Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 102

એક ગરીબ માણસની પ્રાર્થના. જ્યારે તે દુ:ખી હોય છે ત્યારે તે દેવને ફરિયાદ કરે છે.

હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો;
    મારા પોકારને કાન પર આવવા દો.
મારા સંકટને દુ:ખના સમયમાં તમે મારાથી મુખ અવળું ના ફેરવો;
    કાન ધરીને તમે મને સાંભળો અને તમે મને જલ્દી ઉત્તર આપો.
કારણ, મારા દહાડા; ધુમાડાની જેમ વીતી જાય છે,
    અને મારા હાડકાં ખોયણાની જેમ બળે છે.
મારું હૃદય તો ઘાસના જેવું કપાયેલું અને ચીમળાયેલું છે;
    તે એટલે સુધી કે રોટલી ખાવાનું પણ હું ભુલી જાઉં છું.
મારા ઘેરા વિષાદ ને નિસાસાને કારણે ફકત ચામડીથી
    ઢંકાયેલા હાડપિંજર જેવો હું થઇ ગયો છું.
હું દૂરના રણનાં ઘુવડ જેવો થઇ ગયો છું;
    વિધ્વંસની વચ્ચે જીવતા એક ઘુવડ જેવો.
હું જાગતો પડ્યો રહું છું,
    છાપરે બેઠેલી એકલવાયી ચકલીના જેવો થઇ ગયો છું.
મારા શત્રુ આખો દિવસ મને મહેણાઁ મારે છે;
    અને બીજાને શાપ દેવા મારા નામનો ઉપયોગ કરે છે.
રોટલીને બદલે હું રાખ ખાઉં છું;
    મારા આંસુ વહીને મારા પ્યાલામાં પડે છે.
10 તે તમારા રોષ તથા કોપને કારણે છે;
    કેમકે તમે મને ઊંચો કરી નીચે ફેંકી દીધો છે.

11 મારા દિવસો નમતી છાયા જેવા છે;
    ઘાસની જેમ હું કરમાઇ ગયો છું.
12 પરંતુ હે યહોવા, તમે સદાકાળ શાસન કરશો!
    પેઢી દર પેઢી સુધી તમે યાદ રહેશો.
13 મને ખબર છે; તમે ચોક્કસ આવશો અને તમે સિયોન પર તમારી કૃપા વરસાવશો.
    તમારા વચન પ્રમાણે, મદદ કરવાનો અને તેના પર કૃપા વરસાવવાનો આજ સમય છે.
14 કારણકે તમારા સેવકો તેની દીવાલનાં પ્રત્યેક પથ્થરને ચાહે છે,
    અને તેની શેરીઓની ધૂળ પ્રત્યે તેઓ મમતા ધરાવે છે.
15 પ્રજાઓ બીશે અને યહોવાના નામનો આદર કરશે,
    અને તેમના રાજાઓ તમારા ગૌરવનો આદર કરશે!
16 કારણ, યહોવા સિયોનને ફરીથી બાંધ્યું છે;
    અને તે તમારી સમક્ષ પોતાનાં સંપૂર્ણ મહિમા સહિત પ્રગટ થયો છે!
17 તે લાચાર અને દુ:ખીની પ્રાર્થનાઓ સાંભળશે;
    અને તેમની પ્રાર્થનાની અવગણના કરી નથી.
18 આવનાર પેઢી માટે આ સર્વ બાબતોની નોંધ કરો;
    જેથી તેઓ યહોવાની સ્તુતિ કરે.
    અને જે લોકો હજી જન્મ્યા નથી તેઓ યહોવાની સ્તુતિ કરશે.
19 તેઓને કહો કે; દેવે સ્વર્ગમાંથી
    નીચે પૃથ્વી પર દ્રૃષ્ટિ કરી છે.
20 તે બંદીવાનોની પ્રાર્થના સાંભળશે,
    જેઓ મૃત્યુ માટે દોષી ઠરાવાયા હતા તેઓને મુકત કરશે.
21 પછી સિયોનનાં લોકો યહોવાનું નામ જાહેર કરે છે
    અને તેઓ યરૂશાલેમમાં તેમની સ્તુતિ કરશે.
22 તે વખતે યહોવાની સેવા કરવા માટે લોકો
    તથા પૃથ્વીનાં રાજ્યો એકઠાં થશે.

