Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 101

દાઉદનું ગીત.

હે યહોવા, હું તમારા માટે આ ગીત ગાઇશ.
    હું તમારી કૃપા અને ન્યાય વિષે ગાઇશ.
હે યહોવા, હું મારા ઘરમાં શુદ્ધ હૃદય સાથે
    સંભાળપૂર્વક શુદ્ધ જીવન જીવીશ.
    તમે મારી પાસે ક્યારે આવશો?
હલકી અને દુષ્ટ બાબતોનો નકાર કરવાં મને મદદ કરો;
    અને સર્વ પ્રકારની અપ્રામાણિક બાબતો;
    જેમાં મારો કોઇ લાગભાગ ન હોય તેને ધિક્કારવા મને મદદ કરો.
હું ઠગ અને અપ્રામાણિક લોકોનો અસ્વીકાર કરીશ,
    અને હું દરેક દુષ્ટથી પણ દૂર રહીશ.
હું જે કોઇ તેમનાં પડોશીઓની વિરુદ્ધમાં
    ખાનગીમાં બોલે છે તેમને અટકાવીશ.
જેની આંખો અને હૃદય અભિમાનથી ભરેલાં છે;
    તેમને હું સહન કરીશ નહિ.

હું આખા દેશમાં ભરોસાપાત્ર લોકોની ખોજ કરીશ
    અને તેઓને મારા મહેલમાં રહેવા દઇશ,
    ફકત જેઓ સંપૂર્ણ પ્રામાણિક છે તેઓ મારી સેવા કરશે.
વિશ્વાસઘાતી લોકો મારા ઘરમાં રહી શકશે નહિ,
    જૂઠું બોલનારા કોઇ મારી નજીક રહેશે નહિ.
આ દેશમાં રહેતા દુષ્ટ લોકોનો હું હંમેશા વિનાશ કરીશ,
    હું તે દુષ્ટ લોકોને યહોવાના નગરમાંથી જબરદસ્તીથી બહાર મોકલી આપીશ.

ગીતશાસ્ત્ર 109:1-30

નિર્દેશક માટે. દાઉદના સ્તુતિગીતોમાંનુ એક

હે મારા દેવ, તમે તે એક છો જેની હું સ્તુતિ કરું
    છું તમે મૌન ધારણ કરીને દૂર ઊભા ન રહો.
કારણ, દુષ્ટ અને કપટી માણસો મારા પર આક્ષેપો મૂકે છે;
    તેઓ મારી સામે પોતાની જીભે જ જૂઠું બોલે છે.
તેઓએ મને તિરસ્કૃત શબ્દોથી ઘેરી લીધો છે;
    તેમને વિના કારણ મારી સાથે લડાઇ કરવી છે.
તેઓ મારી પ્રીતિના બદલામાં મારા શત્રુ થયા છે;
    પણ હું તો તેઓ માટે પ્રાર્થના જ કરું છું.
તેઓ ઉપકારને બદલે અપકાર કરે છે;
    અને મારી પ્રીતિને બદલે તેઓ દ્વેષ કરે છે.

