Book of Common Prayer
દાઉદનું ગીત. તે યહૂદિયાના અરણ્યમાં હતો તે વખતનુ ગીત.
1 હે દેવ, તમે મારા દેવ છો; તમારી શોધમાં હું કેટલું ફર્યો?
જળ ઝંખતી વેરાન સૂકી ભૂમિની જેમ;
તમારે માટે મારો આત્મા કેટલો તલસે છે!
ને દેહ તલપે છે.
2 તેથી તમારું સાર્મથ્ય તથા ગૌરવ જોવા,
પવિત્રસ્થાનમાં હું અપેક્ષા રાખું છું.
3 કારણ, તમારી કૃપા જીવન કરતાં ઉત્તમ છે
તેથી જ હું તમારી પુષ્કળ સ્તુતિ કરું છું.
4 હું તમારી સ્તુતિ મૃત્યુપર્યંત કરીશ,
ને હું બે હાથ જોડીને પ્રાર્થના કરીશ.
5 મારી પથારીમાં હું તમારૂં સ્મરણ કરું છું,
અને મધરાતે તમારૂં ધ્યાન ધરું છું.
6 જાણે કે મેં શ્રેષ્ઠ ખોરાક ખાધો હોય તેમ મારો આત્મા તૃપ્તિ અનુભવશે,
આનંદી હોઠોથી મારું મુખ તમારી સ્તુતિ કરશે.
7 તમે મને સહાય કરી છે,
અને હું તમારી પાંખોની છાયામાં હરખાઇશ.
8 મારા આત્માએ તમારો કેડો પકડ્યો છે,
તેથી મને તમારો જમણો હાથ ઊંચકી રાખે છે.
9 જેઓ મારું જીવન નષ્ટ કરવાની યોજના ઘડે છે,
તેઓ જરૂર પૃથ્વીના ઉંડાણમાં ધકેલાઇ જશે.
10 તેઓ તરવારથી માર્યા જશે,
અને જંગલી શિયાળો દ્વારા ખવાઇ જશે.
11 પરંતુ રાજા દેવમાં આનંદ કરશે, અને તેમાંના દરે કે જેણે તેમને આજ્ઞાંકિત રહેવા વચન આપ્યાં,
તે તેમની સ્તુતિ કરશે, અને જૂઠાઓનાં મોંઢા બંધ કરી દેવાશે.
સ્તુતિગીત.
1 યહોવા સમક્ષ, કોઇ એક નવું ગીત ગાઓ;
કેમ કે તેણે અદભૂત કૃત્યો કર્યાં છે.
એણે પવિત્ર બાહુબળનાં પુણ્ય
પ્રતાપે જીત પ્રાપ્ત કરી છે.
2 યહોવાએ પોતાની તારણ શકિત બતાવી છે,
તેમણે તેમનું ન્યાયીપણું પ્રજાઓ સમક્ષ પ્રગટ કર્યુ છે.
3 તેણે પોતાનો સાચો પ્રેમ તથા વિશ્વાસીપણું ઇસ્રાએલના લોકો માટે સંભાર્યા છે.
બધા દૂરના રાષ્ટ્રોએ બધી સીમાઓએ તેમાં વસતાં પોતાની સગી આંખે જોયું કે,
આપણા દેવે તેમના લોકોને કેવી રીતે બચાવ્યા.
4 હે પૃથ્વીનાં લોકો, યહોવાની આગળ હર્ષનાદ કરો.
આનંદ અને ઉત્સાહથી તેમની સ્તુતિ ગાઓ.
5 તમે સિતારનાં તાર સાથે તાર મેળવો,
સૂર સાથે યહોવાના સ્તોત્રો ગાઓ.
6 આપણા રાજા યહોવા સમક્ષ આનંદના પોકારો કરો!
ભૂંગળા અને રણશિંગડા જોરથી વગાડો.
7 સઘળા સમુદ્રોને ત્યાં સંચરનારા ર્ગજી ઊઠો,
આખું જગત અને આ ધરતી પર રહેનારાં ગાજો.
8 નદીઓના પ્રવાહો તાળી પાડો અને પર્વતો ગાન પોકારો;
યહોવાની સમક્ષ અકત્ર હર્ષનાદ કરો.
9 યહોવા ધરતી પર ન્યાય શાસન કરવાં પધારે છે.
તે ન્યાયીપણાએ પૃથ્વીનો, અને યથાર્થપણાએ લોકોનો ન્યાય કરશે.
દાઉદનું ગીત.
1 હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કર!
