Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 83

આસાફના સ્તુતિગીતોમાંનુ.

હે દેવ, તમે છાના ન રહો;
    હે દેવ, તમે ચૂપ ન રહો;
    અને શાંત ન રહો.
જુઓ, તમારા શત્રુઓ હુલ્લડ મચાવે છે.
    અને જેઓ તમને ધિક્કાર છે તેમણે તમારી સામે માથું ઊંચું કર્યું છે.
તેઓ તમારા લોકો વિરુદ્ધ કપટભરી યોજનાઓ કરે છે,
    અને તમારા લોક જેઓ તમને મૂલ્યવાન છે, તેઓની વિરુદ્ધ પ્રપંચ રચે છે.
તેઓ કહે છે, “ચાલો, પ્રજા તરીકેના તેમના અસ્તિત્વનો આપણે સંપૂર્ણ નાશ કરીએ;
    જેથી ઇસ્રાએલના નામનું સ્મરણ કદી ન રહે.”
તેઓ નિર્ણય સર્વાનુમતે કરે છે, અને યોજનાઓ કરે છે;
    તેઓ તમારી વિરુદ્ધ કરાર કરે છે.
તંબુમાં રહેનાર અદોમીઓ, ઇશ્માએલીઓ, મોઆબીઓ તથા હાગ્રીઓ,
    ગબાલ, તથા આમ્મોન ને અમાલેક;
    અને તૂર દેશના લોકો પલિસ્તીઓ કરાર કરે છે.
તેઓની સાથે આશ્શૂર પણ સામેલ થાય છે;
    અને લોતના વંશજોને સહાય કરી છે.

તમે જે મિદ્યાન સાથે વ્યવહાર કર્યો હતો, કીશોન નદી પર સીસરા તથા યાબીન સાથે;
    તેવોજ વ્યવહાર તમે તેઓની સાથે કરો.
10 એન-દોરમાં તેઓ નાશ પામ્યા,
    અને ભૂમિ મૃતદેહોના કહોવાણથી ફળદ્રુપ થઇ.
11 જેમ ઓરેબ તથા ઝએબ મૃત્યુ પામ્યા, તેમ તેઓના સર્વ શૂરવીરો મૃત્યુ પામો;
    સર્વ અધિકારીઓના હાલ ઝેબાહ તથા સાલ્મુન્ના જેવા થાઓ.
12 તેઓએ કહ્યું, ચાલો આપણે પોતાને માટે
    દેવના નિવાસસ્થાનને કબજે કરીએ.
13 હે મારા દેવ, તેઓને વંટોળિયાની ધૂળ જેવા;
    અને પવનથી ઊડતાં ફોતરાં જેવા કરો.
14 જેમ અગ્નિ જંગલોને ભસ્મ કરે છે,
    અને આગ પર્વતોને સળગાવે તેમ વિનાશ કરો.
15 તમારા વંટોળિયાઓ અને તોફાનોથી
    તેમનો પીછો કરો અને તેમને ડરાવો.
16 તેઓ લજ્જિત થઇ પોતાનાં મુખ સંતાડે તેમ કરો.
    હે યહોવા, તેઓ તમારું નામ શોધે.
17 તેઓ હંમેશા લજ્જિત થાઓ, અને ગૂંચવાઇ જાઓ;
    તેઓ અપમાનિત થાઓ અને નાશ પામો.
18 જેથી તેઓ જાણે કે તમારું નામ છે,
    “યહોવા” છે અને તમે એકલાં જ સમગ્ર પૃથ્વી પર પરાત્પર દેવ છો.

ગીતશાસ્ત્ર 23

દાઉદનું ગીત.

