Book of Common Prayer
નિર્દેશક માટે. પ્રશઁસાનું દાઉદનું ગીત.
1 હે દેવ ઊઠો, તમારા શત્રુઓ વિખરાઇ જાઓ;
તેનાં સર્વ શત્રુઓ તેની પાસેથી ભાગી જાઓ.
2 તેઓને ધુમાડાની જેમ ઉડાવી નાંખો,
જેમ મીણ અગ્નિથી ઓગળી જાય છે;
તેમ દુષ્ટો દેવ સંમુખ નાશ પામો.
3 પણ ન્યાયીઓ આનંદ કરો, અને હર્ષ પામો દેવ સંમુખ;
હા, સૌ અતિ આનંદ કરો.
4 દેવ સમક્ષ ગીત-ગાન કરો, તેમનાં નામનાં સ્તુતિગાન કરો;
જે રેતીનાં રણમાં તેનાં રથ પર સવારી કરે છે.
રણમાં તેમના માટે સડકો બાંધો;
જેમનું નામ છે યાહ,[a] તેમની સામે ઉલ્લાસ કરો.
5 આ દેવ, પોતાના પવિત્રસ્થાનમાં અનાથનાં પિતા ને વિધવાઓનાં રક્ષક છે.
6 દેવ એકાકી લોકોને ઘર આપે છે.
કેદીઓને બંધનમાથી મુકત કરે છે અને સંપન્ન કરે છે.
પણ બંડખોરોને સૂકા અને વેરાન પ્રદેશમાં રહેવાની ફરજ પાડે છે.
7 હે દેવ, જ્યારે તમે લોકોની આગળ આગળ ચાલ્યાં,
અને તમે વેરાન રણમાં કૂચ કરી.
8 દેવ, ઇસ્રાએલના દેવ સિનાઇ પર્વત પાસે આવ્યાં
અને ઘરા ધ્રુજી ઊઠી અને આકાશ ઓગળી ગયું.
9 હે દેવ, તમે ધોધમાર વરસાદ મોકલ્યો;
અને સૂક્કી જમીનને તાજી કરી.
10 ત્યાં તમારી પ્રજાએ કાયમી વસવાટ કર્યો,
હે દેવ, તમે તમારી સમૃદ્ધિથી દરિદ્રીઓની ભૂખ ભાંગી.
11 જ્યારે યહોવાએ આદેશ આપ્યો, સ્ત્રીઓનું મોટું ટોળું બધી જગાએ હતું.
લોકોને તે વિષે તું સારા સમાચાર વિષે કહે.
12 “ઉતાવળથી રાજાઓ અને તેના સૈન્યો ભાગી જાય છે
અને ઘરે સ્રીઓ લડાઇમાં કરેલી લૂંટ વહેંચી લે છે.
13 જેઓ ધેર રહ્યાં છે તેમને રૂપાથી મઢેલી
અને સુવર્ણથી ચળકતી કબૂતરની પાંખો મળશે.”
14 જેમ સાલ્મોનના હિમાચ્છાદિત શિખરોનો બરફ પીગળી જાય છે,
તેમ જુઓ દેવે તેઓના શત્રુઓને વિખેરી નાંખ્યા છે.
15 બાશાનનો પર્વત દેવનો ભવ્ય પર્વત છે,
બાશાનનો ઘણાં શિખરોવાળો પર્વત ઘણો મજબૂત છે.
16 હે પર્વતો, શા માટે તમે સિયોન પર્વતની અદેખાઇ કરો છો?
કે જેને યહોવા પોતાને રહેવા
માટે ઇચ્છતા હતાં જ્યાં તે સદાકાળ રહેશે.
17 યહોવા, પોતાના અસંખ્ય રથો સાથે સિનાઇના પર્વત પરથી આવે છે;
અને તે પોતાના પવિત્ર મંદિરમાં આવે છે.
18 જ્યારે તે ઉંચાઇ પર જાય છે,
તે બંદીવાનોની કૂચને ઘેરે છે,
જે લોકો તેમની વિરુદ્ધ થયા હતા
તેમની પાસેથી તથા માણસો[b] પાસેથી ભેટો સ્વીકારવા
યહોવા દેવ ત્યાં નિવાસ કરવાં ગયા.
19 ધન્ય છે પ્રભુને,
કે જેઓ રોજ આપણો બોજો ઊંચકી લે છે,
અને તેઓજ સૌનું તારણ કરે છે.
