Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 120-127

મંદિર સુધી; ચઢીને જવાનું ગીત.

મારા સંકટોમાં મે યહોવાને પોકાર કર્યો;
    અને તેમણે મને સાંભળ્યો ને ઉત્તર આપ્યો.
હે યહોવા, જૂઠા હોઠોથી તથા છેતરામણી જીભથી
    તમે મારા આત્માને બચાવો.

હે કપટી જૂઠા લોકો, તમે શું મેળવશો?
    તમારા જૂઠાણાંથી તમને શો લાભ થશે?
તને તીક્ષ્ણ બાણોથી વીંધવામા આવશે;
    અને ધગધગતા અંગારાથી તને દજાડાશે.
મને અફસોસ છે કે હું મેશેખમાં રહું છું
    અને કેદારનાં તંબુઓમાં વસું છું.
જે શાંતિ પર દ્વેષ રાખે છે તેની સાથે રહીને હવે તો
    હું ધરાઇ ગયો છું.
જ્યારે મેં કહ્યું, “મારે શાંતિ જોઇએ છે.
    હું શાંતિ ચાહું છું.” ત્યારે તે લોકોને લડાઇ જોઇતી હતી.

મંદિર તરફ ચઢવા માટેનું ગીત.

હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરું છું,
    મને સહાય ક્યાંથી મળે?
આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કરનાર
    યહોવા પાસેથી મને સહાય મળે છે.
તે તમને ઠોકર ખાવા દેશે નહિ, કે લપસવા દેશે નહિ.
    તે જે તમારી દેખરેખ રાખે છે તે ઘસઘસાટ ઊંઘી જનાર નથી.
જુઓ, ઇસ્રાએલનો જે રક્ષક છે તે ઊંઘતો નથી
    અને નિદ્રાવશ થતો નથી.
યહોવા જમણે હાથે તમારી ઉપર પોતાની છાયા પાડશે;
    યહોવા તમારા રક્ષક છે.
સૂર્ય દિવસ દરમ્યાન તમને નુકશાન નહિ કરે,
    અને ચંદ્ર રાત્રી દરમ્યાન તમને દુ:ખ નહિ પહોચાડે.
યહોવા, તારું દરેક આપત્તિઓમાં રક્ષણ કરશે.
    યહોવા તમારા આત્માની સંભાળ રાખશે.
તમે જે બધું કરશો તેમા યહોવા તમારી પર નજર રાખશે.
    તે હમણાંથી તે સર્વકાળ સુધી તમારી દેખરેખ રાખશે.

મંદિરે ચઢવાનું ગીત.

યરૂશાલેમમાં, યહોવાના મંદિરમાં જવાનું
    મને કહ્યું તેથી મને ખૂબ આનંદ થયો.
અને હવે અમે પણ યરૂશાલેમનાં દરવાજાઓમાં ઊભા રહ્યા.
ફરી એક વખત યરૂશાલેમ
    એક સંગઠિત નગર તરીકે બંધાયું છે.
ઇસ્રાએલના સવેર્ કુળો જે યહોવાનાં પોતાના છે તેઓ તેમનો આભાર માનવા;
    અને તેમના નામની સ્તુતિ ગાવા ત્યાં જશે.
જુઓ! ત્યાં નગરનાં દરવાજાઓ પાસે દાઉદના રાજવંશના રાજાઓએ
    લોકોનો ન્યાય કરવા તેમના રાજ્યાસનો ઊભા કર્યા છે.
યરૂશાલેમની શાંતિને માટે પ્રાર્થના કરો;
    જેઓ તેમને ચાહે છે તેને ત્યાં શાંતિ મળો.
ઓ યરૂશાલેમ, તારા નગરકોટની અંદર શાંતિ થાઓ;
    અને તારા નગરના મહેલોની અંદર કુશળતા થાઓ.

મારા ભાઇઓ તથા મારા મિત્રો માટે હું પ્રાથીર્ રહ્યો છું.
    તારામાં શાંતિ થાઓ.
યહોવા અમારા દેવના મંદિરને માટે
    હું પ્રાર્થના કરું છું કે શુભ વસ્તુઓ તમારી સાથે થશે.

