Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 140

નિર્દેશક માટે. દાઉદનું ગીત.

હે યહોવા, દુષ્ટ માણસોથી મને મુકત કરો;
    જુલમગારોથી તમે મારું સદા રક્ષણ કરો.
તેઓ પોતાના અંતરમાં દુષ્ટ યોજનાઓ ઘડે છે;
    ને રોજ રોજ નવા ઝગડા ઊભા કર્યા કરે છે.
તેઓએ પોતાની જીભ સાપની જેવી તીક્ષ્ણ બનાવી છે;
    અને તેઓની જીભની નીચે નાગનું વિષ છે.

હે યહોવા, દુષ્ટોના હાથોમાંથી મને બચાવો;
    જેઓએ મને હાની પહોંચાડવાની યોજના કરી છે;
    એવા હિંસક માણસોથી તમે મને બચાવો.
હે ગવિર્ષ્ઠ માણસોએ મને પકડવા છટકું ગોઠવ્યું છે;
    આચકો મારીને મને ઊંચે ખેંચીને હવામાં લટકતા છોડવા માટે જાળ પાથરી છે;
    તેઓ મારા ઉપર જાળ નાખવા જાડીમાં છુપાયા છે.

મેં યહોવાને કહ્યું, તમે મારા દેવ છો;
    હે યહોવા, દયા માટેની મારી અરજ સાંભળો.
હે પ્રભુ યહોવા, મારા સમર્થ તારક;
    યુદ્ધના દિવસે તમે મારા શિરનું રક્ષણ કરો છો.
હે યહોવા, આ દુષ્ટો જે ઇચ્છે છે તે તેમની પાસે ન હોય.
    તેઓની યોજનાઓને સફળ થવા દેશો નહિ;
    નહિ તો તેઓ ઊંચા ઊઠશે.

તેઓના કાવતરાંની જાળમાં તેઓ જ ફસાય તેવું થાઓ;
    મારું ભૂંડુ થાય તે માટે તેમણે જે યોજનાઓ કરી છે
    તેનાથી તેઓનો જ નાશ થાય તેવું થાઓ.
10 ધગધગતા અંગારા તેમના મસ્તક પર પડો;
    અથવા તેઓને અગ્નિમાં ફેંકી દેવામાં આવે;
    અથવા તો ઊંડા ખાડાઓમાં નાખવામાં આવે જ્યાંથી તેઓ કદી બચી શકે નહિ.
11 જૂઠું બોલનારાઓને આ દેશમાં રહેવા દેશો નહિ,
    તે દુષ્ટ હિંસક માણસોનો શિકાર અને વિનાશ થવા દો!
12 મને જાણ છે કે, યહોવા નિર્ધન લોકોનો નિષ્પક્ષતાથી ન્યાય કરશે,
    અને ગરીબોનો હક જાળવશે.
13 યહોવાનો ભય રાખનારા ન્યાયીઓ ખરેખર તમારા નામનો આભાર માનશે;
    કારણકે, યથાર્થ મનુષ્યો તમારી સક્ષમતામાં જીવશે.

ગીતશાસ્ત્ર 142

દાઉદ ગુફામાં હતો તે સમયે લખાયેલી તેની પ્રાર્થના. દાઉદનું માસ્કીલ.

હું મોટા સાદે યહોવાને આજીજી કરું છું;
    અને દયા માટે ઊંચા સ્વરે વિનંતી કરું છું.
હું તેમની આગળ મારી ફરિયાદો વરસાવું છું
    અને મારી મુશ્કેલીઓ વિષે હું તેમને જણાવું છું.
હું બેહોશ થવાનો હોઉં,
    ત્યારે મને શું થાય છે તે તમે જાણો છો પણ જે રસ્તે હું ચાલું છું;
    તેમા તેઓએ ફંદા ગોઠવ્યા છે.