હા સંપૂર્ણ હૃદયથી દેવનાં પવિત્ર નામને આશીર્વાદ આપ.
2 હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કરો!
ભૂલીશ નહિ, તેઓ અદભૂતકાર્યો તારા ભલા માટે કરે છે.
3 તારાં સઘળાં પાપ તે માફ કરે છે;
અને તારાં સર્વ રોગ મટાડે છે.
4 અનંત નાશમાંથી તે તને છોડાવી લે છે
અને પ્રેમભરી ભલાઇ અને કૃપાથી નવાજે છે.
5 તારા જીવનને તે ઉત્તમ વસ્તુઓથી ભરી દે છે;
જેથી તારી યુવાની ગરૂડની જેમ તાજી કરાય છે.
6 જેઓ જુલમથી હેરાન થયેલા છે,
તે સૌને માટે એ યહોવા ન્યાયનાં કામ, ને ચુકાદા કરે છે.
7 મૂસા તથા ઇસ્રાએલનાં લોકો સમક્ષ તેમણે તેમના માર્ગો
અને તેમના કાર્યો પ્રગટ કર્યા હતા.
8 યહોવા દયાળુ અને ક્ષમાશીલ છે.
તે દયા તથા પ્રેમથી ભરપૂર છે,
પણ તે ગુસ્સે થવામાં ધીમાં છે.
9 યહોવા હંમેશા ટીકા કરતાં નથી,
અને તે કદીય સદાને માટે ગુસ્સામાં રહેતા નથી.
10 તેઓ આપણા પાપ પ્રમાણે આપણી સાથે નથી ર્વત્યા.
તેમણે આપણને આપણા અન્યાયી કાર્યો પ્રમાણે શિક્ષા કરી નથી.
11 કારણ તેના ભકતો પરની
તેની કૃપા જેટલું આકાશ પૃથ્વીથી ઊંચુ છે તેટલી છે.
12 પૂર્વ જેટલું દૂર છે પશ્ચિમથી,
એટલાં દૂર કર્યા છે આપણાં પાપ તેમણે આપણાથી.
13 જેમ પિતા પોતાના સંતાનો પર દયાળુ છે;
તેમ યહોવા પોતાના ભકતો પર દયાળુ છે.
14 કારણકે તે જાણે છે બંધારણ આપણું;
માત્ર ધૂળ છીએ આપણે એવું તે સંભારે છે.
15 આપણા જીવનનાં દિવસો ઘાસ જેવા છે,
અને તે ફૂલની જેમ ટૂંકા અને થોડા છે.
16 પવન તેના પર થઇને વાય છે, અને તે ઊડી જાય છે;
અસ્તિત્વની નિશાની રહેતી નથી, અને તે નષ્ટ થઇ જાય છે.
17 પણ યહોવાની કૃપા તેમના ભકતો પર અનાદિકાળથી તે અનંતકાળસુધી છે.
અને તે તેનું ન્યાયીપણું તેના બીજા વંશજોને સર્વદા બતાવવાનું ચાલુ રાખશે.
18 જેઓ તેમનો કરાર અનુસરે છે;
અને તેમની આજ્ઞાઓનું પાલન કરે છે તે સર્વ પર તે કૃપા કરે છે.
19 દેવે આકાશમાં રાજ્યાસન સ્થાપ્યું છે;
અને ત્યાંથી તે સર્વ ઉપર શાસન ચલાવે છે.
20 તેમના હુકમનો અમલ કરનારાં
અને તેમની આજ્ઞાઓને સાંભળનારા તેના સમર્થ દૂતો,
તમે યહોવાને ધન્યવાદ આપો.
21 હે યહોવાનાં સૈન્યો તમો બધા,
જે તેમના સેવકો છો તે જે ઇચ્છે છે તે કરો છો,
તેમની સ્તુતિ કરો!
22 યહોવાનાં રાજ્યમાં સર્વત્ર તેમનાં ઉત્પન્ન કરેલા છે;
હે મારા આત્મા તેમની સ્તુતિ કર;
દેવની સ્તુતિ કર!
15 તમે બુદ્ધિશાળી લોકો છો એમ માનીને હું તમારી સાથે વાતચીત કરી રહ્યો છું; હું જે કઈ કહી રહ્યો છું તે તમે તમારી જાતે જ મૂલવો. 16 આશીર્વાદનો પ્યાલો કે જેને માટે આપણે આભારી છીએ, તે ખ્રિસ્તના રક્તના સહભાગી થવા માટે છે, ખરુંને? અને રોટલી કે જે આપણે તોડીએ છે તે ખ્રિસ્તના શરીરના સહભાગી થવા માટે છે, ખરુંને? 17 રોટલીનો ત્યાં એક જ ટુકડો છે, અને આપણે ઘણા માણસો છીએ. પરંતુ આપણે બધા તે એક રોટલીના ટુકડાને વહેંચીએ છીએ. તેથી ખરેખર તો આપણે એક શરીર જ છીએ.
