Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 41

નિર્દેશક માટે. દાઉદનું ગીત.

જે દરિદ્રીની ચિંતા કરે છે, તે યહોવાથી આશીર્વાદિત છે;
    સંકટ સમયે ખરેખર યહોવા તેને વિપત્તિમાંથી છોડાવે છે.
તેનું યહોવા રક્ષણ કરે છે તથા તેને જીવંત રાખે છે;
    તે તેના શત્રુઓના બળને નષ્ટ કરે છે
    અને જાહેરમાં તેને માન આપે છે જેથી તે સંસારમાં સુખ પામે.
યહોવા તેને બીમારીના બિછાના પર ટકાવી રાખશે,
    અને મંદવાડમાં તેનાં દુ:ખ અને ચિંતા લઇ લેશે.

મેં પ્રાર્થના કરી, “હે યહોવા, મારા પર દયા રાખો અને મને મારી માંદગીમાંથી સાજો કરો,
    કારણકે મેં કબૂલાત કરી હતી કે મેં તમારી વિરુદ્ધ પાપ કર્યા છે.”
મારા શત્રુઓ આ બધી ખરાબ બાબતો મારી વિરુદ્ધ કહે છે, “તે ટૂંક સમયમાં મૃત્યુ પામશે.
    તેનું નામ સમગ્ર સંસારમાંથી વિસરાઇ જશે.”
મારી માંદગીમાં મુલાકાતે આવી, ઢોંગ કરી મિત્રતાનો દાવો કરે છે,
    અને હૃદયમાં અન્યાયનો સંગ્રહ કરે છે;
જ્યારે તે બહાર જાય છે તો નામોશી કરી અને તે જાહેર કરે છે
    અને નિર્બળતાની હાંસી ઉડાવે છે.
મારો દ્વેષ કરનારા અંદરો અંદર કાનમાં વાતો કરે છે,
    અને મારા વિષે તે અત્યંત ખરાબ કલ્પના કરે છે.
તેઓ કહે છે; “તેની માંદગી એવી પ્રાણધાતક છે
    કે તે પથારીમાં પડ્યો છે
    ઓટલે પાછો ઊઠવાનો નથી.”
મારો જે શ્રેષ્ઠ મિત્ર હતો, જેની સાથે મેં ઘણીવાર ભોજન લીધું હતુ
    અને મને જેના પર ભરોસો હતો, તે મારી વિરુદ્ધ થઇ ગયો છે.
10 હે યહોવા, મારા પર કૃપા કરો, અને મને ફરી સાજો કરો;
    મને પથારીમાંથી ઊઠાડો, જેથી હુ તેમનો ઇલાજ કરું.
11 તમે મારા પર પ્રસન્ન છો એની મને ખબર છે;
    તમે મારા પર શત્રુઓને વિજય આપ્યો નથી.
12 હું નિર્દોષ હતો અને તમે મને ટેકો આપ્યો હતો.
    તમારી સમક્ષ હંમેશા ઉભો રહેવા તમે મારી મદદ કરી.

13 ઇસ્રાએલનાં દેવ યહોવા પુરાતન કાળથી
    તે અનંતકાળ સુધી સ્તુત્ય રહે.

આમીન તથા આમીન.

ગીતશાસ્ત્ર 52

નિર્દેશક માટે. દાઉદનું માસ્કીલ, જ્યારે દોએગ અદોમીએ આવીને શાઉલને ખબર આપી કે, “દાઉદ અહીમેલેખને ત્યાં આવ્યો છે,” તે વખતે લખાયેલું છે.

અરે ઓ જુલમગાર, તું તારા દુષ્ટ કાર્યો વિષે શા માટે અભિમાન કરે છે?
    તું લગાતાર દેવને અપકીર્તિ કરનાર છે?
તું દુષ્ટ યોજનાઓ બનાવે છે.
    તારી જીભ અણીદાર અસ્રા જેવી છે.
    તારી જીભ દુષ્ટતા કરવા જૂઠું બોલ્યા કરે છે.
તું ભલાઇ કરતાં વધારે દુષ્ટતા ચાહે છે,
    તું સત્ય કરતાં વધારે અસત્ય આચરે છે.

તું અને તારી જૂઠી જીભ લોકોને ઇજા કરવા માંગે છે.
પણ દેવ તને નીચો પાડશે, અને તને ઘરમાંથી ખેંચી કાઢશે;
    અને ઇહલોકમાંથી તને ઉખેડી નાખશે.