20 તેઓજ આપણને મૃત્યુથી મુકત કરે છે,
યહોવા જ આપણા તારણના દેવ છે.
21 પણ દેવ પોતાનાં શત્રુઓનાં માથા ફોડી નાખશે, કારણ,
તેઓ અપરાધના માર્ગો છોડી દેવાની ના પાડે છે.
22 મારા પ્રભુને કહ્યું, “હું તેમને બાશાનથી પાછા લાવીશ,
પરંતુ શત્રુઓને ઊંડા સમુદ્રમાંથી પાછા લાવીશ.
23 જેથી ભલે તમે શત્રુઓનાં રકતમાં ચાલો,
અને તમારા કૂતરાઓની જીભને પણ તે ભલે ચાખવા મળે.”
24 હે દેવ, તેઓ તમારી વિજયકૂચ જોશે!
તેઓ મારા રાજાને, વિજય કૂચને દોરતા મારા પવિત્ર દેવને જોશે.
25 આગલી હરોળમાં ગાયકો કૂચ કરતાં આવે છે.
તેમના પછી સંગીતકારો, અને તેઓ ડફલી વગાડતી કન્યાઓથી ઘેરાયેલા છે.
26 હે મંડળો, તમે દેવની સ્તુતિ કરો;
ઇસ્રાએલના સંતાનો તમે યહોવાની સ્તુતિ કરો.
કારણ, એ ઇસ્રાએલનાં ઝરા સમાન છે.
27 બિન્યામીનનું નાનું કુળ ત્યાં આગેવાની આપે છે,
યહૂદાના સરદારો, ઝબુલોન,
નફતાલીના સરદારો તેઓની સભા પાછળ છે.
28 હે યહોવા, તમારુ સામથર્ય બતાવો અને અગાઉ તમે અમારે માટે કર્યુ હતું તેમ,
તમારા મોટાં કાર્યો અમારી ભલાઇ માટે જાણ થાય.
29 યરૂશાલેમનાં તમારાં મંદિરમાં પૃથ્વીનાં
રાજાઓ ઉપહારો લઇને આવે છે.
30 બરુઓ વચ્ચે છુપાયેલા “પ્રાણીઓને” ઠપકો આપો,
રાષ્ટ્રોના વાછરડાઁ જેવા લોકોને આખલાઓનાં ટોળાઓને પણ ઠપકો આપો,
જેથી તેઓ તમારે શરણે આવે
અને તમારા માટે ચાંદીની ભેટો લાવે,
યુદ્ધમાં આનંદ માણનારાઓને વિખેરી નાંખો.
31 મિસરવાસીઓ તમારા માટે તેમની સંપત્તિ લઇને આવશે.
કૂશનાં લોકો દેવને તેઓની અર્પણ પ્રશંસા આપવાં ઉતાવળા થશે.
32 હે પૃથ્વીના સર્વ રાજ્યો તમે દેવ સમક્ષ ગાઓ,
અને યહોવાનું સ્તવન કરો.
33 પુરાતન કાળનાં આકાશોમાં થઇને વાદળ પર સવારી કરનારા,
એ અને જેમનાં પરાક્રમી અવાજથી આકાશમાં ગર્જના થાય છે તે દેવની સ્તુતિ કરો.
34 પરાક્રમ કેવળ દેવનું છે,
તેમની સત્તા ઇસ્રાએલ પર છે;
તેમનું સાર્મથ્ય તથા પરાક્રમ પણ આકાશોમાં છે.
35 હે દેવ, તમે તમારા પવિત્રસ્થાનોમાં અતિ મહિમાવાન અને ભયાવહ છો,
ઇસ્રાએેલના દેવ જેઓ પોતાના લોકોને સાર્મથ્ય તથા પરાક્રમ આપે છે.
તેમને ધન્ય હો!
સુલેમાનનું ગીત.
1 હે દેવ, તમે રાજાને ન્યાય કરવા માટે તમારા જ્ઞાન અને અધિકાર આપો,
અને રાજાનાં પુત્રોને તમારું ન્યાયીપણું આપો.
2 તેઓ તમારા લોકોનો નિષ્પક્ષતાથી ન્યાય કરશે.
તમારાં ગરીબ લોકોને તેઓ ન્યાય કરશે.
3 પર્વતો અને ડુંગરો ન્યાયીપણે લોકો માટે શાંતિ,
આબાદી ને સમૃદ્ધિ લાવશે.