જ્યારે હું આજુબાજુ જોઉં છું,
    હું કોઇ મિત્રને જોતો નથી,
જે મને મદદ કરી શકે,
    અથવા મારી સંભાળ રાખી શકે અથવા મારો બચાવ કરી શકે.
હે યહોવા, મારી પ્રાર્થનામાં મે તમને પોકાર કર્યો અને કહ્યું,
    “યહોવા, મારી સંતાવાની જગા માત્ર તમે જ છો.
    આ જીવનમાં મારી પાસે જે બધું છે તે તમે છો.”
મારા પોકારો સાંભળો,
    કેમકે હું દુ:ખી છું;
જેઓ મારી પાછળ પડ્યાં છે તેમનાથી મને બચાવો;
    કારણકે તેઓ મારા કરતાં વધુ બળવાન છે.
મને બંદીવાસમાંથી બહાર લાવો,
    જેથી હું તમારો આભાર માની શકું.
તમારી સર્વ મદદને માટે દેવનો ભય રાખનારા
    મારી સાથે આનંદ કરશે તમે મારા માટે ઉદાર છો.

ગીતશાસ્ત્ર 141

દાઉદનું ગીત.

હે યહોવા, જલ્દીથી મને ઉત્તર આપો;
    કારણકે, મેં પ્રાર્થના કરી છે.
    મદદ માટેનો પોકાર સાંભળો.
મારી પ્રાર્થના તારી સંમુખ ધૂપ જેવી થાઓ,
    મારા ઊંચા થયેલા હાથો તે વેદી પરના સંધ્યાકાળના દહનાર્પણોની જેમ તમને સ્વીકાર્ય હો!

હે યહોવા, મારા મુખને બંધ રાખવા
    અને મારા હોઠોને બીડેલા રાખવા મને સહાય કરો.
મારા હૃદયમાં કંઇ દુષ્ટ વસ્તુ પ્રવેશે નહિ,
    જેથી દુષ્કર્મો કરનારની સાથે તેમના દુષ્ટકાર્યોમાં હું જોડાઉં નહિ
    અને તેઓ જે કરવા ચાહે છે તેમાં હું તેમને સાથ ન આપું.
જો કોઇ ન્યાયી માણસ મને સુધારે તો
    હું તેમને સારી વસ્તુ કરવા તરીકે સમજીશ.
તેમનો ઠપકો માથા પર તેલ નાખવા જેવો રહેશે.
    હું કદાપિ આવા સ્વાસ્થ્ય વર્ધકનો નકાર ન કરું!
પણ ખરાબ લોકોનાં દુષ્ટ કૃત્યો વિરુદ્ધ હું પ્રાર્થના કરીશ.
તેઓના ન્યાયધીશો પર્વતની ટોચ ઉપરથી પાડી નાખવામાં આવે.
    તેઓ સાંભળશે અને અનુભવશે કે મારાં શબ્દો સાચા અને મીઠાં છે.

જેમ કોઇ જમીન ખેડે અને આજુબાજુ ગંદકી ફેલાવે,
    તેમ અમારાં હાડકાં કબરના પ્રવેશ આગળ વિખરાયેલાં હતા.
પણ હે યહોવા પ્રભુ, હું મદદ માટે તમારી તરફ જોઉં છું.
    હું તમારો વિશ્વાસ કરું છું.
    મારા આત્માનો નાશ ન થવા દો.
તેઓએ મારા માટે ગોઠવેલા ફાંદાથી
    અને ભૂંડુ કરનારાઓએ ગોઠવેલી જાળમાથી મને બચાવો.
10 દુષ્ટો પોતાની જાળમાં ફસાઇ જાય,
    અને તમે મારી રક્ષા કરો.

ગીતશાસ્ત્ર 143

દાઉદનું ગીત.

હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો,
    મારી આજીજીનો જવાબ આપો
    અને મને બતાવો કે તમે ભલા અને ન્યાયી છો.
હે યહોવા, મારી, તમારા સેવકની, ચકાસણી ન કરો,
    કારણ કે તમારી આગળ કોઇ નિર્દોષ મળશે નહિ.
મારા શત્રુઓ મારી પાછળ પડ્યા છે;
    તેઓએ મને જમીન પર પછાડ્યો છે,
અને અંધકારમાં પૂરી દીધો છે,
    જાણે હું મરી ગયો હોઉં તેમ.
માટે મારો આત્મા ઘણો મૂંઝાઇ ગયો છે;
    અને મારું અંત:કરણ સ્તબ્ધ થઇ ગયું છે.
હું ભૂતકાળનાં વર્ષો સ્મરું છું;
    તે વખતે તમે મહિમાવંત ચમત્કારો કર્યા હતાં;
    તેનું મનન કરું છું.
હું મારા હાથ તમારા ભણી પ્રસારું છું;
    સૂકી ધરતીની જેમ મારો જીવ તમારા માટે તરસે છે.