23 મારા જીવનનાં મધ્યાહને તેમણે
    મારી શકિત ઘટાડી ને મારા દિવસો ટૂંકા કર્યા.
24 મેં તેમને પોકાર કર્યો, “હે મારા દેવ, તમે સદા સર્વકાળ જીવંત છો!
    મને મારા જીવનના મધ્યાહને મરવા ન દેશો.
25 તમે યુગો પહેલાં પૃથ્વીનો પાયો નાખ્યો હતો
    અને તમારા હાથો વડે આકાશો રચ્યાં હતાં.
26 એ સર્વ પણ નાશ પામશે, તમે સર્વકાળ છો;
    તેઓ જૂના થશે, ફાટી ગયેલાં કપડા જેવાં થશે;
અને માણસ જૂનું વસ્ર ફેંકી નવું ધારણ કરે,
    તેમ તમે પણ તેઓને બદલી નાંખશો.
27 પરંતુ તમે હે દેવ, તમે કદી બદલાતાં નથી;
    અને તમારા વર્ષોનો કદી અંત આવશે નહિ.
28 તમારા સેવકોનાં બાળકો અહીં વસશે,
    અને તેમનાં વંશજો
    તમારી સમક્ષ પ્રસ્થાપિત થશે.”

ગીતશાસ્ત્ર 107:1-32

ભાગ પાંયમો

(ગીત 107–150)

યહોવાનો આભાર માનો, કારણ તે ઉત્તમ છે;
    અને તેમની કૃપા સર્વકાળપર્યંત ટકે છે.
જે યહોવાના છોડાવાયેલા છે તેઓએ આ પ્રમાણે કહેવું જોઇએ,
    કે દેવે તેઓને તેમના શત્રુઓથી બચાવ્યા.
પૃથ્વીના દૂર દૂરનાં ખૂણે ખૂણેથી
    અને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર દક્ષિણ દિશામાંથી તેમણે પોતાના લોકોને સાથે ભેગા કર્યા.

કેટલાંક ઉજ્જડ માર્ગે રણમાં ભટકતાં હતાં
    અને તેઓને વસવા નગર ન મળ્યું.
તેઓ ભૂખ્યા અને તરસ્યા હતાં,
    અને નબળા પડી રહ્યાં હતાં.
પોતાના સંકટમાં તેઓએ યહોવાને પોકાર કર્યો,
    અને યહોવાએ તેઓને દુ:ખમાંથી છોડાવ્યાં.
યહોવા તેઓને, જ્યાં તેઓ વસવાટ કરી શકે તેવા નગરમાં સીધે રસ્તે દોરી ગયાં.
દેવની કૃપા માટે તથા માનવ જાત માટે તેમણે કરેલાં અદભૂત કાર્યો
    માટે માણસો યહોવાની સ્તુતિ કરે તો કેવું સારું!
કારણ કે તે તરસ્યા આત્માને સંતોષે છે,
    અને ભૂખ્યા આત્માને ઉત્તમ વાનાઁથી તૃપ્ત કરે છે.

10 કારણ કે તેઓએ દેવના વચનોની સામે બંડ પોકાર્યુ હતું
    તેમણે પરાત્પર દેવના બોધનો તિરસ્કાર કર્યો હતો.
11 કેટલાંક લોકોને અંધારી જેલમાં સળિયા પાછળ
    તાળું મારીને કેદ કરવામાં આવ્યાં હતા.
12 તેઓ તેમની મુશ્કેલીઓથી
    નરમ થઇ ગયાં છે.
તેઓ લથડીને નીચે પડ્યાં,
    છતાં તેમને મદદ કરનાર કોઇ ન હતું.
13 તેઓએ પોતાના સંકટમાં યહોવાને પોકાર કર્યો;
    એટલે તેણે તેઓને દુ:ખમાંથી તાર્યા.
14 તે તેઓને અંધકાર અને મરણછાયામાંથી કાઢી લાવ્યાં;
    અને બંધન તોડી નાખ્યાઁ.
15 ભલે આભાર માને તેઓ યહોવાનો તેમની કૃપા માટે
    અને વિસ્મયજનક કાર્યો જે તેઓ માનવજાત માટે કરે છે.
16 તેણે બંદીખાનાના પિત્તળના દરવાજા તોડી નાખ્યા
    અને તેઓની લોખંડની ભૂંગળો પણ તોડી નાખી.

