Book of Common Prayer
મેમ
97 તમારા નિયમો પર હું કેવો પ્રેમ રાખું છું!
હું આખો દિવસ તેમના વિષે મનન કરું છું.
98 મારા શત્રુઓના કરતાં તમારી આજ્ઞાઓ મને વધુ બુદ્ધિમાન કરે છે;
કારણકે મારી પાસે સર્વદા છે.
99 મારામાં મારા શિક્ષકો કરતાં વધારે શાણપણ છે
કારણ કે હું તમારા સાક્ષ્યો વિષે અભ્યાસ અને ચર્ચા કરતો રહું છું.
100 વૃદ્ધોના કરતાં હું વિશેષ જાણું છું;
કારણકે મેં તમારા નિયમો પાળ્યાં છે.
101 હું તમારું વચન પાળી શકું તે માટે મેં
મારા પગ સર્વ ભૂંડા માર્ગોથી પણ પાછા વાળ્યા છે.
102 તમારા ન્યાયી વચનોને મેં ત્યજ્યા નથી;
કારણકે તમે મને તે શીખવ્યા છે.
103 મારી રૂચિને તમારાં વચનો કેવા મીઠાઁ લાગે છે!
મારા મુખને તે મધથીય વધુ મીઠાઁ લાગે છે.
104 તમારાં શાસનોથી મને સમજણ મળે છે;
માટે હું દરેક જૂઠા માર્ગને ધિક્કારું છું.
નુન
105 મારા પગોને માટે તમારાં વચન દીવારૂપ છે;
મારા માર્ગમા પ્રકાશ પાથરી, તે મને ઠોકર ખાતાં બચાવે છે.
106 એવી પ્રતિજ્ઞા મેં કરી હતી,
“હું તમારા યથાર્થ ન્યાય શાસનો પાળીશ,” અને મેં તે પાળ્યા પણ ખરા.
107 હે યહોવા, હું દુ:ખમાં કચડાઇ ગયો છું;
તમારા વચનો પ્રમાણે મને જિવાડ.
108 હે યહોવા, મારા મુખનાં રાજીખુશીથી આપેલાં અર્પણોનો તમે સ્વીકાર કરો;
અને તમારાં ન્યાય વચનો મને શીખવો.
109 મારો પ્રાણ સદા મારી મુઠ્ઠીમાં છે;
છતાં હું ભૂલતો નથી તારા નિયમને.
110 દુષ્ટ શત્રુઓએ મારે માટે પાશ રાખ્યો છે;
છતાં હું તમારાં શાસનોથી ભાગી ગયો નથી.
111 હું તમારા સાક્ષ્યોને સદાકાળ અનુસરીશ; કારણ,
તે મારા હૃદયનો આનંદ છે.
112 મેં મારા જીવનનાં અંત સુધી સદા તમારા નિયમોનું પાલન કરવા માટે
મારા હૃદયથી જવાબદારી સ્વીકારી છે.
સામેખ
113 બેવડી માનસિકતા ધરાવતા લોકોને હું ધિક્કારું છું.
પણ હું તમારા નિયમોને ચાહું છું.
114 તમે જ મારી ઓથ તથા ઢાલ છો;
મને તમારા વચનની આશા રાખું છે.
115 દુષ્ટ મન વાળા માણસો મારાથી દૂર રહો,
જેથી હું મારા યહોવાની આજ્ઞાઓ પાળું.
116 તમારા વચન મુજબ મને ટેકો આપો જેથી હું જીવી શકું.
મારી આશાઓને નિરાશ ન કરો.
117 મને ટકાવી રાખો, જેથી હું બચી શકુ.
અને સદાય હું તમારા નીતિ નિયમોનો અભ્યાસ કરીશ.
118 હે યહોવા, જેઓ તમારા નિયમોનો ભંગ કરે છે તેનો તમે અસ્વીકાર કરો છો,
કારણકે તમે તેમનાં છેતરામણા માર્ગોને પ્રગટ કરો છો.
119 તમે પૃથ્વીના સર્વ દુષ્ટોને કચરાની જેમ ફેંકી દો છો;
માટે હું તમારા નિયમોને પ્રેમ કરું છું.
