Book of Common Prayer
કોફ
145 મેં ખરા હૃદયથી અરજ કરી છે, હે યહોવા,
મને ઉત્તર આપ, હું તમારા નિયમોનું પાલન કરીશ.
146 “મારું રક્ષણ કરો” મેં તમને પ્રાર્થના કરી છે;
એટલે હું તમારા નિયમોનું પાલન કરીશ.
147 પ્રભાત થતાં પહેલા મેં પ્રાર્થના કરી;
અને મે તમારી વાતની આશા રાખી.
148 તારા વચનનું મનન કરવા માટે;
મારી આંખો રાતના છેલ્લા પહોર અગાઉ ઊઘડી ગઇ હતી.
149 તમારી કૃપા પ્રમાણે મારી વાણી સાંભળો;
હે યહોવા, તમારા ન્યાયવચનો પ્રમાણે મને જિવાડો.
150 તમારા નિયમનો ભંગ કરનારા અને દુષ્ટ પ્રપંચ ઘડનારા
મારા પર હુમલો કરવા આવી રહ્યાં છે.
151 હે યહોવા, તમે મારી નજદીક છો;
અને તમારી સર્વ આજ્ઞાઓ સત્ય છે.
152 લાંબા સમય પૂવેર્ તમારા સાક્ષ્યોમાંથી મેં જાણ્યું
કે તમે તેઓને સદાને માટે સ્થાપ્યાં છે.
રેશ
153 મારા સંકટ સામે જુઓ અને મારી રક્ષા કરો;
કારણ, હું તમારો નિયમ ભૂલતો નથી.
154 મારી લડતને લડો અને મને બચાવો!
મને તમારા વચન પ્રમાણે જીવવા દો.
155 દુષ્ટ અન્યાયીઓથી તારણ દૂર રહે છે;
કારણકે તે તમારા નિયમો શોધતા નથી.
156 હે યહોવા, તારી કરુણા ધણી મહાન છે;
તારાં ન્યાયવચનો પ્રમાણે મને જિવાડ.
157 મને સતાવનારા, મારા શત્રુઓ ઘણા છે;
છતાં હું તારા નિયમોથી પાછો હઠી ગયો નથી.
158 જ્યારે મેં વિશ્વાસઘાતીઓને જોયા; ત્યારે મેં તેમનો અસ્વીકાર કર્યો;
કારણકે, તેઓ તમારા વચનનું પાલન કરતાં નથી.
159 હું તમારા શાસનો પર કેટલો બધો પ્રેમ રાખુ છું,
તે ધ્યાનમાં લે જો હે યહોવા, તમારી કૃપા અનુસાર તમે મને જિવાડો.
160 તમારા બધાં વચનો અથથી તે ઇતિ સુધી સત્ય છે;
અને તમારા સર્વ ન્યાયી વચનો અનંતકાળ સુધી ટકવાના છે.
શીન
161 મને સરદારોએ વિના કારણ સતાવ્યો છે;
પણ મારું હૃદય તમારાં વચનોનો ભય રાખે છે.
162 જેમ કોઇકને મોટો ખજાનો મળે
તેમ તમારા વચન મને રાજી કરે છે.
163 હું અસત્યને ધિક્કારું છું, હું તેમનો તિરસ્કાર કરું છું
પરંતુ હું તમારા નિયમને ચાહું છું.
164 તમારા યથાર્થ અને ન્યાયી વચનોને કારણે,
હું દિવસમા સાત વખત તમારી સ્તુતિ કરું છું.
165 તમારા નિયમ પર પ્રેમ રાખનારાઓને અત્યંત શાંતિ મળે છે;
તેઓને કોઇ પણ ઠોકર ખવડાવી શકે તેમ નથી.
166 હે યહોવા, તમારા તારણની મેં આશા રાખી છે;
કારણ, મે તમારી આજ્ઞાઓ પાળી છે.
167 હું તમારા સાક્ષ્યોને અનુસર્યો
અને તેથી હું તેમના પર ઘણો પ્રેમ રાખું છું.