17 મૂર્ખ લોકો પોતાના પાપથી
    તથા પોતાની ભૂંડાઇથી સંકટમાં આવી પડે છે.
18 સર્વ પ્રકારના ખોરાકથી, તેઓના જીવ કંટાળી જાય છે;
    અને મૃત્યુ તરફ પહોંચી જાય છે.
19 પોતાના સંકટોમા તેઓ યહોવાને પોકારે છે;
    અને યહોવા તેઓને દુ:ખમાંથી તારે છે.
20 તેઓ પોતાનું વચન મોકલીને તેમને સાજા કરે છે,
    અને તેણે તેઓને દુર્દશામાંથી ઉગાર્યા છે.
21 ભલે આભાર માને તેઓ યહોવાનો તેમની કૃપા માટે
    અને વિસ્મયજનક કાર્યો જે તેઓ માનવજાત માટે કરે છે.
22 તેમને દેવને આભારસ્તુતિનાં અર્પણો આપવા દો.
    યહોવાના કાર્યોને ગીતો દ્વારા પ્રગટ થવા દો.

23 જે નાવિકો સમુદ્રમાં એક બાજુએથી બીજી બાજુ સુધી નૌકા વિહાર કરે છે
    અને સમુદ્ર પર કૌશલ્યનું કામ કરે છે,
24 તેઓ પણ દેવની કાર્યશકિત નિહાળે છે;
    અને અદ્ભૂત કૃત્યો ઊંડાણોમાં જુએ છે.
25 તે આજ્ઞા આપે છે તો તોફાની પવનો ચડી આવે છે;
    તેથી મોજાઓ ઊંચા ઊછળે છે.
26 મોજા સાથે તેઓના વહાણો ઊંચા ઊંચકાય છે;
    અને પાછા ઊંડાણમાં પટકાય છે;
    લાચાર સ્થિતિમાં ખલાસીઓની હિંમત ઓગળી જાય છે.
27 તેઓ પીધેલાની જેમ આમતેમ ડોલતા લથડે છે;
    અને તેમ તેઓની બુદ્ધિ બહેર મારી જાય છે.
28 તેઓ સંકટમાં હોય ત્યારે “યહોવાને” પોકારે છે;
    તે તેઓને દુ:ખમાંથી કાઢે છે.
29 તેણે તોફાનને અટકાવ્યા
    તથા મોજાઓને શાંત કર્યા છે.
30 પછી તેઓ મહાસાગરની સ્થિરતાનો આનંદ માણે છે
    અને દેવ તેઓને તેમની પસંદગીના બંદરે દોરી જાય છે.
31 તેમની આ કૃપા તથા માનવજાતને માટેના, તેનાં અદભૂત કાર્યો માટે;
    તેઓને યહોવાનો આભાર માનવા દો.
32 લોકોની સભામાં યહોવાને મોટા મનાવો;
    અને વડીલોના મંડળમાં તેઓની સ્તુતિ કરો.

ગણના 20:1-13

મરિયમનું અવસાન

20 પહેલા મહિનામાં બધાં ઇસ્રાએલીઓ સીનના અરણ્યમાં આવ્યાં અને કાદેશમાં પડાવ નાખ્યો. ત્યાં મરિયમનું અવસાન થતાં તેને દફનાવવામાં આવી.

મૂસાની ભૂલ

તે સ્થળે સમાંજ માંટે પૂરતું પાણી નહોતું તેથી બધા લોકો મૂસાની અને હારુનની વિરુદ્ધ ટોળે વળીને કચકચ કરવા લાગ્યા. એ લોકો મૂસા સાથે ઝઘડવા લાગ્યા, “યહોવાની સામે જ અમાંરા ભાઈઓ મૃત્યુ પામ્યા ત્યારે જ અમે પણ મરી ગયા હોત તો સારૂ થાત. તું યહોવાના સમાંજને ઈરાદાપૂર્વક આ અરણ્યમાં લાવ્યો છે, અમે અને અમાંરા ઘેટાંબકરાં તથા ઢોરઢાંખર અહીં મરી જઈએ એટલા માંટે તું લઈ આવ્યો છે? તું શા માંટે અમને મિસરમાંથી બહાર લઈ આવ્યો? શા માંટે તું અમને આ ખરાબ જગ્યાએ લઈ આવ્યો? આ જગ્યાએ નથી અનાજ કે અંજીર કે દ્રાક્ષ કે દાડમ. અહી તો પીવાનું પાણી પણ નથી.”