4 તે લોકોમાં ન્યાય કરશે દીનદુ:ખીઓનો, દરિદ્રીઓનાં દીકરાઓનો ઉદ્ધાર કરશે;
અને જુલમગાર પાપીઓને કચડી નાખશે.
5 તે લોકો, તેઓની પેઢી દર પેઢી આકાશમાં સૂર્ય
અને ચંદ્ર રહે ત્યાં સુધી બીહો અને રાજાને માન આપો.
6 જેમ ખેતરો પર વરસાદ પડે છે,
વરસાદનાં ઝાપટાં જમીન પર પડે છે તેમ રાજા રહે.
7 તેના શાસનકાળમા ન્યાયીઓની આબાદી થશે,
અને જ્યાં સુધી ચંદ્ર રહેશે શાંતિ ટકી રહેશે.
8 વળી તે સમુદ્રથી સમુદ્ર સુધી
અને યુફ્રેતિસ નદીથી પૃથ્વીના છેડા સુધી તે રાજ કરશે.
9 તેની સમક્ષ રણવાસીઓ નમશે,
અને તેનાં સર્વ શત્રુઓ ધૂળ ચાટશે.
10 તાશીર્શના રાજાઓ, અને ભૂમધ્ય સમુદ્રના કિનારાના રાજાઓ,
તેમના માટે ભેટો લાવશે અને શેબાના રાજાઓ તેમની ખંડણી તેઓ પાસે લાવશે.
11 સર્વ રાજાઓ તેને નમન કરશે,
અને સર્વ રાષ્ટ્રો તેની સેવા કરશે.
12 કારણકે તે ગરીબ અને જરુરીયાતવાળા લોકોને બચાવે છે જે તેમને મદદ માટે પોકારે છે,
પણ જેમનો કોઇ મદદગાર નથી, તેમને તે બચાવે છે.
13 તે લાચાર તથા દરિદ્રીઓ ઉપર દયા બતાવશે,
અને દરિદ્રીઓના આત્માનું તારણ કરશે.
14 તે તેઓનાં આત્માઓને જુલમ અને હિંસાથી છોડાવશે;
તેઓની નજરોમાં તેઓનું રકત મૂલ્યવાન છે.
15 શેબાનું સોનું તેમને આપવામાં આવશે,
રાજા ઘણું લાંબુ જીવો!
તેમના માટે નિત્ય પ્રાર્થનાઓ થશે;
ધન્યવાદ આપશે સર્વ લોકો સદા તેને.
16 દેશમાં પર્વતોનાં શીખરો પર
પુષ્કળ ધાન્યનાં ઢગલાં થશે,
તેનાં ફળ લબાનોનનાં ફળ જેવાં થાઓ,
ઘાસની જેમ વધશે નગરનાં રહેવાસીઓ.
17 તેમનાં નામનો સર્વકાળ આદર કરવામાં આવશે;
અને તેમનું નામ સૂર્ય તપે ત્યાં સુધી ટકશે;
તેમનાથી સર્વ લોકો આશીર્વાદ પામશે;
તેમને દેશનાં સર્વ લોકો ધન્યવાદ આપશે.
18 ઇસ્રાએલના દેવને, યહોવા દેવને ધન્ય હોજો;
એકલા તેઓ જ આશ્ચર્યકારક કર્મો કરે છે.
19 તેમનાં મહિમાવંત નામની સર્વદા
સ્તુતિ થાઓ! સમગ્ર પૃથ્વી તેમનાં મહિમાથી ભરપૂર થાઓ!
આમીન તથા આમીન!
20 યશાઇના પુત્ર દાઉદની પ્રાર્થનાઓ અહીં પૂર્ણ થાય છે.
દેવનું ઘર બેથેલ
10 યાકૂબે બેર-શેબા છોડયું અને ત્યાંથી તે હારાન તરફ ગયો. 11 યાત્રા સમયે સૂર્યાસ્ત થઈ ગયો હોવાથી તે એક જગ્યાએ રાતવાસો કરવા માંટે રોકાયો. યાકૂબે ત્યાં એક પથ્થર જોયો, તેથી સૂઈ જવા માંટે તેના પર માંથું મૂકયું. 12 યાકૂબને એક સ્વપ્ન આવ્યું; તેણે જોયું કે, એક સીડી પૃથ્વી પર મૂકેલી છે, જેની ટોચ આકાશ સુધી પહોંચે છે, 13 અને યાકૂબે જોયું તો દેવદૂતો સીડી ઉપરથી ચઢતા-ઊતરતા હતા. અને યહોવા સીડી પાસે ઊભા હતા. યહોવાએ કહ્યું, “હું તમાંરા પિતા ઇબ્રાહિમનો દેવ યહોવા છું. હું ઇસહાકનો દેવ છું. જે જમીન પર તું સૂતો છે તે જમીન હું તને અને તારા વંશજોને આપીશ. 14 પૃથ્વી પર માંટીના જેટલાં રજકણ છે તેટલા તારા વંશજો હશે. તેઓ પૂર્વ-પશ્ચિમ તથા ઉત્તર દક્ષિણમાં ફેલાશે. અને તારા તથા તારા વંશજોને કારણે પૃથ્વી પરની બધી પ્રજાઓ આશીર્વાદ પ્રાપ્ત કરશે.
