Book of Common Prayer
1 પૃથ્વીનાં સર્વ લોકો યહોવાને મોટા મનાઓ.
બધી પ્રજાઓ સર્વ સ્થળે યહોવાની સ્તુતિ કરો.
2 કારણ કે તેમની અનહદ કૃપા આપણા પર છે;
યહોવાની સત્યતા ટકે છે સર્વકાળ!
યહોવાની સ્તુતિ હો.
1 યહોવાનો આભાર માનો; કારણકે તે ભલા છે
તેમનો સાચો પ્રેમ સદાય રહે છે.
2 ઇસ્રાએલના પ્રજાજનો, તેમની સ્તુતિ કરો આ શબ્દોથી,
“તેમની કૃપા સદાય રહે છે.”
3 હારુન પુત્રો, આ પ્રાર્થના ગીત ગાઓ,
“તેમનો સાચો પ્રેમ સદાય રહે છે.”
4 યહોવાના અન્ય ભકતો, તમે પણ કહો કે;
“તેમનો સાચો પ્રેમ સદાય રહે છે.”
5 મારા સંકટમાં મેં યહોવાને વિનંતી કરી;
તેમણે મને ઉત્તર આપી ને મને બચાવ્યો.
6 યહોવા મારા પક્ષમાં છે, મને ડર શાનો?
પૃથ્વી પરનો માણસ મને શું કરી શકે?
7 યહોવા મને મદદ કરશે, તે મારા પક્ષમાં છે;
તેથી મારી સગી આંખે હું મારા શત્રુઓને પરાજીત થતાં જોઇશ.
8 માણસો પર ભરોસો રાખીએ તે કરતાં;
યહોવા પર ભરોસો રાખીએ તે વધુ સારુ છે.
9 સમર્થ રાજાઓના આશ્રયે જવું તે કરતાં;
યહોવામાં આશ્રય મેળવવો તે વધું સારો છે.
10 બધી પ્રજાઓએ મને ઘેરી લીધો છે,
પણ હું યહોવાનું નામ લઇને તેમને પરાજીત કરીશ.
11 હા, મને શત્રુઓએ ઘેર્યો હતો ખરેખર તેમણે મને ઘેર્યો હતો;
પણ યહોવાના નામેં હું તેમને હરાવીશ.
12 તેઓએ મને મધમાખીઓની જેમ ઘેર્યો હતો;
પણ તેઓ સળગતાં કાંટાની જેમ તુરંત જ ઓલવાઇ ગયા છે.
હું તેમને યહોવાનું નામ લઇને હરાવીશ.
13 ઓ મારા શત્રુઓ, તમે મારો વિનાશ કરવા ઘણી મહેનત કરી.
પણ મને યહોવાએ સહાય કરી.
14 પણ યહોવા મારું સાર્મથ્ય છે અને વિજયગીત છે;
તે જ મારું તારણ થયા છે.
15 સદાચારીઓના મંડપમાં, વિજયોત્સવના હર્ષનાદ સંભળાય છે,
યહોવાનો જમણો હાથ બહાદુરીના કાર્યો કરે છે.
16 યહોવાનો જમણો હાથ ઊંચો થયેલો છે;
અને યહોવાનો જમણો હાથ પરાક્રમ કરે છે.
17 હું મરીશ નહિ પણ હું જીવતો રહીશ;
અને યહોવાએ કરેલા સર્વ કાર્યોને ઉચ્ચારીશ.
18 યહોવાએ મને ભારે શિક્ષા કરી,
પણ તેણે મને મૃત્યુને સ્વાધીન કર્યો નથી.
19 ન્યાયીપણાનું પ્રવેશદ્વાર ઉઘાડો, હું તેમા થઇને જઇશ;
અને યહોવાનો આભાર માનીશ.
20 એ દ્વાર યહોવાની સમક્ષ જવાનું છે;
યહોવાનો ભય રાખનાર ન્યાયીઓ તેમાં જશે.
21 હે યહોવા, તમે મારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે;
અને મારો ઉદ્ધાર કર્યો છે, હું તમારો આભાર માનું છું.
22 જે પથ્થરને ઘર બાંધનારાઓએ નકાર્યો હતો;
તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.
23 આ કાર્ય તો યહોવાથી થયું છે;
આપણી દ્રૃષ્ટિમાં તે આશ્ચર્યકારક છે.
24 યહોવાએ આપણને આ દિવસ આપ્યો છે;
આપણે તેમાં આનંદોત્સવ કરીએ.