હે યહોવા, મને જલ્દી જવાબ દો કારણકે હવે
    હું નબળો થતો જાઉં છું;
તમે મારાથી મોઢું ફેરવશો તો
    હું મૃત્યુ પામીશ.
મને પ્રભાતમાં તમારી કૃપા અનુભવવા દો;
    કારણકે, હું તમારા પર ભરોસો રાખું છું.
જે માર્ગે મારે ચાલવું જોઇએ તે મને બતાવો, કારણકે,
    હું મારું જીવન તમારા હાથોમાં મૂકું છું.
મારા શત્રુઓથી તમે મારી રક્ષા કરો;
    સંતાવા માટે હું તમારે શરણે આવ્યો છું.
10 મને તમારી ઇચ્છા પ્રમાણે વર્તવાનું શીખવો;
    કારણકે તમે મારા દેવ છો;
તમારો ઉત્તમ આત્મા મને સત્યને માર્ગે દોરી જાઓ.
11 હે યહોવા, તમારા નામને માટે મને જીવાડો;
    તમારા ન્યાયીપણાથી મને મુશ્કેલીમાંથી બચાવો.
12 મારા પ્રત્યેની કૃપાથી તમે મારા શત્રુઓનો નાશ કરો;
    અને મારા આત્માને સતાવનારાઓનો સંહાર કરો;
કારણકે હું તમારો સેવક છું.

અયૂબ 2

શેતાન દ્વારા ફરી અયૂબને દુ:ખ આપવું

ફરી એક વખત દેવદૂતો યહોવાની સમક્ષ હાજર થયા, ત્યારે તેઓની સાથે શેતાન પણ આવીને યહોવાની આગળ હાજર થયો. યહોવાએ શેતાનને પૂછયું, “તું ક્યાં જઇ આવ્યો?”

શેતાને યહોવાને કહ્યું, “હું પૃથ્વી પર ચારે તરફ ભટકતો હતો.”

યહોવાએ શેતાનને પૂછ્યું કે, “શું તેઁ મારા સેવક અયૂબને ધ્યાનથી જોયો છે? પૃથ્વી પર તેના જેવો કોઇ નથી. તે ભલો, પ્રામાણિક, દેવથી ડરનાર, અનિષ્ટ કર્મો કરવાનો ઇન્કાર કરનાર છે. એને હેરાન કરવાને તેઁ મને પડકાર ફેક્યો અને તે પણ કોઇ કારણ વગર, અને તે છતાં પણ તે તેની પ્રામાણિકતાને દ્રઢતાથી વળગી રહ્યો છે.”

શેતાને યહોવાને જવાબ આપ્યો, “માણસ કોઇપણ ભોગે પોતાનું જીવન બચાવતો હોય છે. તે ચામડીને બદલે ચામડી પણ આપે છે. તમે તેના શરીરને સ્પર્શ કરો અને માંદગી આપો. પછી જુઓ, તે તમારી સામો થશે અને તમારા પર શાપ વરસાવશે.”

પછી યહોવાએ શેતાનને કહ્યું કે, “જા, હું એને તારા હાથમાં સોંપુ છું. તારે એનું જે કરવું હોય તે કરજે; ફકત તેનો જીવ બચાવજે.”

પછી યહોવા પાસેથી શેતાન ચાલ્યો ગયો, તેણે અયૂબને તેના પગના તળિયાથી તે તેના માથા સુધી દુ:ખદાયક ગૂંમડાથી ભરી દીધો. તેથી અયૂબ ધૂળમાં બેઠો, અને તેની ખંજવાળ મટાડવા તેના ઘા ને ખજવાળવા તેણે માટીના એક તૂટેલા ટૂકડાનો ઊપયોગ કર્યો. તેની પત્નીએ તેને કહ્યું, “તમે હજુ પણ દેવને વળગી રહ્યાં છો? તમે દેવ પર શાપ વરસાવો અને જીવનનો ત્યાગ કરો!”