15 “હું તમાંરી સાથે છું અને હું તમાંરું રક્ષણ કરીશ. તમે જયાં જશો ત્યાંથી હું તમને પાછો આ ભૂમિ પર લઈ આવીશ. મેં તને જે કરવાનું વચન આપ્યું છે તે જયાં સુધી પૂરું નહિ કરી લઉં ત્યાં સુધી હું તારો સાથ છોડવાનો નથી.”
16 પછી યાકૂબ ઊંઘમાંથી જાગ્યો અને બોલ્યો, “મને ખબર છે કે, યહોવા આ જગ્યા પર છે. પરંતુ જયાં સુધી હું અહીં સૂતો ન હતો, ત્યાં સુધી જાણતો નહોતો કે, તે અહીં છે.”
17 યાકૂબને બીક લાગી, તેણે કહ્યુ, “આ તો કોઈ મહાન જગ્યા છે. આ તો દેવનું ઘર છે. આ તો આકાશનું દ્વાર છે.”
18 બીજે દિવસે સવારે યાકૂબ વહેલો ઊઠયો, અને જે પથ્થર તેને માંથા નીચે મૂકયો હતો તે ઊઠાવ્યો. અને તેને સ્માંરકસ્તંભ તરીકે ઊભો મૂકી દીધો. પછી તેણે તેના પર તેલ રેડ્યું. આ રીતે તેણે આ પથ્થરને દેવનો સ્માંરક સ્તંભ બનાવ્યો. 19 આ જગ્યાનું નામ પહેલાં લૂઝ હતું પરંતુ યાકૂબે તે જગ્યાનું નામ બેથેલ પાડયું.
20 પછી યાકૂબે એક પ્રતિજ્ઞા કરી. તેણે કહ્યું, “જો દેવ માંરી સાથે રહેશે, અને હું પ્રવાસમાં જયાં જયાં જાઉં ત્યાં દેવ માંરી રક્ષા કરશે અને મને ખાવાને અન્ન અને પહેરવાને વસ્રો આપશે. 21 જેથી હું માંરા પિતાને ઘેર સુરક્ષિત પાછો આવીશ. તો યહોવાને હું માંરા દેવ માંનીશ. 22 આ જગ્યા પર જયાં મેં પથ્થર ઊભો કર્યો છે, તે જગ્યા પવિત્ર સ્થાન બનશે. અને દેવ તું મને જે કાંઈ આપશે તેનો દશમો ભાગ હું તને અર્પણ કરીશ.”
13 આ બધાજ માણસો મરણ પામ્યા ત્યાં સુધી દેવે વચનો આપ્યાં તેમાંથી કાંઇજ મેળવી શક્યા નહિ છતાં વિશ્વાસથી જીવ્યા, તેઓએ પેલાં વચનો દુરથી જોયા. અને તેમનું સ્વાગત કર્યુ અને તેઓએ એ પણ જાણ્યું કે આ પૃથ્વી અમારું કાયમી ઘર નથી, અહીં તો અમે માત્ર મુસાફરો જ છીએ. 14 આ પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ એક દેશની શોધમાં છે જે તેમનો પોતાનો દેશ છે. 15 જો તેઓ એવા દેશ વિષે વિચારતા હોય કે જેને તેમણે છોડી દીધો છે, તો તે એ દેશમાં ફરી પાછા આવી શક્યા હોત. 16 પણ એ માણસો એક વધુ સારા દેશની કે જે સ્વર્ગીય દેશ હશે તેની રાહ જોઈને બેઠા હતા. એટલે દેવને તેમનો દેવ કહેવામાં કોઈ સંકોચ ન હતો. તેણે એ લોકો માટે એક શહેર તૈયાર કરી રાખ્યું છે.