મંદિરે ચઢવાનું ગીત.

હે આકાશના રાજ્યાસન પર બિરાજનાર દેવ;
    હું તારા ભણી આંખ ઊંચી કરું છું.
જેમ સેવક પોતાના માલિક તરફ જોયા કરે;
    જેમ દાસીની આંખો પોતાની શેઠાણીને જોયા કરે;
તેમ અમારી આંખો અમારા દેવ યહોવાની દયા થાય
    ત્યાં સુધી તેના ભણી તાકી રહે છે.
અમારા પર દયા કરો, હે યહોવા દયા કરો;
    ખરાબ વ્યવહારથી અમે કંટાળી ગયા છીએ.
પેલા આળસુ અને ઉદ્ધત લોકો તરફથી અમારા પર
    પૂરતું અપમાન અને દોષારોપણ થયું.

મંદિર પર ચઢવા માટેનું દાઉદનું ગીત.

ઇસ્રાએલના લોકો કબૂલ કરતાં કહે;
    જો યહોવા અમારા પક્ષમાં ન હોત.
હા, જ્યારે લોકોએ અમારા પર હુમલો કર્યો
    ત્યારે જો યહોવા અમારા પક્ષમાં ન હોત.
તો દુશ્મનો અમને જીવતા ગળી ગયા હોત;
    અને તેઓના કોપથી અમારો નાશ થયો હોત.
ત્યારે પાણીની રેલમાં અમે તણાઇ ગયા હોત;
    અને પાણીએ અમને ડૂબાડી દીધા હોત.
તે અભિમાની માણસોએ અમને
    પાણીમાં ડૂબાડી દીધા હોત.

યહોવાને ધન્ય છે કે જેણે અમને તેઓના દાંતમાં શિકાર તરીકે પકડાવા ન દીધા,
    અને તેમણે અમારો નાશ થવા દીધો નહિ.

જેમ પારધીની જાળમાંથી પક્ષી છટકી જાય;
    તેમ અમારા જીવ બચી ગયા છે;
    જાળ તૂટી ગઇ છે અને અમે બચી ગયા છીએ.
આકાશ અને પૃથ્વીના સર્જનહાર;
    યહોવા જ અમારા મદદગાર છે.

મંદિર ચઢવાનું ગીત.

જેઓ યહોવામાં વિશ્વાસ કરે છેં, સિયોન પર્વત જેવો અચળ છે,
    તેઓને કદી હલાવામાં આવશે નહિ
    તેઓ સદાકાળ ટકી રહેશે.
જેમ યરૂશાલેમની આસપાસ આવેલા પર્વતો તેઓનું સદાકાળ રક્ષણ કરે છે;
    તેમ યહોવા પોતાના લોકોની આસપાસ છે અને સદાકાળ સૌનું રક્ષણ કરે છે.
કારણકે દુષ્ટ લોકો સદાકાળ ભલા માણસોના પ્રદેશ ને તાબામાં રાખી ન શકે,
    નહિ તો સારા લોકો દુષ્કર્મ કરવાનું શરુ કરે.

હે યહોવા, જેઓ સારાઁ છે;
    અને જેઓના હૃદય યથાર્થ અને પવિત્ર છે તેમની ભલાઇ કરો.
દેવ, કુટીલ લોકોને જેઓ અન્ય દુષ્કર્મો કરવા વાળા
    લોકોની સાથે કુટીલ કર્મો કરે છે તેમને દૂર લઇ જાય છે.

ઇસ્રાએલમાં શાંતિ પ્રસરે!

મંદિરે ચઢવા માટેનું ગીત.

જ્યારે યહોવા બંધકોને સિયોનમાં પાછા લઇ આવ્યા,
    ત્યારે અમે સ્વપ્ન જોતાં હોઇએ એવું લાગ્યું.
અમે અતિ આનંદ અને ઉત્સાહથી ગીતો ગાયા કરતાં હતાં;
    ત્યારે વિદેશીઓએ કહ્યું,
    “યહોવાએ તેઓને માટે અદ્ભૂત કામો કર્યા છે.”
યહોવાએ અમારે માટે મોટા કામ કર્યા છે
    જેથી અમે આનંદ પામીએ છીએ.