10 પરંતુ અયૂબે ઉત્તર આપ્યો, “તું તો એક મૂર્ખ સ્ત્રીની જેમ બોલે છે, શું આપણે દેવના હાથથી માત્ર સુખ જ સ્વીકારવાનું, દુ:ખ નહિ?” આવા દુ:ખમાં પણ અયૂબે કદી દેવની વિરૂદ્ધ એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહિ.

અયૂબના મિત્રોનું આગમન અને આશ્વાસન

11 આ અયૂબ પર આવી પડેલી આફતોની વાત તેના ત્રણ મિત્રોના જાણવામાં આવી તેઓએ તેમના ઘર છોડ્યા એક બીજાને સાથે મળ્યા. તેઓ અયૂબ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા અને તેને આશ્વાસન આપવા જવા માટે સંમંત થયા. તે મિત્રોના નામ તેમાનથી અલીફાઝ, શૂહીથી બિલ્દાદ અને નાઅમાંથી સોફાર હતાં. 12 તેઓએ દૂરથી અયૂબને જોયો અને હવે તે ઓળખી ન શકાય તેવો થઇ ગયો હતો તેથી તેઓ મોટે અવાજે રડ્યા, શોકના માર્યા પોતાના વસ્ત્રો ફાડી નાંખ્યા અને તેઓનો શોક વ્યકત કરવા, તેઓ તેઓના માથા પર રેતી વરસાવવા લાગ્યાં. 13 તેઓ સાત દિવસ અને સાત રાત તેની સાથે જમીન પર બેસી રહ્યા. તેઓ એક શબ્દ પણ બોલ્યા નહિ. કારણકે તેઓએ જોયું કે અયૂબનું દુ:ખ ખૂબ વિશાળ હતું.

પ્રેરિતોનાં કૃત્યો 9:1-9

શાઉલનું બદલાણ

યરૂશાલેમમાં શાઉલ હજુ પણ પ્રભુના શિષ્યોને બધીજ વખતે હત્યા કરવાની ધમકીઓ આપતો હતો. તેથી તે પ્રમુખ યાજક પાસે ગયો. શાઉલે તેને દમસ્ક શહેરની સભાઓના યહૂદિઓને પત્રો લખવાનું કહ્યું. શાઉલે ખ્રિસ્તના માર્ગના શિષ્યોને દમસ્કમાં શોધવાનો અધિકાર પ્રમુખ યાજક પાસેથી માગ્યો. જો તેને કોઈ સ્ત્રી કે પુરુંષ મળે તો તેઓને યરૂશાલેમ લઈ આવે.

તેથી શાઉલ દમસ્ક ગયો. જ્યારે તે શહેરની નજીક આવ્યો. તેની આજુબાજુ એકાએક આકાશમાંથી તેજસ્વી પ્રકાશ ઝબૂક્યો. શાઉલ જમીન પર પટકાયો. તેણે તેને કહેવાતી એક વાણી સાંભળી. “શાઉલ, શાઉલ! તું શા માટે મને સતાવે છે?”

શાઉલે કહ્યું, “તું કોણ છે, પ્રભુ?”

જવાબમાં વાણી સંભળાઇ, “હું ઈસુ છું, તું જેની સતાવણી કરે છે. તે હું છું. હવે ઊભો થા, શહેરમાં જા, ત્યાં ત્યારે શું કરવું જોઈએ તે તને કોઈ કહેશે.”