25 હે યહોવા, અમારી ઉપર દયા રાખ અને અમને તારણ આપો;
હે યહોવા, અમારી પર દયા કર અને મહેરબાની કરીને અમને સફળ બનાવો.
26 યહોવાને નામે જે આવે છે તેને ધન્ય છે;
યહોવા મંદિરમાંથી અમે તમને આશીર્વાદ દીધો છે.
27 યહોવા તે જ દેવ છે અને તે અમારો પ્રકાશ છે.
બલિદાન માટે બાંધેલા ઘેટાને વેદીના શિંગ તરફ લઇ જતાં ઉત્સવના સરઘસમાં તમે બધાં જોડાઇ જાઓ.
28 તમે મારા યહોવા, હું તમારો આભાર માનીશ;
તમે મારા દેવ છો, હું તમને મોટા માનીશ.
29 યહોવાનો આભાર માનો, તે ઉત્તમ છે;
અને તેમની કૃપા સર્વકાળ ટકે છે.
1 યહોવાની સ્તુતિ થાઓ!
જે યહોવાનો ડર રાખે છે અને માન આપે છે તેને ધન્ય છે.
અને જેઓ ખુશીથી તેની આજ્ઞાને અનુસરે છે તેઓ આશીર્વાદિત છે.
2 તેઓનાં સંતાન પૃથ્વી પર બળવાન થશે;
અને ન્યાયીઓના વંશજો સાચા અર્થમાં આશીર્વાદ પામશે.
3 તેમના ઘરમાં ધનદોલતની વૃદ્ધિ થશે;
અને તેમનું ન્યાયીપણુ કદી વિસરાશે નહિ.
4 સારા લોકો માટે અંધકારમાં પ્રકાશ પ્રગટ થાય છે;
તેઓને માટે દેવ ભલા, દયાળુ અને કૃપાળુ છે.
5 વ્યકિત માટે દયાળુ અને ઉદાર થવું તે સારું છે,
વ્યકિત માટે એ તેના બધાં વ્યવહારમાં ન્યાયી રહેવું તે સારું છે.
6 તે વ્યકિત કદી પડશે નહિ
તેથી સારા માણસનું સ્મરણ સર્વકાળ રહેશે.
7 તે ખરાબ સમાચારથી ડરતો નથી;
અને શું થશે તેની પણ ચિંતા કરતો નથી તે દેવ પર ભરોસો રાખી દ્રઢ રહે છે.
8 તેનું અંત:કરણ શાંત અને સ્થિર રહે છે;
તેથી તે ડરશે નહિ. શત્રુઓ પર જીત મેળવશે.
9 તેણે ઉદારતાથી નિર્ધનોની મદદ કરી છે,
અને તેનું ન્યાયીપણું સર્વકાળ ટકે છે;
અને તે મોટું સન્માન પ્રાપ્ત કરશે.
10 જ્યારે દુષ્ટો આ જોશે ત્યારે ગુસ્સે થશે,
તેઓ ક્રોધમાં પોતાના દાંત પીસશે;
અને દુબળા થઇ જશે એમ દુષ્ટોની યોજનાઓ નિષ્ફળ જશે.
1 યહોવાની સ્તુતિ કરો!
હે યહોવાના સેવકો, સ્તુતિ કરો,
યહોવાના નામની સ્તુતિ કરો.
2 યહોવાનું નામ આ સમયથી
તે સર્વકાળ સુધી સ્તુત્ય થાઓ.
3 સૂર્યોદયથી તે સૂર્યાસ્ત સુધી
યહોવાના નામની સ્તુતિ કરો.
4 યહોવા સર્વ પ્રજાઓ પર સવોર્પરી અધિકારી છે;
અને તેનું ગૌરવ આકાશો કરતાં મોટું છે.
5 આપણા દેવ યહોવા જેવો છે કોણ?
જે ઉચ્ચસ્થાનમાં પોતાનું રહેઠાણ રાખે છે.
6 આકાશો ને પૃથ્વીથી યહોવા ઘણા ઊંચા છે.
પોતાને નીચા નમાવે છે, તેથી તેને જોવા તેમણે નીચું જોવુ પડે.
7 રાંકને ધૂળમાંથી તે ઉઠાવી લે છે;
અને ભૂખ્યાઓને કચરાનાં ઢગલામાંથી.
8 અને બેસાડે છે પોતાના લોકોને અમીર ઉમરાઓ સાથે;
રાજકુમારોની મધ્યે.
9 તે નિ:સંતાન સ્રી ને સંતાન આપે છે;
અને સુખી થશે માતા!
યહોવાની સ્તુતિ થાઓ.
