Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 75-76

નિર્દેશક માટે. રાગ: “ના કરશો વિનાશ.” આસાફના સ્તુતિગીતોમાંનુ એક.

હે યહોવા, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારું નામ સન્નિધ છે;
    માટે તમારો આભાર માનીએ છીએ.
    લોકો તમારા આશ્ચર્યકારક કામો પ્રગટ કરે છે.
યહોવાએ પ્રત્યુતર આપ્યો, “હા, હું ચોક્કસપણે ચુકાદા માટે સમય પસંદ કરીશ
    અને નિષ્પક્ષતાથી ન્યાય કરીશ.
પૃથ્વી અને તેનાં બધાં નિવાસીઓ કદાચ ધ્રુજતાં હશે,
    અને પડવાની તૈયારીમાં હશે પણ હું તેને સ્થિર કરીશ.

“મેં ધમંડીઓને અભિમાન નહિ કરવાં ચેતવણી આપી છે
    અને દુષ્ટોને મેં કહ્યું છે કે, ‘ઘમંડ કરીને ડંફાસ ન મારો.’
શિંગ ઉંચું કરીને અભિમાન સાથે ન બોલો
    ઘમંડ કરીને ડંફાસ ન મારો.”

તેથી જે લોકોને મહત્વના બનાવે તે નથી પૂર્વમાંથી કે નથી પશ્ચિમમાંથી આવતો.
    તે રણ પર્વતોમાંથી પણ નથી આવતો.
પણ દેવ છે, તે જ ન્યાયાધીશ છે;
    તે એકને નીચે પાડી નાખે છે,
    અને બીજાને ઊંચો કરે છે.
યહોવાના હાથમાં કડક ક્રોધના દ્રાક્ષારસનો પ્યાલો છે;
    ને ન્યાય ચુકાદો છે જે પૃથ્વી પરના
દુષ્ટો પર રેડી દેવાય છે.
    અને દુષ્ટોએ તેને છેલ્લાં ટીપાં સુધી પીવો પડશે.
પરંતુ હું તો સદાકાળ બીજાઓને આ બાબતો માટે કહીશ.
    અને હું યાકૂબના દેવની સ્તુતિઓ ગાઇશ.
10 યહોવા કહે છે કે, “હું દુષ્ટ લોકોનાં સાર્મથ્યને નષ્ટ કરીશ,
    પરંતુ હું ન્યાયીઓનાં શિંગ ઊંચા કરીશ.”

નિર્દેશક માટે. વાજીંત્રો સાથે. આસાફનું સ્તુતિ ગીત.

યહૂદિયામાં દેવ પ્રગટ થયેલો છે,
    ઇસ્રાએલમાં તેમના નામનો ઊંચો આદર છે.
તેમનો મંડપ યરૂશાલેમમાં છે,
    અને તેમનું નિવાસસ્થાન સિયોનમાં છે.
ત્યાં તેણે ચળકતાં બાણોને ભાંગી નાખ્યાં,
    ઢાલ-તરવારને શસ્ર ભાંગી નાઁખ્યાં.

દેવ, તમે તમારા શત્રુઓને જ્યાં હરાવ્યાં તે ટેકરીઓ પાછળથી
    તમે આવો છો ત્યારે તમે મહિમાવંત લાગો છો.
જેઓ શૂરવીર છે, તેઓ લૂંટાયા છે,
    ને ચિર નિંદ્રાવશ થયા છે;
    અને કોઇ પરાક્રમીઓના હાથથી કઁઇ પણ થઇ શક્યું નથી.
હે યાકૂબના દેવ, તમારી ધમકીથી રથ
    અને ઘોડા બંને ચિરનિદ્રામાં પડ્યાં છે.
દેવ તમે ભયાવહ છો, તમે કોપાયમાન હો
    ત્યારે તમારી સામે કોણ ઊભું રહી શકે?
તમે આકાશમાંથી ન્યાય ચુકાદો ફરમાવ્યો,
    અને ધરતી ભયભીત બની શાંત થઇ ગઇ.
હે દેવ, તમે ન્યાય કરવા માટે
    તથા દેશના નમ્ર લોકોને બચાવવા માટે ઊભા થયા છો.
10 તમારા માણસો વિરુદ્ધ કોપ તમારી ખચીત પ્રશંસા કરાવશે;
    અને તમારો જે કોપ બાકી રહ્યો તે તમે તમારી કમરે બાંધશો.

