Book of Common Prayer
1 યહોવાનો આભાર માનો, તેના નામની સ્તુતિ કરો.
તેમનાં કૃત્યો લોકોમાં પ્રસિદ્ધ કરો.
2 યહોવા સમક્ષ ગાઓ, તેનાં સ્તોત્ર ગાઓ;
તેમનાં સર્વ ચમત્કારોનું મનન કરો અને સૌને તે જણાવો.
3 તમે યહોવાનાં પવિત્ર નામનું અભિમાન કરો;
યહોવાની આરાધના કરનારાઓ આનંદ કરો.
4 યહોવાને તથા તેના સાર્મથ્યને શોધો;
સદા-સર્વદા તમે તેના મુખને શોધો.
5 તેણે જે આશ્ચર્યકારક કર્મો કર્યા છે તે તથા તેનાં ચમત્કરો
અને તેનાં ન્યાયચુકાદા યાદ રાખો.
6 તમે લોકો દેવના સેવક ઇબ્રાહિમના વંશજો છો, તમે યાકૂબના વંશજો છો.
અને તમે યહોવાની પસંદગીના લોકો છો.
7 તેઓ આપણા દેવ યહોવા છે;
તેમના સાચાં નિર્ણયો સમગ્ર પૃથ્વીમાં પ્રસિદ્ધ છે.
8 તે પોતાનો કરાર સર્વદા યાદ રાખે છે;
અને હજાર પેઢીઓને આપેલું વચન પાળે છે.
9 એટલે કરાર તેમણે ઇબ્રાહિમ સાથે કરેલો;
અને તેમણે ઇસહાક પ્રત્યેની પ્રતિજ્ઞા લીધેલી,
10 તેમણે યાકૂબ માટેના નિયમ તરીકે, તેનું સ્થાપન કર્યું,
અને તેમણે ઇસ્રાએલ માટે સર્વકાળનો કરાર બનાવ્યો.
11 તેમણે કહ્યું, “આ કનાન દેશ હું તમને આપીશ;
અને તે સર્વદા તમારું પોતાનું વતન થશે.”
12 જ્યારે યહોવાએ આ કહ્યું તેઓ અલ્પ સંખ્યામાં હતાં
તેઓ કનાન દેશમાં ફકત પ્રવાસીઓ તરીકે જ હતાં.
13 તેઓ એક દેશથી બીજે દેશ
અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ફરતાં.
14 તેમણે તેઓ પર કોઇને દુર્વ્યવહાર કરવા દીધો નહિ;
દેવે રાજાઓને તેમને ઇજા નહિ કરવાની ચેતવણી આપી.
15 દેવ કહે છે, “તેમણે ચેતવણી આપી;
મારા અભિષિકતોને રંજાડશો નહિ;
અને મારા પ્રબોધકોને તકલીફ આપશો નહિ.”
16 તેમણે કનાનની ભૂમિમાં દુકાળ આવવા દીધો;
અને અન્નનો આધાર તેમણે તોડી નાખ્યો.
17 પછી તેમણે તેઓની પહેલાં યૂસફને મિસર મોકલ્યો,
અને તેને ગુલામ તરીકે વેચ્યો.
18 બંદીખાનામાં તેઓએ તેના પગોએ સાંકળો બાંધી,
અને તેઓએ લોખંડનો પટ્ટો તેના ગળે બાંધ્યો.
19 યહોવાના શબ્દે પૂરવાર કર્યુ કે તે યૂસફ સાચો હતો
ત્યાં સુધી યૂસફ જેલમાં રહો.
20 પછી રાજાએ માણસો મોકલીને તેને છોડાવ્યો;
અને લોકોના અધિપતિઓએ તેનો છુટકારો કર્યો.
21 પછી રાજાએ યૂસફને તેના મહેલનો તેમજ
તેની સર્વ મિલકતનો વહીવટ સોંપ્યો.
22 અને યૂસફે રાજાના અમલદારોને સૂચનાઓ
આપી વૃદ્ધ નેતાઓને સમજાવ્યું.
23 પછી યાકૂબ મિસરમાં આવ્યો;
અને ત્યાં હામનાં દેશમાં પોતાના પુત્રોની સાથે રહ્યો.