15 હા, સત્યનો સદંતર અભાવ છે,
અને જે સત્યને વળગી રહેવા પ્રયત્ન કરે છે તેના ઉપર આક્રમણ થાય છે.
યહોવાએ સર્વ દુષ્ટતા નિહાળી છે
અને પાપની વિરુદ્ધ કોઇ પગલું લેવામાં આવ્યું નથી તેથી તે નારાજ થાય છે.
16 યહોવાએ આ જોયું છે અને તે ન્યાયના અભાવથી અપ્રસન્ન થયા છે.
દીનદલિતોની સાથે થવા કોઇ તૈયાર નથી,
એ જોઇને તે નવાઇ પામ્યા છે.
આથી તે પોતાના જ બાહુબળથી અને ન્યાયીપણાથી વિજય પ્રાપ્ત કરશે.
17 તે મુકિતનું બખતર ચઢાવશે
અને માથે વિજયનો ટોપ ધારણ કરશે,
વેરના વાઘા પહેરશે
અને ઉપર ક્રોધનો ઝભ્ભો ઓઢશે.
18 તે દરેકને તેના કર્મ પ્રમાણે બદલો આપશે.
શત્રુઓ પર રોષ ઉતારશે,
દુશ્મનોને દંડ દેશે
અને દૂર દેશાવરના લોકોને પણ સજા કરશે.
19 ત્યારબાદ પૂર્વથી પશ્ચિમ સુધી લોકો યહોવાના નામથી ડરશે
અને તેના પ્રતાપથી થરથર ધ્રુજશે;
કારણ તે ધસમસતા પૂરની
અને પ્રચંડ વાયુની જેમ ઘસી આવશે.
20 પણ સિયોનને માટે, પોતાના લોકોમાંથી જેઓ પાપથી પાછા ફર્યા હશે
તેમને માટે તો તે ઉદ્ધારકરૂપે આવશે. આ યહોવાના પોતાના વચન છે.
21 યહોવા કહે છે કે, “આ મારો તમારી સાથેનો કરાર છે; મેં મારો આત્મા જે તારા પર છે, ને મારાં વચનો જે તારા મુખમાં મૂક્યાં છે તે તારા મુખમાંથી તારા સંતાનના મુખમાંથી, તથા તારા સંતાનના સંતાનનાં મુખમાંથી હમણાંથી તે સર્વકાળપર્યંત અલોપ થનાર નથી.”
સ્મુર્નામાંની મંડળીને ઈસુનો પત્ર
8 “સ્મુર્નામાંની મંડળીના દુતને આ લખ કે:
“એક જે પ્રથમ અને છેલ્લો છે તે આ હકીકતો તમને કહે છે. તે એક છે જે મૃત્યુ પામ્યો અને ફરી જીવતો થયો.
9 “તારી મુસીબતો હું જાણું છું. અને તું ગરીબ છે તે પણ જાણું છું પરંતુ ખરેખર તું ધનવાન છે! તારા વિષે કેટલાક લોકો ખરાબ વાતો કરે છે તે પણ હું જાણું છું. પેલા લોકો કહે છે કે તેઓ યહૂદીઓ છે. પણ તેઓ સાચા યહૂદીઓ નથી તેઓ શેતાનની સભા છે. 10 તારી સાથે જે કંઈ બનશે તેથી તું ડરતો નહી. હું તમને કહું છું શેતાન તમારામાંના કેટલાકને બંદીવાન બનાવશે. તે તમારું પરીક્ષણ કરવા માટે આમ કરશે. તમારે દશ દિવસ સુધી સહન કરવુ પડશે. જો તારે મૃત્યુ પામવું પડે તો પણ વિશ્વાસુ રહેજે. જો તું વિશ્વાસુ બની રહેશે તો પછી હું તને જીવનનો મુગટ આપીશ.
11 “પ્રત્યેક વ્યક્તિ જે આ વાતો સાંભળે છે, તે આત્મા, મંડળીઓને જે કહે છે તે સાંભળે. જે વ્યક્તિ વિજય પ્રાપ્ત કરે છે તેને બીજા મૃત્યુનું નુકશાન થશે નહિ.
પર્ગામનમાંની મંડળીને ઈસુનો પત્ર
12 “પર્ગામનમાંની મંડળીના દૂત ને આ લખ કે:
“જેની પાસે બેધારી પાણીદાર તલવાર છે, તે આ હકીકત તમને કહે છે.