11 જે પ્રતિજ્ઞાઓ તમે યહોવા તમારા દેવની સમક્ષ લીધેલી છે
    તે તમે પૂર્ણ કરો.
ભયાવહ દેવ સમક્ષ તમે સૌ,
    તમારા દાન લાવો.
12 પૃથ્વીના રાજાઓ તેમનો ભય રાખે છે,
    કારણ સરદારોનો ગર્વ તે તોડી નાખે છે.

ગીતશાસ્ત્ર 23

દાઉદનું ગીત.

યહોવા મારા પાલનકર્તા છે.
    તેથી મને કશી ખોટ પડશે નહિ.
તે મને લીલાં બીડમાં સુવાડે છે
    અને મને શાંત જળની તરફ દોરી જાય છે.
તે મને નવું સાર્મથ્ય ને તાજગી આપે છે.
    તેમનાં નામનો મહિમા વધે તે માટે
    તે મને ન્યાયીપણાને માર્ગે ચલાવે છે.
મૃત્યુની કાળી ખીણમાં પણ મારે ચાલવાનું હશે તો હું ડરીશ નહિ;
    કારણ હે યહોવા, તમે મારી સાથે છો,
    તમારી લાકડી તથા તમારી છડી મને દિલાસો દે છે.
તમે મારા દુશ્મનોની સામે મારું મેજ ગોઠવો છો.
    અને મારા માથા પર તેલ રેડો છો.
    મારો પ્યાલો તમે વરસાવેલા આશીર્વાદથી છલકાઇ જાય છે.
તમારી ભલાઇ અને દયા મારા જીવનનાં સર્વ દિવસોમાં મારી સાથે રહેશે;
    અને હું યહોવાની સાથે તેના ઘરમાં લાંબા સમય સુધી રહીશ.

ગીતશાસ્ત્ર 27

દાઉદનું ગીત.

યહોવા મારું તારણ અને પ્રકાશ છે;
    શા માટે મારે કોઇથીય ડરવું?
યહોવા, મારા જીવનનું સાર્મથ્ય છે,
    શા માટે મારે કોઇનાથી ડરવું?
જ્યારે દુષ્ટ શત્રુઓ મારો સંહાર કરવા આવશે,
    ત્યારે તેઓ ઠોકર ખાઇને નીચે પડશે.
ભલે સૈન્ય મારી વિરુદ્ધ છાવણી નાખે,
    તો પણ હું જરાય ડરવાનો નથી;
ભલે એ મારી વિરુદ્ધ યુદ્ધ કરે;
    પણ મને યહોવા પર ભરોસો છે કે, તેઓ મારું રક્ષણ કરશે.

હું એકજ વસ્તુ માંગુ છું યહોવાથી,
    “મારા જીવનના સર્વ દિવસો પર્યંત
મને યહોવાનાં મંદિરમાં બેસવા દો
    જેથી સદા યહોવાના દિવ્ય સૌંદર્યનું અવલોકન કરી શકું
    અને તેમના પવિત્રસ્થાનની મુલાકાત કરું.”

સંકટના સમયે તેઓ ખરેખર
    મને પોતાના પવિત્ર મંડપમાં સંતાડી દેશે.
    અને મને તેમની સુરક્ષિત જગાએ લઇ જશે.
મારા શત્રુઓ મને ઘેરી વળ્યા છે, પણ તેમને હરાવવા યહોવા મારી મદદ કરશે.
    હું તેના મંડપમાં હર્ષનાદ સાથે અર્પણો ચઢાવીશ.
    હું સ્તુતિગીતો ગાઇશ, અને તેઓ જે મારો આભાર યહોવાને વ્યકત કરે.