24 દેવે તેમની વૃદ્ધિ કરી,
અને તેમના દુશ્મનો કરતાં વધારે બળવાન કર્યા.
25 દેવે મિસરવાસીઓને ઇસ્રાએલીઓ વિરુદ્ધ કર્યા;
અને મિસરવાસીઓએ તેનો ધિક્કાર કર્યો અને તેઓને ગુલામ બનાવ્યાં.
26 પણ યહોવાએ પોતાના સેવક મૂસાને તેના પ્રતિનિધિ તરીકે મોકલ્યો
અને તેની સાથે તેમણે યાજક તરીકે પસંદ કરેલા હારુનને મોકલ્યો.
27 દેવે તેમને હામની ભૂમિ પર મોકલ્યા;
ભયાવહ ચમત્કાર કરવા.
28 દેવે પૃથ્વી પર ખૂબ ગાઢ અંધકાર મોકલ્યો,
છતાંય મિસરવાસીઓએ તેમને ધ્યાનથી સાંભળ્યાં નહોતા.
29 અને તેમણે તેમના દેશનાં સમગ્ર પાણીને લોહીમાં ફેરવી દીધું;
અને સર્વ માછલાં મારી નાંખ્યા.
30 પછી દેશ પર અસંખ્ય દેડકા ચઢી આવ્યાં;
તે રાજાનાં ખાનગી ઓરડામાં ઘૂસી ગયાં.
31 યહોવાએ આદેશ આપ્યો,
અને જૂઓ મિસરમાં
એક છેડાથી બીજા છેડા સુધી ફેલાઇ ગઇ.
32 તેણે વરસાદને બદલે કરા મોકલ્યા;
અને વીજળીની સાથે ઘસી ગયા અગ્નિ.
33 તેમણે તેઓના દ્રાક્ષવેલાઓ તથા અંજીરીના ઝાડોનો નાશ કર્યો.
અને તેમની આખી સરહદો પરનાં બધાં વૃક્ષો તોડી પાડ્યાં.
34 તેઓ બોલ્યા; અને ત્યાં અગણિત તીતીઘોડા
તથા તીડો આવ્યા.
35 તેઓ તેઓના દેશની સર્વ વનસ્પતિ ખાઇ ગયાં;
અને જમીનનાં બધાં ફળ ભક્ષ કરી ગયાં.
36 તેઓનાં દેશમાંના સર્વ પ્રથમજનિતને મારી નાખ્યા,
દેવે તેમના બધા સૌથી મોટા પુત્રોને મારી નાખ્યા.
37 તેઓ તેમના લોકોને, તેમના સોના ચાંદી સાથે,
સુરક્ષિત રીતે પાછા લઇ આવ્યાં
અને તેઓમાંથી કોઇ નિર્બળ ન હતું.
38 તેઓ ગયાં ત્યારે મિસરવાસી આનંદ પામ્યાં;
કારણકે તેઓ તેમનાથી ત્રાસ પામ્યા હતાં.
39 યહોવાએ મેઘસ્તંભથી તેઓ પર છાયા કરી;
અને રાત્રે પ્રકાશ માટે અગ્નિસ્તંભ આપ્યો.
40 જ્યારે તેઓએ માંગ્યુ ત્યારે લાવરીઓે લાવ્યાં;
અને આકાશમાંની માન્ના રૂપે રોટલીઓથી તૃપ્ત કર્યા.
41 તેમણે ખડક તોડ્યો એટલે ત્યાં પાણી નીકળ્યું;
જે નદી થઇને સૂકી ભૂમિમાં વહેવા લાગ્યું.
42 તેમણે પોતાના સેવક ઇબ્રાહિમને આપેલા
પોતાના વચનનું સ્મરણ કર્યુ.
43 તેઓ પોતાના લોકોને, પોતાના પસંદ કરેલાઓને,
ખુશીથી પાછા લઇ આવ્યાં.
44 તેમણે તેઓને પરદેશીઓની ભૂમિ આપી;
અને તે અન્ય લોકોએ બનાવેલી વસ્તુઓ તેમને વારસારૂપે મળી.
