Book of Common Prayer
નિર્દેશક માટે. સ્તુતિગીત.
1 હે સર્વ પૃથ્વીવાસી લોકો,
તમે દેવ સંમુખ હર્ષના ગીત ગાઓ.
2 તેમનાં નામનાં ગૌરવની સ્તુતિ ગાઓ.
સ્તુતિગાનથી તેમને મહિમાવાન કરો.
3 દેવને કહો, તમારા કામ કેવાં અદ્ભૂત છે!
શત્રુઓ તમારા સાર્મથ્યથી તમારી આગળ નમે છે.
4 આખી પૃથ્વીની બધી પ્રજાઓ તમારી આગળ નમી જશે,
અને તમારી ઉપાસના કરશે, તેઓ તમારા નામનાં ગૌરવની સ્તુતિ ગાશે.
5 આવો, અને દેવના મહાન કૃત્યો નિહાળો;
કેવાં આશ્ચર્યકારક કાર્યો તેમણે લોકો માટે કર્યા છે!
6 સૂકવી નાખ્યો તેણે સમુદ્રને,
તેનાં લોકોએ પગે ચાલીને નદી પાર કરી.
ત્યાં અમે તેનામાં આનંદિત થયા.
7 તે પોતાના પરાક્રમથી સદાકાળ રાજ કરે છે;
પ્રજાઓની સર્વ હિલચાલ તેની આંખો જુએ છે,
બંડખોર પ્રજાજનો દેવ વિરુદ્ધ માથું ઊંચુ નહિ કરે.
8 હે પ્રજાજનો, આપણા દેવને,
ધન્યવાદ આપો અને તેનાં સ્તવનનો ધ્વનિ સંભળાવો.
9 તે આપણા આત્માને જીવનમાં સુરક્ષિત રાખે છે,
અને આપણા પગને લપસી જવા દેતાં નથી.
10 હે યહોવા, તમે અમારી કસોટી કરી છે;
અમને ચાંદીની જેમ અગ્નિથી શુદ્ધ કર્યા છે.
11 તમે અમને તમારી જાળમાં પકડ્યાં છે;
અને અમારી પીઠ પર ભારે બોજો મૂક્યો છે.
12 તમે અમારા શત્રુઓને અમારા ઉપર ચાલવા દીધાં,
અમને અગ્નિ અને પાણીમાંથી ચાલવું પડ્યું;
પણ તમે અમને અંતે સંપત્તિ અને સમૃદ્ધિનાં સ્થળે લઇ આવ્યા.
13 દહનાર્પણો લઇને હું તમારા મંદિરમાં આવીશ,
હું તમારી સંમુખ માનતાઓ પૂર્ણ કરીશ.
14 હું સંકટમાં હતો ત્યારે
મેં તમારી સમક્ષ પ્રતિજ્ઞાઓ લીધી હતી.
15 તેથી હું તમારી પાસે આ પુષ્ટ બકરાં,
ઘેટાં અને વાછરડાં લાવ્યો છું;
તમારી સમક્ષ દહનાર્પણોની ધૂપ પહોંચશે.
16 હે દેવનાં ભકતો, તમે સર્વ સાંભળો;
તેમણે મારા હકમાં જે કાંઇ કર્યુ છે તે હું તમને કહીશ.
17 મેં મારા મુખે તમને અરજ કરી,
અને મારી જીભે તેમનું સ્તવન કર્યુ.
18 જો હું મારા હૃદયમાઁ દુષ્ટતા કરવાનો ઇરાદો
રાખું તો યહોવા મારું નહિ સાંભળે.
19 પણ દેવે ચોક્કસ મારું સાંભળ્યું છે,
અને મારી પ્રાર્થના પર કાન ધર્યા છે.
20 સ્તુતિ હો દેવની,
તેમણે મારી પ્રાર્થના નકારી કાઢી નથી,
કે મારા પરની કૃપા તેમણે અટકાવી નથી.
નિર્દેશક માટે. વાજીંત્રો સાથે સ્તુતિનું ગીત.
