Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 140

નિર્દેશક માટે. દાઉદનું ગીત.

હે યહોવા, દુષ્ટ માણસોથી મને મુકત કરો;
    જુલમગારોથી તમે મારું સદા રક્ષણ કરો.
તેઓ પોતાના અંતરમાં દુષ્ટ યોજનાઓ ઘડે છે;
    ને રોજ રોજ નવા ઝગડા ઊભા કર્યા કરે છે.
તેઓએ પોતાની જીભ સાપની જેવી તીક્ષ્ણ બનાવી છે;
    અને તેઓની જીભની નીચે નાગનું વિષ છે.

હે યહોવા, દુષ્ટોના હાથોમાંથી મને બચાવો;
    જેઓએ મને હાની પહોંચાડવાની યોજના કરી છે;
    એવા હિંસક માણસોથી તમે મને બચાવો.
હે ગવિર્ષ્ઠ માણસોએ મને પકડવા છટકું ગોઠવ્યું છે;
    આચકો મારીને મને ઊંચે ખેંચીને હવામાં લટકતા છોડવા માટે જાળ પાથરી છે;
    તેઓ મારા ઉપર જાળ નાખવા જાડીમાં છુપાયા છે.

મેં યહોવાને કહ્યું, તમે મારા દેવ છો;
    હે યહોવા, દયા માટેની મારી અરજ સાંભળો.
હે પ્રભુ યહોવા, મારા સમર્થ તારક;
    યુદ્ધના દિવસે તમે મારા શિરનું રક્ષણ કરો છો.
હે યહોવા, આ દુષ્ટો જે ઇચ્છે છે તે તેમની પાસે ન હોય.
    તેઓની યોજનાઓને સફળ થવા દેશો નહિ;
    નહિ તો તેઓ ઊંચા ઊઠશે.

તેઓના કાવતરાંની જાળમાં તેઓ જ ફસાય તેવું થાઓ;
    મારું ભૂંડુ થાય તે માટે તેમણે જે યોજનાઓ કરી છે
    તેનાથી તેઓનો જ નાશ થાય તેવું થાઓ.
10 ધગધગતા અંગારા તેમના મસ્તક પર પડો;
    અથવા તેઓને અગ્નિમાં ફેંકી દેવામાં આવે;
    અથવા તો ઊંડા ખાડાઓમાં નાખવામાં આવે જ્યાંથી તેઓ કદી બચી શકે નહિ.
11 જૂઠું બોલનારાઓને આ દેશમાં રહેવા દેશો નહિ,
    તે દુષ્ટ હિંસક માણસોનો શિકાર અને વિનાશ થવા દો!
12 મને જાણ છે કે, યહોવા નિર્ધન લોકોનો નિષ્પક્ષતાથી ન્યાય કરશે,
    અને ગરીબોનો હક જાળવશે.
13 યહોવાનો ભય રાખનારા ન્યાયીઓ ખરેખર તમારા નામનો આભાર માનશે;
    કારણકે, યથાર્થ મનુષ્યો તમારી સક્ષમતામાં જીવશે.

ગીતશાસ્ત્ર 142

દાઉદ ગુફામાં હતો તે સમયે લખાયેલી તેની પ્રાર્થના. દાઉદનું માસ્કીલ.

હું મોટા સાદે યહોવાને આજીજી કરું છું;
    અને દયા માટે ઊંચા સ્વરે વિનંતી કરું છું.
હું તેમની આગળ મારી ફરિયાદો વરસાવું છું
    અને મારી મુશ્કેલીઓ વિષે હું તેમને જણાવું છું.
હું બેહોશ થવાનો હોઉં,
    ત્યારે મને શું થાય છે તે તમે જાણો છો પણ જે રસ્તે હું ચાલું છું;
    તેમા તેઓએ ફંદા ગોઠવ્યા છે.