યહોવા મારા પાલનકર્તા છે.
    તેથી મને કશી ખોટ પડશે નહિ.
તે મને લીલાં બીડમાં સુવાડે છે
    અને મને શાંત જળની તરફ દોરી જાય છે.
તે મને નવું સાર્મથ્ય ને તાજગી આપે છે.
    તેમનાં નામનો મહિમા વધે તે માટે
    તે મને ન્યાયીપણાને માર્ગે ચલાવે છે.
મૃત્યુની કાળી ખીણમાં પણ મારે ચાલવાનું હશે તો હું ડરીશ નહિ;
    કારણ હે યહોવા, તમે મારી સાથે છો,
    તમારી લાકડી તથા તમારી છડી મને દિલાસો દે છે.
તમે મારા દુશ્મનોની સામે મારું મેજ ગોઠવો છો.
    અને મારા માથા પર તેલ રેડો છો.
    મારો પ્યાલો તમે વરસાવેલા આશીર્વાદથી છલકાઇ જાય છે.
તમારી ભલાઇ અને દયા મારા જીવનનાં સર્વ દિવસોમાં મારી સાથે રહેશે;
    અને હું યહોવાની સાથે તેના ઘરમાં લાંબા સમય સુધી રહીશ.

ગીતશાસ્ત્ર 27

દાઉદનું ગીત.

યહોવા મારું તારણ અને પ્રકાશ છે;
    શા માટે મારે કોઇથીય ડરવું?
યહોવા, મારા જીવનનું સાર્મથ્ય છે,
    શા માટે મારે કોઇનાથી ડરવું?
જ્યારે દુષ્ટ શત્રુઓ મારો સંહાર કરવા આવશે,
    ત્યારે તેઓ ઠોકર ખાઇને નીચે પડશે.
ભલે સૈન્ય મારી વિરુદ્ધ છાવણી નાખે,
    તો પણ હું જરાય ડરવાનો નથી;
ભલે એ મારી વિરુદ્ધ યુદ્ધ કરે;
    પણ મને યહોવા પર ભરોસો છે કે, તેઓ મારું રક્ષણ કરશે.

હું એકજ વસ્તુ માંગુ છું યહોવાથી,
    “મારા જીવનના સર્વ દિવસો પર્યંત
મને યહોવાનાં મંદિરમાં બેસવા દો
    જેથી સદા યહોવાના દિવ્ય સૌંદર્યનું અવલોકન કરી શકું
    અને તેમના પવિત્રસ્થાનની મુલાકાત કરું.”

સંકટના સમયે તેઓ ખરેખર
    મને પોતાના પવિત્ર મંડપમાં સંતાડી દેશે.
    અને મને તેમની સુરક્ષિત જગાએ લઇ જશે.
મારા શત્રુઓ મને ઘેરી વળ્યા છે, પણ તેમને હરાવવા યહોવા મારી મદદ કરશે.
    હું તેના મંડપમાં હર્ષનાદ સાથે અર્પણો ચઢાવીશ.
    હું સ્તુતિગીતો ગાઇશ, અને તેઓ જે મારો આભાર યહોવાને વ્યકત કરે.

હે યહોવા, મારી વિનંતી સાંભળો.
    મારા પર દયા કરીને મને જરૂરી સહાયતા આપો.
મારું હૃદય તમારા વિષે કહે છે કે તમે ઇચ્છો છો કે અમે તમને શોધીએ, તેથી હે યહોવા,
    હું તમારી પાસે તમારૂં મુખડું શોધવા આવું છું.
હે યહોવા, હું તમારી પાસે આવું છું.
    તમે તમારું મુખ મારાથી ફેરવશો નહિ.
    તમારા આ સેવક પર ગુસ્સો ન કરો, હે મારા તારણહાર,
મારા દેવ, હવે મને છોડી ન દેતા
    અને મને તજી ન દો.
10 મારા માતાપિતાએ મને તજી દીધો છે,
    પરંતુ યહોવા મને સંભળશે અને સ્વીકારશે.
11 હે યહોવા, મને કહો, હવે મારે શું કરવું?
    હું શત્રુઓથી ધેરાએલો છું અને તમારી મદદની રાહ જોઉ છું માટે હવે
    મને તમે સત્કર્મના સરળ માર્ગે દોરી જાઓ.
12 હે યહોવા, મને મારા શત્રુઓના હાથમાં સુપ્રત ન કરો.
    કારણકે તેઓએ મારા ઉપર ખોટા આરોપો મૂક્યાં છે
    તથા તેઓ હંમેશા મને નિષ્ઠુરતાથી ઇજા પહોંચાડવાની યોજનાઓ કરે છે.
13 હું આશા રાખું છું કે યહોવા ખરેખર મને ફરીથી છોડાવશે,
    અને હું આ જીવનમાં તેમની દયાનો અનુભવ કરીશ.
14 તું યહોવાની રાહ જોજે, ધૈર્ય ગુમાવીશ નહિ;
    તેઓ જરૂર આવશે અને તને બચાવશે;
બળવાન થા અને હિંમત રાખ;
    હા, તું યહોવાની રાહ જોજે,
    તેઓ તને સહાય કરશે.

