં ધીમેથી સડી જશે
    તે દિવસે નિષ્ઠાવાન લોકો વિજયી બનશે.

15 દેવ મને શેઓલની પકડમાંથી છોડાવશે કારણ કે
    તેઓ મને તેમની સાથે રહેવા લઇ જશે.

16 કારણ, તે લોકો ધનવાન છે, અને વૈભવી મકાનો ધરાવે છે
    એટલા માટે તે લોકોથી ડરશો નહિ.
17 તેઓ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તેઓ સાથે કશુંય લઇ જઇ શકશે નહિ
    અને તેમનો વૈભવ તેમની પાછળ જવાનો નથી.
18 ધનવાન વ્યકિત તેના જીવનકાળ દરમ્યાન પોતાની જાતને મહાન ગણતી હશે,
    અને પોતાની જાતને ધન્યવાદ આપ્યા હશે કે તે મહાન હતા,
    તેની દુન્યવી સફળતાઓ માટે લોકોએ પ્રશંસા કરી હતી.
19 પરંતુ આખરે તો તે પણ તેના પૂર્વજોની જેમ મૃત્યુ પામશે
    અને પછી તે જીવનનું અજવાળું ક્યારેય પણ નહિ જુએ.
20 જે વ્યકિત પાસે દુન્યવી વૈભવ છે, પણ આત્મિક સમજ નથી;
    તે વ્યકિત બુદ્ધિહીન નાશ પામનાર પશુ સમાન છે.

ગીતશાસ્ત્ર 53

નિર્દેશક માટે. માહલાથ સાથે ગાવાનું. દાઉદનું માસ્કીલ.

માત્ર મૂર્ખ પોતાના મનમાં કહે છે કે, “દેવ છે જ નહિ” તેનું હૃદય દુષ્ટતાથી ભરેલું છે.
    તેવા માણસો ઘૃણાને પાત્ર અને દુષ્ટ કૃત્યો કરે છે.
    તેઓમાં કોઇ સારા કૃત્યો કરનાર નથી.
દેવ આકાશમાંથી નીચે મનુષ્યો ઉપર દૃષ્ટિ કરીને તપાસ કરે છે
    કે એવી કોઇ વ્યકિત છે જેને સાચી સમજ હોય;
    ને મનથી દેવની શોધ કરતી હોય.
તેઓમાંનાં દરેક માર્ગષ્ટ થયા છે,
    અને તેઓ સઘળા અશુદ્ધ થયા છે;
કોઇ વ્યકિત ન્યાયી જીવન જીવતી નથી.
    ભલું કરનાર હવે કોઇ રહ્યુ નથી.

દેવ કહે છે કે, “દુષ્ટ કરનારાઓ શું આ નથી સમજતા?
    મારા લોકોને તે જાણે રોટલી ખાતાં હોય તેમ ખાઇ જાય છે.
    તેઓ દેવ પાસે જતા નથી, અને કદી પ્રાર્થના કરતાં નથી.”

જોકે કશું ડરવા જેવું નહિ હોય
    ત્યાં તેઓ અચાનક ભયભીત થઇ જશે.
દેવે તે બધા દુષ્ટ લોકોને નકાર્યા છે.
    તેથી દેવના લોકો તેમને હરાવશે,
અને દેવ તે દુષ્ટ લોકોના હાડકાઁને વિખેરી નાખશે.

સિયોનમાંથી ઇસ્રાએલનું તારણ વહેલું આવે!
    યહોવા પોતે પોતાના લોકોને બંધનમાંથી છોડાવશે
અને તેમને પાછા તેમના વતનમાં લાવશે,
    અને પછી યાકૂબ ખુશ થશે,
    તથા ઇસ્રાએેલ આનંદિત થશે.

યશાયા 49:1-12

યહોવાનું પોતાના લોકોને આશ્વાસન

49 હે દૂર દેશાવરના લોકો, ધ્યાન દઇને સાંભળો!
    હું જન્મ્યો તે પહેલાથી યહોવાએ મને બોલાવ્યો હતો,
જ્યારે હું મારી માતાના ગર્ભમાં હતો ત્યારે જ
    તેણે મને નામ આપ્યું હતું.
તેમણે મારી વાણીને મર્મભેદી તરવાર બનાવી,
    અને મને પોતાના હાથની છાયામાં છુપાવી દીધો.
તેણે મને તીક્ષ્ણ બાણ બનાવી
    અને ભાથામાં સંતાડી દીધો.

તેમણે મને કહ્યું, “તું, ઇસ્રાએલ, મારો સેવક છે,
    તું મારો મહિમા વધારનાર છે.”