નિષ્પક્ષો આ જોશે અને ભય રાખશે,
    અને દેવને માન આપશે
તેઓ હસશે અને કહેશે કે,
    “જે પુરુષે ઇશ્વરને પોતાનો આશ્રય ન કર્યો,
    અને દુષ્કર્મોને વળગી રહ્યો તે પોતાના આ ધન પર ભરોસો રાખીને રહ્યો.”

પણ હું તો દેવના મંદિરમાં આબાદી પામતાં જૈતવૃક્ષ જેવો છું.
    હું હંમેશા ઇશ્વરની કૃપા પર ભરોસો રાખીશ.
હે યહોવા, તમે જે કાંઇ કર્યું છે, તે માટે હું સદાકાળ આભાર સ્તુતિ કરીશ.
    તમારા સંતોની સામે તમારું નામ ઉત્તમ છે એવું હું પ્રગટ કરીશ.

ગીતશાસ્ત્ર 44

નિર્દેશક માટે. કોરાહનાં કુટુંબનું ગીત. માસ્કીલ.

હે દેવ, તમે પુરાતન કાળમાં, પિતૃઓના સમયે,
    જે મહાન કૃત્યો કર્યા હતા, તેના વિષે તેઓએ અમને કહ્યું,
    તે અમે અમારા કાનોએ સાંભળ્યું છે.
વિદેશીઓની પ્રજાને,
    તમે તમારા હાથે હાંકી કાઢી,
ઇસ્રાએલીઓને એક છેડાથી બીજા છેડા સુધી
    તેઓને ત્યાં વસાવ્યા હતા.
જેણે તેમને વિજય અપાવ્યો, તે તેમની તરવારો ન હતી.
    અને તેમને તે ભૂમિનો કબજો લેવા દીધો હતો.
તેઓ પોતાના હાથની શકિતથી પોતાનું રક્ષણ કરી શક્યાં ન હતા,
    પરંતુ તમારા જમણા હાથે,
તમારા ભુજે તમારા દૈવી પ્રકાશે તેઓને બચાવ્યાં હતા.
    કારણ, તમે તેમનાથી પ્રસન્ન હતાં.
હે દેવ, તમે મારા રાજા છો.
    આજ્ઞા આપો અને યાકૂબના લોકોને તારણ સુધી દોરી જાવ.
અમે અમારા શત્રુઓને માત્ર તમારી સહાયથી હરાવીશું;
    અને તમારા નામે અમે અમારા વેરીઓને કચરી નાખીશું.
હું મારા ધનુષ પર ભરોસો રાખતો નથી, “તરવાર”
    પણ મારો બચાવ કરી શકશે નહિ.
તમે અમારા શત્રુના લશ્કરથી અમારી રક્ષા કરી છે,
    જેઓ અમારો દ્વેષ કરે છે, તેઓને તમે લજ્જિત કરો છો
આખો દિવસ પર્યંત અમો દેવની સ્તુતિ કરીશું!
    અમે સદાકાળ તમારા નામની આભારસ્તુતિ ચાલુ રાખીશું!