જ્યારે હું આજુબાજુ જોઉં છું,
    હું કોઇ મિત્રને જોતો નથી,
જે મને મદદ કરી શકે,
    અથવા મારી સંભાળ રાખી શકે અથવા મારો બચાવ કરી શકે.
હે યહોવા, મારી પ્રાર્થનામાં મે તમને પોકાર કર્યો અને કહ્યું,
    “યહોવા, મારી સંતાવાની જગા માત્ર તમે જ છો.
    આ જીવનમાં મારી પાસે જે બધું છે તે તમે છો.”
મારા પોકારો સાંભળો,
    કેમકે હું દુ:ખી છું;
જેઓ મારી પાછળ પડ્યાં છે તેમનાથી મને બચાવો;
    કારણકે તેઓ મારા કરતાં વધુ બળવાન છે.
મને બંદીવાસમાંથી બહાર લાવો,
    જેથી હું તમારો આભાર માની શકું.
તમારી સર્વ મદદને માટે દેવનો ભય રાખનારા
    મારી સાથે આનંદ કરશે તમે મારા માટે ઉદાર છો.

ગીતશાસ્ત્ર 141

દાઉદનું ગીત.

હે યહોવા, જલ્દીથી મને ઉત્તર આપો;
    કારણકે, મેં પ્રાર્થના કરી છે.
    મદદ માટેનો પોકાર સાંભળો.
મારી પ્રાર્થના તારી સંમુખ ધૂપ જેવી થાઓ,
    મારા ઊંચા થયેલા હાથો તે વેદી પરના સંધ્યાકાળના દહનાર્પણોની જેમ તમને સ્વીકાર્ય હો!

હે યહોવા, મારા મુખને બંધ રાખવા
    અને મારા હોઠોને બીડેલા રાખવા મને સહાય કરો.
મારા હૃદયમાં કંઇ દુષ્ટ વસ્તુ પ્રવેશે નહિ,
    જેથી દુષ્કર્મો કરનારની સાથે તેમના દુષ્ટકાર્યોમાં હું જોડાઉં નહિ
    અને તેઓ જે કરવા ચાહે છે તેમાં હું તેમને સાથ ન આપું.
જો કોઇ ન્યાયી માણસ મને સુધારે તો
    હું તેમને સારી વસ્તુ કરવા તરીકે સમજીશ.
તેમનો ઠપકો માથા પર તેલ નાખવા જેવો રહેશે.
    હું કદાપિ આવા સ્વાસ્થ્ય વર્ધકનો નકાર ન કરું!
પણ ખરાબ લોકોનાં દુષ્ટ કૃત્યો વિરુદ્ધ હું પ્રાર્થના કરીશ.
તેઓના ન્યાયધીશો પર્વતની ટોચ ઉપરથી પાડી નાખવામાં આવે.
    તેઓ સાંભળશે અને અનુભવશે કે મારાં શબ્દો સાચા અને મીઠાં છે.

જેમ કોઇ જમીન ખેડે અને આજુબાજુ ગંદકી ફેલાવે,
    તેમ અમારાં હાડકાં કબરના પ્રવેશ આગળ વિખરાયેલાં હતા.
પણ હે યહોવા પ્રભુ, હું મદદ માટે તમારી તરફ જોઉં છું.
    હું તમારો વિશ્વાસ કરું છું.
    મારા આત્માનો નાશ ન થવા દો.
તેઓએ મારા માટે ગોઠવેલા ફાંદાથી
    અને ભૂંડુ કરનારાઓએ ગોઠવેલી જાળમાથી મને બચાવો.
10 દુષ્ટો પોતાની જાળમાં ફસાઇ જાય,
    અને તમે મારી રક્ષા કરો.

ગીતશાસ્ત્ર 143

દાઉદનું ગીત.

હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો,
    મારી આજીજીનો જવાબ આપો
    અને મને બતાવો કે તમે ભલા અને ન્યાયી છો.
હે યહોવા, મારી, તમારા સેવકની, ચકાસણી ન કરો,
    કારણ કે તમારી આગળ કોઇ નિર્દોષ મળશે નહિ.
મારા શત્રુઓ મારી પાછળ પડ્યા છે;
    તેઓએ મને જમીન પર પછાડ્યો છે,
અને અંધકારમાં પૂરી દીધો છે,
    જાણે હું મરી ગયો હોઉં તેમ.
માટે મારો આત્મા ઘણો મૂંઝાઇ ગયો છે;
    અને મારું અંત:કરણ સ્તબ્ધ થઇ ગયું છે.
હું ભૂતકાળનાં વર્ષો સ્મરું છું;
    તે વખતે તમે મહિમાવંત ચમત્કારો કર્યા હતાં;
    તેનું મનન કરું છું.
હું મારા હાથ તમારા ભણી પ્રસારું છું;
    સૂકી ધરતીની જેમ મારો જીવ તમારા માટે તરસે છે.

હે યહોવા, મને જલ્દી જવાબ દો કારણકે હવે
    હું નબળો થતો જાઉં છું;
તમે મારાથી મોઢું ફેરવશો તો
    હું મૃત્યુ પામીશ.
મને પ્રભાતમાં તમારી કૃપા અનુભવવા દો;
    કારણકે, હું તમારા પર ભરોસો રાખું છું.
જે માર્ગે મારે ચાલવું જોઇએ તે મને બતાવો, કારણકે,
    હું મારું જીવન તમારા હાથોમાં મૂકું છું.
મારા શત્રુઓથી તમે મારી રક્ષા કરો;
    સંતાવા માટે હું તમારે શરણે આવ્યો છું.
10 મને તમારી ઇચ્છા પ્રમાણે વર્તવાનું શીખવો;
    કારણકે તમે મારા દેવ છો;
તમારો ઉત્તમ આત્મા મને સત્યને માર્ગે દોરી જાઓ.
11 હે યહોવા, તમારા નામને માટે મને જીવાડો;
    તમારા ન્યાયીપણાથી મને મુશ્કેલીમાંથી બચાવો.
12 મારા પ્રત્યેની કૃપાથી તમે મારા શત્રુઓનો નાશ કરો;
    અને મારા આત્માને સતાવનારાઓનો સંહાર કરો;
કારણકે હું તમારો સેવક છું.

નીતિવચનો 8:1-21

જ્ઞાનનું સ્તવન

જ્ઞાન બોલાવે છે
    અને સમજણ મોટેથી બૂમો પાડે છે.
ડુંગરની ટોચે,
    રસ્તે ઘાટે, ચોરેચૌટે
અને શહેરમાં પ્રવેશવાના દરવાજા
    આગળ ઊભાં ઊભાં તે મોટે સાદે કહે છે:

“હે માણસો, હું તમને પોકાર કરીને કહું છું;
    હું પ્રત્યેક માણસને સાદ પાડું છું.
હે અજ્ઞાની લોકો, શાણપણ શીખો,
    અને હે મૂર્ખાઓ તમે સમજણ હોવાનું શીખો.
સાંભળો, હું તમને ઉત્તમ વાતો કહેવાનો છું.
    અને જે સાચું છે તે જ હું તમને શીખવીશ.
હું સાચું જ બોલીશ,
    જૂઠાને હું ધિક્કારું છું.
મારા મુખના સઘળા શબ્દો પ્રામાણિક છે,
    હું તમને જૂઠ્ઠું કે ગેર માર્ગે દોરનારું નહિ બોલું.
સમજુ માણસો માટે મારા શબ્દો સ્પષ્ટ છે.
    અને જ્ઞાનીઓને માટે તે યથાયોગ્ય છે.
10 રૂપાને બદલે મારી સલાહ લો
    અને ઉત્તમ સોનાને બદલે જ્ઞાન પ્રાપ્ત કરો.
11 કારણ કે જ્ઞાન રત્નો કરતા વધારે મૂલ્યાવાન છે.
    એની તોલે મોંઘામાં મોંઘી વસ્તુ પણ ન આવે.