1 હે દેવ, અમારા પર કૃપા કરો, અને આશીર્વાદ આપો;
ને અમારા પર તમારા મુખનો પ્રકાશ આવવા દો.
2 જેથી પૃથ્વી પરનો પ્રત્યેક વ્યકિત તમારા માર્ગો વિષે ભલે શીખે.
ભલે બધીજ પ્રજાઓ તમારા તારણની શકિત વિષે જાણે.
3 હે દેવ, લોકો તમારી આભારસ્તુતિ કરે;
સર્વ લોકો તમારી આભારસ્તુતિ કરે.
4 પ્રજાઓ આનંદ કરશે અને હર્ષથી ગાશે;
કારણ, પૃથ્વી પરની પ્રજાઓ ઉપર તમે રાજ કરશો;
અને લોકોનો અદલ ઇન્સાફ કરશો.
5 હે દેવ, લોકો તમારી આભારસ્તુતિ કરે;
હે પ્રજાઓ, તમે તેમનો આભાર માનો.
6 પૃથ્વીએ આપણને તેનો વિપુલ પાક આપ્યો છે.
હા, યહોવા આપણા દેવ આપણને આશીર્વાદ આપશે.
7 દેવ આપણને આશીર્વાદ આપશે,
પૃથ્વીનાં સર્વ લોકો દેવનો ભય રાખો.
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 આકાશો દેવનાં મહિમા વિષે કહે છે.
અંતરિક્ષ તેના હાથે સર્જન થયેલી અદ્ભુત વસ્તુઓ વિષે કહે છે.
2 પ્રત્યેક નવો દિવસ તેના સર્જનની સાચી વધારે વાતો કહે છે.
દરેક રાત દેવના સાર્મથ્ય વિષે વધારે કહે છે.
3 ત્યાં વાણી નથી અને ત્યાં શબ્દો નથી.
કોઇ અવાજ સંભળાતો નથી,
4 પણ તેમનો “અવાજ” આખી પૃથ્વી પર જાય છે,
સમગ્ર જગત તેના છેડાઓ સુધી તેમના “શબ્દો” સાંભળે છે.
તેમણે સૂર્ય માટે એક મંડપ નાખ્યો છે.
5 તે સૂર્ય પોતાના ઓરડામાંથી પરણવા નીકળતા વરરાજા જેવો છે,
તે દોડની સ્પર્ધાના આનંદિત,
તેજસ્વી અને બળવાન ખેલાડી જેવો છે.
6 તે આકાશને એક છેડેથી નીકળી
અને તેના બીજા છેડા સુધી પરિક્રમણ કરે છે.
તેની ઉષ્ણતા પામ્યા વિના કોઇ બાકી રહી જતું નથી.
7 યહોવાના પવિત્ર વચનો સંપૂર્ણ છે.
તે આત્માને તાજગી આપે છે.
યહોવાની સાક્ષી, ખરેખર વિશ્વાસપાત્ર છે.
તે મૂર્ખને ડાહ્યાં થવા માટે મદદ કરે છે.
8 યહોવાના વિધિઓ યથાર્થ છે.
તેઓ હૃદયને ભરપૂર આનંદ આપે છે.
યહોવાની આજ્ઞાઓ નિર્મળ છે.
જે આંખોને પ્રકાશ આપે છે.
9 યહોવા માટેનો ભય શુદ્ધ
અને અનાદિ છે.
યહોવાના ઠરાવો નિષ્પક્ષ અને સાચા છે.
તેઓ સંપૂર્ણપણે ન્યાયી છે.
10 તે શુદ્ધ સોના કરતાં પણ વધુ પસંદ કરવા યોગ્ય છે.
વળી મધપૂડાનાં ટીંપાં કરતાંય તે ખરેખર વધારે મીઠાં છે.
11 કારણ, તમારો ઉપદેશ તેના સેવકોને ચેતવણી આપે છે
અને જેઓ તેનું સદા પાલન કરે છે તેઓને સફળતા આપે છે.
12 મારા હૃદયમાં છુપાયેલા પાપોને હું જાણી શકતો નથી,
છાની રીતે કરેલા પાપોમાંથી મને શુદ્ધ કરો અને મુકત કરો.