પણ હે યહોવા, તમે અમને તજી દીધા છે અને શરમિંદા કર્યા છે.
    તમે અમારી સાથે યુદ્ધ માટે આવ્યાં ન હતાં.
10 તમે શત્રુઓ આગળ અમારી પીછેહઠ કરાવી છે,
    અને તેઓએ અમને તેમની ઇચ્છા મુજબ લૂંટયા છે.
11 તમે અમને તજી દીધાં છે, અમારી હાલત કાપવા માટેનાં ઘેટાઁઓ જેવી થઇ છે,
    અને તમે અમને વિદેશી પ્રજાઓમાં વિખેરી નાખ્યા છે.
12 તમે અમને નજીવી કિંમતમાં વેચી દીધાં છે,
    શું તમારી નજરમાં અમારી કોઇ કિંમત નથી?
13 અમારા પડોશીઓ આગળ તમે અમને નિંદા રૂપ બનાવ્યાં છે;
    અને અમારી આસપાસનાં લોકો સમક્ષ અમને હાંસીરૂપ બનાવ્યા છે.
14 તમે અમને રાષ્ટ્રો વચ્ચે તિરસ્કાર અને હાંસીને પાત્ર બનાવ્યા છે.
    તેઓ અમારી સામે જુએ છે, તેઓના માથા હલાવે છે અને અમારા પર હસે છે.
15 આખો દિવસ હું મારું કલંક જોઉં છું
    અને મારું માથું શરમથી ઝૂકી ગયું છે.
16 કારણ, મારી નિંદા થાય છે અને મારા વિષે ખરાબ બોલાય છે.
    જુઓ, મારા શત્રુ તથા વેર વાળનારા આવું કરે છે.
17 ભલે, આ બધું અમારા પર આવી પડ્યું,
    તોય અમે તમને ભૂલી નથી ગયા;
    ને તમારા કરાર પ્રતિ વિશ્વાસઘાતી નથી થયા.
18 અમારું હૃદય તમારાથી પાછું હઠી ગયું નથી,
    અને તમારા માર્ગથી, અમે એક ડગલું પણ ચલિત થયા નથી.
19 તો પણ તમે અમને શિયાળવાની જગામાં કચડ્યા છે;
    અને અમને તમે મોતની ગાઢ છાયાથી ઢાંકી દીધાં છે
20 જો અમે અમારા દેવનું નામ ભૂલી ગયા હોત
    અથવા પારકા દેવોની તરફ અમારા હાથ ફેલાવ્યા હોત,
21 તો શું દેવે તે જાણ્યું ન હોત? હા,
    યહોવા સર્વના હૃદયનું રહસ્ય જાણે છે.
22 પરંતુ તમારે કારણે જ અમે આખો દિવસ માર્યા જઇએ છીએ.
    તમારે કારણે અમને કાપવા માટે દોરી જવાતાં ઘેટાં જેવા ગણવામાં આવે છે.
23 હે યહોવા, જાગૃત થાઓ!
    હવે ઊંઘસો નહિ;
    અને અમને સદાને માટે, દૂર કરશો નહિ.
24 તમે તમારું મુખ અમારાથી શા માટે અવળું ફેરવો છો?
    તમે અમારા સંકટો અને અમારી સતા વણીની અવગણના શા માટે કરો છો?
25 અમો ધૂળમાં નીચે મ્હો રાખીને પડયાં છીએ
    અને અમારા પેટ જમીનમાં દબાઇ રહ્યાં છે.
26 હે દેવ, અમને મદદ કરવા ઊઠો,
    અને તમારી કૃપાથી અમને બચાવી લો.

યશાયા 48:1-11

યહોવાના હાથમાં ભાવિ

48 યહોવા કહે છે, “હે યાકૂબના વંશજો.
    તમે સાંભળો, તમે ઇસ્રાએલને નામે ઓળખાઓ છો,
    તમે યહૂદાના ફરજંદો છો:
તમે યહોવાના નામે સમ ખાઓ છો
    અને ઇસ્રાએલના દેવની ભકિત કરવાનો દાવો કરો છો,
    પણ સાચેસાચ કે સાચી શ્રદ્ધાથી નહિ.

“અને છતાં તમે પોતાને પવિત્ર નગરીના નાગરિક કહેવડાવો છો
    અને જેનું નામ સૈન્યોના દેવ યહોવા છે
    એવા ઇસ્રાએલના દેવ પર આધાર રાખો છો.”

યહોવા કહે છે, “ભૂતકાળના બનાવોની મેં અગાઉથી આગાહી કરી હતી,
    મારે પોતાને મોઢે મેં એ જાહેર કર્યુ હતું,
    અને પછી એકાએક મેં અમલ કર્યો અને એ સાચું પડ્યું.
મને ખબર હતી કે તમે હઠીલા હતા,
    તારા ડોકના સ્નાયુઓ લોખંડ જેવા હતા,
    અને તારું કપાળ પિત્તળ જેવું હતું.
તેથી મેં તમને લાંબા સમય પહેલાંથી
    એ બધું કહી રાખ્યું હતું,
જેથી તમે એમ ન કહી શકો કે,
    ‘આ તો મારી મૂર્તિએ કર્યુ છે,
    મારી કોતરેલી અને ઢાળેલી મૂર્તિઓના હુકમથી એ બન્યું છે.’”