જ્ઞાન શું કરે છે

12 “હું જ્ઞાન છું,
    વિવેકબુદ્ધિ મારી સાથે રહે છે,
    અને હું જ્ઞાન અને ચતુરાઇ ધરાવું છું.
13 યહોવાનો ભય એટલે પાપને ધિક્કારવું,
    અભિમાન, ઉદ્ધતાઇ, કુમાર્ગ,
    અને વાંકાબોલાપણાને હું ધિક્કારું છું.
14 મારી પાસે સારી સલાહ અને જ્ઞાન છે.
    મારી પાસે ઊંડી સમજ અને શકિત છે.
15 મારે લીધે જ રાજાઓ રાજ્ય કરે છે
    અને રાજકર્તાઓ ન્યાય તોલે છે.
16 મારે લીધે રાજકુમારો શાસન કરે છે
    અને ઊમદા લોકો સાચો ચુકાદો આપે છે.
17 મારા પર પ્રેમ રાખનારાઓ પર હું પ્રેમ રાખું છું.
    અને જે ઓ મને ઉત્સુકતાથી શોધે છે તે મને પામે છે.
18 ધન અને સન્માન મારા હાથમાં છે.
    મારી પાસે ટકાઉ સંપત્તિ અને સદાચાર છે.
19 મારા ફળ સોના કરતાં ચડિયાતા છે.
    અને મારી પેદાશ ઊંચી જાતની ચાંદી કરતાં શ્રેષ્ટ છે.
20 હું સદાચારને માર્ગે ચાલું છું,
    મારો રસ્તો ન્યાયનો છે.
21 મારા પર પ્રેમ રાખનારને હું સમૃદ્ધિ આપું છું
    અને તેમના ભંડારો ભરપૂર કરું છું.

ફિલેમોન

અમારા પ્રિય મિત્ર અને અમારા સહ-કાર્યકર ફિલેમોનને ઉદ્દેશીને આ પત્ર છે.

આપણી બહેન આફિયા, અમારા એક સહ-કાર્યકર આર્ખિપસ, અને તારા ઘરમાંની એકત્રીત મંડળી એ સર્વનાં નામ જોગ લખિતંગ. ખ્રિસ્ત ઈસુનો બંદીવાન પાઉલ તથા આપણો ભાઈ તિમોથી.

દેવ આપણા પિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ પ્રાપ્ત થાઓ.

ફિલેમોનનો પ્રેમ અને વિશ્વાસ

મારી પ્રાર્થનાઓમાં હું તને યાદ કરું છું. અને તારા માટે હું હંમેશા મારા દેવની આભારસ્તુતિ કરું છું. દેવ અને સર્વ સંતો માટે તને જે પ્રેમ છે અને પ્રભુ ઈસુમાં તને વિશ્વાસ છે, તે વિષે મેં સાંભળ્યું છે. અને તારા એ વિશ્વાસ અને પ્રેમ બદલ હું દેવની આભારસ્તુતિ કરું છું. મારી પ્રાર્થના છે કે જે વિશ્વાસમાં તું સહભાગી થયો છે તેને લીધે ખ્રિસ્તની દરેક સારી બાબત આપણામાં છે તે આપણને ખ્રિસ્ત તરફ દોરી જાય છે તે સારી બાબત તું સમજી શકીશ. મારા ભાઈ, તેં દેવના લોકો પ્રત્યે પુષ્કળ પ્રેમ દર્શાવ્યો છે. તેં તેઓને સુખી કર્યા છે. આથી મારા મનને ખૂબ જ આનંદ તથા દિલાસો મળ્યો છે.