હે યહોવા, અમારાં બંધકોને પાછા લાવો,
    અને તેમને પાણીથી ભરેલા રણના ઝરણાંની જેમ ધસમસતાં આવવાની રજા આપો.
જેઓ આંસુ પાડતાં પાડતાં વાવે છે;
    તેઓ હર્ષનાદ કરતાં કરતાં લણશે.
જે કોઇ મૂઠ્ઠીભર બીજ લઇને રડતાં વાવણી કરવા જાય છે;
    તે ગીતો ગાતો આનંદ ભેર પાકનાં પૂળા ઊંચકીને પાછો આવે છે.

સુલેમાનનું મંદિર ચઢવા માટેનું ગીત.

જો યહોવા ઘર ન બાંધે તો;
    બાંધનારાઓનો શ્રમ વ્યર્થ છે,
અને જો યહોવા નગરનું રક્ષણ ન કરે તો;
    ચોકીદારનો ચોકી પહેરો સમયની બરબાદી છે!
જીવવા માટે વહેલી સવારથી મોડી રાત સુધી
    સખત પરિશ્રમ કરવાનો કોઇ અર્થ નથી,
કારણકે તે તેમને ચાહનારા
    પ્રત્યેકને આરામ આપે છે.

બાળકો યહોવા પાસેથી મળેલી ભેટ છે.[a]
    તેઓ માતાના દેહમાંથી મળેલું ઇનામ છે.
યુવાવસ્થામાંના પુત્રો તો;
    બળવાન વીર યોદ્ધાનાં હાથમાંના તીક્ષ્ણ બાણ જેવા છે.
જે માણસનો ભાથો તેનાથી ભરેલો છે તેને ધન્ય છે.
    જ્યારે તે નગરનાં દરવાજે શત્રુઓ સામે લડશે
ત્યારે તે પરાજ્જિત નહિ થાય.
    કારણકે તેનાં પુત્રો તેનો બચાવ કરશે.

નીતિવચનો 4

જ્ઞાનની ફળશ્રુતિ

દીકરાઓ, પિતાનો ઉપદેશ ધ્યાનથી સાંભળો, અને સમજણ મેળવવા માટે ધ્યાન આપો. હું તમને ઉત્તમ બોધ આપુ છું. મારા શિક્ષણનો ત્યાગ કરશો નહિ.

જ્યારે હું મારા પિતાના ઘરનો સભ્ય હતો, જ્યારે હું મારી માતાની દ્રષ્ટિએ એકનો એક યુવાન દીકરો હતો. ત્યારે મારા પિતાએ મને શિક્ષણ આપીને કહ્યું હતુ કે, “તારા હૃદયમાં મારા શબ્દો સંઘરી રાખજે, અને મારા આજ્ઞાઓને રાખજે અને તું જીવીશ. જ્ઞાન પ્રાપ્ત કર, બુદ્ધિ સંપાદન કર; મારું કહ્યું યાદ રાખજે, એમાંથી જરાય ચળીશ નહિ. જ્ઞાનનો ત્યાગ ન કરીશ, તે તારું રક્ષણ કરશે, તેના પર પ્રેમ રાખજે, તે તારી સંભાળ રાખશે.

“જ્ઞાન પ્રાપ્ત કરવાનું પહેલું પગથિયું છે: જ્ઞાન મેળવો! તારા સર્વસ્વને ભોગે પણ જ્ઞાન પ્રાપ્ત કરજે. તું એમનું સન્માન કરીશ તો એ તને ઊંચે ચઢાવશે; તું જો તેને ભેટીશ, તો તે તને પ્રતિષ્ઠિત કરશે. તે તને હારનો શણગાર અને સુશોભિત મુગટ પહેરાવશે.”