13 મને કોઇનું ખરાબ કરવાના વિચારો અને પાપથી દૂર રાખો અને તેમ કરતા અટકાવો.
મને ખરાબ કાર્ય ન કરવા માટે તમે સહાય કરો.
ત્યારે જ હું દોષમુકત અને પૂર્ણ થઇશ
અને મહાપાપ કરવામાંથી બચી જઇશ.
14 હે મારા રક્ષક અને ઉદ્ધારક યહોવા;
મારા મુખના શબ્દો, તથા હૃદયનાં વિચારો તમારી સમક્ષ માન્ય રાખો.
નિર્દેશક માટે. કોરાહના કુટુંબનું ગીત. અલામોથ સાથે ગાવાનું.
1 દેવ આપણો આશ્રય તથા આપણું સાર્મથ્ય છે;
આપણે અનુભવ કર્યો છે કે,
સંકટ સમયનાં તેઓ સાથી,
ત્વરિત મદદ કરનાર હાજરાહજૂર છે.
2 માટે જ્યારે પૃથ્વી પર ભારે ધરતીકંપ થાય,
અને પર્વતો તૂટી ને સમુદ્રમાં પડે, તો પણ આપણે સૌએ ડરવાની જરૂર નથી.
3 ભલે સમુદ્રનાં પાણી વિશાળકાય મોજાથી ગર્જના કરે,
ને પર્વતો ધ્રુજી ઉઠે.
4 ત્યાં એક નદી છે અને ઝરણાંઓ છે જે દેવનાં નગર પરાત્પર
દેવના પવિત્રસ્થળમાં સુખને વહેતું રાખે છે.
5 દેવ સ્વયં તે નગરમાં વસે છે.
દેવ પરોઢિયે તેની સહાય કરશે,
તેથી નગરનું પતન ક્યારેય નહિ થાય.
6 ભયથી ધ્રુજશે વિદેશીઓ, અને ડગમગી જશે રાજ્યો;
જ્યાં યહોવા ગર્જના કરશે એટલે પૃથ્વી ગઇ પીગળી.
7 આપણી સાથે આકાશી સૈન્યોના અધિકારી યહોવા છે;
આપણો આશ્રય યાકૂબનાં દેવ આપણી રક્ષા કરે છે.
8 આવો અને યહોવાના પરાક્રમો જુઓ.
તેમણે કરેલાં પ્રભાવશાળી કાર્યો જુઓ.
9 તે પૃથ્વીના છેડાઓ સુધી યુદ્ધોને બંધ કરી દે છે,
ધનુષ્યને ભાંગી નાખે છે, ભાલાને કાપી નાખે છે;
અને રથોને અગ્નિથી સળગાવી દે છે.
10 દેવ કહે છે, “લડાઇ બંધ કરો, નિશ્ચૈ જાણો,
કે હું દેવ છું, સવેર્ રાષ્ટ્રો મારો આદર કરશે.
અને હું પૃથ્વી પર સૌથી મહાન માનવામાં આવીશ.”
11 સૈન્યોના યહોવા આપણી સાથે છે,
યાકૂબનાં દેવ સદા આપણો બચાવ કરે છે.