ઇસ્રાએલને સ્વચ્છ કરવા માટે દેવ સજા કરે છે

“તમે મારા ભવિષ્યકથનો વિષે સાંભળ્યું છે
    અને તેમને પરિપૂર્ણ થતાં પણ જોયા છે.
    છતાં તેની સાથે સહમત થવાની તેં સંમત્તિ દર્શાવી નથી.
હવે હું તને નવી બાબતો વિષે કહું છું જે મેં અગાઉ કહ્યું નથી,
    હું તને એક ગુપ્ત બાબત કહું છું જે તેં પહેલા સાંભળી નથી.
એ ઘટનાઓ પહેલાં બની નહોતી, અત્યારે જ મારી ઇચ્છાથી બને છે,
    એને વિષે તમે અત્યાર સુધી કશું સાંભળ્યું નથી,
    જેથી તમે એમ ન કહો કે, ‘અરે! આ તો અમે જાણતા હતા.’
હા, હું તને સંપૂર્ણ નવી બાબતો કહેવાનો છું,
    કારણ કે હું સારી રીતે જાણું છું
    કે તું દગાબાજ
અને બાળપણથી જ તું બંડખોર છે,
    તું ષ્ટતાથી ભરેલો છે.

“મારા નામની માટે
    મેં મારા ક્રોધને રોકી રાખ્યો હતો,
મારી પ્રતિષ્ઠાને માટે મેં સંયમ રાખ્યો હતો,
    તમારો નાશ નહોતો કર્યો.

10 “મેં તને વિશુદ્ધ કર્યો,
    પણ ચાંદી જેવો નહિ.
    મેં તને મુશ્કેલીઓની ભઠ્ઠીમાં તાપ્યો.
11 કેવળ મારા પોતાના માટે, હા,
    મારા પોતાના માટે, હું કાર્ય કરીશ, જેથી મારું નામ ષ્ટ થાય નહિ,
    હું મારું ગૌરવ બીજા કોઇને આપીશ નહિ.”

ગલાતીઓ 1:1-17

પ્રેરિત પાઉલ તરફથી સલામ. પ્રેરિત થવા માટે હું માણસો તરફથી પસંદ નથી થયો. માણસોએ મને નથી મોકલ્યો. ના! ઈસુ ખ્રિસ્તે તથા દેવ બાપે મને પ્રેરિત બનાવ્યો છે. દેવ એક છે જેણે ઈસુને મૃત્યુમાંથી ઊઠાડયો. ખ્રિસ્તમાં જેઓ મારી સાથે છે તેઓ તરફથી ગલાતિયામાંની[a] મંડળીઓને કુશળતા પાઠવું છું.

હું પ્રાર્થના કરું છુ કે આપણા દેવ બાપ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા પ્રતિ સૌમ્ય રહેશે અને તમને શાંતિ પ્રદાન કરશે. આપણાં પાપો માટે ઈસુએ પોતાનું સ્વાર્પણ કર્યુ. આપણને આ અનિષ્ટ દુનિયા કે જેમાં આપણે જીવીએ છીએ. તેમાંથી મુક્તિ અપાવવા ઈસુએ આમ કર્યુ. આપણા દેવ પિતાની આ ઈચ્છા હતી. તેનો મહિમા સદાસર્વકાળ હોજો. આમીન.

માત્ર એક જ સાચી સુવાર્તા છે

થોડા સમય પહેલા તેને અનુસરવાનું દેવે તમને આહવાન આપેલું. ઈસુમાંથી પ્રગટ થતી તેની કૃપા દ્વારા તેણે તમને આ આહવાન આપેલું પરંતુ હવે તમારા લોકોથી હું નવાઈ પામું છું! તમે તેનાથી વિમુખ થઈ રહ્યા છો. અને અન્ય પ્રકારની સુવાર્તાને અનુસરો છો. વાસ્તવમાં બીજી કોઈ સાચી સુવાર્તા નથી. પરંતુ કેટલાએક લોકો તમને ગુંચવે છે. તેઓ ખ્રિસ્તની સુવાર્તામાં પરિવર્તન ઈચ્છે છે. અમે તમને સાચી સુવાર્તા કહી છે. જેથી અમે પોતે કે આકાશમાંના દૂત પણ તમને ભિન્ન સુવાર્તા કહે તો તે શાપિત થાઓ! મેં અગાઉ પણ તમને આ કહેલું અને ફરીથી કહું છું: તમે સાચી સુવાર્તાને કયારની અપનાવી લીધી છે. જો કોઈ પણ વ્યક્તિ તમને ઉદ્ધાર માટેનો જુદો રસ્તો બતાવે તો તે વ્યક્તિ શ્રાપિત થાઓ.