મારા શત્રુનો સામનો કરવા માટે એક દુષ્ટ માણસને નિયુકત કરો.
    અને તેને એક અપ્રામાણિક ન્યાયાધીશ સામે ઊભો રાખો.
અને તેનો મુકદૃમો ચાલે ત્યારે ભલે તેને દોષી ઠરાવાય,
    અને ભલે દેવ દ્વારા તેની પ્રાર્થના પાપથી ભરેલી ગણાય.
તેનાં આયુષ્યનાં વર્ષો થોડાં અને ટૂંકા થાઓ;
    અને તેનું પદ કામ લેવાંને બીજા આગળ આવો.
તેમના સંતાનો પિતૃવિહોણા થાઓ, અને તેની પત્ની વિધવા, થાઓ.
10 તેનાં સંતાનો રખડી રખડીને ભીખ માગો;
    ઉજ્જડ થયેલા પોતાના ઘરોમાંથી તેઓને હાંકી કાઢો, અને તેઓ રોટલાં માગી ખાય.
11 જોરજુલમથી લેણદાર તેમનું બધું લઇ જાઓ;
    તેમનાં મહેનતનાં ફળ પરાયા લૂંટી જાઓ.
12 તેના પર દયા દાખવનાર કોઇ ન રહો;
    અને તેનાં અનાથ છૈયાં પર કોઇ કૃપા રાખનાર ન રહો.
13 ભલે મારા શત્રુઓ અને તેના પરિવારોનો નાશ થાય!
    અને ભલે આવતી પેઢીમાંથી તેનું નામ સંપૂર્ણ પણે ભૂંસાઇ જાય!
14 યહોવાને ભલે યાદ રહો; તેના બાપદાદાના પાપો!
    માતાપિતાના પાપની તેને સજા મળે!
    અને તેનાં પાપો પ્રત્યે તે (દેવ) આંખ આડા કાન ન કરે!
15 તે પાપો યહોવાની નજરમાં નિત્ય રહો; જેથી
    તેનું પૃથ્વી પરથી નામનિશાન ઉખેડી નાખવામાં આવે!
16 કારણ, તેણે બીજાઓ પ્રત્યે માયાળુ બનવા ના પાડી છે;
    અને ગરીબોની સતાવણી કરી છે;
    અને ભગ્નહૃદયી માણસોને મારી નાખ્યા છે.
17 બીજાઓને શાપ દેવાનું તેને ગમતું હતું;
    ભલે શાપો તેની ઉપર આવે.
તેણે બીજા કોઇને કદી આશીર્વાદ આપ્યા નથી;
    તેથી ભલે આશીર્વાદોને તેનાથી દૂર રહેવા દો.
18 શાપોને તેના વસ્રો થવા દો!
    શાપોને તેનું પીવાનું પાણી થવા દો!
શાપોને તેના શરીર
    પરનું તેલ થવા દો.
19 પહેરવાના વસ્રની જેમ તે તેને ઢાંકનાર થાઓ;
    અને કમરબંધની જેમ તે સદા વીંટળાઇ રહો.

20 જેઓ મારા શત્રુ છે, અને જેઓ મારા આત્માની વિરુદ્ધ બોલનાર છે;
    તેઓને આ યહોવા તરફની શિક્ષા છે.
21 પણ, હે યહોવા દેવ, તમે મારા પ્રભુ છો!
    ને તમારા નામને માટે મારા ભલા માટે કામ કરો;
    તમારી કૃપા ઉત્તમ છે, યહોવા, મારો ઉદ્ધાર કરો.
22 હું ગરીબ છું અને તંગી અનુભવું છું;
    ને મારું હૃદય ઊંડે સુધી ઘાયલ થયું છે.
23 મારું જીવન સંધ્યા સમયના પડછાયાની જેમ અંત પામે છે.
    મને તીડની જેમ ખંખેરી નાખ્યો હોય તેવું લાગે છે.
24 ઉપવાસથી મારાં ઘૂંટણ નબળા પડ્યાં છે;
    અને પુષ્ટિ વિના મારું માંસ ઘટી ગયું છે.
25 હું સર્વ માણસો માટે નિષ્ફળતાનું પ્રતિક બન્યો છું;
    જ્યારે મને જુએ છે ત્યારે પોતાના માથાઁ હલાવે છે.
26 હે યહોવા મારા દેવ, મને મદદ કરો;
    મારું તારણ કરો, તમે કૃપાળુ અને પ્રેમાળ છો.
27 જેથી હે યહોવા, આ તારે હાથે
    તેં જ કર્યુ છે એમ તે સર્વ લોકો જાણે.
28 તેઓ ભલે મને શાપ આપે, હું તેની કાળજી કરીશ નહિ;
    કારણ તમે મને આશીર્વાદ આપો છો;
    જ્યારે તેઓ મારા પર હુમલો કરે ત્યારે તેમને હારવા દો, પછી હું તમારો સેવક આનંદ પામીશ.
29 મારા શત્રુઓ વસ્રની જેમ લાજથી ઢંકાઇ જાઓ!
    અને ડગલાની જેમ તેઓ નામોશીથી ઢંકાઇ જાઓ.
30 પરંતુ હું યહોવાનો વારંવાર આભાર માનીશ;
    અને હું તેમની ઘણા લોકોમાં સ્તુતિ ગાઇશ.