120 હું તમારા ભયથી કાંપુ છું,
અને તમારા ન્યાયવચનનો આદર કરું છું.
નિર્દેશક માટે. રાગ: ગિત્તિથ આસાફના ગીતોમાંનુ એક.
1 દેવ જે આપણું સાર્મથ્ય છે તેમની સમક્ષ મોટેથી સ્તુતિ ગાઓ,
યાકૂબના દેવ સમક્ષ હર્ષનાદ કરો.
2 ઢોલક અને સિતાર
અને મધુર વીણા સાથે
તેમના સ્તુતિ-ગાન ગાઓ.
3 રણશિંગડું વગાડો! આવો અને પૂનમનો દિવસ ઉજવો,
નૂતન ચંદ્રનો પવિત્ર દિવસ અને અન્ય સર્વ પવિત્રપવોર્; ઉમંગે ઊજવો.
4 એમ કરવુંએ ઇસ્રાએલનાં લોકો માટે તે વિધિ છે,
દેવે યાકૂબને તે હુકમ આપ્યો છે.
5 જ્યારે તે મિસરમાંથી ઇસ્રાએલીઓને લાવ્યાં
ત્યારે દેવે યૂસફ[a] સાથે કરાર કર્યો;
જ્યાં અમે એક ભાષા સાંભળી જે અમે સમજ્યાં નથી.
6 દેવ કહે છે, “મેં તમારા ખભાને બોજથી મુકત કર્યા,
મેં તમારા હાથોને વજનદાર ટોપલાંથી મુકત કર્યા.
7 સંકટમાં તમે મને પોકાર કર્યો, તેથી મેં તમને છોડાવ્યાં;
ગુપ્તસ્થાનમાંથી ગર્જના દ્વારા મેં તમને પ્રત્યુતર આપ્યો;
મરીબાહનાં પાણી આગળ મેં તમારી પરીક્ષા કરી.
8 “હે મારા લોકો, સાંભળો; હે ઇસ્રાએલ માત્ર મારું સાંભળો;
હું તમને કડક ચેતવણી આપું છું.
9 અન્ય દેવતાઓની આરાધના તમારે કદાપિ કરવી નહિ,
અને ઘરમાં મૂર્તિ રાખવી નહિ.
10 કારણ, મિસર દેશમાંથી તમને બહાર કાઢી લાવનાર
હું ‘યહોવા’ તમારો દેવ છું!
તમારું મુખ ઉઘાડો અને હું તેને ભરી દઇશ.
હું તમને ખવડાવીશ.
11 “પણ ના! મારા લોકોએ મને સાંભળી નહિ;
ઇસ્રાએલ મારી ચેતવણી સ્વીકારવા ઇચ્છતુ નથી.
12 તેથી તેઓને મેં જવા દીધા તેમના અંધારિયાં તથા હઠીલા માર્ગે;
અને તેઓની ઇચ્છા પ્રમાણે જીવવા દીધા.
13 મારા લોકો મારું સાંભળે તો કેવું સારું! અરે,
ઇસ્રાએલ મારું અનુસરણ કરો અને મારા માર્ગો પર ચાલે તો કેવું સારું!
14 તો હું તેઓના શત્રુઓને પરાજીત કરું અને વહેલા નમાવું;
અને તેઓના વેરીની વિરુદ્ધ, મારો હાથ ઝડપથી ઉપાડું!
15 જેઓ યહોવાને ધિક્કારે છે તેઓ તેમની સામે ભયથી ધૂજશે;
પણ તેમની સજા તો સદાને માટે રહેશે.
16 પરંતુ તમને હું, શ્રેષ્ઠ ઘઉંથી તૃપ્ત કરીશ;
અને તમને, ખડકમાંના મધથી સંતોષ આપીશ.”
આસાફના સ્તુતિગીતોમાંનુ.
1 દેવની સભામાં ઇશ્વર
ન્યાયાધીશ તરીકે ઊભા રહે છે.
2 દેવ કહે છે, “તમે ક્યાં સુધી ખોટો ન્યાય કરવાનું ચાલુ રાખશો?
ક્યાં સુધી તમે દુષ્ટો ઉપર વિશેષ કૃપા કરવાનું ચાલુ રાખશો?”