ગીતશાસ્ત્ર 85-86

નિર્દેશક માટે. કોરાહના દીકરાઓનું એક સ્તુતિગીત

હે યહોવા, તમારા દેશ પર તમે તમારી કૃપા દર્શાવી છે.
    અને તમે યાકૂબના બંદીઓને આ દેશમાં પાછા મોકલી આપ્યા છે.
તમારા લોકોના પાપો તમે માફ કર્યા છે;
    અને તમે તેઓનાઁ બધા પાપોનું પ્રાયશ્ચિત કર્યુ છે.

તેથી હવે તમારા કોપનો ભસ્મ
    કરનારા ક્રોધનો અંત આવ્યો છે.
હે મારા દેવ, અમારા તારનાર, તમારા પર પ્રેમ કરવામાં તમે અમને સંસ્થાપિત કરો.
    જેથી ફરી કદી તમારે અમારા ઉપર ક્રોધીત ન થવું પડે.
શું તમે સદા અમારા પર કોપાયમાન રહેશો?
    શું તમારો કોપ પેઢી દર પેઢી લંબાવાશે?
હે યહોવા, અમને પુન:પ્રસ્થાપિત કરો જેથી અમે,
    તમારા લોકો ફરી તમારામાં આનંદ પામીએ.
તમારો પ્રેમ અને દયા, અમારા ઉપર રેડી દો.
    અને અમને તમારું તારણ પમાડો.

યહોવા દેવ જે કહે છે તે હું કાળજી પૂર્વક સાંભળુ છું.
    યહોવા તેના લોકોને અને તેના વફાદાર અનુયાયીઓને શાંતિનું વચન આપે છે;
    પરંતુ તેઓ તેમની મૂર્ખાઇ તરફ ચોક્કસ પાછા ન વળે.
જેઓ તેમનો ભય રાખે છે તેમને દેવનું તારણ છે.
    બહુ જલદી અમારી ભૂમિ પર અમે માન પૂર્વક રહીશું.
10 કૃપા અને સત્યતા એકબીજાની સાથે મળેલી છે;
    ન્યાયીપણાએ તથા શાંતિએ એકબીજાને ચુંબન કર્યુ છે.
11 પૃથ્વીમાંથી સત્ય ઉપર ઉંચે જાય છે.
    અને ન્યાયીપણું આકાશમાંથી વરસશે.
12 હા, યહોવા “કલ્યાણ” આપશે;
    અને આપણો દેશ મબલખ પાક ઉપજાવશે.
13 તેમનું ન્યાયીપણું આગળ ચાલશે,
    અને તેમનાં પગલા માટે માર્ગ તૈયાર કરે છે.

દાઉદની પ્રાર્થના.