13 “તું ક્યાં વસે છે તે હું જાણુ છું. તું જ્યાં શેતાનની પોતાની ગાદી છે ત્યાં રહે છે, પણ મને તો તું વિશ્વાસુ છે. અંતિપાસના સમય દરમિયાન પણ તે મારામાં વિશ્વાસ હોવા વિષેની ના પાડી નહિ. અંતિપાસ મારો વિશ્વાસુ સાક્ષી હતો જેને તમારા શહેરમાં મારી નાખવામાં આવ્યો હતો. જ્યાં શેતાન રહે છે તે તમારું શહેર છે.
14 “છતાં પણ મારી પાસે તારી વિરુંદ્ધ થોડી એક વાતો છે: તારી સાથે કેટલાક લોકો છે. જે બલામના બોધને અનુસરે છે. બલામે બાલાકને શીખવ્યું કે ઈસ્રાએલના લોકોને પાપ કરતા શીખવે, તે લોકોએ મૂતિઓના નૈવેદ ખાઈને અને વ્યભિચાર કરીને પાપ કર્યું. 15 તમારા સમૂહના પણ આવું જ છે. તમારી પાસે એવા લોકો છે, જે નિકલાયતીઓના બોધને અનુસરે છે. 16 તેથી પસ્તાવો કરો. જો તમે પસ્તાવો નહિ કરો તો, હું તમારી પાસે જલ્દી આવીશ અને તે લોકોની સામે મારા મુખમાંથી નીકળતી તલવાર વડે લડીશ.
17 “પ્રત્યેક વ્યક્તિ જે આ વાતો સાંભળે છે તેણે આત્મા મંડળીઓને જે કહે છે તે સાંભળવું જોઈએ!
“પ્રત્યેક વ્યક્તિ જે વિજય પ્રાપ્ત કરે છે તેને હું ગુપ્ત રાખેલ માન્ના આપીશ. વળી હું તને શ્વેત પથ્થર આપીશ. આ પથ્થર પર એક નવું નામ લખેલું છે, જે નવા નામને કોઈ વ્યક્તિ જાણતી નથી. ફક્ત જે વ્યક્તિ તે પથ્થર પ્રાપ્ત કરશે તે જ તે નવું નામ જાણશે.
46 ઈસુ ફરીથી ગાલીલમાં કાના ગામની મુલાકાતે ગયો. કાના એ છે જ્યાં ઈસુએ પાણીમાંથી દ્રાક્ષારસ બનાવ્યો હતો. રાજાના અધિકારીઓમાંનો એક મહત્વનો અધિકારી કફરનહૂમ શહેરમાં રહેતો હતો. આ માણસનો દીકરો માંદો હતો. 47 તે માણસે સાંભળ્યું કે ઈસુ યહૂદિયાથી હવે ગાલીલ આવ્યો હતો. તેથી તે માણસ કાનામાં ઈસુ પાસે ગયો. તેણે ઈસુને કફર-નહૂમ આવીને તેના દીકરાને સાજો કરવા વિનંતી કરી. તેનો દીકરો મરવાની અણી પર હતો. 48 ઈસુએ તેને કહ્યું, “તમે લોકો ચમત્કારો અને અદભૂત કાર્યો જોયા વગર વિશ્વાસ કરવાના નથી.”
49 રાજાના અધિકારીએ કહ્યું, “પ્રભુ, મારો નાનો દીકરો મરી જાય, તે પહેલા મારે ઘેર આવ.”
50 ઈસુએ ઉત્તર આપ્યો, “જા તારો દીકરો જીવશે.”
તે માણસે ઈસુએ જે તેને કહ્યું તેમાં વિશ્વાસ કર્યો અને ઘરે ગયો. 51 ઘરે જતાં રસ્તામાં તે માણસના સેવકો આવ્યા અને તેને મળ્યા. તેઓએ તેને કહ્યું, “તારો દીકરો સાજો છે.”
52 તે માણસે પૂછયું, “કયા સમયે મારો દીકરો સાજો થયો?”
તે નોકરોએ ઉત્તર આપ્યો, “જ્યારે તેનો તાવ જતો રહ્યો ત્યારે ગઈકાલે લગભગ બપોરે એક વાગ્યો હતો.”
53 પિતાએ જાણ્યું કે ઈસુએ કહ્યું હતું કે, “તારો દીકરો જીવશે.” તે સમય પણ બપોરને એક વાગ્યાનો હતો. તેથી તે માણસે અને તેના ઘરના બધા લોકોએ ઈસુમાં વિશ્વાસ કર્યો.
54 યહૂદિયાથી ગાલીલ આવ્યા પછી ઈસુએ કરેલો તે બીજો ચમત્કા હતો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International