હે યહોવા, મારી વિનંતી સાંભળો.
    મારા પર દયા કરીને મને જરૂરી સહાયતા આપો.
મારું હૃદય તમારા વિષે કહે છે કે તમે ઇચ્છો છો કે અમે તમને શોધીએ, તેથી હે યહોવા,
    હું તમારી પાસે તમારૂં મુખડું શોધવા આવું છું.
હે યહોવા, હું તમારી પાસે આવું છું.
    તમે તમારું મુખ મારાથી ફેરવશો નહિ.
    તમારા આ સેવક પર ગુસ્સો ન કરો, હે મારા તારણહાર,
મારા દેવ, હવે મને છોડી ન દેતા
    અને મને તજી ન દો.
10 મારા માતાપિતાએ મને તજી દીધો છે,
    પરંતુ યહોવા મને સંભળશે અને સ્વીકારશે.
11 હે યહોવા, મને કહો, હવે મારે શું કરવું?
    હું શત્રુઓથી ધેરાએલો છું અને તમારી મદદની રાહ જોઉ છું માટે હવે
    મને તમે સત્કર્મના સરળ માર્ગે દોરી જાઓ.
12 હે યહોવા, મને મારા શત્રુઓના હાથમાં સુપ્રત ન કરો.
    કારણકે તેઓએ મારા ઉપર ખોટા આરોપો મૂક્યાં છે
    તથા તેઓ હંમેશા મને નિષ્ઠુરતાથી ઇજા પહોંચાડવાની યોજનાઓ કરે છે.
13 હું આશા રાખું છું કે યહોવા ખરેખર મને ફરીથી છોડાવશે,
    અને હું આ જીવનમાં તેમની દયાનો અનુભવ કરીશ.
14 તું યહોવાની રાહ જોજે, ધૈર્ય ગુમાવીશ નહિ;
    તેઓ જરૂર આવશે અને તને બચાવશે;
બળવાન થા અને હિંમત રાખ;
    હા, તું યહોવાની રાહ જોજે,
    તેઓ તને સહાય કરશે.

ઉત્પત્તિ 43:16-34

યૂસફને ઘરે ભાઇઓને આમંત્રણ

16 પછી યૂસફે તેમની સાથે બિન્યામીનને જોયો તેથી તેણે પોતાના ઘરના કારભારીને કહ્યું, “આ માંણસોને ઘેર લઈજા, કોઈ જાનવરને કાપીને ભોજન તૈયાર કર. કારણ કે આ માંણસો માંરી સાથે જમનાર છે.” 17 પછી યૂસફે જેમ કહ્યું તેમ પેલા માંણસે કર્યું; એટલે પેલો માંણસ યૂસફને ઘેર તે માંણસોને લઈ ગયો.

18 પેલા માંણસોને યૂસફને ઘેર લઈ જવામાં આવ્યા એથી તેઓ ગભરાયા અને કહેવા લાગ્યા, “પહેલી વાર આપણી ગુણોમાં નાણું મૂકેલું હતું તેને લીધે તે આપણને અંદર લઈ આવ્યા છે. હવે એ લોકો આપણા પર તૂટી પડશે અને આપણને જબરજસ્તીથી ગુલામ બનાવશે. તથા આપણા ગધેડાં પણ લઈ લેશે.”

19 આથી તેઓ યૂસફના ઘરના બારણા આગળ આવ્યા અને યૂસફના કારભારી પાસે જઈને તેને કહ્યું, 20 “અરે, માંરા સાહેબ! ખરેખર અમે પહેલી વાર આવ્યા ત્યારે અનાજ વેચાતુ લેવા માંટે જ આવ્યા હતા. 21 પણ જયારે અમે મુકામ પર પહોંચીને અમે અમાંરી ગૂણો ઉઘાડી, તો તેના મોઢા આગળ જ અમાંરા દરેકના પૂરેપૂરા પૈસા મૂકેલા હતા. 22 પણ અમે તે પૈસા પાછા લાવ્યા છીએ; વળી અનાજ ખરીદવા માંટે અમે અમાંરી સાથે બીજા પૈસા પણ લાવ્યા છીએ; અને એ પૈસા અમાંરી ગૂણોમાં કોણે મૂકયા, એ અમે નથી જાણતા.”

23 કારભારીએ કહ્યું, “શાંતિ રાખો, ગભરાશો નહિ, તમાંરા તથા તમાંરા પિતાના દેવે તમાંરી ગૂણોમાં એ નાણું મૂકયું હતું. મને તો અનાજનાં નાણાં મળી ગયાં હતા.”

પછી તેઓ શિમયોનને બહાર કાઢીને તેમની આગળ લઈ આવ્યા. 24 અને પેલા માંણસે યૂસફના ઘરમાં તે માંણસોને લાવીને તેમને પાણી આપ્યું, પછી તેઓએ પગ ધોયાં; અને તેમનાં ગધેડાંને ચારો નાખ્યો.

25 બપોર સુધીમાં યૂસફના આવતા પહેલાં તેઓએ ભેટો તૈયાર કરી; અને યૂસફ જમવા આવે તેની રાહ જોવા લાગ્યા, કારણ કે ત્યાં તેઓએ જમવાનું છે એમ તેમને ખબર હતી.