પરંતુ હું તો એમ વિચારતો હતો કે, “મારી મહેનત પાણીમાં ગઇ.
    મેં મારી શકિત નકામી,
વ્યર્થ વાપરી. તેમ છતાં,
    મને ખાતરી છે કે,
યહોવા મને ન્યાય આપશે
    અને તે મને બદલો આપશે.”
“હું માતાના ગર્ભમાં હતો ત્યારથી યહોવાએ મને પોતાનો સેવક નીમ્યો હતો,
    જેથી હું યાકૂબના વંશજોને, ઇસ્રાએલના લોકોને,
    પાછા એને ચરણે લાવું.
તેણે મારો મહિમા કર્યો
    અને મને બળ આપ્યું.” આ યહોવા કહે છે:

“ઇસ્રાએલને મારા માટે પુન:સ્થાપિત કરવા ઉપરાંત
    તું વધારે કામ કરીશ,
પૃથ્વીની સર્વ પ્રજાઓમાં તારણ પહોંચાડવા
    હું તને તેઓ માટેનો પ્રકાશ બનાવીશ.”

જેને લોકો ધૃણાની નજરે જુએ છે,
    જેનો તિરસ્કાર સર્વ પ્રજાઓ કરે છે,
જે અન્યાયી શાસકોનો ગુલામ છે,
    તેને ઇસ્રાએલનો ઉદ્ધારક પવિત્ર દેવ કહે છે,
“તને જોઇને રાજામહારાજાઓ માનપૂર્વક ઊભા થઇ જશે,
    અને સરદારો પગે પડશે,”

એકવચની, અને તને પસંદ કરનારા ઇસ્રાએલના પવિત્ર દેવને પ્રતાપે આ થશે.

મુકિતનો દિવસ

યહોવા કહે છે,
“તમારો બચાવ કરવાનો સમય આવશે
    ત્યારે હું તમારા પ્રત્યે ભલાઇ દેખાડીશ
અને તમારા સહાય માટેના પોકારો હું સાંભળીશ,
    હું તમારું રક્ષણ કરીશ અને સર્વ લોકો સાથેના
    મારા કરારના મધ્યસ્થ તમને બનાવીશ,
ઉજ્જડ થયેલી જગામાં
    હું તમને ફરીથી વસાવીશ.
હું બંદીવાનોને કહીશ,
    ‘જાઓ તમે મુકત છો!’
અને જેઓ અંધકારમાં છે તેઓને કહીશ,
    ‘બહાર પ્રકાશમાં આવો!’
તેઓ પર્વત પર ચરનારા ઘેટાં જેવા થશે.
10 તેઓને ભૂખ કે તરસ લાગશે નહિ;
    તેઓને લૂ તથા તાપ વેઠવા પડશે નહિ.
કારણ કે યહોવા પોતાની ભલાઇથી તેઓને દોરતા રહેશે
    અને તેમને પાણીના ઝરા આગળ લઇ જશે.
11 હું દરેક પર્વતને સપાટ
    રસ્તો બનાવી દઇશ
    અને દરેક માર્ગને પૂરીને સરખો કરીશ,

12 “જુઓ, મારા લોકો ઉત્તરના
    તથા પશ્ચિમના તેમજ દક્ષિણના પ્રદેશોમાંથી પાછા ફરશે.”

ગલાતીઓ 2:11-21

પિતર ખોટો હતો તે પાઉલ બતાવે છે

11 પિતર અંત્યોખ આવ્યો. તેણે એવું કાંઈક કર્યુ જે યોગ્ય નહોતું. હું પિતરની વિરુંદ્ધ ગયો કારણ કે તે ખોટો હતો. 12 તે આમ બન્યું: જ્યારે પિતર સૌ પ્રથમ અંત્યોખ આવ્યો, ત્યારે તે બિનયહૂદિ લોકો સાથે જમ્યો અને બિનયહૂદિઓ સાથે સંલગ્ન થયો. પરંતુ પછી કેટલાએક યહૂદિ માણસોને યાકૂબે મોકલ્યા. જ્યારે આ યહૂદિ લોકો આવ્યા ત્યારે, પિતરે બિનયહૂદિઓ સાથે જમવાનું બંધ કર્યુ. પિતર બિનયહૂદિઓથી અલગ થઈ ગયો. તે યહૂદિઓથી ગભરાતો હતો જેઓ માનતા હતા કે બધા જ બિનયહૂદિઓની સુન્નત કરવી જોઈએ. 13 તેથી પિતર ઢોંગી હતો. અને અન્ય યહૂદિ વિશ્વાસીઓ પિતર સાથે જોડાયા. તેઓ પણ ઢોંગી હતા. બાર્નાબાસ પણ આ યહૂદિ વિશ્વાસીઓ જે કરતા હતા તેમના પ્રભાવ નીચે આવી તે પણ ઢોંગથી વર્તવા લાગ્યો. 14 મેં જોયું કે આ યહૂદિઓ શું કરતાં હતા. તેઓ સુવાર્તાના સત્યને અનુસરતા નહોતા. તેથી બીજા બધા યહૂદિઓ હું જે બોલું છું તે સાંભળી શકે તે રીતે મેં પિતર જોડે વાત કરી. મેં આ કહ્યું, “પિતર, તું યહૂદિ છે. પરંતુ યહૂદિ જેવું જીવન જીવતો નથી. તું બિનયહૂદિ જેવું જીવન જીવે છે. તો હવે તું શા માટે બિનયહુદિઓને યહૂદીઓ જેવું જીવન જીવવા માટે દબાણ કરે છે?”