શાઉલ સાથે મુસાફરી કરતા માણસો ત્યાં ઊભા રહ્યા. તેઓ કંઈ બોલ્યા નહિ. તે માણસોએ વાણી સાંભળી, પણ તેઓએ કોઇને જોયો નહિ. શાઉલ જમીન પરથી ઊભો થયો. તેણે તેની આંખો ઉઘાડી. પણ તે કંઈ જોઈ શક્યો નહિ. તેથી શાઉલની સાથેના માણસોએ તેનો હાથ પકડ્યો અને તેને દમસ્ક દોરી ગયા. ત્રણ દિવસ સુધી શાઉલ કંઈ જોઈ શક્યો નહિ. તે ખાઈ કે પી શક્યો પણ નહિ.

યોહાન 6:27-40

27 ભૌતિક ભોજન નાશવંત છે. તેથી તે પ્રકારનું ભોજન મેળવવા માટે કામ ન કરો. પરંતુ જે તમને અનંતજીવન આપે છે અને હમેશા સારું છે તે ભોજન મેળવવા કામ કરો. માણસનો દીકરો તમને તે ભોજન આપશે. દેવ પિતાએ બતાવ્યું છે કે તે માણસના દીકરા સાથે છે.”

28 લોકોએ ઈસુને પૂછયું, “દેવ આપણી પાસે કેવાં કામો કરાવવા માટે ઈચ્છે છે?”

29 ઈસુએ ઉત્તર આપ્યો, “દેવ જે કામ ઈચ્છે છે તે આ છે: દેવે જેને મોકલ્યો છે તેનામાં તમે વિશ્વાસ કરો.”

30 તેથી તે લોકોએ પૂછયું, “તું દેવે મોકલેલો છે તે સાબિત કરવા તું કેવા ચમત્કારો કરીશ? જ્યારે અમે તને ચમત્કાર કરતાં જોઈશું પછી વિશ્વાસ કરીશું. તું શું કરીશ? 31 અમારા (પૂર્વજો) એ રણમાં આપેલ માન્ના ખાધું. આ શાસ્ત્રમાં લખેલું છે. ‘દેવે તેઓને આકાશમાંથી રોટલી ખાવા માટે આપી.’”

32 ઈસુએ કહ્યું, “હું તમને સત્ય કહું છું, મૂસાએ તમારા લોકોને આકાશમાંથી રોટલી આપી ન હતી. પરંતુ મારા પિતા તમને આકાશમાંથી સાચી રોટલી આપે છે. 33 દેવની રોટલી શું છે? આકાશમાંથી જે રોટલી નીચે આવે છે તે દેવની છે, અને તે જગતને જીવન આપે છે.”

34 તે લોકોએ કહ્યું, “પ્રભુ, આ રોટલી અમને સદા આપો.”

35 પછી ઈસુએ કહ્યું, “જે જીવન આપે છે તે રોટલી હું છું. જે વ્યક્તિ મારી પાસે આવે છે તે કદાપિ ભૂખે મરશે નહિ. જે વ્યક્તિ મારામાં વિશ્વાસ રાખે છે તેને કદાપિ તરસ લાગશે નહિ. 36 મે તમને અગાઉ કહ્યું છે કે તમે મને જોયો છે અને છતાં તમે વિશ્વાસ કરતા નથી. 37 મને લોકો આપે છે અને તે લોકોમાંના બધા જ મારી પાસે આવશે. મારી પાસે જે દરેક વ્યક્તિ આવશે તેનો હું હમેશા સ્વીકાર કરીશ. 38 દેવ મારી પાસે જે કરાવવા ઈચ્છે છે તે કરવા માટે હું આકાશમાંથી નીચે આવ્યો છું. હું મારી ઈચ્છાથી કઈ કરવા માટે આવ્યો નથી. 39 દેવે મને જે કઈ આપ્યું છે તેમાંથી કશું ગુમાવીશ નહિ. પણ છેલ્લા દિવસે તે લોકોને હું પાછા ઉઠાડીશ. જેણે મને મોકલ્યો છે અને મારી પાસે જે કઈ કરાવવાની ઈચ્છા છે તે આ છે. 40 વ્યક્તિ જે દીકરાને જુએ છે, અને તેનામાં વિશ્વાસ મૂકે છે. તેને અનંતજીવન મળે છે. હું તે વ્યક્તિને છેલ્લા દિવસે ઉઠાડીશ. એ મારા પિતાની ઈચ્છા છે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International