17-18 દેવે ઈબ્રાહિમના વિશ્વાસની કસોટી કરી. જ્યારે તેની કસોટી થઈ ત્યારે, ઇબ્રાહિમે વિશ્વાસથી ઈસહાકનું બલિદાન આપ્યું. એટલે જેને વચનો આપવામાં આવ્યાં હતાં ને જેને કહેવામાં આવ્યું હતું કે, ઈસહાકથી તારો વંશ ગણાશે, તેણે પોતાના એકના એક પુત્રનું બલિદાન આપ્યું. 19 ઈબ્રાહિમ માનતો હતો કે દેવ મૂએલાંઓને પાછા ઉઠાડી શકે છે, અને ખરેખર દેવે જ્યારે ઈબ્રાહિમને ઈસહાકનું બલિદાન આપતા રોક્યો, ત્યારે તે તેને મૂએલામાંથી પાછા બોલાવવા જેવું હતું.
20 વિશ્વાસના કારણે જ ઈસહાકે તેના દીકરા યાકૂબ અને એસાવને ભવિષ્ય સબંધી આશીર્વાદ આપ્યો. 21 વિશ્વાસના કારણે જ મરણની ઘડીએ યાકૂબે લાકડીના ટેકે ઊભા થઈને યૂસફના બંને પુત્રોને આશીર્વાદ આપ્યો અને તેણે ઉપાસના કરી.
22 વિશ્વાસના કારણે જ યૂસફે પોતાના અંતકાળે ઇજીપ્તના ઇસ્ત્રાએલના લોકોના છૂટા પડવાની વાત કરી, અને તેના શબ વિષે સૂચનો કર્યા.
ઈસુ એક ઉત્તમ ઘેટાંપાળક
7 તેથી ઈસુએ ફરીથી કહ્યું, “હું તમને સત્ય કહું છું, હું ઘેટાં માટેનું બારણું છું. 8 મારા આવતા પહેલા જે લોકો આવ્યા તે બધા ચોરો અને લૂંટારાઓ હતા. ઘેટાંઓએ તેઓને ધ્યાનથી સાંભળ્યા નહિ. 9 હું બારણું છું. જે કોઈ વ્યક્તિ મારા દ્વારા પ્રવેશ કરે છે તેનું રક્ષણ થશે. તે વ્યક્તિ અંદર આવશે અને બહાર જશે. તે માણસ તેની જરુંરિયાતો જ મેળવી શકશે. 10 ચોર ફક્ત ચોરી કરવા, મારી નાખવા અને નાશ કરવા આવે છે. પણ હું આવ્યો છું જેથી તેઓને જીવન મળે, અને તે પુષ્કળ મળે.
11 “હું ઉત્તમ ઘેટાંપાળક છું. ઉત્તમ ઘેટાંપાળક પોતાનાં ઘેટાંઓ માટે તેનું જીવન આપે છે. 12 જે ચાકરને ઘેટાં રાખવા પૈસા ચુકવાય છે તે ઘેટાંપાળકથી જુદો છે. પગારદાર ચાકર એ ઘેટાંનો ધણી નથી. તેથી ચાકર જ્યારે વરુંને આવતું જુએ છે ત્યારે તે ઘેટાંને એકલા મૂકીને નાસી જાય છે. પછી તે વરું ઘેટાં પર હુમલો કરીને તેઓને વિખેરી નાખે છે. 13 તે માણસ નાસી જાય છે કારણ કે તે એક માત્ર પગારદાર ચાકર છે. ખરેખર તે ઘેટાંની ચિંતા કરતો નથી.
14-15 “હું એક ઉત્તમ ઘેટાંપાળક છું. હું મારા ઘેટાંને જાણું છું અને મારા ઘેટાં મને ઓળખે છે, જેમ પિતા મને ઓળખે છે તેમ હું મારા ઘેટાંને ઓળખું છું. હું મારું જીવન આ ઘેટાં માટે આપું છું. 16 મારી પાસે બીજા ઘેટાં પણ છે, તેઓ અહીં આ ટોળામાં નથી. મારે તેઓને પણ દોરવાની જરૂર છે. તેઓ મારા અવાજને ધ્યાનથી સાંભળશે. ભવિષ્યમાં ત્યાં એક જ ટોળું અને એક જ ઘેટાંપાળક હશે. 17 પિતા મને પ્રેમ કરે છે કારણ કે હું મારું જીવન આપું છું. હું મારું જીવન આપું છું તેથી હું તે પાછું મેળવું છું.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International