15 આપણે યહૂદિઓ બિનયહૂદિઓ અને પાપીઓ તરીકે નહોતા જન્મ્યા. આપણે યહૂદિઓ તરીકે જન્મ્યા હતા. 16 આપણે જાણીએ છીએ કે નિયમને અનુસરવાથી વ્યક્તિ દેવને યોગ્ય નથી બનતી. ના! ઈસુ ખ્રિસ્તમાં રહેલ વ્યક્તિનો વિશ્વાસ વ્યક્તિને દેવ સાથે ન્યાયી બનાવે છે. તેથી આપણે ઈસુ ખ્રિસ્તમાં આપણો વિશ્વાસ મૂક્યો, કારણ કે આપણે દેવ માટે ન્યાયી બનવા માંગતા હતા. અને આપણે દેવને યોગ્ય છીએ કારણ કે આપણે ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ મુક્યો અને નહિ કે આપણે નિયમને અનુસર્યા. આ સત્ય છે કારણ કે નિયમને અનુસરવાથી કોઈ વ્યક્તિ દેવ ને યોગ્ય ન બની શકે.

17 આપણે યહૂદીઓ દેવને યોગ્ય થવા માટે ખ્રિસ્ત પાસે આવ્યા. તેથી એ સ્પષ્ટ છે કે આપણે પણ પાપી હતા. શું એની અર્થ એ કે ખ્રિસ્તે આપણને પાપી બનાવ્યા? ના! 18 પરંતુ જે મે છોડી દીધું છે તેનું શિક્ષણ (નિયમનું) આપવાની જો ફરીથી શરુંઆત કરીશ તો તે મારા માટે ખોટું થશે. 19 મેં નિયમ માટે જીવવાનું બંધ કર્યુ છે. નિયમે જ પોતે મને મારી નાખ્યો. હું નિયમ માટે મૃત્યુ પામ્યો અને તેથી જ હું દેવ માટે જીવી શક્યો. હું ખ્રિસ્ત સાથે વધસ્તંભ પર મૃત્યુ પામ્યો. 20 જેથી જે જીવન અત્યારે હું જીવું છું તે હું નથી. તે ખ્રિસ્ત મારામાં જીવન જીવે છે. ભૌતિક શરીરથી હું જીવું છું. પરંતુ દેવના દીકરા (ઈસુ) પરના વિશ્વાસ થકી હું જીવું છું. ઈસુ એ છે કે જેણે મને પ્રેમ કર્યો. તેણે મારા ઉદ્ધાર માટે પોતાને અર્પણ કર્યો. 21 આ દેવની કૃપા છે, અને મારા માટે તે ઘણી મહત્વની છે. શા માટે? કારણ કે જો નિયમ આપણને દેવને પાત્ર બનાવી શકતો હોત, તો ખ્રિસ્તને મરવું ના પડત.

માર્ક 6:13-29

13 તે શિષ્યોએ ઘણાં ભૂતોને લોકોમાંથી કાઢ્યાં અને તેમણે ઘણાં માંદા લોકોને ઓલિવ તેલ ચોળી સાજાં કર્યા.

હેરોદ માને છે ઈસુ એ જ બાપ્તિસ્મા કરનાર યોહાન છે

(માથ. 14:1-12; લૂ. 9:7-9)

14 હેરોદ રાજાએ ઈસુ વિષે સાંભળ્યું, કારણ કે હવે ઈસુ પ્રખ્યાત થઈ ગયો હતો. કેટલાક લોકોએ કહ્યું, “તે (ઈસુ) બાપ્તિસ્મા કરનાર યોહાન જ છે. તે મૃત્યુમાંથી ઊઠ્યો છે. તેથી તે આવાં પરાક્રમો કરી શકે છે.”

15 બીજા લોકોએ કહ્યું, “ઈસુ એક પ્રબોધક જેવો છે. લાંબા સમય પહેલા થઈ ગયેલા પ્રબોધકો જેવો તે છે.”