એક ભાઈની જેમ ઓનેસિમસનો સ્વીકાર કરજે

એક બાબત છે કે જે તારે કરવાની છે અને ખ્રિસ્તમાં તારા પ્રેમને કારણે તને તે કરવાની આજ્ઞા આપવાની મને છૂટ છે. પણ હું તને આજ્ઞા કરતો નથી; હું તો તને તે કામ કરવા જણાવું છું. હું પાઉલ છું, હવે હું વૃદ્ધ થયો છું, અને ખ્રિસ્ત ઈસુના કારણે હું કેદી થયો છું. 10 મારા પુત્ર સમાન ઓનેસિમસ વિષે હું તને કહું છું. હું જ્યારે કેદમાં હતો ત્યારે તે મારો ધર્મપુત્ર થયો છે. 11 ભૂતકાળમાં તો તે તારાં માટે નકામો જ હતો. પરંતુ તે હવે આપણા બંને માટે ઉપયોગી બન્યો છે.

12 હું તારી પાસે તેને પાછો મોકલું છું. મારું પોતાનું હૈયું હું તેની સાથે મોકલું છું. 13 સુવાર્તાને કારણે હું જ્યારે જેલમાં છું એવા સમયે તે મને મદદરુંપ થાય, એ માટે હું તેને મારી પાસે જ અહીં રાખવા ઈચ્છતો હતો. મને મદદ કરતાં કરતાં એ તારી જ સેવા કરે. 14 પરંતુ એ માટે તને અગાઉથી પૂછયા વિના કઈ પણ કરવું મને ન ગમે. તારી પર દબાણ કરીને કામ સોંપુ છું એમ નહિ પરંતુ મારા માટે તું જે કંઈ સારું કરે તે તારી સ્વેચ્છાથી થાય એમ હું ઈચ્છું છું.

15 ઓનેસિમસ થોડા સમય માટે તારાથી છૂટો પડી ગયો હતો, એવું કદાચ એટલા માટે બન્યું કે તે જ્યારે પાછો આવે ત્યારે હંમેશને માટે તારો થઈને રહે. 16 દાસ તરીકે નહિ, પરંતુ દાસ કરતાં કંઈક વધારે સારો, વહાલા ભાઈ તરીકે હું તેને ખૂબ પ્રેમ કરું છું. પરંતુ તું એને વધારે પ્રેમ કરીશ. કેવળ એક મનુષ્યના રૂપે અને પ્રભુમાં સ્થિર એક ખ્રિસ્તી ભાઈ તરીકે પ્રેમ કરજે.

17 જો તારા મિત્ર તરીકે તું મને સ્વીકારતો હોય તો, તું ઓનેસિમસને ફરી પાછો અપનાવી લેજે. મારું સ્વાગત કરે તેમ તું એને આવકારજે. 18 ઓનેસિમસે જો તારા માટે કઈક ખોટું કર્યુ હોય અથવા જો તેણે તારું દેવું કર્યુ હોય, તો તે મારા ખાતે ઉધારજે. 19 હું પાઉલ છું, અને મારા પોતાના હાથે હું આ લખી રહ્યો છું. ઓનેસિમસનું જે કાંઇ દેવું હોય તે હું ભરપાઈ કરી આપીશ. અને જો કે તારા પોતાના જીવન માટે તું મારો કેટલો ઋણી છું, તે વિશે હું કશું જ નથી કહેતો. 20 તેથી, મારા ભાઈ, પ્રભુમાં તું મારી માટે કઈક કરી બતાવ. ખ્રિસ્તમાં મારા હ્રદયને તું શાંત કર. 21 હું તને આ પત્ર લખું છું કારણ મને ખાતરી છે કે હું જે ઇચ્છું છું તે કામ તું કરીશ જ. હું જાણું છું કે હું જે કહું છું તે કરતાં પણ કઈક વધારે કરીશ.

22 વળી, મારે રહેવા માટે પણ એક ઓરડો તું તૈયાર કરાવી રાખજે. મને આશા છે કે દેવ તારી પ્રાર્થનાઓનો પ્રત્યુતર આપશે અને હું તારી પાસે આવી શકીશ.