યહોવાની લોકોને શિક્ષા
26 ત્યારબાદ યહોવાએ મૂસાને અને હારુનને કહ્યું, 27 “આ દુષ્ટ લોકો કયાં સુધી માંરી વિરુદ્ધ ફરિયાદો કર્યા કરશે? તેઓએ જે કહ્યું છે તે સર્વ મેં સાંભળ્યું છે. 28 તું એ લોકોને જણાવ કે, ‘આ યહોવાનાં વચન છે: હું માંરા સમ ખાઈને કહું છું કે, તમે માંરા સાંભળતા જે બોલ્યા હતા તે જ પ્રમાંણે હું કરીશ. 29 તમે લોકોએ માંરા વિરુદ્ધ ફરિયાદ કરી છે તેથી તમાંરાં સૌના મૃતદેહ આ અરણ્યમાં રઝળશે. 30 મેં તમને જે દેશમાં વસાવવાનું વચન આપ્યું હતું તેમાં વીસ વર્ષના અને તેની ઉપરના તમાંરામાંના કોઈ પ્રવેશવા પામશે નહિ. ફકત યફૂન્નેહનો પુત્ર કાલેબ અને નૂનનો પુત્ર યહોશુઆ તેમાં પ્રવેશ કરશે. 31 તમે એમ પણ કહ્યું હતું કે, દુશ્મનો તમાંરા બાળકો બાનમાં પકડશે પણ હું તે બાળકોને તે ભૂમિમાં પાછા લઈ આવીશ અને તમે અસ્વીકાર કરેલી ભૂમિનો તેઓ આનંદ માંણશે. 32 પણ તમાંરાં મૃતદેહો તો આ અરણ્યમાં રઝળશે.
33 “‘અને તમાંરામાંનો છેલ્લો માંણસ અરણ્યમાં મૃત્યુ પામશે નહિ ત્યાં સુધી તમાંરાં બાળકો અરણ્યમાં 40 વર્ષ સુધી ભરવાડ તરીકે રઝળશે; તેઓ દુઃખી થશે કેમકે તમે મને વફાદાર ન હતા. 34 ચાળીસ દિબસ સુધી તમે દેશમાં ફરીને તપાસ કરી હતી; તેમ તમે 40 વર્ષ સુધી અરણ્યમાં એકદિવસને બદલે એક વર્ષ સુધી તમાંરાં પાપોનો બોજ માંથે ઊચકીને ભટકશો ત્યારે તમને સમજાશે કે માંરી નારાજગીનું પરિણામ કેવું આવે છે?’
35 “હું યહોવા આ બોલું છું. માંરો વિરોધ કરવા એકત્ર થયેલા આ દુષ્ટ લોકોના હું ભૂડાં હાલ કરીશ. તેઓ એકે એક આ અરણ્યમાં મૃત્યુ પામશે.”
36 જે દશ માંણસોને મૂસાએ દેશમાં ફરીને તપાસ કરવા મોકલ્યા હતા તેમણે ખોટો હેવાલ આપ્યો, જેને કારણે લોકોએ યહોવા વિરુદ્ધ બંડ કર્યું. 37 તેઓ બધા યહોવા સમક્ષ રોગનો ભોગ બન્યા અને મરી ગયા, કારણ, તેમણે એ દેશને વખોડી કાઢયો હતો. 38 જેઓ દેશમાં તપાસ કરવા ગયા હતા, તે જાસૂસોમાંથી ફકત નૂનનો દીકરો યહોશુઆ અને યફૂન્નેહનો દીકરો કાલેબ જ જીવતા રહ્યા.
લોકોનો કનાન જવાનો પ્રયત્ન
39 જયારે મૂસાએ સમગ્ર ઇસ્રાએલી પ્રજાને યહોવાના વચન કહી સંભળાવ્યાં ત્યારે છાવણીમાં ભારે શોક છવાઈ ગયો અને તેઓ ખૂબ પસ્તાવા લાગ્યા. 40 બીજે દિવસે વહેલી સવારે તેઓ ઊઠયા અને બોલ્યા, “જુઓ, યહોવાએ જે ભૂમિની વાત કરી હતી ત્યાં જવા અમે તૈયાર છીએ, અમે કરેલાં પાપનું અમને ભાન થયું છે. હવે અમે યહોવાએ જે દેશનું વચન આપ્યું હતું ત્યાં જવા તૈયાર છીએ, એમ કહેતાં તેઓ પહાડી પ્રદેશ ઉપર ચઢાઈ કરવા નીકળી પડયા.”