10 હે મારા પુત્ર, મને ધ્યાનથી સાંભળ અને મારા શબ્દોનો સ્વીકાર કર તો તારું આયુષ્ય વધશે. 11 હું તને જ્ઞાનનો માર્ગ બતાવીશ અને તને પ્રામાણિકતાને માર્ગે દોરીશ. 12 જેથી ચાલતી વખતે તને કોઇ બાધા પડે નહિ અને દોડતી વખતે ઠોકર વાગે નહિ, એનું જીવની જેમ સંભાળ રાખજે. 13 આ શિક્ષાને તું મજબૂતીથી વળગી રહેજે, તેને છોડતો નહિ, તેની કાળજી રાખજે કારણકે તે જ તારું જીવન છે.

14 દુષ્ટ માણસોના માર્ગે જઇશ નહિ, ખરાબ માણસોને રસ્તે પગ મૂકીશ નહિ. 15 તે રસ્તાથી દૂર રહેજે, તેની પાસે જઇશ નહિ. તેમાંથી છૂટો પડીને નીકળી જજે. 16 એ દુષ્ટ લોકોને કોઇનું નુકશાન કર્યા વિના ઊંઘ આવતી નથી. અને કોઇને ફસાવ્યા ન હોય તો તેમની ઊંઘ ઊડી જાય છે. 17 કારણ કે તેઓ પાપનો રોટલો ખાય છે અને હિંસાનો દ્રાક્ષારસ પીએ છે.

18 પણ સદાચારીઓનો માર્ગ પરોઢિયાના પ્રકાશ જેવો છે, જે દિવસ ચઢતાં સુધીમાં વધું ઉજ્જવળ અને ઉજ્જવળ પ્રકાશિત થતો જાય છે. 19 જ્યારે દુષ્ટોનો માર્ગ અંધકારમય છે, જેમાં પોતે શા માટે ઠોકર ખાધી છે તે પણ તેઓ જાણી શકતા નથી.

20 દીકરા, મારા વચનો ઉપર ધ્યાન આપ, અને મારા ઉપદેશને કાને ધર. 21 તારી આંખ આગળથી તેને દૂર થવા દઇશ નહિ, તેને તારા હૈયામાં સંઘરી રાખજે. 22 જે કોઇ તેને મેળવે તેના માટે તે જીવન છે. અને તેમને પૂર્ણ સ્વાસ્થ્ય આપે છે. 23 કોઇપણ બીજી વસ્તુ કરતાં સૌથી વધારે તારાં હૃદયની કાળજી રાખજે. કારણ એમાંથી જ જીવનમાં ઝરણાં વહે છે.

24 જૂઠ્ઠું બોલીશ નહિ અને ષ્ટવાણી બોલીશ નહિ. 25 તારી આંખો સામી નજરે જુએ. અને તારી સીધી નજર સામેના રસ્તા ઉપર રાખજે. 26 તારા ચરણોના માર્ગની યોજના કરજે. અને તારો સમગ્ર માર્ગ સુરક્ષિત હશે. 27 જમણે કે ડાબે વળ્યા વિના સીધા માર્ગે ચાલ્યો જજે. દુષ્ટ પાપને માર્ગે પગ મૂકીશ નહિ.

1 યોહાન 4:7-21

પ્રેમ દેવ પાસેથી આવે છે

વહાલા મિત્રો, આપણે એકબીજાને પ્રેમ કરવો જોઈએ, કારણ કે પ્રેમ દેવ પાસેથી આવે છે. જે વ્યક્તિ પ્રેમ કરે છે તે દેવનુ બાળક બને છે અને દેવને ઓળખે છે. જે વ્યક્તિ પ્રેમ કરતો નથી તે દેવને આળખતો નથી કેમ કે દેવ પ્રેમ છે. આ રીતે દેવે તેનો પ્રેમ આપણને બતાવ્યો છે: દેવે તેના એક માત્ર પુત્રને તેના મારફત આપણને જીવન આપવા માટે આ દુનિયામાં મોકલ્યો છે. 10 સાચો પ્રેમ એ દેવનો આપણા પ્રત્યેનો પ્રેમ છે, આપણે દેવ પર પ્રેમ રાખ્યો એમ નહિ. પણ તેણે આપણા પર પ્રેમ રાખ્યો અને પોતાના પુત્રને આપણાં પાપનું પ્રાયશ્ચિત થવા માટે મોકલ્યો એમાં પ્રેમ છે.