168 હું તમારા બધાં શાસનો અને સાક્ષ્યોને અનુસર્યો છું,
હે યહોવા, હું જે કરું તે બધુ તમે જાણો છો.
તાવ
169 હે યહોવા, મારી પ્રાર્થનાઓ સાંભળો;
અને તમે વચન આપ્યું છે તે પ્રમાણે મને સમજણ આપો.
170 મારી પ્રાર્થનાને તમારી સમક્ષ આવવા દો;
અને તમારા વચન પ્રમાણે મને ઉગારો.
171 મારા હોઠો તમારી સ્તુતિ ઉચ્ચારશે,
કારણકે, તમે મને તમારા વિધિઓ શીખવો છો.
172 મને તમારા વચનોનો જવાબ આપવા દો, અને મને મારું ગીત ગાવા દો.
કારણ કે, તમારી આજ્ઞાઓ પૂર્ણ ન્યાયી છે.
173 મને મદદ કરવા તમારો હાથ તૈયાર થાઓ કારણ કે,
મેં તમારાં શાસનોને અનુસરવાનું પસંદ કર્યુ છે.
174 હે યહોવા, હું તારા તારણ માટે અભિલાષી છું;
તમારો નિયમ એ જ મારો આનંદ છે.
175 મારા આત્માને જિવાડો જેથી હું તમારી સ્તુતિ કરી શકું;
તમારા ન્યાયવચનો મને મદદરૂપ થાઓ.
176 હું ભૂલા પડેલા ઘેટાઁની જેમ ભટકી ગયો છું;
તમે આવો
અને મને તમારા સેવકને શોધી કાઢો.
કારણકે હું તમારી આજ્ઞાઓને ભૂલ્યો નથી.
મંદિરે ચઢવાનું ગીત.
1 જેઓ યહોવાનો ભય રાખે છે અને તેના માર્ગમાં ચાલે છે;
તે સર્વને ધન્ય છે.
2 તેઓ જાત પરિશ્રમથી કમાયેલી વસ્તુઓનો આનંદ માણશે.
તેઓ સુખી થશે અને તેઓ આશીર્વાદિત હશે.
3 તારી પત્ની તારા ઘરના અંત:પુરમાં ફળવત દ્રાક્ષાવેલાના જેવી થશે;
તારા સંતાનો તારી મેજની આસપાસ જૈતુન વૃક્ષના રોપા જેવા થશે.
4 જે યહોવાથી ડરે છે તેને એવો આશીર્વાદ મળશે.
5 યહોવા તને સિયોનમાંથી આશીર્વાદ આપશે;
તમે જીવનના સર્વ દિવસો પર્યંત યરૂશાલેમની સારી વસ્તુઓનો આનંદ માનશો.
6 તું પોતાના સંતાનોનાં સંતાનો જોશે.
ઇસ્રાએલને શાંતિ થાઓ.
મંદિર ચઢવા માટેનું ગીત.
1 ઇસ્રાએલને કહેવા દો,
“મારી યુવાવસ્થાથી મારી પાસે ઘણાં દુશ્મનો હતાં.”
2 મારી યુવાવસ્થાથી મારી પાસે ઘણા દુશ્મનો હતા
પણ તેઓ મને હરાવી ન શક્યા!
3 પીઠ પર લાંબા અને ઊંડા કાપા પડ્યા તેટલો માર્યો,
હળથી ખેતરમાં ચાસ પાડ્યા હોય તેમ.
4 પરંતુ યહોવા તો ન્યાયી છે,
દુષ્ટ લોકોએ મને બાંધેલા દોરડાં ને (બંધનોને) તેણે કાપ્યાં છે.
5 સિયોનને ધિક્કારનારા બધાં અપમાનિત થાઓ
અને હારીને ભાગી જાય.
6 તેઓ છાપરા ઉપર અંકુરિત થતા ઘાસ જેવા થાઓ;
જે વૃદ્ધિ પામ્યાં પહેલા સુકાઇ જાય છે.