26 પછી જયારે યૂસફ ઘેર આવ્યો ત્યારે તેઓના હાથમાં જે ભેટ હતી તે તેઓ તેની પાસે ઘરમાં લાવ્યા; અને તેમને સાષ્ટાંગ પ્રણામ કર્યા.

27 અને પછી તેમણે તેઓની ખબરઅંતર પૂછીને કહ્યું, “તમાંરા વૃદ્વ પિતા, જેને વિષે તમે મને વાત કરી હતી તે કુશળ છે ને? તેઓ હજી જીવે છે?”

28 અને તેઓએ ઉત્તર આપ્યો, “હાજી, આપના સેવક અમાંરા પિતા કુશળ છે અને હજી જીવે છે.” અને તેઓએ ઝૂકીને દંડવત્ પ્રણામ કર્યા.

29 યૂસફે પોતાની આંખો ઊંચી કરીને પોતાના ભાઈ બિન્યામીનને, જે એની સગી માંનો પુત્ર હતો તેને જોઈને કહ્યું, “તમે જેના વિષે કહ્યું હતું તે જ આ તમાંરો સૌથી નાનો ભાઈ છે? માંરા પુત્ર! દેવ તારા પર કૃપા કરો.”

30 યૂસફ ઝડપથી બહાર ચાલ્યો ગયો; કારણ કે પોતાના ભાઈને જોઈને તેનું હૈયું ભરાઈ આવ્યું, તે રડી પડવાની તૈયારીમાં હતો. તેથી પોતાની ઓરડીમાં જઈને તે ત્યાં રડવા લાગ્યો. 31 પછી મોઢું ધોઈને બહાર આવીને પોતાની જાત પર કાબુ રાખીને તે બોલ્યો, “ભાણાં પીરસો.”

32 પછી સેવકોએ યૂસફ માંટે મેજ પાથર્યુ. ત્યારબાદ ભાઇઓ માંટે બીજુ મેજ પાથર્યુ અને તેની સાથે જમતા મિસરીઓ માંટે બીજુ એક મેજ પાથર્યુ કારણ, મિસરીઓ હિબ્રૂઓ સાથે જમવા બેસતા નથી; કારણ કે મિસરીઓની એવી માંન્યતા હતી કે, હિબ્રૂઓ સાથે જમવાનું તેમના માંટે અનુચિત છે. 33 [a] યૂસફના ભાઇઓ યૂસફની સામે મોટેથી નાના સુધી ક્રમ પ્રમાંણે બેઠા; અને તેઓ આ બધાથી આશ્ચર્ય પામ્યા. 34 તેઓ એકબીજા સામે જોવા લાગ્યા. યૂસફે પોતાના ભાણામાંથી વાનગીઓ લઈને તેઓની આગળ પિરસાવી પણ પ્રત્યેકના ભાણા કરતાં બિન્યામીનનું ભાણું પાંચગણું હતું; તેઓએ તેની સાથે ખાધુંપીધુંને મોજમાં આવી ગયા.

1 કરિંથીઓ 7:10-24

10 હવે વિવાહિત લોકોને હું આ આજ્ઞા આપું છું (આ આજ્ઞા મારી નહિ પરંતુ પ્રભુ તરફથી છે.) પત્નીએ તેના પતિને છોડવો જોઈએ નહિ. 11 પરંતુ જો પત્ની તેના પતિને છોડે તો તેણે ફરીથી પરણવું નહિ. અથવા તેણે તેના પતિ પાસે પાછા જવું જોઈએ. પતિએ પણ તેની પત્નીને છૂટાછેડા આપવા નહિ.

12 બીજા બધાજ લોકો માટે હું આમ કહું છું. (પ્રભુ નહિ, હું આ બાબતો કહી રહ્યો છું.) ખ્રિસ્તમય બનેલા બંધુને એવી પત્ની હોઈ શકે કે જે વિશ્વાસુ ન હોય. જો તે તેની સાથે રહેવા સંમત હોય તો તેણે છૂટાછેડા આપવા ન જોઈએ. 13 અને એક સ્ત્રીને એવો પતિ હોય કે જે વિશ્વાસુ ન હોય પણ તેની પત્ની સાથે રહેવા સંમત હોય તો પછી તેણે તેને છૂટાછેડા ન આપવા જોઈએ. 14 પતિ જે વિશ્વાસુ નથી તેને તેની પત્ની દ્વારા પવિત્ર બનાવવામાં આવ્યો છે. અને પત્ની જે અવિશ્વાસુ છે તેને તેના પતિ દ્વારા પવિત્ર બનાવવામાં આવે છે. જો આ સાચું ન હોત, તો તમારાં બાળકો પવિત્ર ન હોત, પરંતુ હવે તમારાં બાળકો પવિત્ર છે.