11 જો દેવે આપણને આટલો બધો પ્રેમ આપ્યો તો, વહાલા મિત્રો! તેથી આપણે પણ એકબીજાને પ્રેમ કરવો જોઈએ. 12 કોઈ વ્યક્તિએ હજુ સુધી દેવને જોયો નથી. પણ જો આપણે એકબીજાને પ્રેમ કરીશું, તો દેવ આપણામાં રહે છે. જો આપણે એકબીજાને પ્રેમ કરીએ, તો દેવનો પ્રેમ આપણામાં સંપૂણૅ થયેલો છે.

13 આપણે જાણીએ છીએ કે આપણે દેવમાં રહીએ છીએ અને દેવ આપણામાં રહે છે. આપણે આ જાણીએ છીએ કેમ કે દેવે આપણને તેનો આત્મા આપ્યો છે. 14 અમે જોયું છે કે પિતાએ તેના પુત્રને જગતનો તારનાર થવા મોકલ્યો છે. હવે આપણે લોકોને જે કહીએ છીએ તે આ છે. 15 જો કોઈ વ્યક્તિ કહે કે, “મને વિશ્વાસ છે કે ઈસુ દેવનો પુત્ર છે.” તો દેવ તે વ્યક્તિમાં રહે છે. અને તે વ્યક્તિ દેવમાં રહે છે. 16 અને તેથી આપણે જાણીએ છીએ કે દેવે આપણને કેટલો બધો પ્રેમ આપ્યો છે. અને આપણે તે પ્રેમ પર વિશ્વાસ કર્યો છે.

દેવ પ્રેમ છે. જે વ્યક્તિ પ્રેમમાં રહે છે તે દેવમાં રહે છે, અને દેવ તે વ્યક્તિમાં રહે છે. 17 જો દેવનો પ્રેમ આપણામાં સંપૂર્ણ થાય તો, પછી જ્યારે દેવ આપણો ન્યાય કરશે તે દિવસે આપણે ભયરહિત રહી શકીશું આપણે નિર્ભય રહીશું, કારણ કે આ જગતમાં આપણે તેના (ખ્રિસ્ત કે દેવ) જેવા છીએ. 18 જ્યાં દેવનો પ્રેમ છે, ત્યાં ભય નથી. શા માટે? કારણ કે દેવનો સંપૂર્ણ પ્રેમ ભય દૂર કરે છે. દેવની શિક્ષા વ્યક્તિને ભયભીત બનાવે છે. તેથી જે વ્યક્તિમાં ભય છે તેનામાં દેવનો પ્રેમ સંપૂર્ણ થતો નથી.

19 આપણે પ્રેમ કરીએ છીએ કારણ કે પહેલા દેવે આપણા પર પ્રેમ કર્યો. 20 જો કોઈ વ્યક્તિ કહે કે: “હું દેવને પ્રેમ કરું છું.” પરંતુ તે વ્યક્તિ ખ્રિસ્તમાં તેના ભાઈ કે બહેનનો દ્ધેષ કરે છે. તો તે વ્યક્તિ જુઠો છે. તે વ્યક્તિ તેના ભાઈને જોઈ શકે છે, છતાં તે તેનો દ્ધેષ કરે છે. તેથી તે વ્યક્તિ દેવને પ્રેમ કરી શકતો નથી, કારણ કે તેણે દેવને કદી જોયો નથી. 21 અને દેવ આપણને આ આજ્ઞા કરી છે: જે વ્યક્તિ દેવને પ્રેમ કરે છે તેણે ખ્રિસ્તમાં તેના ભાઈઓ અને બહેનોને પણ પ્રેમ કરવો જોઈએ.