41 પછી મૂસાએ કહ્યું, “હવે તે માંટે ઘણું મોડું થયું કહેવાય. યહોવાએ તમને અરણ્યમાં પાછા જવાની આજ્ઞા કરેલ છે, તમે હવે યહોવાની આજ્ઞાનું ઉલ્લંઘન શા માંટે કરો છો? એમાં તમને કોઈ લાભ થશે નહિ. 42 હવે તમે જરાય આગળ વધશો નહિ, નહિ તો તમાંરા દુશ્મનો તમને પરાસ્ત કરશે. કારણ કે યહોવા હવે તમાંરી સાથે નથી. 43 અમાંલેકીઓ અને કનાનીઓ તમાંરો સામનો કરવા ઊભા છે અને તમે તેમના શિકારનો ભોગ બનશો. કારણ તમે યહોવાને અનુસરવાનું ત્યજી દીધું છે, અને તેથી હવે યહોવા તમાંરી સાથે નથી.”
44 કરારકોશ અને મૂસા છાવણીમાંથી બહાર ગયા નથી એ હકીકત જાણવા છતાં તેમણે હઠપૂર્વક પહાડી પ્રદેશ તરફની કૂચ ચાલુ રાખી. 45 પછી પહાડી પ્રદેશમાં વસતા અમાંલેકીઓ અને કનાનીઓ તેમના પર તૂટી પડયા અને તેઓને હરાવ્યા, અને છેક હોર્માંહ સુધી તેઓને માંરી નસાડ્યા.
યરૂશાલેમમાં સભા
15 પછી કેટલાક માણસો યહૂદિયાથી અંત્યોખમાં આવ્યા. તેઓએ બિનયહૂદિ ભાઈઓને શીખવવાનું શરૂ કર્યુ. “જો તમે સુન્નત નહિ કરાવો તો તમને બચાવી શકાશે નહિ. મૂસાએ આપણને આમ કરવાનું શીખવ્યું છે.” 2 પાઉલ અને બાર્નાબાસ આ બોધની વિરૂદ્ધમાં હતા. તેઓએ આ માણસો સાથે દલીલો કરી. તેથી તે સમૂહે પાઉલ અને બાર્નાબાસને, અને બીજા કેટલાક માણસોને યરૂશાલેમ મોકલવાનું નક્કી કર્યુ. આ માણસો પ્રેરિતો અને વડીલોની સાથે આ વિષયમાં વધારે વાતો કરવા ત્યાં જતા હતા.
3 તે મંડળીએ માણસોને વિદાય થવામાં મદદ કરી. આ માણસો ફિનીકિયા સમરૂનનાં દેશોમાં થઈને ગયા. આ બધાં શહેરોમાં તેઓએ બિનયહૂદિ લોકો સાચા દેવ તરફ કેવી રીતે વળ્યા તે સંબંધમાં કહ્યું, આથી બધા ભાઈઓ ઘણા આનંદિત થયા. 4 પાઉલ, બાર્નાબાસ અને બીજાઓ યરૂશાલેમમાં આવ્યા. પ્રેરિતો, વડીલો અને વિશ્વાસીઓના આખા સમૂહે તેઓનું સ્વાગત કર્યુ. પાઉલ, બાર્નાબાસ અને બીજાઓને દેવે તેઓની સાથે જે કંઈ કર્યુ તે વિષે કહ્યું, 5 યરૂશાલેમના કેટલાક વિશ્વાસીઓ ફરોશીપંથના હતા. તેઓ ઊભા થયા અને કહ્યું, “બિનયહૂદિ વિશ્વાસીઓની સુન્નત કરાવવી જોઈએ. આપણે તેઓને મૂસાના નિયમશાસ્ત્રનું પાલન કરવા કહેવું જોઈએ!”