45 તેઓ ભરોસો કરે અને તેનાં વિધિઓનું પાલન કરે
અને તેના માર્ગોને અનુસરે તેથી યહોવાએ આ કર્યુ;
હાલેલૂયા!
ઇસ્રાએલના વિનાશની ભવિષ્યવાણી
8 ચેતવણીનો ઘંટ વગાડો!
ગિબયાહમાં તથા રામામાં
અને બેથ-આવેન સુધી રણશિંગડું વગાડી ચેતવણી આપો;
બિન્યામીનનો પ્રદેશ ધ્રુજી ઊઠો!
9 હે ઇસ્રાએલ! સજાનો દિવસ આવી રહ્યો છે,
ઇસ્રાએલ તારાજ થઇ જશે.
ઇસ્રાએલના લોકો માટે હું જે જાહેર કરું છું
તે અચૂક થવાનું જ છે.
10 યહોવા કહે છે, “યહૂદાના આગેવાનો દુષ્ટ લોકોની જેમ ર્વત્યા;
જેમણે પાડોશીઓની જમીનની સરહદના પથ્થરો ખસેડ્યાં.
તેમના ઉપર હું મારો ક્રોધ પાણીના ધોધની જેમ વહેવડાવીશ.
11 એફ્રાઇમને સજા થશે અને કચરી નાખવામાં આવશે કારણ
તેણે મૂર્તિઓના યાજકોના આદેશ પાળ્યાં છે.
12 આથી હું ઇસ્રાએલ અને યહૂદાને ઊધઇ
અને કીડાની જેમ કોરી ખાઇશ.
13 જ્યારે ઇસ્રાએલને પોતાના રોગની ખબર પડી અને યહૂદાએ પોતાનો ઘા જોયો,
ત્યારે ઇસ્રાએલે આશ્શૂર જઇ સમ્રાટને તેડાવ્યો.
પણ તે તેમને સાજો કરી શકે એમ નથી કે,
તેમના ઘા રૂજાવી શકે એમ નથી.
14 કારણ સિંહની જેમ હું એફ્રાઇમ
અને યહૂદાના લોકો પર આક્રમણ કરીશ.
હું મારી જાતે તેમને ટુકડાઓમાં ભાંગી નાખીશ
અને દૂર ફેંકી દઇશ.
હું તેઓને જ્યારે લઇ જઇશ ત્યારે તેઓની રક્ષા કોઇ કરી શકશે નહિ.
15 તેઓ પોતાનો અપરાધ કબૂલ કરશે
અને મારું મુખ શોધશે પણ હું
મારે સ્થાને જરૂર પાછો ચાલ્યો જઇશ.
દુ:ખમાં આવી પડશે ત્યારે તેઓ મને શોધવા નીકળશે.”
યહોવા તરફ પાછા ફરવાનું પ્રતિફળ
6 લોકો કહે છે,
“આવો આપણે પાછા યહોવા પાસે જઇએ.
તેમણે આપણને ચીરી નાખ્યા છે, અને તે જ આપણને પાછા સાજા કરશે;
તેણે આપણને ઘા કર્યા છે, અને તે જ આપણને પાટાપીંડી કરશે.
2 બે દિવસ પછી તે આપણને બચાવશે.
ત્રીજે દિવસે તે આપણને આપણા પગ પર ઉભા કરશે,
જેથી આપણે તેની હાજરીમાં જીવીએ.
3 ચાલો આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ,
યહોવાનું જ્ઞાન પ્રાપ્ત કરવાને
ખંતથી મહેનત કરીએ;
તે આપણને ઉગતા સૂરજની જેમ ચોક્કસ પ્રાપ્ત થશે.
વસંતઋતુંમાં પૃથ્વીને લીલીછમ કરનાર
છેલ્લા વરસાદની જેમ, તે આવશે.”
લોકો શ્રદ્ધાળું નથી
4 “હે એફ્રાઇમ અને યહૂદા,
હું તમારી સાથે કેવો વ્યવહાર કરું?