3 “તમે અબળ અને અનાથને ન્યાય કરો,
દુ:ખિત અને લાચારને તેમના હકો પાછા મેળવવા મદદ કરો.
4 અબળ અને દરિદ્રી ને છોડી મૂકો
તેમને દુષ્ટોની પકડમાંથી મુકત કરો.
5 “તેઓ જાણતા નથી કે સમજતા નથી;
તેઓ અંધકારમાં ચાલે છે.
જ્યારે દુનિયા તેમની આજુબાજુ
નીચે ઉતરી રહી છે.”
6 મેં કહ્યું કે “તમે દેવો છો,
અને તમે પરાત્પર દેવના દીકરાઓ છો.
7 તો પણ માણસની જેમ મૃત્યુ પામશો
અને અન્ય સરદારની મ પડશો.”
8 હે દેવ, ઊઠો! પૃથ્વીનો ન્યાય કરો; કારણ,
સર્વ પ્રજાઓ તમારા હાથમાં છે.
મોર્દખાયનું સન્માન
6 તે રાત્રે રાજાને ઊંઘ આવી નહિ; તેથી તેણે તેના શાસનની વિગતો માટે રાજાઓનાં કાળવૃત્તાંતોના પુસ્તકોમાં મંગાવ્યું જેને તેની સમક્ષ વાંચવામાં આવ્યું. 2 તેમાં લખેલું હતું કે, રાજાના બે ખોજાઓ કે જેઓ દ્ધારની ચોકી કરતા હતાં, તે બિગ્થાના અને તેરેશ રાજાનું ખૂન કરવાનું કાવતરું ઘડ્યું હતું અને તેની ખબર મોર્દખાયે આપી હતી.
3 આ ઉપરથી રાજાએ પૂછયું કે, “એ માટે મોર્દખાયને શું માન-મોભો કે ઇનામ આપવામાં આવ્યાં છે?”
ત્યારે રાજાની સેવામાં દરબારીઓ હતા તેમણે જણાવ્યું કે, “મોર્દખાયને કઇં જ આપવામાં આવ્યું નથી.”
4 તેથી રાજાએ પૂછયું, “ત્યાં પ્રાંગણમાં કોણ છે?” હવે બન્યું એવું કે એ જ ક્ષણે હામાન મોર્દખાયને ફાંસીએ ચઢાવવાનું રાજાને પૂછવાં રાજમહેલના બહારના પ્રાંગણમાં દાખલ થયો હતો, 5 તેથી રાજાના સેવકોએ તેને કહ્યું કે, પ્રાંગણમાં હામાન ઊભો છે.
રાજાએ કહ્યું, “એને અંદર લઇ આવો.”
6 અને હામાન દાખલ થયો એટલે રાજાએ તેને સવાલ કર્યો, “રાજા જેનું બહુમાન કરવા ઇચ્છતો હોય તે માણસ માટે શું કરવું જોઇએ?”
હામાને વિચાર્યું કે, “રાજા મારું નહિ તો બીજા કોનું બહુમાન કરવાના હતા?”
7 એટલે હામાને રાજાને કહ્યું કે, “જે માણસને પ્રેમથી માન આપવા રાજા ઇચ્છતા હોય, 8 તેને માટે રાજા પોતે પહેરતા હોય તે પોશાક મંગાવે અને રાજા પોતે જેના પર સવારી કરતા હોય તે, ઘોડો મંગાવી તેનું માથું રાજમુગટથી શણગારો; 9 પછી એ લાંબા ઝભ્ભાઓ અને ઘોડો રાજાના સૌથી વધુ માનવંતા મુખિયાને સોંપો અને તે માણસને એ પોશાક પહેરાવવા અને તેને ઘોડા પર બેસાડી નગરની ગલીઓમાં તેને ફેરવો એમ જાહેર કરતા, ‘રાજા જેનું બહુમાન કરવા ઇચ્છે છે તે વ્યકિતનું આવી રીતે સન્માન કરવું.’ એમ જાહેર કરવામાં આવે.”