10 હવે શું તમે એમ માનો છો કે લોકો મને અપનાવે તેવો પ્રયત્ન હું કરું છું? ના! દેવ એક છે જેને પ્રસન્ન કરવાનો હું પ્રયત્ન કરું છું. શું હું માણસોને રાજી કરવાનો પ્રયત્ન કરું છું? જો હું માણસોને રાજી કરવા માંગતો હોત, તો ઈસુ ખ્રિસ્તનો હું સેવક નથી.

પાઉલની સત્તા દેવ તરફથી છે

11 પણ ભાઈઓ, હું ઈચ્છુ છું કે તમે જાણો કે જે સુવાર્તા મેં તમને પ્રગટ કરી છે તે માનવ સર્જીત નથી. 12 માનવ તરફથી મને સુવાર્તા પ્રાપ્ત નથી થઈ. કોઈ માનવીએ મને સુવાર્તા નથી શીખવી. ઈસુ ખ્રિસ્તે મને એ પ્રદાન કરી છે. તેણે મને એ સુવાર્તાના દર્શન કરાવ્યા કે જેથી તેનું કથન હું લોકોને કરું.

13 તમે મારા પાછલા જીવન વિષે સાંભળ્યુ છે. હું યહૂદી ધર્મ પાળતો હતો. મેં દેવની મંડળીને ખૂબ સતાવી છે. મેં મંડળીનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો છે. 14 મારી ઉમરના બીજા યહૂદીઓ કરતાં હું યહૂદી ધર્મની વધારે પ્રગતિ કરી રહ્યો હતો. બીજા યહૂદીઓ કરતા તે પરંપરાને અનુસરવા મેં વધારે પ્રયત્ન કર્યો છે.

15 પરંતુ મારા જન્મ પહેલા દેવની યોજના મારા માટે કોઈ ખાસ હતી. તેથી તેની કૃપાથી દેવે મને આહવાન આપ્યું. દેવ ઈચ્છતો હતો 16 કે તેના દીકરા (ઈસુ) વિષેની સુવાર્તા હું બિનયહૂદી લોકોને કહું. તેથી દેવે મને તેના દીકરા વિષે દર્શાવ્યું. જ્યારે દેવે મને બોલાવ્યો ત્યારે મેં કોઈ પણ માણસની સલાહ કે મદદ લીધી નહોતી. 17 હું યરૂશાલેમમાં પ્રેરિતોને મળવા નહોતો ગયો. આ લોકો મારા પહેલા પ્રેરિતો હતા. પરંતુ રાહ જોયા વગર, હું અરબસ્તાન ગયો. પાછળથી હું દમસ્ક શહેરમાં પાછો ફર્યો.

માર્ક 5:21-43

ઈસુનું મૃત છોકરીને સજીવન કરવું અને બિમાર સ્ત્રીને સાજી કરવી

(માથ. 9:18-26; લૂ. 8:40-56)

21 ઈસુ હોડીમાં બેસી સરોવર ઓળંગીને તેની બીજી બાજુએ ગયો. સરોવરની બાજુમાં તેની આજુબાજુ ઘણા લોકો ભેગા થયા હતા. 22 સભાસ્થાનના આગેવાનોમાંનો એક ત્યાં આવ્યો. તેનું નામ યાઈર હતું. યાઈરે ઈસુને જોયો અને તેની આગળ પગે પડ્યો. 23 યાઈરે ઈસુને ઘણી આજીજી કરીને કહ્યું, “મારી નાની દિકરી મરણ પથારી પર છે. કૃપા કરીને તારો હાથ તેના પર મૂક. પછી તે સાજી થઈ જશે અને જીવશે.”

24 તેથી ઈસુ યાઈર સાથે ગયો. ઘણા લોકો ઈસુની પાછળ ગયા. તેઓ તેની આજુબાજુ ઘણા નજીક હોવાથી ધક્કા-ધક્કી થતી હતી.

25 લોકો મધ્યે એક સ્ત્રી હતી. આ સ્ત્રીને છેલ્લા બાર વર્ષોથી લોહીવા હતો. 26 તે સ્ત્રીએ ઘણું સહન કર્યુ હતું. ઘણા વૈદોએ તેનો ઇલાજ કરવા પ્રયત્ન કર્યો હતો. તેની પાસેના બધા પૈસા ખર્ચાઇ ગયા પરંતુ તેનામાં સુધારો થતો ન હતો. તેની બિમારી વધતી જતી હતી.