હે યહોવા, મને ધ્યાનથી સાંભળો અને મને ઉત્તર આપો;
    કારણ કે હું નિર્ધન તથા અસહાય છું.
મારા જીવનની રક્ષા કરો,
    કારણ હું તમારો વફાદાર અનુયાયી છું, હે મારા દેવ,
    તમારા પર આસ્થા રાખનાર સેવકને બચાવો.
હે યહોવા, મારા પર દયા કરો,
    કારણ; આખો દિવસ હું તમારી સમક્ષ પોકાર કરું છું.
હે યહોવા, તમારા સેવકને આનંદ આપો;
    હે પ્રભુ, હું મારું જીવન તારા હાથમાં સોંપુ છું.
હે પ્રભુ, તમે ઉત્તમ; અને ક્ષમા કરનાર છો.
    સહાયને માટે તમને પ્રાર્થના કરનારા પર તમે બંધનમુકત પ્રેમ દર્શાવો.
હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો;
    મારી કૃપા માટેની પ્રાર્થના સાંભળો.
મારા સંકટના ટાણે હું તમને પોકાર કરીશ,
    ને મને ખાતરી છે કે તમે મને ઉત્તર આપશો.
હે યહોવા, અન્ય દેવોમાં તમારા જેવો દેવ કોઇ નથી;
    અને તમારા જેવા પરાક્રમો પણ કોઇનાઁ નથી.
હે યહોવા, તમે જે રાષ્ટ્રોનું સર્જન કર્યુ છે તે બધાં આવીને તમને પ્રણામ કરશે;
    અને તેઓ તમારા નામનો મહિમા ગાશે.
10 કારણ તમે મહાન દેવ છો, અને અદૃભૂત ચમત્કારના કરનાર છો;
    તમે જ એકલાં દેવ છો.
11 હે યહોવા, તમે તમારા માર્ગ શીખવો;
    અને હું તે માર્ગ પર ચાલીશ અને સત્યનું પાલન કરીશ,
તમારા નામનો આદર કરવાને
    મારા હૃદયને એકાગ્ર કરો.
12 હે પ્રભુ, મારા દેવ, મારા પૂર્ણ અંત:કરણથી હું તમારી સ્તુતિ કરીશ;
    અને હું તમારા નામને સર્વદા મહિમા આપીશ.
13 કારણ, મારા પર તમારી અનહદ કૃપા છે;
    તમે શેઓલનાં ઊંડાણથી મારી રક્ષા કરી છે.
14 હે દેવ ઘમંડી અને ઉદ્ધત માણસો મારી સામા થયા છે;
    અને ક્રૂર અને દુષ્ટ માણસો મારો સંહાર કરવા માટે
    મારી પાછળ પડ્યાં છે તેઓ તમારું સન્માન કરતાં નથી.
15 પણ, હે પ્રભુ, તમે તો દયાને કરુણાથી ભરપૂર છો;
    તમે ક્રોધ કરવામાં ધીમા પણ નિરંતર કૃપા અને સત્યતાથી ભરપૂર છો.
16 મારી તરફ ફરો, ને મારા પર દયા કરો;
    તમારા આ દાસને તમારું સાર્મથ્ય આપો.
    મારી રક્ષા કરો, હું તમારો વફાદાર પુત્ર છું.
17 તમારી ભલાઇ ચિન્હ મને આપો; મારા શત્રુઓ તે જોશે અને નિરાશ થશે,
    કારણ હે યહોવા એ તમે છો જેણે મને મદદ કરી છે,
    અને દિલાસો આપ્યો છે.

યોએલ 2:21-27

ભૂમિને ફરીથી નવી બનાવાશે

21 હે ભૂમિ, ગભરાઇશ નહિ,
    હવે ખુશ થા અને આનંદ કર.
    કારણકે યહોવાએ મહાન કાર્યો કર્યા છે.
22 હે વનચર પશુઓ, તમે ડરશો નહિ;
    કારણકે ગૌચરની જગ્યાઓ ફરીથી હરિયાળી થશે.
વૃક્ષો પોતાના ફળ ઉપજાવશે,
    અંજીરવૃક્ષો અને દ્રાક્ષાવેલાઓ ફરીથી ફળવંતા થશે.