10 ત્યારે રાજાએ હામાનને કહ્યું, “ઝટ જા અને પોશાક અને ઘોડો લઇ આવીને રાજમહેલના દરવાજે બેઠેલા યહૂદી મોર્દખાયને તેં કહ્યું તે પ્રમાણે તું કર; તું જે બોલ્યો છે તે સઘળામાંથી કઇં જ રહી જવું જોઇએ નહિ.”
11 આથી હામાને પોશાક અને ઘોડો લઇ જઇને મોર્દખાયને સજાવ્યો અને તેને ઘોડા પર બેસાડીને શહેરના ચોકમાં થઇને, “રાજા જેનું બહુમાન કરવા ઇચ્છે છે તેને આ રીતે સન્માને છે.” એમ પોકાર કરતાં કરતાં ફેરવ્યો.
12 પછી મોર્દખાય પાછો મહેલને દરવાજે આવ્યો અને શરમાયેલો અને દુભાયેલો હામાન મોં છુપાવીને ઝડપથી ઘેર ચાલ્યો ગયો. 13 પછી તેણે પોતાની પત્ની ઝેરેશને અને બધા મિત્રોને તેણે જે બન્યું હતું તે બધું કહી સંભળાવ્યું. ત્યારે હામાનની પત્ની અને તેને સલાહ આપનારા માણસોએ કહ્યું “જો મોર્દખાય એક યહૂદી હોય, તો તું ન જીતી શકે; તારું પતન શરૂ થઇ ગયું છે, ચોક્કસ તું નાશ પામીશ.”
14 હજીતો તેઓ વાત કરી રહ્યાં હતાં એટલામાં રાજાના માણસો આવી પહોંચ્યા અને એસ્તેરે તૈયાર કરેલી ઉજાણીમાં હામાનને ઉતાવળે લઇ ગયા.
એફેસસમાં પાઉલ
19 જ્યારે અપોલોસ કરિંથના શહેરમાં હતો ત્યારે, પાઉલ એફેસસના શહેરના રસ્તા પર કેટલાક સ્થળોની મુલાકાત લેતો હતો. એફેસસમાં પાઉલને યોહાનના કેટલાક શિષ્યો મળ્યા. 2 પાઉલે તેઓને પૂછયું, “જ્યારે તમે વિશ્વાસ કર્યો ત્યારે તમને પવિત્ર આત્મા પ્રાપ્ત થયો?”
આ શિષ્યોએ તેને કહ્યું, “અમે કદી તે પવિત્ર આત્મા વિષે સાંભળ્યું નથી.”
3 તેથી પાઉલે તેઓને પૂછયું, “તમને કેવા પ્રકારનું બાપ્તિસ્મા આપવામા આવ્યું હતું?”
તેઓએ કહ્યું, “તે યોહાને શીખવેલ બાપ્તિસ્મા હતું.”
4 પાઉલે કહ્યું, “લોકો તેમનાં જીવનમાં બદલાણ ઇચ્છે છે તે દર્શાવવા બાપ્તિસ્મા લેવા યોહાને લોકોને કહ્યું. જે તેની પાછળ આવે છે તેના પર વિશ્વાસ કરવાનું યોહાને કહ્યું. તે પાછળ આવનાર વ્યક્તિ તો ઈસુ છે.”
5 જ્યારે તેઓએ આ સાંભળ્યું ત્યારે. તેઓ પ્રભુ ઈસુના નામે બપ્તિસ્મા પામ્યા હતા. 6 પછી પાઉલે તેનો હાથ તેઓના પર મૂક્યો અને પવિત્ર આત્મા તેઓ પર આવ્યો. તેઓ જુદી જુદી ભાષાઓ બોલવા લાગ્યા અને પ્રબૅંેધ કરવા લાગ્યા. 7 ત્યાં લગભગ બાર માણસો આ સમૂહમાં હતા.