ગીતશાસ્ત્ર 119:121-144

હાયિન

121 મેં જે સારું અને સાચું છે તે કર્યુ છે;
    યહોવા, મને મારા પર જુલમ કરનારના હાથમાં ન સોંપો.
122 તમારા સેવક માટે સારી વસ્તુઓ તૈયાર કરો.
    ઉદ્ધત લોકોને મારા પર જુલમ કરવા ન દો.
123 તમારા તારણની અને પવિત્રવચનની રાહ જોતાં જોતાં
    મારી આંખો નિસ્તેજ થઇ ગઇ છે.
124 તમારી કૃપા પ્રમાણે તમારા સેવકની સાથે વર્તજો;
    અને તમારા વિધિઓ મને શીખવજો.
125 હું તો તમારો સેવક છું, મને શાણપણનું વરદાન આપો,
    જેથી હું તમારા સાક્ષ્યોને જાણી શકું.
126 હે યહોવા, હજુ સમય છે કઇંક પગલા ભરો;
    કારણકે દુષ્ટ માણસોએ નિયમોનું ખંડન કર્યુ છે.
127 જ્યારે હું સોના કરતાં,
    શુદ્ધ સોના કરતાય વધુ તમારી આજ્ઞાઓ પર પ્રેમ રાખું છું.
128 તમારા શાસનો પ્રમાણે હું મારી સવેર્ વર્તણૂંક યથાર્થ રાખું છું;
    અને હું દરેક જૂઠા માર્ગને ધિક્કારું છું.

પે

129 તમારા નિયમો અદભૂત છે;
    તેથી હું તેમને આધિન છું.
130 તમારા વચનો એક તિરાડ જેવા છે જે અંધારા ઓરડામાં પ્રકાશ પાથરે છે,
    અને તેથી એક સામાન્ય માણસ પણ સમજી શકે છે.
131 તમારાં વચનો માટે મને ઉત્સુકતા છે;
    હું મારું મો ઉઘાડીને તલપી રહ્યો છું.
132 તમારા પર પ્રેમ કરનારાઓ સાથે તમે જે રીતે વતોર્ છો;
    તેમ તમે મારા તરફ જોઇને મારા પર દયા કરો.
133 હે યહોવા, તમારા વચનપ્રમાણે મને દોરો.
    કોઇપણ દુષ્ટતાને મારા પર શાસન ન કરવા દો.
134 જુલમી માણસોમાંથી મને બચાવો,
    જેથી હું તમારા શાસનોનું પાલન કરી શકું.
135 તમારા સેવક પર તમારા મુખનો પ્રકાશ પાડો;
    અને તમારા બધાં નિયમો મને શીખવો.
136 તેઓ તમારા નિયમો પાળતા નથી,
    તેથી મારી આંખોમાંથી ચોધારા આંસુ વહે છે.

સાદે

137 હે યહોવા, તમે ન્યાયી છો,
    તમારા ન્યાયવચનો યથાર્થ છે.
138 તમે તમારા સાક્ષ્યો અમને આપ્યા,
    ખરેખર અમે તેમનો વિશ્વાસ કરી શકીએ.
139 તમારા માટેનો મારો ઉત્સાહ મને ક્ષીણ કરી રહ્યો છે,
    કારણ મારા શત્રુઓ તમારા નિયમોને ભૂલી ગયાં છે.
140 તમારા શબ્દો તદૃન નિર્મળ છે;
    અને તેથી આ તમારો સેવક તમારા શબ્દોને ચાહે છે.
141 જો કે હું યુવાન છું અને લોકો મને માન આપતાં નથી,
    હું તમારા શાસનોને કદી ભૂલી જતો નથી.
142 તમારું ન્યાયીપણું તો અનંતકાળ ટકશે;
    તમારો નિયમ સાચા અને વિશ્વસનીય છે.
143 મને ઉપાધિઓ અને આપત્તિઓએ જકડી લીધો છે.
    પરંતુ તમારી આજ્ઞામાં મારી પ્રસન્નતા રહે છે.
144 તમારા સાક્ષ્યો સદાકાળ ન્યાયયુકત છે,
    માટે મને સમજણ આપ, જેથી હું જીવતો રહીશ.

ગણના 16:36-50

36 પછી યહોવાએ મૂસાને કહ્યું, 37 “તું યાજક હારુનના પુત્ર એલઆઝારને કહે કે, અગ્નિમાંથી ધૂપદાનીઓ ઉપાડી લે; કેમકે તેમાંનો ધૂપ પવિત્ર છે કારણ એ યહોવાને અર્પિત થયેલ છે. અને એમને કહો કે તેમાંનો કોલસો અને રાખ આમતેમ વેરી દે. 38 યહોવાની વેદી સમક્ષ તે રજૂ થઈ હતી તેથી તે ધૂપદાનીઓ પવિત્ર છે, તેથી પાપ કરીને મૃત્યુને ભેટનાર એ લોકોની ધૂપદાનીઓમાંથી પતરાં બનાવડાવી તેના વડે વેદીના ઢાંકણને મઢાવજે, એ ઇસ્રાએલી લોકો માંટે ચેતવણીરૂપ થઈ પડશે.”