16 હેરોદે ઈસુના વિષે આ વાતો સાંભળી. તેણે કહ્યું, “મેં યોહાનને તેનું માથું કાપી નાંખી મારી નાંખ્યો. હવે તે યોહાન મૃત્યુમાંથી સજીવન થયો છે!”

યોહાન બાપ્તિસ્તનું મૃત્યુ કેવી રીતે થયું

17 હેરોદે પોતે તેના સૈનિકોને યોહાનને પકડવાનો હુકમ કર્યો હતો. તેથી યોહાન બંદીખાનામાં કેદ થયો હતો. હેરોદે તેની પત્નીને ખુશ કરવા આમ કર્યુ હતું. હેરોદિયા હેરોદના ભાઈ ફિલિપની પત્ની હતી. પરંતુ પાછળથી હેરોદ હેરોદિયાને પરણયો. 18 યોહાને હેરોદને કહ્યું કે તેના માટે તેના ભાઈની પત્ની સાથે પરણવું તે ઉચિત નથી. 19 તેથી હેરોદિયાએ યોહાનને ધિક્કાર્યો. તે તેને મારી નાખવા ઈચ્છતી હતી. પરંતુ હેરોદને યોહાનને મારી નાખવાનું સમજાવવા માટે હેરોદિયા અશક્તિમાન હતી. 20 હેરોદ યોહાનની હત્યા કરતાં ડરતો હતો. હેરોદે જાણ્યું કે બધા લોકો ધારતા હતા કે યોહાન એક સારો અને પવિત્ર માણસ છે. તેથી હેરોદે યોહાનનું રક્ષણ કર્યુ. હેરોદને યોહાનનો ઉપદેશ સાંભળવાનો આનંદ થયો. પણ યોહાનનો ઉપયોગ હેરોદને હંમેશા ચિંતા કરાવતો.

21 પછી યોહાનના મૃત્યુના કારણ માટે હેરોદિયાને યોગ્ય સમય મળ્યો. તે હેરોદની વરસગાંઠને દિવસે બન્યું. હેરોદ સૌથી મહત્વના સરકારી અધિકારીઓ, તેના લશ્કરી સેનાપતિઓ અને ગાલીલના ઘણા અગત્યના લોકોને મિજબાની આપી. 22 હેરોદિયાની પુત્રી મિજબાનીમાં આવી અને નાચી. જ્યારે તે નાચી ત્યારે હેરોદ અને તેની સાથે જમતા લોકો ઘણા પ્રસન્ન થયા.

તેથી હેરોદે તે છોકરીને કહ્યું, “તારે જે જોઈએ તે તું માંગી શકે છે અને હું તને તે આપીશ.” 23 હેરોદે તેણીને વચન આપ્યું, “તું ગમે તે માગીશ હું તને આપીશ. હું મારું અડધું રાજ્ય પણ તને આપીશ.”

24 તે છોકરી તેની મા પાસે ગઈ અને કહ્યું, “મારે રાજા હેરોદની પાસે શું માંગવું જોઈએ?”

તેની માએ કહ્યું, “યોહાન બાપ્તિસ્તનું માથું માંગ.”

25 તે છોકરી ઝડપથી રાજા પાસે ગઈ. તે છોકરીએ રાજાને કહ્યું, “કૃપા કરીને મને યોહાન બાપ્તિસ્તનું માથું આપ. હમણાં થાળીમાં તે મારી પાસે લાવ.”

26 રાજા હેરોદ ઘણો દિલગીર થયો. પણ તેણે છોકરીને જે ઈચ્છે તે આપવાનું વચન આપ્યું હતું. અને ત્યાં હેરોદની સાથે જમતાં લોકોએ તેનું વચન સાંભળ્યું હતું. તેથી હેરોદ તેણી જે માગે તેનો અસ્વીકાર કરવા ઈચ્છતો ન હતો. 27 તેથી રાજાએ યોહાનનું માંથુ કાપીને લાવવા માટે સૈનિકને મોકલ્યો. તેથી સૈનિકે કારાવાસમાં જઈને યોહાનનું માથું કાપી નાખ્યું. 28 પછી તે સૈનિક યોહાનનું માથું થાળીમા પાછું લાવ્યો. તેણે તે માથું છોકરીને આપ્યું. પછી તે છોકરીએ તે માથું તેની માને આપ્યું. 29 યોહાનના શિષ્યોએ જે બન્યું તેના વિષે સાંભળ્યું. તેથી તેઓ આવ્યા અને યોહાનનું ધડ મેળવ્યું. તેઓએ તેને કબરમાં મૂક્યું.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International