23 હે સિયોનના લોકો, ખુશ થાઓ,
    તમારા યહોવા દેવના નામે આનંદ કરો;
કારણકે તે તમારી સાથેના સંબંધના
    પ્રસ્થાપનના ચિહનરૂપે શરદઋતુનાં વરસાદો મોકલી રહ્યો છે.
તે તમારા માટે વરસાદ વરસાવશે.
    ફરીથી, તે વસંત અને શરદઋતુમાં વરસાદ વરસાવશે.
24 ફરી ખળીઓ ઘઉંથી ભરાઇ જશે
    અને કુંડો જૈતતેલ અને દ્રાક્ષારસથી ઊભરાશે.
25 “મેં મારું મહાન વિનાશક તીડોનું લશ્કર તમારી વિરૂદ્ધ મોકલ્યું હતું-સામૂહિક તીડો,
    ફુદકતાં તીડો, વિનાશક તીડો, અને કાપતાં તીડો.
    તેમના દ્વારા નષ્ટ થયેલો પાક હું તમને પાછો આપીશ.
26 તમે ચોક્કસ ઘરાઇને ખાશો
    અને યહોવા દેવના નામની સ્તુતિ કરશો;
જે તમારી સાથે અદ્ભૂત રીતે ર્વત્યા છે
    અને મારા લોકો ફરી કદી લજ્જિત નહિ થાય.
27 પછી તમને ખબર પડશે કે,
    હું ઇસ્રાએલમાં છું, ને હું તમારો દેવ યહોવા છું,
    ને બીજું કોઇ નથી;
અને મારા લોકો કદી લજ્જિત થશે નહિ.”

યાકૂબ 1:1-15

દેવના તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સેવક યાકૂબની વિશ્વમાં ચારેબાજુએ વિખેરાઈ ગયેલાં પ્રભુના લોકોને શુભેચ્છા.

વિશ્વાસ અને ડાહપણ

મારા ભાઈઓ અને બહેનો, તમને વિવિધ જાતનાં પરીક્ષણો થશે. પરંતુ તમારે ઘણા આનંદથી રહેવું. શા માટે? કારણ કે તમે એ જાણો છો કે તમારો વિશ્વાસ પરીક્ષણમાંથી સફળ થાય છે ત્યારે તમારી ધીરજ વધે છે. અને અંત સુધી તમારી ધીરજને ચાલુ રહેવા દો. જેથી તમે પૂર્ણ બનો. તમારે જેની જરૂરીયાત છે તેની ઉણપ ન રહે.

પણ જો તમારામાથી કોઈને પણ ડાહપણની જરુંર હશે, અને તમે દેવ પાસે તે માટે માગણી કરશો, તો તે તમને આપશે. દેવ સર્વને ઉદારતાથી ઠપકો આપ્યા વિના ડાહપણ આપે છે. પરંતુ દેવ પાસે તમે જે કઈ પણ માગો ત્યારે તમારે ખૂબજ વિશ્વાસથી અને તમારા મનમાં શંકા રાખ્યા વિના માગવું જોઈએે. દેવ વિષે જે કોઈ વ્યક્તિ શંકા કરે છે તે પવનના ઉછળતા તથા સમુદ્ધનાં ઊછળતા, અફળાતા મોંજા જેવો છે. 7-8 જે વ્યક્તિ શંકા કરે છે તે એક સાથે બે જુદી જુદી વસ્તુઓનો વિચાર કરે છે, એ શું કરે છે તે વિષે તે કંઈ જ નક્કી કરી શકતો નથી. એવા માણસો પ્રભુ પાસેથી કઈક મેળવશે તેવો વિચાર પણ ના કરવો જોઈએ.

સાચી-સંપતિ

જો વિશ્વાસ રાખનાર ગરીબ હોય તો, તેણે ગર્વ લેવો જોઈએે કેમ કે દેવે તેને આત્મીક સમૃદ્ધિ આપી છે. 10 જો કોઈ વિશ્વાસુ માણસ શ્રીમંત હોય તો તેણે ગર્વ લેવો જોઈએે કે દેવે તેને બતાવ્યું છે કે તે આત્માથી ગરીબ છે. અને જંગલનાં ફૂલની જેમ તે મૃત્યુ પામશે. 11 સૂર્ય ઊગે છે અને ગરમી વધતી જાય છે. તેની ગરમીથી છોડ સુકાઇ જાય છે. ફૂલો ખરી પડે છે. ફૂલ સુંદર હતું પણ તે કરમાઈ ગયું તેવું જ શ્રીમંત માણસ માટે છે. જ્યારે તે પોતાના ધંધા માટે યોજનાઓ કરતો હશે તે અરસામાં તો તે મૃત્યુ પામશે.