39 યહોવાએ મૂસા માંરફતે કરેલી આજ્ઞા મુજબ યાજક એલઆઝારે ધૂપ ઘરાવતી વખતે અગ્નિનો ભોગ લોકોની ધૂપદાનીઓ લઈને તેની વેદીને ઢાંકવા માંટે પતરાં બનાવડાવ્યાં. 40 જેને જોઈને ઇસ્રાએલીઓને યાદ રહે કે જે હારુનના કુટુંબમાંથી ના હોય અને બિનઅધિકૃત હોય તેણે યહોવા સમક્ષ ધૂપ ધરાવવા આવવું નહિ. નહિ તો તેની હાલત કોરાહ અને તેના સાથીઓ જેવી થશે. આમ મૂસા દ્વારા યહોવાએ એલઆઝારને આપેલી આજ્ઞા અનુસાર બધું કરવામાં આવ્યું.

હારુન દ્વારા લોકોનો બચાવ

41 પરંતુ બીજે દિવસે સમગ્ર ઇસ્રાએલી સમાંજ મૂસાની અને હારુનની વિરૂદ્ધ એમ કહેતા કચવાટ કરવા લાગ્યો, “તમે જ યહોવાના માંણસોના મોત નિપજાવ્યા છે.”

42 થોડા સમયમાં જ ફરિયાદ કરતા લોકોનું મોટું ટોળું ભેગું થયું. તેઓએ મુલાકાત મંડપ તરફ જોયું તો એકાએક તેના પર એક વાદળો આચ્છાદન કર્યું હતું. અને યહોવાના ગૌરવે ત્યાં દર્શન દીથાં હતાં. 43 મૂસા અને હારુન મુલાકાત મંડપના પ્રવેશદ્વાર આગળ જઈને ઊભા રહ્યાં.

44 એટલે યહોવાએ મૂસાને કહ્યું, 45 “આ લોકોથી દૂર ખસી જા, જેથી હું એ લોકોનો એક પળમાં નાશ કરું.” એટલે મૂસા અને હારુને જમીન પર લાંબા થઈને તેમને સાંષ્ટાંગ નમસ્કાર કર્યા. 46 અને મૂસાએ હારુનને કહ્યું, “જલદીથી ધૂપદાની લઈને તેમાં વેદીમાંથી દેવતા ભર અને તેમાં ધૂપ નાખ, અને તે લઈને દોડતો દોડતો લોકો પાસે જા અને તેમના પાપનું પ્રાયશ્ચિત કર, કારણ કે યહોવાનો કોપ તેઓના પર ઊતર્યો છે અને રોગચાળો ફાટી નીકળ્યો છે. લોકોમાં મરકી શરૂ થઈ ગઈ છે.”

47 આથી મૂસાએ કહ્યું તે મુજબ હારુને કર્યુ. અને ઝડપથી ધૂપદાની લઈને ભેગા મળેલા લોકો વચ્ચે દોડી ગયો, તો ખબર પડી કે તેઓમાં રોગચાળો શરૂ થઈ ગયો હતો. તેણે ધૂપદાનીમાં ધૂપ નાખી મરેલાં 48 અને જીવતા વચ્ચે ઊભા રહી લોકોના પાપનું પ્રાયશ્ચિત કર્યું. રોગચાળો બંધ થઈ ગયો. 49 પરંતુ તેટલા સમયમાં 14,700 લોકો મૃત્યુ પામ્યાં હતાં અને કોરાહના બંડ વખતે મૃત્યુ પામેલા તે તો જુદા. 50 આમ રોગચાળો બંધ થઈ ગયો એટલે હારુન મુલાકાત મંડપના પ્રવેશ દ્વાર આગળ મૂસા પાસે પાછો ચાલ્યો ગયો.