7 જેથી કાપનાર પોતાનો હાથ
અને પૂળા બાંધનાર પોતાની બાથ ભરી શકતો નથી.
8 તેઓની પાસેથી જનારા એવું કહેતા નથી કે,
“યહોવાનો આશીર્વાદ તમારા પર હો!
યહોવાના નામે અમે તમને આશિષ આપીએ છીએ.”
મંદિરે ચઢવા માટેનું ગીત.
1 હે યહોવા, સંકટોનાં ઉંડાણમાંથી મેં
તમને મદદ માટે પોકાર કર્યો.
2 હે યહોવા, મારી હાકલ સાંભળ;
અને મદદ માટેની મારી હાકલ પર તમારા કાન ધ્યાન આપે.
3 હે યહોવા, અમારા પ્રભુ; જો તમે ખરેખર અમને અમારા પાપો માટે શિક્ષા કરી હોત,
તો કોઇનું અસ્તિત્વ રહેત નહિ.
4 પરંતુ તમે લોકોને માફી આપો છો,
તેથી તમે આદર પામશો.
5 તેથી હું મોટી આશા સાથે યહોવાની વાટ જોઉ છું,
મારો આત્મા તેમની રાહ જુએ છે,
હું તેમના વચન પર આધાર રાખું છું.
6 પહેરો ભરનાર સંત્રી પ્રભાતની રાહ જુએ તે કરતાં વિશેષ
હું યહોવાની રાહ જોઉં છું.
7 હે ઇસ્રાએલ, યહોવામાં તમારો વિશ્વાસ મૂકો,
કારણ, તે દયાળુ ને કૃપાળુ છે
અને તે આપણને બચાવવા આપણી પાસે આવે છે.
8 તેઓના બધાં પાપોને માટે તે પોતે ઇસ્રાએલને માફ કરશે.
પ્રકીર્ણ વચનો
6 મારા દીકરા, જો તું તારા પડોશીનો જામીન થયો હોય, જો તેં કોઇને બદલે પારકાને માટે કોલ આપ્યો હોય, 2 તો તું તારા શબ્દોથી બંધાઇ ચૂક્યો હોય, જો તું વચનોને લીધે સપડાયો હોય, 3 તો તારા પડોશીના હાથમાં સપડાયો છે. મારા પુત્ર, તું આટલું કરીને છૂટો થઇ જજે; તું એકદમ જા. તારા પડોશીની આગળ નમી જઇને કાલાવાલા કર. 4 સૌથી પહેલા સૂઇશ નહિ. અને તારી પાંપણોને ઢળવા દઇશ નહિ. 5 હરણું જેમ શિકારીના હાથમાંથી ભાગી જાય અથવા પંખી જેમ પારધી પાસેથી છૂટી જાય, તેમ તું તારી જાતને છોડાવી લેજે.
આળસુના બનો
6 ઓ આળસુ, કીડી પાસે જા; તે કેમ જીવે છે તે જોઇને હોશિયાર થા. 7 તેના પર કોઇ મુકાદમ નથી, કોઇ આજ્ઞા કરનાર નથી, કે કોઇ ધણી નથી. 8 છતાં તે પાક વખતે પોતાનાં અનાજનો સંગ્રહ કરે છે અને કાપણીની મોસમમાં પોતાનો ખોરાક ભરી રાખે છે.
9 ઓ આળસુ. તું ક્યાં સુધી પડ્યો રહીશ? તું ક્યારે ઊંઘમાંથી ઊઠીશ? 10 તું કહે છે કે “હજી થોડીક નિદ્રા, થોડીક ઊંઘ, ટૂંટિયાં વાળીને થોડોક આરામ લેવા દો.” 11 તો તું જાણજે કે ચોરની જેમ અને હથિયારબંધ ધાડપાડુની જેમ ગરીબી તારા પર ત્રાટકશે.