27 તે સ્ત્રીએ ઈસુ વિષે સાંભળ્યું. તેથી તે ટોળામાંથી ઈસુની પાછળ લોકો સાથે ગઈ. અને તેના ઝભ્ભાને અડકી. 28 તે સ્ત્રીએ વિચાર્યુ, “જો હું તેના કપડાંને પણ સ્પર્શ કરીશ તો તે મને સાજી કરવા પૂરતું છે.” 29 જ્યારે તે સ્ત્રી તેના ઝભ્ભાને અડકી, ત્યારે તરત તેનો લોહીવા અટકી ગયો. તે સ્ત્રીને લાગ્યું કે તેનું શરીર દર્દમાંથી સાજું થઈ ગયું છે. 30 ઈસુએ જાણ્યું કે તેનામાંથી સાર્મથ્ય બહાર નીકળ્યું. તેથી તે ટોળા તરફ ફર્યો અને પૂછયું, “મારા લૂગડાને કોણે સ્પર્શ કર્યો?”

31 શિષ્યોએ ઈસુને કહ્યું, “તું જુએ છે કે ઘણા લોકો તારી પર પડાપડી કરે છે અને તું પૂછે છે કે, ‘મને કોણે સ્પર્શ કર્યો?’”

32 પરંતુ જે વ્યક્તિએ ઈસુને સ્પર્શ કર્યો તેને જોવાનું ઈસુએ ચાલું રાખ્યું. 33 તે સ્ત્રીએ જાણ્યું કે તે સાજી થઈ ગઈ હતી. તેથી તે આવી અને ઈસુના પગે પડી. તે સ્ત્રી ભયથી ધ્રુંજતી હતી. તેણે ઈસુને આખી વાત કહી. 34 ઈસુએ તે સ્ત્રીને કહ્યું, “તને સાજી કરવામાં આવી છે કારણ કે તને વિશ્વાસ છે. શાંતિથી જા. હવે તારે વધારે સહન કરવાનું નહિ રહે.”

35 ઈસુ હજુ બોલતો હતો તેટલામાં કેટલાક માણસો યાઈર જે સભાસ્થાનનો આગેવાન છે તેના ઘરમાંથી આવ્યો. તે માણસોએ કહ્યું, “તારી દીકરી મૃત્યુ પામી છે. તેથી હવે ઉપદેશકને તસ્દી આપવાની જરુંર નથી.”

36 માણસો શું કહે છે તેની ચિંતા પણ ઈસુએ કરી નહિ. ઈસુએ સભાસ્થાનના આગેવાનને કહ્યું, “ગભરાઈશ નહિ; માત્ર વિશ્વાસ રાખ.”

37 ઈસુએ ફક્ત પિતર, યાકૂબ અને યાકૂબના ભાઈ યોહાનને પોતાની સાથે આવવા દીધા. 38 ઈસુ અને આ શિષ્યો યાઈર જે સભાસ્થાનનો આગેવાન હતો તેને ઘેર ગયા. ઈસુએ ઘણા લોકોને મોટે સાદે રડતા જોયા. ત્યાં ઘણી મુંઝવણ હતી. 39 ઈસુએ ઘરમાં પ્રવેશીને લોકોને કહ્યું, “તમે લોકો શા માટે રડો છો અને આટલો બધો ઘોંઘાટ કરો છે? આ બાળક મરી ગયું નથી. તે તો ફક્ત ઊંઘે છે.” 40 પણ બધા લોકો ઈસુ તરફ હસ્યા. ઈસુએ લોકોને ઘરની બહાર જવા કહ્યું. પછી ઈસુ બાળક જે ઓરડામાં હતું ત્યાં ગયો. તે બાળકના માતાપિતા અને તેના ત્રણ શિષ્યોને તેની સાથે ઓરડામાં લાવ્યા. 41 પછી ઈસુએ છોકરીનો હાથ પકડ્યો અને તેને કહ્યું, “ટલિથા કૂમ!” (આનો અર્થ, “નાની છોકરી, હું તને ઊભી થવા કહું છું.”) 42 તે છોકરી ઊભી થઈ અને ચાલવા લાગી. (તે છોકરી બાર વરસની હતી.) પિતા, માતા અને શિષ્યો ખૂબ અચરજ પામ્યા હતા. 43 ઈસુએ પિતા અને માતાને કડક હુકમ કર્યો કે લોકોને આ વિષે કહેવું નહિ. પછી ઈસુએ તે છોકરીને થોડું ખાવાનું આપવા તેઓને કહ્યું.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International