રોમનો 4:13-25

વિશ્વાસથી દેવની કૃપા પ્રાપ્ત થાય છે

13 ઈબ્રાહિમ અને તેના વંશજોને નિયમના પાલનથી નહિ પણ વિશ્વાસથી દેવ સાથે ન્યાયી ઠરાવ્યા હતા. તેથી દેવનું વચન મળ્યું કે આખી દુનિયાની સમૃદ્ધિ અને સુખ તેને વારસામાં મળે. 14 દેવના વચન પ્રમાણે ધર્મશાસ્ત્રને અનુસરવાથી જ જો લોકોને બધું વારસામાં મળી જતું હોય, તો પછી વિશ્વાસનું કોઈ મૂલ્ય નથી. અને એ રીતે ઈબ્રાહિમને મળેલું વચન પણ નિરર્થક છે. 15 શા માટે? કેમ કે નિયમનું લક્ષણ એ છે કે જ્યારે તેનું પાલન કરવામાં આવતું નથી, ત્યારે દેવનો કોપ ઉતરે છે. પરંતુ જો નિયમનું અસ્તિત્વ જ ન હોય તો, તેનું ઉલ્લંઘન કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી.

16 આમ લોકો દેવનું વચન વિશ્વાસ દ્વારા મેળવે છે. દેવે વિશ્વાસનો માર્ગ સૂચવ્યો છે, તેથી તે સઘળાંને વિનામૂલ્યે ભેટ તરીકે આપી શકાય. તેથી ઈબ્રાહિમના બધા વંશજોને દેવનું વચન વિનામૂલ્ય ભેટ છે. તે એમ નથી કે દેવની કૃપા માત્ર નિયમ પ્રમાણે જીવનારા માટે જ છે. કોઈ પણ માણસ કે જે ઈબ્રાહિમના જેમ વિશ્વાસથી જીવે છે તેને પણ વચન મળી શકે છે. ઈબ્રાહિમ આપણા સૌને પૂર્વજ છે. 17 શાસ્ત્રોમાં લખેલું છે એ પ્રમાણે, “મેં તને અનેક પ્રજાઓનો પિતા બનાવ્યો છે.”(A) દેવની સાક્ષીએ આ વાત સત્ય છે. ઈબ્રાહિમે દેવ પર વિશ્વાસ કર્યો તે દેવ કે જે મૂએલાઓને સજીવન કરે છે, અને જે વસ્તુઓ કે ઘટનાઓ હજી સુધી બની નથી તેને પ્રગટ કરનાર છે.

18 ઈબ્રાહિમને ત્યાં બાળકો થાય એવી કોઈ આશા ન હતી. પરંતુ ઈબ્રાહિમને દેવમાં વિશ્વાસ હતો, અને આશા સેવવાનું તેણે ચાલુ રાખ્યું. તેથી જ તો ઘણી પ્રજાઓનો તે પૂર્વજ થયો. દેવે તેને કહ્યું હતું, “તને ઘણાં વંશજો મળશે.” (B) 19 ઈબ્રાહિમ જ્યારે લગભગ સો વર્ષનો થયો, ત્યારે તે બાળકોના પિતા બનવાની ઉંમર વિતાવી ચૂક્યો હતો. વળી, તેણે આ જાણ્યું કે સારા ને બાળકો થાય એવી કોઈ શક્યતા ન હતી. તે પોતાના દૃઢ વિશ્વાસમાંથી જરા પણ ડગ્યો નહિ. 20 દેવનું વચન ધ્યાનમાં રાખીને તેણે અવિશ્વાસથી સંદેહ આણ્યો નહિ પણ દેવનો મહિમા કર્યો અને ધીમે ધીમે તેનો વિશ્વાસ દૃઢ બનતો ગયો. તેણે હંમેશા દેવની સ્તુતિ કરી. 21 ઈબ્રાહિમને મનમાં ખાતરી હતી જ કે દેવે જે વચન આપ્યું છે તે પરિપૂર્ણ કરવા દેવ સંપૂર્ણપણે સમર્થ છે. 22 તો આમ, “દેવે ઈબ્રાહિમના વિશ્વાસનો સ્વીકાર કર્યો અને એ વિશ્વાસે જ ઈબ્રાહિમને દેવ સાથે ન્યાયી બનાવ્યો.”(C) 23 (“તેને ન્યાયી ગણવામાં આવ્યો.”) એ શબ્દો માત્ર ઈબ્રાહિમ માટે જ લખવામાં આવ્યા ન હતા. 24 પણ આપણા પ્રભુ ઈસુને મરણમાંથી સજીવન કરનાર દેવ પર જેઓ વિશ્વાસ કરે છે તેઓને માટે પણ એ જ શબ્દો લખેલા છે. અને આપણે તે દેવમાં વિશ્વાસ કરીએ છીએ. 25 આપણા પાપોને લીધે ઈસુને મરણને સ્વાધીન કરવામાં આવ્યો, અને આપણે દેવની સાથે ન્યાયી થઈએ તે માટે તેને મૃત્યુમાંથી ઊઠાડવામાં આવ્યો.