દુષ્ટ માણસ
12 નકામો અને દુષ્ટ માણસ ગેરમાર્ગે દોરનારી વાતો કરશે. 13 તે પોતાની આંખોથી મીંચકારા મારી, પગથી ધૂળમાં નિશાનીઓ કરશે અને આંગળીથી ઇશારો કરશે. 14 તેના મનમાં કપટ છે, તે વિધ્વંસી અનિષ્ટો ઘડે છે અને હંમેશા તકરારો મોકલે છે. 15 આથી અચાનક તેના પર વિપત્તિના વાદળ ઘેરાય છે. અને તે એકાએક ભાંગીને ભૂક્કા થઇ જાય છે, તે ફરી બેઠો થઇ શકતો નથી.
એ સાત વાતો જેને યહોવા ઘૃણા કરે છે
16 યહોવા સખત અણગમતી સાત વસ્તુઓમાંથી છ વસ્તુને ધિક્કારે છે.
17 તુમાખીભરી આંખો, જૂઠાબોલાની જીભ,
નિર્દોષના લોહીથી ખરડાયેલા હાથ,
18 દુષ્ટ કાવતરાં રચનાર હૃદય,
નુકશાન કરવા દોડી જતા પગ,
19 શ્વાસેશ્વાસે જૂઠું બોલનાર જૂઠો સાક્ષી.
અને રનેહી સંબંધીઓમાં કુસંપનું બીજ વાવનાર માણસ.
દેવનાં છોકરાં જગત પર વિજય મેળવે છે
5 ઈસુ એ જ ખ્રિસ્ત છે એવો જે કોઈ વિશ્વાસ કરે છે તેઓ દેવનાં છોકરાં છે. જે વ્યક્તિ પિતાને પ્રેમ કરે છે તે પિતાનાં છોકરાંઓને પણ પ્રેમ કરે છે. 2 આપણે કેવી રીતે જાણી શકીએ કે આપણે દેવનાં છોકરાંઓને પણ પ્રેમ કરીએ છીએ? આપણે જાણીએ છીએ કેમ કે આપણે દેવને પ્રેમ કરીએ છીએ અને આપણે તેની આજ્ઞાઓનું પાલન કરીએ છીએ. 3 દેવને પ્રેમ કરવો તેનો અર્થ તેની આજ્ઞાઓનું પાલન કરવું. અને દેવની આજ્ઞાઓ આપણા માટે એટલી બધી કઠિણ નથી. 4 શા માટે? કારણ કે પ્રત્યેક વ્યક્તિ જે દેવનું બાળક છે તે જગતમાં વિજય મેળવવા શક્તિમાન છે. 5 તે આપણો વિશ્વાસ છે કે જેણે જગત સામે વિજય મેળવ્યો છે. ફક્ત તે વ્યક્તિ જે વિશ્વાસ કરે છે કે ઈસુ દેવનો દીકરો છે તેના વિના બીજો કોણ જગતને જીતે છે?
દેવ આપણને તેના પુત્ર વિષે કહે છે
6 જે આવ્યો તે ઈસુ ખ્રિસ્ત છે. ઈસુ પાણી[a] સાથે અને રક્ત[b] સાથે આવ્યો. ઈસુ માત્ર પાણીથી આવ્યો નથી. ના, ઈસુ પાણી અને રક્ત બંનેથી આવ્યો અને આત્મા આપણને કહે છે કે આ સાચુ છે. આત્મા સત્ય છે. 7 તેથી ત્યાં ઈસુ વિશે આપણને કહેનારા ત્રણ સાક્ષીઓ છે: 8 કેમ કે સાક્ષી પૂરનાર ત્રણ છે, એટલે આત્મા, પાણી અને લોહી. આ ત્રણ સાક્ષીઓ છે.