તમારો પ્રેમ પરોઢના વાદળ જેવો
અને ઝડપથી ઊડી જનાર ઝાકળ જેવો છે.
5 એ માટે મેં તેઓને પ્રબોધકોની મારફતે હત્યા કરી છે;
મેં મારા મુખનાઁ વચનોથી તેઓનો સંહાર કર્યો છે!
દિવસ પછી રાત ચોક્કસ આવે છે,
તેમ અચાનક ચેતવણી આપ્યા વીના
મારા ન્યાયચુકાદા પ્રગટતા અજવાળા રૂપ,
તમારા ઉપર ચોક્કસ આવી પડશે.
6 કારણકે તારાં યજ્ઞાર્પણ નહિ,
પણ તારો પ્રેમ હું ચાહું છું.
તારા દહનાર્પણો નહિ,
પણ તું મારા કાર્યો ઓળખે તેવું હું ઇચ્છું છું.
27 લગભગ તે સાત દિવસ પૂરા થયા. પણ કેટલાક આસિયાના યહૂદિઓએ પાઉલને મંદિરમાં જોયો. તેઓએ બધા લોકોને ઉશ્કેર્યા અને તેઓએ પાઉલને હાથ નાખીને પકડી લીધો. 28 તેઓએ બૂમો પાડી, “અરે! ઈસ્રાએલી માણસો, અમને મદદ કરો! આ એ માણસ છે જે મૂસાના નિયમશાસ્ત્રની વિરૂદ્ધ, આપણા લોકોની વિરૂદ્ધ અને આ જગ્યાની વિરૂદ્ધ શીખવે છે. આ માણસ દરેક જગ્યાએ બધા જ લોકોને આ વાતો શીખવે છે. અને હવે તેણે કેટલાએક ગ્રીક માણસોને મંદિરની પરસાળમાં દાખલ કર્યા છે! તેણે આ પવિત્ર સ્થાનને અશુદ્ધ કર્યુ છે.” 29 (યહૂદિઓએ આમ કહ્યું, કારણ કે તેઓએ યરૂશાલેમમાં ત્રોફિમસને પાઉલ સાથે જોયો. ત્રોફિમસ એફેસસનો ગ્રીક માણસ હતો. યહૂદિઓએ વિચાર્યુ કે પાઉલે તેને મંદિરના પવિત્ર ભાગમાં લાવ્યો છે.)
30 યરૂશાલેમના બધા જ લોકોમાં ખળભળાટ મચી ગયો. તેઓ બધા દોડ્યા અને પાઉલને પકડ્યો. તેઓએ તેને મંદિરના પવિત્ર સ્થળની બહાર કાઢ્યો. મંદિરના દરવાજા તરત જ બંધ કરવામાં આવ્યા. 31 લોકો પાઉલની હત્યા કરવાનો પ્રયત્ન કરતા હતા. યરૂશાલેમમાં રોમન સૈન્યના સૂબેદારે સાંભળ્યું કે સમગ્ર શહેરમાં મુશ્કેલી ઊભી થઈ છે. 32 તરત જ જ્યાં લોકો હતા ત્યાં સૂબેદાર ગયો. તે કેટલાએક લશ્કરી અમલદારો અને સૈનિકોને સાથે લાવ્યો. લોકોએ સૂબેદાર અને સૈનિકોને જોયા. તેથી તેઓએ પાઉલને મારવાનું બંધ કર્યું.
33 સૂબેદારે પાઉલની પાસે જઈને તેની ધરપકડ કરી. સૂબેદારે તેના સૈનિકોને પાઉલને બે સાંકળો વડે બાંધવા કહ્યું. પછી સૂબેદારે પૂછયું, “આ માણસ કોણ છે? તેણે શું ખરાબ કર્યુ છે?” 34 કેટલાએક લોકો એક વાત કહેતા હતા તો બીજા લોકો બીજી વાતો કહેતા હતા. આ બધા ગુંચવાડા અને ગડબડને કારણે સૂબેદાર સત્ય નક્કી કરી શક્યો નહિ. સૂબેદારે સૈનિકોને પાઉલને લશ્કરના મકાનમાં લઈ જવા માટે કહ્યું. 35-36 બધા જ લોકો તેઓને અનુસરતા હતા. જ્યારે સૈનિકો પગથિયાં પાસે આવ્યા, તેઓ પાઉલને રક્ષણ આપવા લઈ જવાના હતા. તેઓને પાઉલનું રક્ષણ કરવા માટે કહ્યું કારણ કે લોકો તેને ઇજા પહોંચાડવાની તૈયારીમાં હતા. લોકોએ બૂમો પાડી, “તેને મારી નાખો!”