મૂસા અને હારુન તેઓ પાસેથી મુલાકાત મંડપના પ્રવેશદ્વાર આગળ ગયા. તેમણે ભૂમિ પર પડીને સાષ્ટાંગ નમસ્કાર કર્યા. અને યહોવાના ગૌરવે તેમને દર્શન દીધાં.

યહોવાએ મૂસાને કહ્યું, “તું કરારકોશ પાસે પડેલી લાકડી લે, અને પછી તારા ભાઈ હારુન સાથે સમગ્ર સમાંજને ભેગો કર અને સૌના દેખતા ખડકને કહે કે તે પોતાનું પાણી આપે! આમ તું કહીશ એટલે એમાંથી તેઓને અને તેઓનાં પશુઓને પીવા માંટે પાણી પુષ્કળ પ્રમાંણમાં નીકળશે.”

યહોવાએ આજ્ઞા કરી તે પ્રમાંણે મૂસાએ યહોવા સમક્ષ મૂકેલી લાકડી લીધી. 10 પછી મૂસાએ અને હારુને સમગ્ર સમાંજને ખડક આગળ ભેગો કર્યો અને તેણે તેઓને કહ્યું, “ઓ બંડખોરો, સાંભળો, અમે શું આ ખડકમાંથી તમાંરા માંટે પાણી કાઢીએ?”

11 પછી મૂસાએ હાથ ઊચો કરીને લાકડી બે વખત ખડક પર પછાડી એટલે ખડકમાંથી પુષ્કળ પાણી ધસારા સાથે બહાર નીકળ્યું. તે સૌએ તથા પશુઓએ ધરાઈને પીધું.

12 પણ યહોવાએ મૂસાને અને હારુનને કહ્યું, “બધા ઇસ્રાએલીઓ સમક્ષ તમે તમાંરું માંરા પ્રત્યે સન્માંન બતાવ્યું નહિ. તમે તેઓને બતાવ્યું નહિ કે પાણી કાઢવાની શક્તિ માંરામાંથી આવી હતી તેઓને તમે બતાવ્યું નહિ કે તમે માંરામાં વિશ્વાસ કર્યો હતો તેથી મેં તેઓને જે ભૂમિ આપવાનું વચન આપ્યું હતું ત્યાં તમે તે લોકોને લઈ જશો નહિ.”

13 આ સ્થળનું નામ “મરીબાહ” નું પાણી એટલે “તકરારનું પાણી” પાડવામાં આવ્યું કારણ કે, “મરીબાહ” ના ઝરા આગળ આ બન્યું હતું. જયાં ઇસ્રાએલીઓએ યહોવા વિરુદ્ધ ઝઘડો કર્યો હતો અને જયાં યહોવાએ તેમને પરચો બતાવ્યો હતો.

રોમનો 5:12-21

આદમ અને ખ્રિસ્ત

12 એક માણસના (આદમના) લીધે આ જગતમાં પાપ પેઠું. પાપ દ્વારા મૃત્યુ પણ આવ્યું. આ જ કારણે સૌ લોકોને મરવું જ પડશે-કેમકે સઘળાએ પાપ કર્યું છે. 13 મૂસાના નિયમશાસ્ત્ર અગાઉ આ દુનિયામાં પાપનું અસ્તિત્વ હતું. પરંતુ જ્યાં સુધી કોઈ નિયમશાસ્ત્ર જ ન હોય ત્યાં સુધી દેવ લોકોને પાપના અપરાધી ગણતો નથી. 14 પરંતુ આદમથી મૂસા સુધીના સમયગાળા દરમ્યાન સૌ લોકો મૃત્યુ પામ્યા હતા. દેવના આદેશનું ઉલ્લંઘન કરવાના પાપને કારણે આદમ મૃત્યુ પામ્યો હતો. પરંતુ જે લોકોએ આદમની જેમ પાપ કર્યા ન હતાં તેમને પણ મરવું પડ્યું.