અંતિમ શુભેચ્છાઓ

23 ખ્રિસ્ત ઈસુ માટે કેદી બનેલો એપાફ્રાસ પણ મારી સાથે છે. તે તને ક્ષેમકુશળ કહે છે. 24 વળી માર્ક, અરિસ્તાર્ખસ, દેમાસ અને લૂક પણ તને ક્ષેમકુશળ કહે છે. તેઓ મારી સાથેના કાર્યકરો છે.

25 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા આત્મા પર થાઓ.

યોહાન 12:9-19

લાજરસ વિરૂદ્ધ યોજન

યહૂદિઓમાંના ઘણાએ સાંભળ્યું કે ઈસુ બેથનિયામાં હતો. તેથી તેઓ ઈસુને જોવા ત્યાં ગયા. તેઓ ત્યાં લાજરસને જોવા પણ ગયા. ઈસુએ મૃત્યુમાંથી ઊભા કરેલામાંનો એક લાજરસ હતો. 10 તેથી તે મુખ્ય યાજકોએ લાજરસને મારી નાખવા માટે પણ યોજના કરી. 11 લાજરસને કારણે ઘણા યહૂદિઓ તેમના આગેવાનોને છોડતા હતા અને ઈસુમાં વિશ્વાસ કરતા હતા. તે જ કારણે યહૂદિ આગેવાનો પણ મારી નાખવા ઈચ્છતા હતા.

ઈસુનો યરૂશાલેમમાં પ્રવેશ

(માથ. 21:1-11; માર્ક 11:1-11; લૂ. 19:28-40)

12 બીજે દિવસે યરૂશાલેમમાં લોકોએ સાંભળ્યું કે ઈસુ ત્યાં આવતો હતો. ત્યાં ઘણા લોકો હતા જે પાસ્ખાપર્વમાં આવ્યા હતા. 13 તે લોકોએ ખજૂરીના વૃક્ષોની ડાળીઓ લીધી અને ઈસુને મળવા બહાર ગયા. લોકોએ પોકાર કર્યા,

“‘હોસાન્ના!’
    ‘જે પ્રભુના નામે આવે છે, તેને ધન્ય છે!’(A)

ઈઝરાએલનો રાજા આવે છે તેને ધન્ય છે!”

14 ઈસુને એક ગધેડાનો વછેરો મળ્યો અને તેના પર તે બેઠો. શાસ્ત્રલેખ કહે છે તેવું આ હતુ:

15 “સિયોન[a] ની દીકરી, બી મા!
    જો! તારો રાજા આવે છે.
તે ગધેડાના વછેરા પર બેસીને આવે છે.” (B)

16 ઈસુના શિષ્યો તે સમયે જે બનતું હતું તે સમજી શક્યા નહિ. પરંતુ ઈસુ મહિમાવાન થયો, તેઓ સમજ્યા કે આ બાબતો તેના વિષે લખેલી હતી. પછી તે શિષ્યોને યાદ આવ્યું કે લોકોએ તે બધું તેને માટે કર્યુ હતું.

17 ત્યાં ઈસુ સાથે ઘણા લોકો હતા જ્યારે તેણે લાજરસને મૃત્યુમાંથી ઊઠાડ્યો અને તેને કબરમાંથી બહાર આવવા કહ્યું. હવે પેલા લોકોએ ઈસુએ જે કર્યુ તેના વિષે બીજા લોકોને કહ્યું. 18 ઘણા લોકો ઈસુને મળવા બહાર ગયા, કારણ કે તેઓએ સાંભળ્યું કે ઈસુએ આ ચમત્કાર કર્યો. 19 તેથી તે ફરોશીઓએ એકબીજાને કહ્યું, “જુઓ! નોંઘ કરો તમે કશામાં સફળતા પ્રાપ્ત કરી નથી. આખું જગત તેને અનુસરે છે!”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International