માથ્થી 20:1-16

ઈસુ ખેત મજૂરોનું દૃષ્ટાંત આપે છે

20 “આકાશનું રાજ્ય એક જમીનદાર જેવું છે. આ માણસ તેના ખેતરમાં દ્રાક્ષ ઉગાડે છે. એક મળસકે તે માણસ પોતાના ખેતરમાં કામ કરવા માટે મજૂરો લેવા ગયો. અને તેણે તેઓની સાથે રોજનો એક દીનાર નક્કી કરીને ખેતરમાં મજૂરોને મોકલ્યા.”

“નવ વાગ્યાની આસપાસ તે જમીનદાર બજારમાં ગયો ત્યારે કેટલાક માણસો કશુંય કામ કર્યા વિના ત્યાં ઊભા હતા. તેથી તે માણસે કહ્યું, તમે મારા ખેતરમાં જઈને કામ કરશો તો હું તમને યોગ્ય વળતર આપીશ.” તેથી લોકો ખેતરમાં કામ કરવા ગયા.

“ફરી બાર વાગે અને બીજી વાર ત્રણ વાગે બજારમાં ગયો ત્યારે પણ લોકોને ખેતરમાં કામ કરવા માટે લઈ આવ્યો. પછી સાંજે પાંચે વાગે તે બજારમાં ફરીથી ગયો ત્યારે પણ કેટલાક માણસો ત્યાં ઊભા હતા, તેઓને જમીનદારે પૂછયું, ‘તમે આખો દિવસ કોઈપણ કામ વિના અહીં કેમ ઊભા રહ્યા છો?’

“તે લોકોએ કહ્યું, ‘અમને કોઈએ કામ આપ્યું નથી.’

“તે માણસે તેઓને કહ્યું, ‘તમે મારા ખેતરમાં જાવ અને કામે લાગો,’

“સાંજ પડી એટલે, દ્રાક્ષની વાડીના ધણીએ તેના મુખ્ય કારભારીને બોલાવીને કહ્યું કે, ‘મજૂરોને બોલાવીને તેમની મજૂરી ચૂકવી દો. પહેલાથી છેલ્લા જે મજૂરો આવ્યા તેમને મજૂરી આપવાનું શરૂ કરો અને પહેલા મજૂરીએ આવ્યા હતાં તેમને આપતા સુધી ચાલુ રાખો.’

“જે મજૂરો પાંચ વાગે આવ્યા હતા તેમાંના દરેકને એક દીનારનો સિક્કો મળ્યો. 10 પછી જે સૌથી પહેલા સવારમા કામ પર આવ્યા હતા તે તેમનું મહેનતાણું લેવા આવ્યા. તેઓએ વિચાર્યુ તેઓ વધારે મહેનાતાણું મેળવશે પણ તે દરેકને એક જ દીનારનો સિક્કો મળ્યો. 11 જ્યારે તેમને એક દીનારનો સિક્કો મળ્યો ત્યાર પછી દ્રાક્ષની વાડીના માલિકને તેમણે ફરિયાદ કરી. 12 ‘જે લોકો છેલ્લાં આવ્યા હતા અને એક કલાક જ કામ કર્યુ તેમને તેં અમારા જેટલી જ મજૂરી આપી. જ્યારે અમે તો આખો દિવસ સૂર્યની ગરમીમાં કામ કર્યુ છે.’

13 “પણ ખેતરના માલિકે તેઓમાંના એક જણાને કહ્યું, ‘મિત્ર, મેં તારી સાથે કોઈ જ અન્યાય કર્યો નથી. શું તમે કબૂલ થયા ન હતા કે હું તમને એક દીનાર આપીશ? 14 તેથી આ તારી મજૂરી લે અને ચાલતો થા, માટે જે છેલ્લો માણસ મજૂરી કરવા આવ્યો છે તેને આટલી જ મજૂરી આપવાની મારી ઈચ્છા છે. 15 મારે મારા પૈસાનું જે કરવું હોય તે કરું. તમને અદેખાઈ આવે છે કારણ કે એ લોકો સાથે હું સારો છું.’

16 “એ પ્રમાણે જેઓ છેલ્લા છે તેને હવે ભવિષ્યમાં પ્રથમ સ્થાન મળશે. અને જેનું પ્રથમ સ્થાન હશે તેને ભવિષ્યમાં છેલ્લું સ્થાન મળશે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International