6 પછી પ્રેરિતો અને વડીલો આ સમસ્યાનો અભ્યાસ કરવા ભેગ થયા. 7 ત્યાં એક લાંબો વાદવિવાદ થયો. પછી પિતરે ઊભા થઈને તેઓને કહ્યું, “મારા ભાઈઓ, હું જાણું છું કે તમે શરૂઆતના દિવસોમાં શું બન્યું છે તેનું સ્મરણ કરો છો. દેવે મને તમારામાંથી બિનયહૂદિ લોકોને સુવાર્તા આપવા પસંદ કર્યો છે. તેઓએ મારી પાસેથી સુવાર્તા સાંભળી છે અને તેઓએ વિશ્વાસ મૂક્યો છે. 8 દેવ બધા માણસોના વિચાર જાણે છે, અને તેણે આ બિનયહૂદિઓને સ્વીકાર્યા છે. દેવ જેમ આપણને તેમ તેઓને પણ પવિત્ર આત્મા આપ્યાથી તેઓ વિષે સાક્ષી પૂરી. 9 દેવની આગળ આ લોકો આપણા કરતાં જુદા નથી. જ્યારે તેઓ વિશ્વાસી બન્યા, દેવે તેઓનાં હ્રદયો પવિત્ર બનાવ્યાં. 10 તેથી હવે તમે શા માટે બિનયહૂદિ ભાઈઓની ગરદન પર ભારે બોજ લાદો છો? તમે દેવને ગુસ્સે કરવાના પ્રયત્ન કરી રહ્યા છો? અમે અને અમારા પૂર્વજો તે બોજ વહન કરવા શું પૂરતા સશકત નહોતા! 11 ના, અમને વિશ્વાસ છે કે અમે અને આ લોકો પ્રભુ ઈસુની કૃપાથી તારણ પામીશું!”
12 પછી આખો સમૂહ શાંત થયો. તેઓએ પાઉલ અને બાર્નાબાસની વાણીને ધ્યાનપૂર્વક સાંભળી. પાઉલ અને બાર્નાબાસે બિનયહૂદિ લોકોની વચમાં દેવ દ્ધારા જે ચમત્કારો તથા અદભૂત પરાક્રમો કર્યા હતા તે બધા વિષે કહ્યું,
ઈસુ વિષે લોકોનો અસ્વીકાર
(માથ. 10:34-36)
49 ઈસુએ બોલવાનું ચાલુ રાખ્યું, “હું પૃથ્વી પર આગ વરસાવવા આવ્યો છું. જો આગ પ્રસરી જ ગઇ હોય તો હું બીજું શું ઈચ્છું! 50 મારે જુદા જ પ્રકારના બાપ્તિસ્મા સાથે બાપ્તિસ્મા પામવું જોઈએ અને તે પૂરું થતાં સુધી હું ઘણી ચિંતામાં છું. 51 શું તમે એમ માનો છો કે હું દુનિયાને શાંતિ આપવા આવ્યો છું? ના હું તો દુનિયાના ભાગલા પાડવા આવ્યો છું! 52 કેમ કે હવે એ પરિવારના પાંચ માણસોમાં ભાગલા પડશે. એટલે કે ત્રણ બેની સામે, અને બે ત્રણની સામે.
53 પિતા અને પુત્રમાં ભાગલા પડશે:
દીકરો તેના પિતાની વિરૂદ્ધ થશે.
પિતા તેના પુત્રની વિરૂદ્ધ થશે.
મા અને પુત્રીમાં ભાગલા પડશે:
પુત્રી તેની માની વિરોધી થશે.
મા તેની પુત્રીની વિરોધી
થશે સાસુ અને વહુમાં ભાગલા પડશે:
વહુ તેની સાસુની વિરોધી થશે.
સાસુ તેની વહુની વિરોધી થશે.”
સમયને પારખો
(માથ. 16:2-3)
54 પછી ઈસુએ લોકોને કહ્યું, “જ્યારે તમે પશ્ચિમમાં મોટાં વાદળા ઘેરાતાં જુઓ છો ત્યારે તમે કહો છો કે, ‘વર્ષાનું ઝાપટું આવશે;’ અને વરસાદ પડશે. અને ખરેખર વરસાદ પડે છે. 55 જ્યારે તમને લાગે છે કે દક્ષિણમાંથી પવન ફૂંકાય છે ત્યારે તમે કહો છો કે, ‘તે દિવસે ખૂબ ગરમી પડશે,’ અને તમે સાચા છો. 56 ઓ ઢોંગીઓ! તમે હવામાન સમજી શકો છો તો હમણાં જે બની રહ્યું છે તે તમે શા માટે સમજતા નથી?
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International