યોહાન 11:30-44

30 ઈસુ હજુ ગામમાં આવ્યો ન હતો. તે હજુ માર્થા તેને જ્યાં મળી તે જગ્યાએ હતો. 31 યહૂદિઓ મરિયમ સાથે ઘરમાં હતા. તેઓ તેને દિલાસો આપતા હતા. તેઓએ જોયું કે મરિયમ ઉતાવળથી ઊભી થઈને બહાર ગઈ. તેઓએ ધાર્યું કે તે લાજરસની કબર તરફ જાય છે. તેઓએ વિચાર્યુ કે તે ત્યાં વિલાપ કરવા જાય છે. તેથી તેઓ તેને અનુસર્યા. 32 મરિયમ ઈસુ જે જગ્યાએ હતો ત્યાં ગઈ. જ્યારે તેણે ઈસુને જોયો. તે તેના પગે પડી. મરિયમે કહ્યું, “પ્રભુ, જો તું અહીં હોત તો મારો ભાઈ મરત નહિ.”

33 ઈસુએ જોયું કે મરિયમ રડતી હતી. ઈસુએ તે પણ જોયું કે યહૂદિઓ તેની સાથે આવ્યા હતા. તેઓ પણ રડતા હતા. ઈસુનું હૃદય ઘણું દુઃખી થયું અને તે ઘણો વ્યાકુળ હતો. 34 ઈસુએ પૂછયું, “તમે તેને (લાજરસ) ક્યાં મૂક્યો છે?”

તેઓ કહે છે, “પ્રભુ આવીને જો.”

35 ઈસુ રડ્યો.

36 અને યહૂદિઓએ કહ્યું, “જુઓ! ઈસુ લાજરસ પર પ્રેમ રાખતો હતો!”

37 પણ કેટલાક યહૂદિઓએ કહ્યું, “ઈસુએ આંધળા માણસની આંખો સાજી કરી છે. ઈસુમાં શું લાજરસ ન મરે એવું પણ કરવાની શક્તિ ન હતી?”

ઈસુ લાજરસને ફરીથી સજીવન કરે છે

38 ફરીથી ઈસુને તેના હૃદયમાં ઘણું દુઃખ થયું.

જ્યાં લાજરસ હતો તે કબર પાસે ઈસુ આવ્યો. તે કબર એક ગુફા હતી. તેના પ્રવેશદ્વારને મોટા પથ્થર વડે ઢાંકેલું હતું. 39 ઈસુએ કહ્યું, “આ પથ્થરને દૂર કરો.”

માર્થાએ કહ્યું, “પણ પ્રભુ, લાજરસને મરી ગયાને હજુ ચાર દિવસ થયા છે. ત્યાં દુર્ગંધ હશે.” માર્થા મૃત્યુ પામનાર માણસ (લાજરસ) ની બહેન હતી.

40 પછી ઈસુએ માર્થાને કહ્યું, “યાદ કર મેં તને શું કહ્યું હતું?” મેં કહ્યું, “જો તું વિશ્વાસ કરશે તો પછી તું દેવનો મહિમા જોઈ શકશે.”

41 તેથી તેઓએ પ્રવેશદ્વાર પરથી પથ્થર હઠાવ્યો. પછી ઈસુએ ઊંચે જોયું અને કહ્યું, “પિતા, હું તારો આભાર માનું છું. કારણ કે તેં મને સાંભળ્યો. 42 હું જાણું છું કે તુ મને હંમેશા સાંભળે છે. પરંતુ મેં આ કહ્યું કારણ કે અહીં મારી આજુબાજુ લોકો છે. હું ઈચ્છું છું કે તેઓ વિશ્વાસ કરે કે તેં મને મોકલ્યો છે.”

43 ઈસુએ આમ કહ્યા પછી મોટા સાદે પોકાર કર્યો, “લાજરસ બહાર આવ!” 44 તે મૃત્યુ પામેલ માણસ (લાજરસ) બહાર આવ્યો. તેના હાથ અને પગ લૂગડાંના ટૂકડાઓથી વીંટળાયેલા હતા. તેનો ચહેરો રૂમાલથી ઢાંકેલો હતો.

ઈસુએ લોકોને કહ્યું, “તેના પરથી લૂગડાંના ટૂકડા લઈ લો અને તેને જવા દો.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International