15 પરંતુ એક વ્યક્તિ કે જે વિશ્વાસુ નથી તે જો છોડી જવા ઈચ્છતી હોય તો તેને જવા દો. આવું જ્યારે બને તો ખ્રિસ્તમય બનેલો ભાઈ કે બહેન મુક્ત છે. દેવે આપણને શાંતિમય જીવન માટે આહ્વાન આપ્યુ છે. 16 પત્નીઓ તરીકે તમે કદાચ તમારા પતિનો બચાવ કરી શકો; અને પતિઓ, તમે કદાચ તમારી પત્નીનો બચાવ કરી શકો. અત્યારે તો તમે જાણતા નથી કે પછી શું બનવાનું છે.

દેવે તમને તેડયા છે તે પ્રમાણે જીવો

17 પરંતુ દરેક વ્યક્તિએ દેવે તેને જે રીતનું જીવન આપ્યું છે, તે રીતે જીવતા રહેવું જોઈએ-એ પ્રકારે કે જે પ્રકારે દેવે જ્યારે તમને તેડયા ત્યારે તમે હતા. આ નિયમ મેં દરેક મંડળીમાં બનાવ્યો. 18 જ્યારે વ્યક્તિને તેડવામાં આવે છે તે સમયે જો તેની સુન્નત થઈ ગઈ હોય, તો પછી તેણે તેની સુન્નતમાં પરિવર્તન કરવું જોઈએ નહિ. જ્યારે તેડવામાં આવે ત્યારે વ્યક્તિ સુન્નત વગરનો હોય, તો પછી તેની સુન્નત થવી જોઈએ નહિ. 19 વ્યક્તિએ સુન્નત કરાવી છે કે નથી કરાવી તે મહત્વનું નથી. દેવની આજ્ઞાઓનું પાલન મહત્વનું છે. 20 દરેક વ્યક્તિને જે સ્થિતિમાં તેડવામાં આવી હોય તેમાં જ તે રહે. 21 દેવે જ્યારે તમને તેડયા ત્યારે તમે જો ગુલામ હો, તો તે બાબતની તમે ચિંતા ન કરો. પરંતુ જો તમે મુક્ત બની શકો, તો મુક્ત બનો. 22 વ્યક્તિ કે જેને પ્રભુએ જ્યારે તેડયો, ત્યારે તે ગુલામ હતો તે પ્રભુમાં મુક્ત છે. તે જ પ્રમાણે જ્યારે તે વ્યક્તિને તેડવામાં આવ્યો ત્યારે તે મુક્ત હતો. હવે ખ્રિસ્તનો સેવક છે. 23 મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા છે તેથી મનુષ્યોના ગુલામો ન બનો. 24 ભાઈઓ અને બહેનો, દેવથી નવજીવનમાં તમારામાંના પ્રત્યેકને જ્યારે દેવે તેડયા હતા ત્યારે જે રસ્તે તમે હતા તે જ રીતે તમારી જીવન પદ્ધતિનું સાતત્ય જાળવો.

માર્ક 5:1-20

ઈસુ ભૂત વળગેલા માણસને મુક્ત કરે છે

(માથ. 8:28-34; લૂ. 8:26-39)

ઈસુ અને તેના શિષ્યો સરોવર પાર કરીને ગેરસાની લોકો રહેતા હતા તે પ્રદેશમાં ગયો. જ્યારે ઈસુ હોડીમાંથી નીચે ઉતર્યો ત્યારે જ્યાં મરેલા માણસોને દાટવામાં આવે છે તે ગુફાઓમાંથી એક માણસ તેમની પાસે આવ્યો. આ માણસને ભૂત વળગેલ હતું. તે માણસ કબરસ્તાનની ગુફાઓમાં રહેતો હતો. કોઈ માણસ તેને બાંધી શકતો ન હતો. સાંકળો પણ આ માણસને બાંધી શકતી ન હતી. ઘણી વાર લોકોએ તે માણસના હાથ પગ બાંધવા સાંકળનો ઉપયોગ કર્યો. પણ તે માણસ તેના હાથપગથી સાંકળો તોડી નાખતો. કોઈ માણસ તેને કાબુમાં રાખવા પૂરતો સમર્થન હતો. રાત દિવસ તે માણસ કબરસ્તાનની ગુફાઓની આસપાસ અને ટેકરીઓ પર ચાલતો હતો. તે માણસ ચીસો પાડતો અને પથ્થરોથી પોતાને ઘાયલ કરતો.