પરીક્ષણ દેવ તરફથી આવતું નથી

12 જે વ્યક્તિ પરીક્ષણમાં પાર ઊતરે છે તે સુખી થાય છે. કારણ પરીક્ષણમાંથી પાર ઊતરનાર વ્યક્તિ દેવમાં વિશ્વાસ વ્યક્ત કરે છે. તેથી દેવ તેને બદલામાં અનંતજીવન આપશે. બધા લોકો જે દેવને ચાહે છે તે દરેકને દેવે આ વચન આપ્યું છે. 13 જો કોઈ ખરાબ કરવા લલચાય, તો તેણે એમ ન કહેવું જોઈએે કે, “દેવે મારું પરીક્ષણ કર્યુ છે.” કારણ કે દુષ્ટતાથી દેવનું કદાપિ પરીક્ષણ થતું નથી કારણ કે દેવ ખરાબ કરવા કોઈને પરીક્ષણમાં નાખતો નથી. 14 દુષ્ટ વાસનાઓ માણસને લલચાવે છે અને તેની પોતાની દુષ્ટ ઈચ્છાઓ તેને પરીક્ષણ તરફ ખેંચી જાય છે. 15 દુષ્ટ ઈચ્છાઓ પાપ કરાવે છે. અને પાપ વધી જાય છે અને તે મોત નિપજાવે છે.

લૂક 15:1-2

આકાશમાં આનંદ

(માથ. 18:12-14)

15 ઘણા કર ઉઘરાવનારાઓ અને પાપી લોકો ઈસુને ધ્યાનથી સાંભળવા આવ્યા. પછી ફરોશીઓ તથા શાસ્ત્રીઓએ ફરિયાદ કરવાની શરુંઆત કરી. “જુઓ! આ માણસ (ઈસુ) પાપીઓને આવકારે છે અને તેઓની સાથે ખાય છે!”

લૂક 15:11-32

ગૃહત્યાગ કરનારો દીકરો

11 પછી ઈસુએ કહ્યું, “એક માણસને બે દીકરા હતા. 12 નાના દીકરાએ તેના પિતાને કહ્યું કે, ‘પિતા, મને સંપતિનો મારો ભાગ આપ!’ તેથી પિતાએ તેના બંને દીકરાઓને મિલકત વહેંચી આપી.

13 “પછી તે નાનો દીકરો તેની પાસે જે બધું હતું તે ભેગું કરીને ચાલ્યો ગયો. તે દૂર દૂર બીજા એક દેશમાં ચાલ્યો ગયો. ત્યાં તે દીકરાએ તેના પૈસા મૂર્ખની જેમ વેડફી નાખ્યા. 14 તેણે તેની પાસે જે બધું હતું તે ખર્ચી નાખ્યું. તે પછી તરત જ, જમીન વેરાન થઈ ગઇ અને વરસાદ પડ્યો નહિ. તે દેશમાં કોઈ પણ જગ્યાએ પૂરતું ખાવાનું ન હતું. તે દીકરો ભૂખ્યો હતો અને તેને પૈસાની જરુંર હતી. 15 તેથી તે કામ શોધવા ગયો અને તે દેશમાં તે લોકોમાંના એક માણસને ત્યાં તેને કામ મળ્યું. તે માણસે તે દીકરાને ખેતરમાં ભૂંડો ચરાવવા મોકલ્યો. 16 તે છોકરો એટલો બધો ભૂખ્યો હતો કે જે ખોરાક ભૂંડો ખાતા હતા તે ખાવાની તેને ઈચ્છા થઈ. પરંતુ કોઈ પણ માણસે તેને કંઈ પણ આપ્યું નહિ.