18 ઈસ્રાએલના લોકો વિષે વિચાર કરો. એ લોકો કે જે વેદી પર ચડાવેલા યજ્ઞાર્પણો ખાય છે. તેઓ વેદીના ભાગીદાર છે, શું તેઓ આમ નથી કરતા? 19 હું એમ કહેવા નથી માગતો કે મૂર્તિને ચડાવેલું નૈવેદ કોઈ મહત્વની વસ્તુ છે અને મૂર્તિ કઈક છે એવું તો હું જરાપણ કહેવા નથી માગતો. ના! 20 પરંતુ હું કહું છું કે મૂર્તિને લોકો જે વસ્તુઓનું બલિદાન ચડાવે છે તે તો ભૂતપિશાચોને ચડાવેલું બલિદાન છે, નહિ કે દેવને, અને ભૂતપિશાચો સાથે કોઈ પણ બાબતમાં તમારી ભાગીદારી હું ઈચ્છતો નથી. 21 તમે પ્રભુના પ્યાલા સાથે ભૂતપિશાચોનો પ્યાલો પી શક્તા નથી. તમે પ્રભુના તેમ જ ભૂતપિશાચોના મેજના સહભાગી થઈ શકો નહિ. 22 શું આપણે પ્રભુને ઈર્ષ્યાળુ બનાવવા માગીએ છીએ? શું આપણે તેનાથી વધુ જોરાવર છીએ? ના!
દેવના મહિમા માટે તમારી સ્વતંત્રતાનો ઉપયોગ કરો
23 હા, “બધી જ વસ્તુઓ મંજૂર છે.” પણ બધી જ વસ્તુઓ સારી નથી. હા. “બધી જ વસ્તુની પરવાનગી છે.” પરંતુ કેટલીક વસ્તુઓ બીજાઓને વધારે શક્તિશાળી બનવામાં ઉપયોગી થતી નથી. 24 કોઈ પણ વ્યક્તિએ માત્ર તેની જાતને જ મદદરુંપ થાય તેવું કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ. અન્યને મદદરુંપ થાય તેવું કરવાનો તેણે પ્રયત્ન કરવો જોઈએ.
જ્યારે કોઈ માણસ ખરાબ કરે તો
(લૂ. 17:3)
15 “જો તારો ભાઈ અથવા બહેન તારું કાંઈ ખરાબ કરે તો તેની પાસે જા અને તેને સમજાવ. જો તારું સાંભળીને ભૂલ કબૂલ કરે તો જાણજે કે તેં તારા ભાઈને જીતી લીધો છે. 16 પણ જો એ માણસ તને સાંભળવાની સાફ ના પાડે તો તું ફરીથી એકાદ બે વધુ વ્યક્તિને તારી સાથે લે. તું જે કંઈ કહે તે આ બે કે ત્રણ સાક્ષીઓથી સાબિત કરી શકાય. 17 આમ છતાં એ ધ્યાનથી સાંભળવાની ના પાડે તો પછી મંડળીને આ વાતની જાણ કર. અને મંડળીનો ચુકાદો પણ માન્ય ન રાખે તો પછી તેને એક એવો માન કે જે દેવમાં વિશ્વાસ કરતો નથી અને તે કર ઉધરાવનારા જેવો જ છે.
18 “હું તને સત્ય કહું છું, જ્યારે પૃથ્વી પર તમે જે કાંઈ બાંધશો, તે આકાશમાં બંધાશે અને પૃથ્વી પર જે કાંઈ બંધન મુક્ત જાહેર કરશો તે આકાશમાં બંધનકર્તા નહિ હોય. 19 હું તમને એ પણ કહું છું કે, તમારામાંના બે કંઈ પણ વાત સંબંધી એક ચિત્તના થઈ દેવની પ્રાર્થના કરીને જે કંઈ માગશે તે મારા આકાશમાંનો બાપ તમને અવશ્ય આપશે. 20 કારણ કે મારા નામ પર બે અથવા ત્રણ શિષ્યો જ્યાં ભેગા થઈને મળશે તો હું પણ ત્યાં તેમની મધ્યે હોઈશ.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International