જ્યારે ઈસુ ઘણે દૂર હતો ત્યારે તે માણસે તેને જોયો. તે માણસ ઈસુ પાસે દોડી ગયો અને તેની આગળ ઘૂંટણીએ પડ્યો. 7-8 ઈસુએ તે માણસને કહ્યું, “ઓ અશુદ્ધ આત્મા, તે માણસમાંથી બહાર નીકળ.” તેથી તે માણસે મોટા અવાજે ઘાંટો પાડ્યો, “ઈસુ, પરાત્પર દેવના દીકરા, તું મારી પાસે શું ઈચ્છે છે? હું તને દેવના સોગંદ દઉં છું કે, તું મને શિક્ષા નહિ કરે!”

પછી ઈસુએ તે માણસને પૂછયું, “તારું નામ શું છે?”

તે માણસે જવાબ આપ્યો, “મારું નામ સેના છે. કેમ કે મારામાં ઘણા આત્માઓ છે.” 10 તે માણસમાં રહેલા આત્માઓએ ઈસુને વારંવાર વિનંતિ કરી કે તેઓને તે પ્રદેશમાંથી બહાર ન કાઢે.

11 ત્યાં નજીકમાં એક ભૂંડોનું મોટું ટોળું ટેકરીઓની બાજુમાં ચરતું હતું. 12 અશુદ્ધ આત્માઓએ ઈસુને વિનંતી કરી, “અમને ભૂંડોમાં મોકલ, અમને તેઓમાં મોકલ.” 13 તેથી ઈસુએ તેઓને રજા આપી. અશુદ્ધ આત્માઓએ માણસને છોડયો અને તેઓ ભૂંડોમાં ગયા. પછી તે ભૂંડોનું ટોળું ટેકરીઓની કરાડો પરથી ધસી ગયું અને સરોવરમાં પડી ગયું. બધાંજ ભૂંડો ડૂબી ગયાં. તે ટોળામાં લગભગ 2,000 ભૂંડો હતાં.

14 જે માણસો ભૂંડોની સંભાળ રાખવાનું કામ કરતા હતા તે નાસી ગયા. તે માણસો ગામમાં ગયા અને ખેતરોમાં દોડી ગયા. તેઓએ બધાં લોકોને જે બન્યું હતું તે કહ્યું તેથી જે બન્યું હતું તે જોવા માટે તેઓ આવ્યા. 15 લોકો ઈસુ પાસે આવ્યા. તેઓએ ઘણા અશુદ્ધ આત્માઓની સેના વળગેલો માણસ જોયો. તે માણસ બેઠો હતો અને વસ્ત્રો પહેરેલો હતો. તેનું મગજ ફરીથી સ્વસ્થ હતું. લોકો ભયભીત થયા હતા. 16 કેટલાક લોકો ત્યાં હતા અને ઈસુએ જે કર્યું તે જોયું હતું. તે લોકોએ બીજા લોકોને પેલો માણસ જેનામાં દુષ્ટાત્મા હતો તેનું શું થયું તે કહ્યું અને તેઓએ ભૂંડો વિષે પણ કહ્યું. 17 પછી તે લોકો ઈસુને તેમનો પ્રદેશ છોડી જવા વિનંતી કરવા લાગ્યા.

18 ઈસુ હોડીમાં બેસવા જતો હતો. અશુદ્ધ આત્માઓથી મુક્ત થયેલા માણસે ઈસુ સાથે જવા વિનંતી કરી. 19 પણ ઈસુએ તે માણસને સાથે આવવાની ના પાડી. ઈસુએ કહ્યું, “તારે ઘેર તારા સગાંઓ પાસે જા, પ્રભુએ તારા માટે જે બધું કર્યું તે વિષે તેઓને કહે. તેમને જણાવ કે પ્રભુ તારા માટે દયાળુ હતો.”

20 તેથી તે માણસે વિદાય લીધી અને તેના માટે ઈસુએ જે મહાન કાર્યો કર્યા તે વિષે દશનગરમાં લોકોને કહ્યું. બધા લોકો નવાઈ પામ્યા.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International