8 પાઉલ સભાસ્થાનમાં ગયો અને ઘણી હિંમતથી બોલ્યો. પાઉલે આ કામ ત્રણ માસ સુધી ચાલુ રાખ્યું. તેણે યહૂદિઓ સાથે વાતો કરી અને દેવના રાજ્ય વિષે તેણે કહેલી વાતો સ્વીકારવા સમજાવ્યા. 9 પણ કેટલાક યહૂદિઓ દુરાગ્રહી થયા. તેઓએ માનવાનો અનાદર કર્યો. આ યહૂદિઓએ દેવના માર્ગ વિષે કેટલીક વધારે ખરાબ વાતો કહી. બધા જ લોકોએ આ વાતો સાંભળી. તેથી પાઉલે પેલા યહૂદિઓને છોડી દીધા અને ઈસુના શિષ્યોને તેની સાથે લીધા. તુરાનસ નામના માણસની શાળામાં પાઉલ ગયો. ત્યાં પાઉલ દરરોજ લોકો સાથે ચર્ચા કરતો. 10 પાઉલે આ કામ બે વર્ષ માટે કર્યુ. આ કામને કારણે પ્રત્યેક યહૂદિ અને ગ્રીક જે આસિયાના દેશોમાં રહેતા હતા તેઓએ પ્રભુની વાતો સાંભળી.
ઈસુનું શેતાન દ્ધારા પરીક્ષણ
(માથ. 4:1-11; માર્ક 1:12-13)
4 પવિત્ર આત્માથી ભરપૂર થઈને ઈસુ યર્દન નદીથી પાછો ફર્યો. પવિત્ર આત્મા તેને અરણ્યમાં દોરી ગયો. 2 ત્યાં શેતાને 40 દિવસ સુધી તેનું પરીક્ષણ કર્યુ. તે સમય દરમ્યાન ઈસુએ કંઈ પણ ખાધું નહિ. દિવસો પૂરા થયા પછી ઈસુને ખૂબ ભૂખ લાગી.
3 શેતાને ઈસુને કહ્યું, “જો તું દેવનો દીકરો હોય તો આ પથ્થરને રોટલી બની જવા કહે.”
4 ઈસુએ કહ્યું, “ધર્મશાસ્ત્રમાં લખ્યું છે કે:
‘માણસને જીવવા માટે ફક્ત રોટલીની જરૂર નથી.’(A)”
5 પછી ઈસુને શેતાન એક ઊંચી જગ્યા પર લઈ ગયો અને એક જ પળમાં તેને જગતનાં બધાજ રાજ્યોનું દર્શન કરાવ્યું. 6 શેતાને ઈસુને કહ્યું, “હું તને આ બધા રાજ્યોનો અધિકાર અને મહિમા આપીશ. આ સર્વસ્વ મારું છે. તેથી હું જેને આપવા ઈચ્છું તેને આપી શકું છું. 7 જો તું ફક્ત મારું જ ભજન કરીશ તો એ સર્વસ્વ તારું થઈ જશે.”
8 ઈસુએ ઉત્તર આપ્યો, “શાસ્ત્રોમાં લખ્યું છે તે પ્રમાણે:
‘તારે તારા દેવ પ્રભુનું ભજન કરવું જોઈએ.
તારે એકલા તેની જ સેવા કરવી!’(B)”
9 પછી શેતાન ઈસુને યરૂશાલેમ લઈ ગયો. અને મંદિરની ઊંચી ટોચ પર લઈ ગયો અને તેણે ઈસુને કહ્યું, “જો તું દેવનો દીકરો હોય, તો અહીંથી હેઠળ પડ! 10 શાસ્ત્રોમાં લખ્યા મુજબ:
‘દેવ તારું રક્ષણ કરવા માટે એના દૂતોને આજ્ઞા કરશે’(C)
11 અને એમ પણ લખ્યું છે કે:
‘તેઓ તને પોતાના હાથોમાં એવી રીતે
ઊંચકી લેશે કે જેથી તારો પગ ખડક પર અથડાશે નહિ.’(D)”
12 ઈસુએ ઉત્તર આપ્યો: “એ ઉપરાંત શાસ્ત્રમાં એવું પણ કહેલું છે કે:
‘તારે પ્રભુ તારા દેવનું પરીક્ષણ કરવું જોઈએ નહિ.’” (E)
13 શેતાને અનેક પ્રલોભનોથી દરેક રીતે ઈસુનું પરીક્ષણ કર્યા પછી યોગ્ય સમય આવે ત્યાં સુધી ઈસુને એકલો મૂકીને ત્યાંથી વિદાય લીધી.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International