9 તેઓ જે કહે છે તે કંઈક સાચું હોય એવો વિશ્વાસ આપણે લોકો પર કરીએ છીએ. પરંતુ દેવ જે કહે છે તે વધારે મહત્વનું છે. અને દેવે આપણને તેના પોતાના પુત્ર વિશે સાચું કહ્યું છે. 10 જે વ્યક્તિ દેવના પુત્ર પર વિશ્વાસ રાખે છે તેની પાસે તે સત્ય છે જે દેવે આપણને કહ્યુ છે. જે વ્યક્તિ દેવમાં વિશ્વાસ કરતી નથી તે દેવને જૂઠો પાડે છે. શા માટે? કારણ કે દેવે આપણને તેના પુત્ર વિષે જે કહ્યું તેમાં તે વ્યક્તિ વિશ્વાસ કરતી નથી. 11 દેવે આપણને કહ્યું છે: દેવે આપણને અનંતજીવન આપ્યું છે. અને આ અનંતજીવન તેના પુત્રમાં છે. 12 જે વ્યક્તિ પાસે પુત્ર છે તેની પાસે સાચું જીવન છે. પરંતુ જે વ્યક્તિની પાસે દેવનો પુત્ર નથી, તેની પાસે જીવન નથી.
ઈસુને મારી નાખવાની યહૂદિ આગેવાનોની યોજના
(માથ. 26:1-5; માર્ક 14:1-2; લૂ. 22:1-2)
45 ત્યાં ઘણા યહૂદિઓ મરિયમની મુલાકાતે આવ્યા હતા. આ યહૂદિઓએ ઈસુએ જે કર્યુ તે જોયું અને આ યહૂદિઓમાંના ઘણાએ ઈસુમાં વિશ્વાસ કર્યો. 46 પરંતુ કેટલાક યહૂદિઓ ફરોશીઓ પાસે ગયા. તેઓએ ઈસુએ જે કર્યુ તે ફરોશીઓને કહ્યું. 47 પછી મુખ્ય યાજકો અને ફરોશીઓએ યહૂદિઓની સભા બોલાવી. તેઓએ કહ્યું, “આપણે શું કરવું જોઈએ? આ માણસ (ઈસુ) ઘણા ચમત્કારો કરે છે. 48 જો આપણે તેને આ ચમત્કારો કરવાનું ચાલુ રાખવા દઈશું, તો બધા લોકો તેનામાં વિશ્વાસ કરશે. પછી રોમનો આવશે અને આપણા મંદિર અને રાષ્ટ્રને લઈ લેશે.”
49 ત્યાં કાયાફા નામનો એક માણસ હતો. તે વરસે તે પ્રમુખ યાજક હતો. કાયાફાએ કહ્યું, “તમે લોકો કશું જાણતા નથી! 50 લોકોના માટે એક માણસનું મરવું તે આખા રાષ્ટ્રનો વિનાશ થાય વે કરતાં વધારે સારું છે. પરંતુ તમને આનો ખ્યાલ આવતો નથી.”
51 કાયાફાએ આ વિષે તેની જાતે આનો વિચાર કર્યો નહિ. તે વરસનો તે મુખ્ય યાજક હતો. તેથી તેણે ખરેખર ભવિષ્ય કહ્યું હતું કે ઈસુ યહૂદિઓના રાષ્ટ્ર માટે મૃત્યુ પામશે. 52 હા, ઈસુ યહૂદિ રાષ્ટ્રના લોકો માટે મરશે. પરંતુ ઈસુ દેવનાં બીજા બાળકો જે આખા જગતમાં વિખરાયેલા છે તેમનાં માટે પણ મૃત્યુ પામશે. તે બધાઓને ભેગા કરવા અને તે લોકોને એક બનાવવા માટે તે મૃત્યુ પામશે.
53 તે દિવસે યહૂદિ આગેવાનોએ ઈસુને મારી નાખવાની યોજના કરવાનું શરું કર્યુ. 54 તેથી ઈસુએ યહૂદિઓમાં આજુબાજુ જાહેરમાં ફરવાનું બંધ કર્યુ. ઈસુએ યરૂશાલેમ છોડ્યું અને રણની નજીકની જગ્યાએ ગયો. ઈસુ એફ્રાઈમ નામના શહેરમાં ગયો. ઈસુ ત્યાં તેના શિષ્યો સાથે રહ્યો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International