17 “તે છોકરાએ અનુભવ્યું કે તે ઘણો મૂર્ખ હતો. તેણે વિચાર્યુ, ‘મારા પિતાને ઘરે બધા નોકરો પાસે પુષ્કળ ખાવાનું છે, પણ હું અહીં ભૂખે મરું છું કારણ કે મારી પાસે કશુંય ખાવાનું નથી. 18 હું અહીંથી ઊઠીને મારા પિતા પાસે જઇશ. હું તેને કહીશ: પિતા, મેં દેવ સામે અને તારી સામે પાપ કર્યુ છે. 19 હું તારો દીકરો કહેવડાવવાને યોગ્ય નથી. પરંતુ મને તારા નોકરોમાંનો એકના જેવો ગણ.’ 20 પછી તે છોકરો દેશ છોડીને તેના પિતા પાસે ગયો.

પુત્રનું પાછા ફરવું

“જ્યારે તે દીકરો તો ઘણો દૂર હતો એટલામાં, તેના પિતાએ તેને આવતા જોયો. તેના દીકરા માટે પિતા દુ:ખી થયો. તેથી તે તેના તરફ દોડ્યો તે તેને ભેટ્યો અને પુત્રને ચૂમીઓ કરી. 21 પુત્રએ કહ્યું, ‘પિતા, મેં આકાશ સામે અને તારી સામે પાપ કર્યુ છે. હું તારો દીકરો કહેવાવાને જેટલો સારો નથી.’

22 “પણ પિતાએ નોકરોને કહ્યું, ‘જલદી કરો! સારામાં સારાં કપડાં લાવો અને તેને પહેરાવો. અને તેની આંગળીએ વીંટી પહેરાઓ અને પગમાં જોડા પહેરાવો. 23 એક માતેલું વાછરડું લાવો. આપણે તેને કાપીશું અને આપણી પાસે પુષ્કળ ખોરાક થશે. પછી આપણે મિજબાની કરીશું. 24 મારો દીકરો મરી ગયો હતો, પણ હવે તે ફરીથી જીવતો થયો છે! તે ખોવાઇ ગયો હતો, પણ હમણા તે જડ્યો છે!’ તેથી તેઓએ મોટી મિજબાની કરી.

મોટા દીકરાનું આગમન

25 “મોટો દીકરો ખેતરમાં હતો. તે ત્યાંથી આવતાં ઘર નજીક આવી પહોંચ્યો. તેણે સંગીત અને નૃત્યનો અવાજ સાંભળ્યો. 26 તેથી મોટા દીકરાએ નોકરમાંથી એકને બોલાવીને પૂછયું; ‘આ બધું શું છે?’ 27 નોકરે કહ્યું, ‘તારો ભાઈ પાછો આવ્યો છે. તારા પિતાએ મોટું વાછરડું જમવા માટે કાપ્યું છે. તારા પિતા ખુશ છે કારણ કે તારો ભાઈ સહીસલામત ઘરે પાછો આવ્યો છે.’

28 “મોટો દીકરો ગુસ્સામાં હતો અને મિજબાનીમાં જવા રાજી નહોતો. તેથી તેનો પિતા બહાર આવ્યો અને તેને અંદર આવવા કહ્યું. 29 પુત્રએ તેના પિતાને કહ્યું, ‘મેં ઘણા વર્ષો સુધી એક ગુલામની જેમ તારી સેવા કરી છે! મેં હંમેશા તારી આજ્ઞાનું પાલન કર્યુ છે. પણ તેં કદાપિ મારા માટે એક વાછરડું પણ કાપ્યું નથી. તેં કદાપિ મને કે મારા મિત્રોને મિજબાની આપી નથી. 30 પણ તારા બીજા દીકરાએ કસબણો પાછળ તારા બધા પૈસા વેડફી દીધા અને તે ઘરે આવે છે ત્યારે તું તેને માટે એક રુંષ્ટપુષ્ટ વાછરડું કપાવે છે?’

31 “પણ પિતાએ તેને કહ્યું ‘દીકરા, તું હંમેશા મારી સાથે છે, મારી પાસે જે બધું છે તે તારું જ છે. 32 આપણે ખુશ થવું જોઈએ અને મિજબાની કરવી જોઈએ, કારણ કે તારો ભાઈ મરી ગયો હતો પણ હવે તે પાછો જીવતો થયો છે. તે ખોવાઇ ગયો હતો, પણ હવે તે પાછો જડ્યો છે.’”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International