આદમ ભવિષ્યમાં આવનાર ખ્રિસ્તની પ્રતિચ્છાયારૂપ હતો. 15 એક માણસના પાપના કારણે ઘણા લોકો મૃત્યુ પામ્યા. પરંતુ દેવે લોકો પર જે કૃપા કરી તે ઘણી વધારે હતી. પરંતુ ઘણા લોકોને જીવનદાન મળ્યું. જે એક માણસ એટલે ઈસુ ખ્રિસ્તની કૃપાથી ઘણાના ઉપર દેવની કૃપા તથા દાન થયાં છે, જેથી જેવું પાપ છે તેવું કૃપાદાન છે એમ નથી. 16 આદમે એક પાપ કર્યું કે તરત જ તેને અપરાધી ઠરાવવામાં આવ્યો. પરંતુ દેવની બક્ષિસની વાત તો કાંઈ જુદી જ છે. અનેક પાપો થયાં પછી દેવની બક્ષિસ મળી. એ બક્ષિસ તો એવી છે કે જે લોકોને દેવ સાથે ન્યાયી બનાવે છે. 17 એક માણસનાં પાપથી મરણે સઘળાં પર રાજ કર્યું, પણ હાલ કેટલાએક લોકો દેવની પૂર્ણ કૃપા મેળવે છે, અને દેવ સાથે ન્યાયી થવાની ભેટ મેળવે છે. હજુ પણ આ લોકો ઈસુ ખ્રિસ્ત દ્વારા ખૂબ ખાતરીપૂર્વક ખરું જીવન મેળવશે.

18 આમ આદમનું એક જ પાપ સર્વ માણસો માટે મૃત્યુદંડ લાવ્યું. પરંતુ એ જ રીતે ખ્રિસ્તે એક જ ન્યાયી કૃત્યને કારણે બધા લોકોને દેવ સાથે ન્યાયી ઠેરવ્યા. 19 એક માણસે દેવના આદેશનું ઉલ્લંઘન કર્યું અને તેના પરિણામે અનેક લોકો પાપમાં પડ્યા. પરંતુ એ જ રીતે એક માનવે દેવનો આદેશ પવિત્ર અને ધાર્મિક રીતે પાળી બતાવ્યો. અને તેના પરિણામે અનેક લોકો દેવ સાથે ન્યાયી બનશે. 20 લોકો વધારે પાપ કરે તે માટે નિયમશાસ્ત્ર દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ જેમ જેમ લોકો વધુ ને વધુ પાપ કરતા ગયા, તેમ તેમ દેવ વધુ ને વધુ કૃપા કરવા લાગ્યો. 21 પાપ શસ્ત્ર તરીકે મૃત્યુનો ઉપયોગ કરતું હતું. દેવે લોકો પર પુષ્કળ દયા કરી તેથી દેવની કૃપાનું શાસન થશે અને પ્રભુ ઈસુ દ્વારા લોકો ન્યાયી ઠરશે. આમ આપણા પ્રભુ ઈસુ દ્વારા અનંતકાળનું જીવન મળશે.

માથ્થી 20:29-34

ઈસુએ બે આંધળા માણસોને દેખતા કર્યા

(માર્ક 10:46-52; લૂ. 18:35-43)

29 જ્યારે ઈસુ અને તેના શિષ્યો યરીખોથી નીકળીને જતા હતા ત્યારે ઘણા લોકો ઈસુને અનુસરતા હતા. 30 રસ્તાની બાજુએ બે અંધજનો બેઠા હતા. એ રસ્તે થઈને ઈસુ પસાર થાય છે એવું સાંભળીને તેઓ જોરશોરથી બૂમો પાડવા લાગ્યા, “હે પ્રભુ, દાઉદના દીકરા અમારા પર દયા કર!”

31 લોકોએ તેઓને ધમકાવીને શાંત રહેવા કહ્યું છતાં તેઓ તો વધારે જોરથી બૂમો પાડતા હતા, “હે પ્રભુ, દાઉદના દીકરા, અમારા પર દયા કર!”

32 તે સાંભળીને ઈસુ ઊભો રહ્યો અને તેઓને બોલાવીને પૂછયું, “તમે મારી પાસે તમારા માટે શું કરાવવા ઈચ્છો છો?”

33 તેઓએ કહ્યું, “પ્રભુ, અમારે દેખતા થવું છે.”

34 ઈસુને તેમના પર દયા આવી અને તેઓની આંખોને સ્પર્શ કર્યો. અને તરત જ તેઓ જોઈ શક્યા. અને તેઓ ઈસુની પાછળ ચાલ્યા.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International