ઈસુ વિશ્રામવારનો પ્રભુ છે
(માથ. 12:1-8; માર્ક 2:23-28)
6 એક વખત વિશ્રામવારના દિવસે ઈસુ અનાજના ખેતરોમાંથી પસાર થતો હતો. ત્યારે તેના શિષ્યો અનાજના કણસલાં તોડીને હાથમાં મસળીને ખાતા હતાં. 2 કેટલાએક ફરોશીઓએ પૂછયું, “વિશ્રામવારના દિવસે મૂસાના નિયમાનુસાર જે કાર્ય કરવું મંજૂર કરેલ નથી તે શા માટે કરો છો?”
3 ઈસુએ પ્રત્યુત્તર આપ્યો, “દાઉદે શું કર્યું જ્યારે તે અને તેની સાથેનાં માણસો ભૂખ્યા હતા. તે શું તમે વાંચ્યું નથી? 4 દાઉદ દેવના મંદિરમાં ગયો અને દેવને અર્પિત થયેલી રોટલી મૂસાના નિયમ પ્રમાણે યાજકો સિવાય બીજો કોઈ ખાઇ શકે નહિ તે રોટલી તેણે ખાધી હતી અને તેમાંથી રોટલીનો થોડો થોડો ટૂકડો તેની સાથેના લોકોને આપ્યો હતો.” 5 પછી ઈસુએ ફરોશીઓને કહ્યું કે, “માણસનો દીકરો વિશ્રામવારનો પણ પ્રભુ છે.”
વિશ્રામવારના દિવસે ઈસુ માંદા માણસને સાજો કરે છે
(માથ. 12:9-14; માર્ક 3:1-6)
6 બીજા એક વિશ્રામવારે ઈસુ જ્યારે સભાસ્થાનમાં બોધ આપતો હતો ત્યારે જેનો જમણો હાથ સુકાઈ ગયો હતો તેવો માણસ ત્યાં હતો. 7 વિશ્રામવાર હોવાથી ઈસુ તેને સાજો કરે છે કે નહિ, તે જોવા માટે શાસ્ત્રીઓ અને ફરોશીઓ આતુર હતા. તેઓ ધ્યાનથી જોઈ રહ્યાં હતા જેથી તેઓને ઈસુને દોષિત ઠરાવવા માટે કારણ મળે. 8 પણ સુ તે લોકોના વિચારો જાણતો હતો. તેથી તેણે જેનો હાથ સુકાઈ ગયેલો હતો તે માણસને બોલાવીને કહ્યું, “ઊઠ અને વચમાં જઇને ઊભો રહે.” તેથી તે ઊઠ્યો અને વચમાં જઇને ઊભો રહ્યો. 9 ત્યારે ઈસુએ તેઓને કહ્યું, “હું તમને પૂછું છું કે વિશ્રામવારના દિવસે કોઈનું, ભલું કરવું યોગ્ય છે કે માઠું કરવું, કોઈની જીવન બચાવવું કે તેનો નાશ કરવો, એ બેમાંથી શું યોગ્ય છે?”
10 ઈસુએ ત્યારબાદ ચારેબાજુ લોકો પર નજર ફેરવીને તે માણસને કહ્યું કે, “તારો હાથ લંબાવ,” તેણે ઈસુની આજ્ઞાનું પાલન કર્યુ અને તેનો હાથ ફરીથી સાજો થઈ ગયો. 11 પરંતુ આ જોઈને શાસ્ત્રીઓ અને ફરોશીઓ ગુસ્સે થયા. તેઓ એકબીજાને કહેવા લાગ્યા કે, “હવે ઈસુનું આપણે શું કરીએ?”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International